લોકેષ્ણા (પી. કે. દાવડા)


લોકેષ્ણા

સમાજમાં મારી સારી છાપ હોય, લોકો મારા વખાણ કરે, મને માન આપે, આવી ઇચ્છા વધતે ઓછે અંશે બધા માણસોની હોય છે. જીવનની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય ત્યાર બાદ આવી ઇચ્છા વધારે પ્રબળ થાય છે. આ લક્ષ્યને પામવા લોકો અલગ અલગ રસ્તા અપનાવે છે. દાન-ધરમ કરે છે, સંસ્થાઓ ખોલે છે, પાર્ટીઓ યોજે અને મોંઘી મોંઘી કલબના સભ્ય થાય છે. ટુંકમાં પોતાનો જય જયકાર થાય એવા પ્રયત્નો કરે.

લોકો જ્યારે તમારા વખાણ કરે છે ત્યારે તમને ભાવતી વાનગી ખાઈને જેટલો આનંદ થાય એટલો જ આનંદ થાય છે. એક્વાર એક મુકામે પહોંચ્યા પછી તમારી ટીકા સહન કરવાની શક્તિમાં ખૂબ ઘટાડો થઈ જાય છે. કોઈ તમારી સહેજ પણ ટીકા કરે તો એના પ્રત્યે તમારા મનમાં રોષ અને અભાવની લાગણી પેદા થાય છે. તમે એ વ્યક્તિને ભવિષ્યમાં ટાળવા પ્રયત્ન કરો છો. એ વ્યક્તિ વિષે કોઈ તમારો અભિપ્રાય પૂછે તો તમે મોઘમ રીતે એની નબળી બાજુની જ વાત કરો છો.

આવી લોકેષ્ણાના મૂળમાં તમને તમારી જાત પ્રત્યેનો પેદા થયેલો મોહ છે. હું બીજા લોકો કરતાં વધારે સારો છું, વધારે યોગ્ય છું એવી માન્યતા જ્યારે મનમાં ઘર કરી લે છે, ત્યારે આવો મોહ જન્મે છે. આવો મોહ તમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે તમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી. આ મોહની મુખ્ય શક્તિ એવી છે, જે સત્યની ઉ૫ર એક આવરણ લાવી દે છે, જેથી મનુષ્‍ય સત્યનું વાસ્તવિક સ્વરૂ૫ જોઇ શકતો નથી

ત્યાર બાદ આવા લોકો હંમેશાં પ્રત્યેક કાર્ય કરતી વખતે લોકેને કેવું લાગશે? લોકો શું કહેશે એ વિચારથી જ ઘેરાયલા રહો છો. એક રીતે તમે તમારા જીવનનું નિયંત્રણ અન્ય લોકોના હાથમાં સોંપી દો છો. તમારે શું કરવું છે એ ગૌણ બની જાય છે, લોકોને શું ગમશે એ મહત્વનું થઈ જાય છે. એક્વાર કપાળે ચાંદલો ચીતર્યો પછી તમે બીયરબારમાં કે ડાન્સીંગ કલબમાં ન જઈ શકો.

આ લોકેષ્ણાનો રોગ જ્યારે વધી જાય છે ત્યારે તમે તમારા જીવન દરમ્યાન લોકો શું કહેશે માત્ર એટલું જ વિચારતા નથી, પણ તમારી આ દુનિયામાંથી વિદાય બાદ પણ લોકો શું કહેશે એની ચિંતા તમને કોરી ખાય છે.

આવા લોકોને જીવન દરમ્યાન ગમે એટલા પૈસા મળે, ગમે એટલી સમૃદ્ધિ મળે, ગમે એટલી મોટાઈ મળે તોય દુઃખ રહેવાનું, કારણ કે દુઃખ ખોટી અને મોટી અપેક્ષાઓમાં છે. અપેક્ષા હોય એટલે ગમે એટલું મળે તોય ઓછું લાગે. બીજાનું જુએ એટલે પોતાનું ઓછું લાગે. પણ એમ ન જાણે કે ‘એને ભગવાનની ઇચ્છાથી મળ્યું છે અને મને પણ જે મળ્યું છે એ ભગવાનની ઇચ્છાથી જ છે.’ આવું માને તો સંતોષ રહે અને શાંતિ રહે.

આવી લોકેષ્ણાથી દૂર રહેવા મેં એક સૂત્ર અપનાવ્યું છે “રામકા નામ લીયે જા, તૂ અપના કામ કીયે જા”. જોઈએ આનું કેટલું પાલન કરી શકું છું અને લોકેષ્ણાથી કેટલો બચી શકું છું.

-પી. કે. દાવડા

4 thoughts on “લોકેષ્ણા (પી. કે. દાવડા)

  1. આપની એક વાત સાવ સાચી છે કે એકવાર એક મુકામે પહોંચ્યા પછી ટીકા સહન કરવાની શક્તિ ઘટે છે એટલે આપણા દોષ જોવા સમજવા કે સ્વીકારવા જેવી તટસ્થતા જો કેળવાય તો બાકી બધું સરળ બની જાય .

    Liked by 1 person

  2. લોકેષ્ણા અંગે મા દાવડાજીનો અભ્યાસપૂર્ણ લેખ
    લોકેષ્ણા, વિત્તેષ્ણા અને પુત્રેષ્ણા. આ ત્રણ ઈષણાઓને લઈને જ પ્રવૃત્તિઓ થતી રહેતી. હોય છે. પોતાના કુટુંબને આગળ લાવવા માટે આખી જિંદગી માણસ. પોતાનું સમગ્ર તંત્ર વાપરતા હોય છે. ઘણા પૈસા ભેગા કરવા માટે સમગ્ર તંત્ર. વાપરતા હોય છે. લોકોમાં વાહવાહ બોલાય તે માટે ઘણા સમગ્ર તંત્ર વાપરતા. હોય છે. ત્યાગીઓ સંસાર છોડીને આવે પણ. લોકેષ્ણા, વિત્તણા, પુત્રેષ્ણા ના ઓગળી હોય તો પછી આ જ. ધંધા કરે!
    તેનો સંત ઉપાય બતાવતા કહ્ર કે નામેષ્ણા – નામ રટણ કરવાની એષ્ણા, પ્રેમેષ્ણા – હરિના ચરણોમાં પ્રીતિ અને શ્રવણેષ્ણા – શુભ શ્રવણ કરવાની એષ્ણા

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s