સુરેશ દલાલ–જલસાનો માણસ (નટવર ગાંધી)


સુરેશ દલાલજલસાનો માણસ

સાહિત્ય અકાદમીને કારણે મને અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારોને મળવાનું થયું, એમાં સુરેશ દલાલ સાથે મૈત્રી થઈ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને ઉમાશંકર જોશી સાથે પરિચય બંધાયો. 1977માં સુરેશ દલાલ પહેલી વાર અમેરિકા આવ્યા ત્યારે પન્ના નાયક એમને લઈને વોશીન્ગ્ટન આવ્યા હતા.  એમની એ મુલાકાત દરમિયાન અને ત્યાર પછી ઘણી વાર જયારે પણ સુરેશભાઈ અમેરિકા આવ્યા ત્યારે અને હું જ્યારે દેશમાં જાઉં ત્યારે તેમને મળવાનું જરૂર થાય.

જો કે આમ તો કવિતા લખવાનાં છબછબિયાં મેં ઠેઠ હાઈસ્કૂલથી શરૂ કરેલાં અને કૉલેજમાં પણ કવિતાઓ લખીને એક હસ્તલિખિત કાવ્યસંગ્રહ ‘સ્વપ્નલોક’ નામે તૈયાર કર્યો હતો.  પરંતુ મારી કાવ્યલેખનની પ્રવૃત્તિ કોલેજ પછીના મુંબઈની હાડમારીનાં વરસોમાં ધોવાઈ ગઈ.  સુરેશ દલાલે મને ફરી વાર સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કર્યો, ખાસ કરીને કવિતામાં.  એમના સતત પ્રોત્સાહનથી મેં ફરી પાછી મારી કાવ્યપ્રવૃત્તિ શરૂ કરી.  મારી મોટા ભાગની કવિતાઓ એમના સામયિક ‘કવિતા’ માં પ્રગટ થઇ. વધુમાં એમની જ પ્રકાશનસંસ્થા ઈમેજે મારા ત્રણે ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યાં.

મુંબઈના ગુજરાતી સાહિત્યજગતમાં 1970 અને 1980ના દાયકાઓમાં એમનું રાજ્ય એકહથ્થુ ચાલતું. એમણે યોજેલા કાવ્યસમ્મેલનો અને મુશાયરાઓ ખૂબ જ વખણાતા.   એમનું નામ પડતાં જ હોલ ભરાય.  એમની આ લોકપ્રિયતા અમેરિકામાં પણ પ્રસરેલી. એક વાર ન્યૂ  જર્સીના એક કાર્યક્રમમાં લગભગ દોઢેક હજાર માણસો હશે. એ કાર્યક્રમમાં જાણીતા કથાકાર શ્રી મોરારિબાપુ પણ ઓડિયન્સમાં હાજર હતા. સુરેશભાઈને પ્રવચન પછી આખાયે સભાગણે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.  કોઈ પણ ઓડિયન્સને પારખવાની એમની પાસે અદ્ભુત સૂઝ હતી.  ગુજરાતી સાહિત્યના ધુરંધર કવિ લેખકો ઊંડે ઊંડે એવી આશા રાખતા કે સુરેશ દલાલ એમનો કાર્યક્રમ મુંબઈમાં યોજે.  કેટલાક તો સામેથી કહેતા કે અમારો કાર્યક્રમ યોજો.  ઉમાશંકર જોશી, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે વગેરેના કાર્યક્રમો એમણે હોંશે હોંશે યોજેલા. એ કવિ સમ્મેલનો યોજે તો કવિઓને જરૂર પુરસ્કાર આપે, અને જે જે કવિ બહારગામથી આવ્યા હોય તેમને એરફેર પણ આપે!

