ઉમાશંકર જોશી–બહુશ્રુત અને જાગૃત કવિ (નટવર ગાંધી)


ઉમાશંકર જોશીબહુશ્રુત અને જાગૃત કવિ

1947માં જ્યારે એમણે ‘સંસ્કૃતિ’ સામયિક શરૂ કર્યું ત્યારથી માંડીને ઠેઠ 1988માં જ્યારે એમનુંઅવસાન થયું તે સુધીના ચાર દાયકા દરમિયાન ઉમાશંકર ગુજરાતી સાહિત્યના પ્રમુખ સાહિત્યકાર હતા. એમને ગુજરાતી સાહિત્યના બધાં જ માન, સન્માન અને ચંદ્રકો મળેલા. 1967માં રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા એ પહેલા ગુજરાતી સાહિત્યકાર હતા.

એમની કાવ્યપ્રવૃત્તિ છેક 1928થી શરૂ થઇ.  ત્યારે એમણે સત્તર વર્ષની કુમળી વયે “નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા” જેવું સુંદર સૉનેટ આપ્યું.  અને તેમાંયે એની સંઘેડાઉતાર છેલ્લી પંક્તિ જુઓ : “સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.”  સત્તર વરસનો એક છોકરો આવું નખશીખ સુંદર સૉનેટ આપે એ તો ઈશ્વરદત્ત પ્રતિભાથી જ બને.  અગત્યની વાત એ છે કે ઉમાશંકરે એ પ્રતિભાને અસાધારણ ખંત અને ચીવટથી જાળવી અને કેળવી.  1931માં કાકા સાહેબ કાલેલકરના આશીર્વચન સાથે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ “વિશ્વશાંતિ” પ્રગટ થયો. અને તુરત જ એક કવિ તરીકેની તેમની પ્રતિષ્ઠા બંધાઈ ગઈ.  ગાંધીયુગથી માંડીને ઠેઠ આધુનિક યુગના એક પ્રમુખ કવિ તરીકે એમની સિદ્ધિ સર્વમાન્ય હતી.

એમની સાહિત્યિક પ્રતિભા તો અનેક ક્ષેત્રે પ્રસરેલી  હતી. કવિતા ઉપરાંત વાર્તા, નાટક, નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ, ડાયરી, પત્રકારત્વ વગેરે અનેક ક્ષેત્રે એમનું સર્જનકાર્ય જેટલું પ્રયોગશીલ હતું તેટલું જ અસાધારણ હતું.  લગભગ છ દાયકાની એમની લેખન પ્રવૃત્તિમાં એમણે 10 કવિતા સંગ્રહો, 3 એકાંકી સંગ્રહો, 4 વાર્તા સંગ્રહો, એક નવલકથા, 10 વિવેચન સંગ્રહો, 3 નિબંધ સંગ્રહો, 3 પત્રકાર લેખનના સંગ્રહો અને 4 અનુવાદગ્રંથો આપીને એમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. એ ઉપરાંત એક સંગ્રહ થઇ શકે એટલા એમના અંગ્રેજી લેખો અને અન્ય ગુજરાતી લેખન તો હજી અગ્રન્થસ્થ છે.

એક મહત્ત્વના સાહિત્યકાર હોવા ઉપરાંત  કેળવણીકાર, વિચારક અને પબ્લિક અફેર્સના અગ્રણી તરીકેનું એમનું પ્રદાન પણ આગવું હતું.   અન્ય ગુજરાતી સાહિત્યકારોની જેમ એમની પ્રવુત્તિ મુખ્યત્વે સાહિત્ય પુરતી મર્યાદિત રાખવાને બદલે એમણે શિક્ષણ, સમાજ અને રાજકારણ, કહો કે પબ્લિક અફેર્સના વિશાળ ફલક ઉપર કામ કર્યું હતું.  1985માં દિલ્હીની સાહિત્ય અકાદમીની ફેલોશીપ સ્વીકારતા એમણે કહ્યું હતું: I must confess that it would not have been possible for me to be a writer in the absence of my getting intimately involved in public affairs now and again–almost in spite of myself.  Happily I found that my literary work was going on all through in the backyard of the mind.  આ રીતે સાહિત્ય ઉપરાંત એમણે ઘણી સેવાઓ આપી.  ગુજરાત યુનિવર્સિટીના તેમજ કલકત્તાની શાંતિનિકેતન યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર તરીકે, રાજ્યસભાના મેમ્બર તરીકે, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે અને ઘણાંય કમિશન અને સંસ્થાઓમાં મેમ્બર તરીકે એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું.

