એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૧– બ્લેક પાવરની ઝુંબેશ


પ્રકરણ ૩૧– બ્લેક પાવરની ઝુંબેશ

એટલાન્ટાની સરખામણીમાં ગ્રીન્સબરો આમ તો નાનું શહેર ગણાય.  પણ અમેરિકન સિવિલ રાઈટ્સ મુવમેન્ટમાં એનું મહત્ત્વ ઘણું.  અમેરિકાના એક મોટા ડીપાર્ટમેન્ટ સ્ટોર વૂલવર્થના લન્ચ કાઉન્ટર પર એ. એન્ડ ટી. યુનિવર્સીટીના ચાર વિદ્યાર્થીઓએ 1960માં સીટ-ઇન કર્યું.  એ દિવસોમાં કાળા અને ગોરા લોકોના લન્ચ કાઉન્ટર જુદા.  કાળા લોકોના કાઉન્ટર પર જગ્યા ન હોય તો કાળા લોકોએ રાહ જોવાની.  ગોરાઓના  કાઉન્ટર પર જગ્યા હોય તો પણ ત્યાં એ બેસી ન શકે.  જેવું લન્ચ કાઉન્ટરનું તેવું જ બસનું અને બીજી અનેક પબ્લિક ફેસીલીટીઓનું–કાળા અને ગોરા લોકો માટે જુદી જુદી વ્યવસ્થા અને ગોરાઓને પહેલો પ્રેફરન્સ મળે.

માર્ટીન લ્યુથર કિંગની અસર નીચે ચાર કાળા વિદ્યાર્થીઓ 1960ની ફેબ્રુઆરીની પહેલી તારીખે વૂલવર્થના ગોરા લોકોના કાઉન્ટર પર જઈને બેઠા અને કૉફી ઓર્ડર કરી. ત્યાં કામ કરતી ગોરી વેઈટ્રેસે ના પાડી અને કહ્યું કે આ તો ગોરા લોકોનો કાઉન્ટર છે.  કૉફી પીવી હોય તો કાળા લોકોના કાઉન્ટર પર જાઓ. વિદ્યાર્થીઓએ કાઉન્ટર પરથી ખસવાની નાં પાડી. સ્ટોર બંધ થયો ત્યાં સુધી બેઠા, પણ એમને કૉફી નહીં મળી.  બીજે દિવસે બાજુની કૉલેજમાંથી વીસ કાળા વિદ્યાર્થીઓ આવ્યા, ત્રીજે દિવસે સાઈંઠ અને ચોથે દિવસે ત્રણસો  વિદ્યાર્થીઓ આવ્યા. આ બનાવને ટીવી અને છાપાંએ ઘણો કવર કર્યો.  દેશમાં હો હા થઈ ગઈ. સાઉથનાં બીજાં મોટાં શહેરોમાં પણ આ પ્રકારના સીટ-ઇન શરૂ થયા. છેવટે વૂલવર્થ અને બીજા સ્ટોર્સમાંથી આ કાળા ગોરાના જુદા જુદા કાઉન્ટર રદ થયા.  સિવિલ રાઈટ્સ મુવમેન્ટનું આ એક અગત્યનું પ્રકરણ હતું જેમાં કાળા લોકોને થોડી ઘણી સફળતા મળી.

