પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૦-સાચે જ શું બધું જ સારું થશે?


સાચે શું બધું સારું થશે?

મમ્મી ગઈ…! એ જૂન મહિનાની ૯મી તારીખ અને ૧૯૭૧ની સાલ હતી. આખા ઘરમાં મારી અને મમ્મી-પપ્પાની ભરપૂર યાદો સાથે પાર્વતીમાસીની પણ યાદો જોડાયેલી હતી. મારું બાળપણ, કિશોરાવસ્થા, મુગ્ધાવસ્થા, જુવાની અને અચાનક જ પરિપક્વ થવાની પ્રક્રિયા પણ આ ઘરના અણુએ અણુમાં સમાયેલી હતી. મારો જોબ અને મારા બોસ તથા કલીગસ બધાં જ ખૂબ જ સારા હતાં. મમ્મીના ગયા પછી કામ પર પાછા ચડવાનું અત્યંત મુશ્કેલ હતું અને કામમાં જીવ પરોવવાનું એથી પણ વધુ તકલીફદેહ હતું, પરંતુ, મારા જોબ પર મને જે રીતે સહુએ સહકાર આપ્યો એના માટે હું કાયમ જ એ બધાંની ઋણી બની ગઈ હતી. જે રીતે ૠચા અને રવિ મારી પડખે આ સમય દરમિયાન ઊભા રહ્યાં હતાં, કદાચ મારા સગા ભાઈ-ભાભી કે બહેન-બનેવી પણ ન ઊભ રહેત. ધાજીમા અને અદાએ મારા માટે એમના માતૃપ્રેમ અને પિતૃપ્રેમનો ખજાનો સાવ ખુલ્લો મૂકી દીધો હતો. ધાજીની આંખોમાંથી તો મહિનાઓ સુધી આંસુ સૂક્યાં નહોતાં. ક્યારેક મને એવું લાગતું કે ધાજીમા કઈં પણ બોલતાં નહોતાં પણ મમ્મીના ગયા પછી, મનમાં હિજરાયા કરતાં. મને ત્યારે પહેલીવાર સમજાયું કે મમ્મી અને ધાજીમા એકેમેકના કદાચ બેસ્ટ ફ્રેન્ડ્સ હતાં. અદાનો સ્વભાવ ખૂબ જ કડક અને ક્રોધીલો હતો પણ વિપદ પડે એમણે અમારા કુટુંબનો સાથ વફાદારીથી નિભાવ્યો હતો. તે છતાંયે, મને હંમેશાં એવું લાગતું કે અદા ધાજીમા માટે એક પતિ તરીકે હોવા જોઈએ એટલા સમભાવી અને સપોર્ટીવ નહોતા. ધાજીમાને એ સપોર્ટ – સહારો કદાચ, મમ્મી પાસેથી મળ્યો. મારી અને ધાજીની ખોટની તુલના અનાયસે એકલી હોઉં ત્યારે થઈ જતી તો મને છાની અસૂયા પણ થતી કે, મમ્મી મારી તો હતી સાથે, ધાજી સમેત, અનેકોના જીવનને, આટલી મીનિંગફુલ રીતે સ્પર્શીને અનેકોની બની શકી હતી. દિલીપ ઈચ્છવા છતાંયે આવી શકે એમ ન હતો. ઈંદિરાને એકલાં મૂકાય તેમ હતું નહીં અને એને અહીં લાવી શકાય એમ પણ શક્ય નહોતું. હા, દિલીપનો સવાર-સાંજ ફોન જરૂર આવતો. સેમ સાચે જ મારા પ્રેમમાં હતો અને મારા આ મુસીબતના દૌરમાં એની રીતે સપોર્ટીવ થવાની કોશિશ પણ કરતો. એક વાત એટલી જ સાફ થઈ ગઈ હતી કે મારી અને દિલીપ વચ્ચે જે બે આત્માનું ઐક્ય હતું, એ ઐક્ય હું સેમ સાથે અનુભવતી નહોતી. આ સમજ તો પહેલીવાર જ્યારે મને એના તરફ આકર્ષણ થયું ત્યારે પણ હતી અને હવે એ સમજણ સમય સાથે વધુ પરિપક્વ થઈ હતી. મમ્મી હતી ત્યારે પણ સેમ સાથે જ્યારે વાત થતી ત્યારે સેમને પણ જુદાજુદા સમયે મેં આ જ વાત જુદીજુદી રીતે ન જાણે કેટલીવાર કહી હતી. “સેમ, હું, ખોટી રીતે તને લીડ કરવા નથી માગતી. તું કહે છે કે તને મારા માટે સાચો પ્રેમ છે પણ મને તો તારા માટે લાઈકીંગ છે, એટ્રેક્શન છે, બસ. એનાથી આગળ વધુ કશું જ નથી. તું લગ્ન કર કે કોઈ રીલેશનશીપમાં હોય તો પણ મને દુઃખ નહીં થાય.  તારી જિંદગી મારી રાહ જોવામાં બરબાદ નહીં કર. મારે તને આ ચોખવટ ફરીફરીને કરવી પડે છે, જેથી તને એમ ન થાય કે હું તારો ખોટો એડવાન્ટેજ લઈ રહી છું.”

