સ્વીકાર
ડીંગ ડોંગ….ડીંગ ડોંગ….
ઉપરા ઉપરી બેલ રણકતો સાંભળીને ભાર્ગવીએ દોડતા આવીને બારણું ખોલ્યુ. સ્પીડ પોસ્ટમાં આવેલી ટપાલ સાથે રજીસ્ટર લઈને ઉભેલા માણસના રજીસ્ટરમાં સાઇન કરીને બારણું બંધ કરી અંદર આવી. પોસ્ટ પર ધ્રુવ પંડિત વાંચીને ડ્રોઇંગ રૂમના સાઇડ ટેબલ પર મુક્યો.
આ ઘરમાં આવતી તમામ ટપાલ આવી રીતે ડ્રોઇંગરૂમના સાઇડ ટેબલ પર મુકી દેવામાં આવતી. ક્યાંય કોઇનાથી કશું જ ખાનગી ન હોવા છતાં એકબીજાની પ્રાઇવસીમાં ભાર્ગવી કે ધ્રુવને ચંચુપાત કરવાની જરાય ટેવ નહોતી. પોસ્ટ ટેબલ પર મુકીને ભાર્ગવીએ અધુરા કામ આટોપવા ડગ ઉપાડ્યા ત્યાં પોસ્ટ ઉપર લાલ અક્ષરે અર્જન્ટ લખેલુ જોઇને ખમચાઇ. લાલ માર્કાએ એના મનમાં પણ કશુંક ઉતાવળુ અને અઘટિત બની રહ્યું છે એવા એંધાણ તો આપી જ દીધા. ધ્રુવ સાંજે આવે અને પોસ્ટ જુવે ત્યાં સુધી હવે રાહ તો ન જોવાય…મનોમન બબડતા એણે હાથમાં પોસ્ટ લઈને ધ્રુવની ઓફીસે ફોન જોડ્યો અને સીધી જ મુદ્દા પર આવી ગઇ.
“ કમ ઓન ભાર્ગવી ! ખોલીને જોઇ લેને પ્લીઝ.”
સીમલાથી કોઇ અજાણી વ્યક્તિનો પત્ર હતો .કવર ખોલીને ભાર્ગવીએ અંદરથી સાવ સરળ હિન્દીમાં લખાયેલો પત્ર ઉતાવળે વાંચ્યો જેનો ભાવાર્થ એવો હતો કે ધ્રુવના ગુરૂ કહો કે એના પાલક પિતા શ્રી પુષ્કર પંડિત અત્યંત બિમાર છે અને કદાચ જીવનના આખરી દિવસો ગણી રહ્યા છે.
ભાર્ગવીની વાત પુરી થઈ ત્યારે સામો છેડો સ્તબ્ધ હતો. ક્ષણોની નજાકતા પારખીને ભાર્ગવીએ ધ્રુવને કહ્યુ કે એ થોડી જ વારમાં પાછો ફોન કરે છે ત્યાં સુધીમાં એ એનુ ઓફિસનું કામ સમેટવા માંડે. અને સાચે જ દસ જ મિનિટમાં ભાર્ગવીએ સીમલા જતી ફ્લાઇટમાં ધ્રુવનું બુકિંગ કરાવીને એને સામે ફોન જોડ્યો.
“ધ્રુવ, તું સીધો જ એરપોર્ટ પર આવ. હું અહીંથી તારો સામાન લઈને તને ત્યાં જ મળું છું. અને હા ! વન વે નું જ બુકિંગ કરાવ્યુ છે. કોને ખબર તારે ત્યાં ગુરૂજી પાસે કેટલું રોકાવું પડે. અહીંની જરાય ચિંતા કરતો નહી. બધું ય સચવાઇ જશે.”
ધ્રુવને ભાર્ગવીની સમજદારી પર માન થઈ આવ્યું. ધ્રુવ અને ભાર્ગવીના ફેમિલી બિઝનેસમાં બંને એક સરખા હિસ્સેદાર હતા. ધ્રુવના બહોળા પથરાયેલા બિઝનેસમાં ફાઇનાન્સ અને ઓડીટ એમ એ બંને ભાર્ગવી સંભાળતી.
