પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૧૯ – સરાસર અંચી!


સરાસર અંચી!

                           મારા કાનમાં મમ્મીના અવાજના ભણકારા વાગી રહ્યા હતા કે “ડો. મોમિને આપણને કાલે સાંજના ચાર વાગ્યા સુધી એમને જણાવવાનું કહ્યું છે. હજી એક આખો દિવસ બાકી છે, ડરવાનું શું?” મને મમ્મીની ઈચ્છાશક્તિ ઉપર સંપૂર્ણ ભરોસો હતો. એના અવાજના ભણકારા મને એક શાતા આપી ગયા કે મમ્મી સાજી થશે જ. પાર્વતીમાસીએ ડિનર બનાવી રાખ્યું હતું. રવિએ કહ્યું, “આજે રાતે હું કોલ પર છું તો જમીને સીધો હોસ્પિટલ જતો રહીશ. ઋચા, કાલે તને રજા છે તો તું રહી જા આજે સુલુ અને માસી પાસે. આ રીતે, વર્ષો પછી, તમે ત્રણેય ક્વૉલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરી શકશો.” મમ્મી બોલી, “ઋચા, તેં સાચે જ, આ જન્મે કે પાછલા જન્મે ખૂબ પુણ્યો કર્યા હશે, અથવા, વડીલોના આશિર્વાદ તારા પર હશે, નહીં તો આવો સમજદાર પતિ શોધવા જાત તોયે ન મળત!” રવિ મમ્મીને હગ આપીને બોલ્યો, “આઈ લવ યુ માસી!” હું થોડુંક લુચ્ચું હસીને બોલી, “મમ્મી, વડીલોના આશિર્વાદ જ હશે…! નહીં તો, ઋચાડી અને આ જન્મ કે પાછલા જન્મોના પુણ્યો….? નોટ અ ચાન્સ..!”

ઋચાએ જવાબમાં મને પાછળથી ધબ્બો મારીને કહ્યું, ‘તું તો જાણે પાછલા જન્મો, આ જન્મો અને આવનારા જન્મોમાં પુણ્યોનું ઝાડ જ નહીં પણ જાણે વનના વન ઉગાડીને આવી છે…!”

મમ્મી કહે, “જુઓ, તમે બેઉ ઝઘડવાનું બંધ કરો. સાડા છ થયા છે, હું રવિ સાથે અહીં બેઠી છું. તમે બેઉ અંદર જઈ પાર્વતીમાસીને ડિનરની તૈયારી કરવામાં મદદ કરો.”

હું કૃત્રિમ ગુસ્સો બતાવતાં, પગ પછાડતાં બોલી, “શું મમ્મી…! ચાલ, ઋચા, ધ ઓલ્ડ વુમન હેઝ સ્પોકન! હવે એ આપણને કામ કરાવીને જ જંપશે!” પણ તરત જ હું પાછી ફરી, મમ્મીને માથે હાથ ફેરવીને બોલી, “તું ઠીક તો છે ને, મા?” મને જ્યારે મમ્મી પર અતિશય વ્હાલ આવતું તો એ મમ્મીમાંથી “મા” થઈ જતી. મમ્મી એના માથા પર ફરતાં મારા હાથને પોતાના બેઉ હાથમાં લઈને કહે, “બસ, આટલે દૂર એપોઈન્ટમેન્ટ માટે જઈ આવ્યાં તો થોડો થાક લાગે છે, પણ, તબિયત તો એકદમ ઘોડા જેવી છે. નો ફિકર, દિકરા.” મેં પણ એને હગ આપીને કહ્યું, “તું અહીં રેસ્ટ કર. પણ એક વાત કહું મમ્મી? તું છે ને હવે બુઢ્ઢી થઈ ગઈ છે..!” અને હું અંદર દોડી ગઈ. મમ્મી પણ કૃત્રિમ ગુસ્સો બતાવતાં કહે, “પાછી આવ ત્યારે જો, કેવું વઢું છું!” અને પોતે પણ હસી પડી. મમ્મી અને રવિ બહાર લિવીંગરૂમમાં કઈંક તો વાતો કરી રહ્યાં હતાં અમારું મકાન  બેઠા ઘાટનું, અને જૂના જમાનાની બાંધણીનું હતું, પણ, પપ્પા બિઝનેસ માટે અનેકવાર ઈંગલેન્ડ ગયા હતા, ત્યારે, ત્યાંના ઘરોની સગવડોથી ઘણા પ્રભાવિત થયા હતા. જ્યારે એમણે આ ઘર બાંધ્યું ત્યારે ખૂબ ઝિણવટથી વિચારીને અને મમ્મીના અભિપ્રાયો લઈને, આ ઘરમાં બધી જ સગવડ કરાવી હતી. અમારા ઘરના લિવીંગરૂમ અને રસોડાની વચ્ચે લાંબો પેસેજ હતો. પેસેજની ડાબી બાજુ ડાયનીંગરૂમ, બાથરૂમ અને એક મોટો વરંડો હતો. એ વરંડામાંથી અને રસોડાની સાથેના નાના વરંડામાંથી પાછળ વાડીમાં જઈ શકાતું. પેસેજની જમણી બાજુ ત્રણ બેડરૂમ એટેચ્ડ બાથરૂમ સાથે હતાં. દરેક બેડરૂમમાં નાની ગેલેરી હતી, ગેલેરી અને બેઉ વરંડા, અમારા ઘરની ફરતી વાડીમાં જ ખુલતાં. આ ગેલેરી અને વરંડાઓ, સેફ્ટી માટે, બારીની જેમ ખોલી શકાય એવી લોખંડી જાળીઓથી બંધ કર્યા હતાં.

