પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ -૧૦-અમેરિકા, લિ. હું આવું છું…!


અમેરિકા, લિ. હું આવું છું!

“તા. ૨૦, સપ્ટેમ્બર, ૧૯૭૮. આજે હું પહેલીવાર જિંદગીમાં આ ડાયરી લખવા બેઠી છું. દિલીપના ચોથાની વિધિ અને અંતિમ ૧૧મું, ૧૨મું તથા ૧૩માનું શ્રાધ્ધ કર્યા જો પંડિતજી કહેતા હોય એ સત્ય હોય તો, મારી પાસે નવ દિવસ અને આઠ રાત્રી બાકી છે જેમાં મારે એને એના મહાપ્રયાણ માટે એને બિલકુલ મુક્ત કરી દેવો છે. મને ખબર નથી કેવી રીતે, પણ, અતીતને યાદ કરતાં એટલું સમજાય છે કે, દિલીપ મારા અસ્તિત્વની ક્ષણેક્ષણ અને કણેકણમાં છે. મને આજે ફરી એ જ લાગણી અને અસલામતી થઈ રહી છે, જે, એના લગ્ન તથા અમેરિકા જવાના સમયમાં થઈ હતી…! જો કે, એક વાત એ પણ છે કે, મારી સાવ સાદી જિંદગીમાં, મૈત્રી અને પ્રેમ, બેઉની મહેર પણ સદા જ રહી છે….!”

મેં ડાયરી બંધ કરી અને ટીવી ખોલ્યું. દૂરદર્શન પર અમારા જ બિલ્ડીંગમાં રહેતી સોહામણી નયના મિત્રા સમાચાર વાંચી રહી હતી. સવારના સાડા સાત વાગ્યા હતા. સીતા પણ ઊઠી ગઈ હતી. લિવીંગરૂમમાં આવીને મને ચા અને નાસ્તાની ટ્રે આપી ગઈ, એ સાથે જ, મને આગળ ન બોલવાની તાકીદ કરી, “દીદી, હું આ બે ખાખરા અને ચા લાવી છું. અને હા, “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” આજે મુંબઈમાં પ્રેસ હડતાલ હોવાના કરણે આવ્યું નથી.” સીતા ટીપાઈ પર ટ્રે મૂકી, એક લાગણીવાળી ભીની નજર મારા પર નાખી, રસોડામાં જતી રહી. મને થયું મારા પર નીંદરની મહેર ક્યારે થશે? અતીતનો ખુમાર હજી ઊતર્યો જ છે ક્યાં કે નીંદરનો કેફ કરી શકાય?

