દૄષ્ટિકોણ-૯ (પરભુભાઈ મિસ્ત્રી)-જેવા ચશ્મા તેવું દર્શન

જેવા ચશ્મા તેવું દર્શન

સ્વ. ગની દહીંવાલાની પ્રસિદ્ધ ગઝલ ‘દિવસો જુદાઈના જાય છે, જે જશે જરૂર મિલન સુધી.. ‘અનેકવાર સાંભળી હતી, પણ જ્યારે પૂ. મોરારિબાપુની કથામાં એનું આધ્યાત્મિક અર્થઘટન સાંભળવા મળ્યું ત્યારે એક વિશેષ અનુભૂતિ થઈ. કવિએ તો એની રચના પ્રિયજનના વિરહ સંબંધે કરી હશે, પણ મોરારિ બાપુના દર્શનથી એને વિશેષ અર્થ સાંપડ્યો. એવી જ એક રચના કવિ કલાપીની છે. ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’. ચોખ્ખી વાત છે કે આ શબ્દો એક પ્રેમી હૃદયના છે. પ્રેમીઓને તો જ્યાં નજર કરે, ત્યાં પોતાનું પ્રિયપાત્ર જ દેખાય એ સ્વાભાવિક છે, પણ જ્યારે એક સંત એ શબ્દો પાતાના વક્તવ્યમાં પ્રયોજે ત્યારે એનો અર્થ વિસ્તાર થાય છે. શબ્દોને નવું પરિમાણ પ્રાપ્ત થાય છે. ‘રાની રૂપમતી’ ફિલ્મનું  એક વિરહગીત ‘આ લોટકે આજા મેરે મીત, તુઝે મેરે ગીત બુલાતે હૈં’ માં સ્ત્રી પુરુષના પાત્રને સ્થાને ભક્ત અને ભગવાનને મૂકીને મોરારિબાપુ મસ્તીથી રજુ કરતા રહ્યા છે. આવા અસંખ્ય ગીતો, કવિતા અને ગઝલ, શાયરીઓ છે જેનો સ્થૂળ અર્થ તો હૃદયસ્પર્શી છે જ, પણ કોઈ વ્યક્તિવિશેષના અર્થઘટનથી એને વિશેષ દરજ્જો પ્રાપ્ત થતો રહ્યો છે.

જેનું જેવું ચિંતન અથવા જેવી વિચારસરણી, જેનું જેવું કાર્યક્ષેત્ર અને જેટલી બૌધિક કક્ષા હોય તે પ્રમાણે તેનો અર્થ રજુ કરે. એક અર્થમાં એમ કહી શકાય કે ભાસ્યકારે તેની આંખમાં કોને બેસાડ્યા છે અથવા તેણે કઈ વિચારસરણીના ચશ્મા પહેર્યા છે, તે પ્રમાણે તેને દેખાય. ભકત હૃદયને પ્રિયતમાના સૌંદર્ય જોઈને પણ ભગવાનની યાદ આવે. “સાવનકો આને દો” ફિલ્મનું યેશુદાસે ગાયેલું ગીત ‘તુઝે દેખકર જગવાલોં પર યકીં નહીં ક્યોંકર હોગા, જિસકી રચના ઈતની સુંદર, વો કિતના સુંદર હોગા-‘ આ જ પ્રકારનું ગીત છે. ગણિત જેવા શુષ્ક વિષય ભણાવતી વખતે પ્રીતમલાલ મજમુદાર સાહેબને પેરાબોલાના આલેખમાં કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના દર્શન થયા. ટૂંકમાં કહેવું હોય તો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. આપણો જેવો સ્વભાવ, આપણી જેવી વિચારધારા તે મુજબનું દર્શન આપણને થાય. જગત એકલા સજ્જનો કે એકલા દુર્જનોથી ભરેલું હોતુંનથી, બંનેનું જ અસ્તિત્વ છે અને રહેવાનું, તેમ છતાં મહાભારતના દૂર્યોધનને જગતમાં કોઈ સજ્જન જોવા ન મળ્યો અને યુધિષ્ઠિરને કોઈ દુર્જન ન દેખાયો. આપણા મનમાં જે રમતું હોય તે જ આપણને દેખાય, પણ તે પૂર્ણ દર્શન નથી.