પણ આ બધી પ્રવૃત્તિઓ છતાં એ નિરંતર શબ્દના ઉપાસક રહ્યા છે.  એ કહે છે તેમ:  “પ્રામાણિક્પણે કહી શકું કે શબ્દનો વીસારો વેઠ્યો નથી.” તો એ શબ્દ એમને ક્યાં ક્યાં લઇ ગયો?  “સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં–એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્રર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર…”

એ પોતાને માત્ર ગુજરાતી તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. “એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી?” એ એમની બહુ પ્રખ્યાત પંક્તિમાં મને Rudyard Kiplingની કવિતા, The English Flagનો પડઘો સંભળાય છે: And what should they know of England who only England know?  વળી એ એમ પણ કહેતા કે “I am an Indian writer writing in Gujarati.”  એમની દૃષ્ટિ ગુજરાતની બહાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયક્ષેત્રે પહેલેથી જ પહોંચી હતી.  ઠેઠ 1932માં એમણે  કહેલું કે :

વ્યક્તિત્વના બંધન તોડી ફોડી

વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;

પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી

સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી

માથે ધરું ધૂળ વસુંધરાની.

આ વ્યક્તિ મટીને વિશ્વમાનવ બનવાની ઉમાશંકરની મહત્ત્વાકાંક્ષા એમનાં અનેક રેખાચિત્રો જોતા સ્પષ્ટ થાય છે.  આ રેખાચિત્રો જોતા લાગે કે એમણે ભાગ્યે જ કોઈ ભારતીય કે આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર કે મહામાનવ વિષે ન લખ્યું હોય. એ પોતાને એ લીગમાં ગણતા એવું મને હંમેશ લાગ્યા કર્યું છે.

પોતે રાજસભાના મેમ્બર હોવાથી અનેક ક્ષેત્રોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહારથીઓને મળવાની અને એમની સાથે સંબંધ બાંધવાની જે તક મળે તે જવા ન દેતા.  બાકી તો કેટલા ગુજરાતી લેખકો અમેરિકા આવે ત્યારે પ્રખ્યાત અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટને ખાસ મળવા જાય?  કે યુરોપ જાય ત્યારે ઓડનના ઘર કબર સુધી ચાલતા ચાલતા જાય?  કે રાષ્ટ્રપ્રમુખ અને વિખ્યાત ફિલોસોફર સર્વપલ્લી રાધાકૃષ્ણનને મળવા જાય અને એમના જન્મદિવસે સંસ્કૃતમાં કાવ્યાંજલિ આપે? કે મદ્રાસ જાય ત્યારે રાજાજીને જરૂર મળવા પ્રયત્ન કરે? કે દિલ્હીમાં નોબેલ પ્રાઈઝ વિજેતા કવિ ઓક્ટાવીઓ પાઝ જે મેક્સિકોના એમ્બેસેડર હતા, તેનો સંપર્ક સાધે?  સોવિયેટ યુનિયનના જનરલ સેક્રેટરી નિકિતા કૃશ્ચેવ જયારે દેશની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમના માનમાં જવાહરલાલ નહેરુએ એક નાનો ભોજન સમારંભમાં યોજેલો તે એમાં ઉમાશંકરને બોલાવ્યા હતા. પ્રખ્યાત સાયકોએનાલિસ્ટ એરિક એરિક્સને ગાંધીજી ઉપરના પોતના પુસ્તક Gandhi’s Truth માં એમની અમદાવાદની મુલાકાત વિષે લખતા ઉમાશંકરને ખાસ યાદ કરેલા.