સેમ હસીને કહેતો, “માય ડિયર, નો વન કેન ટેઈક એડવાન્ટેજ ઓફ એની વન વ્હેન યુ આર ઈન લવ..!” અને વાત પૂરી થઈ જતી. મમ્મીના ગયા પછી સેમના કોઈ પણ પેટર્ન વિના આવતાં ફોનકોલસ પણ નિયમિત થઈ ગયાં હતાં.

સમયનું કામ સમય કરી જાય પછી ઊભા રહી જવાનું તો સમયના સ્વભાવમાં નથી! વિતી ગયેલો વખત પાછો આવવાનો નહોતો અને આવનારો વખત સાથે શું લઈને આવવાનો છે એ પણ સમય પહેલાં જણાવવાનો નહોતો. મારે હવે જીવવાનું હતું અને જ્યાં અટકું ત્યાં મારી જાત સાથે જ મમ્મી બનીને સંવાદ કરીને, જિંદગીને આગળ ધપાવવાની સંવાદિતા સાધાવાની હતી. એક પણ ઘડી એવી નહોતી કે મને મમ્મી ડગલે અને પગલે યાદ ન આવી હોય! મમ્મીના ગયાને હવે ત્રણ મહિના થઈ ગયા હતાં. મિત્રો, સ્નેહી, સ્વજનો, સહુના સાથને લીધે, એ કપરો સમય પણ વિતી ગયો. ઋચા અને રવિ પહેલા બે મહિના તો મારી સાથે જ મારા જ ઘરમાં રહ્યાં અને પછી, જ્યારે મેં મારો જોબ શરૂ કરી દીધો ત્યારે મેં જ એમને જીદ કરીને એમના ઘરે પાછાં મોકલ્યાં. ધીરેધીરે હું મારા રુટિનમાં પરોવાતી ગઈ. પાર્વતીમાસીની પણ ઉંમર મમ્મીના ગયા પછી એકદમ જ વર્તાતી હતી. એમાં એક દિવસ માઠાં સમાચાર આવ્યાં કે એમની એકની એક દિકરી, સીતાને, જે, લગ્ન પછી એના વર અને સાસરિયાં સાથે દહાણુ રહેતી હતી, એને ઘરમાંથી કાઢી મૂકી. એના પર દબાણ કરીને, એના પતિ અને સાસરિયાઓએ કહ્યું કે હવે એ એની માની શેઠાણી ગુજરી ગઈ તો ત્યાંથી ઓછામાં ઓછાં વીસ હજાર રૂપિયા માગીને લઈ આવે તો જ ઘરમાં પાછી લેશે! હું જોબ પરથી એક દિવસ પાછી આવી ત્યારે વીસ વરસની સીતા, પાર્વતીમાસીના ખોળામાં કણસતી સૂતી હતી. સાસરિયા અને ધણીએ એને ઢોરમાર માર્યો હતો. આખા શરીર અને મોઢા પર બ્લેક એન્ડ બ્લ્યુ માર્કસ હતાં. આ જોઈને હું અંદરથી હલી ગઈ અને અનહદ ગુસ્સાથી મેં કહ્યું, “પાર્વતીમાસી, આ માણસો છે કે રાક્ષસો? આવો ઢોરમાર કોઇ મારતું હશે અને એ પણ ફક્ત વીસ હજાર રૂપિયા માટે? આ લ્યો, હું હંમણાં જ વીસ હજાર રૂપિયા આપું છું. એમના મોઢા પર ફેંકી આવો. તમે ડોક્ટરને ફોન કર્યો?” માસીએ રડતાંરડતાં “ના” પાડી. મેં અમારા ફેમિલી ડોક્ટરને ફોન કરી બોલાવ્યા. એમણે સીતાને તપાસી અને યોગ્ય દવાપાણી કરીને બે અઠવાડિયાં સુધી આરામ કરવાની સલાહ આપી. ડોક્ટરના ગયા પછી, મેં સીતાને વીસ હજાર રૂપિયા આપ્યાં તો એણે લેવાની ના પાડી અને કહ્યું, “બેન, માર ખાવા અને હીણપત સહેવા મારે પાછું ત્યાં નથી જવું. મને આંઈ તમારી કને પડી રે’વા દ્યો.” અને એ મારા ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પાર્વતીમાસી બોલ્યાં, “આના તો ભવન ફર્યા છે બેન. મારા ગયા પછી કોણ આનું? ધણી છે, હાથ ઉપાડે અને ક્યારેક આકરૂં પણ બોલે તે આમ કઈં વર અને ઘરનો ઉલાળિયો થોડો કરાય? ખોટી એને બગાડશો મા બેન.” પાર્વતીમાસીને આમ રડતાં અને આટલા વિક્ષુપ્ધ મેં આખી જિંદગીમાં કદી જોયાં નહોતાં.

