“નીલે ગગન કે તલે – અંતીમ (મધુ રાય)-કુર્યાત્ ગતિ પ્રતિ મંગલમ્

(માનનીય શ્રી મધુરાય. આંગણાંને આપની સશક્ત કલમનો લાભ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.-સંપાદક)

કુર્યાત્ ગતિ પ્રતિ મંગલમ્

વિશ્વ આખાની માનવજાત ઉપર સૌથી મોટું જોખમ શું છે? ઇસ્લામિક ફન્ડામેન્ટલિઝમ? અણુવિનાશ? મહામારી? ગ્લોબલ વોર્મિંગ? કે ‘એઆઈ’? ઈલોન મસ્ક કહે છે, ‘એઆઈ’! મસ્ક સાઉથ આફ્રિકામાં જન્મેલ (1971) કેનેડીયન અમેરિકન ઉદ્યોગપતિ છે જેણે ૧૨ વર્ષની બાબા–વયે એક વિડિયો ગેઇમ બનાવેલી જે હજી નેટ ઉપર ઉપલબ્ધ છે. હાલ અમેરિકામાં તેમની અરધો ડઝન કંપનીઓ છે જેમાંની એક મંગળ ઉપર વસવાટ કરવા માટે ‘હાઇફાઈ’ શોધખોળ કરે છે અને બીજી આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ (યંત્રજન્ય પ્રજ્ઞા)નો વિકાસ કરી રહેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સને ઊર્ફે ‘એઆઈ’. દાત. યંત્રમાનવ રોબોટ, સેલ્ફડ્રિવન કાર્સ, વગેરે જે માનવસહજ કાર્યો આપમેળે કરતાં શીખે અને કરતાં કરતાં પંડિત થાય.

મહાન સાયન્સ ફિક્શન કથાકાર આર્થર સી. ક્લાર્ક અને સ્ટાનલી કુબ્રિકે ૧૯૬૮માં બનાવેલી ફિલ્મ દ્વારા એઆઈના જોખમ તરફ આંગળી ચીંધલી. હાલ તે ઉદ્યોગ શૈશવમાં છે અને હજી જાહેર જનતા અને સરકારો રાજિંદી પળોજણોમાં ડૂબાડૂબ છે એટલે વિસ્મય તેમ જ અહોભાવથી તે ક્ષેત્રનો વિકાસ જોયા કરે છે પરંતુ તે જ ક્ષેત્રના મહાપમહોપાધ્યાય ઈલોન મસ્કે અસ્વસ્તિવચન ઉચ્ચાર્યાં છે કે સાવધાન! આ કાર્યમાં વિનાશના મહાકાળને નોતરું આપવાનું જોખિમ છે.

જુલાઈમાં ભરાયેલ અમેરિકન પ્રાન્તોના ગવર્નરોની સભામાં મસ્કે રજૂઆત કરેલી કે હું આ ક્ષેત્રની પહેલી હરોળમાંથી બોલું છું કે આપણે આ ઘડીથી ચેતવાની જરૂર છે.  આ ચેતવણી મેં વારંવાર આપી છે પરંતુ જ્યારે રોબોટ લોકો રસ્તે જઈને રાહદારીઓની બેફામ હત્યા કરશે ત્યારે સમજાશે કે જોખમ કેવું હતું. અત્યારે કોઈને પડી નથી કેમકે એવું કાંઈ બને તે અત્યારે આકાશચારી લાગે છે.

આવી કશી હોનારતથી માનવજાત સમસ્તનું અસ્તિત્વ ભયમાં આવે તો મંગળ ઉપર ભાગી છૂટાય તેની તજવીજ હું કરી રહેલ છું પણ એઆઈના સમર્થકો મારી ઠિઠૌલી કરે છે કે મંગળ ઉપર પણ એઆઈ માણસજાતનો પીછો કરશે. સાયન્ટિસ્ટોને ખ્યાલ નથી કે એકવાર માણસ યંત્રને માણસ સમોવડિયો બનાવી દેશે તે પછી તે યંત્રમાનવોને માણસની ઇર્ષ્યા આવશે, માનવો તેમને નિરુપયોગી લાગશે, એમની ક્ષુદ્ર એષણાઓ હાસ્યાસ્પદ ગણીને સમસ્ત જાતને નિર્વંશ કરવા તેઓ ઉદ્યુક્ત થશે, જેનો અણસાર આર્થર સી. ક્લાર્કે આપેલો છે.