એ. એન્ડ ટી. યુનિવર્સિટીમાં ભણાવવાથી સહેજે જ હું બ્લેક વિદ્યાર્થીઓના ગાઢ સંપર્કમાં આવ્યો. એમના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણ વગેરેનો મને ઊંડો ખ્યાલ આવ્યો.  હું જો પહેલેથી જ કોઈ ગોરી યુનિવર્સિટીમાં દાખલ થયો હોત તો, અમેરિકાના કાળા ગોરાના સંબંધોની સમસ્યા હું ક્યારેય આટલી નજીકથી જોઈ શક્યો ન હોત.  ગુલામીથી માંડીને અત્યાર સુધી રંગભેદને કારણે બ્લેક પ્રજા ઉપર સૈકાઓથી જે અન્યાય થઈ રહ્યો હતો તે હવે એ લોકો સહેવા તૈયાર ન હતા.  આર્થિક, સામાજિક, અને રાજકીય ક્ષેત્રે ગોરી પ્રજાને જે કંઈ મળતું હતું તે બ્લેક પ્રજાને હમણાં ને હમણાં મળવું જોઈએ એવી એમની સ્પષ્ટ માંગ હતી. એ બાબતમાં કાળા યુવાનો અધીરા હતા.  એમના માબાપની પેઢીઓની ધીરજ સ્વાભાવિક રીતે તેમનામાં ન જ હોય. માર્ટીન લ્યુથર કિંગની અહિંસક અસહકારની ઝુંબેશને લીધે બ્લેક લોકો માટે સિવિલ રાઈટ્સ મેળવવામાં જે પ્રગતિ થઈ રહી હતી તેની ધીમી ગતિ એમને માન્ય ન હતી.  જો એ બાબતમાં ગોરી પ્રજા આનાકાની કરતી હોય તો એમની સામે શસ્ત્રો ઉપાડવાં પણ આ નવી પેઢી તૈયાર હતી.

નવી પેઢીની સ્પષ્ટ માન્યતા હતી કે માર્ટીન લ્યુથર કિંગની અહિંસક ચળવળ વ્હાઈટ પાવરની સામે આખરે તો નિરર્થક નીવડવાની છે.  માર્ટીન લ્યુથર કિંગ અને બીજા બ્લેક આગેવાનોના અહિંસક મોરચાઓનો સામનો દક્ષિણ રાજ્યોની ગોરી પ્રજાએ અને તેમના ગવર્નર, મેયર અને બીજા અધિકારીઓએ હિંસક રીતે જ કર્યો.  સિવિલ રાઈટ્સ માટે શાંતિથી કૂચ કરતા અહિંસક બ્લેક સ્વયંસેવકો ઉપર વારંવાર ઝનૂની કૂતરાઓ દોડાવ્યા, લાઠીમાર કર્યા, અને ગોળીબાર પણ કર્યા. એમાં ઘણાં બ્લેક લોકો મર્યાં. કેટલાય બ્લેક ચર્ચનું બોમ્બિંગ થયું. નવી પેઢીના નેતાઓનું માનવું એવું હતું કે બ્લેક પ્રજા માટે હિસંક ક્રાંતિ સિવાય કોઈ બીજો રસ્તો નથી.

બ્લેક પ્રજા પર જુલમ કરતા વ્હાઈટ શાસનને ઉથલાવવા જો માર્ટીન લ્યુથર કિંગનું આંદોલન અહિંસક હતું, તો માલ્કમ એક્સ નામના એટલું જ જોરદાર વ્યક્તિત્ત્વ ધરાવતા નવી પેઢીના એક અગ્રણી નેતાનું આંદોલન હિંસક હતું.  એ એમ માનતો કે  લોહિયાળ ક્રાંતિ કર્યા સિવાય બ્લેક પ્રજાનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. કિંગ અને માલ્કમ એક્સના જુદા જુદા અભિગમમાં શું સારું, શું નરસું, એ બાબતમાં હું કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ઘણી ચર્ચા કરતો.  એ લોકો પણ મને ગાંધીજીના સત્યાગ્રહ અને અહિંસક આંદોલન વિષે ઘણું પૂછતા.  એ વખતે બ્લેક પાવરના મુખ્ય પ્રણેતા સ્ટોકલી કાર્માઈકલની બોલબાલા હતી, ખાસ કરીને યુવાન બ્લેક પેઢીમાં. એક વખત એ અમારી યુનિવર્સીટીમાં પ્રવચન કરવા આવ્યો.  આખું ફિલ્ડ હાઉસ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું હતું.  ઊભા રહેવાની પણ જગ્યા ન મળે.  હું પણ એને સાંભળવા ગયો હતો. એના જેવા તેજસ્વી વક્તા મેં બહુ ઓછા જોયા છે.  અમેરિકા આખરે બ્લેક પ્રજા માટે સારો દેશ નથી એમ માનીને છેવટે દેશ છોડીને એ ઘાનામાં જઈને રહેલો.  વર્ષો પછી એ કોઈ સખ્ત માંદગીમાં સપડાયા હતો.  એ સારવાર કરવા પાછા અમેરિકા આવેલો ત્યારે મેં એને વ્હીલ ચેરમાં બેઠેલો જોઇને હું માની જ ન શક્યો કે આ માંદલો માણસ એક જમાનામાં જાહેર સભામાં હજારોને મંત્રમુગ્ધ કરતો હતો?

