એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૩-બેટન રુજ


બેટન રુજ

હું અને નલિની જ્યારે ગ્રીન્સબરો છોડીને બેટન રુજ જવા નીકળ્યા ત્યારે અમારી નાનકડી મસ્ટેંગ ગાડીમાં બધી ઘરવખરી સમાઈ ગઈ.  ગ્રીન્સબરોમાં અમે બહુ કંઈ વસાવ્યું ન હતું.  આમ અમે ખાલી અપાર્ટમેન્ટમાં ખાલી હાથે જઈ પહોંચ્યા. યુનિવર્સિટીના આ અપાર્ટમેન્ટ પરણેલાં વિદ્યાર્થીઓ માટે ખાસ બંધાયા હતા.  સસ્તું ભાડું, અને યુનિવર્સિટી પાસે. દરરોજ ચાલતા જઈ શકાય. ગાડી હતી એટલે સ્ટોર્સમાં જઈને ગ્રોસરી અને બીજી જરૂરી વસ્તુઓ અને દરરોજનું ઉપયોગી ફર્નીચર લઈ આવ્યા અને અમે ઘર માંડયું. હું દરરોજ યુનિવર્સિટીમાં ભણવા અને ભણાવવા જાઉં.  મને ટીચીંગ ફેલોશીપ મળી હતી. નોર્થ કેરોલિના કરતા વ્યવસ્થા જુદી થઈ.  ત્યાં હું ફૂલ ટાઈમ ટીચર અને પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ હતો.  અહીં ફૂલ ટાઈમ સ્ટુડન્ટ અને પાર્ટ ટાઈમ ટીચર થયો.  જ્યારે ત્યાં ક્લાસમાં લગભગ સો ટકા વિદ્યાર્થીઓ કાળા હતા, તો અહીં ગોરા હતાં, અને પ્રોફેસરો પણ બધા ગોરા.  કાળો ચહેરો જોવા મળે તે તો માત્ર કામ કરવાવાળાનો–કિચનમાં કુક, જેનીટર, સાફસૂફી કરનારાઓનો.

અહીં હું અમેરિકાનાં દક્ષિણ રાજ્યોમાંના એક લુઈઝીઆનામાં હતો.  લુઈઝીઆના ઉપરાંત નોર્થ અને સાઉથ કેરોલિના, એલબામા, મીસીસીપી, આર્કાન્સા, જ્યોર્જિયા, ફ્લોરીડા અને ટેક્સાસ–આ બધાં રાજ્યો હજી સિવિલ વોરને, ખાસ કરીને એમાં એમને હાર મળેલી તે, ભૂલી શક્યાં નહોતાં. એ વોરમાં લડેલા એમના અગત્યના જનરલ અને સૈનિકોના સ્મારકો ઠેક ઠેકાણે જોવા મળે.  ઉત્તરનાં રાજ્યો પ્રત્યેનું એમનું વેર વાત વાતમાં પ્રગટ થતું રહે.  વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પણ મોટે ભાગે દક્ષિણનાં રાજ્યોમાંથી આવેલા હોય.  મને નવો નવો જાણી સિવિલ વોર શા માટે થઈ એ બાબતનું તેમનું દૃષ્ટિ બિંદુ સમજાવે.  ખાસ કરીને ઉત્તરનાં રાજ્યો તેમના પર હજી કેવો અન્યાય કરે છે, વૉશિન્ગટન અને ફેડરલ ગવર્નમેન્ટ કેવો જુલમ કરે છે, તેની વાત કરે.

દક્ષિણનાં  રાજ્યોમાં વસતા લોકોનું આ માનસ, ખાસ કરીને ઉત્તરના લોકો પ્રત્યેનો વેર ભાવ તો ત્યાં રહીએ તો જ સમજાય.  હજી પણ ટેક્સાસ જેવા રાજ્યમાં કેટલાય લોકો એવા છે કે જેમને યુનાઈટેડ સ્ટેટ્સથી છૂટું થવું છે અને પોતાનું અલગ રાજ્ય સ્થાપવું છે!  એમની વાતચીતો અને વ્યવહારમાં કાળા લોકો પ્રત્યેનો તેમનો અણગમો વારંવાર વ્યક્ત થઈ જતો તે હું જોઈ શકતો. હું બેટન રુજમાં હતો ત્યારે જ તેના લેજીસ્લેચરમાં બે જુદી જુદી બ્લડ બેંક–એક ગોરા લોકોના લોહીની અને બીજી કાળા લોકોના લોહીની– રાખવાની વાતની ચર્ચા થતી હતી. ગોરા લોકોનું માનવું એવું છે કે એમને જયારે બ્લડની જરૂર પડે ત્યારે એમને કાળા લોકોનું બ્લડ નથી જોતું. એમની નસોમાં માત્ર ગોરું બ્લડ જ નખાવું જોઈએ, કાળું નહીં!

