મને હજી યાદ છે-૩૧ (બાબુ સુથાર)-સંદેશ:૪


સંદેશ:૪

ક્યારેક પ્રમાણિકતા આપણને નૈતિક દ્વિઘામાં મૂકી દે. આવું મારે અવારનવાર બન્યું છે. ટૅલિફોન ઑપરેટર હતો ત્યારે હું ઘણા બધા લોકોના ફોન સાંભળી શકતો. મોટા ભાગના ટૅલિફોન ઑપરેટરો ગ્રાહકની શરૂઆતની અરધી મિનિટની વાતચિત સાંભળતા. ખાસ તો પ્રત્યાયનની ગુણવત્તા જાળવવા માટે. પણ એમ કરતાં ક્યારેક ઑપરેટરોને ગ્રાહકની અંગત વાતચિતમાં પણ રસ પડી જતો. એક વાર હું ગોધરામાં હતો ત્યારે એસ.એસ.સી.નું ગણિતનું પેપર ફૂટી ગયેલું. અમદાવાદથી ગોધરા એક ફૉન આવેલો. એ માણસ ફૉન પર પેપર લખાવી રહ્યો હતો. સવાલ મારા માટે એ હતો કે મારે એ ઘટનાને અટકાવવી જોઈએ કે નહીં? એક વાર એક દંપતિ ફોન પર ઝગડી રહ્યાં હતાં. પતિ હતા વડોદરાના ને પત્ની દિલ્હીનાં. હું ત્યારે વડોદરા ટેલિફોન ઓફિસમાં કામ કરતો હતો. પત્ની ફોન ઉપાડતી ને મૂકી દેતી. પતિ કહેતો: સાહેબ, ફોન કપાઈ ગયો. હું ફરીથી જોડી આપતો. એક જ ફોનમાં દસેક વખત આવું બન્યું. રાતના સાડા બાર એકનો સમય હતો. હું નવરો હતો. એટલે મને આ ઝગડામાં રસ પડી ગયેલો. પછી ખબર પડેલી કે પતિ તો સુરેશ જોષીના એક મિત્ર હતા અને એ ચિત્રકાર પણ હતા. એમની વચ્ચે ઝગડાનો વિષય હતો ‘બંબો’. પતિ કહે, “બંબો વસાવ્યો છે. તને તકલીફ નહીં પડે.” પત્ની કહે, “What is bamboo?” પતિએ બરાબર પીધેલો હતો. એ પણ પત્નીના વિરહમાં. આખરે મેં એમનાં પત્નીને ‘બંબા’ની વિભાવના સમજાવેલી. પછી તો મારે એ ચિત્રકાર સાથે ભાઈબંધી પણ થઈ ગયેલી. હું ઘણી વાર કહેતો કે ટૅલિફોન ઑપરેટરનું કામ પાદરી જેવું છે. બધું સાંભળવાનું. કોઈને કશું કહેવાનું નહીં. એક વાર વડોદરામાં એક આખા કુટુંબની હત્યા થયેલી. જો કે, એક બાળકી એમાં બચી ગયેલી. મારા એક ટૅલિફોન ઑપરેટર મિત્ર કહે: બાબુ, હત્યારાઓએ ફોન પર વાત કરેલી. મને ખબર છે. મને લાગ્યું કે આ ઘટનામાં નૈતિકતાની માળા જપવાની જરૂર નથી. એટલે મેં એને સલાહ આપી કે એ પોલીસ કમિશ્નરને વાત કરે. એણે એમ કર્યું પણ કોણ જાણે કેમ પોલીસ કમિશ્નરે એની વાત ન’તી માની. મને હજી યાદ છે. એણે કહેલું કે એ હત્યારાઓ ખંભાતના કે ખંભાત બાજુના હતા. એણે ફોન નંબર પણ આપેલો.

