“પન્ના નાયકની વાર્તા-૨ (ખૂટતી કડી)

ખૂટતી કડી

કલ્પનાએ નીતિનભાઈ સાથે સાન્તાક્રુઝમાં ફોન પર વાત કરી ત્યારે બીજી વાતોમાં એમણે એમ પણ કહેલું કે એમની નીચે રહેતા લીલાબહેન સાન્તાક્રુઝમાં પડી ગયા હતા અને તબિયત બહુ ખરાબ થઈ જવાથી લીલાબહેનની દીકરી કોકિલા આવીને એમને પાછી અમેરિકા લઈ ગઈ છે.

કલ્પના ફિલાડેલ્ફીયા રહે. મુંબઈ જાય ત્યારે એના મિત્ર નીતિનભાઈ અને શારદાબહેનને મળવા સાન્તાક્રુઝ અચૂક જાય. લીલાબહેન અને લાલજીભાઈ એમની નીચે રહે. કલ્પના એમને પણ મળે. લાલજીભાઈ ગુજરી ગયા પછી કોકિલા લીલાબહેનને એને ઘેર ન્યૂ હેવન, કનેટીકટ લઈ આવી. આ વાતને પચ્ચીસ જેટલાં વરસ થઈ ગયાં. દરમિયાન, વરસે બે વરસે લીલાબહેન મુંબઈ જાય અને એમના સાન્તાક્રુઝના ફ્લેટમાં રહે. સગાંવહાલાં અને મિત્રોને મળીને પાછાં આવે.

લીલાબહેન એમના જમાનાના લેખિકા હતાં. બે વારતાસંગ્રહો પણ પ્રસિદ્ધ કરેલાં. કલ્પનાને પણ સાહિત્યમાં રસ એટલે બન્ને પુસ્તકો એમણે કલ્પનાને આપેલાં.

પચ્ચીસ વરસ દરમિયાન એકાદ બે વાર લીલાબહેનને મળવાનું થયેલું. પણ એમના સમાચાર અવારનવાર મળતા રહે.

ઓક્ટોબર ૨૦૦૮માં કલ્પનાને યેલ યુનિવર્સિટી તરફથી સાઉથ એશિયન કોન્ફરન્સમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું. ઓક્ટોબર મહિનો એટલે અમેરિકાના ઉત્તરપૂર્વ પ્રાંતોમાં પાનખર સોળે કળાએ ખીલી ઊઠી હોય. ગાઢી વનરાજી વૃક્ષોના પાંદડાં ખરી જતાં પહેલાં પીળાં, રાતાં, કેસરી, અને ભૂખરા રંગો ધારણ કરે. દૂરથી લાગે કે વનમાં જાણે દવ લાગ્યો છે. પાનખરમાં વૃક્ષોની આવી જાહોજલાલી હોઈ શકે એ તો જેણે માણી હોય એને જ ખ્યાલ આવે. લોકો દેશ પરદેશથી જોવા આવે.

કલ્પનાએ નિમંત્રણ સ્વીકાર્યું. એને થયું કે કોન્ફરન્સમાં ભાગ લેવાશે, પાનખર માણવા મળશે, અને શક્ય હશે તો લીલાબહેનને પણ મળાશે.  કલ્પનાએ કોકિલાને ફોન કરીને એ મળવા આવી શકે કે કેમ એ પૂછયું.

“બા ઘેર જ છે. ગમે ત્યારે આવોને. બાને ખૂબ ગમશે. હું કામ પરથી પાંચ વાગ્યે આવીશ. નર્સ ઘરે હશે.” કોકિલાએ કહ્યું.

કલ્પના કોન્ફરન્સ પતાવી લીલાબહેનને મળવા ગઈ. બપોરના ત્રણેક વાગ્યા હશે. કલ્પનાએ બેલ મારી. નર્સે બારણું ખોલ્યું.

“આઈ એમ કલ્પના. આઈ હેવ કમ ટુ સી લીલાબહેન.”

“કમ ઈન. બા ઇઝ અપસ્ટેર્સ.” કલ્પના એની પાછળ પાછળ ઉપર ગઈ.

