એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૮ (અમેરિકા, પહેલી નજરે)


પ્રકરણ ૨૮–અમેરિકા, પહેલી નજરે

દેશમાં અમેરિકા વિષે જાણવાની મારી ભૂખ સંતોષવા હું હોલીવુડની મૂવીઓ જોવા જતો.  ટાઈમ અને લાઈફ મેગેઝીન જેવા અમેરિકન સામયિકો વાંચતો.  મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશન નજીક આવેલ અમેરિકન લાયબ્રેરી (યુસીસ)માં જઈને અમેરિકન છાપાં ઉથલાવતો.  હું જોહન ગુન્થરના ‘ઇનસાઇડ અમેરિકે’ નામના મોટા પુસ્તકનાં  પાનાં  ફેરવતા અમેરિકાનાં સપનાં જોતો. આ બધું પરોક્ષ જ હતું.  અમેરિકાને જાત નજરે જોવાની પહેલી તક મને એટલાન્ટામાં મળી. કહો કે ત્યાં જ મને અમેરિકા રૂબરૂ જોવા મળ્યું–ઊંચા ઊંચા સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગો, વિશાળ રસ્તાઓ, તેના પર પાણીના રેલાની જેમ દોડતી મોટી મોટી ગાડીઓ, મોટા ડીપાર્ટમેન્ટ સ્ટોર્સ, ઊંચી એડીના શુજમાં ફટ ફટ ચાલતી પુરુષ સમોવડી દેખાવડી સ્ત્રીઓ, ઊંચા અને  તંદુરસ્ત પુરુષો વગેરે, વગેરે.

આ પહેલી નજરે જે અમેરિકા જોયું તેની થોડી વસ્તુઓ ખાસ ગમી.  એક તો શહેરની સ્વચ્છતા.  મુંબઈમાં રસ્તે રસ્તે કચરાઓના જે ઢગલાઓ જોયેલા તે ક્યાંય શોધ્યા પણ જોવા ન મળે.  અરે, સાઈડ વોક, જેને આપને ફૂટપાથ કહીએ એ એટલા સ્વચ્છ કે તેની ઉપર આરામથી સૂઈ શકાય!  કોઈ ગમે ત્યાં કચરો ન ફેંકે.  રેસ્ટોરાં, ગેસ સ્ટેશન, લાયબ્રેરી, રેલવે સ્ટેશન, ડીપાર્ટમેન્ટ સ્ટોર્સ જેવી બધી જાહેર જગ્યાઓએ સ્વચ્છ ટોઈલેટની વ્યવસ્થા હોય જ.  આ કારણે કોઈને જાહેરમાં પેશાબ પાણી કરવા ન પડે.  આજે હું સમજી જ શકતો નથી કે આપણા દેશને સ્વતંત્ર થયે સિત્તેર વરસ થયા છતાં અર્ધા દેશને, અને તેમાંયે સ્ત્રીઓને, જાહેરમાં જાજરૂ જવું પડે છે!

અહીં લોકોનો એક બીજા સાથેનો રોજિંદો વ્યવહાર વિવેકપૂર્ણ અને વિનયી. હોદ્દામાં ભલે ને માણસો ઊંચા હોય, પણ વિવેક અને વિનય જાળવે. બોસ પોતાની સેક્રેટરી સાથે પણ “પ્લીઝ”થી જે કાંઈ કરવાનું હોય તે કહે, અને અચુક “થેંક યુ” કહી ને જ વાત પૂરી કરે.  પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓ સાથે પૂરા વિવેકથી જ વાત કરે.  અરે, માબાપ પોતાના નાનાં મોટાં સંતાનો સાથે આ શિષ્ટાચાર જાળવે અને છોકરાઓ આવો વિનય વિવેક બચપણથી જ શીખે એવી રીતે બાળઉછેર કરે.  સ્ટોરમાં, સ્ટેશનમાં, બસ કે ટ્રેનમાં, રસ્તામાં, ગમે ત્યાં, અજાણ્યા માણસો વચ્ચે પણ આ વિવેક અને વિનય જળવાય.

