પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૧-વેઈટિંગરૂમ


વેઈટિંગરૂમ

     સુરત એરપોર્ટ પહોંચીને, હું સીધી સિવિલ હોસ્પિટલ જવા માટે ટેક્સીમાં બેઠી. ત્યાં પહોંચતાં સુધીમાં, મને અંદરથી ખૂબ જ ગભરાટ થતો હતો અને સારા-માઠાં અનેક વિચારોના વમળોમાં હું ઝોલાં ખાતી હતી. મનમાં કોણ જાણે કેમ, પણ એવું થતું હતું કે અદા અને ધાજી, બેઉ ભાનમાં નહીં હોય તો? દિલીપને શું કહીશ? મારે રવિ અને ઋચાને કહીને નીકળવાનું હતું. જો એ બેઉ અને ડ્રાઈવરકાકા ઊભા થઈ શકવાની હાલતમાં હોય તો મુંબઈ લઈ જવા જ ઠીક પડે પણ મારે મુંબઈથી નીકળતાં પહેલાં, રવિ-ઋચા સાથે વાત કરી લેવી જોઈતી હતી. આજે પહેલીવાર મને થયું કે સાચે જ મારો પણ કોઈ જીવનસાથી હોત તો આમ જીવનના કપરા સમયમાં એકલા ન પડી જવાત…! આમ જાતજાતના સંબંધિત અને અસંબંધિત ખ્યાલોમાં મારું મન ભટકતું હતું! જોધપુર નીકળવાની બપોરે, ધાજી અને અદા સાથે થયેલો એ સંવાદ પણ મને યાદ આવ્યો. ધાજી અને અદા જોધપુર જવા તે દિવસે સાંજના સાડા પાંચ વાગે નીકળવાના હતાં, એટલે હું ઓફિસથી જલદી આવી, એમના ઘરે, એમને મળવા ગઈ અને મેં બેઉને કહ્યું પણ ખરું, “તમે સાંજના કેમ નીકળો છો? કાલે સવારે જાઓ.”

ધાજી બોલ્યાં, “અરે, હું તો એમને કહીને થાકી ગઈ પણ નથી સમજતા! તારા અદાના મગજમાં એકવાર કઈં ઘૂસ્યું પછી કોઈનુંયે સાંભળે છે તારા અદા? આમેય, અમે તો નવરા છીએ. અમારે આંટા, ફેરા અને આશિર્વાદ વિના બીજું કરવાનું શું છે? આમ દોડીને સાંજના નીકળવું જ કેમ છે, પણ નહીં..! એમણે નક્કી કર્યું એટલે બસ!”

અદા જરાક ચિડાયા અને કહે, “આપણે આરામથી વચ્ચે ઊભા રહેતાં રહેતાં જઈશું. સાંજની ઠંડક હોય તો મોટરમાં ગરમી પણ નહીં લાગે!”

“અદા, મને લાગે છે કે ધાજી સાચું કહે છે, પણ, હું તો કહું છું કે મોટરમાં જાઓ જ નહીં. ટ્રેનમાં કે પ્લેનમાં જાઓ તો કેટલું સારું? અમસ્તાં જ આમ, આટલા બધાં કલાકોની મોટરની મુસાફરીમાં હાલાકી કેટલી બધી થશે? જાણીને કેમ હાલાકી સહન કરવી છે?” મારાથી બોલાયાં વિના રહેવાયું નહીં.

“મને મોટરમાં લાંબી મુસાફરી કરવાનું ગમે છે અને આ વખતે બીજું કઈં કામ પણ નથી. વચ્ચે ઊભા રહીને નવીનવી જગ્યાઓ જોતાં જઈશું. સાચું કહેજે, એની તો મજા જ અલગ છે કે નહીં?”

