પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ:૧૭- વોટ અ ટેલિપેથી!


વોટ અ ટેલિપેથી!

મમ્મી વતન પહોંચી ગઈ એનો તાર રવિવારે સવારે આવી ગયો. તાર આવી ગયો કે તરત જ મેં મમ્મીની મુસાફરી કેવી રહી એ જાણવા ફોન કર્યો. “મમ્મી, આઈ એમ સો હોમસીક! મારે પાછા આવી જવું છે, અહીં, તારા અને ઋચા વિના રહીને હું શું કરીશ?” અને અનાયસે મારાથી એક ડૂસકું ભરાઈ ગયું.

“મને પણ તારા વિના નથી સોરવતું, બેટા. પણ, તારે જાતે જ તારા નિર્ણયો લેવાના છે. અને યાદ રાખજે કે….” મમ્મી બોલતી હતી એની સાથેસાથે મેં પણ બોલવાનું શરૂ કર્યું, “તારા સાચા નિર્ણયોમાં અને ખોટા નિર્ણયોના તું પરિણામ ભોગવતી હશે ત્યારે પણ, હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ!” અને અમે બંને હસી પડ્યાં. મમ્મી બોલી, “ચાલ, હવે ફોન જલદી મૂક! નાહકના પૈસા પડે છે!”

‘મમ્મી, તારે વાત ન કરવી હોય તો એમ બોલ! હવે ફોન જલદી મૂકવાની ઉતાવળ શા માટે? હું સારું એવું કમાતી થઈ ગઈ છું! એક મિનિટના $૫ ભરી શકું છું! મમ્મી, હવે એક આત્મવિશ્વાસ તો આવવા માંડ્યો છે કે હું પોતાના પગ પર ઊભી રહી શકું છું. થેંક્યુ મમ્મી! તારા વિના તો મારા માટે આ શક્ય જ નહોતું…!”

“બસ, હવે! તારી મમ્મી ખુશ થઈ ગઈ! મસ્કા પણ કામ આવી ગયા! પણ, હા, ઋચાના કાકા-કાકી ગઈ કાલે જ બજારમાં મળી ગયા હતાં. ઋચાની ઈન્ટર્નશીપ આવતા શનિવારે પૂરી થાય છે અને એ રવિવારે રાતના ઘરે આવી જશે! પછી તમારી બેઉની વાતો કલાકો સુધી પૂરી નહીં થાય, ત્યારે, ફોનનું બીલ ભરવું પડશે, તો, એ માટે પણ બચાવીને રાખ, તારા ડોલર્સ! ફોન મૂક હવે. ધ્યાન રાખજે તારું, પણ હા, ભાઈજી અને ભાભીજીના સમાચાર? દિલીપ આવી ગયો કોન્ફરન્સમાંથી? ભાઈજી અને ભાભીજી બરાબર તો છે ને?” મારી પાસે આ સવાલનો જવાબ નહોતો. મેં માત્ર એટલું જ કહ્યું, “હા, તો ચાલ, તારી સલાહ જરા પણ દલીલ કર્યા વિના માની લઈને ફોન મૂકું છું! પછી કહેતી નહીં કે એકવારમાં કદી હું તારું કહ્યું માનતી નથી!” અને મેં ફોન મૂકીને એક હાશકારો અનુભવ્યો કે મમ્મીના એ સવાલનો જવાબ ટાળવા માટે મારે સાચા-ખોટા બહાના કરવા ન પડ્યા! પણ, મને વિચાર તો આવ્યો જ કે આખા વીકએન્ડમાં દિલીપ સાથે વાત નથી થઈ તો શું થયું હશે? ધાજી અને અદા ન જાણે કેવા હાલમાં હશે? એમનો વિચાર કરતાં જ મારું હ્રદય દુભાતું હતું કે અદાના મિત્રએ એની એકનીએક દિકરીને ઠેકાણે પાડવા, દિકરીની માનસિક હાલત છુપાવીને, આટલો મોટો ધોખો કર્યો! એ સાથે મને ગુસ્સો દિલીપ પર પણ આવ્યો કે હું એને કહેતી રહી કે તું ઈંદિરાને મળતો રહે અને દિલ ખોલીને વાતો કરતો રહે. જો એણે દિલથી, દિલ ખોલીને વાતો કરી હોત તો એ એટલો તો સ્માર્ટ છે કે, કઈંક તો બરાબર નથી એવું સમજી શક્યો હોત…! આ ઉંમરે, મા-બાપ માટે, દિકરાને, આમ માનસિક રીતે બિમાર પત્ની અને માતા-પિતા વચ્ચે રહેંસાતો જોવો કેટલું અઘરૂં હશે…! ઈંદિરાએ એના ઘરનો નંબર બદલી નાખ્યો હતો અને મારી પાસે દિલીપના ઘરનો નવો નંબર નહોતો કે, નહોતો દિલીપના એ મિત્રનો નંબર, કે જ્યાં ધાજી અને અદાને એણે શીફ્ટ કર્યા હતા. દિલીપ સાથે વાત કરવા માટે મારે સોમવારની રાહ જોવા સિવાય કોઈ છૂટકો જ ન હતો!