મમ્મી હંમેશાં કહેતી, “સુલુ, તારા પપ્પા બહુ જ શોખીન હતા અને જીવનની દરેક ખાટી-મીઠ્ઠી ક્ષણોને, દિલ ભરીને ભરપૂર માણતા! આ ઘરની એકએક ઈંટોમાં એમના શ્વાસ ધબકે છે!” કોને ખબર, તે દિવસે, અંદર જતાં, મને આ બધી વાતો ક્યાંથી યાદ આવી ગઈ હતી. ઋચા તો અંદર પહોંચીને ઓલરેડી પાર્વતીમાસીને જમણ ગરમ કરવામાં મદદ કરાવતી હતી. મારા ભાગે હવે મને સાવ જ અણગમતું કામ આવ્યું અને એ કામ હતું ડિનર ટેબલ સેટ કરવાનું..! મેં ઋચાને કહ્યું, “ખૂબ વ્હાલી મારી ખાસ સખી, હું અહીં પાર્વતીમાસીને મદદ કરાવું છું, તું જા અને ટેબલ સેટ કર.” ઋચા ડીંગો બતાવતાં બોલી, “નોટ અ ચાન્સ…! સોરી…! મારા કરતાં પહેલાં આવવું હતું!” હું બડબડ કરતાં ટેબલ સેટ કરવા લાગી. ઋચાએ હસીને કહ્યું “અબ ઊંટ આયા પહાડકે નીચે…!” અને આમ, અમે સહુ, જમાવા બેઠાં. જમતાં જમતાં મેં રવિને પૂછ્યું, “વોટ વોઝ ઓલ્ડ વુમન ટોકિંગ એબાઉટ?”

રવિ હસ્યો, “એ મારું અને માસીનું સિક્રેટ છે! તમને કોઈને જાણવાની જરૂર નથી.” પછી, હળવી બૂમ પાડીને બોલ્યો, “પાર્વતીમાસી, જમવાનું ખૂબ જ સરસ બનાવ્યું છે.” વળતા જવાબમાં માસી પાછા ગરમગરમ રોટલીઓ લઈને આવ્યાં અને રવિની થાળીમાં પીરસી. “ભાઈ, શાંતિથી જમો.”

મમ્મી બોલી, “જુઓ, કાલે આપણે ડોક્ટરને કહી દેશું કે એન્યુરિઝમની સર્જરી નક્કી કરી લે. જરા પણ ગભરાવાની કોઈ જરૂર નથી. નિર્ણય મેં લઈ લીધો છે. આગળ આ વિષે હવે કોઇએ કંઈં પણ ભાર લેવાનો નથી…!

