“નીલે ગગન કે તલે – ૧૧ (મધુ રાય)- ગંગા’ર માટી એબમ્ કોલકાતા


 ગંગા’ર માટી એબમ્ કોલકાતા

આ લખાય છે ૨૩મી જાન્યુઆરીના દિને; નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિને. બંગાળમાં સુભાષનું સ્થાન ગુજરાતમાં સરદારના સ્થાન જેટલું જ શ્રદ્ધેય છે અને આજનો દિવસ કલકત્તામાં મોટો ત્યૌહારનો દિવસ છે. અમે કલકત્તામાં મોટા થયા હોવાના કારણે બંગાળ, બંગાળી પ્રજા, બંગાળી ભાષા માટે અહોભાવમાં રાચીએ છીએ. કોઈક રંગીલા રાજા ફરમાવે કે “તમારી માટીની મહેક વિશે બે શબ્દો બોલો તો!”, તો તત–પપ થાય. કેમકે અમે કોઈ એક સ્થળે લાંબો વખત રહ્યા નથી અને કોઈ એક માટીનું એવું બંધાણ થયું નથી કેતેના વિશે ફ્લાવરફુલ લેન્ગવેજમાં ગોટલા ફુલાવીએ, માટીની મહેક ધિસ કે માટીની મહેક ધેટ.

“માટીની મહેક” શબ્દો સાથે જોડાયેલી ઊર્મિલતાનો ભાવ પણ અમારા મનમાં ધસી આવતો નથી કેમકે બાળપણના દિવસોમાં બાળસહજ ઉછરંગ કરતાં ‘માટી’ શબ્દની સાથે અમારા કલકત્તી દિમાગમાં લિટરલ માટી એન્ટર થાય છે: હુગલી નદીના પાણીમાં ભેગાયેલી માટી. સિત્તેર વર્ષ પૂર્વે પિતાશ્રી અમને સૌને ખંભાળિયાથી કલકત્તા લઈ આવેલા. ખંભાળિયાના ધૂળિયા રસ્તા, ગ્રામ્ય પરિવેશ અને હાલારી ગુજરાતી બોલચાલને બદલે અચાનક સાંકડી ઓરડીમાં રહેવાનું! અને વીજળીના દીવા! ઘર સિવાય કોઈ ગુજરાતી બોલે નહીં! બજારમાં છડેચોક માછલી, કાપેલાં બકરાં. ઇંડાં વેચાય!

અમે રહેતાં હતાં ત્યાં બીજા માળે ઘરવપરાશનું પાણી ફક્ત વીસ મિનિટ આવતું! મકાનના ગ્રાઉન્ડ ફલોરમાં ‘સાદાકલ’માં મ્યુનિસિપાલિટીનું પાણી એકાદ કલાક આવે; ‘ગંગાગાકલ’માં હુગલીનું માટીવાળું પાણી ચોવીસ કલાક આવે. અમે ગંગાગકલમાં નહાતા ધુબાકા મારતા અને છેલ્લે સાદાકલથી માટી ધોઈ નાખતા.

કલકત્તામાં એ વખતે મકાનની સખત ખેંચ હતી. અમારા પિતાશ્રીના બાળમિત્ર મથુરાદાસ કાકાનું એક મકાન હતું, ‘નર્મદા સદન.’ તેના બે બાથરૂમ વચ્ચેની દીવાલ તોડીને એમણે ૧૦બાય૧૦ની ઓરડી બનાવી આપેલી, એમાં અમે રહેતાં. એ જ ઓરડીમાં અમારા બે ભાઈઓના જન્મ થયા: અરુણ અને નલિન. ત્યાંથી થોડાં વર્ષ પછી બાજુનો એક મોટો રૂમ ભાડે લીધો. તેમાં ઇલેક્ટ્રિક પંખાની સગવડ હતી જેનું વધારાનું ભાડું માસિક પાંચ રૂપિયા ઉનાળામાં લેવાતું. ઉનાળો પૂરો થાય એટલે મકાન માલિકના માણસો કનેક્શન કાપી જતા અને આવતા ઉનાળે સાંધી જતા. પંખાનું કનેક્શન ન હોય અને ખૂબ ગરમી હોય તો અમે આખી બિલ્ડંગના છડેછડા મકાનની બહાર ફુટપાથ ઉપર સૂતા. એ ઓરડામાંથી અમારી બે બહેનોનાં લગ્ન થયાં. શશીબહેન અને વિનુબહેન. એકવાર શશીબહેનના પતિદેવ પણ અમારી સૌની સાથે ફુટપાથ ઉપર સૂવા આવેલા. સવારે પાંચ વાગ્યે રસ્તા ધોવાવાળાની ટ્રકો આવતી જે ગંગાકલનાં પાણીના હોઝ ખુલ્લા છોડી અમને ઊભા કરી દેતી.