********

સોમવારે, સવારે સાડા આઠે હું ઓફિસે પહોંચી. ચિકાગો ન્યુ યોર્કથી ૧ કલાક પાછળ (સેન્ટ્રલ સમયના ઝોન પ્રમાણે) હોવાથી, મારી પાસે ન્યુ યોર્કના દસ વાગ્યા સુધી રાહ જોયા વિના કોઈ આરો ન હતો. હું મારા ડેસ્ક પર બેઠી અને બાકી રહેલા કામમાં મારું મન પરોવવાની કોશિશ કરતી રહી. હું ઘડિયાળના કાંટાને થોડી થોડી વારે તાકતી રહી હતી. દસ વાગ્યામાં હજુ દસ મિનિટની વાર હતી. જેવી મારા ડેસ્કના ફોનની રિંગ વાગી, કે, મેં ફોન ઝડપી લીધો. હું મારી સ્ટાન્ડર્ડ લાઈનો બોલી, “સુલુ હિયર, હાઉ મે આઈ હેલ્પ યુ?”

સામે થી જવાબ આવ્યો, “યુ રિયલી વોન્ટ ટુ હેલ્પ મી? આઈ ડોન્ટ થીંક સો!”

મારા અવાજમાં સ્મિત છલક્યું, “ઓહ! સેમીબોય, ઈટ ઈઝ યુ!” અને, એક ક્ષણના વિરામ પછી હું અંગ્રેજીમાં બોલી, “આજે સવાર સવારમાં મારી યાદ કેમ આવી?”

“તેં મને જવાબ ન આપ્યો, યુ રિયલી વોન્ટ ટુ હેલ્પ મી?”

“મારી સાથે આટલી વહેલી સવારે ફ્લર્ટ કરી રહ્યો છે, તું? તને મારો જવાબ ખબર નથી કે ભૂલી ગયો?”

“ઓકે, ઓકે! સોરી. જસ્ટ તને આખી વીકએન્ડ યાદ કરી છે અને રહેવાયું નહીં એટલે ફોન કર્યો!”

“સેમી, પ્લીઝ, ડુ નોટ ફીલ બેડ પણ હું દિલીપનો ફોન એક્સ્પેક્ટ કરી રહી છું. તને પછી ફોન કરું?”

“નો સ્વેટ. હું ઓફિસમાં જ છું. આઈ સ્ટીલ લવ યુ!”