ભલભલા સાહિત્યકારો એવી ઈચ્છા રાખે કે ઉમાશંકર એમને પ્રસ્તાવના લખી આપે.  ઘણી વાર તો પ્રસ્તાવના માટે જે પુસ્તક મોકલાવ્યું વરસ સુધી પડ્યું રહે, અને બિચારો લેખક રાહ જોતો રહે!  પણ જ્યારે એ પ્રસ્તાવના લખે ત્યારે લેખક ન્યાલ થઈ જાય.  એમણે હરિશ્ચંદ્ર ભટ્ટના મરણોત્તર કાવ્યસંગ્રહ “સ્વપ્નપ્રયાણ” નું અસાધારણ સૂઝ, સમજ, અને સંભાળથી સંપાદન કર્યું.  એની પ્રસ્તાવના લખી હરિશ્ચંદ્રને ગુજરાતના એક ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠિત કર્યા.  પ્રહ્લાદ પારેખ અને કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહોની ઉમાશંકરે લખેલી પ્રસ્તાવનાઓ કે રાજેન્દ્ર શાહના કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ની સમીક્ષા  ગુજરાતી સાહિત્યમાં મૉડેલ ગણાય છે.  કોઈ પણ નવો કવિ કે  લેખક ‘સંસ્કૃતિ’માં પોતાની કૃતિ પબ્લીશ કરવા બધું કરી છૂટે, પણ ઉમાશંકરને રીઝવવા એ બહુ મોટી વાત હતી.  મારા ગુજરાતીના શિક્ષક લક્ષ્મીકાન્ત ભટ્ટની એક વાર્તા ‘ટીપે ટીપે’ જે ટૂંકી વાર્તાના કંઈક મેગેઝિનોમાંથી પાછી આવેલી  તે ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં છાપીને લક્ષ્મીકાન્તને ગુજરાતી વાર્તાકારોની પ્રથમ પંક્તિમાં બેસાડી દીધા!

મને એમ લાગ્યા કર્યું છે કે એમની પ્રતિભાને અનુરૂપ અને યોગ્ય દેશના એક નોંધપાત્ર બૌદ્ધિક તરીકે એમની ગણતરી નથી થઇ.   ગુજરાતીઓ ભલે એમનું માન સન્માન કરે, પણ એને મળનારો માણસ પોતે કોને મળી રહ્યો છે તે સમજે છે કે નહીં તેની એમને શંકા હતી એમ મને લાગ્યું હતું.  ગુજરાતી સર્જકોની કૃતિઓના સારા અનુવાદ ઇંગ્લીશમાં ન હોવાથી એમનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાહિત્યિક સન્માન નથી થયું તે સમજી શકાય છે.  પણ એમને રાષ્ટ્રીય કક્ષાનો કોઈ પદ્મ અવોર્ડસ નથી મળ્યા તે અક્ષમ્ય છે.  ખાસ કરીને જ્યારે એમના સમકાલીન સાહિત્યકારો અમૃતા પ્રીતમ (પદ્મ વિભૂષણ), પુ. લ. દેશપાંડે (પદ્મ ભૂષણ), રામધારી સિંહ ચૌધરી દિનકર (પદ્મ ભૂષણ) વગેરેને આ અવોર્ડસ મળી ચૂક્યા હતા.