પુષ્કર પંડિત એટલે કે સીમલાના એક અનાથાલયના આચાર્ય.. કાશીના પંડિત હોવાના નાતે સૌ એમને ગુરૂજી કહીને જ સંબોધતા. એક ઘેરાતી રાત્રીના પહેલા પ્રહરમાં પુષ્કરરાય પંડિતના અનાથાલયનો ઘંટ વાગ્યો હતો. આ ઘંટનો ટંકાર એટલે એમના અનાથાલયમાં એક નવા આગંતુકના આગમનની આલબેલ. મોટા મસ દરવાજાની બહાર એક પારણું હંમેશા ઝુલતું રહેતુ. પુષ્કરરાય પંડિતે ઘડીભર રહીને હળવેકથી દરવાજો ખોલ્યો.. એમનો એક નિયમ હતો કે ઘંટ વાગે એટલે તરત જ દરવાજો નહીં જ ખોલવાનો. વખાના માર્યા જે વ્યક્તિને પોતાના બાળકને આમ તરછોડી દેવું પડ્યું હોય એને એના બાળકથી દૂર થવાનો મોકો મળે અથવા તો મન બદલાય તો બાળકને પાછું પણ લેવાનો મોકો મળી શકે .
દરવાજો ખોલીને જોયું તો એક સરસ મઝાનું તંદુરસ્ત ગલગોટા જેવું બાળક સાવ નિશ્ચિંતતાથી પારણામાં ઝુલતુ હતું. ક્ષણવારમાં જ જોઇને મોહી પડાય એવો ગોરો ચહેરો જોઇને ગુરૂજીના હ્રદયમાંથી ફળફળતો નિસાસો નિકળી પડ્યો. કેવી મજબૂરી હશે કે આમ આવી રીતે તરછોડી દેવું પડ્યું હશે? ક્ષણવાર જ પછી પાછી એ જ સ્વસ્થતા ધારણ કરી લીધી ગુરૂજી એ. “ઇશ્વર ઇચ્છા બલિયસી” કહીને ઉપર આભ તરફ નજર નાખી. નિરભ્ર આભમાં દૂર એક તેજસ્વી તારલો ટમટમતો હતો.
“ધ્રુવ…
ધ્રુવના તારા પરથી પુસ્કરરાયે એ બાળકનું નામ આપ્યું ધ્રુવ. આમ તો અનાથાલયમાં અનેક બાળકો આવતા પણ ખબર નહીં કેમ પુષ્કરરાયને આ બાળક પર જરા વધુ પડતું મમત્વ હતુ. ધ્રુવ હતો પણ એવો જ તેજસ્વી અચળ અને અડગ. સૌ તારા વચ્ચે ય ઝળકી ઉઠે એવો. સીમલાની સ્કુલમાં પણ એ હંમેશા ઝળકી રહેતો. કોલેજના એડમીશન સમયે ધ્રુવના નામ સાથે પુષ્કરરાયે પોતાની અટક પંડિત ઉમેરીને એને ગૌરવ બક્ષ્યુ. ધ્રુવ ગુરૂજીનો આજીવન આભારી હતો. પણ એણે ભાર્ગવીથી કશુંય છુપાવ્યું નહોતુ. એ અનાથ છે એ પણ નહીં. સાથે એ પણ કહ્યું કે એ અનાથ છે પણ એકલો નથી. એની સાથે એના પરમ પૂજ્ય ગુરૂજીના સંસ્કાર અને આશીર્વાદની શ્રીમંતાઇ હતી.
ભાર્ગવીને પણ ધ્રુવના ભૂતકાળ સામે જરાય વાંધો નહોતો. દિલ્હીની કોલેજમાં આમને સામને થઈ ગયેલા બે જીવો ખરા અર્થમાં એક થઈને રહ્યા હતા. ભાર્ગવીએ ધ્રુવનું હીર પારખ્યું હતું અને એના પરિવારને ભાર્ગવીના નિર્ણય પર ગર્વ હતો. ધ્રુવની નિખાલસતા અને કોરી પાટી જેવો વર્તમાન ભાર્ગવીને સ્પર્શી ગયા હતા. એ કોરી પાટી પર ભાર્ગવીએ એના નામની મહોર મારી.