*******

જુનિયર ઈયર મારા માટે કદાચ, સૌથી વધુ એકલતાના ઓછાયા હેઠળ પસાર કર્યું. ઋચા અને હું, હવે રોજ નહોતાં મળતાં. ઋચાને, જી.એસ. મેડિકલ કોલેજ, (કે.ઈ.એમ. હોસ્પિટલ), એ સમયની, મુંબઈની ખૂબ જ પ્રેસ્ટીજીયસ મેડિકલ કોલેજમાં એડમીશન મળી ગયું અને પહેલું વરસ થોડું ભારી પડે તો હોસ્ટેલમાં રહેવાનું નક્કી કર્યું. મારી કોલેજ અને ઋચાની કોલેજ જુદી થઈ હતી. હવે તો એકમેકને ઘરે રોજ દોડીને જતાં હતાં એ પણ સદંતર બંધ થવાનું હતું. ઋચા એના ઓરિયન્ટેશનનો દિવસ પૂરો કરીને, સાંજના સાડાપાંચ વાગે, સીધી મારા ઘરે વાવાઝોડાની જેમ ધસમસતી આવી. આવતાંવેંત મને કહે, “મેમસા’બ, મારે ખાસ વાત કરવી છે, ઊઠો.” મમ્મી ડાયનીંગ ટેબલ પર બેસીને ભીંડાનું શાક સમારતી હતી. એક બે કાચા ભીંડા એમાંથી ઊપાડીને ઋચા મોંમાં મૂક્યાં. મમ્મીએ એના હાથ પર ટપલી મારીને કહ્યું, “ડોક્ટર થવાની પણ ચોખ્ખાઈ ક્યારે શીખીશ? બહારથી આવી છે તો, કમ સે કમ હાથ તો ધોઈ લે!” ઋચાએ જવાબમાં બે ભીંડા મમ્મીની નજર ચૂકવીને લઈ લીધાં અને કહે, “કઈં નથી થતું, માસી. બે દિવસ પહેલાં ઘસીઘસીને નાહી હતી ત્યારે હાથ અને મોઢું બેઉ ધોયાં હતાં, તેનું શું?” અને મમ્મીને કહે, “મારે તમારી આ લાડલી સાથે ખાસ વાત કરવી છે. હું તમારું માથું આવીને ખાઈશ અને હા, હું જમીશ પણ અહીં! લવ યુ માસી!” અને ફ્લાઈંગ કીસ મમ્મીને આપી, મને વરંડામાં ઘસડી ગઈ. એનું મરકમરક થતું મુખ જોઈને, મને ખાતરી હતી કે એનો દિવસ ખૂબ જ સરસ ગયો હતો..! હું વરંડાની પાળી પર બેઠી અને ઋચાને કહ્યું, “હવે મોઢાથી કઈંક બોલીશ કે શું એવી પ્રાઈવ્હેટ વાત છે કે મારે મહેરુનીસાને કુર્નિશ બજાવી ઈલ્તીજા કરવી પડશે?”

ઋચા હસી પડી, “મહેરુનીસા? અરે, ઔરંગઝેબની દિકરી ક્યાં બનાવે છે? વેરી બેડ! પણ સાંભળ, તું નહીં માને કે આજે શું થયું? મારું, આજનું વન ઓન વન, ઓરિયેન્ટેશન સેકન્ડ ઈયરના સ્ટુડન્ટ, રવિ મહેતા સાથે હતું! કેન યુ બીલીવ ઈટ? નેવર થોટ કે આમ પાછી મળીશ!”

હું હવે એકદમ જ પઝલમાં પડી ગઈ. મારી આંખોમાં પ્રશ્નાર્થ હતો અને હોઠોં પર આવી ગયો, “આઈ કેન ઓનલી બીલીવ ઈટ જો મને ખબર હોય કે આ સા…, રવિ મહેતા કોણ છે!”

