ગુજરાત છોડી અમેરિકમાં વસેલા કવિ ભગવતીપ્રસાદ,કવિ નરભેરામ અને કવયિત્રી ચંપાબેન ચોરસિયાને, અમેરિકામાં રહેતા એક નવોદિત કવિ “મહાકવિ ગુન્દરમ્” મળવા આવે છે. અને તેમની વાતો અહીં મુકી છે.
“તમને અમેરિકાના ગુજરાતીઓએ મહાકવિનો ખિતાબ આપ્યો છે?” મેં (ભગવતી પ્રસાદ) નમ્રતાથી પૂછ્યું. મહાકવિ બોલ્યો,“અરે મુરબ્બી! ખિતાબ તો અંગ્રેજો આપતા. એ જમાના ગયા હવે તો ખિતાબ આપણી જાતે સર્જવાના; પછી તે કોઈ પણ ક્ષેત્ર હોય. તમે એમ માનો છો કે રજનીશજીને બ્રહ્માએ ‘ભગવાન’ બનાવેલા? અરે! ગઈ કાલ સુધી સિનેમાનાં ગાયન ગાનારા આજે પંડિત થઈ ગયા છે અને નૌશાદઅલીના ઑરકેસ્ટ્રામાં સારંગી વગાડનાર આજે ઉસ્તાદ થઈને બેઠા છે. ગુજરાત માટે કહેવાય છે કે હવે કોઈ મહાકવિ પેદા થવાનો નથી. તે મારાથી સહન ન થયું. આમ તો કવિતા લખું એટલે હું કવિ ગણાઉં જ. પરંતુ તેથી વધુ તો હું અનુભવી છું. એટલે મારું નામ મુકેશમાંથી મહાકવિ કરી નાખ્યું.”
મેં કહ્યું: “એમ મહાકવિ ન થવાય.”
“કેમ ન થવાય? જો હું જ મારી જાતમાં ન માનું તો બીજાં કેવી રીતે માનશે? આઈ એમ ગોઇંગ ટુ સેલ માય આઇડિયા ટુ ગુજરાતી પીપલ. હા, હવે મારા પછી ગુજરાતમાં કોઈ મહાકવિ નથી થવાનો એ વાત કબૂલ.”
મેં પૂછ્યું: “પ્રાચીન કાવ્યોનો અભ્યાસ કર્યો છે, ખરો?”
તે બોલ્યો: “મુરબ્બી! આ નવો યુગ છે. ઍરૉપ્લેનનો, ટી.વી.નો ને ઈન્ટરનેટનો. તમે જ વિચારો આ બધું નરસિંહ મહેતાને મળ્યું હોત તો? મહેતાજી પોતાના ઘરમાં હરિજનોને બેસાડી ચાનો ઘૂંટડો ભરતાં ટી.વી. જોતા હોત ને બાઈ મીરાં કૃષ્ણને યાદ કરવાને બદલે ફોન પર કલાકો સુધી બહેનપણી જોડે વાત કરીને ઝેર ઉતારવાના કીમિયા શોધતાં હોત.”
હું તો સ્તબ્ધ થઈ ગયો. કંઈ કહેવા માટે મૂર્છા વળે એ પહેલાં એણે ઉમેર્યું: “મારા પ્રિય કવિ સુન્દરમ્’ તેમને સન્માનવા મેં ‘ગુન્દરમ્’ નામ પસંદ કર્યું છે. બાકી, આજકાલના કવિઓની કૃતિની વાત તો બાજુ પર રાખો એમનાં નામ જુઓ તો એ નામનાં પણ ઠેકાણાં નહિ.”
વિષય બદલવા મેં પૂછ્યું: “તમે હજી હૅટ કેમ ઉતારી નથી?” “મહાશય, એમ પૂછો કે હૅટ કેમ પહેરી છે? આ હૅટ પણ મારા મહાકવિ થવાના આઇડિયામાં ઉપયોગી છે. આ જમાનો ટ્રેડમાર્કનો છે. મેં બધા જ સાક્ષરોની તસવીરોનો અભ્યાસ કર્યો છે. કોઈ ડગલાં ભરનારને પણ કહો કે કવિ નર્મદના કાવ્યની બે લીટી બોલો તો તેને ફાંફાં પડી જશે. પણ તેમનો લંબગોળ પાઘડીવાળો ફોટો એ તરત જ ઓળખી કાઢશે.”… અને તે મંદ મંદ હસવા લાગ્યો. જાણે સૂચવતો ન હોય કે હું તમારા કરતાં હોંશિયાર છું.