“પણ મમ્મી…!” હું આગળ કઈં પણ કહી શકું એ પહેલાં મને રોકીને બોલી, “સાંભળ, હજી તો માંડ સાડા સાત થયા છે. જમવાનું પતી જાય પછી, આપણે સાપ-સીડીની રમત રમીએ કે ચેકર્સ રમવું છે? પાર્વતીબેન, તમને શું રમવું ગમશે?”

પાર્વતીમાસી બોલ્યાં, ‘બેન, તમને જે રમવું હોય તે રમીશું!”

જમ્યા બાદ, કોલ પર હોવાથી, રવિ તો હોસ્પિટલ પર ચાલી ગયો. ઋચા કહે, “ઓય, સડુ, તારા નાઈટડ્રેસ હું લઉં છું અને તારા જ બાથરૂમમાં નહાવા જાઉં છું. ત્યાં સુધી રસોડાનું કામ પણ પાર્વતીમાસી પતાવી લેશે. આખો દિવસ હોસ્પિટલમાં કામ કર્યા બાદ થોડું ફ્રેશ થઈ આવું. માસી, આમ ગઈ અને આમ આવી..!”

હું અને મમ્મી લિવીંગરૂમમાં બેઠાં. પાર્વતીમાસી કામ પતાવવામાં લાગ્યાં. રોજ તો હું એમને સહાય કરાવવા જતી પણ આજે હું પણ થાકી ગઈ હતી. મેં લિવીંગરૂમમાં બેઠાંબેઠાં જ બૂમ પાડીને કહ્યું, “પાર્વતીમાસી, આજે હું બહુ થાકી ગઈ છું. તમે મેનેજ કરી લેશો?” પાર્વતીમાસી લિવીંગરૂમમાં આવીને કહે, “તમે નિરાંતે બેસો દિકરા. મને કામમાં કઈં જ મદદ નથી જોઈતી.”

મમ્મી સોફા પર બેઠી અને હું એના ખોળામાં માથું મૂકીને સૂતાં સૂતાં બોલી, “મમ્મી, ઋચાડી આવે એટલે કઈંક સરસ મ્યુઝિક સાંભળીએ. કઈ રેકોર્ડસ સાંભળવી છે, બોલ..! મહેંદી હસનની રેકોર્ડ મૂકું કે પછી પંડિત જોગની રેકોર્ડ સાંભળવી છે? કે, પછી, લેટેસ્ટ “આરાધના” પિક્ચરના ગીતો સાંભળવા છે? તું કહે તે મૂકીએ અને સાપ-સીડી રમીએ.”

“પંડિત જોગની રેકોર્ડ મૂક બેટા.” મમ્મીને ક્લાસીકલ મ્યુઝિક બહુ જ ગમતું. પંડિત જોગનું વાયોલીન સાંભળતાં એ જાણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ જતી. તે દિવસે મેં એના ખોળામાં સૂતાં સૂતાં પૂછ્યું પણ હતું, “મમ્મી, તને સંગીત આટલું ગમે છે તો તું કોઈ સાજ વગાડતાં શીખી કેમ નહીં”

“બેટા, મને ક્યારેક એવો શોખ હતો કે હું સિતાર વગાડતાં શીખું પણ, તારા નાના-નાની પાસે એવા પૈસા નહોતાં કે આવા શોખો પૂરા કરી શકે. લગ્ન પછી જ્યારે પૈસા થયા ત્યારે જિંદગીની જવાબદારીઓ વધી ગઈ. પણ તને સંગીત સાંભળવું ગમે છે એનો મને આનંદ છે..!”

“પણ મમ્મી, મને તારી જેમ સાજ વગાડવાનો શોખ કદી નથી થયો!”

“તો શું થઈ ગયું, મારો સંગીત સાંભળવાનો શોખ પણ તારામાં આવ્યો છે, એની જ ખુશી છે. એક રહસ્યની વાત કહું, તારા પપ્પાને સંગીતનો “સા” સાંભળવાનોયે શોખ નહોતો…! તું જ્યારે મારા પેટમાં હતી ત્યારે હું ખૂબ જ મ્યુઝિક સાંભળતી અને ભગવાનને પ્રાર્થના કરતી કે મારા બાળકને પણ, મારી જેમ જ મ્યુઝિક સાંભળવું ગમે અને એના પિતાની જેમ સંગીત સાંભળવાના શોખથી વંચિત ન હોય!”

