વારલી ચિત્રકાર જીવ્યા સોમા મશે (શ્રી જ્યોતિ ભટ્ટ)


(આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વરીષ્ઠ કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટે બે દિવસ પહેલા મને આ લેખ ઈ-મેઈલ દ્વારા મોકલતાં લખ્યું,

“Dear Davadabhai,

Hoping that this may be useful for your blog, I am sending a copy of one article that I have written recently for a local magazine.

Warm regards,

Jyoti”

વારલી ચિત્રકાર જીવ્યા સોમા મશે

ગુજરાતની દક્ષિણ સરહદે આવેલ દહાણું તાલુકાના વારલી આદિવાસી, રાષ્ટ્રપતિનાં ‘માસ્ટર ક્રાફ્ટ્સમેન’ તેમ જ ભારત સરકારના ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કળાકાર જીવ્યા સોમા મશેનું આ વરસે મે મહિનાની ૧૫ તારીખે નિધન થયું છે. તેમની ઉંમર ૮૪ હતી. અચરજ અને આનંદ તો એ હકીકત જાણીને થશે કે કોઈ મોટા સરકારી મંત્રી, રાજકારણી નેતા કે સરહદની રક્ષા કાજે શહીદ થયેલ લશ્કરી જવાનને અપાતું હોય છે તેવું સન્માન એક “પછાત, નિરક્ષર, ગ્રામીણ” કહેવાતા આદિવાસી લોકકળાકારને આપવાનું મહારાષ્ટ્ર સરકારે ઉચિત માન્યું. અને, તુમારશાહી વિલંબ વિના તેનો અમલ પણ કર્યો. પોલીસ જવાનોએ અંતીમ-ક્રિયામાં સામેલ થઇ  જીવ્યાજીના મૃતદેહને ત્રિરંગા રાષ્ટ્રધ્વજથી આચ્છદિત કરી બ્યુગલોની સલામી પણ આપી. આ માટે મહારાષ્ટ્ર સરકારને પણ અભિનંદન આપવા જ રહ્યા. પરંતુ સાથોસાથ મનોમન પ્રશ્ન પણ થાય જ કે ગુજરાતની દક્ષિણ સરહદ ની બંને બાજુ વારલી આદિવાસીઓ વસે છે. ધારો કે જીવ્યાજી ગુજરાતમાં આવેલા વિસ્તારમાં જન્મ્યા અથવા રહેતા હોત તો? આવું સુયોગ્ય સન્માન તો દૂર રહ્યું પણ એમના અવસાનની કોઈ નોંધ પણ આપણી સાંસ્કૃતિક અકાદેમીએ લીઘી હોત ખરી? ગુજરાતની અસ્મિતામાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે અને ૧૯૬૧મા ગુજરાતને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયા પછી જેમના દેહાવસાન થયા છે તે સદગત રવિશંકર રાવળ, ઉમાશંકર જોશી, સ્વામી આનંદ, સુરેશ જોષી, ચં.ચી. મહેતા, જેરામ પટેલ, ભૂપેન ખક્ખર, રાવજી પટેલ ઈ. જેવા મહાનુભાવોની ચિરવિદાય અંગે રાજ્ય સરકારનો પ્રતિભાવ કેવો રહ્યો હતો?

ગુજરાતના સુરત અને વલસાડ જીલ્લામાં તથા મહારાષ્ટ્રના થાણા તથા દહાણુનાં વન વિસ્તારમાં વસતાં  આદિવાસીઓ વારલી જાતિના છે. તેઓ ગુજરાતી તથા મરાઠીના મિશ્રણ જેવી બોલી બોલે છે. જો કે હવે મહારાષ્ટ્રમાં આવેલ વિસ્તાર જ વારલી પ્રદેશ નામે ઓળખાય છે. એક માન્યતા મુજબ  જંગલમાં થોડાં વૃક્ષો અને વનરાઈને કાપી, બાળીને સાફ કરેલ જમીન પર આદિવાસીઓએ ખેતી કરવાનું શરુ કરેલ. ધરતીના તે ટુકડાને તેઓની બોલીમાં ‘વારલ’  કહે છે. અને તેથી, વારલ પર ખેતી કરી જીવન નિર્વાહ કરનારા તે આદિવાસીઓ ‘વારલી’ કહેવાય છે.