એ જયારે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા ત્યારે એનું સમ્મેલન નવી દિલ્હીમાં એમણે યોજાવડાવ્યું હતું.  પરિષદના બબ્બે વર્ષે યોજાતા આ સમ્મેલનો સામાન્ય રીતે કાં તો ગુજરાતમાં કે જ્યાં ગુજરાતીઓની વસતી વધુ હોય તેવા ગુજરાત બહારનાં શહેરોમાં હોય, પણ ઉમાશંકર જોશી તો રાષ્ટ્રીય રાજધાનીનો જ વિચાર કરે ને!  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળે એ માટે એમણે કોઈ પણ ગુજરાતી લેખક કરતાં વધુ, કદાચ કનૈયાલાલ મુનશીને બાદ કરતાં, અંગ્રેજીમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક લેખન કરેલું. 60, 70 અને 80ના દાયકાઓમાં ભાગ્યેજ કોઈ ગુજરાતી લેખકે ઉચ્ચ કક્ષાએ એમના જેટલા સાહિત્યિક અને સાંસ્કૃતિક આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા હશે.

ઉમાશંકર જોશી માટે મને એમ હંમેશ લાગ્યું છે કે એમણે પોતાને માટે એક ઈમેજ ઊભી કરી હતી તેમાં જરાય આંચ ન આવે એનો ખૂબ ખ્યાલ રાખતા.  એમનો બોલવાનો એકેએક શબ્દ જાણે કે તોળાઈ તોળાઈ ને બોલાતો હોય એમ લાગે.  જો એ બોલવા માટે આટલી ચીવટ રાખે, તો પછી એમનું લખવાનું પણ ચોક્કસ જ હોય ને!  ગુજરાતના ઘણા જાણીતા લેખકોના સર્જનમાં જે શિથિલતા જોવા મળે છે, તે તેમનામાં ભાગ્યે જ મળે.  પોતે લખેલું તે વારેવારે સુધાર્યા મઠાર્યા કરે.  પોતાના લેખોને સુધારીને લખે કે આ હવે અધિકૃત આવૃત્તિ ગણવી. સર્જન માટે જે ચીવટ હતી તે એમણે અનુવાદ અને સંપાદનમાં પણ દાખવી હતી.  ભવભૂતિકૃત ‘ઉત્તરરામચરિત,’ કાલિદાસકૃત ‘શાકુંતલ,’ અને મિત્સ્કિયેવિચકૃત ‘ગુલે પોલાન્ડ’ના અનુવાદોમાં એમની એ કૃતિઓની સૂક્ષ્મ સમજ અને એક સમર્થ અનુવાદકની ચીવટ જોવા મળે છે.

એમણે  ‘સંસ્કૃતિ’ બંધ કર્યું ત્યારે કેટલાક સાહિત્યિક મિત્રોની વિનંતી હતી કે એ બંધ ન કરે અને એમને ચલાવવા આપે.  ઉમાશંકર જોશીની એ બાબતમાં સ્પષ્ટ ના હતી, અને એ ‘સંસ્કૃતિ’ બંધ કરીને જ રહ્યા.  એમને ભય હતો કે ઉચ્ચ કક્ષાની જે સાંસ્કૃતિક અને સાહિત્યિક મુદ્રા એમણે ઊભી કરી હતી, અને ચાલીસ વરસ જાળવી હતી તે બીજા કોઈના હાથમાં કદાચ ન પણ જળવાય.   1947થી શરૂ કરેલ સામયિક ‘સંસ્કૃતિ’ એમણે ચાલીસેક વરસ એકલે હાથે ચલાવ્યું. એ ઉચ્ચ કક્ષાના  સાહિત્યિક સામયિક દ્વારા એમણે ગુજરાતી લિટરરી જર્નાલિઝમનો એક ઉત્તમ દાખલો આપ્યો.  એના પહેલા પાને છપાયેલ એમના અગ્રલેખો વર્તમાન પ્રવાહો ઉપર એમની રનીંગ કોમેન્ટરી છે.  એમાં પબ્લિક અફેર્સમાં ઊંડો રસ લેતા એક જાગૃત કવિની મુદ્રા ઊપસે છે. પોતાના જર્નાલિઝમમાં પણ ટકી રહે એવું સત્ત્વ છે એમ માનીને એ બધું એમણે “સમયરંગ” નામના ગ્રંથમાં સંગ્રહિત કર્યું.  એ ગ્રંથ આજે પણ વાંચતા આપણને એ ચાલીસેક વરસોના પ્રમુખ પ્રવાહો, અગત્યના બનાવો, કોન્ટ્રોવરસીઓ વગેરેની ઝાંખી થાય છે.