“અદા, એટલું કહીશ કે તમને આમ જવાની હોંશ છે તો ભલે, પણ, એક પ્રોમિસ કરો કે રસ્તામાં ક્યાંક પણ એવું લાગે કે થકાવટ બહુ લાગે છે તો ખરેખર, નજીકના જંકશન પર જઈને, જોધપુર જવા માટે, સીધી ટ્રેનની ટિકિટ લઈ લેજો. મારું આટલું તો માનશોને અદા…?”

અદાએ આછું હસીને કહ્યું, “તું અને તારી ધાજી એક થઈ જાઓ તો, તમારું કહ્યું માન્યા વિના મારો છૂટકો જ ક્યાં છે?”

મને બસ એટલું જ હતું કે હું જલદી સુરતની એ સિવિલ હોસ્પિટલ પહોંચી જાઉં અને એમને હેમખેમ ઘરે પાછી લઈ આવી શકું, પણ, પાછા મુંબઈ લઈ જવાની વ્યવસ્થા કરવાની પણ સહેલી નહોતી. એક બાજુ મને એમ પણ થતું હતું કે ઈશ્વર મને કઈ કઈ કપરી પરિસ્થિતિઓમાંથી પસાર કર્યા કરશે અને કેટલી પરીક્ષા મારે હજી આપવાની છે? હું જ્યારે પણ “સેલ્ફ-પીટી” મોડમાં પહોંચું કે મારી આંખો સામે ટટ્ટાર ઊભેલી મમ્મીની છબી ઊપસતી. નાની હતી ત્યારે અને મોટી થઈ ત્યારે પણ, કોઈ તકલીફમાં હું, મારી જાત માટે જ દયા અનુભવું તો મમ્મી હંમેશાં કહેતી, “સુલુ, લોકોની દયાથી પણ વધુ ખરાબ છે, પોતે જ પોતાના દયાપાત્ર બનવું! જરા પણ બેસીને રડવાનું નથી. ચાલ, ઊભી થા અને વિચાર કે વસમી સ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું. આઇ હેઈટ સેલ્ફ પીટી!” આ વિચાર આવતાં જ મને થયું, “મારે સાચે જ, શું કરવું છે એનો રોડમેપ બનાવો જ પડશે. અત્યારે તો એનો વિચાર કરવાની ક્ષમતા મારામાં નહોતી. પણ, મને એક ધરપત હતી કે, ઋચા અને રવિનો અનકન્ડીશનલ સપોર્ટ મારી સાથે હતો. હું, આમ, કશ્મકશમાં ખોવાયેલી હતી અને અંતે, મારી ટેક્સી સુરતની સિવિલ હોસ્પિટલ પર આવી પહોંચી.

*******

                           “મીસ સુલુ, ત્રણેય જણાં હજુ ક્રિટિકલ છે. મિસ્ટર એન્ડ મીસીસ સીંઘાનીયા આમ તો ભાનમાં છે પણ ઈન્ટરનલ બ્લીડિંગ ઘણું થયું છે. એમના ડ્રાઈવર, આમ જુઓ તો મિસ્ટર એન્ડ મીસીસ સીંઘાનીયાની સરખામણીમાં ઘણી સારી હાલતમાં છે પણ હાલ તુરંત કઈં પણ કહેવું શક્ય નથી.” ડોક્ટરે મને કહ્યું.

“ડોક્ટર, એમને બધાંને મુંબઈ ક્યારે શીફ્ટ કરી શકાય એમ છે?” મેં પૂછ્યું.

“હમણાં તો અમે કશું જ કહી શકીએ એમ નથી. ત્રણેય જણાં આઈસીયુ માં છે. તમે જઈને મળી શકો છો.”