એકવાર રશિયાના વડાપ્રધાન કોસીજીન ભારત આવેલા. સૌ વિદેશીઓની જેમ તેઓ પણ આગ્રાનો ઐતિહાસિક તાજમહેલ જોવા ગયા. તાજમહેલ તેના સૌંદર્યના કારણે દુનિયાની સાત અજાયબીમાં સ્થાન પામેલો છે. પણ, કોસિજીનને સૌંદર્ય સ્પર્શી ન શક્યું. એમણે તો સવાલ કર્યો કે, સેંકડો, હજારો શ્રમજીવીઓના લોહી પરસેવા પર આ ઈમારત ઊભી છે! એક શહેનશાહના મનની મુરાદ પાર પાડવા અસંખ્ય કારીગરો અને કલાકારોનું આર્થિક અને શારીરિક શોષણ થયું ત્યારે આવી ભવ્ય ઈમારત બની. કોસીજીન ખોટા નથી, પણ એમની દૃષ્ટિ સૌંદર્ય ન જોઈ શકી. ‘મેરા નામ જોકર‘ ફિલ્મમાં રાજકપુર ગાય છે, ‘ચશ્મા ઉતારો ફિર દેખો યારો‘ તે વાત તદ્દન સાચી છે. ચશ્મા પહેરવા એ ગુનો નથી; પણ સત્ય દર્શન કરવા માટે કે વાસ્તવિકતા સમજવા માટે તો ચશ્મા ઉતારીને જ જોવું પડે. આપણને જે દેખાય તે જ સત્ય એ માન્યતા બદલવા જેવી છે. નિર્ભેળ સત્ય પામવા માટે સ્વસ્થ નજર અને સમ્યક બુદ્ધિ હોવી જરૂરી છે.

સામ્યવાદની વાત નીકળે એટલે સ્વ. શ્રીપાદ અમૃત ડાંગે યાદ આવે. ભારતમાં સામ્યવાદનો પાયો નાખવામાં એમનું પ્રદાન અજોડ ગણાય. સામ્યવાદનું પ્રધાન લક્ષણ એ છે કે, દુનિયામાં જે જે પ્રદેશમાં એણે પગપેસારો કર્યો ત્યાંની સંસ્કૃતિ પર એમણે પ્રહારો કર્યા. ત્યાંના ઈતિહાસને વિકૃત કરી નાંખ્યો. લોકમાનસ પર પ્રભાવ પાથરનારા ગ્રંથોમાં છિદ્રો શોધી તેને નીચા દેખાડવાનું કામ કર્યું. લોકોના શ્રદ્ધાકેન્દ્રો તોડી નાંખ્યા. શ્રીપાદ અમૃત ડાંગેએ વેદોનો અભ્યાસ કરી તેમાં સામ્યવાદના સિદ્ધાંતો શોધી બતાવ્યા. આ એક બુદ્ધિગમ્ય અભિગમ કહેવાય. પ્રજાને જે નવા અને વધારે ઉપયોગી વિચારો આપવાના છે તે માટે તેના શ્રદ્ધાકેન્દ્રો પર પ્રહાર કરવાની કોઈ આવશ્યકતા નથી. પણ પ્રચલિત ગ્રંથોના શબ્દોમાં લેશમાત્ર ફેરફાર કર્યા વિના લોકમાન્યતા સાથે ટકરામણ ન થાય એ રીતે એનો અર્થવિસ્તાર કરતા જવું. આ કામ અત્યંત કુનેહ અને ધીરજ માંગી લેનારું છે. પણ ક્રાંતિકારી લોકોમાં ધીરજનો અભાવ હોય છે, એમને તો બધું તડ ને ફડ પરિવર્તન કરી નાખવાની ઉતાવળ હોય છે, તેથી લોકમાનસમાં વિરોધની લાગણી જન્મે છે, સમાજ સાથે બીનજરૂરી શત્રુતા ઊભી થાય છે અને પોતાની ચળવળનું ઈચ્છિત પરિણામ મળતું નથી ત્યારે ચીડ ઊભરી આવે છે. ક્રાંતિકારીઓ હંમેશાં ચીડાયેલા કેમ જોવામાં આવે છે તેનું કારણ તેમની અણઘડ પદ્ધતિ અને લોક માન્યતા સામે વિદ્રોહ કરવાની ઉતાવળમાં રહેલું છે.