મારી જેમ 1950 અને 1960 ના દાયકાઓમાં ઉછરેલાઓ માટે ઉમાશંકર જોશી એક આદર્શ સાહિત્યકાર હતા.  મારો સાહિત્યનો રસ એમના ‘બળતાં પાણી’ (પૃષ્ઠ 82, સમગ્ર કવિતા) નામના કાવ્ય ભણતાં જાગ્યો.  અમારા ગામની નાની લાયબ્રેરીમાં પછી જઈને એમનો કાવ્યસંગ્રહ “ગંગોત્રી” જયારે જોયેલો ત્યારે જે રોમાંચ અનુભવેલો તે હજી યાદ છે.  1961 મુંબઈમાં રવીન્દ્રનાથ ટાગોરની 100મી જન્મ જયંતી ઉજવાઈ ત્યારે ચોપાટી ઉપર એક સભા ભરાઈ હતી.  તેમાં દેશવિદેશથી સાહિત્યકારો આવેલા.  ત્યારે ઉમાશંકર જોશી પણ આવ્યા હતા અને એ સભામાં એમણે પ્રવચન આપ્યું હતું.  ત્રણેક કલાક સભા ચાલી હશે.  જ્યારે બીજા પ્રવચનકારો પોતાનું કહેવાનું પતાવીને નીચે ઊતરી જાય, ત્યારે ઉમાશંકર જોશી ત્રણે ત્રણ કલાક મંચ ઉપર બેસી રહ્યા અને બીજાઓને જે કહેવાનું હતું તે બરાબર સાંભળ્યું.  સભા પત્યે એ નીચે ઊતર્યા ત્યારે તેમને મળવા ગયો.  મારે ખભે હાથ મૂકીને મને પૂછ્યું: શું નામ તમારું? હું કાંઈક જવાબ આપું ત્યાં તો ગુલાબદાસ બ્રોકરે એમનો કબજો લીધો અને એમની સાથે પરિચય કરવાનું રહી ગયું.  પછી જ્યારે જ્યારે મુંબઈમાં એમનું પ્રવચન હોય એમ ખબર પડે કે તુરત હું પહોંચી જાઉં, પણ દેશમાં હતો ત્યાં સુધી કોઈ દિવસ એમની સાથે પરિચય ન થયો.

અમેરિકા આવ્યા પછી એમની સાથે પત્રવ્યવહાર જરૂર થયો.  ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી ત્યારે એ વિષે ઉમાશંકરનું મંતવ્ય શું હતું તે મારે જાણવું હતું.  કેરાલામાં જ્યારે નામ્બુદ્રીપાદની નેતાગીરી નીચે સામ્યવાદી સરકાર સ્થપાઈ ત્યારે તેમણે ‘સંસ્કૃતિ’માં એક અગ્રલેખ લખ્યો હતો: ‘કેરાલાએ આગ સાથે રમત કેમ આદરી?’ એ અનુસંધાનમાં ઈમરજન્સીની બાબતમાં એમના કોઈ જાહેર નિવેદનો કે પ્રવચનો હોય તો મોકલવા મેં એમને વિનંતી કરી.  ફટ કરતા વળતી ટપાલે જ એમણે રાજ્યસભામાં જે પ્રવચનો આપેલાં તે મોકલ્યાં.