“અરે યાદ છે, મારા લંડન જવા સમયે, તું અને હું, ખરીદી કરવા ગયા હતાં ત્યારે, અંધેરીના એ સ્ટોરમાં ઊભા રહ્યાં હતાં અને પેલો છોકરો…!” હવે હું એકદમ જ ઊછળી પડી. “ના હોય..! રીયલી?” અને ઋચા, રવિ સાથે વીતાવેલા એના એ “વન ઓન વન” ઓરિયેન્ટેશન વિષે નોન-સ્ટોપ રાજધાની એક્સ્પ્રેસ સમ, સુપરફાસ્ટ બોલતી રહી અને હું એને ખુશખુશાલ જોવાનો લ્હાવો માણતી રહી. ઋચા અંદરથી જ ખુશખુશાલ રહેતી. ક્યારેય મેં એને કોઈ પણ સંજોગોમાં મોળી પડતી જોઈ નહોતી. પણ આજની જેમ આટલી હદબહારના ઉત્સાહથી છલકાતી મેં એને પહેલીવાર જોઈ. મારી જોડે પણ ઋચા ક્યારેય પોતાના પિતા કે મા વિષે વાત ન કરતી. કાકા-કાકીને ત્યાં એ એમની દિકરીની જેમ ઉછરી હતી. એમના બેઉ દિકરાઓ એને પોતાની સગી બેન ગણતા. અચાનક જ ઋચા વરંડાની ખુરશી પર બેઠાંબેઠાં પગ લાંબા કરીને બોલી, “જાનેમન, હું તો લવ એટ ફર્સ્ટ સાઈટ- જોતાંવેંત જ રવિના પ્રેમમાં પડી ગઈ છું! હવે તો ઈંતઝાર છે કે એ ક્યારે મને પ્રપોઝ કરે!” મેં કહ્યું, “ઓ ખ્વાબોંકી શહેજાદી, આજે પહેલીવાર તું મળી છે….અને સીધું પ્રપોઝ?.” એણે મને અટકાવીને કહ્યું, “કરેક્શન પ્લીઝ, બીજીવાર…!!” મેં અકળાઈને કહ્યું, “ઓકે, બીજી વાર! આમ તે કઈં પ્રેમ થતાં હશે! વોટ ઈઝ રોંગ વીથ યુ?” પહેલી જ વાર, મેં એની આંખોમાં ઝળઝળિયાં જોયાં, “સુલુ, તું તારી માને ખોળે મબલખ હેતમાં ઉછરી છે. કાકા-કાકીએ ભલે મને દત્તક લઈને દિકરી ગણીને મોટી કરી. મને જે જોઈએ તે આપવામાં, કદી પોતાના સંતાનો અને મારામાં ફેર ન કર્યો, પણ, જ્યારે મારા બાપુજીને અને એમની બીજી પત્નીના સંતાનો સાથે જોઉં છું ત્યારે મને ખબર નહીં, કેમ, હ્રદયમાં આછી ટીસ ઊઠે છે! હું કાકા-કાકીની દિકરી જેવી જ છું પણ.. બાપુજી તો મારા પોતાના હોવા છતાં મારા ન થઈ શક્યા તો….!” એનાથી એક ડુસકું ભરાઈ ગયું. હું નજીક ગઈ અને એની પીઠ પસવારી, અને, કઈં પણ કહું તે પહેલાં, ઋચા આંસુ લૂછીને સ્વસ્થ થઈને એના યુઝવલ ઉત્સાહથી રણકતા સ્વરે કહે, “મેડમ, હમ તો ડંકે કી ચોટસે પ્યાર કરેંગેં! પ્રેમમાં પડતાં પડતાં ભણવાનું અને ભણતાં ભણતાં પ્રેમમાં પડવાનું…! ક્યા લાઈફ હોગી…!”

હું હસીને એને ભેટીને બોલી, “આમ જ હસતી રહેજે..!” ઋચા મને પગે લાગવાનો અભિનય કરીને કહે, “મારી સુલુમા,

ઓફ કોર્સ રહીશ…! હું ક્યાં તારી જેમ સડુ છું? ચાલ, માસીને પૂછીએ, આપણે બેઉ જો સડુ હોત તો એમનું શું થાત..!” અને અમે મસ્તી કરતાં કરતાં અંદર ગયાં. એ દિવસે, ઋચાની ખુશીથી અમારા ઘરની હવાએ પણ એના પગમાં ઋચાના ઉત્સાહનાં રુમઝૂમતાં ઝાંઝર પહેરી લીધાં હતાં. રાતના આઠ વાગે એના ઘરે જતી વખતે, ઋચા ગળગળા અવાજે બોલી, “આજે મેં સવારના ઘરેથી નીકળતી વખતે કાકા-કાકીને કહ્યું હતું કે હું મોડી આવીશ અને સુલુને ત્યાં જ જમીશ. એમણે ભલે કહ્યું પણ ત્યારે મને વિચાર આવ્યો કે શું મારા મમ્મી-પપ્પા હોત તો એવું કહેત, કે ‘આજે તો તું સીધી ઘરે આવજે અને અમારી સાથે જમીને પછી સુલુને ત્યાં જજે..! અમને પણ તારો મેડિકલ કોલેજનો ઓરિયેન્ટેશનનો દિવસ કેવો ગયો એ જાણવું છે. અને, હોસ્ટેલમાં કેમ રહેવું છે.”.વગેરે વગેરે કહેતે… કે નહીં?, બસ, એવો વિચાર એકલાં બેસીને કરું છું ત્યારે થાય છે કે, તારી મૈત્રી ન મળી હોત તો.. ..” મેં એને અધવચ્ચે જ અટકાવીને કહ્યું, “મને પૂછ કે હું તને બર્દાશ્ત કેમ કરું છું, ગુલેગુલઝાર…! રવિ સાથે મને એકવાર મેળવ અને પછી જો…..!” અમે આમ ખાટી મીઠ્ઠી વાતો કરીને છૂટાં પડ્યાં..!

