સોરી! (શ્રી અનિલ ચાવડા)


(શ્રી અનિલ ચાવડાનું આ કાવ્ય એમના જીવનની સચ્ચાઈ ઉપર આધારિત છે. શ્રી અનિલ ચાવડાના જીવન અંગે વધારે જાણવું હોય તો “અક્ષરનાદ” ના ઈ-પુસ્તક વિભાગમાં ૫૮ માં નંબરે મારા મફત ડાઉનલોડ કરી શકાય એવા પુસ્તક “મળવા જેવા માણસ” માં ૨૨૦ મા પાના ઉપર જોવા મળશે.)

સોરી!

(એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)

વહેલી પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો

ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…

એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ

ગમે છે,

પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ

સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં

મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા

એની કથા કહેવા માંડે છે

ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં

પગમાં પડેલા ઢીમડાં

પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે

‘પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો

અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!

પણ મને તો ધોધમાર વરસાદમાં

માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે

મને યાદ છે,

એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી

એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા હાથ પર

મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા

બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….

મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું

‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?

હું કશું બોલ્યો નહીં,

કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…

તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,

ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-

‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’

તમે કહો છો,

‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’

આઈ એગ્રી,

લાખલાખ સલામ એના કેસરિયાપણાને!

કિરણોની ફરતી પીંછીને!

પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય

મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…

મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે

ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,

જેને હું કોઈ જ પોતાથી સાફ નથી કરી શકતો…

પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં

મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.

પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી

પણ હાલ પૂરતું

હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

– અનિલ ચાવડા

કવિશ્રી અનિલ ચાવડાનીસોરીકવિતાનો આસ્વાદઃ ( જ્યશ્રી વિનુ મરચંટ )

“સોરી” કાવ્ય વાંચતાં જ મારા રોમરોમમાંથી લખલખું પસાર થઈ ગયું….! આ કાવ્યની યુ.એસ.પી. (Universal Selling Proposition) એના દરેક શબ્દોમાં ધબકતી જીવંતતા છે. આ જીવંતતામાં કવિતાની નાડીના ધબકારા છે.

કવિતાની પ્રતીતિ તો કવિના નામની નીચે જ, કૌંસમાં લખેલી નીચેની પંક્તિમાં જ કવિ અદભૂત રીતે કરાવી દે છેઃ

“(પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)”  – બસ, આખી કવિતાનું કાવ્યત્ત્વ અને કૌવત આ એક પંક્તિમાં સમાઈ જાય છે. આ સાચા અર્થમાં એક માત્ર પંક્તિ કે લાઈન નથી પણ કવિના અંતરમનમાંથી નીકળેલી એક ચીસ છે. કવિને કુદરત સાથે તાદત્મ્ય માણવાનું વણમાગ્યું વરદાન છે, ઈશ્વરના આશિષ છે, એવો કવિ જ્યારે કહે કે “સોરી” પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા માટે – ત્યારે એના હ્રદયમાંથી જે લોહીના આંસુ વહ્યા હશે એનો હિસાબ આખીયે પ્રકૃતિ ભેગી થઈને આપી શકવા સમર્થ નથી.

આમ તો સવાર પડતાં જ મા ચૂલો સળગાવે અને નિત્યક્રમ શરૂ થાય પણ અહીં ખેતમજૂરી કરતાં, સળગતો ચૂલો નસીબ નથી જ થવાનો, એ સમજાતાં જ કવિ સવારના ઊગતા સૂર્ય અને કિરણોના તણખાઓમાં સળગતા ચૂલાની કલ્પના કરે છે. કવિ હ્રદયની માર્દવતાને, ઘાસ પર સુંવાળપની રેશમી રજાઈ પાથરતા ઝાકળની નાજુક ભીનાશ ભીંજવે તે ઈચ્છવા છતાંયે શક્ય નથી. એ પહેલાં જ, માના હાથમાં મજૂરી કરતાં અને બૂઝાયેલો ચૂલો પેટાવવા, હાથથી કોલસા ફંફોસવામાં પડેલા ફોલ્લા પર કવિહ્રદયની સ્નિગ્ધતા અને ભીનાશ પથરાય જાય છે અને તેમાં જ અંતરમનની સઘળી જ શાતા ખર્ચ થઈ જાય છે! આખીયે કવિતા, Paradoxical Environment – વિરોધાભાસી વાતાવરણના આવરણ મહીંથી ડોકિયું કરે છે. નીચેની આ પંક્તિઓમાં એક ટીસ છે જે આ વિરોધાભાસને અત્યંત ખૂબીથી, છતાં, સાવ સહજતાથી કવિતા બનાવે છે.