એમની પ્રકાશન સંસ્થા ઈમેજે ગુજરાતી પુસ્તકોના રંગરોગાન જ બદલઈ નાખ્યા. આકર્ષક કવર, સ્વચ્છ અને સુઘડ મુદ્રણ, પાકી બાંધણી–આ બધું જોતાં પુસ્તક હાથમાં લેવાનું મન થાય.  ક્યા લેખકનું અને કેવું પુસ્તક જલદી વેચાશે, અને કયું ગોડાઉનમાં જઈને જગ્યા રોકશે એની સુરેશભાઈને સ્પષ્ટ સમજ.  એક વાર મને કહે, મારા કવિ મિત્રોને કવિતા છપાવવા માટે લુચ્ચા પ્રકાશકોની દાઢીમાં હાથ ઘાલવા ન પડે  એટલા માટે મેં ઈમેજ શરુ કર્યું છે.  વધુમાં મનગમતા કવિલેખકોનાં પુસ્તકો હું છાપી શકું એ બોનસ.  એટલું જ નહીં, ગુજરાતના અગ્રગણ્ય કવિઓ તેમ જ બીજા અનેકના ચૂંટેલા કાવ્યો અને સર્જનોનું પ્રકાશન હાથમાં લઈને એમણે અમેરિકાની “મોડર્ન લાયબ્રેરી” જેવી પ્રકાશનની વ્યવસ્થા ગુજરાતી સાહિત્યમાં કરી દીધી.  રામનારાયણ પાઠક, સ્વામી આનંદ, ઉમાશંકર જોશી, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે વગેરે ગુજરાતી કવિ લેખકો તેમજ વિદેશના અનેક લેખકોને એમણે પબ્લીશ કર્યા. કોલેજમાં ભણતા હતા ત્યારથી જ એમણે સાહિત્યનો, ખાસ કરીને ગુજરાતી કવિતાનો ભેખ લીધો હતો.  કૉલેજકાળમાં પણ દર વર્ષે પોતાને ગમતી કવિતાઓની પુસ્તિકાઓ ગાંઠનું ગોપીચંદન કરીને પબ્લીશ કરતા!

નરસિંહ મહેતાથી માંડીને આધુનિક અને અનુઆધુનિક ગુજરાતી કવિઓની અનેક કવિતાઓ એમને મોઢે.  એમ કહેવાતું કે ન કરે નારાયણ અને કોઈ મહાપ્રલયમાં બધાં જ ગુજરાતી કાવ્યસંગ્રહો તણાઈ જાય પણ જ્યાં સુધી સુરેશ દલાલ જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા જીવતી રહેશે!  સમજો કે ગુજરાતી કવિતાના એ જીવતા જાગતા એન્સાયક્લોપીડીયા હતા.  એમણે જન્મભૂમિ જૂથનું ‘કવિતા’ 45થીએ વધુ વરસો એક હાથે ચલાવ્યું.  કોઈ કવિએ આટલા લાંબા સમય સુધી કવિતાનું મેગેઝિન ચલાવ્યું હોય એવું સાંભળ્યું નથી.  આ મેગેઝિન દ્વારા એમણે ગુજરાતને ઘણા કવિઓ આપ્યા.

મુંબઈની સોમૈયા અને કે.સી. કોલેજમાં પ્રોફેસર તરીકે એ ખૂબ લોકપ્રિય હતા. એમનો ક્લાસ ભરવા માટે પડાપડી થાય. ગુજરાતી કવિતાને આમજનતા સુધી પહોંચાડવાનો યશ સુરેશ દલાલને જ જાય છે. વધુમાં એ લોકપ્રિય કોલમીસ્ટ પણ હતા. જન્મભૂમિ, દિવ્ય ભાસ્કર, ચિત્રલેખા વગેરે છાપાં મેગેઝિનોમાં એમની કોલમ નિયમિત છપાતી.  “ફ્લડ ધ માર્કેટ” એવી ફિલોસોફીને આધારે એ અઢળક લખતા.  એમના કાવ્યસંગ્રહો, લેખસંગ્રહો, સંપાદનો વગેરે પુસ્તકોની સંખ્યા સેંકડો સુધી પહોંચેલી!  એમના સર્જનાત્મક કાર્ય  ઉપરાંત એમની અન્ય પ્રવૃત્તિઓ–સંપાદન, પ્રકાશન, સંચાલન, અધ્યાપન, યુનિવર્સિટી એડમીનીસ્ટ્રેશન વગેરે તો ચાલુ જ રહેતી.  આવી અનેક પ્રવૃત્તિઓમાં સતત ગળાડૂબ રહેતા હોવાને કારણે એમનામાંનો સર્જક કવિ ગૂંગળાઈ જાય છે તેવું મને સતત લાગ્યા કરતું.  એમનો જવાબ સ્પષ્ટ હતો.  ઉમાશંકર જોશીએ જે એક વાર કહેલું તેનો પડઘો પાડતા હોય એમ કહે કે આ બધામાં જે ટકવા જેવું હશે તે ટકશે, બાકી બધું કાળની ચાળણીમાં ચળાઈ જશે. એમને એમની મર્યાદાઓનું સ્પષ્ટ ભાન હતું.