*******

ઋચા મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને વીકએન્ડમાં ઘરે આવતી ત્યારે અમે બેઉ થોડાંક કલાકો તો ફાળવી લેતાં. રવિ સાથે ઋચા એના સ્વપ્ન પ્રદેશમાં અને ભણવામાં બીઝી હોવા છતાં મારા માટે બરાબર સમય ફાળવતી. હું અનેક બીજી સખીઓ સાથે મળતી. જુનિયર ઈયર મજા કરવા માટે કહેવાતું પણ દિલીપ અને ઋચા, બેઉને રોજ મળ્યાં વિના જીવવું એ મારા માટે મોટું એડજસ્ટમેન્ટ હતું. આ સમય દરમિયાન, હું અને મમ્મી બેઉ, ધાજી અને અદાની ખબર નિયમિત રીતે રાખતાં. હું રોજ ધાજી પાસે જઈને બેસતી પણ અદા સાથે વાત કરતી વખતે, મને લાગતું કે મારી અને એમની વચ્ચે એક કાચની દિવાલ ચણાઈ ગઈ છે. અમે બેઉ એકમેક સાથે બોલીએ છીએ પણ મને તો અદાના એ શબ્દોના પડઘા જ સંભળાય છે, જેનાથી બધાંની જિંદગી “અપ સાઈડ ડાઉન” થઈ ગઈ! એકાદવાર, અદા બોલ્યા પણ ખરા, “સુલુ કેમ આટલી ગંભીર છે? અને ત્યારે મને, દિલીપના દરેક મહિને આવતા પત્રોમાં અચૂક આવતાં બ્રહ્મવાક્યો યાદ આવી ગયા, “માસીને મારા વતી પ્રણામ કરીને- એ પણ બરબર નીચે વળીને, પગે લાગજે- ખાસ ખબર પૂછજે. ધાજી અને અદાને માટે તારો અને માસીનો આ પ્રેમ અને આદરની હું બહુ કદર કરું છું, કે, મારી ગેરહાજરીમાં પણ તું રોજની જેમ જ જાય છે. થેંક યુ કહીને આ પાડ ઓછો નહીં કરું.” અને મેં ત્યારથી જ નક્કી કરી લીધું કે કઈં પણ થાય, મારા તરફથી કોઈ ચૂક વિના હું અદા અને ધાજી માટે મારી ફરજ નિભાવીશ. મેં ત્યાર પછી અદાને ફરિયાદ માટે મોકો કદી ન આપ્યો.

