દૄષ્ટિકોણ-૭ (પરભુભાઈ મિસ્ત્રી)-કૃતજ્ઞતા વિનાનો નર પશુ

કૃતજ્ઞતા વિનાનો નર પશુ

ફક્ત જન્મવાથી નથી થઈ જવાતું,

ઘણીવાર લાગે છે માણસ થવામાં.

                   — સુનીલ શાહ

ગાગરમાં સાગર અર્થાત, થોડામાં ઘણું કહી દેવું એ કવિઓને મળેલું વરદાન છે. વિચાર વિસ્તાર કરીએ તો એક પંક્તિ ઉપર પાનાનાં પાના ભરાય એટલો બધો અર્થ એમાં ભરેલો હોય છે. કવિ સુનીલ શાહે ઉપરોક્ત પંક્તિમાં એવી જ કલા અજમાવી છે. સીધી સાદી આ પંક્તિ અનેક સંદર્ભે તપાસતાં એનો વ્યાપ સમજાય છે.

પ્રાણી સૃષ્ટિમાં કોઈને એમ કહેવું પડતું નથી કે તું વાઘ થા, તું બળદ થા, તું કૂતરો થા, તું બગલો થા કે તું મોર થા. વાઘ જન્મ્યો ત્યારથી વાઘ જ છે અને મોર જન્મ્યો ત્યારથી તે મરે ત્યાં સુધી મોર જ છે. પ્રાણીઓ જે યોનિમાં જન્મે છે તેના લક્ષણો કે વિશિષ્ટતા સાથે જ તે જન્મે છે, એ લક્ષણો તેઓ ક્યારેય છોડતા નથી. એટલે એમને કંઈ કહેવું પડતું નથી. માત્ર માણસને જ કહેવું પડે છે કે તું માણસ થા!

આ સૃષ્ટિમાં અન્ય પ્રાણીઓની જેમ માણસ પણ એક પ્રાણી જ છે, પણ તે બીજા પ્રાણીઓથી જુદો પડે છે. માણસ સામાજિક પ્રાણી છે એમ કહેવાય છે. મેન ઈઝ એ સોશિયલ એનિમલ. એટલે પ્રાણી તો ખરો જ, પણ સામાજિક પ્રાણી. એને સમાજ જોઈએ છે. સમાજ વિના એનો વિકાસ થતો નથી. નાગરિકશાસ્ત્રમાં ભણેલા કે એકવાર રામુ નામના એક નાના બાળકને એક રીંછ ઉઠાવી ગયેલું. બહુ તપાસ કરવા છતાં એ બાળક મળ્યું નહિ. વન્ય પશુઓએ એને ફાડી ખાધું હશે એમ માની લેવાયું! પણ શિકાર માટે ઉપાડી લવાયેલા માનવબાળ પર જંગલના જાનવરોને પ્રેમ ઊભર્યો. તેમણે એની માવજત કરી. તેમની વચ્ચે એ માનવ બાળ મોટું થયું. પંદર વરસ પછી એક શિકારીને  અકસ્માત રામુ મળ્યો ત્યારે એની માત્ર આકૃતિ જ માણસ જેવી હતી, બાકી એ રીંછ વચ્ચે રહેવાથી રીંછ જેવો જ લાંબા વાળ અને રુંવાટીવાળો લાગતો હતો. એના નખ વધી ગયેલા હતા. એને બોલતા નહોતું આવડતું. એ ઘુરકિયાં કરતો હતો. અને વિચિત્ર અવાજો કરતો હતો. અન્ય પ્રાણીઓ તો ભાગી ગયા, પણ આ રામુ શિકારીઓના હાથે ચડી ગયો. એને માનવ વસ્તીમાં લઈ જવાયો. સમાજશાસ્ત્રીઓએ એની વર્તણૂકનો અભ્યાસ કર્યો. એને કેવી રીતે માણસ બનાવવો તે નક્કી કરીને એને તાલીમ આપવા માંડી.

સમાજમાં માણસ સલામત છે, સમાજમાં એની શારીરિક માનસિક તમામ જરૂરિયાતો સંતોષાય છે, માણસ તરીકે જીવવાના સંસ્કારો અને શિક્ષણ મળે છે. સમાજવ્યવસ્થા ન હોય તો એકલા માણસની શી વલે થાય તેની કલ્પના કરવા જેવી છે.