ને રવિવારે અમે ત્રણ(કવિ ભગવતીપ્રસાદ,કવિ નરભેરામ અને કવયિત્રી ચંપાબેન ચોરસિયા) બેઠાં હતાં; મજાની વાતો ચાલતી’તી ત્યાં બૅલ વાગ્યો. બારણું ખોલ્યું; સામે મહાકવિ ઊભો હતો. મેં આવકાર આપ્યો: “આવો, તમારી જ રાહ જોવાય છે.” મેં (ભગવતી પ્રસાદ) જોયું તો ચંપાબહેન હસવું ખાળી શકતાં નહોતાં. તે બોલ્યો, “મારી હૅટ જોઈને હસો છો ને? જો એમ જ હોય તો મારો આઈડિયા કામ કરી ગયો. જુઓ તમારું ધ્યાન કેવું ખેંચ્યું?”
મેં પૂછ્યું: “તમે ગઝલો લાવ્યા છો ને?” તે બોલ્યો: “ગઝલો અને કાવ્યો પણ. ઉપરાંત થોડાં હાઈકુ પણ.” મહાકવિ બેઠો. પછી નરભેરામ તરફ જોઈને કહે: “ગુજરાત સરકારે તમારા કાવ્યસંગ્રહને ઇનામ તો આપ્યું પરંતુ તમારું લખાણ આપણને પસંદ નથી. મને લાગે છે કે આપણા દેશની પ્રણાલી મુજબ ઇનામ મેળવવામાં મિત્રોએ મદદ કરી છે.” નરભેરામ માટે આ વાત અસહ્ય હતી. તેઓ કંઈ પણ બોલે તે પહેલાં મહાકવિએ આગળ ચલાવ્યું: “બહેન, તમારાં કાવ્યો સરળ છે; પરંતુ ઝાડપાન, પાણી પથ્થર, આત્મા-પરમાત્મા સિવાય તમારે બીજું પણ કંઈક લખવું જોઈએ” અને પછી ધીરે રહીને ઉમેર્યું: “શરાબ પર લખો; શરાબ પર. પેલા અમિતાભ બચ્ચનના પિતાએ વિના દારૂ પીધે ‘મધુશાલા’ પર લાખ્ખો રૂપિયા બનાવ્યા.”
નરભેરામ કહે: “મહાશય, એ બધાંની વાત મેલો, તમે શાના પર લખો છો?”
“મારે હાથે જે કાંઈ ચઢે તેના પર લખી નાખું.” અમે ત્રણે એકસાથે જ બોલ્યાં: “એટલે?”
તે ઠાવકાઈથી બોલ્યો: “જુઓ ગાલિબના જમાના પહેલાંથી ગઝલો લખાય છે. આજ સુધીમાં હજારો શેર શાયરી લખાયાં છે. તેની આપણા ગુજરાતીઓને તો ક્યાંથી ખબર હોય? તેનો પરિચય કરાવવા હું તેનું ગુજરાતી ભાંષાતર કરું છું. મારું ભાષાંતર બહુ ઉત્તમ નથી થતું. પણ જો તેમાં મૂળ કૃતિનો અણસાર પણ ન આવતો હોય અને મૂળ કૃતિનો ભાવ પણ અંદર ન આવતો હોય તો તે મારી મૌલિક કૃતિ જ કહેવાય ને?”
નરભેરામ કહે: “એને મૌલિક રચના નહિ તફડંચી કહેવાય.”
મહાકવિ ગુન્દરમ્ બોલ્યો,“મને કંઈ વાંચવા દેશો કે પછી તમારું જ હાંક્યે રાખશો?”
તેણે હાથમાં ફાઈલ લીધી ને કહ્યું: “જુઓ એક શેર પેશ કરું છું…”
નજર છે ક્યાં અને નિશાન છે ક્યાં
તમે તો ગજબની કરામત કરો છો?