******

જુનિયરમાં હું આખી બોમ્બે યુનિવર્સીટીમાં મારા વિષયોમાં ફર્સ્ટ આવી હતી. આ સમાચાર દિલીપને જ્યારે લખ્યા તો એણે સામો વળતા જવાબમાં એક યુનિવર્સીટી ઓફ ચિકાગોના એમ.એસ. ઈન ઈકોનોમીક્સ એન્ડ પોલિટીકલ સાયન્સ પ્રોગ્રામની એપ્લીકેશનનું પેકેજ મોકલ્યું. એની સાથે એક નાની નોટ હતી. “સિનીયર ઈયરમાં સમય કાઢીને પણ યુનિવર્સીટીના ફેલો કે પી.એચ.ડી.ના ગાઈડ સાથે કામ કરજે, તારું અહીંનું એડમીશન નક્કી થઈ જશે. ધાજી અને અદાને પણ અહીં બોલાવવા છે, જોઈશું, ક્યારે બને છે.” હું ક્યાંય સુધી એ પેકેજ ને પકડીને બેઠી રહી અને વિચાર્યા કર્યું કે મારે જવું જોઈએ કે નહીં…! તે દિવસે શુક્રવારની સાંજના ચાર વાગ્યા હતા. અમારું સિનીયર ઈયર શરૂ થવાને હજુ દસેક દિવસોની વાર હતી. ઋચાની મેડિકલ કોલેજમાં એ દિવસથી ૧૫ દિવસની રજા શરૂ થતી હતી. હું મનોમન વિચારતી બેઠી હતી કે ઋચા આજે સાંજના ઘરે આવશે અને કાલે, શનિવારે સવારે, એની રાબેતા મુજબની ટેવ પ્રમાણે, સવારના છાપાંની જેમ ત્રાટકશે ત્યારે એને અને મમ્મીને સાથે જ પૂછીશ, કે, મારે શું કરવું જોઈએ…! આગળના ઓટલે બેઠી, હું, હજુ તો વિચાર કરું છું ત્યાં તો, ટેક્સી ડ્રાઈવરે ઝાંપો ખોલીને ટેક્સી અંદર લીધી. ઋચા ટેક્સીમાંથી બેય હાથ ઊંચા કરીને કૂદી રહી હતી. ટેક્સી આંગણાંમાં આવી ને રૂમઝુમતી ઋચા ઊતરીને મને ભેટી પડી. ત્યાં સુધીમાં તો આ બધો અવાજ સાંભળી, મમ્મી પણ બહાર આવી. ટેક્સી ડ્રાઈવરે ઋચાનો સામાન, ટ્રંકમાંથી કાઢીને નીચે મૂક્યો. અને ભાડાના ૧૧ રૂપિયા માગ્યા. મમ્મીએ કહ્યું, “ઋચા તું રહેવા દે. હું આપી દઉં છું.” એમ કહી અંદર, પૈસા લેવા ગઈ ત્યાં સુધીમાં તો ઋચાએ પૈસા આપી પણ દીધાં. મમ્મી આવી તો કહે, “સારું થયું આજે સીધી અહીં આવી. તમે બેય જણી આરામથી વાતો કરો. હું શાક લેવા જાઉં છું.” અને પછી ઋચા તરફ ફરીને કહે, “બોલ, દિકરા, ક્યું શાક ખાવું છે? કેટલી દૂબળી થઈને આવી છે? હવે અહીં જમીને જજે. શું બનાવું બીજું?”

“માસી, જમીને જ નહીં પણ કાલે સવારે બ્રેકફાસ્ટ કરીને જઈશ. મારા ઘરેથી, મારા મોટાભાઈ સમીર માટે સહુ છોકરી જોવા અમદાવાદ ગયા છે. મેં ફોન કર્યો હતો તો કાકી કહે, કે, હું આજની રાત તમારે ત્યાં રહી જાઉં…! આમ જુઓ તો મને ખોટું લાગવું જોઈએ પણ, માસી, મને કોઈ વાતનું ખોટું આજકાલ નથી લાગતું.” અને મમ્મીના હાથ પકડી એને ગોળ ફેરવતાં કહે, ”આજે તો તમને બધા જ રહસ્યો કહીશ. માસી, આઇ એમ ઈન લવ, પગથી માથા સુધી!”

મમ્મી કહે, “અરે, તું તારા પ્રેમીને ગોળ ગોળ ફેરવ, મને કેમ ફેરવે છે?  મને તો ચક્કર આવે છે. છોડ મને!” અને, મમ્મી પણ ઓટલે બેસી પડી.

પછી તો, ઋચાની બેગ અને બીજો સામાન હું અને ઋચા ઊંચકીને થોડીવાર પછી અંદર લઈ જશું કહીને, ઋચા પણ અમારી સાથે ઓટલે બેઠી. મારા હાથમાંના પેકેટ પર બેઉની નજર પડી. બેઉ લગભગ સાથે બોલ્યાં, “શું છે આ?”

મેં વિગત કહી. મમ્મી અને ઋચા બેઉએ લગભગ એક અવાજે મને પૂછ્યું, ”તારે શું કરવું છે?”