માણસ જેમ સામાજિક પ્રાણી કહેવાય છે તેમ તેને બુદ્ધિશાળી પ્રાણી કહેવામાં આવ્યું છે. મેન ઈઝ એ રેશનલ એનિમલ. અન્ય જીવો ઈન્સ્ટિક્ટ- સહજ પ્રેરણાથી વર્તે છે જ્યારે માણસને ભગવાને બુદ્ધિ આપીને આ સૃષ્ટિ પર મોકલ્યો છે તેથી બુદ્ધિયુક્ત વ્યવહાર કરીને એ પોતાની સમસ્યાનો ઉકેલ કાઢે છે. આ ‘બુદ્ધિશાળી હોવું‘ એના પર બહુ મોટી જવાબદારી મૂકે છે. માણસ જ્યારે બુદ્ધિહીન વર્તાવ કરે ત્યારે ભગવાનને પણ અફસોસ થતો હશે કે આને ખોટો માણસ બનાવાઈ ગયો! બુદ્ધિનું ઘરેણું પહેરાવીને એને જગતમાં મોકલ્યો અને બુદ્ધિ તો એ વાપરતો જ નથી.

સાર્ત્ર નામના વિચારકે કહ્યું છે કે ‘ટુ બી હ્યુમન ઈઝ અ ટાસ્ક એન્ડ નોટ અ ફેક્ટ‘ અર્થાત ‘માણસ હોવું એ ધ્યેય છે, વાસ્તવિકતા નથી‘. પશુ, પંખી જેવી ઈતર જીવસૃષ્ટિને ધ્યેય નથી. જેમના જીવનમાં ખાઓ પીઓ અને જીવો સિવાય બીજો કોઈ વિચાર જ નથી તેને માણસ કેમ કહેવાય? માણસના જીવનમાં વિશિષ્ઠ ધ્યેય હોવું જોઈએ.

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું.‘- કવિ સુંદરમની આ પંક્તિ પણ એમ જ સૂચવે છે કે કેવળ માણસનો દેહ ધારણ કરવો પર્યાપ્ત નથી. માણસનો દેહ લીધા પછી માણસ તરીકેના લક્ષણો વિકસાવવા જરૂરી છે. એવી કઈ બાબતો છે કે જેનાથી મનુષ્ય અન્ય પ્રાણીઓથી જુદો પડે છે? પંચતંત્રની વાર્તાઓમાં શિયાળને અને કાગડાને લુચ્ચા વર્ણવવામાં આવ્યા છે, પણ માણસમાં યે લુચ્ચાઈ ક્યાં નથી? સસલું બીકણ છે તો માણસ પણ ક્યાં ઓછો બીકણ છે? વાઘ, સિંહ જેવા પ્રાણીઓમાં હિસકતા ભરેલી છે, તો માણસ પણ ક્યાં ઓછો હિંસક છે? બગલો દંભી છે તો માણસ પણ ઓછો દંભી નથી. ગર્દભને બુદ્ધિનો ઉપયોગ કરવાનું ઓછું ફાવે છે તો માણસ પણ બડફાગીરીમાં ઓછો ઉતરે તેમ નથી. પ્રાણીઓમાં આ તમામ લક્ષણો ગુરુત્તમ સાધારણ અવયવી જેવું સ્થાન ધરાવે છે. અને તેમ છતાં કમાલની વાત એ છે કે માણસ બધા પ્રાણીમાં શ્રેષ્ઠ ગણાય છે!

