મધર્સ ડે –અમેરિકા (હરનિશ જાની)


મધર્સ ડે –અમેરિકા

આ ૧૩મી મેના દિવસે અમેરિકા મધર્સ ડે મનાવશે. દુનિયાના અમુક દેશો પણ અમેરિકાને પગલે ચાલી, મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવે છે. કેટલાક યુરોપીયન દેશો માર્ચ મહિનામાં ઉજવે છે. અમેરિકામાં ૧૯૦૮માં મધર્સ ડેની શરુઆત થઈ હતી.

       પહેલ વહેલાં મેં ૧૯૭૦માં આ અમેરિકન તહેવાર વિષૅ જાણ્યું .ત્યારે નવાઈ લાગી હતી અને કોલેજમાં અમેરિકન મિત્રો આગળ ભારતીય સંસ્કૃતિની વાતો કરી. મેં કહ્યું હતું કે અમારે ત્યાં ૩૬૫ દિવસ મધર્સ ડે હોય છે. અમે તો માબાપને ભગવાન સ્વરૂપ ગણીએ છીએ. માતૃ દેવો ભવ. પિતૃ દેવો ભવ. તે સમય એવો હતો કે હું અમેરિકાના જીવનનો અને સંસ્કૃતિનો પરિચય મેળવતો હતો. પરંતુ સમય જોડે અમેરિકાના આ તહેવારને અમે–મારા કુટુંબમાં– ઉજવતા થઈ ગયા છે. આપણી આજુબાજુ સૌ કોઈપણ તહેવાર ઉજવે ત્યારે બેસી રહી દેશના ઉત્સવોને યાદ કરવા કરતાં આ નવા દેશના ઉત્સવો કેમ ન ઉજવીએ? અમે પણ બધાની સાથે ઉજવવાનો રિવાજ રાખ્યો છે. અને એ હિસાબે અમે દિવાળી ન ઉજવાય તો કાંઈ નહીં ક્રિસમસ તો છે. એને દિવાળી સમજી  ક્રિસમસ વરસોથી અમારા ઘરમાં ઉજવીએ છીએ. તેવી રીતે મધર્સ ડે અને ફાધર્સ ડે પણ ઉજવીએ છીએ. અમેરિકાના આ દિવસો વેલેન્ટાઈન ડેની જેમ જ

ઉજવાય છે. આટલા વરસોમાં જોયું છે કે અમેરિકાના મોટા ભાગના તહેવાર કમર્શિયલ હોય છે. આપણા મોટા ભાગના તહેવારો ધાર્મિક હોય છે.કમર્શિયલ એટલે તે દિવસે કરોડો કાર્ડ વેચાશે,કરોડો ડોલર્સના ફલાવર્સ અને કરોડો ચોકલેટનું વેચાણ થશે .

             અહીં લાંબા ગાળા પછી મધરની થતી ટ્રિટમેન્ટ જોઈ. દીકરાઓમાં ખાસ કરીને ,પરણેલા દીકરાઓમાં પણ માની ટ્રિટમેંટ બહુ સારી નથી હોતી. ખાસ કરીને વિધવા માતાની. જુવાનીમાં પતિ પત્ની સજાગ હોય છે. અને ઘડપણમાં સ્વતંત્ર જીવન જીવાય એવી વ્યવસ્થા જુવાનીમાં જ કરતા હોય છે. અને મોટા ભાગના સિનીયર કપલ ગરમ હવામાનવાળા સ્ટેટસ– ફલોરિડા કે કેલિફોર્નિયા–  રહેવા જતા રહે છે. અહીં ભણતરને કારણે સિનીયર લેડિઝ પણ સજાગ હોય છે. પરંતુ ઘણી વખત પુત્રપ્રેમને કારણે પુત્રની વાતોમાં સપડાય જાય છે. મિત્રો સાથેની વાતો પરથી એટલું જરૂર કહી શકું કે સિનીયરોએ જીવતાજી પોતાનું ઘર પોતાના છોકરાંના નામે કદી ન કરવું. નહીં તો ઘરડાં ઘરમાં રહેવાનો વારો આવે. બીજું મેં જોયું છે કે નાનપણમાં

તમારા બાળકોને કેવા સંસ્કાર આપો છો તેના પર ઘડપણમાં તેમના વર્તનનો આધાર રહે છે. શું અમેરિકન કે શું ભારતીય મા બાપ આ વાત બન્ને દેશને લાગુ પડે છે.

આપણા દેશની સંસ્કૃતિમાં તો આપણે દેશની ધરતીને પણ ભારત માતાનું નામ આપ્યું છે. જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જે દેશમાં દુર્ગામા અંબામા જેવી નવ દુર્ગાઓ પૂજાતી હોય ત્યાં માતાનું સ્થાન અનોખું રહેવાનું. આપણા મહાભારતના ગ્રંથમાં પણ કુંતી અને ગાંધારીનો મહિમા ગવાયો છે. રામાયણમાં જો ખરેખર મહિમા ગાવો હોય તો તે સીતાજીનો ગાવો જોઈએ. જન્મ્યાં  રાજમહેલમાં પણ રાણીનું સુખ ન પામ્યાં. એકલે હાથે બે પુત્રોનો ઉછેર પણ વનમાં માતાએ કર્યો. મારું ચાલે તો રામાયણને સીતાયણ કહું. સીતાજીને બીજીવાર વનવાસ આપ્યો ત્યારે ન્યાયપ્રિય પતિદેવ પોતે પત્ની સાથે કેમ ન જોડાયા?