          દરેક નોકરીયાતે ક્યારેકને ક્યારેક આવી દ્વિઘાનો સામનો કરવો પડતો હશે એવું હું માની લઉં છું. પણ કેટલીક નોકરીઓમાં એનું પ્રમાણ કદાચ વધારે હશે. પત્રકારત્વ એમાંનું એક છે. ઘણી વાર આપણે સત્ય જાણતા હોઈએ તો પણ શેઠની આજ્ઞાથી એ સત્યને બાજુ પર મૂકી દેવું પડે. હું ‘સંદેશ’માં, મેં અગાઉ કહ્યું છે એમ, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમાચારોનું સંપાદન અને એના અનુવાદનું કામ કરતો હતો. આ વિભાગ સંભાળતા પત્રકારો મોટે ભાગે બીજા વર્ગના નાગરિકો જેવા. એમનું ઝાઝું માન નહીં. જો કે, તમે દિલ્હીમાં હો તો તમારું માન વધી જાય. કેમ કે ત્યાં દેશવિદેશીની એલચી કચેરીઓ છે. એ કચેરીઓ એમના સમાચાર પ્રગટ થાય એ માટે તમને ‘પ્લીઝ’ કરે. પણ વડોદરા જેવા શહેરમાં તમે અમેરિકાની તરફેણમાં લખો કે વિરોધમાં, ખાસ ફરક પડે નહીં. એને કારણે મારા જેવા પત્રકારને એક લાભ થયેલો. પ્રમાણિકતા જાળવવામાં તકલીફ ન’તી પડતી. એને કારણે મારી છાપ એક પ્રમાણિક પત્રકારની હતી.

          એક દિવસે મારા ઘેર એક ભાઈનો ફોન આવ્યો. કહે, “બાબુભાઈ સુથાર બોલો છો?” મેં હા પાડી. પછી એ ભાઈએ એમનો પરિચય આપ્યો. એમણે મારું નામ મારા એક મિત્ર, અર્જુન સિંગ, પાસેથી સાંભળેલું એ વાત પણ કરી અને કહ્યું કે તમે એક પ્રમાણિક પત્રકાર છો એટલે મેં તમને ફોન કર્યો. મને અંદરથી સાચે જ ખૂબ આનંદ થયો. એટલે મેં પૂછ્યું, “બોલો, કેમ ફોન કર્યો.” એ કહે, “મારે તમને એક ઇન્ટરવ્યુ આપવો છે. તમે પેલા વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને મારી વચ્ચેના ઝગડા વિશે તો સાંભળ્યું જ હશે.” મેં હા પાડી. એમણે આગળ વાત ચલાવી, “હું બેપાંચ દિવસમાં જ એમનું ખૂન કરી નાખવાનો છું. મારે ઇન્ટરવ્યુમાં એ વાત કરવી છે.” કથામાં પણ ન બને એવી આ ઘટના મને શરૂઆતમાં તો મજાક જેવી લાગેલી. મેં કહ્યું, “પણ બાપુ. શા માટે વેર વાળવાનું?” એ કહે, “એમણે એમ કહ્યું છે કે શું રાજપૂતોની તલવારો કટાઈ ગઈ છે? મારે એમને બતાવી દેવું છે કે રાજપૂતોની તલવારો હજી કટાઈ નથી.” મેં એમને મારી રીતે સમજાવ્યા. જો કે, એ તો એમની વાત કરતા રહ્યા કે હું એમને પતાવી દઈશ. મેં એ ઘટનાને ગંભીરતાથી ન લીધી. મને થયું કે હશે. ઝગડાને કારણે એ બહુ અકળાયેલા હશે.