યુનિવર્સિટી મોટી. લુઈઝીઆના સ્ટેટમાંથી બધું ફંડિંગ મળે.  બધી સ્ટેટ યુનિવર્સિટીઓ જેમ અહીં સ્પોર્ટ્સનું મહત્ત્વ મોટું. ફૉલ સેમેસ્ટરમાં દર શનિવારે ફૂટબોલની ગેમ હોય. આ ફૂટબોલ આપણા ફૂટબોલથી જુદો. આપણા ફૂટબોલને અહીં સાકર કહે છે. આખું સ્ટેડિયમ ભરાઈ જાય. રાજ્યના ગવર્નર, ધારાસભ્યો, અગત્યના ઑફિસરો, બધા આવે. યુનિવર્સીટીના અલુમનાઈ દૂર દૂરથી ગેમ માટે ખાસ આવે.  મોટો ઉત્સવ જોઈ લો.  જેમ જેમ ફૂટબોલમાં યુનિવર્સિટીની ટીમ જીતતી રહે, અને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ ટેનમાં એની ગણતરી થાય ત્યારે એના અલુમનાઈ યુનિવર્સીટીને વધુ ને વધુ ડોનેશન આપે. નવા આવતા વિદ્યાર્થીઓ પણ આ કારણે યુનિવર્સિટી પસંદ કરે.

અમેરિકન યુનિવર્સિટીઓને, ખાસ કરીને, મોટી સ્ટેટ યુનિવર્સિટીઓને, સ્પોર્ટ્સનો મહારોગ લાગેલ છે.  એમાં ફૂટબોલનું મહત્ત્વ હદ બહારનું.  ફૂટબોલના કોચ અને એમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને બધી જ સગવડો આપવામાં આવે. લાડકા દીકરાની જેમ એમને સાચવવામાં આવે.  કોચનો પગાર સૌથી વધુ, ગવર્નર કરતાં પણ વધુ હોય! એથલીટ વિદ્યાર્થીઓ માટે સ્પેશલ ડોર્મ હોય.  સ્પોર્ટ્સને આ મહત્ત્વ અપાવાથી શિક્ષણ  ક્ષેત્રે યુનિવર્સિટીનું સ્થાન કથળે તેનો બહુ વાંધો નહીં. અમેરિકન ફૂટબોલ એ એક હિંસક સ્પોર્ટ છે.  એ રમતા ખેલાડીઓને માથું અથડાતા જે સખ્ત માનસિક અને શારીરિક હાનિ થાય છે તેની તો વર્ષો અને દાયકાઓ પછી ખબર પડે.  સ્પોર્ટ્સને અપાતા આ મહત્ત્વથી શિક્ષણ ક્ષેત્રે જે વિપરીત અસર પડે છે એને કારણે શિકાગો યુનિવર્સિટીએ ઠેઠ ત્રીસીના દાયકાથી સ્પોર્ટ્સમાં ભાગ લેવાનું બંધ કર્યું હતું અને તે નિષેધ હજી પણ ચાલુ છે.