અંદરથી હું ધ્રૂજતી હતી, પણ, મોઢા પર જાણે હું ખૂબ જ સ્ટ્રોંગ છું એવો ભાવ લઈને અંદર ગઈ. ત્રણેયને લોહી આપી રહ્યાં હતાં. ધાજી અને અદા શાંતિથી સૂતાં હોય એવું લાગતું હતું, પણ, ડ્રાઈવરકાકા એકદમ ભાનમાં હતાં. હું એમની પાસે ગઈ અને એમના માથે હાથ ફેરવીને પૂછ્યું, “કાકા, કેમ છો?” જવાબમાં કાકાની આંખમાંથી ગંગા-જમના વહેવા માંડ્યાં

“બેન, હાઈ-વે પર, સામેથી રોંગ સાઈડ પરથી ટ્રક આવી અને સીધી જ આપણી ગાડી સાથે અથડાઈ. આજે ત્રીસ વરસથી આપણા ઘરમાં છું. કોઈ દા’ડોય કોઈ એક્સીડન્ટ થયો નથી અને આજે, આમ…!” અને પાછા રડવા માંડ્યાં. “બેન, મારે લીધે મોટા શેઠ અને શેઠાણીને કાંઈ થ્યું’ તો, હું તો જીવી જ નહીં શકું..! બે’ન, નાના શેઠ મને મોટા શેઠ અને શેઠાણીની ભલામણ કરીને ગ્યા’તા! આ શું થઈ ગ્યું? હું શું જવાબ આપીશ?” અને, વળી પાછાં ધ્રૂસકાં ભરવા માંડ્યા.

મેં એમને ધીરજ બંધાવતાં કહ્યું, “કાકા, ચિંતા ન કરો. તમે ત્રણેય સારા થઈ જશો અને બે-ચાર દિવસમાં આપણે, મુંબઈ ઘર ભેગાં થઈશું. તમારા ઘરની આજુબાજુ ફોન હોય તો નંબર આપો. હું અહીંથી જ ફોન કરી લઉં. અને હા, તમારા ઘરનું એડ્રેસ પણ આપજો.” ડ્રાઈવરકાકાએ નંબર આપ્યો અને એડ્રેસ આપ્યું. પછી, હું અદા પાસે ગઈ. અદા પૂરી રીતે હજુ ભાનમાં નહોતાં મેં અદાના માથે હળવેથી હાથ મૂક્યો અને એથી પણ ધીમા અવાજે બોલી, “અદા, કેમ લાગે છે? ચિંતા ન કરશો, હું સુલુ, અહીં તમારી અને ધાજી પાસે જ છું.” અદાએ અડધી આંખો ખોલી, અને અર્ધ-બેભાનાવસ્થામાં જ બોલ્યા, “દિલીપ આવી ગયો? એની ધાજી…” અને પાછા તંદ્રામાં સરી ગયા. માંડમાંડ મારા આંસુ રોકીને ધાજી પાસે ગઈ. ધાજીની આંખો બંધ હતી. મેં એમનો હાથ મારા હાથમાં પકડ્યો અને ધાજીએ મારો હાથ દબાવીને હોઠ ફફડાવ્યાં, “સુ..લુ..દિક..રી..! દિ..લીપ..!” મેં એમનો હાથ સહેલાવતાં કહ્યું, “બસ, ત્યાંથી ટિકિટ લઈને આવવાની તૈયારીમાં જ છે. અદા પણ ઠીક છે. ડ્રાઈવરકાકા સારા છે. ચિંતા ન કરતાં. હું અહીં જ છું.” ધાજીના મોઢા પર સુખ વર્તાયું હોય, એવું મને લાગ્યું.