વારલી પ્રદેશની આદિવાસી મહિલાઓ તેમની પરંપરા પ્રમાણે લગ્ન તથા અન્ય ધાર્મિક તેમ જ  કૌટુંબિક ઉત્સવ પ્રસંગે ઘરની ભીતો પર ચિત્રો બનાવે છે. તેમાં ચોખા ખાંડી પીસીને બનાવેલ શ્વેત પ્રવાહી રંગ વડે ગોત્રીજ તથા ખેતીની પેદાશ આપનાર મનાતાં કણસરી, પાલઘાટ ઈ. દેવ દેવીઓની આકૃતિઓ સુશોભિત રેખાંકનો સ્વરૂપે બનાવે છે. અન્યથા “વિકાસ” સાથે સંકળાયેલ કેટલાંક લક્ષણો દેખાવાં લાગ્યાં હોવા છતાં  હજુ પણ ચિત્રો દોરવાની એ પ્રથા ત્યાં જીવંત રહી શકી છે.

એમની રેખાંકન શૈલી નાં મૂળ મધ્યપ્રદેશમાં આવેલી દસેક હજાર વર્ષ પુરાણી ‘ભીમ બેઠકા’ નામે ઓળખાતી ગૂફાઓમાં જોવાં મળતાં ચિત્રો સાથે જોડાયેલા છે. જો કે, હવે તેમાં કેટલીક વિગતો ઉમેરાઈ તથા બદલાઈ પણ હશે. પરંતુ, ટોચ થી જોડાયેલ, અવળા સવળા બે ત્રિકોણાકાર સાથે હાથ પગ સૂચવતી રેખાઓ જોડીને માનવાકૃતિ તથા ચાર રેખાઓ જોડીને પશુઓ દર્શાવવાની રીત તો હતી તેવી જ જળવાઈ રહી છે. ( ગુજરાતમાં છોટાઉદેપુર વિસ્તારમાં પણ ભીમબેઠકાની શૈલીના ગૂફા ચિત્રોના અવશેષો બચી શક્યા છે. ઓરિસ્સાનાં ‘સાવારા’ આદિવાસીઓ આજે પણ તે શૈલીના ચિત્રો બનાવે છે.) વારલી વિસ્તારના આ કળા પ્રકાર  અંગે કળાજગતમાં  ભાગ્યે જ કોઈને રસ કે  માહિતી પણ હતી. પરંતુ અચાનક જ ૧૯૭૦ નાં સમય ગાળામાં મુંબઈની કેમોલ્ડ આર્ટ ગેલેરીમાં જાડા કાગળ ઊપર છાણનો પાતળો લેપ લગાડી તેની પર જીવ્યાજીએ દોરેલાં રેખાચિત્રો પ્રદર્શિત થવાં લાગ્યાં.અને જોતજોતાંમાતો  દેશ પરદેશના કળાપ્રેમીઓમાં તેમનાં ચિત્રોની  માંગ પણ વધવા લાગી.

