એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૨-ગોરી પ્રજાનો પહેલો પરિચય


ગોરી પ્રજાનો પહેલો પરિચય

ગ્રીન કાર્ડ મળતાં જ મેં કંપનીઓમાં નોકરી શોધવાની શરૂ કરી.  જે કાંઈ થોડા ઈન્ટરવ્યૂ આપ્યા અને જે એકાદ બે નાની અને લોકલ કંપનીઓમાં નોકરીની ઓફર આવી તેમાં મારે જે કામ કરવાનું હતું તે જમા ઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાનું હતું.  વધુમાં મારી મહેચ્છા હતી કે મને આઈ.બી.એમ કે ઝીરોક્સ જેવી મોટી ગ્લોબલ કંપનીઓમાં એક્ઝીક્યુટીવ જોબ મળે જેમાં હું બીઝનેસ ડિસીશન લઉં!  એપ્લીકેશન કરી હોય એના જવાબ જરૂર આવે, પણ એ બધામાં ના જ હોય, તો પછી ઇન્ટરવ્યૂ આપવાની વાત જ ક્યાં હોય?  એવી કોઈ નોકરી મળે એવી શક્યતા ન હતી. આખરે તો હું એટલાન્ટા યુનિવર્સીટીની છાપ લઈને નીકળ્યો હતો અને બ્લેક ન હતો.  મારે જો કોઈ મોટી કંપનીમાં અગત્યની નોકરી મેળવવી હોય તો હાર્વર્ડ, પેન કે યેલ જેવી યુનિવર્સીટીમાંથી ડિગ્રી લેવી જોઈએ. પણ એને માટે તો વળી પાછુ ભણવું પડે.  એવી યુનિવર્સીટીમાં એડમિશન પણ ક્યાંથી મળવાનું હતું?  અને ધારો કે એડમીશન મળ્યું તો એવી મોંઘી યુનિવર્સીટીમાં ભણવાના પૈસા ક્યાંથી કાઢવા?

વધુમાં હું જેમ જેમ ભણાવતો ગયો તેમ તેમ મને એ ગમવા લાગ્યું.  થયું કે કોઈક કંપનીના કે બેન્કના એકાઉટીંગ ડીપાર્ટમેન્ટમાં નોકરી મળે તો વળી પાછું એકાઉન્ટીગનું બોરિંગ કામ કરવું પડે. અઠવાડિયાના પાંચે પાંચ દિવસે ઑફિસમાં નિયત સમયે જવું પડે. નવથી પાંચ ત્યાં બેસવું પડે, બોસ તમને હુકમ કરે કે આ કરો ને તે કરો.  કૉલેજમાં તો તમે તમારા નિયત ક્લાસમાં સમયે જાવ, ભણાવીને બહાર નીકળી જાવ, અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ ક્લાસ હોય, અને તે પણ ત્રણ જ કલાક. બાકીનો સમય તમારો જ. વધુમાં જુન, જુલાઈ અને ઑગસ્ટ તમારા.  તમારે સમર સ્કૂલમાં ભણાવવું હોય તો ભણાવો, નહીં તો છુટ્ટા. કંપનીઓમાં તો બે અઠવાડિયાનું વેકેશન મળે તો મળે અને તે પણ તમારો બોસ નક્કી કરે ત્યારે.

કૉલેજની પ્રોફેસરની નોકરીનો સૌથી મોટો ફાયદો તે જિંદગીભરની નોકરીનો, ટેન્યરનો.  દરેક યુનિવર્સિટીમાં ત્રણ ત્રણ વરસના કોન્ટ્રેક્ટ મળે.  પછી તો તમારું શિક્ષણ કામ સારું હોય, અને તમે જો તમારા ક્ષેત્રમાં સંશોધન કરીને કૈંક પબ્લીશ કર્યું હોય તો ટેન્યર મળે, એટલે કે જિંદગી ભરની નોકરી નક્કી થઈ જાય.  કોઈ તમને કાઢી ન શકે.  કંપનીઓમાં તો બે અઠવાડિયાંની નોટીસ અપાય અને તમને રજા મળે.  મંદી આવે અને કંપનીએ બનાવેલો માલ ન ઊપડે તો હજારોની સંખ્યામાં લોકોને રજા મળે. ટેન્યર મળ્યા પછી તમે કૉલેજના જમાઈ!  જિંદગી આખીનું પાકું.  વધુમાં કોલેજની  રીટાયરમેન્ટ સીસ્ટમ, હેલ્થ બેનીફીટ સીસ્ટમ, તમારા સંતાનો માટે ફ્રી ટયુશન–આવા આવા ઘણા બેનીફીટ મળે. પ્રાઈવેટ સેક્ટરમાં પ્રમાણમાં આવું બધું ઓછું મળે.