1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઇ. એ સમયે બ્લેક પ્રજાના એ સૌથી વધુ માનનીય નેતા હતા. ગાંધીજીની અસર નીચે એમણે અમેરિકન બ્લેક પ્રજાના સિવિલ રાઈટ્સ માટે અહિંસક સત્યાગ્રહની જે ઝુંબેશ આદરી હતી તેને કારણે માત્ર અમેરિકામાં જ નહીં, પણ આખી દુનિયામાં એ આદરપાત્ર હતા.  એમને 1964નું શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું.  એમની હત્યા થઈ ત્યારે એમની ઉંમર માત્ર 39 વર્ષની હતી.  જેવા એ હત્યાના સમાચાર આવ્યા કે તરત અમેરિકાના નાનાં મોટાં શહેરોમાં હુલ્લડ શરૂ થયાં.  એ હુલ્લડોમાંથી વોશીન્ગ્ટન પણ બાકી ન રહ્યું.  વ્હાઈટ હાઉસને બચાવવા માટે પ્રેસિડેન્ટ જ્હોનસને નેશનલ ગાર્ડને બોલાવવા પડ્યા!  અમારી કૉલેજના પ્રેસિડેન્ટે તરત જ સમજીને અઠવાડિયાની રજા જાહેર કરી અને કૉલેજ બંધ કરી દીધી.  છોકરાછોકરીઓને ઘરે મોકલી દીધા.  એ છોકરાઓછોકરીઓ જો કેમ્પસ ઉપર હાજર હોત તો ગામમાં જરૂર મોટું તોફાન થાત.

મારે તો જલદી જલદી ગ્રીન કાર્ડ લેવું હતું.  એ.એન્ડ ટી. યુનિવર્સિટીમાં જોબ હોવાને કારણે તરત જ ગ્રીન કાર્ડ મળી ગયું.  જેવું ગ્રીન કાર્ડ મળ્યું કે તરત જ કાર લીધી, ફોર્ડ મસ્ટેન્ગ!  કાર લેવાના રોકડા પૈસા નહોતા, પણ અહીં તો ઇન્સ્ટોલમેન્ટ ઉપર બધું મળે.  ગ્રીન્સબરો જઈને મેં તરત ડ્રાઈવિંગ શીખી લીધું હતું.  જેવી કાર લીધી કે ગાંડાની જેમ ડ્રાઈવ કરવાનું શરૂ કરી દીધું.  વોશીન્ગ્ટન, ન્યૂ યોર્ક, શિકાગો, એમ બધે જવા માંડ્યું.  શરૂ શરૂમાં શીખાઉ હતો છતાં એટલું તો ડ્રાઈવ કરતો કે આજે મને થાય છે કે ત્યારે મારો કોઈ જીવલેણ એક્સીડંટ કેમ નહીં થયો?  જો કે થોડા ફેંડર બેન્ડર જેવાં છમકલાં જરૂર થયા, પણ ઈશ્વર કૃપાએ જેમાં શારીરિક હાનિ થાય એવું કાંઈ નહીં થયું.