ત્યાર પછી એકાદ અઠવાડિયું વીતી ગયું. મારે કોઈક કામે મુબંઈ જવાનું હતું. ભરત નાયકના ત્યાં. એ ત્યારે, મેં અગાઉ નોંધ્યું છે એમ, પૂર્વ ઘાટકોપરમાં રહેતા હતા. મેં રાતે સયાજીનગરી ટ્રેઈન લીધી. બીજી સવારે હું મુંબઈ પહોંચ્યો. દાદર સ્ટેશનની બહાર આવ્યો. ત્યાં ગુજરાતી છાપાં વેચાતાં હતાં. એ છાપાંની હેડલાઈન હતી: વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખની ધોળે દ્હાડે હત્યા. એ વાંચતાં જ મારા મોંઢામાંથી એક વાક્ય નીકળી ગયું: અરે, આણે તો બિચારાને મારી નાખ્યા! કોઈક માણસને તમે ઓળખતા ન હો, પણ એ માણસે તમારી સાથે ફોન પર વાત કરી હોય; વાતચિત દરમિયાન એણે કહ્યું હોય કે હું ફલાણાની હત્યા કરવાનો છું; તમે એની વાત માનો જ નહીં અને થોડા દિવસ પછી એ માણસ એની હત્યા કરી નાખે. તમને કેવી લાગણી થાય? મારા કાનમાં સતત એ માણસનો અવાજ વાગ્યા કરતો હતો: હું બતાવી દઈશ કે રાજપૂતોની તલવાર કટાઈ નથી… મેં એ ઘટનાની વિગતો જાણવા છાપું ખરીદી લીધું.

મને થયું: શું હું એ હત્યા અટકાવી શક્યો હોત ખરો? એ જમાનામાં હું ફ્રેંચ ફિલસૂફ સાર્તના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતો. એને કારણે મને એવો પ્રશ્ન પણ થયેલો કે એ હત્યામાં હું ભાગીદાર ગણાઉં કે નહીં? આખરે મેં મારી જાતને વ્યવસાયિક ગુપ્તતાનું બહાનું કાઢીને શાન્ત કરેલી.

હું મુંબઈથી પાછો વડોદરા આવી ગયો હતો. એ ઘટનાને પંદરેક દિવસ થઈ ગયા હતા. હજી પેલા પ્રમુખની હત્યા કરનારા પકડાયા ન હતા. છાપાં ભાત ભાતની વાર્તાઓ બનાવીને છાપતાં હતાં. ત્યાં જ એક બપોરે મારા ઘેર ફોન આવ્યો. સામે ‘બાપુ’ બોલી રહ્યા હતા. કહે, “બાબુભાઈ, મારે તમને મળવું છે.” મેં પૂછ્યું, “શા માટે?” “મારે તમને ઇન્ટરવ્યૂ આપવો છે” બાપુએ કહ્યું. પછી એમણે ઉમેર્યું, “હું પોલીસમાં હાજર થવાનો છું. પણ પોલીસ એની પ્રતિષ્ઠા સાચવવાની લોકોને એમ કહેવાની છે કે અમે ‘બાપુ’ને પકડી પાડ્યા છે. એ પહેલાં હું તમને ઇન્ટરવ્યૂ આપવા માગું છું. મારો એક માણસ તમને મારા સુધી લઈ આવશે.” કોણ જાણે કેમ મારે આમાં પડવું ન હતું. હું ધીમે ધીમે પત્રકારત્વથી છૂટવા માગતો હતો. એટલે મેં એમને કહ્યું કે હું કોઈક પત્રકારને કહીશ. એ તમારો ઇન્ટરવ્યૂ કરશે. તો એ કહે, “ના, મારે પ્રમાણિક માણસો જ જોઈએ. તમે ખૂબ પ્રમાણિક પત્રકાર છો. મને ખબર છે.” આખરે મેં એમને કહ્યું કે મારું કામ તો દેશવિદેશના સમાચાર પૂરતા મર્યાદિત છે પણ મને મારા તંત્રી સાથે વાત કરવા દો. જો એ મને પરવાગની આપશે તો હું ચોક્કસ તમારો ઇન્ટરવ્યૂ કરીશ. કાલે ફોન કરજો.

