અમૃતલાલ વેગડની વિદાય (જ્યોતિ ભટ્ટ)


અમૃતલાલ વેગડની વિદાય

છ્ઠ્ઠી જુલાઈએ બપોરે એક અખબારી ખબરપત્રીએ ખબર આપ્યા કે અમૃતલાલ વેગડનું  નિધન થયું છે. મને તેમનો પરિચય દોઢેક દાયકા પહેલા થયેલો. શાંતિનિકેતનમાં આચાર્ય નંદલાલ વસુ (બોઝ) પાસે આઝાદી પછી પાંચ વર્ષ ચિત્રકળાની તાલીમ લીધેલી. પછી નિવૃત્ત થયા ત્યાં સુધી જબલપુરની કળાશાળામાં શિક્ષણકાર્ય કરેલું. જો કે ગુજરાતમાં તેમની ઓળખ ચિત્રકાર તરીકે છે તેથી ઘણી વધારે એક પ્રકૃતિ પ્રેમી, સંવેદનશીલ લેખક તરીકેની બની રહી છે. તેમના બે પુસ્તક:’સૌન્દર્યની નદી નર્મદા’ તથા ‘પરિક્રમા નર્મદામૈયાની’ વાંચવાનો લ્હાવો મળ્યો ત્યારે ધન્ય થયાની લાગણી તથા આનંદ અનુભવ્યા હતાં. તેમના ઉપરોકત  પુસ્તકો પહેલા સામાયિક કે અખબારોમાં ગુજરાતી તથા હિન્દીમાં પ્રકાશિત થયેલ. ભારતની અન્ય ભાષાઓમાં પણ તેના અનુવાદો પ્રકાશિત થયાછે.

એમના અંગે થોડી વિગત જાણવાની આશાથી ઈન્ટરનેટ પર વિકિપીડીઆ જોતાં માહિતી મળી :જન્મ-૧૯૨૮, સ્વર્ગવાસ -૨૦૧૮ . ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય? સાહિત્ય અને કળા ક્ષેત્રે અમૃતભાઈનાં પ્રદાનને કે વિકીપીડીઆની સજાગતાને?

મને શાંતિનિકેતન જવાની તથા સારો એવો સમય ત્યાં રહેવાની તકો મળતી રહી હતી. પરંતુ આંખે જોયેલ તથા જાતે અનુભવેલ તેનાં અનોખાં વાતાવરણની સમજ તો મને અમૃતભાઈએ ગુજરાતીમાં આલેખેલ શાંતિનિકેતન અંગેના પુસ્તકમાંથી જ મળી. ગુજરાતીઓમાં વાંચન પ્રસાર પ્રવૃત્તિ માટે શ્રી મહેન્દ્ર મેઘાણી લાંબા વર્ણનો ધરાવતા લખાણોને સંક્ષેપ્ત રૂપે પ્રકાશિત કરતા હતા. ‘અર્ધી સદીની  વાંચનયાત્રા’માં (કે તેવાં કોઈ પ્રકાશનમાં) અમૃતભાઈએ લખેલ શાંતિનિકેતન સંબંધિત લેખ સમાવાયેલો તો ખરો, પરંતુ તે લેખ મૂળ હતો તેથી પણ જરા લાંબા સ્વરૂપે. તેમાં મહેન્દ્રભાઈએ ઉમેરણ કરવું પડ્યું: આ લખાણમાં  એક પણ શબ્દ એવો નથી શોધી શક્યો કે જે કાઢતા લખાણ ખંડિત થયેલું ન અનુભવાય. (મૂળ શબ્દો જરા જુદા હશે). મને આશ્ચર્ય તો એ જાણીને થયું કે અમૃતભાઈના  પિતા તો ૧૯૦૬માં કચ્છથી મધ્યપ્રદેશનાં જબલપુર જઈ વસેલા. ૧૯૨માં જન્મેલા અમૃતભાઈએ ગુજરાતીનું શિક્ષણ ક્યાં અને ક્યારે મેળવ્યું હશે, મોસાળમાં? ઘરમાં તો લિપિ ન ધરાવતી કચ્છી બોલી જ વપરાતી હશે. છતાં ગુજરાતી ભાષા પર પ્રભુત્વ કઈ રીતે હાંસલ કરી લીધું?