કાર લીધી કે પહેલું કામ વોશીન્ગ્ટન જવાનું કર્યું! દેશમાંથી જ મને વોશીન્ગ્ટનનું મોટું આકર્ષણ હતું. વ્હાઈટ હાઉસ, કેપિટોલ, સ્મીથસોનિયન મ્યુઝિયમ, મેસેચ્યુસેટ એવન્યુ ઉપર આવેલ ઇન્ડિયન એમ્બેસી જ્યાં એક વાર ગગનવિહારી મહેતા અને એમ.સી. ચાગલા આપણા એમ્બેસેડર હતાં, વોશીન્ગ્ટન પોસ્ટ જેવા વિશ્વ વિખ્યાત છાપાં–આ બધું મારે જોવું હતું. વોલ્ટર લીપમેન જેવા કોલમનીસ્ટ, ફુલબ્રાઈટ જેવા સેનેટરોને મળવું હતું.  એ બધાને કાગળો પણ લખી દીધા કે મારે એમને મળવા આવવું છે. મારે એમની સાથે વિએટનામ વોર વિષે ચર્ચા કરવી હતી.

મારા પત્રો જોઈને તેમને મારી ધૃષ્ટતા પર હસવું આવ્યું હશે.  મને  પોતાને જ આજે આશ્ચર્ય થાય છે કે હું કેવી રીતે આવા મોટા માણસોને કાગળો લખી શક્યો? લીપમેનને મળવા માટે તો પ્રમુખો, વડાપ્રધાનો, એમ્બેસેડરો આતુર હોય છે.  મોટે ભાગે બધે ઠેકાણેથી ના આવી, પણ ‘ન્યૂ રિપબ્લિક’ નામના સાપ્તાહિકના એક કોલમનીસ્ટ રિચર્ડ સ્ટ્રાઉટ તરફથી હા આવી.  1920ના દાયકામાં ખુદ  વોલ્ટર લીપમેને એ સાપ્તાહિકની શરુઆત કરી હતી.  આપણે તો ખુશખુશાલ. મિત્ર કનુભાઈ દોશી ત્યારે અમેરિકા આવી ગયા હતા.  એમને ઉપાડીને આપણે તો વોશીન્ગ્ટન પહોંચી ગયા.  સ્ટ્રાઉટ અમને ત્યાંની વિશ્વવિખ્યાત નેશનલ પ્રેસ ક્લબમાં લંચમાં લઈ ગયેલા એ યાદ છે.

વિએટનામનું યુદ્ધ ચાલતું હતું. મારે મન એ અમેરિકાની વિદેશનીતિ ઉપર મોટું કલંક હતું.  એ યુદ્ધનો વિરોધ કરતા પ્રખ્યાત અમેરિકનોને હું મળવા પ્રયત્ન કરતો હતો.  એ વખતે શિકાગો યુનિવર્સિટીના રાજકારણના પ્રખ્યાત પ્રોફેસર હાન્સ મોર્ગેન્થાઉ એ યુદ્ધના સખ્ત વિરોધી હતા. એમનો વિરોધ કોઈ નૈતિક કારણોસર નહીં, પણ માત્ર પ્રેક્ટીકલ અને મીલીટરી વ્યુહની દૃષ્ટિએ હતો.  મને થયું કે મારે એમને મળવું જોઈએ! મેં એમને કાગળ લખ્યો કે મારે આવીને તમને મળવું છે.  એ કહે આવો.  ઠેઠ ગ્રીન્સબરોથી લગભગ હજારેક માઈલ ડ્રાઈવ કરીને હું શિકાગો પહોંચી ગયો.  એમની સાથે થોડી વાતો કરી.  પણ એમને જ્યારે ખબર પડી કે હું કોઈ રાજકારણ કે વિદેશનીતિનો નહીં, પણ અકાઉન્ટીન્ગનો પ્રોફેસર હતો અને તે પણ નોર્થ કેરોલિનાની કોઈ સામાન્ય યુનિવર્સિટી સાથે જોડાયેલો હતો કે તરત જ એણે અમારી વાતચીત પૂરી કરી.  કહ્યું કે એ બહુ કામમાં છે, અને મારે હવે જવું જોઈએ!