શિસ્ત જાણે લોકોને ગળથૂથીમાંથી મળતી હોય એમ લાગે.  મોટે મોટેથી વાતો કરવી, ઘોંઘાટ કરવો, બરાડા પાડીને એકબીજાને બોલાવવા, ધક્કામુક્કી કરવી, લાઈન તોડીને આગળ ઘૂસવું વગેરે જે આપણે ત્યાં સહજ છે, તેનો મેં અહીં લગભગ સર્વથા અભાવ જોયો.  મેં જોયું કે શું ઘરમાં કે શું સ્કૂલમાં બાળકોના ઉછેરમાં શિસ્ત ઉપર ભાર મૂકવામાં આવે.  કહેવામાં આવે કે સામા માણસનો વિચાર કરો. તમારા વર્તનની બીજા લોકો ઉપર શું અસર પડશે તેનો વિચાર કરવા કહે.  મેં એ પણ જોયું કે દેશીઓ જ્યારે અમેરિકનો સાથે હોય, ત્યારે આ વિવેક જાળવવા પ્રયત્ન કરે, પણ ઇન્ડિયન એસોશીએશનના કાર્યક્રમોમાં પાછા દેશમાં પહોંચી ગયા હોય એમ એમનું વર્તન રેઢિયાળ અને શિસ્ત વગરનું શરૂ થઈ જાય!

મેં જોયું કે અહીં કોઈ પણ કામ કરવામાં લોકોને નાનમ નથી લાગતી, પછી ભલે ને એ કામ આપણા દેશની દૃષ્ટિએ હલકું ગણાય.  અને જેને ફાળે આવું ‘હલકું’ કામ કરવાની જવાબદારી આજે આવી પડી છે, એ કાલે ઊઠીને મોટી જવાબદારીવાળું પ્રોફેશનલ કામ કરતો હોય.  ડોર્મના કિચનમાં કામ કરનારાઓ કેટલાક વિદ્યાર્થીઓ સારા પૈસાદાર કુટુંબોમાંથી આવેલા હતા.  લગભગ બધા જ વિદ્યાર્થીઓ કૈંક ને કૈંક કામે લાગેલા હતા.  જાણે કે પાર્ટ ટાઈમ કામ કરવાની પોતાની ફરજ સમજતા હતાં. ગેસ સ્ટેશન, ગ્રોસરી સ્ટોર, ડીપાર્ટમેન્ટ સ્ટોર, રેસ્ટોરાંમાં, ડોનટ કે બર્ગરના ફ્રેન્ચાઈઝ્માં, લાયબ્રેરી, બેંક, વગેરે, વગેરે જ્યાં જ્યાં અને જે કંઈ કામ મળે ત્યાં નિઃસંકોચ કરવા માંડે.

એમ.બી.એ. તો ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે ઘણાએ ફૂલ ટાઈમ જોબ પહેલાં કરેલા.  પોતાનો ચાલુ જોબ છોડીને વળી પાછું ભણવા બેસવું એ મારે માટેનવી વાત હતી.  આપણે ત્યાં તો તમે ભણવાનું પૂરું કરો, અને પછી નોકરીધંધો કરો.  એક વાર નોકરીધંધો શરૂ કર્યા પછી ભણવું કેવું અને વાત કેવી? મોટી ઉંમરે ભણવા જવું એમાં અહીં કોઈ શરમ નહીં.  બલકે એ અમેરિકન ખાસિયત હતી.  અહીંની જાણીતી બીઝનેસ સ્કૂલ્સમાં તો તમે જો બેચલર ડીગ્રી લઈને પછી કંઈ ફૂલ ટાઈમ કામ કરેલું હોય તો એડમિશન મળવાની શક્યતા વધુ.