મારા ધારવા પ્રમાણે આ જાદુ થઇ શક્યું તેનું કારણ ૧૯૬૬  દરમ્યાન  બિહારમાં પડેલા ભયંકર  દુષ્કાળ સમયે બનેલી એક ઘટના સાથે જોડાયું છે. દુષ્કાળ પીડિતોને મદદ રૂપ થવાનાં હેતુ સર તત્કાલીન કેન્દ્રીય સરકારના હાથ વણાટ તથા હસ્ત કૌશલ્ય વિભાગે એક યોજના કરેલી. તેના સંવેદનશીલ કલાકારોએ તથા અધિકારીઓએ તેમાં ખૂબ સક્રિય રસ દાખવ્યો હતો. તે સમયે મિથિલા પ્રદેશની ગ્રામ મહિલાઓ ભીંત પર ચિત્રો બનાવવાની પ્રાચીન પરંપરાને અનુસરતી હતી. વળી કેટલાક પ્રસંગે કાગળ પર પણ રેખાંકનો કરવાની પ્રથા પણ જીવિત હતી. પૂર્વોક્ત કળાકારોએ મહિલાઓ પાસે તેવાં જ  પારંપારિક પ્રકારનાં ચિત્રો તૈયાર કરાવરાવ્યા. પરંતુ, ભીંતને સ્થાને સારા જાડા કાગળ પર બનાવરાવેલ એ ચિત્રો શહેરોમાં પહોંચાડી વેચ્યાં હતાં. ત્યાર પછી તો એક નવી પરમ્પરા બની હવે તેવાં ચિત્રો ‘મધુબની આર્ટ’ નામે જગજાહેર બની ચૂક્યાં છે.  લગભગ બધે જ જોવાં મળે છે તેમ પુરુષ વર્ગને  ‘બૈરાંઓ’નાં રોજ બરોજના  ઘરકામ સમાં આ ચિત્રોમાં રસ ન હતો. પરંતુ, મોટાં શહેરોની હોટેલો તથા થીએટરો ઈ, જેવાં લોકોની અવર જવર વાળાં જાહેર સ્થળોમાં ભીંતો પર ‘મધુબની’ ચિત્રો બનાવવા ગ્રામવાસી મહિલાઓને નિમાંન્ત્રણો મળવાં લાગ્યાં. આથી એક પ્રશ્ન ઊભો થયો કે  ‘ઘરવાળીઓ’ને એકલી કેમ જવા દેવાય? આવં કારણો સર પુરુષ વર્ગના સભ્યો પણ સાથે જવા લાગ્યા. આના પરિણામે તેઓ ચિત્રોનાં સ્વરૂપોમાં તેમ જ ચીતરવાની પ્રક્રિયાઓમાં રસ લેતા પણ થયા. અને  તેથી ચિત્રો બનાવતાં પણ થયા. આવાં ચિત્રોમાંથી થવા લાગેલી આર્થિક આવકને કારણે ગ્રામસમાજમાં તે મહિલાઓને આદરભર્યું સ્થાન પણ પ્રાપ્ત થયું છે. દુષ્કાળના દિવસો દરમ્યાન કામચલાવ ઉપાય તરીકે અજમાવાયેલી  અને હાથ ધરાયેલી એ યોજનાએ અણધારલ પણ ગજબનું કાઠું કાઢ્યું છે. ( વાય કે રંગ રૂપ જેવાં કારણે ઘરમાંથી જાકારો મળેલ કે ‘શોક્ય’ નો ત્રાસ વેઠત કેટલીક મહિલા કળાકારો આદર સાથે ગૃહ પ્રવેશ કરી શકી છે તેવાં દૃષ્ટાંતો પણ જાણવા મળ્યા છે.)