મમ્મીના ખોળામાં સૂતાં સૂતાં જ હું બોલી, “રિયલી? આઈ એમ સો હેપ્પી ધેટ મને તારો સંગીતનો શોખ વારસામાં મળ્યો…!”

મમ્મીએ એક વાત્સલ્યભરી નજરથી મને ભીંજવી નાખી અને મારા માથા પર કઈં પણ કહ્યા વિના હાથ ફેરવ્યો. ત્યાં સુધીમાં ઋચા પણ એનું “કાગડા સ્નાન” કરીને આવી. ‘શું વાતો કરો છો, મા-દિકરી?”

“તારી વાતો કરતાં હતાં પણ, કોઈનેય જંપવા દે તો તું, “તું” નહીં!” હું મમ્મીના ખોળામાં સૂતી હતી, પણ, રેકોર્ડ મૂકવા અને ગેમ કાઢવા માટે ઊભા થતાં બોલી.

ત્યાં સુધીમાં તો ઋચાએ મમ્મીના ખોળામાં લંબાવ્યું અને મને કહે, “રેકોર્ડનો વોલ્યુમ પરફેક્ટ હોવો જોઈએ જેથી સંગીતનો પણ આનંદ લેવાય અને ગેમનો પણ આનંદ લેવાય, ઓકે?” જવાબમાં મેં એક ડર્ટી લુક આપીને કહ્યું, “ઓ મેમસા’બ, એ જગા પર હું સૂતી હતી અને રેકોર્ડ મૂકીને ને ગેમ લઈને હું ત્યાં પાછી મમ્મીના ખોળામાં સૂવા આવું છું, ઓકે? પાર્વતીમાસી આવે એની રાહ જોવાની છે પછી જ રમીશું. સો, યુ બેટર બી પ્રીપેર્ડ ટુ વેકેટ ધ પ્લેસ ઓફ મમ્મીના ખોળા, સમજી?

ઋચાને ક્યાં અસર થવાની હતી? “તારી જગા હતી, ધ કી વર્ડ ઈઝ “હતી”, ઓકે…? હવે હું અહીં છું તો મારી જગા થઈ ગઈ..!”

“મમ્મી, તું ઋચાડીને કઈં કહેતી કેમ નથી?” હું પગ પછાડતાં બોલી.

 મમ્મીએ એટલું જ કહ્યું, “તું આટલી વાર સૂતી તો હવે ઋચાનો વારો. ભલે સૂતી.” પછી એના મસ્તક પર પણ એટલા જ વ્હાલથી હાથ ફેરવીને કહ્યું ”આટલી મોટી થઈ ગઈ છો બેઉ! પણ, નાની છોકરીઓ જેવા ઝઘડા કરો છો..!”

અને સાચે જ, હું અને ઋચા, નવ-દસ વરસની છોકરીઓ જાણે બની ગઈ હતી! મેં એને જીભ બતાવી અને એણે મને અંગૂઠો…!

દસેક મિનિટમાં તો પાર્વતીમાસી પણ આવી ગયાં અને અમે ચારેય જણાં રાતના અગિયાર વાગ્યા સુધી ચેકર્સ અને સાપ-સીડી રમ્યાં, અલગ અલગ સંગીત સાંભળ્યું અને છેલ્લે મમ્મી જ જીતી. “મમ્મી, તને છેલ્લી ગેમમાં દર વખતે સીડી જ ચ્ઢવા મળી, એટલે જ આટલાં બધાં પોઈન્ટથી જીતી હુ…! તારું નસીબ સારું હતું હં…!” હું ગેમ ભેગી કરતાં બોલી.