મેં એ પણ જોયું કે અહીં ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાના બૌદ્ધિકો બહુ ઓછા હતા.  હા, જેમનો જે વિષય હોય, અને જે ભણાવતા હોય, તેમાં હોશિયાર હોય એ ખરું, પણ પછી બીજી બધી બાબતમાં એમનું જ્ઞાન કે સમજણ સામાન્ય કક્ષાના.  પબ્લિક અફેર્સમાં તો ધબડકો જ સમજો.  દક્ષિણની પ્રજાના જે બધા પૂર્વગ્રહો અને સંકુચિત દૃષ્ટિ છે તે તેમની પાસેથી જોવા સાંભળવા મળે. મારા ચાર વરસના વસવાટમાં મને ભાગ્યે જ કોઈ એવો પ્રોફેસર મળ્યો હોય કે જેની બુદ્ધિથી હું અંજાયો હોઉં.  મોટા ભાગના સહવિદ્યાર્થીઓનું પણ એવું જ.  અમેરિકન પબ્લિક અફેર્સ અને રાજકારણની બાબતમાં તેમના કરતાં હું વધુ જાણતોહતો! વર્તમાન અમેરિકન રાજકારણ, અર્થશાસ્ત્ર, સાહિત્ય વગેરેમાં મારું વાચન એ લોકોના કરતાં પ્રમાણમાં બહોળું હતું.  જો કે એ લોકોને એ બાબતની કશી પડી પણ ન હતી. એ તો અહીં પીએચ.ડી.ની ડીગ્રી લેવા આવ્યા હતા. એમને તો એ યુનિયન કાર્ડ જોઈતું હતું.

જો પ્રોફેસરો અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મારી દૃષ્ટિએ બૌદ્ધિક ક્ષેત્રે પછાત હોય, તો પછી સામાન્ય લોકોની તો શી વાત કરવી?  એ તો તમે ત્યાંના દૈનિક છાપા ઉપર નજર કરો તો ખબર પડે કે બૌદ્ધિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પ્રજા કેટલી સંકુચિત હતી.  એ છાપાંમાં ભાગ્યે જ કોઈ આંતરરાષ્ટ્રીય સમાચાર કે એ બાબતની એનાલીસીસ મળે.  ન્યૂ યોર્ક ટાઈમ્સ વાંચવું હોય તો ઠેઠ લાયબ્રેરીમાં જવું પડે.  જો કે લોકોની ઉષ્મા મને જરૂર સ્પર્શી ગઈ.  પરદેશથી આવેલા એટલે અમને ખાસ ઘરે બોલાવે.  થેન્ક્સગીવીંગ કે ક્રિસમસ જેવા અગત્યના તહેવારોમાં જરૂર તમારી આગતાસ્વાગતા કરે.  મદદ માટે અરધી રાતે આવીને ઊભા રહે. વર્ષો પછી પણ એમની સાથે અમારી એ મૈત્રીના સંબંધો ટકી રહેલા છે.

હું મારી જાતને સમજાવતો હતો કે હું તો અહીં પીએચ.ડી. કરવા, યુનિયન કાર્ડ લેવા આવ્યો છું. અને એમાં જ મારે મારું ધ્યાન રાખવું જોઈએ.  આખરે, જો કોઈ પણ અમેરિકન યુનિવર્સિટીમાં મારે ભણાવવું હોય, ટેન્યર લેવું હોય તો આ ડિગ્રી અનિવાર્ય હતી.  હું અહીં કંઈ મારા જ્ઞાનમાં વધારો કરવા આવ્યો નથી.  એટલે નીચી મૂંડીએ કોર્સ વર્ક પૂરું કરી, પીએચ.ડી.નો થીસીસ લખી, ડિગ્રી લઇ લો અને પછી રવાના થાવ.  એ હિસાબે મેં પુર જોશમાં કોર્સ વર્ક શરૂ કરી દીધું, અને એ પૂરું થતાં થીસીસનો વિષય શોધવાનો શરૂ કરી દીધો.  અને સાથે સાથે જોબની પણ શોધ શરૂ કરી.