મારું કુટુંબ પણ મધર્સ ડે ઉજવે છે. અમારી દીકરીઓ નવ અને બાર વરસની હતી ત્યારે પોતાની મમ્મીને સરપ્રાઈઝ આપવા વ્હેલા ઊઠીને છાનામાના ચ્હા બનાવી ,અમારા પાછલા ગાર્ડનમાંથી ગુલાબના ફૂલ લાવી, ટ્રેમાં મુકીને  બેડમાં પોતાની મમ્મીને બ્રેક ફાસ્ટ કરાવ્યો હતો. અમારી દીકરીઓ ઘરમાં ગમે તે પ્રસંગ હોય કાર્ડ તો હાથે ચિતરીને જ બનાવે છે. તો તેમાં કાર્ડ પણ મુક્યું હતું. કહેવાની જરૂર નથી કે પછી એમની માતાને રેસ્ટોરાંમાં લઈ જવાની જવાબદારી પિતાની જ હોય છે.

          અમેરિકાને જોતાં લાગે કે આ મધર્સ ડેનો તહેવાર બન્યો છે તે સારું છે. એ બ્હાને  કુટુંબ ભેગું થાય અને એક સાથે ઉજવણી કરી શકે છે.

હું પોતે મધર્સ ડેને દિવસે મારી મૃત માને અહીં અંજલિ આપું છું .ખરું જોતાં હું એને ભૂલ્યો જ નથી. એટલે યાદ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. મેં મારા હાસ્ય નિબંધ સંગ્રહને મારી માતા “સુશીલા”નું શિર્ષક આપ્યું છે. અને નસીબ તો જુઓ એ પુસ્તકને ગુજરાતી પરિષદે શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક આપ્યું છે. મારા પહેલા વાર્તા સંગ્રહને મારા પિતાનું નામ “સુધન” આપ્યું છે. તેને પણ ગુજરાતી અકાદમીનું બીજું પારિતોષિક પ્રાપ્ત થયું છે.

મારી માતા જગતની સ્ટાન્ડર્ડ મા હતી. છોકરાંના સુખે સુખી અને છોકરાંના દુખે દુખી. મારી માતાના મારા પર ઘણાં ઉપકાર છે. ગણાવી શકાય પણ નહીં પણ મારે બે વાત તો અહીં ટાંકવી જ પડશે. એ રીતે મધર્સ ડેની મારા મધરને અંજલિ આપીશ.

          હું ખૂબ નાની ઉંમરે રાજપીપલાની કરજણ નદીમાં તરવાનું શીખ્યો હતો. મિત્રો સાથે દરરોજ નદીમાં તરવા જવાનું. કોઈપણ ઋતુ હોય નદીએ જઈએ જ. ખરેખર તો આજકાલના છોકરાઓ કોઈ કોફી શોપમાં મળે તેમ અમે નદીના ઓવારે મળતા.(તેનો લાભ એટલો થયો કે વડોદરા યુનિ.ની બોટિંગ અને સ્વિમીંગ ટીમમાં જગ્યા

મેળવી હતી.) એક દિવસે ચોમાસાની સિઝનમાં સાંજે તરવા જવા અમે ત્રણ મિત્રો નિકળતા હતા.ત્યારે અમે બાર તેર વરસના હતા. વાદળા. ઘેરાયાં  હતા. સાંજે અંધારું થઈ ગયું હતું. મારી બાએ મને નદીએ જવાની ના પાડી. મેં તેનું ન માન્યું.મને ઘણો સમજાવ્યો. તેણે વાદળાં બતાવીને મનાવ્યો. પણ હું ભાગ્યો. અમે ત્રણ નદી પાસે આવી પહોંચ્યા. અને વાવાઝોડું ચાલું થયું અને નદીના  કાળા પાણી ઉછાળાં મારતાં હતા.. ધોધમાર વરસાદ ચાલુ થયો. અમે પાણીમાં પડવાનું માંડી વાળ્યું. અમારા સિવાય ત્યાં કોઈ નહોતું. અમે ત્યાં મહાદેવના મંદીરમાં ભરાયા. થોડી વારે, દૂર જોયું તો મારી બા છત્રીમાં , હાથમાં બીજી છત્રી લઈને આવતી હતી. વરસાદ એટલો હતો કે તે ઓળખાઈ પણ નહીં અને છત્રી હોવા છતાં પલળી ગઈ હતી. અમને જોયાં. મને બાઝીને રડી પડી.”આ છોકરો મારી ના પર ગયો છે.તે ઘેર પાછો આવે તો સારું” તેની ચિંતા–વલોપાત આંખમાં છલકાતાં હતા.