એ જ અરસામાં હું દેશમાં ગયેલો.  અમદાવાદમાં તો એમનો સંપર્ક નહીં થયો, પણ દિલ્હીમાં એમની સાથે ટેલિફોન ઉપર વાત થઈ.  મોડી રાતે હોટેલમાં એમનો ટેલિફોન આવ્યો, “હું ઉમાશંકર!” તે જ દિવસે હું સવારના ઇન્દિરા ગાંધીને મળેલો.  એ જેલમાંથી હમણાં જ છૂટીને આવેલા, અને બહુ ગુસ્સે હતાં, મને કહે “You must tell this to Americans.  See what they are doing to me!”  ઇન્દિરા ગાંધી વિષે અને ઈમરજન્સી વિષે થોડી વાતો થઈ. મને કહે કે તમે જ્યારે અમદાવાદ આવો તો જરૂર મળજો. પછી તો જ્યારે જ્યારે દેશમાં જતો ત્યારે અમદાવાદ જરૂર જાઉં અને એમને મળું.  એક વાર તો એમને ત્યાં જાણીતા કવિ પન્ના નાયકને લઈને ગયેલો ત્યારે એમને ત્યાં ભોજન લીધું હતું.  બીજી એક વાર એમને ત્યાં ચા માટેનું નિમંત્રણ હતું, ત્યારે ચાની ટ્રે લઈને રસોડામાંથી આવતા કવિની છબી હજી આંખ સામે તારે છે.

અહીંની અમારી અકાદમીના આમંત્રણને માન આપી ઉમાશંકર અમેરિકા આવ્યા. એ વોશીન્ગ્ટન આવે તેની આતુરતાથી હું રાહ જોઈ રહ્યો હતો.  એમને વોશીન્ગ્ટન બતાવવા, ખાસ તો લિંકન મેમોરિયલ લઇ જવા હું ખુબ આતુર હતો.  એમનું લિંકન પરનું સૉનેટ, “મહામના લિંકન” (પૃષ્ઠ 683, સમગ્ર કવિતા) મને બરાબર યાદ હતું.  જેવા અમે મેમોરિયલ અંદર લિંકનની ભવ્ય મૂર્તિ આગળ પહોંચ્યા કે તુરત જ ઉમાશંકર જોશી અમારાથી જુદા પડી ગયા અને લિંકનની પ્રદક્ષિણા કરતા હોય તેમ નત મસ્તકે ઊંડા વિચારમાં હોય એમ ધીમે ધીમે ફરવા લાગ્યા.  એ કોઈ પવિત્ર તીર્થસ્થાને આવ્યા હોય એવો એમના ચહેરા ઉપર અહોભાવ હતો.  દેશમાંથી જે અનેક સાહિત્યકારો અને અન્ય મુલાકાતીઓ આવે છે, તેમાં માત્ર ‘દર્શક’ અને ઉમાશંકર એ બેમાં જ મેં આવી લિંકનભક્તિ જોઈ છે.

એમની સાથે મારે અનેક વિષયોની ચર્ચા કરવી હતી.  તે બાબતનો દસેક પાનાનો લાંબો કાગળ પણ મેં આગળથી લખી મોકલેલો!  એ આવ્યા ત્યારે એમને માટે એમને અનુરૂપ કાર્યક્રમ મેં ગોઠવેલો.  જાહેરમાં એમનું ગુજરાતી સાહિત્યરસિકો સાથે મિલન તો ખરું જ.  પણ સાથે સાથે અહીંના અગત્યના બૌદ્ધિકોને મળી શકાય એવી વ્યવસ્થા પણ કરી.  દેશમાંથી આવતા મુલાકાતી સાહિત્યકારોમાં બહુ જ ઓછા એવા હોય છે કે જે અહીંના પ્રથમ કક્ષાના બૌદ્ધિકો સાથે સહેલાઈથી સમકક્ષ વાતો કરી શકે.  ઉમાશંકર જોશી એમાંના એક હતા.  પૂર્વ અને પશ્ચિમના સાહિત્યિક અને બૌદ્ધિક પ્રવાહોથી પરિચિત હતા  અને એ બાબતમાં અહીંના કોઈ પણ સર્જક વિવેચક કે વિચારક સાથે સહજ જ વાતો કરી શકે એવા સજ્જ હતા.