જેમ જેમ હું મારું  પીએચ.ડી.નું ભણવાનું વાંચતો ગયો તેમ તેમ મને થવા માંડ્યું કે આવા કંટાળાજનક વિષયમાં–એકાઉન્ટિંગમાં–મારે સ્પેશય્લાઇજ કરીને જિંદગી કાઢવાની છે?  બે વસ્તુ મને ખાસ કઠી: એક તો એની સંકુચિતતા, ઝીણી ઝીણી  વસ્તુઓનો અભ્યાસ કરવાનો અને એની પર થીસીસ લખવાનો. પછી એ થીસીસમાંથી થોડા પ્રોફેશનલ આર્ટિકલ તૈયાર કરીને મુખ્ય એકાઉન્ટિંગ જર્નલ્સમાં પબ્લીશ કરવાના.  જેમ કે ઇન્વેન્ટરી વેલ્યુએશન કેમ કરવું કે જેથી શેરના ચડતા ઊતરતા ભાવોનું ભવિષ્ય ભાખી શકાય.  આ માટે તમારે કંપનીઓના ઇન્વેન્ટરી વેલ્યુએશનનો અભ્યાસ કરવાનો, એના પુષ્કળ ડેટા ભેગા કરવાના, એની સ્ટેટીસ્ટીકલ એનાલીસીસ કરવાની. એ બધામાંથી તમે જે કંઈ નવું શોધી લાવ્યા હો તેની બીજા એવા આર્ટીકલ્સ સાથે સરખામણી કરવાની.  ‘એકાઉન્ટિંગ રીવ્યુ’ જેવા પ્રોફેશનના અગત્યના જર્નલ્સમાં આવા જ બધાં આર્ટીકલ્સ આવે. આ આર્ટીકલ્સ એલ્જીબ્રાની ફોર્મ્યુલાઓથી ભરચક જાર્ગનવાળી ભાષામાં લખાયેલા હોય.  સાદી સીધી અંગ્રેજીમાં ન જ લખવાના સમ ખાઈ બેઠેલા પ્રોફેસરોએ આ આર્ટિકલ્સ લખેલા હોય.  આર્ટીકલ્સ હું દસ વાર વાંચું તોય સમજાય નહીં, તો હું એવું કંઈ કેવી રીતે લખવાનો હતો?  હું જ્યારે પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર થયો ત્યારે આ પ્રશ્ન મારે માટે ખુબ વિકટ બની ગયો.

આવી ઈમ્પીરીકલ એનાલીસીસ માટે નહોતી મારી પાસે કોઈ પૂર્વભૂમિકા કે નહોતી એ મારી મનગમતી ચીજ.  એ પ્રકારની એનાલીસીસ માટે તમારી પાસે મેથેમેટિક્સ, હાયર કેલ્ક્યુલસ અને સ્ટેટીસ્ટીક્સની જે ટ્રેનીંગ હોવી જોઈએ એ મારી પાસે ન હતી.  પીએચ.ડી.માં મારું મેજર એકાઉન્ટિંગ તો ખરું, પણ સાથે સાથે બે માયનર વિષયો લેવાના.  એમાં મેં એક મેનેજમેન્ટ અને બીજું સ્ટેટીટીક્સ લીધું.  મેનેજમેન્ટ વિષયને હું સહેલાઈથી મેનેજ કરી શકું એની ખાત્રી હતી, પણ સ્ટેટીટીક્સ લેવામાં જોખમ હતું, છતાં મારા એડવાઈજરની એ લેવા માટે સલાહ હતી. એમાં મારો દમ નીકળી ગયો.  અને છેવટે એ માયનરમાં હું ફેલ થયો.  પહેલી જ વાર કોઈ પરીક્ષામાં હું નપાસ થયો. જિંદગીમાં આવું પહેલી વાર ફેલ થવું બહુ કડવું લાગ્યું.  થયું કે આ મૂકો પીએચ.ડી.નું લફરું અને બીજા બધા ઇન્ડીયનોની જેમ કોઈ કંપનીમાં સામાન્ય નોકરી લઇ લો અને પછી ખાઈ પીને મજા કરો.

ગમ ખાઈને  એડવાઈજરની પાસે જઈ મારી લાચારી સમજાવી. એમણે મને માયનર બદલવાની છૂટ આપી. આખરે સોસીઓલોજીમાં માયનર કર્યું, જે મેં સહેલાઈથી પાસ કર્યું.  પણ આ મારી એકેડેમિક દ્વિધા હતી.  મને જે રસના વિષય હતા તે–બૃહદ સામાજિક અને આર્થિક પ્રવાહો અને એની વ્યક્તિ અને ઉદ્યોગો ઉપર અસર–અને જે રીતે હું એને સરળ ગદ્યમાં વ્યક્ત કરવા માગતો હતો તેની હવે એકેડેમિક ફેશન નહોતી.  મને કહેવામાં આવ્યું કે મેથેમેટીકલ ઇક્વેશન અને ઈમ્પીરીકલ એનાલીસીસ વગરનું હું જે કાંઈ લખીશ તો એ કોઈ દિવસ છપાશે નહીં.  આ વાત હું સમજતો હતો છતાં એનું મારા લેખન વાંચનમાં અનુકરણ કરવા તૈયાર ન હતો.  પહેલાં તો મને આ મેથેમેટિક્સ, હાયર કેલ્ક્યુલસ અને સ્ટેટીસ્ટીક્સની ટ્રેનીંગ લેવામાં કોઈ રસ ન હતો. લાયબ્રેરીમાં બેસીને ‘એકાઉન્ટિંગ રીવ્યુ’ વાંચવાને બદલે હું ‘ન્યૂ યોર્ક રીવ્યુ ઓફ બુક્સ’ અને ‘કોમેન્ટરી’ જેવા ઉચ્ચ કક્ષાનાં બૌદ્ધિક મેગેઝિન જોતો અને ઉત્સાહથી વાંચતો.  સોસીઓલોજી, પોલીટીક્સ, લીટરેચર અને પોલીટીકલ ઇકોનોમિક્સના આર્ટીકલ્સ વાંચવામાં મને રસ વધુ હતો.  જો કે એ વિષયોના એકેડેમિકસ જર્નલ્સમાં પણ મેથેમેટીકલ ઇક્વેશન્સ અને  ઈમ્પીરીકલ એનાલીસીસની બોલબાલા હતી.  એવા આર્ટીકલ્સને હું  અડતો પણ નહીં.

