“નીલે ગગન કે તલે – ૧૦ (મધુ રાય)-માઇગ્રેન યાને આધાશીશી

માઇગ્રેન યાને આધાશીશી

માઇગ્રેન યાને આધાશીશી તે જગતમાં મગજનો સૌથી વધુ પ્રચલિત ૫૦૦૦ વર્ષ પુરાણો વ્યાધિ છે. સદીઓથી વિજ્ઞાનિકો તેનું કારણ શોધવા ચકરાવે ચડેલા છે. દુનિયામાં ૭૩ કરોડ લોકોને આધાશીશી છે. જેમને તેની અસર ૪થી ૭૨ કલાક રહે છે. તેની શરૂઆત થાક, મિજાજની અવળાસવળી, ઉબકા કે દૃષ્ટિવિક્ષેપથી થાય છે. જેમને આ રોગ ઘર કરી ગયો છે તેમને મહિનાના અરધોઅરધ દિવસ પંગુ જેવી બેહાલી ભોગવવી પડે છે. ફક્ત અમેરિકામાં જ તે કારણે ૧.૭ કરોડ ડોલરનો ખર્ચ થાય છે.

પુરાણા સમયમાં તેના ઉપચાર રોગીના શરીરે કાપા કરવા, ખોપરીમાં છિદ્ર પાડવા કે માથું મૂંડીને ડામ દેવા જેવા હાસ્યાસ્પદ હતા. બસ્સો વરસ પહેલાં રોગીને વિદ્યુતયુક્ત પાણીના ટબમાં નવડાવવામાં આવતા. સો વરસ પહેલાં માથામાં માઇગ્રેનના લબકારા થતાં ડોકની કેરોટિડ ધમનીને દબાવી રોગીઓ રાહત મેળવતા. દશકાઓ સુધી મગજની રક્તવાહિનીઓ પહોળી થવાથી આધાશીશી થતી હોવાનું મનાતું રહેલું. સન ૧૯૩૦માં અમુક ઓસડિયાંવડે મગજની રક્તવાહિનીઓને સાંકડી કરવા બાબત એક પરિપત્ર પણ પ્રગટ થયેલું. આવા ઇલાજોથી ઊલટી થાય કે દવાનું વ્યસન પડી જાય તેવી આડઅસરો સહ્ય ગણતી કેમકે એથી કેટલાક દરદીઓ રાહત પામતા. સન ૧૯૭૦ દરમિયાન હૃદયના રોગીઓને તેમના ઝડપથી ધબકારાને ધીમા કરવા જે ‘બેટા બ્લોકર’ દવાઓ અપાતી હતી તેનાથી પણ માઇગ્રેનમાં રાહત મળતી હોવાનું જણાયું. માઇગ્રનના રોગીઓને વાઈની દવા પણ રાહત આપતી હોવાનું બહાર આવ્યું. આમ આધાશીશીના ઇલાજ તરીકે દાક્તરો તે તે બીજા રોગો માટેની દવાઓ આપવા માંડ્યા. આ ઉછીની દવાઓ ૪૫ ટકા દરદીઓને રાહત આપે છે, જે શાથી આપે છે તેનું રહસ્ય હજી બહાર આવ્યું નથી. વધુમાં, તે દવાઓની આડઅસર તો તમામને થાય છે.

ખાસ આધાશીશી માટે જ બનેલી દવા ‘ટ્રિપટાનસ્’ ૧૯૯૦થી મળવા માંડી. હાલ સુધી મોટાભાગના રોગીઓ તે વાપરે છે. એક અભ્યાસ મુજબ ૧૩૩માંના ૪૨થી ૭૨ જેટલા રોગીઓને એથી માઇગ્રનનો હુમલો આવે ત્યારે રાહત મળે છે.