પરોઢે કમલ સરોવરે અંગ જબોળાયની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં
માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે!”

કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં માના હાથ ઉપર અર્ધવર્તુળાકારે ઉપસી આવેલા ફોલ્લામાં કવિને “દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા” અને કવિ કહે છે કે “બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં…!”.કવિના ચિત્તમાં પ્રકૃતિને માણ્યા વગર જ ઉપસી આવેલા નાનકડા આ “પ્રકૃતિકાવ્ય”ની કલ્પનામાત્રથી આપણી આંખો વરસી પડે છે! રોજમરાના જીવનની વિકરાળ વિષમતા જ્યારે વાઘમુખી બનીને મોઢું ફાડીને ઊભી હોય ત્યારે, એક લાચાર મા, પોતાના બાળકના દર્દને અનુભવીને, એના સરરિયલપણાના પડકારને હકારાત્મકતામાં ફેરવે તોયે કઈ રીતે? આ લાચારીની છબી, નીચેની પંક્તિઓમાં વાંચતાં જ, એ માતાને શતશત પ્રણામ કરતાં મારું મસ્તક ઝૂકી જાય છે.

મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…!”

અહીં માનો સવાલ કરતાં, શબ્દો વેદનાનું આખુંયે વૈકુંઠ ધરતી પર ઊતારે છે.

કવિને કુદરતને મનભરીને માણવી છે અને કુદરતના સૌંદર્યને સો સો સલામો પણ કવિ કરે છે. તે છતાં પ્રકૃતિને કવિ માણે તોયે કેવી રીતે? અહીં કવિ, કાવ્યમયતામાં ઝબોળેલો એક એવો વિરોધાભાસ સર્જે છે, જેના પર કવિતા ખુદ કુરબાન થઈ જાય! કવિ કહે છે કે, એને સમી સાંજના, ક્ષિતિજો પર રંગોનો બજાર માંડતાં સૂર્યના કિરણો અને રંગોમાંમાના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે, જેને કવિ કોઈ પોતાથી સાફ નથી કરી શકતો…!” આ કેવી વેદના છે કે કેટલુંયે ઈચ્છવા છતાં, મથવા છતાં, જીવનના પાછલા વર્ષોના ઉંમગો અને અરમાનોના રંગોના લીસોટા મૂકીને ભૂંસાઈ ગયેલા એ રંગોને કોઈ પણ જાતના પોતાથી સાફ કરાતાં નથી, પછી ભલે આ પોતું પ્રેમનું હોય કે સંવેદનાનું હોય!

જ્યારે કવિ કહે છે કેઃ
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.”, 
આ વાંચતાં જ મન એકદમ જ સૂન થઈ જાય છે, કદાચ એકવીસમી સદીમાં પણ આ સંભવી શકે છે, એના વિચારમાત્રથી મારું મસ્તક, એક યુગમાં, સાથે જીવતાં, એક “ફેલો” માણસ તરીકે, શરમથી ઝૂકી જાય છે. આ વાંચ્યાં પછી, મારી પાસે કઈં પણ કહેવા, કોઈ પણ ભાષામાં, શબ્દો બચતાં નથી.

છેલ્લી પંક્તિઓ સાચા અર્થમાં કૌંસની લખેલી એ પ્રથમ પંક્તિના કાવ્ય પ્રમેયને જાણે સિદ્ધ કરે છે કેઃ

પ્લીઝ! એવું સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

જીવનના અંતિમ કિનારા સુધી પોતાના દ્વેષ, ઈર્ષા, ક્રોધ, મોહ, લોભ અને હુંપદને પકડી રાખનારા સહુ માણસોને, ભાઈશ્રી અનિલ ચાવડાની આ કવિતા પડકાર આપે છે કે, “મને વાંચીને તમે, વિચાર્યાં વિના જ જેમ જીવતાં હતાં એમ જ શું જીવી શકશો?”

આ પડકારનો જવાબ દરેક સહ્રદયી વાચકોએ પોતાની અંદર શોધીને, પોતે જ, પોતાને આપવાનો છે.

જ્યારે કવિતા વાંચીને, અંતરમનમાં સત્ય માટેનો એક ખળભળાટ ઊઠે છે તે સમયે કવિકર્મ તીર્થની ચરમ સીમા પર પહોંચે છે. ભાઈશ્રી અનિલ ચાવડાની આ કવિતા સાચા અર્થમાં કવિકર્મની પરમ તીર્થયાત્રા છે.

આ કવિતા વાંચ્યા પછી ઓચિંતી જ અને અનાયસે યાદ આવી ગઈ, અમેરિકન કવિ ડબલ્યુ. એચ. ઓડૅનની “સ્ટોપ ઓલ ધ ક્લોક્સ” કવિતા.