દિલ્હી એરપોર્ટ પર છુટા પડતા ફરી એકવાર ભાર્ગવીએ ધ્રુવને કોઇ જાતની ચિંતા કર્યા વગર ગુરૂજી માટે જરૂરી હોય ત્યાં સુધી રહેવા માટે કહ્યુ…..
****
ભાર્ગવી અને ધ્રુવનો નાનકડો પણ સુખી પરિવાર. પરિવાર વગરના ધ્રુવને પુરેપુરા માન-સન્માન સાથે ભાર્ગવીએ સ્વીકારી લીધો હતો કારણ એમાં એની ઉદારતા નહોતી પણ એ એને સાચે જ ખુબ પ્રેમ કરતી હતી.
“ધ્રુવ, આ આયના જેવો સાફ દેખાતો તારો ચહેરો અને એવી જ સાફ સીધી તારી વાત મને ખુબ ગમે છે. માણસ જન્મે એ પહેલા એનો પિંડ બંધાતો હોય ત્યારે જ એનું ભાવિ નિશ્ચિત થઈ જતુ હશે ને? એ ભાવિ પર માણસનો પોતાનો અખ્ત્યાર ક્યાં હોય છે કે તારો હોય? પણ હા! કોઇ ઘટના એવી હોય કે જેના માટે તું નિમિત્ત બન્યો હોય તો એ ભલે ને એ સારી હોય કે નરસી એની જવાબદારી તારી કહેવાય. એમાં ક્યારેય તું ઉણો ના ઉતરતો પ્લીઝ.”
ભાર્ગવી ખુબ વિચક્ષણ અને સ્પષ્ટ વક્તા હતી. એ જે માનતી એ જ કહેવાનો અને કરવાનો આગ્રહ સેવતી. દંભ –દેખાડો તો એના સ્વભાવથી વિપરીત વાત હતી.
ધ્રુવ પાસે પણ હંમેશા એવો આગ્રહ રાખતી કે “જે જીવો એ દિવા જેવુ ઉજળુ હોવું જોઇએ. અને તેમ છતાં માણસ માત્ર ભૂલને પાત્ર પણ એ ભૂલ સ્વીકારવાની માણસમાં હામ હોવી જોઇએ. ધ્રુવ, ક્યારેક મારા કે તારા જીવનમાં એવું કશુંક બની જાય કે જેની કલ્પના સુધ્ધા ન કરી હોય તો ય હું કે તું એકબીજાથી કશું જ ગોપનિય નહી રાખીએ.
ધ્રુવ હસી પડતો. “અરે! ક્યાંથી ક્યાં તુ વાતને લઈ જાય છે?”
આ સુખી દંપતિના ઘરમાં ભૌતિક સુખ છલોછલ ,એકમેક માટેનો પ્રેમ ભારોભાર. બસ જો કોઇ કમી હોય તો એ શેર માટીની. જો કે ભાર્ગવીને તો એનો ય વસવસો નહોતો.
એ કહેતી કે “ ભગવાને જો નિર્ધાર્યુ હશે અને મારા નસીબમાં સંતાન સુખ હશે તો એ આપીને જ રહેશે. પણ જે બાળક હશે એ માત્ર તારા અને મારા લોહીનો જ પિંડ હશે. મારામાં કોઇ પારકા બાળકને પોતાનું કરવા જેટલી ઉદારતા નથી.”
સમય અને સંસાર સરળતાથી વહે જતો હતો.
**
ધ્રુવ સીમલા એરપોર્ટ પરથી ટેક્સી કરીને છોટા સીમલા થઈને કુસુમહટ્ટી પહોંચ્યો ત્યારે ગુરૂજીના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. એક અપરાધની ભાવના સાથે ધ્રુવ એમાં જોડાયો. છેલ્લા કેટલાય સમયથી વ્યસ્તતાને લીધે ગુરૂજીને મળવા જ એ આવી શક્યો નહતો.