સાયન્ટિફિક અમેરિકન નામે પ્રકાશનમાં ડેવિડ નૂનાન નામે લેખક જણાવે છે હવે એક નવી વાત આગળ આવી છે: મગજમાં પ્રાથમિક મજ્જાતંત્ર, જે ચહેરાના હાવભાવનું નિયમન કરે છે, તે જ માથામાં પીડાનો સંચાર પણ કરે છે તેવું ૧૯૮૦માં શોધાયેલું. આ મજ્જાતંત્ર પ્રકાશ, અવાજ કે ગંધથી તીવ્ર પ્રમાણમાં ઉત્તેજિત તો ચેતાપ્રેષક દ્રાવણો છોડે છે. ત્યારે આધાશીશીનો હુમલો આવે છે. જેમના રક્તમાં કેલ્સિટોનીન જિન–રિલેટેડ પ્રોટીન (CGRP) નું પ્રમાણ અતિશય હોય તેમને આધાશીશી થતી હોવાનું બહાર આવ્યું છે. લગભગ ૮૦ ટકા રોગીઓને એવા તીવ્ર સંવેદનાવાળા કોષ વારસગત મળેલા હોય છે. હવે તે તીવ્ર સંવેદનાવાળા કોષોને શાંત પાડવા ખાસ શોધાયેલ નવી દવાઓમાં  સરકારી માન્યતા મળતાં એકાદ વરસમાં મળતાં ઉપલબ્ધ થાય એવો સંભવ છે. એ જો ધાર્યા જેટલી અસરકારક નીવડે તો અસંખ્ય લોકો આ વ્યાધિનો ભોગ બનતા અટકશે. એમ બને તો આપણે આધાશીશીનો ઇલાજ જે રીતે કરીએ છીએ તેમાં ધરમૂળના ફેરફાર થશે. આ દવાઓમાં એન્ટિબોડીઝ તરીકે ‘ડિઝાઇનર પ્રોટીનો’ સૂક્ષ્મ સચોટતાથી ફેંકાતા મિસાઇલની માફક મસ્તિષ્કના ધારેલા સ્થળે ભોંકાય છે, મજ્જાઓ ઉત્તેજિત થતી અટકે છે અને રોગી ખાઈપીને રાજ કરે છે. આ રોગ ઘાતક નથી કે તેનાં દેખીતાં કોઈ બેહૂદાં લક્ષણો નથી તેથી તેનાં બાણ વાગ્યાં હોય તે જ જાણતું હોય છે.

અમેરિકાની સ્થાપનાના પૂર્વપુરુષ, અમેરિકાની આઝાદીના જાહેરનામાના સહલેખક તેમ જ અમેરિકાના તૃતીય રાષ્ટ્રપતિ ટોમસ જેફરસન કહેતા કે ‘પેપર મની’ યાને ડોલરની નોટો તે સાચેસાચ નાણું ન કહેવાય, નાણાનું ભૂત કહેવાય. વચ્ચે અમેરિકામાં બે ડોલરની નોટ જેફરસનની મુખાકૃતિ સાથે બહાર પડેલી પણ જનતાને ફાવી નહીં તેથી ચલણમાંથી લુપ્ત થઈ ગઈ છે. તે દિલથી માનતા હતા કે બેન્કો બધી હથિયારબંધ ફોજથીયે વધુ ખતરનાક છે. આ પ્રકાંડ ચિંતક પણ તીવ્ર આધાશીશીથી પીડાતા હતા. છેલ્લે છેલ્લે ૧૮૦૭માં તો રાષ્ટ્રપતિ રાત પડે ત્યાં સુધી અંધારા ઓરડામાં બેસી રહેતા. હાલ જેફરસન–કથિત ભૂતના જોરે રાષ્ટ્રપતિ થવા તૂતૂ મૈંમૈં કરતા ઉમેદવારો જનતાને આધાશીશી કરાવે છે. જય જેફરસન!