મિથિલા ના  ચિત્રોની માહિતી સરકાર સુધી પહોંચાડવામાં હેન્ડલૂમ બોર્ડ માટે કામ કરતા કળાકારોનો ફાળો હતો. (નહિ ચકાસી શકાયેલી માહિતીને આધારે બન્ધાયેલ) મારા  ખ્યાલ પ્રમાણે કુલકર્ણી નામના તેમાંના જ એક કળાકાર વારલી પ્રદેશનાં લોકોના સંપર્કમાં આવ્યા. તેમણે ત્યાં પણ ‘મધુબની અનુભવ’ દોહરાવવા પ્રયત્ન કર્યો હશે, પરંતુ ત્યાં પરિસ્થિતિ જુદી હતી.  પાણીની છત અને ખપ પૂરતી ખેતીવાડી પણ હતી. તેથી વારલી આદિવાસી મહિલાઓને  મિથિલાની – દુષ્કાળ પીડિત તથા મુખ્યત્વે બ્રાહ્મણ અને કાયસ્થ જાતિની  મહિલાઓ જેમ કાગળ પર ચિત્રાંકન કરાવરાવી શક્યા નહિ હોય . પરંતુ તેમના તે પ્રયત્નનું પરિણામ તો ગ્રામીણ કે પછાત મનાતી જાતિઓમાં ભાગ્યે જ બની શકે તેવું આવ્યું અને ચમ્ત્કારી બની રહ્યું. ત્યારે પાંત્રીસેક વર્ષનો યુવાન જીવ્યા સોમા “બાયકા લોકાંચ્યા” –સ્ત્રીઓ દ્વારાજ કરાતાં ચિત્રો – તે પણ દેવ દેવીઓના કોપનો ભય રાખ્યા સિવાય જ, કાગળ ઉપર-  કરી આપવા આગળ આવ્યો. મહિલાઓ ત્રણ ચાર પ્રકારની આકૃતિઓ જ બનાવતી હતી. મુખ્તાવ્યે દેવમંદિરના પ્રતીક જેવાં ચતુષ્કોણ ની મધ્યમાં એમનાં દેવ દેવીઓની આકૃતિઓ દોરતી. તેની આજુ બાજુ વૃક્ષો તથા ઘર આંગણે જોવાં મળતાંથોડાં પશુ પંખીઓ પણ દોરતી હતી. પરંતુ જીવ્યાજીને પરંપરા સાથે સંકળાયેલા કોઈ ‘મનાઈ’-Taboo હતા નહિ. તેમની કલ્પના સભર સર્જન શક્તિને ખીલવાનો અવસર મળ્યો. પોતાની ઝૂપડીમાં  ગાર માટીની ફર્શ પર માત્ર પોતડી પહેરેલ ખુલ્લા શરીરે કલાકો સુધી વણથાક્યે વાંસની સળીથી બારીક વિગતો દર્શાવતા ચિત્રો બનાવવા લાગ્યા. બાળપણથી જ એવાં ચિત્રો બનતા હોય તે રસ પૂર્વક નીરખેલું હશે. સંભાવ છે કે શ્રી કુલકર્ણી કે કેમોલ્ડ ગેલેરીના તત્કાલીન નીયામકો- સ્વ. કેકુ ગાંધી અને સ્વ. ખોરશેદ ગાંધીની માંગ, કદાચ મામૂલી માર્ગદર્ષમ પ્રમાણે જીવ્યાજીએ શરૂઆતના ચિત્રો બનાવ્યા હશે. તેમાં  વરલી પ્રદેશના વિવિધ સ્થળો, પહેલા કડી ણ ચીતરાયેલા ગ્રામ દેવતાઓ, ખેતી, શિકાર  તથા માછીમારી તેમ જ વિવિધ કૌટુંબિક અને ધાર્મિક પ્રસંગોનો ખ્યાલ આપતાં -દસ્તાવેજી પણ કહી શકાય તેવાં- દૃષ્ટાંત ચિત્રો બનાવ્યા. તે ઉપરાંત તેમના પ્રદેશની અને જાતિની લોકકથ્હાઓ અને દંત કથાઓ પણ આળેખી. વળી પ્રદર્શન સમયે તથા પુરસ્કારો સ્વીકારવા નિમિત્તે મુંબઈ, દિલ્હી જેવાં સ્થળોએ જવાનું પણ બન્યું. ત્યાં જોવાં મળેલ બહુમાળી ઇમારતો અને નવતર લાગતાં વાહનો જેવી વસ્તુઓ નાં સ્વરૂપો પણ તેમની કૃતિઓમાં ક્યારેક ડોકિયાં કરવા લાગ્યાં. એ બધું પણ તેમની પાછલી વયે બનાવેલી કૃતિઓમાં ક્યારેક પ્રવેશ કરી શક્યું. પણ તેવી, ‘નવી’  ગણાતી વસ્તુઓ પ્રત્યે જીવ્યાજીને કોઈ ખાસ લગાવ થયો નહિ અને  તેનું  કામણ તો બિલકુલ જ નહિ.

પહેલા રાષ્ટ્રીય અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કૃતિઓ પ્રદર્શિત થવા લાગી અને તેમની  લોકપ્રિયતા પણ વિસ્તરી. ફ્રાન્સમાં ‘ધરતી સાથે નાતો ધરાવતા’ કળાકારોની કૃતિઓનાં પ્રદર્શાનમાં જીવ્યાજીની  કૃતિઓ પણ  પ્રદર્શિત થયેલી. (મોટા ભાગે) ઇટાલીના મિલાન શહેરમાં યોજાયેલ એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ભારતના માત્ર ચાર કળાકારોની કૃતિઓ જ  રજુ કરાએલી. તેમાં બે તો હતા શહેરી ચિત્રકારો- સ્વ. ભૂપેન ખખર અને જોગેન ચૌધરી. પરંતુ અન્ય બે હતા આપણા આદિવાસી લોકકલાકારો – સ્વ. જીવ્યા સોમા મશે તથા સ્વ.જનગઢસિંહ શ્યામ. ખારા સમદરિયામાં મીઠી વીરડીની યાદ આપતો ભારત સરકારનો કે નીર્નાયાકોનો આ નિર્ણય મારા માટે સાશ્ચર્ય આનંદ દાયક બની રહ્યો છે..