મારાથી હસ્યા વિના ન રહેવાયું, “તું નહીં સુધરે!” અને અમે ફોન મૂકી દીધો. સેમની સાથે મારી વાતચીતની અથવા તો હું જે છું તે પ્રમાણે જ વર્તન કરવાની સહજતા મને ખૂબ ગમતી હતી. મને થયું, જેટલી સરળતાથી સેમને જે છે તે હું કહી શકું છું, તે જ પ્રમાણે દિલીપની સાથે આજે પણ, એટલી જ સાલસતાથી વાત કરી શકું છું, પણ, દિલીપના લગ્ન પછી, મેં અને દિલીપે અનાયસે જ સેન્સરશીપ સ્વીકારી લીધી હતી તો એમાં ઈંદિરાનો શો વાંક? શું મારા અને દિલીપના સંબંધોમાં, મારી અબુધ, મુગ્ધ વયમાં અનાયસે થતાં આકર્ષણ માટેનો રોમાન્સ હતો? સેમ માટે આજે જે ફીલ કરું છું એવું આકર્ષણ થાય એ વયમાં સમજાયું પણ ક્યાં હતું…..! આજે પણ, મારા હ્રદયમાં, દિલીપ માટે કઈં પણ કરી છૂટવાની ભાવના એમ જ ઈન્ટેક્ટ રહી છે…! તો, શું દિલીપ અને મારી આ પ્લેટોનીક- Platonic Relationship- છે? જો એમ હોય તો, હજી સુધી મેં કેમ એને સેમની વાત નથી કરી? પછી થયું, છેલ્લા એક મહિનામાં આટલું બધું દિલીપ સાથે થઈ રહ્યું છે, તો, મારી અને સેમની વાત ક્યારે કરું? મનમાં થયું, કે, ખરી વાત મારા એ “સોલમેટ”ને કરવી જ રહી! આમ વિચારોમાં ગરકાવ, મેં પાછું મારા કામમાં ધ્યાન પરોવ્યું.

દસેક મિનિટ થઈ અને દિલીપનો ફોન આવ્યો, “સુલુ, ઈંદિરાને હોસ્પિટલમાં એડમીટ કરી છે. એને શનિવારે સાંજના માનસિક એટેક આવ્યો અને તે પણ બહુ ખરાબ…! એને એમ જ લાગતું હતું કે, ધાજી અને અદા માટે થઈને હું એને છોડીને જતો રહીશ…! એના મા-બાપ કે મારાથી એને કંટ્રોલ કરવાનું શક્ય જ નહોતું. કોઈ ચોઈસ ન રહેતાં એને મેન્ટલ હોમમાં લઈ જવી પડી. બીજા બે-ચાર દિવસમાં એક્ઝેટ ડાયગ્નોસીસ ખબર પડશે પણ અત્યારે તો ડોક્ટરો, રુલ્ડ આઉટ સ્ક્રીઝોફ્રેનિયા (Schizophrenia) માનીને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. ઈંદિરાને દવા લાગુ પણ પડી છે. હમણાં, આજે તો એ થોડીક નોર્મલ લાગતી હતી અને સમજવા મથતી હતી કે એ અહીં કેવી રીતે આવી! એણે ધાજી, અદા અને તું ક્યાં છો એ વિષે પણ પૂછ્યું. સુલુ, ઈંદિરા સાથે રહેતાં ત્રણ વર્ષો થશે! ઈંદિરાને અને ધાજી-અદાને હું સાચા અર્થમાં સુખી કરવા અને જોવા ઈચ્છું છું. ક્યારેક મને થાય છે કે આપણી વચ્ચે જે હતું એ કદાચ એક હ્રદયથી હ્રદયનું અનુસંધાન હતું. આપણી વચ્ચે, શારિરીક ખેંચાણ હતું કે યુવાનીનો ઉન્માદ હતો, એની કોને ખબર છે, સુલુ! આજે પણ, તને કોઈ પણ વાત કહેતાં મને વિચાર નથી કરવો પડતો કે તું મારા વિષે શું ધારીશ! એ પણ એટલું જ સત્ય છે કે, હું ઈંદિરાના સૌંદર્યથી ઈવેન્ચ્યુલી આકર્ષાયો પણ હતો અને ઈંદિરાને મેં મારા તરફથી સંતુષ્ટ રાખવા ભરપૂર કોશિશ કરી છે. તું સમજે છે ને કે હું શું કહું છું?”