“માસી, જરાક શાંતિ રાખો. સીતાને શું કહેવું છે એ તો સાંભળવા દો.” અને હું સીતા તરફ ફરી. મારા ખોળામાં માથું મૂકીને એ હજુ રડી રહી હતી. મેં એનું માથું ઊંચું કર્યું અને કહ્યું, “ડર્યા વિના જે કહેવું હોય તે કહે.” અને, માસીને કહ્યું, “એને બોલવા દો. તમે પણ ઉકળ્યા વિના શાંતિથી વાત તો સાંભળો કે એને શું કહેવું છે.”

હું ઊભી થઈ અને સીતાને પાણીનો ગ્લાસ આપ્યો અને એ થોડીક સ્વસ્થ થઈ.

“બેન, મારે ત્યાં પાછાં કોને સારુ જવું? જેની ભેળા રે’વાનું છે એને તો મારી હારે રહેવું નથી. ધણીની હારેના એક ભવમાં, જેઠ ને સસરા હારે, બીજા બે બે ભવ…!” હું સ્તબ્ધ થઈ ગઈ…! “બેન, મારે ઈ નરકમાં નથી જાવું પાછું..! બે ટંકનું ખાવા આલશો ને એક ખૂણે પડી રે’વા દે’શો તોયે હું મારો ભવ પૂરો કરી લઈશ! મને પાછી ના મોકલો બેન!” સીતા મારા પગ પકડીને રડતી રહી હતી. હું અને પાર્વતીમાસી પૂતળું બની ગયાં હતાં…!

*******

સીતા હવે મારી અને પાર્વતીમાસી પાસે જ રહેતી હતી. એક દિવસ મેં અદા અને ધાજીમાને સીતાની વાત કરી. મેં અદાને વિનંતી કરી. “અદા, તમારા વચ્ચે પડ્યા સિવાય આ સીતાના સાસરિયા અને પતિ ડિવોર્સ નહીં આપે. કઈંક રસ્તો કાઢી આપો તો બિચારી સીતાનો ભવ સુધરશે.” ઘણા સમય બાદ, અદાએ એક પિતાની વાત્સલ્યભરી નજરથી મને જોઈ અને મારા માથે હાથ મૂકીને ગળગળા અવાજે આટલું જ બોલ્યાં, “દિકરી, સીતા ભેગા મારો પણ ભવ સુધરશે. તું ચિંતા ન કર. તારું કામ બે દિવસમાં થઈ ગયું સમજો.” અદાએ ધાજીમાને કહ્યું, “જરા ફોનની ડાયરી આપો.” હું ઊભી થઈ અને લાડથી બોલી, “શું અદા, હું ઊભી છું અને તમે ધાજીમાને ઊભા કરો છો?” અને મેં અદાને ડાયરી આપી. એમણે તે જ ઘડીએ વકીલને ફોન કર્યો અને કેવી રીતે સીતાનું શોષણ થઈ રહ્યું હતું એની વાત કરી. એટલું જ નહીં પણ વકીલને તાકીદ પણ કરી કે ડિવોર્સના પેપેર્સ બે દિવસમાં તૈયાર કરીને ઘરે લઈ આવે. અદાએ પછી મને કહ્યું, “સુલુ દિકરી, પરમ દિવસે, સીતાના પતિ પાસેથી ડિવોર્સના પેપર્સ સાઈન થઈ જશે અને બાકીની વિધી આપણો વકીલ પૂરી કરી લેશે. તું નિશ્ચિંત બનીને ઘરે જા બેટા.” તે દિવસે મને અદાની આંખોમાં બુધ્ધની કરૂણા દેખાઈ હતી.