વાતો વાતોમાં અમને ઘાયલ કરીને
તમે તો ગમ્મતની કયામત કરો છો.
પસંદ છે અમને ઘાયલ થવાનું
નિશાન બનવું અમને ગમે છે.
ગણાવી મુશ્કેલીઓ મહોબ્બતના રાહની,
તમે તો સફરની હોનારત કરો છો.”
ત્યાં તો ચંપાબહેન કહે: “વાહ ભાઈ! વાહ.” મેં કહ્યું: “સરસ.” નરભેરામ તાકી રહ્યા. તે કંઈ જ ન બોલ્યા. ગુન્દરમ્ બોલ્યો: “આમાં તમને અનુવાદની ગંધ આવી? કહો જોઉં.” પછી ઉમેર્યું: “આ તો ફિલ્મ સી.આઈ.ડી.”નું શમશાદ બેગમે ગાયેલું ગીત “કહીં પે નિગાહેં કહીં પે નિશાના.”
નરભેરામ કહે: “આમ તે ગઝલ લખાતી હશે? ગઝલ લખવા દિલમાં દર્દ જોઈએ. ભગ્ન હૃદય સાથે ગઝલ લખો તો રંગ જામે.”
તે બોલ્યો: “મૂરખ હોય તે પ્રેમમાં નિષ્ફળ જાય. બંદા તો પડોશીની છોકરી પર જ દોરી નાખતા; પરણ્યા પણ તેને જ ને તેય પરનાતના પડોશી.”
ચંપાબહેન કહે: “ચાલો, બીજી એકાદ કૃતિ વાંચો.”
મહાકવિએ ફાઈલનાં પાનાં ફેરવ્યાં ને કહે: “આનો પાયો સંસ્કૃતનો છે. સાંભળો…
“સ્મિતમય આ વદન પ્રકાશપુંજ રેલાવે.
શ્યામલતા તારા કેશની હૃદયકુંજ સજાવે.
સ્વર્ણિમ તારી કાયા ને છલકાતું યૌવન
પ્રિયે! ઓહ, પ્રિયે! સર્વત્ર પ્રણયગુંજ ફેલાવે.”
નરભેરામ કહે: “તમે પ્રાસાનુપ્રાસ સારા ગોઠવ્યા છે; કલ્પના પણ સુંદર છે. પરંતુ કૃતિ કંઈ જામતી નથી.” ત્યારે ચંપાબહેન કહે: “આ પણ અનુવાદ જ હશે, નહિ?”
“હાસ્તો…” તે બોલ્યો: “પારસમણિ ફિલ્મમાં હેલનનો ડાન્સ નહોતો?”
“હંસતા હુઆ નૂરાની ચહેરા;
કાલી ઝુલ્ફેં રંગ સુનહરા
તેરી જવાની તોબા તોબા
દિલરુબા, દિલરુબા.”
“તમને લોકોને એ બહુ નહિ સમજાય. હેલનના ભક્તોને કવિતાનું ભાન નહિ ને કવિતાના ભક્તોને હેલનમાં રસ નહિ. એટલે વાત જ શી કરવી?”
મેં તેને પૂછ્યું: “તમે માણસ તો સારા દેખાઓ છો પછી આવું શા સારુ કરો છો?”
તે બોલ્યો: “મુરબ્બી, જમાનો રિસાઈકિલંગનો છે: જૂની વસ્તુ નવા સ્વરૂપે હાજર કરવાનો યુગ છે. જુઓને… ગઝલો બધી આપણી નથી ને આપણી છે તે ગઝલો નથી. ગઝલો મૂળ તો ઉર્દૂની. આપણાં બહુ બહુ તો પ્રભાતિયાં ને ભજનો; બાકી કાવ્યો ને ગરબા.”
નરભેરામ કહે: “હવે બંધ કરો તમારો બકવાસ. મને લાગે છે કે હવે આપણે છૂટા પડવું જોઈએ.” જેવા નરભેરામ સોફા પરથી ઊઠ્યા કે મહાકવિ બોલ્યા: “અરે! બેસો, બેસો, તમને જોઈને મને હાઈકુ સ્ફુર્યું.
સોફામાં બેઠા.
