ચાની લારીએ… (જુગલકિશોર વ્યાસ)


ચાની લારીએ                                                       

  ‘આ પાંઉંના કેટલા પૈસા?’ વહેલી સવારે રોડ ઉપરની ચાની લારી પાસે આવીને એક વૃદ્ધે લારીવાળને પુછ્યું.

‘આઠ રુપિયા.’ જવાબ મળ્યો.

‘આઠ રુપિયા?’ લારીવાળાના જવાબી વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ઉમેરીને વૃદ્ધ ઘરાકે વાક્યને લારીવાળાથી ખસેડીને પોતાનું બનાવી દીધું.

‘એ પાંઉં નથી; માખણ સાથે ખાવાનું બન છે.’ લારીવાળાએ ધંધો સ્પષ્ટ કર્યો.

‘આઠ રુપિયા!!’ના વાક્ય સાથે એણે ખીસ્સામાં રહેલા સીક્કાઓને મમળાવવાનું શરૂ કર્યું…..મોંમાં એની જીભ પણ એ જ કાર્યમાં રત હતી. લેમન કલરની બનની ઢગલી જોઈને એની ભૂખ પૂરી જાગ્રત થઈ ચૂકી હતી. પણ હાથનાં આંગળાંની આસપાસ ફરી રહેલા સીક્કાઓ એની ભૂખને મારી નાખવા માટે તત્પર હતા…ખીસ્સામાં પૈસા પુરતા ન લાગ્યા. જાગી ગયેલી ભુખ અને ખીસામાંનું ઘટી પડેલું પરચુરણ આ વૃદ્ધને ભુતકાળમાં ખેંચી ગયું…..

આવી બન પહેલાંના વખતમાં મળતી નહોતી. પહેલાં તો પાંઉંનો ટુકડો મળતો. ચાના કપમાં દબાવીને ખાવાની લિજ્જત ઑર જ હતી. પણ પાંઉં પણ આવ્યા તે પહેલાં તો સાંજની રાખેલી ભાખરી ઉપર થીનું ઘી લગાડીને ચા સાથે લેવામાં આવતું…

બાળકો નાનાં હતાં. પોતાને વહેલાં જાગીને નોકરી માટે દોડાદોડ કરવાની રહેતી. પત્ની પ્રેમાળ હતી પણ એને વહેલાં જગાડીને તકલીફ આપવાનું ગમતું નહીં. પોતે જાતે જ પ્રાતઃકર્મો પતાવીને ચા બનાવી લેતો. ફેક્ટરીમાં કન્સેશનલ ચાર્જમાં જમવાનું મળતું હોઈ કેન્ટીનમાં જમી લેવાનું બધી રીતે ફાયદાકારક હતું…ટિફીન બનાવવાની ઝંઝટ રહેતી નહીં; ટિફીનમાં શાકનો રસો ઢોળાવાની ચિંતા નહીં; દાળભાત જમવા મળતા હતા…અને સૌથી વિશેષ તો ફેક્ટરી તરફથી મળતું ભાણું બહુ સસ્તું પડતું હતું…

પરંતુ બપોરની રીસેસ વખતે જ એ મળતું હોઈ સવારે નાસ્તો કરવો બહુ જરૂરી હતું. ત્યારથી વહેલાં ચા સાથે નાસ્તો કરવાની આદત પડવી શરૂ થઈ ગઈ હતી.

નોકરીના હોદ્દામાં અને પગારમાં વધારો થતો ગયો તેમ તેમ સવારના નાસ્તાની વાનગીઓમાં પણ વિવિધતા આવતી ગઈ હતી. પત્નીને વહેલાં જાગવું ન પડે એ કારણસર રાતે સૂતાં પહેલાં જ નાસ્તાની વ્યવસ્થા કરી લેતાં. નોકરીએ હાજર થવાની ઉતાવળમાં ચાની સાથે લેવામાં આવતી જુદીજુદી વાનગીઓનોય જમાનો હતો ! એને આરોગવામાં ઉતાવળ થતી એટલું જ, બાકી એ નાસ્તાની લિજ્જત દાઢમાં ભરાઈ રહેતી – છે..ક કેન્ટીનના ભોજન સુધી…!