******

અદાની સહાયથી સીતાના ડિવોર્સ પણ ફાઈનલ થઈ ગયાં. જે દિવસે અદાએ મને ફોન કરીને સીતાના ડીવોર્સની કોર્ટના જજમેન્ટની કોપી આપી તે દિવસે કદાચ, વર્ષો પછી હું સાચા દિલથી એમને પગે જ નહોતી લાગી પણ એમને ભેટી પણ પડી હતી. ધાજીમાની આંખોમાંના આંસુ ત્યારે રોક્યા રોકાયા નહોતાં. અદાનો અવાજ જ રૂંધાઈ ગયો હતો. મારા માથા પર કરૂણાથી હાથ મૂકતાં એમના મુખ પર જે કરૂણા હતી, તે, મેં કદી એમના ચહેરા પર આ પહેલાં જોઈ નહોતી.

સમય તો એની રફતાર પર ભાગતો જતો હતો. મમ્મીને ગયે બે વરસ થઈ ગયા હતાં. ઋચા અને રવિ એક વરસના નાનકડા બેબી બોયના મમ્મી-પપ્પા બની ગયા હતાં. રવિએ ન્યુરોલોજીસ્ટ તરીકે પોતાની પ્રેકટીસ શરૂ કરી હતી. ઋચા નજીકના એક નર્સિંગહોમમાં એનેસથેસિયોલોજીસ્ટ તરીકે પાર્ટ ટાઈમ કામ કરતી હતી. મને હવે પ્રમોશન મળ્યું હતું અને હું સ્ટ્રેટેજીક પ્લાનિંગ અને ફોરકાસ્ટિંગની સીનિયર મેનેજર બની ગઈ હતી. હું દિવસના ભાગમાં મારા જોબ પર હોઉં અને પાર્વતીમાસી બપોરે સૂતાં હોય ત્યારે, સીતા કદીક બપોરે ધાજીમાના પગ દબાવી આપવા પોતાની મરજીથી જઈ આવતી. પાછી આવીને મને કહેતી, “બે’ન, બહુ સારા માણસો છે હં! ભગવાન એમને કોઈ તકલીફ કદી જ ન દે!” મને એ વખતે સમજાતું નહીં કે સીતાની આ દુવાનો જવાબ કઈ રીતે ઉપરવાળો આપશે!

તે દિવસે, ઓચિંતો સવારે સાડા પાંચ – છ વાગે દિલીપનો ફોન આવ્યો, “સુલુ, બધું ઠીક છે? કોને ખબર, કાલે રાતના હું અદા અને ધાજીને ફોન કરતો હતો પણ કોઈ ફોન ઊંચકતું નહોતું. રીસન્ટલી, તું જઈ આવી છે એમને મળવા?”

“હા, હજી ગઈ કાલે સાંજના જ ગઈ હતી. એ લોકો પાંચ વાગે જોધપુર જવા નીકળવાના હતાં. એટલે જ ફોન નહીં ઊપાડ્યો હોય. ચિંતા ન કરતો. તું કેમ છે, ઈંદિરા કેમ છે?”

“ઈંદિરાને પાછી મેન્ટલહોમમાં દાખલ કરવી પડી છે. ચાલ, હું કામ પરથી નીકળી જ રહ્યો છું. પછી વાત કરીએ.”

મારી ઊંઘ ઊડી ગઈ હતી. હું પથારીમાંથી હજી ઊઠવાનો વિચાર કરી રહી હતી અને ફોનની રિંગ પાછી વાગી.

મેં ફોન ઊંચક્યો અને સામે છેડેથી અજાણ્યો અવાજ આવ્યો, “મીસ. સુલુ, હું સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બોલું છું. તમારું નામ અને ફોન નંબર અમને મિ. સીંઘાનીયાએ આપ્યો છે. આજે સવારે એમની કારનો અકસ્માત થયો છે. મિ. અને મિસીસ સીંઘાનીયા આમ તો ભાનમાં છે પણ હજી ઈન્વેસ્ટીગેશનસ ચાલી રહ્યાં છે. ડ્રાઈવર પણ જખમી થયો છે. અમારું એડ્રેસ લખી લો.” યંત્રવત મેં એડ્રેસ લખી લીધું અને બે મિનિટ માટે કઈં જ સમજ ન પડી કે શું કરું! મને મમ્મી યાદ આવી અને એક મિનિટ તો હું જોરથી રડી પડી. પછી સ્વસ્થ થઈ અને હું સફાળી ઊભી થઈ. પાર્વતીમાસીને મેં જગાડ્યાં. મેં એમને જગાડીને બહાર આવવાનું કહ્યું. સીતા હજી ઊંઘતી હતી. મેં એમને બધી વાત કરી અને કહ્યું, “હું એરપોર્ટ પર જવા નીકળું છું. તમે ઘરનું ધ્યાન રાખજો. ઋચાને જણાવી દેજો. દિલીપનો ફોન આવે તો કઈં ન કહેતાં.”