નિરંતર પરિવર્તનશીલતા એ એક અમેરિકન લાક્ષણિકતા છે.  અહીં છાશવારે એકે એક બાબતમાં કંઈ ને કંઈ ફેરફાર થતા રહેતા હોય છે.  આમાં ટેકનોલોજીનો ફાળો તો મોટો જ, પણ સાથે સાથે બધી બાબતમાં સુધારોવધારો કર્યા કરવો એ જાણે કે અમેરિકન સ્વભાવ છે.  જાણે કે એમને કૂલે ભમરો છે.  અમેરિકનો એક ઠેકાણે પલોંઠી વાળીને શાંતિથી બેસી જ ન શકે.  એમને કોઈ એક વસ્તુથી સંતોષ ન હોય, તેમ કંઈ ને કંઈ નવું કરવું જોઈએ, નવી નવી વસ્તુઓ જોઈએ.  આને લીધે અનેક પ્રકારના નવા નવા ગેજેટ મારકેટમાં હંમેશ આવ્યા જ કરતા હોય છે.  કાર, કમ્પુટર અને જેટ એંજીનથી માંડીને ટોસ્ટર સુધી એકે એક વસ્તુનાં  નવાં મોડેલ દર વરસે આવ્યા કરે. ભાગ્યે જ કોઈ એવી પ્રજા હશે જે ટેકનોલોજીને પોતાના નિત્ય જીવનમાં અને વેપાર ધંધામાં અમેરિકનોની જેમ સાંગોપાંગ વણી લેતી હશે.

શું ઘરમાં કે ઘરની બહાર, વ્યક્તિગત કે સામુહિક રીતે અમેરિકનો હમ્મેશ પ્રવૃત્તિરત હોય છે.  કેવી રીતે વધુ પૈસા બનાવવા, કેવી રીતે પોતાનું આરોગ્ય વધારવું, કેવી રીતે ઘરમાં સુધારાવધારા કરવા, કેવી રીતે વાહનવ્યવહારની વ્યવસ્થા વધુ સારી કરવી, કેવી રીતે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, ફેક્ટરી, કંપની વગેરેનું  મેનેજમેન્ટ વધુ એફીસીઅંટ બનાવવું એનો વિચાર અહીં નિરંતર થતો રહે છે.  આને કારણે રોજબરોજનું જીવન બદલાતું રહે છે.  શાંતિથી એક ઠેકાણે બેસી રહેવું અથવા જે છે તેમાં સંતોષ માનીને બેસી રહે તેવા અમેરિકનો બહુ ઓછા.  શનિ કે રવિના રજાના દિવસોમાં પણ અમેરિકનો ઘરમાં કે ઘરની બહાર એમના યાર્ડમાં કંઈ ને કંઈ કરતા જ હોય.  ગીતાના બારમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તનાં જે લક્ષણો બતાડે છે–સંતુષ્ટ, અનપેક્ષ, સર્વારંભ પરિત્યાગી, વગેરે તે અમેરિકનોને ભાગ્યે જ લાગુ પડે!

પહેલી વાર બેંકમાં ખાતું ખોલાવવા ગયો તો ત્રણ ચાર છોકરીઓ અને એક મેનેજર આખી બ્રાંચ ચલાવતા હતા!  હું તો દેશની બેન્કની બ્રાન્ચથી ટેવાયેલો હતો.  એમાં તો વીસ ત્રીસ માણસો કામ કરતા હોય, પીયુન ચપરાસીઓ ચા નાસ્તો લાવતા હોય, ખાતાના ચોપડાઓ એક કાઉન્ટરથી બીજે લઇ જતા હોય, મેનેજર એમની કેબીનમાં બેઠા, બેઠા હુકમ કરતા હોય, કે ટેલિફોન પર મોટે મોટેથી વાત કરતા હોય, અને મારા જેવા કસ્ટમરો પોતાનો નમ્બર ક્યારે લાગશે તેની રાહ જોતા બેઠા હોય.