પછી તો સવારનો નાસ્તો એક આદત બની રહ્યો. નાસ્તાના સ્વાદનું દાઢમાં ભરાઈ રહેવું એ જીવનભરનું ભરાઈ રહેવું બની ગયું હતું. સવાર પડી નથી ને જીભથી લાળનાં પાણી ટપકવાં લાગ્યાં નથી. સવારનો નાસ્તો બપોરની કેન્ટીનથાળીથી જ નહીં, સાંજના સૌની સાથે થતા વાળુ કરતાંય મીઠો લાગતો…સાચ્ચે જ ચાની સાથેનો સવારનો નાસ્તો એક વ્યસન બની ચૂક્યો હતો..

પછી તો  છોકરાંઓની જેમ જ ખર્ચાય મોટા થતા ગયા. પગારનો વધારો એ ખર્ચાઓના વધારા સાથે હરીફાઈ કરતો ગયો. પરંતુ છોકરાંઓની ઉંમર, એમના નવા નવા શોખ, પ્રેમાળ પત્નીના લાડકોડથી છલકતો માતૃપ્રેમ વગેરે મળીને પગાર વધારાને છેક જ હરાવી દેતા થયા.

પછી તો કુલ માસિક પગારે હાર સ્વીકારી લીધી હતી……….

પ્રેમાળ પત્નીત્વ પણ લાડકોડથી છલકતા માતૃપ્રેમ પાસે હારતું ગયું. છોકરાંઓના નાસ્તા માટે વહેલાં જાગી ઊઠતું માતૃત્વ આધુનિક વાનગીઓ જેમ જેમ શીખીને બનાવતું ગયું તેમ તેમ પોતાના સવારના ચાની સાથેના નાસ્તાની આઈટેમો ઘટાડતું ગયું. પગાર અને ખર્ચાઓ વચ્ચેની લડાઈ તો હતી જ – હવે તો લાડકોડથી છલકાતા માતૃત્વ અને પ્રેમાળ પત્નીત્વ વચ્ચેય ચકમક શરૂ થઈ ચૂકી હતી. પરિણામે જાતે ચા બનાવીને નાસ્તા સાથે પીવાનો ક્રમ ધીમે ધીમે બદલતો થયો. નાસ્તાની વાનગીઓમાં ઘટાડાનું પ્રમાણ એટલી હદે થયું કે એકલી ચા જ રહી; જીભેથી ઝરતી લાળને ગળા નીચે ઉતરવામાં ચા કંપની આપતી.

કેન્ટીનનું ભાણુંય પછી તો ઓછૂં પડતું હોય તેવો વહેમ શરૂ થયો. પણ વધતી ઉંમરમાં પેટ જરા ઊણું રહે એ આરોગ્ય માટે સારું એવું ક્યાંક વાંચેલું કામમાં આવ્યું. કેન્ટીનની થાળીમાં જગ્યા વધુ જણાતી અને અદૃષ્ય કાલ્પનિક વાનગીઓ ત્યાં આવી આવીને બેસી જતી.

દીકરી પરણીને સાસરે ગઈ. (કેવો સરસ જમણવાર આપ્યો હતો, અમે !) પુત્ર પણ પરણ્યો. (વેવાઈએ બત્રીસ પકવાન જમાડ્યાં હતાં. ડાયાબીટીસનીય બીક વગર એકબીજાને મોંમાં બટકાં આપ્યાં હતાં…)

ને છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો – નિવૃત્તિનો !

બચતની વાત તો સ્વપ્નનો જ વિષય હતી. વધેલી રકમ તો ચવાણું જ જોઈ લ્યો. વહેવાર-પ્રસંગોમાં એ પણ ચવાઈ ગઈ હતી. પુત્રને ઘેર રહેવા આવ્યાંનેય ખાસ્સો સમય થઈ ગયો. લાડકોડભર્યો માતૃપ્રેમ પણ દીવાલે ફોટામાં ચીટકી ગયો હતો. ફોટાને પહેરાવાયેલા હારનું ક્વચિત્ ઝૂલવું ઘણુબધું ઝુલાવી મૂકતું…..

આજે વહેલી સવારે રહેવાયું નહીં. લાળ ઘણા સમય પછી ઓચીંતી જ ટપકવા લાગી હશે, શી ખબર; પણ ચાને હજી વાર હતી. પુત્રવધૂને મોડા ઊઠવાની ટેવ અને પુત્રને જમીને જ નોકરીએ જવાનું હોઈ કોઈ ઉતાવળ ન હોય. ધીમે રહીને લાઈટ કરીને જોયું તો ટેબલ ઉપર થોડું પરચુરણ પડ્યું હતું. ગણવાની જરૂર ન હતી. ચાની લારી પાસે ક્યારે પગ ખેંચી ગયા તેય સમજાયું નહીં. ઊકળતી ચાની સોડમ અને નીચે કાચવાળા ખાનામાં પડેલાં લેમનરંગી બન પક્ષીની આંખ જેમ ચોખ્ખાં દેખાતાં હતાં.