કલ્પનાએ અનુમાન કર્યું કે લીલાબહેન ખાટલા પર સૂતાં છે. રજાઈના આકાર પરથી લાગે કે રજાઈ જ આડીઅવળી પડી છે ને એની નીચે કોઈ નથી. નર્સે ઈશારાથી કલ્પનાને સામેના ખાટલા પર બેસવા કહ્યું.

થોડી વાર પછી લીલાબહેન જાગ્યા.

“નર્સ!” લીલાબહેને બૂમ પાડી.

“નર્સ!” લીલાબહેને ફરીથી બૂમ પાડી.

“યસ, બા.”

“વોટ ટાઈમ ઈઝ ઈટ?”

“અરાઉન્ડ થ્રી.” બપોરની ટીવી સિરીયલમાંથી નજર ખસેડી નર્સ બોલી.

“આઈ વોન્ટ ટુ ગો પીપી.”

“ઓકે.” નર્સે કહ્યું.

નર્સ કમોડવાળી ખુરશી લાવી. કલ્પના ઊઠીને રૂમની બહાર ગઈ. ખાટલા પરથી ઊઠતાં ઊઠતાં લીલાબહેને જોયું કે કલ્પના સામેના ખાટલા પર બેઠી હતી. પાંચેક મિનિટ પછી કલ્પનાએ ડોકિયું કર્યું તો જોયું કે લીલાબહેન વાળ ઓળાવતાં હતાં. નર્સે એમની સાવ પાતળી ગૂંથેલી લટ છોડી. વાળમાંથી ગૂંચ કાઢી. નાની અંબોડી વાળી. લીલાબહેને આંગળી ચીંધી ચાંલ્લો માંગ્યો. જમણા હાથની આંગળી નાક પર મૂકી કપાળ સુધી લઈ ગયા અને બરાબર કપાળની વચ્ચે ચાંલ્લો ચોંટાડયો.

કલ્પના બારણા પાસે ઊભી હતી.

“કોણ?” લીલાબહેને પૂછ્યું.

“કલ્પના. કલ્પના પારેખ. ફિલાડેલ્ફીયાથી આવી છું.”

“કલ્પના, અંદર આવ. ખાટલા પર બેસ. આમ બારણા પાસે શું ઊભી છે?”

કલ્પના એમની સામેના ખાટલા પર બેઠી.

“તું મુંબઈથી આવી?

“ના, હું ફિલાડેલ્ફીયા રહું છું. યાદ છે તમે એક વાર કોકિલા સાથે મારે ઘેર આવેલાં?”

“એમ?  મને કેમ યાદ નથી?” લીલાબહેને કહ્યું.

“બા, બહુ વરસ થયાં ને? અમેય કેટલું ભૂલી જઈએ છીએ.” કલ્પનાને પણ લીલાબહેન માટે બાનું સંબોધન વધુ ગમ્યું.

“નર્સ!” લીલાબહેને બૂમ પાડી.

“નર્સ!” લીલાબહેને ફરીથી બૂમ પાડી.

“યસ, બા.”

“વોટ ટાઈમ ઈઝ ઈટ?”

“થ્રી ટવેન્ટી.” નર્સે કહ્યું.

“ઈટ ઈઝ થ્રી ટવેન્ટી એન્ડ નો લન્ચ?”

“બા, યુ હેડ લન્ચ.”

“કલ્પના, મેં લન્ચ ખાધું હોય તો મને યાદ ન રહે? આ નર્સ આખો દિવસ ટીવી જ જોયા કરે છે ને મ્યુઝિક પર નાચ્યા કરે છે. શી થીન્કસ શી ઈઝ અ ગૂડ ડાન્સર! બટ નર્સ, યુ આર નોટ અ ગૂડ ડાન્સર!”

“ઓકે. બા..”

“ડોન્ટ વોચ ટીવી. ગેટ મી લન્ચ.”

“ઓકે, બા.”

“કલ્પના, યાદ છે આપણે ત્યાં ઉમાશંકર અને મનસુખલાલ ઝવેરી આવતા’તા?”

“હા, હું એમને તમારે ત્યાં જ મળી છું.”

“એક વાર સુંદરમની ટ્રેન મોડી થયેલી તે છેક રાતે બાર વાગ્યે અમારે ત્યાં આવ્યા. મેં એમને ગરમ ગરમ ભાખરી શાક જમાડયા’તા.”

“હં.”