એટલાન્ટાની બેંકમાં ખાતું ખોલાવતા મને ભાગ્યે જ દસ મિનિટ થઇ હશે. અને પછી ચેક ડીપોઝીટ કરતા કે કેશ કરાવતા ભાગ્યે જ પાંચ દસ મિનિટ થાય.  જે બેંકમાં ડ્રાઈવ ઇન વિન્ડો હોય ત્યાં તો અંદર જવાની જરૂર પણ નહીં. ગાડીમાં બેઠા બેઠા બેંકિંગનું કામ થઈ શકે. આજે તો આખું અમેરિકા ક્રેડીટ ઉપર જ ચાલે છે. કેશનો ભાગ્યે જ ઉપયોગ થાય છે. અને જો કેશની જરૂર પડી તો એટીએમ મશીનમાંથી થોડી મિનિટમાં કેશ કાઢી શકાય. જે કામ કરવા દેશમાં હું બેંકમાં જતો ત્યારે અડધી સવાર ગણી લેવી પડતી તે અહીં હવે મિનિટોમાં થાય. હું મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં જ્યારે કામ કરતો હતો ત્યારે મારો અડધો દિવસ બેંકમાં હૂંડી  છોડાવવામાં જતો. જો કે બેંકમાં જતો ત્યારે સાથે કોઈ ચોપડી સાથે રાખતો. આવી રીતે બેંકમાં હૂંડી છૂટવાની રાહ જોતા જોતા કંઈક ચોપડીઓ વાંચી હતી.  એમાંની બે ચોપડીઓ ખાસ યાદ રહી ગઈ:  એક તો માઈકલ બ્રેશરે લખેલ જવાહરલાલ નહેરુનું જીવનચરિત્ર, ‘Nehru: A Political Biography’ અને બીજી તે આપણા ચીન ખાતેના એમ્બેસેડર કે.એમ.પેન્નીકરે લખેલ ‘Between Two Chinas.’

જો કે દેશની આ વાત પચાસ વરસ પહેલાંની છે.  હવે તો ઈન્ટરનેટના જમાનામાં બેંકિંગનું કામ દેશમાં પણ ઘરે બેઠા થઈ શકે છે.  દેશ વિદેશમાં, તમે જ્યાં હો ત્યાંથી લેપ ટોપ કમ્પુટર કે સ્માર્ટ ફોન દ્વારા બેંકિંગ કરી શકો એ અમેરિકન ટેકનોલોજીની બલિહારી છે. હવે તો હું જયારે દેશમાં આવું છું ત્યારે મારું અમેરિકાનું બેંકિંગ કાર્ડ મુંબઈના એટીએમ મશીનમાં સહેલાઈથી વાપરી શકું છું.  દેશના બેંકિંગમાં પણ જે ધરખમ ફેરફાર થયા તે શહેરોમાં ઠેર ઠેર થઈ ગયેલા એટીએમ મશીનથી દેખાય છે.

ટેકનોલોજીને કારણે કામની એફિસિઅન્સિ આટલી બધી વધે એ નજરોનજર મેં પહેલી વાર અમેરિકામાં જોયું.  સાથે સાથે એ પણ જોયું કે ટેકનોલોજીએ કામની વ્યાખ્યા જ બદલાવી નાખી હતી.   જે કામ માટે પાંચ માણસની જરૂર પડે, તે હવે એક માણસથી થાય, અથવા તો એ કામ પૂરેપૂરું મશીન કરે. અને જો મશીન જ કામ કરવાનું હોય તો પછી માણસની જરૂર જ શું? વેક્યુમ ક્લીનર હોય તો પછી કામવાળી કે ઘાટીની શી જરૂર?   રોજિંદા ઘર કામ જે આપણે ત્યાં કામવાળી સ્ત્રીઓ અથવા ઘાટીઓ કરે, એ અહીં સૌએ પોતપોતાની મેળે જ કરવાનું. અને એ કામ સહેલું બનાવવા માટે અનેક પ્રકારના ગેજેટ, મશીન મળે.