માણસની વિશિષ્ઠતા એ છે કે એનામાં દરેક પ્રાણીના અવગુણો ઠાંસી ઠાંસીને ભર્યા હોવા છતાં એના પર વિવેકની લગામ રાખી શકે છે. પ્રાણીજગતના તમામ લક્ષણો પ્રકૃતિદત્ત છે અને કોઈ પ્રાણીનો એના પર કોઈ જ અંકુશ નથી. માણસ પાસે બુદ્ધિ હોવાથી એ પોતાના અવગુણોને કાબુમાં રાખી શકે છે. કુદરતે પક્ષીને ઊડવા માટે પાંખો આપી, માણસને પાંખો નથી આપી છતાં માણસે હવામાં ઊડી શકાય એવા વિમાન, હેલિકોપ્ટરો બનાવ્યા અને પક્ષી કરતાંયે ઊંચી ઊડાન ભરી શકે છે. માછલી, મગરમચ્છ જેવા જળચર પ્રાણીઓ સમુદ્રમાં તરી શકે છે; માણસ માટે એ સરળ નથી, પણ બુદ્ધિનો ઉપયોગ કરીને એણે સબમરીન વિકસાવી છે તેનાથી તે મહાસાગરોમાં પણ ઊંડી ડૂબકી લગાવી શકે છે. મોરને કુદરતે રંગીન પીંછાઓ આપી સોહામણો બનાવ્યો છે, તો માણસ પણ રંગીન મોહક ચિત્રો બનાવી શકે છે. કલાત્મક વસ્ત્ર પરિધાન કરીને સ્વયંને મનોહર રૂપાળા બનાવી શકે છે. જીવલેણ શસ્ત્રોનો ઉપયોગ કરીને એ વાઘ સિંહ કરતાંયે વધારે હિંસકતા આચરી શકે છે પરંતુ, ‘આઈ કેન ડુ‘ અર્થાત હું કંઈક બની શકું છું, કંઈક કરી શકું છું- એ વૃત્તિ માણસને શ્રેષ્ઠતાની કક્ષાએ બેસાડે છે.  હું લાચાર છું, અસહાય છું, પામર મનુષ્ય છું, મારાથી કંઈ નહિ થાય- એવી વૃત્તિ માણસને કલંક લગાડે છે. પ્રાણીઓ પોતાના સ્વાભાવિક દોષોને ત્યજી નથી શકતા જ્યારે માણસમાં પોતાની દુર્બળતાને ઓવરટેઈક કરવાનું સામર્થ્ય ભરેલું છે અને એ વાત જ એને અન્ય પ્રાણીઓથી નોખો પાડે છે.

ભગવદ ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘મમ વર્ત્માનુ વર્તન્તે મનુષ્યા:”- જે મારા માર્ગને અનુસરે તે માણસ છે. ભગવાનનો માર્ગ એટલે ગીતાએ ચીંધેલો માર્ગ, ભગવાનને પ્રિય થવાના અનેક રસ્તા ભક્તિયોગમાં બતાવેલા છે તે મુજબ જીવવાથી જીવનમાં પમરાટ આવે છે. નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન તો તેને કહીએ‘ ભજનમાં માણસની શોભા વધારનારા લક્ષણો દર્શાવ્યા છે.

માણસ કહેવડાવા માટે ઘણા બધા લક્ષણો કેળવવા પડે છે, માણસ હોવું એ બહુ મોટી જવાબદારી છે. માત્ર માણસ તરીકે જન્મ લેવાથી માણસ નથી થઈ જવાતું. સંસ્કૃતમાં કાવ્યપંક્તિ ભણવાની આવેલી તે મુજબ ‘યેષામ્ ન વિદ્યા ન તપો ન દાનમ્, જ્ઞાનમ્ ન શીલમ્ ન ગુણો  ન ધર્મ: તે મર્ત્ય લોકે ભુવિ ભારભૂતા: મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ .– અર્થાત જેણે વિદ્યા પ્રાપ્ત કરી નથી અને જેના જીવનમાં તપ, દાન, ચારિત્ર્ય અને ધર્મ નથી તેમને આ ધરતી પર મનુષ્યના રૂપમા ફરતા પ્રાણી જ કહ્યા છે. ભર્તૃહરિના નીતિશતકમાં કહેવાયું છે કે ‘ સાહિત્ય સંગીત  કલા વિહિન:  સાક્ષાત્ પશુ: પૂચ્છવિશાં હીન: તૃણં ન ખાન્નપિ જીવમાન: તદ્ ભાગ્યગ્ધેયમ્ પરમ્ પશુનામ્ – જેમના જીવનમાં સાહિત્ય સંગીત કે કલાનું કોઈ સ્થાન નથી તેઓ નખ અને પૂંછડા વગરના સાક્ષાત પશુઓ જ છે. આ લોકો ઘાસ નથી ખાતા એ જાનવરોનું મોટું સદભાગ્ય છે.