“નર્સ, વ્હેર આર યુ? વોટ અબાઉટ માઈ શાવર? માઈ લન્ચ?”

“બા, યુ હેડ શાવર એન્ડ યુ હેડ લન્ચ.”

આ નર્સ સાવ નકામી છે. એના કરતાં તો મારું અંગ્રેજી સારું છે. સાવ ડોબી છે ડોબી. લીલાબહેન બોલ્યા.

“બા, એ નાની છે. વળી અમેરિકાની નથી લાગતી.” કલ્પનાએ કહ્યું.

“નર્સ, વ્હેર આર યુ ફ્રોમ?” કલ્પનાએ પૂછયું.

“ડોમિનિકન રિપબ્લિક.”

“બા, એ અહીંની નથી એટલે સારું અંગ્રેજી નથી આવડતું.”

“કલ્પના, મારી ઉંમર કેટલી છે ખબર છે?”

“આશરે…..” કલ્પના બોલે આગળ, એ પહેલાં જ લીલાબહેન બોલ્યાં, “અરે, પૂરાં બાણું થયાં. જે, ટેબલ પર મારો ફોટો છે.”

ટેબલ પર લીલાબહેનનો ભર યુવાનીનો ફોટો હતો. સુંદર નમણો ચહેરો. ભાવ નીતરતી આંખો. સરસ ઓેળેલા વાળ.

ઉમાશંકર આવ્યા ત્યારે લાલજીએ પાડેલો.

“ક્યાં છે ઉમાશંકર હમણાં? હજી અમદાવાદના બંગલામાં જ રહે છે? ‘સેતુ’ એમના બંગલાનું નામ, નહીં?”

“હા, બંગલાનું નામ તો ‘સેતુ’ જ પણ ઉમાશંકર તો ગુજરી ગયા છે. ખાસ્સો વખત થયો.”

“તો મને કેમ ખબર નથી? કોકિલાએ કેમ કહ્યું નહીં? એક વાર સાન્તાક્રુઝના ઘરે આવેલા ત્યારે એમણે એમનો ગંગોત્રી મને ભેટ આપેલો. મને કહે કે…..”

“શું?”

“કલ્પના, મારું નામ શું?”

“લીલાબહેન.”

“હા, લીલા. જેને, મારું જ નામ ભૂલી જાઉં છું. એમણે કહેલું કે લે, લીલા આ ગંગોત્રી તારે માટે. હસ્તાક્ષર કરીને આપેલો. હું તો ખુશ ખુશ. તેં વાંચ્યો છે?”

“હા, પણ બધાં કાવ્યો યાદ નથી.” કલ્પના બોલી.

“એની અર્પણપંક્તિ યાદ છે?”

“ના”.

“કંઈ પ્રવાસી, પ્રવાસી જેવું હતું.”

“તમારી પાસે પુસ્તક હોય તો જોઈ આપું.” કલ્પના બોલી.

“નર્સ!” લીલાબહેને બૂમ પાડી.

“યસ, બા?”

“નો શાવર, નો લન્ચ? કલ્પના, આ ડોબીને સમજાવને કે હું સવારની ભૂખી છું.”

“બા, ચ્હા-નાસ્તો લેશો?” કલ્પનાએ પૂછયું

“અરે, પહેલાં લન્ચનું તો કરો. કોકિલા ક્યાં છે?”

“આવતી જ હશે.”

“તું કાકાસાહેબને મળી છે?”

“ના, દૂરથી જોયા છે.”

“અને મેઘાણીને? અમે તો એમને મુંબઈના કોન્વોકેશન હોલમાં સાંભળવા જઈએ. શું બુલંદ એમનો અવાજ! કવિતા બોલે ત્યારે અમારી આંખમાંથી તો ટપટપ આંસુ પડે!”

“બા, તમને કેટલું બધું યાદ છે અને તેય અમેરિકામાં!”

“મને બાણું થયાં. નર્સ, આઇ વોન્ટ ટુ ગો પીપી”.

“બા, યુ જસ્ટ ડિડ.” નર્સ બોલી.

“કલ્પના, પ્રવાસી પછીના કયા શબ્દો?”

“મને ચોક્કસ યાદ નથી.” કલ્પના શરમની મારી બોલી.

“વિલેપાર્લામાં સપ્તર્ષિ હતા.”

“સપ્તર્ષિ?”