અગ્નિદાહમાંથી ઉઠતી અગ્નિની સેરોમાં ઓગળતો ગુરૂજીનો પાર્થિવ દેહ ધ્રુવની નજરથી સહન થતો નહોતો. આંખ ભરાઇ આવી પણ એ રડી શક્યો નહીં. છેલ્લે ગુરૂજીના અસ્થિફુલ એણે ત્યાં મુકેલા કુંભમાં એકઠા કરી લીધા. એટલો તો હક બનતો હતો ને એનો?
“આપ કે લિયે ગુરૂજી યે ખત છોડકે ગયે થે.” આશ્રમના સંચાલક જેવા કહેવાતા અખિલેશજીએ એક બંધ કવર ધ્રુવના હાથમાં આપ્યું. બંધ કવરમાં ધ્રુવ માટે વિસ્ફોટક જાણકારી હતી.
***
પૂનમ… ધ્રુવની જેમ જ પુષ્કરરાયના આશ્રમમાં ઉછરેલી એક સરસ મઝાની છોકરી. ધ્રુવના ગયા પછી એ જ ગુરૂજી અને ગુરૂમા નું ધ્યાન રાખતી હતી. એ પૂનમ આજે તો હયાત નહોતી પણ એ એક નિશાની ગુરૂજીના આશ્રમમાં છોડતી ગઈ હતી.
“અમર… આજે પાંચ વર્ષનો થવા આવ્યો છે. પૂનમે જ્યારે એને જન્મ આપીને દેહ છોડ્યો ત્યારે અને ત્યાં સુધી પણ એણે કોઇનું નામ આપ્યું નહોતું. કદાચ એ એની ખાનદાની હતી અથવા તો જેનો આ અંશ હતો એને એ સાચે પ્રેમ કરતી હતી અને એની દુનિયા બરબાદ થાય એમ ઇચ્છતી નહોતી પણ એનામાં મેં જેના અણસાર જોયા એ અણસાર જ્યારે તને કોઇ આ વાત્સ્લયધામ મુકીને ગયું ત્યારે તારામાં મેં જોયા હતા. અમર તારી જ હુબહુ પ્રતિકૃતિ છે એ મારા્થી વધુ કોણ જાણી શકવાનું છે? એક દિવસનો હતો ત્યારથી આજ સુધી તને પળે પળે મોટો થતા મેં જોયો છે. દરેક ધ્રુવના નસીબમાં હંમેશા પુષ્કરરાય નથી હોતા પણ હવે અમરનું નસીબ અને ભવિષ્ય તારા હાથમાં છે. તારું છે એનો તું સ્વીકાર કર. બાકી તો બીજા અનેક મા-બાપ વગરના બાળકની જેમ અમર માટે આ આશ્રમ તો છે જ.”
સાવ નાનકડી ચિઠ્ઠીમાં સીધી ને સટ વાત લખાયેલી હતી. નખશીખ ધ્રુવ ધ્રુજી ગયો. ક્ષણવારમાં એ દિવસની સાંજ એની નજર સામેથી પસાર થઈ ગઈ.
દિલ્હી સ્થાયી થયા પછી પણ એ અવારનવાર સીમલા ગુરૂજીને મળવા આવી જતો. લગ્ન પછી ભાર્ગવીને લઇને પણ ગુરૂજીના આશીર્વાદ લેવા આવ્યો હતો. ગુરૂજી ખુબ ખુશ હતા. ધ્રુવની પ્રગતિ જોઇને , ભાર્ગવીને મળીને.
એ દિવસની વાત સાવ અલગ હતી. એ સીમલા કોઇ સેમીનાર એટેન્ડ કરવા આવ્યો હતો. સેમીનાર પતતા સાંજ પડી ગઈ હતી. એ ગુરૂજીને મળવા આવ્યો ત્યારે એ ગુરૂમાને લઈને દવાખાને ગયા હતા. ઘરમાં હતી માત્ર પૂનમ. અને મેઘલી વરસાદી સાંજે એવું બની ગયુ કે જે ધ્રુવ કે પૂનમના હાથ બહાર હતુ.