માણસ હોવા માટે પાયાનો જે ગુણ કહ્યો છે તે છે કૃતજ્ઞતાનો ગુણ. કોઈએ કરેલો પ્રેમ અને કોઈએ કરેલા ઉપકારો જે ભૂલી જાય છે તે માણસ જ નથી. બચપણમાં વાઘ અને મુસાફરની વાર્તા ભણેલા. વનમાં પાંજરામાં પૂરાયેલા હિસક વાઘે કોઈ વટેમાર્ગુને વિનંતી કરી કે તું મને પાંજરામાંથી બહાર કાઢે તો તારો ઉપકાર હું જિંદગીભર ભૂલીશ નહિ. માણસે કહ્યું  કે ‘બહાર આવતાંની સાથે જ તું મને ખાઈ ન જાય એની શી ગેરંટી?‘ વાઘે પ્રોમિશ આપ્યું અને માણસે તેને બહાર તો કાઢ્યો પણ તે સાથે જ એની આશંકા સાચી પડી. વાઘે તેના આગળના પંજા માણસના ખભા પર મૂકી દીધા અને ઘણા દિવસોનો ભૂખ્યો હોવાથી તેને ખાવા તત્પર બન્યો. માણસે કહ્યું કે આ ન્યાય નથી. વાઘ કહે આ ન્યાય જ છે. બંધનમાં હતો એટલે વચન આપ્યું પણ મને કકડીને ભૂખ લાગી છે, હવે તને ન ખાઉં તો શિકાર શોધવા બીજે ક્યાં જાઉં? માણસ સલવાઈ ગયો. રસ્તે ઘરડો અને લંગડાતો એક ઘોડો જઈ રહ્યો હતો તેને ન્યાય કરવા માટે કહ્યું. ઘોડાએ વાઘનો પક્ષ લીધો,  તે જ રીતે બળદ આવ્યો. તેની પાસે ન્યાય કરાવ્યો, તેણે પણ વાઘના પગલાને ન્યાયોચિત ગણાવ્યું. એ બંનેએ પોતાની આપવીતી જણાવી. માણસજાત પોતે જ ઉપકારનો બદલો ઉપકારથી વાળતી હોત તો અમારા માલિકોએ અમારી વૃદ્ધાવસ્થામાં અમને તરછોડ્યા ન હોત. જિંદગીભર સેવા કરી તેનો આવો બદલો? એટલે વાઘે પણ માણસ પર દયા દાખવવાની કોઈ જરૂર નથી. માણસ એ વાઘનું ભક્ષ્ય છે અને તેને ખાઈ જાય તેમાં કંઈ પણ અનુચિત નથી.

પછી એક શિયાળ આવ્યું અને તેણે બચાવ પક્ષના વકીલની ભૂમિકા ભજવી. વાઘને પાછો પાંજરામાં પૂરી દીધો. જતાં જતાં માણસને ચેતવણી પણ આપતું ગયું. ઘોડાની અને બળદની દલીલ એકદમ સાચી જ છે. માણસ જેવું કૃતઘ્ન પ્રાણી બીજું એકેય નથી. જન્મથી માંડી મૃત્યુ સુધી માણસ અન્યોના અનેક ઉપકારો હેઠળ દબાયેલો હોવા છતાં એ પ્રતિઉપકાર કરવાનું ભૂલી જાય છે અથવા એની એવી દાનત જ નથી.

 બીજા અનેક ગુણો માણસમાં હોવા જરૂરી છે, પણ સૌથી મોટો અને આવશ્યક ગુણ છે કૃતજ્ઞતા. આ ગુણ માણસમાં આવે એટલે બીજા ગુણો લાઈનબંધ માણસમાં આવવા માંડે.

Advertisements

6 thoughts on “દૄષ્ટિકોણ-૭ (પરભુભાઈ મિસ્ત્રી)-કૃતજ્ઞતા વિનાનો નર પશુ

 1. બીજા અનેક ગુણો માણસમાં હોવા જરૂરી છે, પણ સૌથી મોટો અને આવશ્યક ગુણ છે કૃતજ્ઞતા. આ ગુણ માણસમાં આવે એટલે બીજા ગુણો લાઈનબંધ માણસમાં આવવા માંડે.
  ———-
  સાચી વાત. એ માટે જ રોજની સાધનામાં ‘પદ્મમુદ્રા’ કરવાનું સૂચવવામાં આવે છે.