મારા દિલ પરથી જાણે સો મણનો બોજો ખસી ગયો! “દિલીપ, તું અને ઈંદિરા ખૂબ સુખી રહો, એવું હું દિલથી ઈચ્છું છું. ઈંદિરા બિમાર છે અને હવે એનો અહીં ઈલાજ થઈ રહ્યો છે, એ સાચે જ રાહતની વાત છે. મને ખાતરી છે કે તારી ચાકરી અને પ્રેમ એને સાજા કરી જ દેશે! ધાજી-અદા પણ સમજશે કે આપણે આવેલી પરિસ્થિતિનો સામનો કરવાનો છે અને બેઉ જણાં કરશે જ! પણ, મારે કઈંક ખાસ કહેવું છે.” અને મેં, છેલ્લા એક મહિનામાં મારી અને સેમની વચ્ચે બનેલી બધી જ વાત કરી. દિલીપે ફોન મૂકતાં પહેલાં એટલું જ કહ્યું, “સુલુ, સાચે જ આપણે સોલમેટ જ છીએ! મને ખુશી થઈ કે તું મારી સાથે આજે પણ આટલા ફ્રેન્કલી વાત કરી શકે છે. પણ એક કહે, તારા સેમનો ફોટો ક્યારે બતાવીશ?”

“અરે, એ તો ચિકાગોમાં જ છે. હું એને ફોન કરીને કહી દઈશ કે તું એને મળવા માગે છે. એ બહુ મજાનો માણસ છે.”

દિલીપ હસ્યો અને બોલ્યો, “તો, ઋચાને વાત કરી?”

“ક્યાંથી કરું? મેમસા’બ ગામડામાં સેવા કરવા ગયા છે! આ રવિવારે આવશે ત્યારે વાત!”

“ચાલ તો, ફરી કાલે વાત કરીશું. ધાજી-અદાનું જવાનું નક્કી થાય તે પહેલાં તને ફોન કરું છું!”

*******

સમય વીતતો ગયો. ત્રણેક અઠવાડિયામાં ઈંદિરા ઘરે આવી ગઈ. ઈંદિરાનું ડાયગ્નોસીસ કન્ફર્મ્ડ થઈ ગયું હતું અને એ પ્રમાણે દવાઓ ચાલુ થઈ ગઈ હતી. ડોક્ટરોને આશા હતી કે એના આ રોગને કાબુમાં રાખી શકાશે. ત્યાં સુધીમાં તો દિલીપે ધાજી અને અદાને પાછા મોકલી દીધા હતાં. અદા ખૂબ જ અપસેટ રહેતા હતા, એવું મમ્મીએ મને ફોન પર કહ્યું હતું. મમ્મી કહે, “મારું મન તો એ બિચારી ઈંદિરાની ફિકર કરે છે. તન માંદુ થાય તો નિદાન અને ઈલાજ સહેલો બને છે પણ માંદા મનનું નિદાન અને ઈલાજ બેઉ મુશ્કિલ છે. પણ, દિલીપ તો દિલીપ છે. જે રીતે એ ઈંદિરાની કાળજી લે છે, એ સાચે જ સાજી થઈ જશે..”

આ દરમિયાન, ઋચા અને રવિ સાથે મારી વાતો અને પત્ર વ્યવહાર પણ ચાલતો રહ્યો હતો. સમયના ચક્કરમાં બધું બરાબર ગોઠવાતું જતું હતું. ઈંદિરાના માતા-પિતા હવે પાછા ભારત જતાં રહ્યાં હતાં. દિલીપ દિલથી ઈંદિરાની સંભાળ લેતો. નિયમિત લેવાતી દવાઓને લીધે, ઈંદિરાના મુડ સ્વીંગસ અને અસલામતી હવે કાબુમાં હતાં. એક વરસ આમ જ વીતી ગયું. મારું ગ્રીન કાર્ડ પણ આવી ગયું હતું અને મારી કંપનીમાં મને યોગ્ય પ્રમોશન પણ મળ્યું. સેમીબોય પણ એની મસ્તીમાં રહેતો અને મારી સાથે એનો સંવાદ ચાલુ હતો. લોંગ વીકએન્ડસમાં, ક્યારેક મારા ન્યુ યોર્કના મિત્રો સાથે તો ક્યારેક કોલેજના મિત્રો સાથે, હું વોશિંગ્ટન ડી.સી., નાયગરા ફોલ, કેનેડા, મિયામી (ફ્લોરિડા) અને લોસ એન્જલસ ફરી આવી. મેં સારા એવા પૈસા બચાવ્યા પણ હતાં. આમને આમ સવા વરસ પસાર થઈ ગયું અને મેં દિલીપનો ફોન આવ્યો ત્યારે કહ્યું, “મને મમ્મી અને ઋચા બહુ યાદ આવે છે. મારી પાસે બે વીકનું વેકેશન છે તો એ લઈને હું ઈન્ડિયા જઈ આવું.”