“જો, હું ગણાવું. અમૃતલાલ યાજ્ઞિક, ગુલાબદાસ બ્રોકર, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, રામપ્રસાદ બક્ષી, હરિવલ્લભ ભાયાણી, અને કરસનદાસ માણેક. વિલેપાર્લામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું ત્યારે હું બધાંને મળેલી. કલ્પના, મારા જમાઈનું નામ શું?”

“બા, સપ્તર્ષિ યાદ છે ને તમારા જમાઈનું નામ જ ભૂલી ગયા?”

“અરે, મારું નામ જ ભૂલી જાઉં છું. જોજે, તું પણ એક દિવસ….”

“તમારા જમાઈનું નામ ગૌરાંગ.”

“એ ક્યારે આવશે?”

“સાંજે.”

“અત્યારે કેટલા વાગ્યા?”

“ચાર.”

“હું ક્યાં છું?”

“ન્યૂ હેવનમાં, કોકિલાને ત્યાં.”

“તું કોણ?”

“કલ્પના.”

“કલ્પના કોણ?”

“કલ્પના પારેખ. આપણે નીતિનભાઈને ત્યાં સાન્તાક્રુઝમાં મળેલા. તમે મારે ત્યાં ફિલાડેલ્ફીયા પણ આવી ગયા છો.”

“રામપ્રસાદ બક્ષી શું કરે છે? હજી સંસ્કૃત ભણાવે છે? ને પેલા સદાય હસતા હરિવલ્લભ ભાયાણી? ઉમાશંકરનું “સંસ્કૃતિ” હજી જીવે છે? બિચારા ગાંઠનું ગોપીચંદન કરતાતા! કોકિલા તો સંસ્કૃતિ મંગાવતી જ નથી.

“બા, રામપ્રસાદ, ભાયાણીસાહેબ, અને ઉમાશંકર કોઈ હયાત નથી.”

“મને કેમ ખબર નથી?”

“તમે ભૂલી ગયા છો.”

“તું કલ્પના કે કોકિલા?”

“કલ્પના.”

“મને યાદ આવ્યું….!”

“શું, બા?”

“પેલી અર્પણપંક્તિ. પ્રવાસી, તેં જગવી સિંધુરટણા. પણ વચ્ચેના શબ્દો……”

“બા, હું તમને જોઈ આપીશ.”

“આપણાથી સીધું ઉમાશંકરને પૂછાય?”

“બા, એ હવે નથી.” કલ્પના બોલી.

“નર્સ…! નર્સ…!”

“યસ, બા?”

“ડોન્ટ વોચ ટીવી. ડોન્ટ ડાન્સ. યુ આર નોટ અ ગૂડ ડાન્સર…!”

“ઓકે, બા.”

“કલ્પના, પેલો ફોટો….”

“લો..”

“ઉમાશંકર આવ્યા ત્યારે લાલજીએ પાડેલો. જે, હું બાણુંની છું પણ એવી જ લાગું છુંને? મારા વાળ, વાળમાં ફૂલ, લાલચટ્ટક ચાંલ્લો, જામનગરની બાંધણી….!’

“બા, તમે હજી એટલાં જ રૂપાળાં છો.”

“કલ્પના, કોકિલાને કહેને કે  બપોર થઈ ગઈ. લન્ચ ક્યારે બનાવશે?”

“તમને નાસ્તો આપું?”

“ના, મારે સૂઈ જવું છે.”

“બા, હું નીકળું. મારે હજી બોસ્ટન જવું છે.”

કલ્પનાએ કોકિલાને ફોન કરીને કહ્યું કે એ જાય છે. બોસ્ટનથી પાછાં ફરતાં કદાચ આવશે. એ નીચે ઊતરી. નર્સે દરવાજો બંધ કર્યો. કલ્પનાએ ગાડી અનલોક કરી. પર્સ પેસેન્જર સીટ પર મૂકી. ડ્રાઈવર સીટ પર બેસી સીટબેલ્ટ બાંધ્યો. ગાડી સ્ટાર્ટ કરવા જતી હતી ત્યાં જ નર્સ દોડીને આવી.

“બા વોન્ટસ યુ.”

કલ્પનાને થયું બાને કંઈ થઈ ગયું. એ દોડીને ઉપર ગઈ.