એ દિવસે સાંજે હું ‘સંદેશ’ પર ગયો. ત્યારે વિનોદ ભટ્ટ મુખ્ય સંપાદક હતા. મેં એમને વાત કરી. એ મારી સામું જોવા લાગ્યા. “તમે એમને ક્યાંથી ઓળખો?” મેં કહ્યું, “મારા મિત્રના ય મિત્રના સગા લાગે છે.” એમણે લીલી ઝંડી આપી. બીજા દિવસે બાપુનો ફોન આવ્યો. મુલાકાતનાં સ્થળ અને સમય નક્કી થઈ ગયાં. મારે એક વાત પર ખાસ ધ્યાન આપવાનું હતું. મારે એવું લખવાનું હતું કે બાપુ, જાતે જ પોલીસ સ્ટેશને હાજર થશે. હું એમાં તારીખ વાર લખીશ ને બાપુ એ રીતે પોલીસ સ્ટેશને હાજર થઈ જશે.

મુલાકાત માટે નક્કી કરેલો દિવસ આવ્યો. ત્યાં જ પાછો બાપુનો ફોન આવ્યો. “પોલીસને ખ્યાલ આવી ગયો છે કે હું ક્યાં છું. હું હવે બીજી જગ્યાએ જાઉં છું. હું તમને ફરીથી ફોન કરીશ.”

પછી તો બાપુ અને પોલીસ વચ્ચે સંતાકૂકડી શરૂ થઈ ગઈ.

અંતે બન્ને પક્ષો કોઈક સમાધાન પર આવ્યા. બાપુ પોલીસ સ્ટેશને હાજર થયા. છાપાંમાં આવ્યું: પોલીસે બાપુને ઝબ્બે કર્યા.

આ ઘટના પછી મારાં પત્નીએ કહ્યું: બસ કર હવે, બળવંત સુથારની ભૂમિકા ભજવવાની જરૂર નથી. જેટલું મળે છે એટલું પૂરતું છે.

ને ત્યાર પછી થોડા વખતમાં મેં ‘સંદેશ’ છોડ્યું.

4 thoughts on “મને હજી યાદ છે-૩૧ (બાબુ સુથાર)-સંદેશ:૪

 1. હાલ તો નેટિકક પ્રસ્થાવપત થયા બાદ, કમ્પ્યૂટર સદેશાની આપ-લેકરી શકે છે. જયારે પણ આપણે એક કમ્પ્યૂટરથી બીજા કમ્પ્યૂટપ્રત્યાયન એ માહિતીને એક સ્ત્રોત પાસેથી લઇને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે.પણ મા. બાબુભાઇના સમયના રસિક પ્રત્યાયન પ્રક્રિયાઓ, સંકેતના માધ્યમ થકી સંકેતો અને બે પરિબળો વચ્ચે સમાન સંકેતો અને સંકેત સંબંધી સંગ્રહ છે. આ સંગ્રહમા અમારા આ. સુરેશ જોષીના એક મિત્રનો પ્રત્યાયન અને તે અંગે પગલાની વાત ખૂબ ગમી
  આખરે મેં એમનાં પત્નીને ‘બંબા’ની વિભાવના સમજાવવાની વાતે આશ્ચર્યાનંદથયો!
  પોલીસ કમિશ્નરે એની વાત ન’તી માની. એ બેદરકારી ગણાય! આ તો જાણીતી વાત કે ‘દેશવિદેશીની એલચી કચેરીઓ છે. એ કચેરીઓ એમના સમાચાર પ્રગટ થાય એ માટે તમને ‘પ્લીઝ’ કરે’ પણ.“હું બેપાંચ દિવસમાં જ એમનું ખૂન કરી નાખવાનો છું..” વાત અને કેવી મજાબૂરી કે સાચેજ ખૂન થાય અને આપણે જાણતા હો ઉએ અને કાંઇ ન કરી શકીએ ! અને ‘આ ઘટના પછી મારાં પત્નીએ કહ્યું: બસ કર હવે, બળવંત સુથારની ભૂમિકા ભજવવાની જરૂર નથી. જેટલું મળે છે એટલું પૂરતું છે.’ અમને ગમી…
  સંદેશ છોડ્યા બાદ …
  પ્રતિક્ષા…સનસનાટીભરી રોમાંચક વાતોની…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s