એમને મળવાની છેલ્લી તક અઢારેક વર્ષ પહેલા મળેલી. ત્યારે પણ ફર્શ પર બેસીને અને ફર્શ પર જ કાગળ પાથરીને તેની પર ચિત્રો દોરી રહ્યા હતા. પહેરવેશ જોકે થોડો બદલાયેલો જણાયો. પોતાડીને બદલે તેના જેવી જ જણાતી ટૂંકી ચડ્ડી અને ટીશર્ટ જેવું દેખાતું બાંડિયું પહેરણ પહેરેલું. . અવાર નવાર આવવા લાગેલા દેશી તથા પર્દેશી કળારસિકોને બેસારવા બે ત્રણ પ્લાસ્ટીકની ખૂર્શીઓ પણ જોયેલી એવું આછું આછું સ્મરણ છે. તે સિવાય તો માટીની કાચી ઝૂપડી હતી તેને સ્થાને ઈંટોની દીવાલ અને ફર્શ પર સિમેન્ટની લાદી લગાડી હતી ખરી. વળી ચોખા પીસીને બનાવેલ ‘પીઠા’ તથા વાંસની સાળીને સ્થાને બજારમાં તૈયાર મળતાં રાંદ તથા પીંછી વાપરતા થયેલા. માત્ર આટલા જ બદલાવ જોવાં મળ્યા હતા. પરંતુ, તેમને મળેલી પ્રતિષ્ઠા અને સુધારેલી આર્થિક પરિસ્થિતિની કોઈ પણ અસર તેમના વાણી, વર્તન તથા જીવન શૈલીમાં દેખાણી જ નહિ. ભારોભાર આત્મવિશ્વાસ છતાં નમ્રતા તો તેનાથી પણ ચાર આંગળ ચડે એવી.

કહેવાય છે કે પારસમાણિનો સ્પર્શ થાય તે વસ્તુનું સુવર્ણમાં રૂપાંતર થાય. જીવ્યાજીનાં હાથની કમાલ  પણ તેમના ચિત્રોમાં રજુ કરાતી દરેક  ચીજ વસ્તુને તેના મૂળ ત્રિપરિમાણિત સ્વરૂપમાંથી દ્વિપરિમાણિતમાં રૂપાંતરિત કરી દેતી હતી. પરંતુ  તે એવી રીતે કે ઓળખ માટે જરૂરી કોઈ પણ વિગતનો લોપ કર્યા વિના.  હવે ભૂતકાળમાં ફેંકાઈ ગયેલી ‘તાર’ની સંદેશા વ્યવહારમાં એલ સમયે વપરાતી ‘મોર્સકોડ’ સંજ્ઞા -કટ્ટ અને કડ -ની યાદ આપતા ટપકાંઓ તથા પાતળી રેખાઓના નાના નાના ટૂકડાઓનાં સમૂહ વડે તજીવ્યારાવ  અનેકવિધ ચીજ વસ્તુઓની સપાટીનું પોત દર્શાવી વસ્ત્ના તાદૃશ્ય સ્વરૂપની ઓળખ દર્શાવી શકતા હતા. જાતે બની બેઠેલા તેમના અનુયાયીઓ હવે શહેરોમાં ‘વારલી આર્ટની કાર્યશાળાઓ ચલાવે છે. પરદેશીઓ પણ ઈન્ટરનેટ પર વિડિઓ સ્વરૂપે તેના વર્ગો ચલાવવા લાગ્યા છે.

જીવ્યાજીએ દોરેલી ખૂબ સર્જનાત્મકતા તથા કલ્પના સભર આકૃતિઓ જ હવે વારલી કળાની આગવી ઓળખ બની ગઈ છે. તેના પોતાના તેમ જ નીકટના સંબંધીઓના સંતાનો હવે દેશ પરદેશમાં વ્યવસાયી  ધોરણે ચિત્રો બનાવવા જતા થયા છે. એ તો ઠીક, પરંતુ વારલી ગામોના ગરીબ આદિવાસીઓ પણ હવે તેઓ ને બોલાવી, મહેનતાણું ચૂકવીને ય  ‘જીવ્યા શૈલી’નાં ચિત્રો બનાવરાવે છે. ઘર આંગણે, ઘરના જ લોકો સન્માન મળે એ બધાનાં પ્રારબ્ધમાં નથી હોતું. એથી વધું શું જોઈએ?

ઇંટરનેટ પર વિકિપીડીઆ અને યુ-ટ્યુબમાં  જીવ્યાજી અંગે વધુ માહિતી મેળવી શકાશે તથા તેના ચિત્રો પણ જોવાં મળશે.

જ્યોતિ ભટ્ટ

મે, ૨૫, ૨૦૧૮

5 thoughts on “વારલી ચિત્રકાર જીવ્યા સોમા મશે (શ્રી જ્યોતિ ભટ્ટ)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s