                           ધાજીને જરાક આરામ થયો હોય એમ લાગતાં, હું હાથ છોડાવીને ડોક્ટરની કેબિનમાં ગઈ. દિલીપ, ઋચા-રવિને, અને ડ્રાઈવરકાકાના ઘરે, અનુક્રમે અમેરિકા અને મુંબઈ ફોન કરવાની રજા માંગી. મને સમજાતું નહોતું કે આ એકદમ શું અને કેવી રીતે થઈ ગયું. દિલીપનો ફોન લાગ્યો અને મારામાં હતી એટલી બધી જ હિંમત અને ધીરજ ભેગી કરીને મેં એને સમાચાર કહ્યાં. દિલીપ સામે છેડે એકદમ જ જાણે શોકમાં જતો રહ્યો હોય એવું લાગ્યું. મેં એને જણાવ્યું કે જેટલી વહેલી તકે અહીં આવી શકે એ સારું થશે. એકાદ મિનિટની હેબત પછી, એ એટલું જ બોલ્યો, “સુલુ, બસ, ફોન મૂકીને સીધો જ પહેલી અવેલેબલ ફ્લાઈટ લઈને મુંબઈ પહોંચું છું. એરપોર્ટ પરથી ઘરે પાર્વતીમાસીને ફોન કરીશ અને પૂછી લઈશ કે તમે હજુ સુરત છો કે મુંબઈ આવી શક્યા. એ પ્રમાણે આવી જઈશ.” હું હજી આગળ કઈં પણ પૂછું કે ઈંદિરા કેમ છે અને એની શું અને ક્યાં વ્યવસ્થા કરીશ અને આગળ બીજું કઈં પણ કહું એ પહેલાં ફોન ડિસકનેક્ટ થઈ ગયો. બીજો ફોન મેં રવિને જોડ્યો. અહીં શું થયું એ જણાવ્યું. રવિની રીક્વેસ્ટથી ત્યાંના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટરે રવિ સાથે મેડિકલ ટર્મસમાં ત્રણેયની ગંભીર સ્થિતિનો ક્યાસ આપ્યા બાદ મને ફોન પરત કર્યો. રવિએ એટલું જ કહ્યું, “હું અને ઋચા ત્યાં આવવા હમણાં જ નીકળીએ છીએ. ફ્લાઈટ મળશે તો ફ્લાઈટમાં જ આવીએ છીએ. હું પાર્વતીમાસીને પણ જણાવી દઉં છું અને અમે આવીએ નહીં ત્યાં સુધી કોઈ નિર્ણય લેતી નહીં. ઓપરેશન કરવાની જરૂર પડે એવું અત્યારે લાગે છે પણ હજી ઈન્વેસ્ટીગેશનસ કરતાં સમય તો જશે જ. ત્યાં સુધી અમે આવી રહીએ છીએ. તારા જોબ પર પણ જણાવી દઈશું.” મેં રવિને કહ્યું, “રવિ, ડ્રાઈવરકાકીને પણ પ્લેનમાં લાવવાની વ્યવસ્થા કરી આપીશ? એમના ઘરે તો ફોન નથી પણ બાજુની દુકાનવાળાભાઈ ખૂબ સારા છે અને એ ભાઈ એમના ઘરેથી કાકીને બોલાવી પણ આપશે, એવું ડ્રાઈવરકાકા કહેતા હતા.”

“ઓફ કોર્સ! મારો ફોન નંબર આપી દેજે પણ એમનો ફોનનંબર અને એડ્રેસ પણ મને આપી મૂક. ઈન કેઈસ, જો એમનો ફોન ન લાગે તો હું એમને લઈ આવવાની સગવડ પણ કરી લઈશ.” મેં ડ્રાઈવરકાકાનો ફોન નંબર અને એડ્રેસ બેઉ રવિને આપી દીધાં.

પછી, ત્રીજો ફોન ડ્રાઈવરકાકાના પડોશની દુકાનમાં કર્યો અને એમની પત્નીને સમાચાર આપ્યાં. કાકી તો બિચારા ફોન પર રડી પડ્યાં અને કહે, “દિકરા, મારો દિકરો તો મસ્કતમાં નોકરી કરે છે. એમની તબિયત વધુ ખરાબ હોય તો દિકરાને બોલાવી લઉં?” મેં જવાબમાં એટલું જ જણાવ્યું કે હાલમાં તો તેઓ આવી જાય. કાકી બોલ્યાં, “હું મારી નાનકી અને સૌથી નાના દિકરાને લઈને ત્યાંની સિવિલ હોસ્પિટલ આવવા નીકળું છું.” મેં એમને રવિનો ફોનનંબર આપીને કહ્યું, “કાકી, ડો. રવિ તમારી આવવાની વ્યવસ્થા કરશે. એમને તરત જ ફોન કરો. તમારો ફોન નહીં જાય તોયે એ તમારો સંપર્ક સાધીને તમને અહીં લાવશે. ચિંતા ના કરો. કાકા સારા છે.” અને ફોન મૂકી દીધો.