આજે પાંચ વર્ષના વ્હાણા વહી ચુક્યા પણ એને એનો અણસાર સુધ્ધા ગુરૂજીએ આવવા દીધો નહોતો. કદાચ એ પણ પૂનમની જેમ ધ્રુવની આબાદ દુનિયા બરબાદ થાય એમ ઇચ્છતા નહોતા. પણ હવે અમરનું ભાવિ આમ જ અહીં આ અનાથાલયમાં પસાર થઈ જાય એ ય ઇચ્છતા નહોતા.
પગ નીચેથી ધરતી ખસતી હોય એમ લાગતું હતું. વાત્સલ્યધામની ઓફિસમાં બેઠેલા ધ્રુવને જમીન માર્ગ આપે તો સમાઇ જવાની પ્રબળ ઇચ્છા થતી હતી. હતપ્રભ ધ્રુવને પોતાની દુનિયા ખળભળતી દેખાઇ. ભાર્ગવીના વિશ્વાસગઢના કાંગરા ખરતા દેખાયા.
“જે જીવો એ દિવા જેવુ ઉજળુ હોવું જોઇએ. માણસ માત્ર ભૂલને પાત્ર પણ એ ભૂલ સ્વીકારવાની માણસમાં હામ હોવી જોઇએ. ધ્રુવ, ક્યારેક મારા કે તારા જીવનમાં એવું કશુંક બની જાય કે જેની કલ્પના સુધ્ધા ન કરી હોય તો ય હું કે તું એકબીજાથી કશું જ ગોપનિય નહી રાખીએ….. ભાર્ગવીએ કહ્યુ હતુ ને?
પણ ધ્રુવે ક્યાં કશું જ ગોપનિય રાખ્યું હતું? એને જ ક્યાં કશી ખબર હતી? પણ હા ! એ સાંજની વાતનો ઉલ્લેખ એણે ભાર્ગવી પાસે નહોતો કર્યો એ ય એક હકિકત હતી.
સામે અખિલેશજી પાંચ વર્ષના અમરને લઈને ઉભા હતા. પોતાની નખશીખ પ્રતિકૃતિને ધ્રુવ જોઇ રહ્યો. ધ્રુવ સીમલા છોડીને જઈ રહ્યો હતો ત્યારે નાનપણથી જ એની સફળતાની ગાથા ગાતા ફોટાઓ ગુરૂજીએ ધ્રુવને સોંપ્યા હતા. આજે એ ફોટામાંનો ધ્રુવ જાણે નજર સામે ઉભો હતો.
સ્તબ્ધ ધ્રુવ અને અમરને મુકીને અખિલેશજી ઓફિસની બહાર નિકળી ગયા. અહીંયા કોઇને વધુ સવાલો કરવાનો કે લાંબીચોડી વાતચીત કરવાનો શિરસ્તો જ નહોતો.
હવે? પોતાની સામે ટગર ટગર નિહાળી રહેલા અમર સામે પણ સીધી નજરે એ જોઇ શકવાને શક્તિમાન નહોતો. નજર સામે આ અનાથાલયમાં વિતી ગયેલો ભૂતકાળ , ભાર્ગવી સાથેના વર્તમાનના દિવસો અને લગ્નજીવનના હચમચી ગયેલા પાયાનું ભવિષ્ય એકમેકમાં ભળીને તાંડવ રચતા હતા.
“મારે તમારી સાથે આવવાનું છે ને? તમે મને લેવા આવ્યા છો ને? દાદા મને કહેતા હતા કે એક દિવસ હું મારા ઘેર જઈશ. મારું ઘર ક્યાં છે? બહુ દૂર છે? નાનકડા અમરના સવાલો પણ જાણે બધિર મન સુધી પહોંચ્યા વગર જ કાનેથી અફળાઇને પાછા ફરતા હતા.