પણ આ બધું મળે એ માટે પહેલાં ટેન્યર મળવું જોઈએ.  એ મેળવવા માટે સૌથી મોટી જરૂરિયાત પીએચ.ડી.ની ડિગ્રીની. એ ડિગ્રી મેળવવા માટે કોઈ મોટી યુનિવર્સિટીમાં વળી પાછા ભણવા જવું પડે. એમાં ઓછામાં ઓછાં બીજાં ચાર વરસ નીકળી જાય.  સંશોધન કરવાનું, પીએચ.ડી.નો થીસીસ લખવાનો, અત્યારની નોકરી છોડવી પડે. પણ નોકરી કેમ છોડાય?  મારી પાસે બીજી કોઈ આવક તો હતી નહીં કે કોઈ સેવિંગ ન હતું.  જે પગાર આવે તેમાંથી જ ચલાવતો હતો.  હવે તો કારના હપ્તા, એપાર્ટમેન્ટનું ભાડું, ઘર ચલાવવાનો ખર્ચ વગેરે શરૂ થઇ ગયા હતા.  એકવાર તમારા હપ્તા શરુ થઇ ગયા તો સમજવું કે તમારું અમેરીક્નાઈઝેશન પૂરું થયું.  આ બધા ખર્ચ ઉપરાંત મેં દેશમાં બા કાકાને પૈસા મોકલવાના શરૂ કર્યા હતાં.

નિયમિત આવક માટે નોકરી કરવી જ પડે એમ હોય, અને પ્રોફેસરગીરી કરવા માટે પીએચ.ડી.ની જરૂર હોય, તો એક જ રસ્તો હતો. અને તે પાર્ટ ટાઈમ પીએચ.ડી. શરૂ કરવાનો. સદ્ભાગ્યે ગ્રીન્સબરોની બાજુમાં પચાસેક માઈલ દૂર ચેપલ હિલ નામના નાના શહેરમાં નોર્થ કેરોલિના રાજ્યની મોટી યુનિવર્સિટી હતી.  ત્યાં હું પીએચ.ડી.ના ક્લાસ ભરવા જઈ શકું અને ઓછામાં ઓછું ડિગ્રીનું કામ શરૂ કરી શકું.  હા, પાર્ટ ટાઈમ કરવાથી છએક વરસ નીકળી જાય, પણ મારે બીજો કોઈ છૂટકો નહોતો. એવી પણ આશા હતી કે એ યુનિવર્સિટીમાં મને ટીચિંગ ફેલોશીપ અથવા સ્કોલરશીપ મળી જાય તો એ.એન્ડ ટી.ની નોકરી છોડી દઈશ અને પીએચ.ડી.નું કામ ફૂલ ટાઈમ શરૂ કરી દઈશ.  આવા કંઈક ખ્યાલે મેં પીએચ.ડી.માં જંપલાવ્યું.

આ વાતની જ્યારે કાકાને દેશમાં ખબર પડી હશે ત્યારે તેમને જરૂર થયું હશે કે આ છોકરાએ વળી પાછું ભણવાનું લફરું શરુ કર્યું.  ક્યારે એ પૈસા કમાશે અને અમારા બધાનો મુંબઈની હાડમારીમાંથી છુટકારો કરશે?  ક્યારે એક જગ્યાએ ઠરીઠામ થઈને રહેશે?  ક્યારે પોતાના કુટુંબનો ઉદ્ધાર કરશે?  હવે મારી અને નલિનીની ઉમ્મર ત્રીસની થવા હતી. આગળ જણાવ્યા મુજબ અમે અમારો પહેલો દીકરો મુંબઈમાં જન્મતાં સાથે જ ગુમાવ્યો હતો. એટલે અમને બન્નેને ચિંતા હતી કે હવે જે બાળક થશે તેનું પણ એવું નહીં થાય ને?  અમે ડોક્ટર પાસે ગયા. બધી ટેસ્ટ કરાવી. અને ડોકટરે કહ્યું કે તમારું બન્નેનું સ્વાસ્થ્ય સારું છે અને કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી.