પ્રથમ તો અહીંની વિશ્વવિખ્યાત લાયબ્રેરી ઑફ કોંગ્રેસના ઉપરી અને જાણીતા ઇતિહાસકાર ડેનિયલ બૂરસ્ટીન સાથે એમની મુલાકાત યોજી.  વોશીન્ગ્ટનની આજુબાજુ વસતા થોડા બૌદ્ધિકો સાથે એક રેસ્ટોરાંમાં એમનું ભોજન ગોઠવ્યું.  આ ઉપરાંત અહીંની ઇન્ડિયા કાઉન્સિલ જેમાં મોટે ભાગે સ્ટેટ ડીપાર્ટમેન્ટ, પેન્ટાગોનના ઑફિસરો, કેટલાક ઇન્ડિયા સ્ટડીઝના પ્રોફેસરો, વગેરે વોશીન્ગ્ટનના  “ઇન્ડિયા હેન્ડ” આવે તેમાં એમનું લંચિયન પ્રવચન યોજ્યું. આ બધા પ્રસંગોમાં ઉમાશંકર જોશી એમના એલિમેન્ટમાં હતા.

પન્ના નાયક જે ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઓફ પેન્સીલ્વેનીયાના લાયબ્રેરિયન હતાં તેમના સહકારથી લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં ઉમાશંકરના કાવ્યવાચનનું રેકોર્ડીંગ થયું. વધુમાં એમની અનુમતિ લઈને “વોઈસ ઑફ અમેરિકા” સાથે પણ એમનો ઇન્ટરવ્યૂ નક્કી કરેલો, પરંતુ જ્યારે એનો પ્રતિનિધિ ઇન્ટરવ્યૂ લેવા આવ્યો ત્યારે ઉમાશંકરે પોતાનું મન બદલ્યું. મને કહે કે આ ઇન્ટરવ્યૂ આખરે તો આપણા દેશમાં જ બ્રોડકાસ્ટ થશે ને? મારે જે કાંઈ કહેવાનું છે તે આ લોકો દ્વારા શા માટે કહેરાવવું?  એમ કહીને ઉપર ચાલી ગયા!  મેં વિલે મોઢે  “વોઈસ ઑફ અમેરિકા”ના પ્રતિનિધિને દિલગીરી સાથે સમજાવ્યું કે આ ઇન્ટરવ્યૂ હવે બને તેમ નથી. નોંધવું જોઈએ કે  બે વરસ પહેલા “વોઈસ ઓફ અમેરિકા”માં દર્શકનો ઇન્ટરવ્યૂ નક્કી કર્યો હતો, એ તો કહે કે “આપણે જે કહેવું છે તે કહેશું!” અને એના પ્રતિનિધિ સાથે આરામથી બેએક કલાક વાત કરી.

ઉમાશંકર જોશી માટે મને એમ હંમેશ લાગ્યું છે કે એમણે પોતાને માટે એક ઈમેજ ઊભી કરી હતી તેમાં જરાય આંચ ન આવે એનો ખૂબ ખ્યાલ રાખતા.  એક દિવસ અમે ઉમાશંકરને અહીંથી સોએક માઈલ દૂર આવેલ યુનિવર્સિટી ઓફ વર્જીનિયા લઇ ગયા. ત્યાં હિંદુ ધર્મના અભ્યાસનું કેન્દ્ર હતું. વાતચીતમાં એમનાથી નવલકથાકાર સલ્માન રશ્દી ઉપર કશુંક કડવું બોલાઈ ગયું.  અમારામાંના એક જણે એ વાત ફરીથી કરવા કહ્યું તો ખૂબ ગુસ્સે થઈ ગયા!  સ્પષ્ટ કહ્યું કે હું જ્યારે બોલું છું તે બરાબર સાંભળો અને સમજો અને પછી પ્રશ્ન પૂછો.  એમના આવા ક્રોધ વિષે સાંભળેલું, પણ મેં તો આ પહેલી જ વાર એ ક્રોધ જોયો. સામાન્ય વાતચીતમાં પણ તેમનાથી કોઈને પ્રત્યે આવું કડવું બોલાઈ ગયું અને તેની બીજા કોઈએ નોંધ લીધી તે તેમનાથી સહેવાયું નહીં!