આવી ચિંતા અને દેખભાળ કરે તે મા.

બીજો પ્રસંગ– હું છઠ્ઠી ગ્રેડમાં હતો. અને અમારી સ્કુલમાંથી પાવાગઢના પર્યટને જવાનું હતું. સવારે આઠ વાગે બસ સ્ટેન્ડ પર મળવાનું હતું . સવારે મને થયું કે હું મોડો પડીશ.  મારી બાએ મારા માટે ગરમ દૂધ બનાવ્યું હતું. આઠ વાગવા આવ્યા હતા. હું મોડો ના પડું એમ સમજીને દૂધ પીધા વિના દોડ્યો બસ સ્ટેન્ડ તરફ જે માઈલ દૂર હતું. બસ ઊપડવાની તૈયારીમાં હતી. હું અંદર ગોઠવાયો. બસ ઊપડી. અને ઊભી રહી. આગળ જોયું તો મારી બા હાથમાં દૂધનો પ્યાલો લઈને ઊભી હતી. અમારા ટીચર હરિહર પંડ્યાએ તેની સાથે વાત કરી અને મને ઊતાર્યો .મારા દૂધ પીધા પછી બસ ઊપડી. મને દૂધ પીતો જોઈને જે હરખાય તે મા. તેનો ચ્હેરો હજુ યાદ છે.

ગુજરાતી સાહિત્યમાં મા પર ઘણી કવિતાઓ લખાય છે. પરંતુ મને ગમતી પંક્તિઓ આ રહી.

અંધાર ઘેરે દિસે નહીં દિશ જો

દીવાદાંડી અચલા  તે ‘મા‘ ના અવર કો

અગણિત તારા આભે ચમકતા

ધ્રુવનો જે તારો તે ‘મા‘ ના અવર કો

 કવિ–કનુ સૂચક ‘શીલ‘

 

 

 

 

6 thoughts on “મધર્સ ડે –અમેરિકા (હરનિશ જાની)

 1. તમારા બાળકોને કેવા સંસ્કાર આપો છો તેના પર ઘડપણમાં તેમના વર્તનનો આધાર રહે છે. શું અમેરિકન કે શું ભારતીય મા બાપ આ વાત બન્ને દેશને લાગુ પડે છે.
  —-
  સાચી વાત.

  Like

 2. આખા લેખના શબ્દેશબ્દ ગમ્યા. એક હાસ્ય લેખક આવી ભાવ નીતરતી વાતો લખે અને ભીંજવી શકે ત્યારે ઑર ગમે..
  હરનીશભાઈ, તમારી બાળપણની સ્મૃતિ વાંચીને એક અમેરિકન ૬ વર્ષના છોકરાએ લખેલ બાળ વાર્તા યાદ આવી ગઈ.”Joshua disobeys”. એમાં વ્હેલ માછલી એની માંડ તરતા શીખેલી બેબી ફીશ જશવાને કિનારા તરફ જવાની ના કહે છે.પણ તેની અવગણના કરે છે તે પછી મા એને કઈ રીતે મરતાં બચાવે છે એની સુંદર વાત છે. ખરેખર, વિશ્વની તમામ ભાષાઓના શબ્દકોષોના બધાં જ શબ્દોમાંનો શ્રેષ્ઠ શબ્દ તે મા અને બા… વંદન સહ….

  Like

 3. આપની ‘સુશીલા’ વાંચી અને અમારા સુશીલાબાને યાદ કરીએ
  ‘સિનીયરોએ જીવતાજી પોતાનું ઘર પોતાના છોકરાંના નામે કદી ન કરવું. નહીં તો ઘરડાં ઘરમાં રહેવાનો વારો આવે’મા આ વાત ગમે તે સ્થિતીમા અમારા ભેજામા નથી ઉતરતી અમે તો-
  યાતના વચ્ચે મલકતું ને હરખતું, એ વદન હેતાળ ને મનહર હતું, મા !
  ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,તારું બસ હોવાપણું સરભર હતું, મા !ના અનુભવે ઘડાયલું
  અને તેમના માનો પ્રેમ નીતરતા સ્વભાવમા ઘડાયલું મન દીકરા-દીકરીઓ અને તેના પુત્રપુત્રીઓ સુધી સંસ્કારોથી ઘડાયેલું છે.મા વિષે આખું પુસ્તક લખાય પણ હાલ હેપી મધર્સ ડે મા
  વાત્સલ્ય મૂર્તિ ‘મા’ની સંક્ષિપ્ત છતાં શ્રેષ્ઠ વ્યાખ્યાઃ
  ધરતી પરનું શ્રેષ્ઠ એકાક્ષરી કાવ્ય ‘મા’ છે

  Like

 4. very nice shaddhanjali…”In the presence of a Mother knowledge flourishes, sorrow diminishes, joy wells up without any reason, abundance dawns & all talents manifest.” Dhanya che mata na smarano–

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s