એ.એન્ડ ટી યુનિવર્સિટીમાં મને જોબ માટે કોઈ ચિંતા ન હતી. ઊલટાનું હું તો બહુ વિદ્યાર્થીપ્રિય પ્રોફેસર હતો.  આમ મારી આવક મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થયું કે હવે લાંબો સમય ગ્રીન્સબરોમાં જ રહેવાનું છે.  મેં જોયું તો બીજા એક બે દેશી પ્રોફેસરો પોતાનું ઘર લઈને વરસોથી અહીં સ્થાયી થઈ ગયા હતા. હું પણ એમ જ વિચાર કરતો હતો. થયું કે હવે અમારે કુટુંબકબીલાની શરૂઆત કરવી જોઈએ.  માત્ર ચિંતા એ હતી કે અહીં અમેરિકામાં જો સંતાન જન્મે તો અમે એકલા જ છીએ, અહીં કોઈ સગાં વહાલાંની મદદ નથી મળવાની. બાળઉછેરના જે કોઈ પ્રશ્ન ઊભા થાય તે અમારે જ ઉકેલવા પડશે.

એટલાન્ટામાં અને ગ્રીન્સબરોમાં મારો રોજ બ રોજનો સંપર્ક બ્લેક લોકો સાથેનો હતો,  એ રોજ બ રોજના વ્યવહારે મને અમેરિકન સમાજનું એક જ પાસું, અને તે પણ સંકુચિત પાસું જોવા મળ્યું. એના પર મદાર રાખીને બેસું તો મને બૃહદ અમેરિકાનું સાચું દર્શન ન મળે. અમેરિકાને મારે જોવું જાણવું હોય તો બ્લેક લોકોના નાના ખાબોચિયા જેવા સમાજમાંથી છટકીને ગોરી પ્રજાના મહાસાગરમાં તરવું જોઈએ.  ગ્રીન્સબરોમાં જે રીતે હું બ્લેક પ્રજા વચ્ચે રહીને જીવું છું, રોટલો રળું છું, તેવી જ રીતે મારે ગોરી પ્રજા વચ્ચે રહેવું જોઈએ, ત્યાં નોકરી કરવી જોઈએ, તો જ એ દુનિયા હું બરાબર સમજી શકીશ.  એટલા માટે જુન, જુલાઈ અને ઓગસ્ટના મહિનાઓમાં સમર સ્કૂલ ભણાવવાને બદલે મેં પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી કરવાનું વિચાર્યું.

સદભાગ્યે મને એક સમરમાં જોન્સ ઍન્ડ લાકલીન નામની મોટી સ્ટીલ કંપનીમાં અને બીજા સમરમાં આઈ.બી.એમ.માં એમ ત્રણ ત્રણ મહિનાની નોકરી મળી. એ સમયે અમેરિકામાં આઈ.બી.એમ.ની બોલબાલા હતી.  લોકો ત્યાં નોકરી મેળવવા પડાપડી કરે.  તેના પગાર અને બેનીફીટ તો સારા જ, પણ એક વાર ત્યાં નોકરી મળી તો જિંદગી ભરની નિરાંત.  એ જમાનામાં આઈ.બી.એમ.માંથી લે ઓફ નહોતા મળતા. ત્યાં મને પહેલી જ વાર વ્હાઈટ લોકોની વચ્ચે અને તે પણ દેશની ઉત્તમ ગણાતી કંપનીમાં કામ કરવાની તક મળી. ત્યાં હું જોઈ શક્યો કે આવી ઉચ્ચ કક્ષાની કંપનીનું મેનેજમેન્ટ કેમ થાય છે.

આઈ.બી.એમ. જો અમેરિકાની એક શ્રેષ્ઠ કંપની હતી અને જેના શેરના ભાવ હંમેશ  ચડતા રહેતા, તો જોન્સ એન્ડ લાકલીન સ્ટીલ કંપની ક્યારે ફડચામાં પડશે તેની લોકોને ચિંતા હતી. અમેરિકાની સ્ટીલ ઇન્ડસ્ટ્રી જાપનિજ ઈમ્પોર્ટને કારણે મોટી તકલીફમાં હતી.  આઈ.બી.એમ.માં કામ કરવા ત્રણ મહિના હું ફ્લોરીડા રહ્યો તો જોન્સ એન્ડ લાકલીન માટે પીટ્સબર્ગ રહ્યો.  પીટ્સબર્ગ એ અમેરિકાની સ્ટીલ નગરી હતી.  દેશની મોટી મોટી સ્ટીલ કંપનીઓ–યુ એસ સ્ટીલ, બેથલેહેમ સ્ટીલ, ઇનલેન્ડ સ્ટીલ, વગેરેના હેડ ક્વાટર્સ અને પ્લાન્ટ્સ અહીં હતાં. જો આઈ.બી.એમ.નો ઉદ્યોગ અને મેનેજમેન્ટ પ્રમાણમાં નવાં હતાં, તો જોન્સ એન્ડ લાકલીન કંપની અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી જુના હતાં. આઈ.બી.એમ.  લેબર યુનિયન ન હતાં. જોન્સ એન્ડ લાકલીનમાં સ્ટીલ વર્કર્સનું પાવરફુલ યુનિયન હતું.