એણે લારીવાળા સામે લાળમાં લથબથ સવાલ કર્યો –

” આ પાંઉંના કેટલા પૈસા ?”

એણે આઠ રૂપિયા કહ્યા પછી ખીસ્સામાંનું પરચુરણ આજેય હારી ગયું. પણ લારીવાળો સારો હતો. એણે ઝીણી આંખ કરીને ફરી કહ્યું,

“કોરા બનના ફક્ત ત્રણ રૂપિયા છે.”

“એક કટીંગ ચા અને એક બટર વગરનું બન આપી દે ભાઈ !” ઘેર પહોંચવામાં વાર થવાની બીક છતાં ઓર્ડર મૂકીને એ રાહ જોતો બેઠો.

                                              –––000–––

10 thoughts on “ચાની લારીએ… (જુગલકિશોર વ્યાસ)

  1. ભૂતકાળને સ્વપ્નોમાં જોવાની આદત છોડતા શીખો.
    સમયની સાથે ચાલતા શીખો.
    ભૂતકાળ દુખના સ્વપ્નો દેખાડે છે.તેને છોડતા શીખો. કોઇકને સુખના સ્વપ્નો આવતા હોય તે પણ બને.
    સમયની સાથે ચાલનાર જેવો માનવી પોતાને સરસ રીતે ઓળખતો હોય છે અને તે પરિસ્થિતિ પ્રમાણે જીવતાં જીવતાં વૃઘ્ઘાવસ્થાની ઘટમાળને પચાવતા શીખતો હોય છે.
    ભૂતકાળને સ્વપ્નોમાં લાવવાનું છોડો.

    Like

  2. આ તો વાર્તા છે. કરોડો લોકો પોતપોતાની રીતે જીવતા હોય તેમાંથી એકને રજુ કર્યો છે. કલ્પના અને વાસ્તવનું સંમિશ્રણ કથામાં સહજ છે….ઉપદેશાત્મક કથામાં શિખામણ સહજ ગણાય. ખુબ આભાર સાથે

    Liked by 1 person

  3. મને તો આ વાર્તામાં, મારો જ ભુતકાળ દેખાયો. ૧૯૫૫-૫૬ ની સાલમાં જ્યારે હું સોળ વર્ષનો કિશોર હતો અને ‘સંદેશ’ માં કટીંગ મશીન ચલાવવાની રાતપાળી (પગાર આખી રાતના બે રૂપિયા) કરતો હતો અને વહેલી સવારે છાપાના થોકડા લઈને ઉઘાડા પગે, ગાંધીરોડ અને તિલકરોડ પર, બુમો પાડીને વેચતો હતો ત્યારે મારૂં ભોજન પણ પાનકોરનાકાની બિસ્કીટ ગલીના નાકે આવેલી એક બેકરી ના, બે આનાના પાંઉ અને ઇરાની રેસ્ટોરન્ટની એક આનાની ચાહ જ હતું .વગર વાંકે, પોલીસોના માર ખાતો હતો ત્યારથી મારા મનમાં ખાખી ચડ્ડીવાળા અને હપ્તા ઉઘરાવતા પોલીસો પ્રત્યે નફરત છે- આજસુધી. મારે આ સંઘર્ષની કથા લખવી છે, પણ મારા કુટુંબીજનોને એ નહીં ગમે એનો ખ્યાલ કરીને અટકી જઉં છું. આજે ય, અમદાવાદ જઉં ત્યારે, બિસ્કીટગલીના નાકે આવેલી એ બેકરીમાંથી પાંઉ લઈને, રતનપોળના નાકે, જ્યાં ઉભો રહીને હું છાપાં વેચતો હતો એ ફુટપાથ પરના વિક્રેતા પાસે ચાહનો ઓર્ડર અપાવીને, ચાહ અને પાંઉ ખાઈ લઉં છું અને ભુતકાળની યાદોને તાજી કરી લઉં છું.પણ હવે પાનકોરનાકાથી રતનપોળ સુધી ચાલતા જવાની શક્તિ રહી નથી. પણ મારી છેલ્લી પળોમાં તો એ રસ્તા જ ‘આઇ સી યુ’ માં દેખાતા હશે.