બા પથારીમાં સૂતાં સૂતાં બારણા સામે જોતાં હતાં. એમણે કલ્પનાને જોઈ.

“કલ્પના, યાદ આવી ગઈ.”

“શું?”

“અર્પણપંક્તિ. “અજાણ્યું વહી આવ્યું ગભરુ ઝરણું કો તવ પદે

             પ્રવાસી, તેં એને હૃદય જગવી સિંધુરટણા!”

કલ્પના વોઝ સ્પીચલેસ. એ બારણામાં જ સ્થિર થઈ ગઈ. નીચે બારણું અનલોક થવાનો અવાજ આવ્યો. કોકિલા હળવે પગલે દાદર ચડી બાના રૂમમાં આવી.

“આવ, આવ, કલ્પના. કોકિલાએ કહેલું કે તું આવવાની છે. કેમ, આટલી મોડી આવી? મેં તો આખી બપોર કોકિલા સાથે વાતો કરી. ભગવાન જાણે શુંનું શું બોલી ગઈ હોઈશ. તું ક્યાંથી આવી? મુંબઈથી? મેં લન્ચ નથી ખાધો. તું ખાઈશને મારી સાથે? નર્સ.. વ્હેર આર યુ? નર્સ……!”

Advertisements

5 thoughts on ““પન્ના નાયકની વાર્તા-૨ (ખૂટતી કડી)

 1. પન્નાબેને ‘ખૂટતી કડી’માં અલ્ઝાઇમરના પેશન્ટનો હૂબહૂ ચિતાર રજૂ કર્યો છે. વર્તમાન ભૂલેલી વ્યક્તિનો ભૂતકાળ તો મનમાં ઘણીવાર યથાવત સચવાયેલો રહે છે.