જેવું ઘરમાં એવું જ ઑફિસ અને ફેક્ટરીમાં.  જો બધા ટાઈપ કરતા હોય તો પછી ટાઈપિસ્ટની શી જરૂર? ફેક્ટરીમાં ઓટોમેશન દ્વારા જો જુદા જુદા ભાગો અસેમ્બ્લ થતા હોય અને આખી ને આખી કાર એમ બનતી હોય તો પછી મજૂર કામદારોની જરૂર ખરી?  અને જો લગભગ બધાને ડ્રાઈવ કરતા આવડતું હોય તો પછી ડ્રાઈવરની શી જરૂર?  અને હવે તો પોતાની મેળે ચાલતી કાર શોધાઈ છે અને તેનું રોડ ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે!  જો બોસને કૉફી પીવાની ઈચ્છા થઇ તો પોતે ઉભા થઈને કોફી મશીનમાંથી લઈ લે. અને એના લીધા પછી કૉફી મશીનમાં કોફી પૂરી થઈ ગઈ તો એ કૉફી બનાવવાની જવાબદારી એની.  કાફેટેરિયામાં તમે પોતે લાઈનમાં ઊભા રહીને તમારે જે ખાવાનું જોઈએ તે જાતે લઈ લો, અને ખાવાનું પતે એટલે તમારી ડીશ ઉપાડીને કન્વેયર બેલ્ટ ઉપર મૂકવાની જવાબદારી પણ તમારી જ.  આ કારણે આપણે ત્યાં પીયુન, ઘાટી કે ચપરાસી કે કામવાળાનો જે આખો વર્ગ હતો તે અહીં ક્યાંય દેખાયો જ નહીં!

અનેક પ્રકારનાં કામ અને તે કરવાવાળા માણસો ધીમે ધીમે અમેરિકામાંથી અદૃશ્ય થતા ગયા.  જે રૂટીન હોય છે અથવા તો જે જોખમી કામો હોય છે તે બધા માટે જુદા જુદા પ્રકારના ગેજેટ અને મશીન મળતા હોવાથી, એ પ્રકારના કામ કરવાવાળાઓએ કંઈક બીજું શોધવાનું રહ્યું.  જેમ જેમ કામકાજ બદલાતાં ગયાં તેમ તેમ સ્કૂલ, કૉલેજ ને અન્ય શિક્ષણસંસ્થાઓએ નવી ટ્રેનીંગ કે શિક્ષણને પોતાના અભ્યાસક્રમમાં ઉમેર્યાં જેથી એ પ્રકારે લોકો તૈયાર થાય.  પરંતુ જેમણે એવાં કામોમાં આખી જિંદગી કાઢી હોય છે તે મોટી ઉંમરે નવું શીખવા જલદીથી તૈયાર નથી થતાં.  એમની બેકારીથી પ્રવર્તતો તીવ્ર અસંતોષ  અહીંના રાજકારણમાં, ખાસ કરીને 2016ની ચૂંટણીમાં વ્યક્ત થયો છે.