મેં એમને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. મમ્મી એની “નો નોનસેન્સ” ની દ્રઢતાથી બોલી, “તારી કેરિયર માટે જે સારુ હોય તે કરજે પણ નજર સાફ તારા ભાવિ પર રાખજે, જેથી, ભૂતકાળથી વર્તમાન કે ભવિષ્ય ખરડાય નહીં. હું તારી સાથે જ છું. તું જે પણ નક્કી કરશે એમાં!”

“અરે વાહ, માસી, તમે સાચે જ પોલિટીકલી કેટલી કરેક્ટ વાત કરો છો? ચાલ હવે, સુલુ, તું કહે, તારે શું કરવું છે?”

હું પેકેટ હાથમાં લઈને આસમાનમાં નજર કરીને બોલી, “અમેરિકા, લિ. હું આવું છું!”

 (વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

3 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ -૧૦-અમેરિકા, લિ. હું આવું છું…!

 1. અસ્તિત્વની કણેકણમાં હોય તેને મહાપ્રયાણ માટે બિલકુલ મુક્ત ‘કરવાની વાતે યાદ
  મા દાવડાજી કહે તે પ્રમાણે-
  ‘થઇ હવે વિયોગની વેદના વિગલીત
  ન રહ્યા આપણે બે, હવે તું હું થઇ ગઇ !
  હવે સારા સમાચાર વંચાશે… ને -‘ ઋચાને, જી.એસ. મેડિકલ કોલેજ, (કે.ઈ.એમ. હોસ્પિટલ) ‘વાંચતા અમારા ફ્લેશબૅકમા પડઘાયા સ્વ. ડો મનુ કોઠારી- જી.એસ. મેડિકલના એનેટોમી વિભાગના ડીન જેઓ મૅડીકલ ગૅરનીતિઓને વૈજ્ઞાનિક રીતે ઉઘાડી પાડતા-‘ ‘જગતભરમાં કેટલા લોકોને ખબર છે કે તબીબી વિજ્ઞાન પાસે ખરેખર હૃદયરોગનો હુમલો, પક્ષઘાત, બ્લડપ્રેશર, કૅન્સર કે સંધિવા જેવા અનેક રોગોને માત કરવાની કે એવા રોગો થતા અટકાવવાની કોઈ દવા જ નથી,’
  અને જે કલ્પનામા હતું તે-‘…ઓરિયેન્ટેશન સેકન્ડ ઈયરના સ્ટુડન્ટ, રવિ મહેતા .અને જાનેમન, હું તો લવ એટ ફર્સ્ટ સાઈટ વાંચતા ગુંજ્યું
  જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
  થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી
  બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
  ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”

  ત્યાં તો-‘“અમેરિકા, લિ. હું આવું છું!”…કલ્પના ક્રરતા આવતા ગુરુવારની રાહ્……….

  Like

 2. દિલીપના ચોથાની વિધિ અને ત્યારબાદ એને મહાપ્રયાણ માટે બિલકુલ મુક્ત કરવાની ઘડી કેવી હોઇ શકે? જે વ્યક્તિ ક્ષણેક્ષણમાં અને કણેકણમાં હોય એને કંઇ અમેરિકા જવાની વેળાએ અપાતી વિદાય જેવી વિદાય આપી શકાય?

  જો કે, એક વાત એ પણ છે કે, સુલુની સાવ સાદી જિંદગીમાં, મૈત્રી અને પ્રેમની મહેર પણ આપણે અનુભવી શકીએ છીએ.

  બાકી આજની આખી વાતમાં ઋચાનું વ્યક્તિત્વ જે રીતે નિખાર્યું છે એ જાણે સુલુના જીનવરણમાં મીઠી વિરડી જેવું છે. ઋચા માટે વપરાયેલા શબ્દોજ એટલા મઝાના છે જે ઋચા આંખ આગળ આવીને ઊભી રહે..

  જ્યારે ઋચાની ખુશીથી સુલુના ઘરની હવાએ પણ એના પગમાં ઋચાના ઉત્સાહનાં રુમઝૂમતાં ઝાંઝર પહેરી લીધાં હોય ત્યારે એ ઝાંઝરની રુમઝૂમ આપણાંય કાન સુધી પહોંચે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s