  Liked by 1 person

 2. સુ શ્રી રાજુલબેને મારા મનની વાત કહી…અહીં અલ્ઝાઇમરના વધતા પ્રમાણમા માનસિકરોગોના નિષ્ણાતોની ખોટી દવા પણ જવાબદાર છે.આમેય સૅલ મૅમરીને નુકશાન કરતી દવાઓનો ઓછામા ઓછો પ્રયોગ થાય તે હીતાવહ છે, ડૉ બી એમ હૅગડે જેવા વિદ્વાન ડૉ.નું મંતવ્ય આંખ ખોલનારું છે.આ શરદભાઇ કહે છે-‘ભારતિય મનિષિઓએ અંતરયાત્રા દ્વારા મનોશરીરનું ગહેરું અધ્યન કરી અનેક સત્યો ઊજાગર કર્યા છે.શુકલયજુર્વેદના ૨૪મા અઘ્યાયના ૧-૬ મંત્રોને શિવસંકલ્પ ઉપનિષદ કહેવાય છે.આ છ મંત્રોમાં સમાયેલ રહસ્ય સમજાય ત્યારે જ તેનું મહત્ત્વ સમજી શકાશે. આઘુનિક મનોવિજ્ઞાનને સમજવા માટે તે ઉપયોગી છે.મનના ગૂઢ રહસ્યો અહીં પ્રકટિત થયા છે.મેત્રાપણી ઉપનિષદો એક મંત્ર છે
  ‘‘મન એવ મનુષ્યાણાં કારણે બંધ મોક્ષયોઃ
  બન્ધાય વિષયાસક્તં મુક્તં વૈ નિર્વિષયં સ્મૃતમ્’’
  અર્થાત્ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન જ છે. ઇન્દ્રિયોના વિષયો (રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શ્રવણ)માં આસક્ત મન એ બંધન છે. જ્યારે આ વિષયો વગરનું મન એ મુક્ત છે. આના પરથી જ મનનું મહત્ત્વ સમજી શકાશે. આ છ મંત્રો કંઠસ્થ કરી, રોજ તેના પાઠ, મનના ચિંતન જીવનમાં પરિવર્તન લાવી શકે છે. હવે આ ઉપનિષદના મૂળ મંત્રો અને તેના અર્થનો વિચાર કરીએ
  (૧) યજ્જાગ્રતો દૂરમુપેંતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવેતિ ।
  દૂરંગમં જ્યોતિષાં જ્યોતિસ્તન્મેમનઃ શિવસંકલ્પ મસ્તુ (જે જાગૃત અવસ્થામાં દુર દુર જાય છે જે સુપ્ત અવસ્થામાં (સ્વપ્નો) પણ દુર સુધી જાય છે તે ઇન્દ્રિયોને પ્રકાશ (જ્ઞાન) આપે છે તે મારું મન કલ્યાણકારી સંકલ્પોવાળું બનો. (ઉપનિષદમાં જ્યાં પ્રકાશ શબ્દ આવે તેનો અર્થ સામાન્ય ન સમજતાં જ્ઞાન-જાણકારી સમજવો)
  ૨) યેન કર્માણ્યપસો મનીષિણો ણ્વન્તિ વિદયેષુ ધીરા ઃ યદપૂર્વ યક્ષમંતઃ પ્રજાનાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ ।।
  જેના દ્વારા બુદ્ધિશાળીઓ યજ્ઞ વગેરે કર્મો કરે છે. જે બધા લોકોની અંદર રહેલું છે જે શુભ કર્મો કરતી વખતે શાંત-સ્થિર રહે છે તેવું અમારું મન કલ્યાણકારી શુભ સંકલ્પો કરો.
  ૩) પ્રત્યજ્ઞાન મુતચે તો ઘૃતિશ્ચ યજ્જ્યોતિરન્તર અમૃતં પ્રજાસુ યસ્માન્ન ઋતે કિંચન કર્મ કિયતે તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ.
  (જેમાં જ્ઞાન રહેલું છે. જેમાં ધૈર્ય છે જે આપણી સૌની અંદર પ્રકાશ (જ્ઞાન) સ્વરૂપે રહે છે. જેના વિના કોઈ પણ કાર્ય થઈ શકતું નથી તે મન હમેશાં શુભ સંકલ્પોવાળું બનો.
  ૪) યેનેદં ભૂતં, ભુવનં ભવિષ્યત્ પરિગૃહીતમમૃતેન સર્વ યેન યજ્ઞસ્તાપતે સત્ર હોતા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ
  જે મન દ્વારા ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ એ ત્રણેય કાળનું જ્ઞાન થઈ શકે છે. જેના દ્વારા સાત હોતાઓ (અગ્નિમાં આહૂતિ આપનાર) યજ્ઞ કરે છે, તે અમારા મનમાં શુભ સંકલ્પો હજો. (યજ્ઞ એટલે પરોપકાર. તે માટે મદદ કરનાર તે હોતા)
  ૫) યસ્મિનૃચઃ સામ યંજૂષિ યસ્મિન્ પ્રતિષ્ઠા
  રથનાભાવિવારાઃ યસ્મિંચ સર્વમોતં પ્રજાનાં તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ
  (જેમ રથના પૈડામાં આરા (સ્પોક) હોય છે તે રીતે જેમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદના મંત્રો રહેલા છે જે મનમાં પ્રજાજનોમાં જ્ઞાન સમાયેલું છે. તે મારું મન શુભસંકલ્પોવાળું બનો. (ઋગ્વેદ વગેરેનો અર્થ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં – ભૌતિક જ્ઞાન, મેડીકલ એન્જીનીયરીંગ, કોમ્પ્યુટર, અર્થશાસ્ત્ર વિ. કરવાનો છે.
  ૬) સુષારથિ રશ્વાનિવ મનુષ્યા મ્નીયતેડભી શુવિર્ભાજિન
  ઈવ હૃત્પ્રતિષ્ઠં યદજિરં જવિષ્ઠં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ
  જેમ કુશળ સારથિ લગામના નિયંત્રણથી ઘોડાઓને ઇચ્છિત જગ્યાએ લઈ જાય છે. તેમ જે મન મનુષ્યોને લક્ષ્ય, ઘ્યેય સુધી પહોંચાડે છે. જેને ઘડપણ નથી. જે ખૂબ વેગવાળું ઝડપી છે. હૃદયમાં રહેલું છે તે અમારું મન કલ્યાણકારી સંકલ્પોવાળું બનો.
  આ છ મંત્રોમાં જીવનનું સંપૂર્ણ રહસ્ય સમાયેલું છે. આ હકારાત્મક આદેશોનો મન સ્વીકાર કરે છે.