મરણ પંજામાં
જીવન ડૂબે.
“તમે આને હાઈકુ કહો છો?” નરભેરામ બોલ્યા: “હાઈકુમાં તો પાંચ, સાત ને પાંચની શ્રુતિ સંખ્યા ત્રણ પંક્તિમાં હોય છે. ‘મરણ પંજામાં’ તો છ અક્ષર જ થયા.” મહાકવિ કહે: “તમે કવિ છો છતાં તમારું ગણિત પાકું છે. બાકી આજકાલ કવિઓ સમાસ અને છંદમાં લખવાને બદલે અપદ્યાગદ્યમાં લખે છે. કારણ કે એમનું ગણિત જ કાચું હોય છે. સારું તો ‘મરણ પંજામાં’ને બદલે કરી નાખો ‘મરણના પંજામાં’ થઈ ગયા કે નહિ સાત અક્ષર?”
મારાથી હવે ન રહેવાયું. મેં કહ્યું: “હું તમને ફરીથી પૂછું છું કે આમ કરવાનો અર્થ શો છે?”
તે કહે: “હું પણ એમ જ પૂછું છું. મારી કૃતિ કોઈ છાપે નહિ ત્યાં સુધી એનો શો અર્થ છે? નાટક ભજવાય નહિ ને કાવ્ય છપાય નહિ તો વાંઝિયા કહેવાય. આપણને તમારો સપોર્ટ જોઈએ છે.” હવે નરભેરામ ખરેખર બગડ્યા.
5 thoughts on “વાર્તા– મહાકવિ ગુન્દરમ્–માંથી થોડા અંશો. (હરનિશ જાની)”
તર્કબંધ વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલો રમુજી લેખ મરક મરકે માણ્યો
મા મહાકવિ ગુન્દરમ્જી
પોતાની જાતને મોટા સત્યવાદી સાત્વિકમાં ખપાવનારા એવા બ્લોગબાબાઓ અહીં પડ્યા છે કે જે પબ્લિસિટી એકધારી કર્યા કરે ને પાછા સેલ્ફ માર્કેટિંગનું પાપ બીજા જ કરે, અમે નહિ – એવા સંતભાવમાં વિહર્યા કરે ! પણ આપના જેવી સાચા-ખોટાની પરખ તણી સૂક્ષ્મ સમજ સમાજની ક્યાં કેળવાઈ છે ?
આપનું આ ગીત ગમ્યું…
હાલ ગોરી વોટર પાર્ક લઈ જાવું , મન માં લાગે તાલા વેલી
મને ના ગમે અમેરીકા , મેહોણા નાં માનવી મધ જેવા મીઠા
તર્કબંધ વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલો રમુજી લેખ મરક મરકે માણ્યો
મા મહાકવિ ગુન્દરમ્જી
પોતાની જાતને મોટા સત્યવાદી સાત્વિકમાં ખપાવનારા એવા બ્લોગબાબાઓ અહીં પડ્યા છે કે જે પબ્લિસિટી એકધારી કર્યા કરે ને પાછા સેલ્ફ માર્કેટિંગનું પાપ બીજા જ કરે, અમે નહિ – એવા સંતભાવમાં વિહર્યા કરે ! પણ આપના જેવી સાચા-ખોટાની પરખ તણી સૂક્ષ્મ સમજ સમાજની ક્યાં કેળવાઈ છે ?
આપનું આ ગીત ગમ્યું…
હાલ ગોરી વોટર પાર્ક લઈ જાવું , મન માં લાગે તાલા વેલી
મને ના ગમે અમેરીકા , મેહોણા નાં માનવી મધ જેવા મીઠા
LikeLike
જાનીભાઈની વ્યંગોક્તિ ચોટદાર છે. સરસ.
સરયૂ પરીખ
LikeLike
ye Gunderam to jay ke Dar Hai- bAHUT khUB – Noorani Chehra…!!! Maza aavi Gai
LikeLike
સરળ ભાષામાં કહું …… મને તો આ વ્યંગ લેખ વાંચવામાં ખૂબ મઝા પડી!
LikeLike
મને તો આ વ્યંગ લેખ વાંચવામાં ખૂબ મઝા પડી!
LikeLike