છેલ્લાં સિત્તેરેક વર્ષોમાં અમેરિકન એકેડેમીમાં આ એક ધરખમ ફેરફાર થયો છે.  અને તેથી જ તો જોહન કેનેથ ગાલબ્રેથ અને રોબર્ટ હાઈલાબ્રોનર જેવા ઈકોનોમિસ્ટની એકેડેમિક ઈકોનોમિક્સમાં ઝાઝી ગણતરી નથી થતી.  એ બંને સરળ ભાષામાં, કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ જાર્ગન કે મેથેમેટીકલ ઇક્વેશન વગર લખે.  એમના વિચારો ગમે તેટલા તથ્યપૂર્ણ અને સારા હોય તો પણ એકેડેમીમાં એમની અવગણના થાય.  એકેડેમિક ઈકોનોમિસ્ટની કોઈ મીટીંગમાં એનું નામ પણ ન લેવાય! ગેલ્બ્રેથ જયારે અમેરિકન ઇકોનોમિક એસોશીએશનના પ્રમુખ થયા ત્યારે એ બાબતનો વિરોધ નોંધાવા માટે કેટલાક અર્થશાસ્ત્રીઓએ એસોશીએશનમાંથી રાજીનામું આપી દીધું હતું!

આમ શરૂઆતમાં જ મારી દશા વળી પાછી સાપે છછુંદર ગળ્યા જેવી થઈ.  મારે એકાઉન્ટિંગનું પીએચ.ડી. કર્યા સિવાય છૂટકો નહોતો કારણ કે મને યુનિવર્સિટીમાં ભણાવવાનું ગમતું હતું, અને યુનિવર્સિટીમાં જોબ લેવા માટે પીએચ.ડી.ની ડિગ્રી અનિવાર્ય હતી.  એ યુનિયન કાર્ડ લેવું જ પડે. પણ એ મેળવવા માટે જે પ્રકારનો અભ્યાસ કરવો પડે, જે પ્રકારનું લેખન કામ કરવું પડે તે માટે મારી પાસે કોઈ તૈયારી નહોતી.  વળી પાછું એ મને ગમતું પણ નહોતું.  છતાં મનોમન નક્કી કર્યું કે યેન કેન પ્રકારેણ પીએચ.ડી. તો લેવું જ અને જોબ લઈ લેવો. એક વાર જોબ મળ્યા પછી જોયું જશે.

પણ થીસિસનો વિષય કયો લેવો?  એ સમયે હાર્વર્ડના સોસીઓલોજીસ્ટ ડેનિયલ બેલ પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સોસાઈટી વિષે ચર્ચા ચલાવતા હતા.  એમના લેખો અને પુસ્તકો દ્વારા એ કહેતા હતા કે અમેરિકન સોસાઈટી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેજ માંથી નીકળીને પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સ્ટેજમાં પહોંચી છે અને એને કારણે સમાજમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે  તેનો અભ્યાસ કરવો ઘટે.  મને થયું કે આ પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સ્ટેજની એકાઉન્ટિંગ ઉપર શી અસર હોઈ શકે એ વિષે હું થીસિસ તૈયાર કરું.  આ પ્રોપોજલ લઈને હું મારા એકેડેમિક એડવાઈઝર આગળ ગયો અને એમને મનાવ્યા કે આવું કામ કોઈ કરતું નથી, તમે મને એમાં થીસિસ લખવાની રજા આપો.  થોડી આનાકાની પછી એ માની ગયા, પણ એમણે મને ચેતવણી આપી કે જો એમાં ઈમ્પીરીકલ એનાલીસીસ અને મેથેમેટીકલ ઇક્વેશન નહીં હોય તો એને પબ્લીશ કરવો મુશ્કેલ થશે.  એ વાત સાવ સાચી ઠરી.  ‘એકાઉન્ટીન્ગ રીવ્યુ’ જેવા મુખ્ય જર્નલમાં હું એને પબ્લીશ ન જ કરી શક્યો, અને બીજે ઠેકાણે પણ પબ્લીશ કરતા નાકે દમ આવી ગયો.