“સરસ વિચાર છે. તું જઈશ તો ધાજી-અદાને પણ સારું લાગશે. જઈ આવ.”

દિલીપનો ફોન મૂક્યો અને હું, એ જ અઠવાડિયાના શુક્રવારથી વેકેશન પર જવાની અરજી લઈને, મારા બોસની કેબિનમાં ગઈ.

“સો, આફ્ટર હાઉ લોંગ યુ આર ગોઈંગ ટુ ઈન્ડિયા?” એણે મારા વેકેશનની અરજી પર મંજૂરીની મ્હોર મારતાં કહ્યું.

હસુંહસું થતાં સ્વરે મેં જવાબ આપ્યો, “ઓલ મોસ્ટ ટુ એન્ડ હાફ ઈયર લેટર આઇ વીલ બી ગોઈંગ ટુ ઈન્ડિયા!”

“ગુડ લક. સી યુ અપ ઓન યોર રિટર્ન. હેવ સેઈફ જર્ની!”

હું બહાર આવીને મારા ડેસ્ક પર બેઠી. સવારના દસ વાગ્યા હતાં. મને થયું, હું ઘરે જઈને ઋચાને ફોન કરીને કહીશ કે હું આ રવિવારે જ આવું છું અને મમ્મીને ન કહેતી. મને ઓચિંતી દરવાજા પર જોશે તો કેટલી ખુશ થશે! આમ વિચાર કરતી હતી કે મારી ઓફિસની ઓપરેટરનો ફોન આવ્યો કે ભારતથી મારા માટે ઈન્ટરનેશનલ કોલ છે અને મારે લાઈન ૩ પર એ કોલ લેવો. મને મનમાં થયું આને તો ટેલિપેથી ન કહો તો શું કહો! મેં હોંશેહોંશે ફોન લીધો. ફોન ઋચાનો હતો.

મેં એને કઈં પણ આગળ બોલવાનો મોકો આપ્યા સિવાય કહ્યું, “ગેસ વોટ, હું આ વીકએન્ડમાં ઈન્ડિયા આવું છું! મમ્મીને નહીં કહેતી.”

ઋચા સામેથી ઢીલા અવાજે બોલી, “વીક એન્ડ સુધી રાહ નહીં જો. આજે જ નીકળ! મમ્મીને પૅરાલિસીસનો એટેક આવ્યો છે. એ હમણાં હોસ્પિટલમાં છે અને સ્ટેબલ છે. ચિંતા નહીં કરતી, હું અને રવિ એમની સાથે જ છીએ!”

મારા હાથમાંથી ફોન પડી ગયો!

મારી પાસે સમય ઓછો હતો. રાત નાની અને વેશ ઝાઝાં હતાં! મેં એકદમ જ નિર્ણયો લઈ લીધાં. મારા જોબ પર રાજીનામું આપી, મેં મારું એપાર્ટમેન્ટ ખાલી કરવાની પ્રક્રિયા પતાવી. એપાર્ટમેન્ટ ફર્નિશ્ડ હતું એથી બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો. મારા મિત્રોએ કહ્યું કે એપાર્ટમેન્ટને ક્લીન કરી એ લોકો ચાવી મેનેજેરને આપી દેશે. પછી બેંક બંધ થાય તે પહેલાં, હું બેંકમાં મારું એકાઉન્ટ બંધ કરવા ગઈ. મને હજુ વિશ્વાસ નહોતો કે થોડાં કલાકોમાં જ, અમેરિકામાંથી મારું બધું જ સમેટીને, હું તે જ રાતે, ભારત આવવા નીકળી ગઈ!