ગંગાકિનારે, યાને હુગલીના કિનારે દર બળેવે ગુજરાતી બ્રાહ્મણો જનોઈ બદલાવવાનું પર્વ ઉજવતા. લાંબાપહોળા બાબુલઘાટ ઉપર લાઇનબંધ બેસીને ભૂદેવો સમૂહમાં યજ્ઞોપવીત બદલવાના શ્લોકો બોલતા. અંતે સમૂહભોજન થતું. વારે તહેવારે અમસ્તા મન થાય ત્યારે પિતાજી અમને નહાવા ગંગાઘાટ લઈ આવતા. રસ્તે ઇડન ગાર્ડન અને લાટ સાહેબનો બંગલો આવતાં. ઘાટ ઉપરના દુકાનદારો તમારાં કપડાંલત્તા સાચવવા છાબડીઓ આપતા, અને નહાઈને બહાર  આવો એટલે તમને ટીલાં ટપકાં કરી આપતા, તેલ, દાંતિયો ને આયનો આપી તૈયાર થવાની સગવડ પૂરી પાડતા. પાણી ઊતરેલાં હોય ત્યારે કિનારા ઉપરની માટી ઉપર મલ્લો કુસ્તી કરતા, મારવાડીઓ ચંપી કરાવતા, સાધુઓ, ભિખારીઓ, કીર્તનકારો, યાત્રાળુઓ, સ્નાનાર્થીઓ, રખડતાં કૂતરાં, ગાયો અને પંખીઓ વાતાવરણમાં ‘જીવન’ની ભાંગના પ્યાલા રેડતી.

કલકત્તાના રસ્તે રસ્તે બજરિયા મટોડીવાળા પાણીના ‘ગંગાકલ’ આવેલા હતા છે જે કદાચ હજી પણ છે; તે રસ્તા ધોવાના ને આગ બુઝાવવાના કામમાં આવે છે. રસ્તે રહેતા લોકો તેમાં નહાય છે અને પીવા સિવાયના વપરાશમાં તે જ માટી–નિતારેલું પાણી વાપરે છે, અને એવા રસ્તે રહેનારા લોકો? માનો કે કલકત્તાની વસતીનો ત્રીજો ભાગ રસ્તા ઉપર જીવે છે; યાને રસ્તા ઉપર જન્મે છે; રસ્તા ઉપર ઊછરે છે; રસ્તા ઉપર પરણે છે; રસ્તા ઉપર સંતતિ પેદા કરે છે; ને રસ્તા ઉપર મરે છે. આમ, હુગલીમાં જેમ માટી ભેગાઈ ગઈ છે તેમ કલકત્તા શહેરની સ્મૃતિઓ અમારા મસ્તિષ્કની નસોમાં કાયમ દબડક દબડક દોડે છે. માટીની મહેક આઇ ડોન્ટ નોવ. માટીની મેમરીઝ, ફોર શ્યોર! જય મા મહિષમર્દિની!

4 thoughts on ““નીલે ગગન કે તલે – ૧૧ (મધુ રાય)- ગંગા’ર માટી એબમ્ કોલકાતા

 1. સ રસ માહિતી”…માટીની મેમરીઝ, ફોર શ્યોર! જય મા મહિષમર્દિની! ‘………..
  કલકત્તાનું મૂળ કાલીકાટા નામમાં રહેલું છે, મૂળે કાલીક્ષેત્ર તીવ્ર રાજકારણીય હિંસા, સંઘર્ષ અને મંદ અર્થતંત્ર વિગેરેનું મુક સાક્ષી બની રહ્યું. ફરીથી બેઠાં થયેલાં અર્થતંત્રને કારને શહેરનો વિકાસ ફરી એક વખત વધવા માંડ્યો છે. હાલ પણ કોલકાતા પણ ગરીબી, પ્રદુષણ અને વાહનોની ભીડ જેવી શહેરીકરણની સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યું છે

  Liked by 1 person

 2. મધુભાઈની તો ગરિબીની વાતોમાં પણ અમિરી દેખાય છે.આ ગદ્યસ્વામીની કલમ એમની કોઈ પણ વાતને સાહિત્યીક બનાવી શકે છે.. જય જામ ખંભાળિયા. જય કોલકતા

  Like

 3. શ્રી મધુ રાય નાં કલકત્તા નાં જૂનાં સ્મરણોમાંથી એમના વિષે ઘણું નવું જાણવા મળ્યું.
  એમની વર્ણન શૈલી અદભુત છે.દા.ત.

  સાધુઓ, ભિખારીઓ, કીર્તનકારો, યાત્રાળુઓ, સ્નાનાર્થીઓ, રખડતાં કૂતરાં, ગાયો અને પંખીઓ વાતાવરણમાં ‘જીવન’ની ભાંગના પ્યાલા રેડતી.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s