આ દરમિયાન નલિની દેશમાંથી આવી.  કારમાં હું ગ્રીન્સબરોથી પાંચસોએક માઈલ ડ્રાઈવ કરીને ન્યૂ યોર્ક જઈને એને લઈ આવ્યો.  એ આવે એ પહેલાં મેં એક એપાર્ટમેન્ટ લઈ રાખ્યું હતું. અમે ઘર માંડ્યું.  થોડી બેઝીક વસ્તુઓ લીધી.  હું તો સવારથી જ કૉલેજમાં ભણાવવા ચાલી જાઉં. એ તો ચાલીમાં રહેલી.  પાડોશીઓ, સગાંઓથી ઘેરાયેલી રહેવા ટેવાયેલી.  દિવસ રાત એ બધાની આવ જા હોય.  અહીં કોણ આવે?  ગણ્યાગાંઠ્યાં  ઇન્ડિયન ફેમીલી હતાં, એ જ સગાં ગણો, ગુજરાતી હોય કે નહીં.  જે હતાં તેમાં મોટા ભાગના મારી જેમ પ્રોફેસરો. સારા ઘરમાંથી આવેલા, જેમની પત્નીઓ ભણેલી.  હવે નલિનીને પોતાની અભણતાનું ભાન થયું.  એને અંગ્રેજી જરાય ન આવડે. ડ્રાઈવિંગની તો વાત જ ક્યાં કરવાની?

હું કૉલેજમાં ગયો હોઉં ત્યારે એને ઘરમાં ગોંધાઈને બેસી રહેવું પડે. જો કે આનો એક આડકતરો ફાયદો એ થયો કે એ ટીવી જોતી થઈ.  દરરોજ કલાકો સુધી ટીવી જોવાથી એને અમેરિકન ઈંગ્લીશ ધીમે ધીમે સમજાવા માંડ્યું. અને ભાંગી તૂટી ઇંગ્લીશમાં આજુ બાજુના પાડોશીઓ સાથે વાતો કરવા મંડી.  સ્વાભાવિક રીતે જ એને ઘરમાં એકલું લાગવા માંડ્યું.  મને થયું કે એને જેટલું બને તેટલું ડ્રાઈવિંગ શીખી લેવું જોઈએ જેથી એ પોતાની મેળે ઘરની બહાર નીકળે અને એને કંઈ અમેરિકાની ગતાગમ પડે. એ ડ્રાઈવિંગ શીખી. લાયસન્સ લીધું. પોતાની મેળે ગેસ, ગ્રોસરી વગેરે લેવા જતી થઈ. એના પગ હવે છૂટા થયા.  પછી તો જ્યાં ક્યાંય સેલ હોય ત્યાં પહોંચી જાય.  કોઈ પણ ભારતીય સ્ત્રી સ્ટોરમાં છાશવારે આવતા સેલમાં જતી થાય ત્યારે સમજવું કે એનું અમેરીકનાઈઝેશન શરૂ થઈ ગયું.

3 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૧– બ્લેક પાવરની ઝુંબેશ

  1. બ્લેક પાવરની ઝુંબેશ અંગે ઘણા લખાણ માણ્યા હતા પણ મા નટવરભાઇ અને કુટુંબી- સ્નેહીઓ સાથે માણવાની મઝા આવી.શરુઆતમા અમેરીકામા રહેઠાણ . ભણતર, ડ્રાઇવીંગ અંગે ના અનુભવોના દીવસ યાદ આવ્યા.હંમણા મારી એક દીકરી ઍટલાંટા જ્યોર્જીઆમા , એક સા. કેરોલીના અને પિત્રાઇ ગ્રીન્સબરોમા છે પણ હાલ વાતાવરણ બદલાયેલું લાગે છે.
    સૌથી વધુ આશ્ચર્યજનક અને ખૂબ ગમી ગયેલી વાત તે મહાન વ્યક્તિઓની મુલાકાતો!
    ધન્યવાદ
    ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s