આમ આ બે સમરમાં મને અમેરિકન ઈકોનોમીના શ્રેષ્ઠ, વિકાસશીલ, નવા ઉદ્યોગના પ્રતિનિધિ સમાન આઈ.બી.એમ. જેવી કંપનીમાં તેમ જ ભાંગી પડેલ સ્ટીલ ઉદ્યોગની તકલીફવાળી કંપની જોન્સ એન્ડ લાકલીનમાં કામ કરવાની તક મળી.  આ બન્ને કંપનીઓમાં મારો રોજ બરોજનો વ્યવહાર વ્હાઈટ લોકો સાથે હતો.  એટલાન્ટા અને ગ્રીન્સબરોમાં બ્લેક લોકો સાથે રહીને વ્હાઈટ લોકો પ્રત્યેનો મારો જે અભિગમ બંધાયેલો, જે પૂર્વગ્રહો ઊભા થયેલા, તે કરતા મારો પ્રત્યક્ષ અનુભવ સાવ જુદો જ નીકળ્યો.  વ્હાઈટ લોકો મને સંસ્કારી, વિવેકી, સરળ અને પરગજુ લાગ્યા. હું ઇન્ડિયાથી આવું છું, એટલે મને ખાસ મળવા આવે, ઘરે બોલાવે,પાર્ટીઓમાં નિમંત્રણ આપે, મારા ખબરઅંતર પૂછે, કશું જોતું કારવતું હોય તો મદદ કરે. આઈ.બી.એમ.માં તો પહેલે દિવસે મને મેનેજર પોતે આવીને ઓફિસમાં બધે લઈ ગયા, બધાની સાથે મારી ઓળખાણ કરાવી અને પછી લંચમાં લઈ ગયા.  આ બન્ને જગ્યાએ જ્યારે મારા ત્રણ મહિના પૂરા થયા ત્યારે છેલ્લા દિવસે મારા માનમાં પાર્ટી રાખી હતી.  મને થયું કે આઈ.બી.એમ. જેવી કંપનીમાં પરમેનન્ટ નોકરી મળે તો કેવું સારું!

આ કંપનીઓમાં કામ કરતાં મને અમેરિકાની બીજી બાજુની ખબર પડી, વ્હાઈટ અમેરિકાનો મને સ્વાદ લાગ્યો, કહો કે ચસકો લાગ્યો.  થયું કે આ બ્લેક કૉલેજમાંથી મારે છૂટવું જ જોઈએ. એ પણ નક્કી કર્યું કે એને માટે એક જ ઉપાય છે તે પીએચ.ડી મેળવવાનો.  હું જઈને તરત જ નોર્થ કેરોલિના યુનિવર્સીટીના પીએચ.ડી. પ્રોગ્રામના બે કોર્સમાં દાખલ થયો.  અઠવાડિયામાં બે દિવસ જવાનું હતું.  એ બે દિવસ ત્યાં હું વિદ્યાર્થી અને બાકીના ત્રણ દિવસ એ.એન્ડ ટી.માં હું પ્રોફેસર એમ ડબલ રોલમાં મારું શૈક્ષણિક જીવન સમાંતરે ચાલતું હતું.

ચેપલ હિલની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં મને શૈક્ષણિક વ્હાઈટ અમેરિકાનો પહેલો પરિચય થયો.  ત્યાં પીએચ.ડી.ના બે કોર્સ લેતા જ મને ભાન થયું કે મોટી અમેરિકન યુનિવર્સીટી કેવી હોય. ત્યાં ભણવું હોય તો કેવી તૈયારી કરવી પડે, તમારી સજ્જતા કેટલી હોવી જોઈએ.  આની સરખામણીમાં એટલાન્ટા યુનિવર્સિટીની કોઈ ગણતરી કરવી યોગ્ય નહીં.  અહીંના પ્રોફેસરો, સાધન સગવડો, વિદ્યાર્થીઓ વગેરે અનેક કક્ષાએ ચડિયાતા. આ તો નોર્થ કેરોલિના રાજ્યની ઉત્તમ યુનિવર્સિટીઓમાંની એક ગણાતી.  મોસાળે જમણ અને પીરસવામાં મા હોય એમ રાજ્ય સરકાર પાસેથી આ યુનિવર્સિટીને મોંમાગી બધી સહાય અને ફન્ડિંગ મળે. ફેડરલ ગવર્નમેન્ટ પાસેથી પણ ઘણી ગ્રાન્ટ મળે.  એમ પણ થયું, કે નોર્થ કેરોલિના યુનિવર્સિટી આવી છે તો હાર્વર્ડ, યેલ કે પેન કેવી યુનિવર્સિટીઓ હશે?

નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં મારું પીએચ.ડી.નું કામ તો પાર્ટ ટાઈમ ચાલતું હતું.  પણ એ ધીમી ગતિએ ચાલતી મારી જગન્નાથની રથયાત્રા પૂરી કરતા મને સાત આઠ વરસ થઈ  જાય. છતાં મારી આર્થિક પરિસ્થિતિ એવી હતી કે મારાથી એ.એન્ડ ટી.ની નિયમિત આવક જતી ન કરી શકાય.  મેં અમેરિકાની બીજી મોટી યુનિવર્સિટીઓમાં તપાસ કરવાની શરૂ કરી દીધી કે જ્યાં મને એમના પીએચ.ડીના પ્રોગ્રામમાં ફૂલ ટાઈમ એડમિશન મળે અને સાથે સાથે ટીચિંગ ફેલોશીપ પણ મળે.  આવી ફેલોશીપમાં બહુ ઝાઝું ન મળે, પણ તમારો ઘરખરચ જરૂર નીકળે. વધુમાં પરણેલા વિદ્યાર્થીઓને સહકુટુંબ રહેવાના એપાર્ટમેન્ટ સસ્તા ભાડે મળે.  મારે એવા એપાર્ટમેન્ટની હવે ખાસ જરૂર હતી કારણ કે અમે અમારા પ્રથમ સંતાનની રાહ જોતા હતા.

વળી પાછા આપણે તો એપ્લીકેશનના ધંધે લાગી ગયા.  અમેરિકાના થોડા વસવાટ પછી હવે મને ખબર હતી કે ક્યાં એપ્લાય કરવું અને ક્યાં ન કરવું.  દેશમાંથી કશું જોયા જાણ્યા વગર જારેચાને કારણે એટલાન્ટા યુનિવર્સિટીમાં આવી પડ્યો એવું તો હવે નહોતું થવાનું.  છતાં હાર્વર્ડ, યેલ કે પેન જેવી સર્વોચ્ચ યુનિવર્સિટીઓમાં એપ્લાય કરવાનું મેં ટાળ્યું કારણ કે મને ખબર હતી કે એવી જગ્યાએ આપણો નંબર લાગે જ નહીં.  એવી ટોપ યુનિવર્સિટીઓ નીચેની મધ્યમ કક્ષાની યુનિવર્સિટીઓમાં અપ્લાય કર્યું.  ખ્યાલમાં રાખ્યું કે યુનિવર્સિટી જાણીતી હોવી જોઈએ અને મારા ક્ષેત્ર એકાઉન્ટીન્ગમાં તો ખાસ એની રાષ્ટ્રીય સ્તરે ગણતરી થવી જોઈએ.  અને વધુ અગત્યની વાત કે એ કે મને ત્યાં સસ્તા

ભાવે એપાર્ટમેન્ટ અને ફેલોશીપની માસિક આવક મળવી જોઈએ.  દક્ષિણના લુઈઝીઆના રાજ્યની યુનિવર્સીટીએ કહ્યું કે આવી જાવ. તમારી બધી વ્યવસ્થા અમે કરીશું.  આપણે તો ખુશખુશાલ! તરત હા લખી.  એ.એન્ડ ટી.માં ડીનને કહી દીધું કે આવતા સપ્ટેમ્બરમાં હું પીએચ.ડી.નો અભ્યાસ ફૂલટાઇમ શરુ કરવાનો છું. કોલેજનું વર્ષ પૂરું થતાં વળી પાછા ડેરા તંબૂ ઊપાડીને આપણે ચાલ્યા બેટન રુજ!

4 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૨-ગોરી પ્રજાનો પહેલો પરિચય

  1. we are happy to learn your positive experience with white people in USA and your burning Passion to “Think & Grow Rich” reminds of book of Napolian Hill. Great news:
    દક્ષિણના લુઈઝીઆના રાજ્યની યુનિવર્સીટીએ કહ્યું કે આવી જાવ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s