  Like

 3. From: Nitin Shukla
  Date: June 10, 2018 at 5:57:48 PM EDT
  To: Panna Naik
  Subject: Re: [New post] “પન્ના નાયકની વાર્તા-૨ (ખૂટતી કડી)

  પ્રિય પન્નાબેન,

  ઈમેલ દ્વારા તમે મોકલાવેલી ‘ખૂટતી કડી’ મળી. આભાર. કલ્પનાના narration આધારિત નવલિકાના મુખ્ય પાત્ર લીલાબેને મારી આખો ભીંજવી દીધી. હૃદયસ્પર્શી એકાંકી નાટક ભજવી શકાય તેવો વ્યાપ અને ઊંડાણ છે. અભિનંદન.

  ચેખોવે ક્યાંક લખ્યું હતું કે “મારી વાર્તામાં એમ જો આવે કે દીવાલ પર એક રાઇફલ લટકે છે, તો વાર્તા પુરી થાય તે પહેલા રાઇફલ એક વાર ફૂટવી તો જોઈએ જ”. તમારી આ નવલિકામાં કશું બીનજરૂરી ન લાગ્યું. મને જો કે સમરસેટ મોમની વાર્તાઓ પણ એટલી જ ગમે છે જેમાં કથાનક ઓછું હોય છે. આખરે તો substance અથવા style સ્પર્શી જનારા હોય તે ગમે ! અને જો બંને સરસ હોય [‘ખૂટતી કડી’ની જેમ] તો પછી ‘સોનેપે સુહાગા !!

  ‘અલ્ઝાઇમર વિષય પર અમોલ પાલેકરની એક ફિલ્મ જોયેલી . વર્ષો પહેલા. અમોલ તેમના પત્ની સાથે ફિલ્મ પત્યા પછી ચર્ચા કરવા ઉપસ્થિત હતા. તેમના વિદુષી પત્ની દિર્ગ્દર્શક અથવા producer હતા. મરાઠી છોકરીઓમાં મહદ જોવા મળતી માંજરી આંખો હતી. ભુલતો ન હોઉં તો ફિલ્મ મરાઠીમાં હતી. જેને અલ્ઝાઇમર થયો હોય તેને બહુ તકલીફ થતી હશે? પ્રેસિડન્ટ રેગન પણ છેલ્લે પત્ની Nancyને ઓળખી શકતા નહોતા. લીલાબેન કોકિલાને ઓળખી ના શક્યાની યાદ રહી જાય તેવી climax સાથે વાર્તા પુરી થાય છે. વાર્તા કરુણ છે પણ morbid નથી. ‘સપ્તર્ષિ’, ઉ.જો. અને ‘ગાંગોત્રી’ની અર્પણ-પંક્તિ નો ઉલ્લેખ અને સમાવેશ સુંદર છે.

  ફરી એક વાર આવી સુંદર વાર્તા મોકલવા માટે આભાર અને ઉત્કૃષ્ટ રચના માટે ખૂબ અભિનંદન.

  વિશેષ મંગળવારે મળીયે ત્યારે …..

  નીતિનના વંદન

  Like

 4. From: “vipoolkalyani.opinion@btinternet.com”
  Date: June 12, 2018 at 7:35:03 AM EDT
  To: Pannabahen Naik
  Subject: Re: [New post] “પન્ના નાયકની વાર્તા-૨ (ખૂટતી કડી)

  એક સારી વાર્તા. વાચકને હચમચાવતી વાર્તા.

  પન્નાબહેન, તમને સહૃદય અભિનંદન.

  Warm Regards
  Vipool Kalyani

  Like

 5. From: “vipoolkalyani.opinion@btinternet.com”
  Date: June 13, 2018 at 1:49:59 AM EDT
  To: Pannabahen Naik
  Subject: Re: Thanks
  મારા બાને ડિમેન્શિયાની અસર હતી. તે દિવસોની અમારી માનસિકતામાં તાણ રહેતી. તે ભુલાતું જ નથી. તમે તે દુનિયામાં મને ફેર લઈ ગયાં. બા સાંભરતાં હતાં. વાર્તામાં તરતો હતો. લીનાબહેનની મનોવ્યથા વલોપાતી હતી. કલ્પનાનો રવૈયો પમાતો નહોતો. નર્સની વલણથી રાજી થવાતું હતું.
  Warm Regards
  Vipool Kalyani

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s