એવા સાયન્ટિસ્ટો કોણ છે ને ક્યાં છે? ગૂગલમાં, ઊબરમાં, માઇક્રોસોફ્ટમાં, અને બીજી વિજ્ઞાનલક્ષી કંપનીઓમાં! હાલ તો તેઓ જ–ન–ર–લ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સના ક્ષેત્રમાં સાયન્સ ફિક્શન કે હોરર મૂવીઝમાં આવે છે તેવા પ્રકાંડ પ્રજ્ઞાક્ષમ યાંત્રિક વ્યક્તિ કે સાધનનો અવિષ્કાર કરવામાં જીજાનથી મચી પડેલી છે. મસ્ક અને એઆઈ ક્ષેત્રના બીજા કેટલાક વિચારકો યથા બિલ ગેઇટ્સ, સ્ટીવ વોઝનિયાક, અને શીર્ષસ્થ વિજ્ઞાની પ્રકાંડ પંડિત પ્રોફેસર સ્ટીવન હોકિંગ માને છે કે તેમાંથી સુ–પ–ર આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સવાળી અતિમાનવીય પ્રજ્ઞા ધરાવતાં સાધન બનાવવામાં ઝાઝી દેર નહીં લાગે. સ્ટીવન હોકિંગ તો ઘોર તુમુલ વિનાશની આગાહી આપે છે, જો એઆઈનો વિકાસ નાથવામાં નહીં આવે તો! જ્યારે બીજા વિચારકો કહે છે કે તો માનવજાતનો વિનાશ કરી બેસે એવી એઆઈ વ્યક્તિ આપણા જીવનકાળમાં તો નથી બનવાની.

રોબોટ ઉપરથી કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં વપરાતા ‘બોટ’ નામના વિનાશક જંતુ તો આપણા જીવનકાળમાં અને જીવનમાં પ્રવેશી ચૂક્યા છે અને ટેક્નોલોજી જે અવકાશી ગતિથી નવી શોધો કરી રહેલ છે તે જોતાં ખરેખર ભવિષ્ય કેવું હશે તે કળવું અઘરું છે. કમ્પ્યુટરને અડક્યા વિના ફક્ત વિચારમાત્રથી તેને સંચાલિત કરવાના પ્રયોગો થઈ રહેલ છે, બાળકના જન્મ પહેલાં તેના કોષોને સ્વચ્છ કરી રોગમુક્ત કરવાના પ્રયોગો વિશે આપણે વાંચીએ છીએ, યાને ટેક્નોલોજી કઈ દિશામાં કેવડો મોટો લલકાર ઊભો કરશે તે નક્કી નથી. દુબાઈની વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મસ્ક સાહેબે ઉચ્ચારેલું કે આપણે આ ક્ષણે જ આપણે કમ્પ્યુટર અને સ્માર્ટફોનનું એક્સટેશન યાને યંત્ર–માનવ સાયબોર્ગ બની ગયાં છીએ. હવે મશીનની પ્રજ્ઞા તથા માનવપ્રજ્ઞાને મર્જર કરીને, સંયોજિત કરીને માનવવિનાશ ખાળી શકાશે. યાને એક ન્યુરલ લેઇસ, અમુક દ્રવ્યનું ઇન્જેક્શન આપીને માણસના મગજને હાર્ડવાયર કરી શકાય તો માનવજાત જીવિત રહેશે નહીંતર કુર્યાત ગતિ પ્રતિ મંગલમ્. જય હોકિંગ!

Advertisements

3 thoughts on ““નીલે ગગન કે તલે – અંતીમ (મધુ રાય)-કુર્યાત્ ગતિ પ્રતિ મંગલમ્

 1. યંત્રજન્ય પ્રજ્ઞા- અતિમાનવીય પ્રજ્ઞા વિષે જાગૃત કરવા બદલ ધન્યવાદ
  મા મધુરાયજી

  Like

 2. બ્રહ્માંડમાં ભટકી રહી , અંતે મતિ અટકી ગઈ ! ઘણું રસપ્રદ ! અને ઘણા પ્રશ્નો ઉભા થાય : શું આ રોબાટોને લાગણીઓ , ઈગો – અહમ હશે ? શું એમને માન અપમાન જેવું હશે? જો એવું થશે તો નાનકડું રોબાટનું બચ્ચું પણ ગમે તેવા બળવાનને પરાસ્ત કરી દેશે ! ઘરના દાઝ્યા વનમાં ગયાં તો ત્યાંયે દવ લાગ્યો એવો ઘાટ થશે!! Interesting article !

  Like

 3. “વિશ્વ આખાની માનવજાત ઉપર સૌથી મોટું જોખમ શું છે? ઇસ્લામિક ફન્ડામેન્ટલિઝમ? અણુવિનાશ? મહામારી? ગ્લોબલ વોર્મિંગ? કે ‘એઆઈ’? ઈલોન મસ્ક કહે છે, ‘એઆઈ’!”
  very interesting article and make us enlightened– further came to read his biography because of your article–” hyper loop” “solar city” and many more thx
  https://www.biography.com/people/elon-musk-20837159

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s