  Liked by 1 person

 2. Born as a man, Has to become Human…Civilized man….has civility..Human, Humanity…..માણસે માનવી બનવાનું છે . માનવ તો માનવી જ હોય. માનવતાને પોતાનો સ્વભાવ બનાવવાનો છે. માનવતાના ગુણોનું તો માટું લીસ્ટ હોય. અેક જ ગુણ માણસને માનવી નથી બનાવી દેતો. કૃતજ્ઞતા, દયા, પ્રેમ, ન્યાય, સત્ય, અર્પણ, દાન, નિ:સ્વાર્થ, મદદગાર, પણ તેના ઘણા ગુણોમાના બીજા ગુણો હોવા જોઇઅે

  Liked by 1 person

 3. સરસ મનનીય લેખ …

  લેખનો સાર ..
  ભર્તૃહરિના નીતિશતકમાં કહેવાયું છે કે ‘ સાહિત્ય સંગીત કલા વિહિન: સાક્ષાત્ પશુ: પૂચ્છવિશાં હીન: તૃણં ન ખાન્નપિ જીવમાન: તદ્ ભાગ્યગ્ધેયમ્ પરમ્ પશુનામ્ – જેમના જીવનમાં સાહિત્ય સંગીત કે કલાનું કોઈ સ્થાન નથી તેઓ નખ અને પૂંછડા વગરના સાક્ષાત પશુઓ જ છે. આ લોકો ઘાસ નથી ખાતા એ જાનવરોનું મોટું સદભાગ્ય છે.

  Liked by 1 person

 4. ખૂબ જ સુંદર લેખ.
  આભાર
  ‘સૌથી મોટો અને આવશ્યક ગુણ છે કૃતજ્ઞતા. ‘ ક્રિશ્ચિયન, બૌદ્ધ, મુસ્લિમ, યહૂદી, અને હિંદુ પરંપરાઓમાં કૃતજ્ઞતાને. એક બહુમૂલ્ય માનવ વલણ તરીકે જોવામાં આવે છે. કૃતજ્ઞતા સાથે ઈશ્વરની પૂજા કરવાની બાબત આવા ધર્મોમાં સામાન્ય છે અને તેથી, કૃતજ્ઞતાની વિભાવના ધાર્મિક લખાણો, ઉપદેશો અને પરંપરાઓમાં વ્યાપ્ત જોવા મળે છે. આ જ કારણે, ધર્મો જે સૌથી સામાન્ય બાબતોમાંથી એકને પોતાના અનુયાયીઓમાં જગાડવા અને જાળવી રાખવા ઇચ્છે છે તે કૃતજ્ઞતા છે અને તેને સર્વસામાન્ય ધાર્મિક લાગણી તરીકે જોવામાં આવે છે
  કેટલુ જીવ્યા એ અગત્ય નથી, પરંતુ કેવુ જીવ્યા એ મહત્વનુ છે.
  કૃતઘ્નીને પ્રાયશ્ચિત નથી એ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે.
  જે કૃતજ્ઞ છે તે જ માણસ કહેવાને લાયક છે.
  આપણે બધા જ આમાંથી બોધપાઠ લઇ કૃતજ્ઞતાપૂર્વક જીવન જીવીએ

  Liked by 2 people

 5. માત્ર માણસને જ કહેવું પડે છે કે તું માણસ થા! -જે કૃતજ્ઞ છે તે જ માણસ કહેવાને લાયક છે. very deep analysis with Gratitude is best and essential quality of human being.

  Liked by 1 person

 6. કમાલ તો જુઓ… શીયાળે મદદ કરી… અને પોસ્ટના અંતે પણ સૌથી મોટો અને આવશ્યક ગુણ.. ઉલ્લેખ છે.

  છતાં સમજણ નથી પડતી અમેરીકાએ જાપાન ઉપર અણું બોમ્બ શા માટે ઝીંક્યા? હીટલર થઈ લઈ ઈદી અમીન, સદામ હુસૈન, ગદ્દાફી, ઝુલફીકાર અલી ભુત્તો, ઈંદીરા ગાંધી એ બધાના મોત પહેલાં કોઈ શીયાળ ન આવ્યું તે ન જ આવ્યું…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s