મમ્મી કહે, “તારા જેવી અને ઋચા જેવી દિકરીઓ હોય તો નસીબમાં સીડી ચઢીને ઉપર જ જવાનું હોયને? ચાલ હવે હું થાકી છું. તમે બેઉ સૂઈ જાઓ. પાર્વતીમાસી અને હું પણ સૂવા જઈએ છીએ.” મમ્મીના પૅરાલિસિસના એટેક પછી, પાર્વતીમાસી મમ્મીના જ રૂમમાં સૂતાં હતાં. રાતનું આવરણ ઓઢીને અમે બધાં જ નિદ્રા ભેગા થયાં.

******

                           બીજે દિવસે ઋચાને રજા હતી પણ, મેડિકલ કોલેજમાં ભણતાં ભણતાં અને હોસ્પિટલમાં કામ કરતાં, ઋચાને સવારે વહેલા ઊઠવાની ટેવ પડી ગઈ હતી. સવારના સાત વાગ્યા હતાં. ઋચા ઊઠી ગઈ અને અમારા સહુ માટે ચા બનાવીને, મને ઊઠાડી. “મમ્મી અને પાર્વતીમાસી હજી સૂતાં છે. ચા તૈયાર છે. હું મમ્મીને અને પાર્વતીમાસીને ઊઠાડી આવું છું, તું આવ, બ્રશ કરીને!”

“અરે વાહ, મેરેજ થતાં જ, સવારે ચા બનાવીને તૈયાર રાખવાની સમજણ આવી ખરી..! ક્યા બાત હૈ..! પણ, ઊભી રહે, હું અને તું સાથે જ ઊઠાડવા જઈએ…!

હું જલદી બ્રશ કરીને, ઋચાની સાથે, મમ્મીના રૂમમાં જવા મારા બેડરૂમમાંથી બહાર નીકળી. ત્યાં સુધીમાં તો પાર્વતીમાસી મમ્મીની રૂમમાંથી બહાર નીકળ્યાં અને અમે, મમ્મીના રૂમમાં અંદર જતાં હતાં. પાર્વતીમાસીને મેં કહ્યું, “ઋચાએ ચા બનાવી છે. તમે ચા પી લો. અમે મમ્મીને ઊઠાડીને આવીએ છીએ.”

પાર્વતીમાસી કહે, “સૂવા દો બેનને. કેમ ઊઠાડો છો દિકરા?”

“અરે, માસી, આજે સરસ નાસ્તો બનાવો. મમ્મીને બટેટાંપૌઆં બહુ ભાવે છે, તો તે જ બનાવો. જો ઘસઘસાટ સૂતી હશે તો નહીં ઊઠાડીએ. જરા જોઈ આવીએ.”

હું અને ઋચા અંદર ગયાં. મમ્મી શાંતિથી સૂતી હતી પણ એનાં નસકોરા નહોતાં સંભળાતાં. મમ્મીના નસકોરા વાગે ત્યારે એ ઘસઘાસાટ સૂતી હોય, તો આજે નથી વાગતાં તો એનો અર્થ એ કે, મમ્મી ભર નિદ્રામાં નથી. અમે નક્કી કરી લીધું કે એને ઊઠાડવી. અમે એની આજુબાજુ ગોઠવાઈ ગયાં અને એના કાનમાં થોડાંક જોરથી બેઉએ એક સાથે બૂમ પાડી, “મમ્મી..!” અમને લાગ્યું કે એ સફાળી ઊભી થઈ જશે પણ, કઈં જ પ્રતિસાદ ન મળતાં ઋચાએ, પલ્સ માપવા, મમ્મીનો હાથ ઊંચો કરતાં જ એનું માથું એકબાજુ ઢળી પડ્યું..! ઋચા હું જે બાજુ હતી, તે બાજુ આવી અને મને ખભેથી પકડીને આંખોમાં આંસુ સાથે ડોકું ધૂણાવ્યું. હું ફસડાઈ પડી. હું જડ બની ગઈ હતી અને મારા જ્ઞાનતંતુઓ જાણે બધિર થઈ ગયા હતાં..! મમ્મીની બાજુમાં બેસીને એટલું જ બોલી, “ગઈ કાલે ડો. મોમિને, સાંજના ચાર વાગે કહ્યું હતું, કે, આપણી પાસે ૨૪ કલાક છે, એટલે કે, આજ સાંજના ચાર વાગ્યા સુધી, એક આખો દિવસ છે…! એ ૨૪ કલાક તો આજે સાંજના પૂરા થતાં હતાં ને! ખોટું કહ્યું હતું આટલા મોટા ડોક્ટરે..! આ તો અંચી છે, સરાસર અંચી! માય ફૂટ એક આખો દિવસ બાકી છે…!”