    Liked by 2 people

  4. હ્રુદયસ્પર્શી વાર્તા- કરુણ રસ વિગલીત કરી મઝા કરાવી .
    ચા અને નાસ્તો !
    આદિ શંકરાચાર્ય કહે તે પ્રમાણે-‘…પશ્ચાતભવતિ જર્જર દેહે વાર્તાં કોપિ ન પુછતિ ગેહે’
    જેવી સ્થિતીમાં યાદ કરવા શ્રીકૃષ્ણનું સનાતન સત્ય ”સર્વસ્ય ચાહં હ્રુદિ સંનિવિષ્ટો…”
    અમારો ચાની લારીવાળો કહેતો કે આનો અર્થ બધામા હું ચાના સ્વરુપે રહું છું…અને જે નિત્ય સેવન કરે કે કરાવે તે વડો પ્રધાન પણ થઇ શકે!
    અને સાથે પાઉ ! શેર ફરમાતે હૈ
    જહાં સબ કુછ હુઆ, ઇતની ઇનાયત ઔર હો-
    હાથ રોટી ન સહી-પાંવરોટી દિલા દેના!
    હાથ રૉટી તો જીવનભર ખાઇએ પણ પગેથી ગુંદેલા લોટની પાંઉ રોટી કા જવાબ નહીં !
    “નાસતે વિદ્યતે ભાવો…” સત્કાર્યવાદ એટલે કારણમાં જ કાર્ય સૂક્ષ્મરૂપે રહે છે. નવું કાંઈ. નિર્માણ થતું નથી. જે અવ્યક્ત છે તે જ વ્યક્ત થાય છે આવો સિદ્ધાંત. પણ અમારો ચા વાળો કહેતો કે નાસતે વિદ્યતે ભાવો ના ભાવો …એટલે નાસ્તામા ભાવ રહ્યો છે!
    ૭૦ વર્ષ પહેલા મુંબઇની ઇરાની હૉટલમા એક આનામા મગ છલકાવી ચા આપતો અને બીજા એક આનામાં પાંઉ-ते हि नो दिवसा: गता: |

    Liked by 2 people

  5. ખરેખર જુઓ તો આ ફક્ત વાર્તાજ નથી, કરોડો લોકોના મનની, દિલની, સંજોગની બહુ સત્ય હકીકત રજુ કરી છે.આ તો. કરોડો લોકો પોતપોતાની રીતે જીવતા હોય તેમાંથી એકને રજુ કર્યો છે. કલ્પના અને વાસ્તવનું સંમિશ્રણ કથામાં સહજ છે….

    Liked by 1 person

  6. મનથી કશું ન કરવાનો નિર્ણય લેવાય તો એ અઘરો નથી લાગતો પણ પરિસ્થિતિ સામે ઝૂકીને મન મારવું પડે ત્યારે મનમાંજે ટીસ ઉઠે એ જીરવવી અઘરી…

    Liked by 1 person

  7. એક વાર્તામાં બે સંજોગોને આબાદ રીતે વણી લીધા છે. ગરીબી અને પુત્ર અને વહુ ઉપરનું અવલંબન. બન્ને સંજોગો દયા જનક છે. વાહ જુભાઈ, બહુ સરસ ઉજાણી કરાવી.

    Liked by 1 person

  8. શ્રી નવીનભાઈએ જે જાતે અનુભવ્યું તે મેં એક સંવેદનશીલ વ્યક્તિએ – લેખક તરીકે અનુભવીને લખ્યું. આપણે બન્ને એક ક્ષણ ઉપર ભેગા થઈ શક્યા ! આભાર.
    દીદી તો સહજ જ અનેક સંદર્ભો લઈને આવ્યાં તો આભાર.
    ગાંધી સાહેબ તથા રાજુલબહેન આપ બન્નેની વાત મનમાં બેઠી…..
    દાવડાજી અને ઠાકરસાહેબે વાર્તાનો ગ્રાફ ધ્યાનમાં લીધો ! આનંદ થયો. એક વાત ધ્યાનમાં આવી ? વાક્યોનો ચાલુ ભૂતકાળ સતત વપરાયો છે, વર્તમાનકાળમાં….ખૂબ આભાર.
    પ્રવીણભાઈ, એક સફળ વાર્તાકાર જ્યારે કહે કે લાંબા સમયે સરસ વાર્તા મળી ત્યારે તો પેલું બન ખાતો હોઉં એવું લાગ્યું હો !!

    અમૃતભાઈથી લઈને સૌનો ખૂબ આભાર.

    Like

પ્રતિભાવ