અમરના સવાલો અને ભાર્ગવીના કથન… એ કશું જ જુદુ તારવી શકતો નહોતો. ભાર્ગવીએ એને એના સ્વચ્છ આયના જેવા ભૂતકાળ સાથે સ્વીકાર્યો હતો અને હવે આ? શું કહેશે એ ભાર્ગવીને ? કયા મોઢે એ સામનો કરી શકશે એ ભાર્ગવીનો?
અમરનો ય શું વાંક હતો?
ગુરૂજી કહેતા હતા ને કે “ અહીંયા આવનાર બાળકનો પોતાનો તો કોઇ વાંક હોતો જ નથી. વાંક હોય છે એમની કિસ્મનો કે જે કિસ્મત એમને અહીંયા પહોંચાડે છે નહીંતર કોઇના ઘરનો કુળદિપક કે કોઇના ઘરની લક્ષ્મી આમ અહીંયા તરછોડાયેલી અવસ્થામાં ઉછરતા હોય? વળી કોઇ એવા નસીબના બળિયા ય હોય છે જેમના નસીબમાં ફરી એકવાર પોતાનું કહી શકાય એવું ઘર અને એ ઘરના મોભી મા-બાપ લખાયેલા હોય. ધ્રુવ તને હું એટલું તો જરૂર કહીશ કે ક્યારેક જો કોઇ સતકર્મની ભાવના મનમાં જાગે તો આવા કોઇ બદનસીબનું નસીબ સુધારજે.” હજુ તો ગુરૂજીની વાત પુરી થઈ એ સાથે ભાર્ગવીનો અવાજ સંભળાયો.
“માણસ જન્મે એ પહેલા એનો પિંડ બંધાતો હોય ત્યારે જ એનું ભાવિ નિશ્ચિત થઈ જતુ હશે ને? એ ભાવિ પર માણસનો પોતાનો અખ્ત્યાર ક્યાં હોય છે કે તારો હોય? પણ હા! કોઇ ઘટના એવી હોય કે જેના માટે તું નિમિત્ત બન્યો હોય તો એ ભલે ને એ સારી હોય કે નરસી એની જવાબદારી તારી કહેવાય. એમાં ક્યારેય તું ઉણો ના ઉતરતો પ્લીઝ.”
“હે ભગવાન! કેટ-કેટલા અવાજો ઉઠતા હતા. અમર, ગુરૂજી ,ભાર્ગવી જાણે સૌ એક સમટા જ ધ્રુવ સાથે સંવાદ રચી રહ્યા હતા અને આ સામે આંખમાં આશાની કિરણ સાથે ઉભેલો અમર..
એક ક્ષણમાં ધ્રુવે નિર્ણય કરી લીધો ફરી એક નિર્દોષ જીવને એ આ વાત્સલ્યધામમાં અનાથ ઉછરતો છોડીને નહીં જાય બલ્કે એને પોતાનું નામ આપશે.
****
ડીંગ ડોગ ડીંગ ડોંગ….ઉપરા ઉપરી બેલ રણકતો સાંભળીને ભાર્ગવી એ દોડતા આવીને બારણું ખોલ્યુ.
સામે ગારમાટી જેવો દેખાતો ધ્રુવ અને એનો હાથ પકડીને ઉભેલો અમર…
ધ્રુવે દિલ્હી આવતા પહેલા ભાર્ગવીને ફોન કરીને બધી જ વાત કરી હતી. સામો છેડો સ્તબ્ધ હતો.
“હું એક વાર ઘરના ઉંબરે આવીને ઉભો તો રહીશ જ. માફ કરવો કે સજા દેવી એ તારા હાથમાં છે. એક પણ શબ્દ બોલ્યા વગર તને જે મંજૂર હશે એ સ્વીકારી લઈશ.” એ ય ધ્રુવે ફોન પર કહ્યું હતું.
ભાર્ગવીએ ધ્રુવનો હાથ છોડાવીને અમરને ઉંચકી લીધો.. “ધ્રુવ, તારા ઘરમાં આવવા માટે તને આમંત્રણ કે આવકારની જરૂર છે?”
બહુજ સરસ સમજણ યુક્ત નિર્ણય. જીવનના તાણાવાણા કેવા ગૂંથાયેલા હોય છે.