વોટ અ ટેલિપેથી!

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

3 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ:૧૭- વોટ અ ટેલિપેથી!

 1. ‘માંદા મનનું નિદાન અને ઈલાજ બેઉ મુશ્કિલ ‘ તેના મુખ્ય કારણમા મન મગજમા છે તેવું
  મનાતું પણ હવે મોલેક્યુલ ઓફ ઇમોશન્સ પ્રમાણે પ્રત્યેક સેલમા મન હોય છે.આ સમજ્યા વગર ઇલાજ મુશ્કેલ ..હા દિલીપે ધાજી, અદાની પ્રાર્થનાથી મનના ધર્મો સહજ થાય અને દ્રષ્ટા-દ્રષ્યવૃત્તિ કેળવાય એને માટે નિદાન, ચિકિત્સા, પરેજી ઈતર પાળશે કે કેમ તેની રાહ્…
  ટેલીફોન સાથે ટેલિપેથી એટલે કે અસાધારણ માનસિક શક્તિ જેનાથી તકનીકી અનુકૂલનની સહાય વગર દૂર વિચારસરણીના પ્રસારણ અને રીસેપ્શન-પરામાનસિકતા !
  સેમીનું-“આઈ સ્ટીલ લવ યુ!” ઈંદિરા- દિલીપના સબંધની ગુંચ વચ્ચે પ્લેટોનીક !
  -ફિલસૂફ પ્લેટોએ ‘સિમ્પોઝીયમ’ નામનું પુસ્તક લખેલું. એના છેલ્લા પ્રકરણમાં ‘પ્રેમ’નો વિષય છેડયો હતો. તેની વ્યાખ્યા પણ કરેલી. તેમણે કહેલું કે, સ્ત્રી-પુરુષ વચ્ચે આધ્યાત્મિક પ્રેમ કે પ્રેમ ના ફેશનેબલ ધતિંગ ની વાત ?
  યાદ આવે બેફામ
  એમાં તમે છો, હું છું અને થોડા મિત્ર છે,
  એથી જ જીવનકથાના પ્રસંગો સચિત્ર છે
  ત્યાં દરેક હપ્તાના આશ્ચર્યજનક અંતની જેમ -‘હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ!’ સધ્યારો આપતી મમ્મીને પૅરાલિસીસ !

  Liked by 1 person

 2. mom brahmavakya : “મને પણ તારા વિના નથી સોરવતું, બેટા. પણ, તારે જાતે જ તારા નિર્ણયો લેવાના છે. અને યાદ રાખજે કે….” મમ્મી બોલતી હતી એની સાથેસાથે મેં પણ બોલવાનું શરૂ કર્યું, “તારા સાચા નિર્ણયોમાં અને ખોટા નિર્ણયોના તું પરિણામ ભોગવતી હશે ત્યારે પણ, હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ!”
  then all emotional incidents – waiting for dilip call–semiboy- and vacation plan to vacanting plan – due to paralysis attack of mom– how fast track story takes turn..we wish – mom get well soon…pl keep her alive and hearty…because you have emphasized few times: “હું તારી સાથે મારા છેલ્લા શ્વાસ સુધી રહીશ!””……..any way awaiting eagerly arrival in India..

  Like

 3. હજુ તો દિલીપ કે સેમ વચ્ચે ઝોલા ખાતી સુલુ માનસિક સ્થિરતાએ પહોંચે તે પહેલા વળી એક નવો ફણગો…
  માણસના જીવનમાં પણ કેટ-કેટલા વણાંકો આવતા હશે? કે પછી ઈશ્વર સુલુને એના જીવનમાં સ્થાયી થવાનું વરદાન આપવાનું ભૂલી ગયા કે શું?

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s