અહીંની અમારી અકાદમીના આશ્રયે જે ઘણા સાહિત્યકારો આવ્યા હતા તેમાં ઉમાશંકર જોશી અનન્ય હતા.  જેમને મેં નાનપણથી જ આદરથી જોયેલા, જેમની કવિતાએ મને સાહિત્યમાં રસ જગાડ્યો, અને જે કાંઈ એ લખે તે આતુરતા અને રસથી હું વાંચતો, તે ઉમાશંકર જોશી સાથે મને એક અઠવાડિયું રહેવાનું અને એમની સાથે અનેક વિષયોની ચર્ચા કરવાનો લાભ મળ્યો તેને હું મારું સદ્ભાગ્ય માનું છું.

5 thoughts on “ઉમાશંકર જોશી–બહુશ્રુત અને જાગૃત કવિ (નટવર ગાંધી)

 1. ‘સત્તર વર્ષની કુમળી વયે “નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા” જેવું સુંદર સૉનેટ આપ્યું…’‘ પરંતુ તેઓ જાણીતા, તો થયા‘વિશ્વશાંતિ’થી. ત્યારે અમદાવાદમાં મહાત્મા ગાંધીજી અને તેમના દેશવ્યાપી અસહકાર અને સત્યાગ્રહ આંદોલનોના ઝંઝાવાતી દિવસો. અનેક નવયુવાનોએ સત્યાગ્રહમાં ઝંપલાવ્યું હતું, જેમાં અમારા આદર્શ ઉમાશંકર પણ એક હતા.
  કાવ્યકૃતિનાં ચારે ય પરિમાણોમાં ઉમાશંકર જોશી ભૂત વર્તમાન અને ભાવિ –ત્રણેય કાળને વળોટી લેતું અખંડ દર્શન પ્રગટાવે છે
  ‘અમે ઘેલા છો ને! પ્રથમ દુનિયા ઘેલી પલટો;
  પછી શાણાં ગાણાં નવલ લવશું શાણપણના’
  ભલે અમે ઘેલાં હોઈએ પણ અમારાથી ચડિયાતી ઘેલી તો આ દુનિયા છે. તમે એને પલટાવી શકવાના છો! પહેલાં જગત પલટાશે પછી કવિની સૃષ્ટિ પલટાશે. કવિ સંજીવનીનો સાક્ષાત્કાર કરનારની આ પ્રતીતિ છે.
  “ત્રણ વાનાં મુજને મળ્યા; હૈયું, મસ્તક, હાથ.
  બહુ દઈ દીધું નાથ! જા ચોથું નથી માંગવું.
  નમ નેત્રે સહજ નમન થાય તેવી વાત- ‘મિસાવાસ્યમ્‌’ વખતે એ અરસામાં રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશીએ ગૃહમાં માર્મિક રીતે કહ્યું હતું તેમ, સરકાર બંધારણનું ગળું ‘બંધારણીય’ રીતે દબાવી રહી હતી. અંગ્રેજી રાજમાં પણ પ્રી-સેન્સરશીપ લદાઇ ન હતી.!
  આ અભ્યાસપૂર્ણ લેખથી આ સિવાય ઘણી નવી વાત જાણવા મળી. ધન્યવાદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s