પાર્વતીમાસીએ મને સધિયારો આપ્યો અને કહ્યું “બે’ન, મૂંઝાતાં નઈં. બધુંય સારું થાશે! હું સ્ટેશન પાસે રે’તા ટેક્સીવાળાને બોલાવી લાઉં છું. ત્યાં લગણ તમતમારે તૈયાર થઈ જાઓ.”

એક બધિરતામાં જ હું ચાર કપડાં બેગમાં ભરી, તૈયાર થઈ. પાર્વતીમાસીએ ઘરની નજીક જ રહેતાં ટેક્સી ડ્રાઈવરને ત્યાં જઈને એને ઘરે લઈ આવ્યાં. હું ટેક્સીમાં બેઠી અને એરપોર્ટ જવા નીકળી ગઈ. રસ્તામાં બસ, સતત, એટલું જ વિચારતી રહી, “પાર્વતીમાસીએ કહ્યું તો ખરું પણ, સાચે જ, શું બધું સારું થશે?”

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

5 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૦-સાચે જ શું બધું જ સારું થશે?

 1. From: Sandhya
  Date: July 5, 2018 at 7:57:45 AM PDT
  It is becoming very interesting. Story is taking sudden turns, but it feels like I am right there, seeing and feeling everything that is happening, amazing writing!!!
  So real and heartfelt emotions and words, I can’t wait to read to next chapter….
  Every Thursday, with my morning cup of tea, first thing I do is read your beautiful writing….
  Keep writing Jayshreeben….

  Liked by 1 person

 2. વાર્તામા અદ્ભુત વળાંકોથી રસ જળવાય છે.
  ગયા હપ્તામા લાગતુ હતુ કે મમ્મીના સમાચારમા ‘કફન આવીને ઊઘાડી જુએ એકવાર,ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.’ અહીં હિજરાપા અંગે વિચાર આવે- જીવનમાં સંબંધોનું મૂલ્ય ઘણું મોટું છે એ વાતે કોઈ વિવાદ નથી માતૃપ્રેમનું મૂલ્ય આંકી ન શકાય પરંતુ સમજવું જોઈએ કે આ સહિતના કોઈ પણ સંબંધના મહત્ત્વની એક ટોચમર્યાદા હોય છે. જીવનમાં ક્યારેય કોઈ એક યા એક કરતાં વધુ સંબંધ પૂરો થઈ જવાથી પૂર્ણવિરામ આવી જતું નથી. માણસ ડરે છે આવા સરવાળા-બાદબાકીઓથી, ખાસ કરીને બાદબાકીઓથી.
  સીતાની વાત,’ધણીની હારેના એક ભવમાં, જેઠ ને સસરા હારે, બીજા બે બે ભવ…!” વાતે કસક
  પણ -‘ અદાએ મને ફોન કરીને સીતાના ડીવોર્સની કોર્ટના જજમેન્ટની કોપી..’અદાની અદા પર ફીદા
  .’એની વન વ્હેન યુ આર ઈન લવ..!’આ અઢી અક્ષરને સસ્તા બનાવવાની વાત ચીલાચાલુ
  ત્યાં ‘મિ. સીંઘાનીયાની કારનો અકસ્માત થયો છે’
  વાત કેવો વળાંક લે તેની રાહ

  Liked by 1 person

 3. સાચ્ચે જ રસસ્પદ. વચ્ચે કેટલાંક પ્રકરણો ચુકાયાં તેનોય પસ્તાવો થાય !! (આ પ્રકરણમાં જ વચ્ચે એકદમ બે વરસ કુદાવાઈ ગયાં તે સહેજ ખુંચ્યું. આવા સમયગાળાને વ્યક્ત કરવા કાં તો બે પેરા વચ્ચે ફુદડીઓ અથવા નવું પ્રકરણ, પેટાપ્રકરણ જેવું ન કરી શકાય ? )
  સાનંદ !

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s