એમની સામે મારી જેમ અનેક મિત્રોની એક ફરિયાદ એ હતી કે એ એમના સ્વાસ્થ્ય માટે સાવ બેદરકાર હતા. એમનું શરીર અનેક રોગોનું ધામ હતું.  એમને ઘેર મારું રહેવાનું થતું ત્યારે હું જોતો કે એમના પત્ની સુશીબહેન હંમેશ સવારમાં બગીચામાં ચાલવા જાય, પણ સુરેશભાઈના પેટનું પાણી ન હલે.  એ ભલા અને એમની સિગરેટ ભલી.  એમનું ખાવાનું પણ એવું જ.  છેલ્લાં વરસોમાં એમની તબિયત ખૂબ  લથડી હતી.  છતાં, એ ડગુંડગું કરતા કોઈની મદદ લઈને જ્યારે કવિતા વિષે બોલવા માઈક હાથમાં લે ત્યારે એમનો જુસ્સો અને રણકો તો એવા ને એવા જ!

એમની લાઈફ સ્ટાઈલ પણ રાજાશાહી! એક વાર એમને ત્યાં હું વડોદરા રહેલો. એ ત્યારે ત્યાંની યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા.  એમની જેમ મને પણ વહેલા ઊઠવાની ટેવ.  ટૂથબ્રશ કરી મોઢું ધોઈને ઘરના ઑફિસરૂમમાં આવે, ત્યારે એમના માટે ચા તૈયાર હોય.  એમની અનેક ડીમાંડને પૂરી કરવા લોકો વહેલી સવારથી જ હાજર હોય.  એ સવારની ચા અને સિગરેટ પીતા હોય, ત્યાં એક ક્લર્ક આવે.  સુરેશભાઈ એને એમની કોલમ લખાવે. એ સડસડાટ બોલતા જાય, ક્લર્ક ફટફટ લખતો જાય.  ચાનો બીજો કપ આવે ત્યાં સુધીમાં તો કોલમ લખાવાઈ ગઈ હોય.  ત્યાં વળી યુનિવર્સિટીનો ક્લર્ક આવે.  આજે શું શું કરવાનું છે તેની વાતો થાય.  એ જાય અને સુરેશભાઈ કહે: બસ, આપણે છૂટા!  અને હજી સવારના નવ પણ ન વાગ્યા હોય.

એની જેમ છૂટે હાથે પૈસા વેરતો કોઈ ગુજરાતી કવિ મેં જોયો નથી. મુંબઈમાં એમને પોતાની કાર નહોતી ત્યાં સુધી હમેંશ ટેક્સીમાં જ ફરતા.  શું અમેરિકામાં કે શું દેશમાં, શું રેસ્ટોરાંમાં કે શું બૂકસ્ટોરમાં પૈસા આપવાનો આગ્રહ એ જ રાખે. એક વાર એમને લઈને અમે અહીંના એટલાન્ટીક સિટીના કસીનોમાં ગયેલા.  પોતાના હાથમાં જેટલા ડોલર હતા તે એની સાથે આવેલા મિત્રને સહજ જ આપતા કહે, જા, રમ આનાથી!  મુંબઈમાં અમે જ્યારે રેસ્ટોરાંમાં જઈએ ત્યારે એમના ડ્રાઈવરને પણ રેસ્ટોરાંમાં જમાડે.