ઘરકામની બાબતમાં સ્ત્રીઓને ઘરમાં જે બંધાઈ રહેવું પડતું હતું તે હવે ગેજેટ અને ટેકનોલોજીના ઉપયોગને કારણે જરૂરી નહોતું.  સ્ત્રીઓ બધે જ કામ કરતી જોવા મળે–બેંકમાં, સ્ટોરમાં, રેસ્ટોરાંમાં, સ્કૂલમાં, કૉલેજમાં, યુનિવર્સીટીમાં, ઓફિસમાં, ફેકટરીમાં. હવે અહીં તો ઠેઠ લશ્કરમાં પણ સ્ત્રીઓની ભરતી થવા માંડી છે!  આમ સ્ત્રીઓને ઘરકામની ગુલામીમાંથી મુક્તિ મળી, પણ સાથે સાથે દેશને એની અરધોઅરધ પ્રજાની પ્રોડકટીવિટીનો લાભ પણ મળ્યો.  વધુમાં સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા મળી અને ઘણી બાબતમાં એ પુરુષોની સમોવડી થઈ.  પુરુષો સ્ત્રીઓનું જે શોષણ કરતા હતા તે હવે પ્રમાણમાં ઓછું થયું. લગ્નજીવનમાં જો પુરુષ એની ઉપર ત્રાસ કરતો હોય તો સ્ત્રી પોતાના આર્થિક સ્વાવલંબન કારણે છૂટી થઇ શકે.  પરિણામે કુટુંબવ્યવસ્થા અને બાળઉછેરમાં પણ મોટા ફેરફાર થયા.

મેં જોયું તો પતિ સાથે અમેરિકા આવેલી દેશી સ્ત્રીઓને પણ અહીંનું સ્ત્રીસ્વાતંત્ર્ય ગમી ગયું છે.  જે કોઈ ભણીને, ડિગ્રી લઈને આવેલી હોય તેમને અહીં તરત કામ મળી જાય.  જે બહેન ડોક્ટર થઈને આવેલી હોય તે તો એન્જીનિયર પતિ કરતાં વધુ કમાતી થઇ જાય!  અહીંનું સ્ત્રીદાક્ષિણ્ય પણ આપણી સ્ત્રીઓને ગમે છે. અમેરિકન પુરુષો એમને માટે દરવાજો ઉઘાડે, એ રૂમમાં આવે તો ઊભા થાય, એમને માટે ડ્રીન્કસ લઈ આવે, વિવેકથી વાત કરે, વાત કરતા સ્મિત આપે–આવું બધું, ઇન્ડિયન પુરુષો અહીં પણ નથી કરતા, તો દેશની વાત શી કરવી?

1 thought on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૮ (અમેરિકા, પહેલી નજરે)

 1. ઘણાખરાએ અમેરીકાની પહેલી મુલાકાતે માણેલી વાત ફરી વાંચવાની મઝા આવી
  સાથે અદમજી જેવાના અનુભવ યાદ આવે…
  જ્યારે જ્યારે તું હની ખિજાય છે
  ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે
  સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
  ગુજરાતીમાં આવજો કહેવાય છે
  તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ ના
  અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે
  વાતે વાતે બોલતી બુલશીટ તું
  તારું મોંઢુ એટલે ગંધાય છે
  લાગણી એચ આઈ વી પોસિટીવ છે
  લાગણીને ક્યાં હવે અડકાય છે
  મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’
  સહેજ અડીએ ને ભવાડા થાય છે…
  … જે મીટુમા સમજાય છે
  તો કેટલાક વિદ્વાનોને આ અનુભવ ગમ્યો પણ ખરો અને આ અંગે વિચારતા-‘ આનું કારણ એ પણ છે કે ભારત કરતાં અમેરીકાની વસ્તી ઘણી ઓછી, લગભગ ત્રીજા ભાગની છે, સેંકડો વર્ષની સંસ્કૃતિના પોસ્ટમોર્ટમ કરવાની મનોદશામાંથી બહાર આવી આજની પરિસ્થિતિ અને આવતી કાલની જીંદગીનો વિચાર કરતાં મિત્રોએ શીખવું જોઈએ. મા ગાંધીજીએ કરેલી વાત સાચી જ છે પણ હાલ એક વખતનું ગંદુ ગણાતું વતન હવે સ્વચ્છ થયેલા દેખાય છે. ભૂતકાળમાં હતું એ હતું. વર્તમાન વિચારો અને ભવિષ્યની કલ્પના કરો.’

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s