                            મારી પાસે હવે બસ, આવનારા બધાંની અને ધાજી, અદા તથા ડ્રાઈવરકાકાના સાજાં થવાની રાહ જોયા સિવાય બીજું કોઈ કામ હતું નહીં. આઈસીયુમાં પાંચ-દસ મિનિટથી વધુ કોઈનેય બેસવા નહોતા દેતાં. હું બહારના વેઈટિંગરૂમમાં બેઠી. આજ સુધી ક્યારેય કોઈ પણ વેઈટિંગરૂમમાં એકલાં બેસીને શેનીયે કે કોઈનીયે રાહ જોઇ નહોતી. પહેલીવાર, આમ વેઈટિંગરૂમમાં બેસવું, એકલાં, અને એ પણ સંજોગો બદલાવાની રાહ જોતાં, એ ખૂબ કપરું જ નહીં પણ અસહ્ય લાગ્યું. હું સુરતમાં કોઈનેય ઓળખતી નહોતી. આમ એકલાં બેઠાંબેઠાં આંખો ક્યારે વહેવા માંડી, ખબર જ ન પડી. આ વેઈટિંગરૂમની ભેંકારતા, જ્યાં સુધી આવનારામાંથી કોઈ એક પણ આવે નહીં ત્યાં સુધી, મારે એકલી જ જીરવવાની હતી.

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

3 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૧-વેઈટિંગરૂમ

  1. From: manisha pandya
    Date: July 12, 2018 at 8:54:10 AM PDT
    To: Jayshree Merchant
    Subject: Fwd: [New post] પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૧-વેઈટિંગરૂમ
    એક શ્વાસે વાંચી ગયી। ..ક્યારે લખો છો આટલું સરસ? હવે આવતા હપ્તા સુધી રાહ જોવાની?

    Liked by 1 person

  2. અકસ્માત સિવિલ હોસ્પિટલ ક્રિટિકલ..
    જાણે અમે- અમારા કુટુંબની અનુભવેલી વાતો !
    યાદ આવે અમારી દીકરીને અકસ્માત થયો ત્યારે સાહીત્યકાર મિત્રોએ રક્તદાન માટે લાઇન લગાવેલી…તેણે કહેલું…
    चिपक रहा है बदन पर लहू से पैराहन
    हमारी जेब को अब हाजत-ऐ-रफू कया है?
    સારવાર- આરામના સમયમા કાવ્યોનું પુસ્તક તૈયાર કરેલું !
    ‘રોંગ સાઈડ’ યાદ સુરત તરફ કોઇને પણ સરનામું પૂછો તો ગમે તે કામ પડતું મૂકી પોતાની રીતે રસ્તો બતાવે…છેલ્લે રસ્તો બતાવતા મને લાગણીપૂર્વક કહેલું -‘બેન તમે આગળ આવી ગયા અને ઘણું આગળ ગયા બાદ પાછા ફરાશે તેના કરતા રોંગ સાઇડે જશો તો જલ્દી પહોંચાશે !
    વેઈટિંગરૂમની ભેંકારતા અનુભવેલી- અમારી પૌત્રીના અકસ્માતમા…માથું ઓટો લાઈટ સૉકેટમા અને ધડ ધુળમા તડ્ફડે…
    ….બીજા હપ્તામા શુભમ ની વાટ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s