સુરેશભાઈ ભારે સ્વમાની, ભલભલાને સંભળાવી દે.  દેશના મીનીસ્ટરો એમ માને કે જે કોઈ સરકારી નોકર હોય તેની ઉપર પોતે રૂઆબ છાંટી શકે, પછી ભલે ને એ ઉંચી કક્ષાનો સિવિલ સર્વન્ટ હોય.  સુરેશભાઈ જયારે વડોદરાની યુનીવર્સીટીના વાઈસ-ચાન્સેલર હતા ત્યારે ગુજરાતના તે વખતના એક મીનીસ્ટરે એમની ઉપર રૂઆબ છાંટવાનો પ્રયત્ન કર્યો!  એમણે મીટીંગ માટે સુરેશભાઈને ગાંધીનગર બોલાવ્યા અને કલાકો સુધી કોઈ કારણ આપ્યા વગર ઑફિસની બહાર બેસાડી રાખ્યા.  સુરેશભાઈ સમજી શક્યા કે આ અધિકારી શું કરી રહ્યા છે.  ત્યાં ને ત્યાં જ એમણે વાઈસ ચાન્સલરશીપનું રાજીનામું આપી દીધું અને મુંબઈ જવાની પહેલી ટ્રેન પકડી!  અધિકારીને  ખબર પડી કે એણે શું કર્યું.  એણે સુરેશભાઈને મનાવવા ખૂબ  મહેનત કરી. વિનંતી કરી કે તમે રાજીનામું પાછું ખેંચો.  સુરેશભાઈ કહે, આ રાજીનામું નથી, નારાજીનામું છે!

સુરેશ દલાલ જેવા મિત્ર મળવા મુશ્કેલ.  અર્ધી રાતે જરૂર પડતા આવીને ઊભા રહે.  એમણે અનેક કવિઓને મદદ કરી છે.  એમની સાથે કલાકોના કલાક અલકમલકની વાતો કશીય  છોછછાછ વગર કરવાની મજા પડે.  મોટા ભાગના ગુજરાતી કવિ લેખકો માથે ગામ આખાનો ભાર લઈને ફરતા હોય એવું લાગે. આ કવિઓ સાથે કોઈ મસ્તીમજાકની વાત કરતાં બીક લાગે.  કદાચ એમને ખોટું લાગી જાય તો?  સુરેશભાઈ એ બધાથી સાવ જુદા.  એ જ એક એવા ગુજરાતી કવિ મને મળ્યા છે કે જેમની સાથે બારમાં જઈને બે ત્રણ ડ્રીન્કસ લઈને ગપ્પાં મરાય, ગોસીપ કરી શકાય.  મારો બીજો કાવ્યસંગ્રહ, “ઇન્ડિયા, ઇન્ડિયા” એમને અર્પણ કરતા મેં લખ્યું હતું:

“શરાબ, સિગરેટ, કેફ વધુ કાવ્યનો માણતા,

સદાય જલસો કરો, બધું પ્રમાણતા, જાણતા!”

7 thoughts on “સુરેશ દલાલ–જલસાનો માણસ (નટવર ગાંધી)

 1. સુરેશ દલાલ કવિ ,નિબંધકાર , સાહિત્યકાર ,સંપાદક ,પ્રકાશકના મસ્ત સ્વભાવ
  “શરાબ, સિગરેટ, કેફ વધુ કાવ્યનો માણતા,
  સદાય જલસો કરો, બધું પ્રમાણતા, જાણતા! થી બરોબર સમજાય છે
  ‘..એમના સ્વાસ્થ્ય માટે સાવ બેદરકાર હતા. એમનું શરીર અનેક રોગોનું ધામ
  .’ કાશ , આ ન હોત તો આપણે હજુ તેમને માણી શકતા હોત !
  તેમની આ વાત ચિતમા કાયમ પડઘાય
  આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
  ‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
  તેમના વિષે અનેકોએ કહ્યું છે પણ મા નટવરભાઇ ની શૈલી અનોખી…
  યાદ આવે
  યે મસાઈલે તસવ્વુફ યે તેરા બયાન સુરેશ, (ગાલિબસાહેબની માફી)
  તુઝે હમ વલી સમઝતે,જો ન બાદા ખ્વાર હોતા

  Like

 2. સુરેશ દલાલ,દર્શક જેવા મોટા ગજાના સાહિત્યકાર સાથે મૈત્રી હોવી એ એક મોટું સદભાગ્ય કહેવાય , જે શ્રી નટવરભાઈ ને પ્રાપ્ત થયું છે .

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s