LikeLiked by 1 person
Navin Banker
Today, 10:54 AM
રાજુલબેનની ‘સ્વીકાર’ વાર્તા ખુબ ખુબ ગમી. દરેક સ્ત્રી ભાર્ગવી જેવી ઉદાર નથી હોતી. એકવાર આવું જાણ્યા પછી, તિરાડ તો પડી જ જતી હોય છે. સુખી અને સ્વસ્થ લગ્નજીવન માટે અરસપરસનો વિશ્વાસ એ પાયાનું પગથિયું છે. એ પછી જ પ્રેમ, શ્રદ્ધા, સમર્પણ સહનશીલતા આવે. પણ આપે જે સ્ત્રીનું ચિત્રણ કર્યું છે એ તો અદભુત છે.
આપની ભાષા પણ સરળ અને સહજ છે.
આપના ફિલ્મી અવલોકનો પણ મને ખુબ ગમે છે.
એક સૂદર કૃતિ આપવા બદલ આભાર અને અભિનંદન.
નવીન બેન્કર.
LikeLiked by 1 person
વાર્તા લખવાની શૈલી સરસ છે. સહજ, સરળ પાત્રો. સરયૂ પરીખ.
‘માસુમ’ ફિલ્મમાં આ રીતે સહજ સ્વીકાર નથી થયો.
LikeLiked by 1 person
વાર્તા અને ભાવ તો સરસ છે જ. પણ વાસ્તવિક જીવનમાં આમ બનતું નથી હોતું.
ખેર… આશા રાખીએ કે, આવી વાર્તાઓ એના મત્લા જેવી માનવતા અને સહજતા સમાજમાં ફેલાવે.
LikeLiked by 1 person
સાંપ્રતસમયે રોજ સમાચારમા મોટા ગજાના પુરુષે કોઇ છોકરીને અડપલું કર્યું હોય તે છોકરી ડોશી થઇ જાય ત્યારે તેને આંસુ આવે અને તે બદનામ કરે ! ચીભડાના ચોરને ફાંસીની સજા થાય !કોઇ ડો દીપક ચોપરા જેવા લડી લે તેવા હોય !
ત્યારે ધ્રુવે કરેલ ભૂલ સ્વીકારવાની હામ બદલ ભાર્ગવી ને ધન્યવાદ…
હાલ ફર્ટીલીટી ક્લીનીકોમા વધુમા વધુ કમાણી થાય. ટીવી પર જાહેરાત અપાય કે એક સ્ત્રી બીજના $૮૦૦૦ અપાય અને સેરોગેટ મધરના ભાવ આસમાને ત્યારે ભાર્ગવીને તો અનાયાસ લાભ થયો.
કોઇ વાર્તાકારના બાળપણમા કુટુંબમા ઘણા મરણ જોયા હોય તો આ વાર્તામા નાયક સાથે ઝગડો થાય અને બળી મરે તેને બચાવતા તેનો પતિ ભડથુ થાય અને છોકરું રડતું રહે તેનો પત્રકાર ફોટો પાડે અને તેનો અલ્પસંખ્યકો, આદિવાસીઓ, દલિતો, પછાતો, ગરીબોને થતાં અન્યાયની વાત કરી- બળતું કરી તેના પર પોતાનો પાપડ શેકે…
.
અને આવી વાર્તાઓને ઇનામ મળે
ત્યારે આપણા સુ શ્રી રાજુલબેન ધન્યવાદના અધિકારી તો ખરાને?
LikeLiked by 1 person
rajulben,
very touching story- travels very smoothly to Apex and acceptance from Mother- Amar Prem !!!
LikeLiked by 1 person
સ્વીકાર વાર્તા માટેના પ્રતિભાવ માટે આપ સૌનો આભાર.
વાચકને વાત સ્પર્શે તો જ એ વાત સાર્થક થઈ કહેવાય ને?
LikeLike
રાજુલબેનની ‘સ્વીકાર’ વાર્તા ખુબ ખુબ ગમી, આપે જે સ્ત્રીનું ચિત્રણ કર્યું છે એ તો અદભુત છે.
LikeLike