Advertisements

4 thoughts on ““નીલે ગગન કે તલે – ૧૦ (મધુ રાય)-માઇગ્રેન યાને આધાશીશી

 1. ખૂબ સુંદર અભ્યાસપૂર્ણ માહિતીમા અમારા જેવા અનેકોના આધાશીશી મટાડવાની અનુભવની પધ્ધતિ…વિપશ્યના
  વિપશ્યના ધ્યાન પદ્ધતિને સ્થાપનારા ગોએન્કાજીએ રસપ્રદ વાત કરી હતી. એમણે કહ્યું કે મને પોતાને આધાશીશી (માઇગ્રેન)ની તકલીફ હતી. અર્ધુ માથું સતત દુ:ખે એટલે ચહેરા પર પીડાની લાગણી ઊપસી આવે. એકવાર મારી વિદેશ યાત્રા દરમિયાન સડક પર સામે મળેલા એક બૌદ્ધ સાધુએ મને પૂછ્યું, તમને માઇગ્રેનની તકલીફ છે ? આ સવાલ પૂછાયો એ ક્ષણે મને જરાય પીડા નહોતી થતી.એટલે મને સવાલ થયો કે આ બૌદ્ધ સાધુને મારી તકલીફની જાણ શી રીતે થઇ ? સમયના વીતવા સાથે ભારતીય ધ્યાન પદ્ધતિઓના ઊંડા અભ્યાસ દરમિયાન મને સમજાયું કે માણસ સાજોસારો ન હોય ત્યારે એની આસપાસના સૂક્ષ્મ શરીર (આભા કે ઑરા) ખંડિત થયેલી દેખાતી હોય છે. સાધનાશીલ સાધુ સંતોને પોતાના તપોબળથી આપોઆપ આ વાતની જાણ થઇ જતી હોય છે…
  હાલ તો વિશ્વભરમા વિપશ્યના સાધના શિબિરો ચાલે છે.

  Like

 2. Gandabhai Vallabh
  Today, 3:53 PM
  You;pkdavda (pkdavda@gmail.com)
  નમસ્તે,
  મારાં પત્નીને અમારાં લગ્ન પછી થોડા સમયમાં જ માઈગ્રેન(આધાશીશી)ની તકલીફ શરુ થયેલી – હું ધારું છું કે કદાચ 1964માં. એને મેં ઘી-સાકરનું નસ્ય આપેલું, અને એ તકલીફ દુર થયેલી, અને ફરી કદી થઈ નથી.
  નસ્યની વીધી આયુર્વેદમાં જણાવવામાં આવી છે. ઘી ગરમ કરી એમાં સાકરનું ચુર્ણ નાખવું. સાધારણ ઠંડું થાય પછી બંને નસકોરામાં થોડાં ટીપાં ચત્તા સુઈ જઈને મુકવાં અને દસેક મીનીટ સુધી ધારણ કરી રાખવું. નસ્યનું ઔષધ નાકમાંથી ગળામાં આવે તો ગળી જવું નહીં પણ દસેક મીનીટ પછી એને થુંકી નાખવું.
  જુદી જુદી તકલીફોમાં અલગ અલગ ઔષધોનું નસ્ય આપવામાં આવે છે. જો કે દરેક વ્યક્તી અદ્વીતીય છે, દરેકની પ્રકૃતી અલગ અલગ હોય છે આથી એક જણને થયેલી અસર બીજાં બધાંને પણ એ રીતે જ થશે એમ કહી ન શકાય. આથી કોઈ પણ ઉપચાર યોગ્ય આરોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ જ કરવા જોઈએ.
  Best regards,
  Gandabhai Vallabhbhai Patel
  Wellington, New Zealand

  Liked by 1 person

 3. મેં એક મિત્ર પાસેથી સાંભળ્યું હતું કે આધાશીશી હોય તો સવારે નરણા કોઠે જલેબી અને દૂધ ખાવાથી ફાયદો થાય છે. મને આ દર્દ
  હતું નહી એટલે આ ઉપચારની સત્યતા જાતે નાણી જોઈ નહોતી.પરંતુ બીજા લોકોને ફાયદો થયાનું એમની પાસેથી જાણ્યું હતું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s