Stop all the clocks – by W. H. Auden**

The stars are not wanted now: put out every one;
Pack up the moon and dismantle the sun;
Pour away the ocean and sweep up the wood.
For nothing now can ever come to any good.

ગુજરાતી ભાવાનુવાદઃ

“સિતારાઓની હવે કોઈ જરૂર નથી, બુઝાવી દો બધા સિતારા!

ચાંદાને એક કોથળીમાં સાચવીને મૂકી દો, સૂર્યના સહુ કળ-પૂર્જા છૂટા પાડી નાખો.

સમંદરને હવે ક્યાંક ઢોળી નાખો અને અરણ્યોને વાળીઝૂડીને સાફ કરી દો!

કારણ, હવે મારા માટે આ બધાંનો કોઈ ઉપયોગ બાકી રહ્યો નથી…!”

(** W. H. Auden- Wystan Hugh Auden – February 1907 to September 1973 – was an English-American Poet.)

કવિશ્રી અનિલભાઈ ચાવડાની આ “સોરી” કવિતાએ ગુજરાતી કવિતાને વિશ્વકવિતાની હરૉળમાં ગૌરવપૂર્ણતાથી ઊભી રાખી દીધી છે.

5 thoughts on “સોરી! (શ્રી અનિલ ચાવડા)

 1. rom: Anil Chavda
  Date: July 3, 2018 at 1:43:53 AM PDT
  To: Jayshree Merchant
  Subject: આસ્વાદ વિશે
  તમે મારી સોરી કવિતાનો એટલો સુંદર આસ્વાદ કર્યો છે કે મારી પાસે કહેવા માટે શબ્દો નથી. કેમકે આ કવિતા મારી અંગત અનુભૂતિનો એક પડઘો પણ છે. આવા સુંદર આસ્વાદ માટે હું આપનો કાયમ ઋણી રહીશ.

  Like

 2. ખરેખર આ કવિતા માણી શકાય એવી છે એમ કહેવું તેને બદલે એમ કહેવાય કે વાસ્તવિક હકીકતની આગઝરતી રજૂઆત દઝાડે એટલી સમર્થ છે. અંગ્રેજીમાં કોઇ સમર્થ કવિ જો અનુવાદ કરીને મુકશે તો આખી દુનિયા નું ધ્યાન ખેંચે તેવી છે.

  Like

 3. સામાન્ય રીતે અમારી કાવ્ય સંગીત સંધ્યામા જે તે કવિને આમંત્રણ આપી તેમની પાસે કાવ્ય વિષે વિગતે ચર્ચા કરી શબ્દોને સૂરમા ઢાળીએ.આ કાવ્યના સુ શ્રી જ્યશ્રી વિનુ મરચંટે કવિતા આસ્વાદને શ્રી અનિલ ચાવડાએ જ વખાણ્યું તેથી આ કાવ્ય વખતના તેમના ભાવો પણ જાણવા મળ્યા . .ધન્યવાદ કવિશ્રીને અને આસ્વાદ કરાવનારને
  આવી રીતે સોરી કાવ્યો ઘણા કલખાયા છે તેમાનૂ એક માણો
  આજ કાલ ના બાળક ના જીવનને
  બખૂબી દર્શાવે છે
  સે સોરી ! માય સન, સે સોરી !
  છ છ કલાક સ્કૂલ
  ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
  તોય આ નોટ કોરી
  સે સોરી ! માય સન, સે સોરી !

  ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ
  વળી માથે તે ચોપડ્યું ઘી
  યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની
  કંઈ બાટલીઓ પેટમાં ભરી
  કેમે કરી ન યાદ રહેતું તને લેશન
  યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
  સે સોરી ! માય સન, સે સોરી !

  પંખી તો બચ્ચાંને ઊડતાં શીખવે અને
  માણસ બચ્ચાંને આપે પિંજરું
  મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબૂકમાં
  બાળ લાવ્યું છે આખું આભ દોરી
  સે સોરી ! માય સન, સે સોરી !

  તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું
  જાગવું હો ત્યારે સુવડાવું
  પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
  તને રિક્ષામાં ખીચોખીચ ઠાંસું
  જેવો દફતરનો ભાર
  એવો ભણતરનો ભાર
  જાણે ઊંચકે મજૂર કોઈ બોરી
  સે સોરી ! માય સન, સે સોરી !

  ટીચર તો ટોકે છે
  મમ્મી તો રોકે છે
  બોલે નહિ પપ્પા, બે ઠોકે
  કોઈ જો પૂછે કે ચાલે છે કેમ ?
  ત્યારે અમથું બોલાઈ જાય, ઓકે !
  મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ
  મૂડમાં રહે તો ટપોરી..
  સે સોરી ! માય સન, સે સોરી !

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s