હું બેભાન થઈ ગઈ હતી!

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

7 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૧૯ – સરાસર અંચી!

 1. ‘સુલુ, તારા પપ્પા બહુ જ શોખીન હતા…’ ગુંજે
  લાવો આ બેગ મારી ખાલી કરું
  જેમાં જીવતરની ઉનીઉની લૂ
  ચાંદની ઓઢીને સૂવું છે આંગણે
  ને સ્વપ્નામાં આવે જો ‘તું’
  તારી સંગાથ કદી ઝૂલી એ વડલાના
  કેટલા કરું હું અછોવાં ?
  ‘જોગની રેકોર્ડ મૂક બેટા.” ‘પ્રભુ તુમ ચંદન, હમ પાની’ શ્રૃતિમધુર જોગ રાગ સાંભ‌ળવાથી હૃદય, એના ખાસ સ્નાયુ, હૃદયનો વાલ્વ અને ધબકારા પર નિષાદ સ્વરની ફાયદાકારક અસર થાય છે. રક્ત સંચાર, બ્લડ સરક્યુલેશન પર ગંધાર સ્વરની અને લોહીની શુદ્ધતા પર ધૈવત સ્વરનો પ્રભાવ છે.
  ‘….આંખોમાં આંસુ સાથે ડોકું ધૂણાવ્યું. હું ફસડાઈ પડી
  મૃત્યુ એક રહસ્ય છે. મૃત્યુ સાથે જ બધી ઘટનાઓનો અંત આવી જાય !! બચપણમાં સ્કુલમાં સહધ્યાયીએ છીનવી લીધેલી પેન્સિલની ઘટના, સાતોલીયું રમતાં મિત્રએ કરેલી અંચાઇ બધુ જ હવે નામશેષ થઇ ચૂક્યુ હોય છે. પણ એક સમયે તો એ ઘટનાઓએ મનનો કબજો લઇ લીધેલો હોય છે. એવો એક એક સમય એ જ જીવન ને? પણ મૃત્યુ સાથે બધાનો અંત.
  ‘ ડોક્ટરે..! આ તો અંચી છે, સરાસર અંચી! ‘બીજી તરફ આશાના વિચાર આવે…
  ‘‘તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
  ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.’
  તે નજરથી નજર મીલાવે નીજીવ આંખમાં એકવાર,
  ને કદાચ નયનમાંથી ઝરણું વહી નીકળે.
  પણ શ્રી કૃષ્ણ સંભવામિ યુગે યુગેનું વચન આપીને પછી આવવું નહીં એ તો નરી અંચાઇ કહેવાય ને ? હજુ કેટલી રાહ જોવાની છે તમારી ?
  ‘હું બેભાન થઈ ગઈ હતી!’…હવે એક અઠવાડીયું ભાનમા આવવાની રાહ…

  Liked by 1 person

 2. From: Sandhya Doshi
  Date: June 28, 2018 at 1:41:03 PM PDT
  To: Jayshree Merchant
  Read this chapter first thing in the morning.
  I am speechless. Last paragraph brought tears in my eyes…
  Beautifully written, love and bonding is so pure and real, end of chapter is sad and very touching.

  Liked by 1 person

 3. ઓહ જયશ્રીબેન! આ તો તમે અંચાઈ કરી !! ખબર નહીં હવે બિચારી સુલુ નું શું થશે! જે રીતે તમે સાપ સીડીનું વર્ણન કર્યું .. જરા શન્કાથઇ .. અને મન તરત જ બોલ્યું ; “ I hope , she wouldn’t end the mom’s character” પણ અંતે એ જ થયું ! સરસ રીતે વાર્તા આગળ વહે છે અને બધ્ધાને જકડી રાખે છે.. waiting .. for next Thursday!

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s