અત્યંત નમ્ર અને માયાળુ સ્વભાવ છતાં સાથોસાથ સ્પષ્ટ વક્તા પણ ખરા. નર્મદાની પરિક્રમા તેમણે પારંપારિક ઢબે સળંગ નહીં પણ તૂટક તૂટક કરેલી. શાળાની નોકરી અને શિક્ષક તરીકેની જવાબદારીઓ પ્રત્યેની જાગરૂકતાએ તેમને ‘હક રજા’ તથા ‘સીક લીવ’ જેવા પારંપારિક બની ચૂકેલા માર્ગ અપનાવવા દે તે શક્ય જ ન હતું. પરિક્રમા  પૂરી કરવા વરસોવરસ દિવાળીની છૂટ્ટીઓ દરમ્યાન જેટલું અંતર ચલાય તેટલું કાપતા રહેતા. તે પણ બહુ ઓછું કપાતું કેમકે વચ્ચે અવાર નવાર રેખાંકનો દોરવા કે દૃશ્યચિત્રો બનાવવા અટકી જવું  પડતું હતું. વળી, વચ્ચે વચ્ચે  અચાનક ભેટી જતા અન્ય ગ્રામવાસી પરકમ્માયાત્રીઓ તથા સાધુ બાવાઓ જોડે ‘જ્ઞાનગોષ્ટિ’માં પરોવાઈ રહેતા હતા.  આ અસ્ખલિતતાં અંગેની અવઢવ જેવો  વસવસો તેમણે એક સહયાત્રી સાધુ પાસે વ્યક્ત કર્યો ત્યારે સાધુએ કહ્યું: લડ્ડુ પૂરા ખાઓ, ટૂકડા કરકે ખાઓ યા ચૂરા કરકે ખાઓ ફરક ક્યા પડતા હૈ? આવી, લોક્સ્તરે, લોકવાણીમાં પ્રગટ થતી રહેલી ગોષ્ટિઓના અનેક પ્રસંગો અમૃતભાઈએ એમના પુસ્તકોમાં આલેખ્યા છે, કંડાર્યા પણ છે. (એમાંનો એક પ્રસંગ મેં એક મેનેજમેન્ટ ગુરુને કહેલો. તેને તે એટલો બધો ગમી ગયો કે તે દૃષ્ટાંત હવે તેમના લેક્ચર્સનો કાયમી હિસ્સો બની રહ્યો છે. જ્યારે પણ મને તે મળે છે ત્યારે એ પ્રસંગ યાદ કરી ‘થેન્ક્સ’ વ્યક્ત કરે છે.)

સાહિત્ય ક્ષેત્રે કરેલા તેમના અનોખાં પ્રદાનોને તો સારો પ્રતિભાવ મળ્યો, રાષ્ટ્રીય સાહિત્ય અકદેમી દ્વારા તેમને ૨૦૦૪મા પુરસ્કારિત કરાયા હતા. તે ઉપરાંત પણ એમને ઘણા પુરસ્કારો અપાયા છે.પરંતુ મહાનગરોમાં જઈને ચિત્રો પ્રદર્શિત કરવાનું કે પુસ્તકાકારે તેને પ્રકાશિત કરવાનું કામ વધુ અટપટું અને ખૂબ ખર્ચાળ હોઈ તે ક્ષેત્રે તેમણે કરેલાં ‘કોલાજ’ પ્રકારના ચિત્રો તેમજ શાંતિનિકેતન માં પ્રચલિત હતી તેવી નંદલાલ વસુની શૈલીની છાપ ધરાવતાં જોશીલા તથા લયબદ્ધ રેખાંકનો  અંગે ઓછા લોકો માહિતગાર થઇ શક્યા છે.

જ્યોતિ ભટ્ટ

5 thoughts on “અમૃતલાલ વેગડની વિદાય (જ્યોતિ ભટ્ટ)

 1. અમૃતલાલ વેગડ વીશે ગુજરાતી અને હીંન્દી વીકીપીડીયામાં ઓછી માહીતી છે અને સાહીત્યના રસીકો એ માહીતી જરુર પુરી કરશે.

  Like

 2. “મારા ગુરુ નંદલાલ બોઝે મને કહ્યું હતું કે જીવનમાં સફળ થતો નહીં, કારણ કે સફળ થનારાઓની કોઈ કમી નથી..તું જીવનને સાર્થક બનાવજે. ગુરુદેવની આ શીખ મારા જીવનનો મંત્ર બની ગઈ. એ શબ્દોએ મને ૪,000 કિલોમીટર ચલાવ્યો. નર્મદાની પરિક્રમાનો અદભૂત અનુભવ આપ્યો. નીકળ્યો તો ચિત્રો કરવા માટે, પણ એ પ્રવાસમાં મને શબ્દો જડ્યા. રંગોના દેશનો માણસ શબ્દોના મુલકમાં આવ્યો.” આ શબ્દો વિખ્યાત લેખક, ચિત્રકાર અમૃતલાલ વેગડના છે.
  વાત વધુ હ્રુદયસ્પર્શી લાગી…ધન્ય જીવન
  તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હદયમાં, તમારા કર્મોની સુવાસ જીવંત છે અમારા શ્વાસમાં, સદેહે તમે નથી એ … પ્રભુ આપના આત્માને સદૈવ શાંતિ અર્પે એ જ અમારી પ્રાર્થના

  Liked by 1 person

 3. અમૃતભાઈ NA ATMA NE PARAM SHANTI PRABHU AAPE TE PRARTHANA.
  JYOTI BHAI,
  you have really introduced great man of our time- with his varied achievement in the field of Arts and literature, and passion to lead simple and meaningful life- to leave all memories behind for inspiration..thx

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s