ડેનિયલ બેલ અને બીજા અનેક સમાજશાસ્ત્રીઓએ પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સ્ટેજ વિષે ખુબ સંશોધન કર્યું હતું અને અઢળક ડેટા ભેગા કર્યા હતાં. મેં એને આધારે મારું થીસીસનું કામ શરૂ કર્યું અને ખુબ મહેનત પછી પૂરું પણ કર્યું.  પણ સારાંશમાં મારે જે કહેવાનું હતું તે સાવ ઈમ્પ્રેકટીકલ હતું.  મારું કહેવું એમ હતું કે પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ સોસાઈટીમાં એકાઉન્ટિંગના આંકડાઓ નહીં પણ બીજા કોઈ મેજરમેન્ટની શોધ કરવી પડશે.  જમા ઉધાર, નફો તોટો, બેલેન્સ શીટ, ઇન્કમ સ્ટેટમેન્ટ મુખ્યત્વે આંકડામાં જ હોય, અને હું એમ કહેતો હતો કે એ હવે ઉપયોગી નહી નીવડે!  આંકડાઓની સંકુચિતતામાંથી બહાર નીકળવામાં જ  એકાઉન્ટિંગનું ભવિષ્ય છે!  આજે આ વાત ઉપર મને જ હસવું આવે છે. પણ આ વાત મેં મારી થીસિસ કમિટી આગળ જોશપૂર્વક મૂકી.  અને એ લોકો એ મને કમને પણ એ વાત માન્ય રાખી અને આમ મને પીએચ.ડી.ની ડીગ્રી મળી.  યુનિયન કાર્ડ મળ્યું.

જો કે આ ડીગ્રી હાથમાં આવે એ પહેલાં મેં જોબની જોગવાઈ કરી લીધી હતી.  એ જમાનામાં એકાઉન્ટિંગના પીએચ.ડી.ની બહુ તંગી હતી.  એટલે જો તમે પીએચ.ડી.નું કોર્સ વર્ક પૂરું કર્યું હોય અને થીસિસ હજી પૂરી ન થઈ હોય તોય નોકરી મળી જાય.  મને બે ત્રણ જગ્યાએથી ઓફર્સ આવી.  મેં પેન્સીલ્વેનીયા રાજ્યના પીટ્સબર્ગ શહેરની યુનિવર્સિટી પસંદ કરી. મારે દક્ષિણના રાજ્યોમાંથી બહાર નીકળવું હતું. વળી મોટા શહેરમાં જવું હતું. કોઈ ખ્યાતનામ યુનિવર્સિટીમાં જોડાવું હતું.  જો કે પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં રીસર્ચ અને પબ્લીશીંગ ઉપર વધુ મહત્ત્વ અપાતું હતું અને ત્યાં હું જઈ રહ્યો હતો તેમ જોખમ હતું. પણ પડશે એવા દેવાશે એ ન્યાયે હું ત્યાં જોડાયો.  બેટનરુજના મારા મિત્રો સમજી જ નહોતા શકતા કે પીટ્સબર્ગ જેવા ઠંડા પ્રદેશમાં હું  શા માટે જઈ રહ્યો હતો.  વધુમાં  બેટનરુજના લોકોમાં જે ઉષ્મા અને મૈત્રી મને મળી તેવી ત્યાં મળવી મુશ્કેલ હશે એ પણ હું સમજી શકતો હતો. છતાં વળી પાછા લબાચા ઉપાડી અમે પીટ્સબર્ગ જવા નીકળ્યા.

1 thought on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૩-બેટન રુજ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s