ચિત્રલેખા સાપ્તાહિકના સ્થાપક તંત્રી સ્વ. વજુ કોટક અને વિજ્ઞાન જગતના એન્સાક્લોપિડિયા જેવા વિજયગુપ્ત મૌર્યના નામથી જૂની પેઢીના વાચકમિત્રો અજાણ નહીં હોય. આપણી પુરાણકથાઓ વાસ્તવિક છે કે નરી કલ્પના છે તે વિષયમાં આપણે મુંઝાઈ જઈએ પરંતુ, આ બે વિદ્વાનોએ મળીને ‘પુરાણ અને વિજ્ઞાન‘ નામનું એક પુસ્તક તૈયાર કર્યું હતું, પ્રસ્તુત પુસ્તકમાં વિજયગુપ્ત મૌર્યે પુરાણોમાં પડેલું વિજ્ઞાન રજુ કર્યું છે. એ વાંચ્યા પછી આપણા પુરાણો વિષે આપણે ગૌરવની લાગણી અનુભવી શકીએ. પુરાણકથા એ ઈતિહાસ ન હોય તો ભલે, પણ એમાં જે વાર્તારસ છે તે સામાન્યજનોનું મનોરંજન કરે છે, સાહિત્યકારોને એમાં સાહિત્યદર્શન થાય છે, વિજ્ઞાનીઓને એમાં વિજ્ઞાન દેખાય છે, તત્ત્વજ્ઞાનીઓને તત્ત્વજ્ઞાન દેખાય છે, રાજકારણીઓને રાજકારણના સિદ્ધાંતો દેખાય છે. દરેકને પોતાના સ્ટેટસ પ્રમાણેનું દર્શન થાય છે, પણ જેમણે નક્કી કર્યું હોય કે પુરાણો સાવ બકવાસ છે તો તેમને એમાં નર્યો કચરો જ દેખાશે.

રજાના દિવસોમાં આપણને દરિયા કિનારે બીચ પર જવાનું ગમે. ત્યાંની ઠંડી, આહ્લાદક હવા અને વિશાળતાથી આપણું મન પણ મોકળું બને, સ્વસ્થ બને, સંસારની ચિંતા અને અકળામણ ભુલી જવાય, દરિયાની ખારી હવા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. નાના બાળકો શંખલા, છિપલાં અને રેતીમાં રમત રમવાનો આનંદ માણે છે. માછીમારો માછલાં પકડીને રોજગારી મેળવે છે, તરનારા તરવાનો આનંદ માણે છે, પણ મરજીવા હોય તે ઊંડે ડૂબકી મારીને મોતી શોધી લાવે છે. સમુદ્રને રત્નાકર કહ્યો છે, પણ મરજીવા સિવાયના અન્ય લોકોને માટે તો એ હવા ખાવાની જ્ગ્યા, શંખલા વીણવાની જગ્યા  કે માછલી પકડીને રોજી મેળવવાનું સ્થાનમાત્ર છે, એમાંના કોઈને સમુદ્રમાં રત્નો દેખાતા નથી. એમ કહી શકાય કે જેની આંખ જે શોધતી હોય તે જ વસ્તુ તેને દેખાય છે. માનસરોવરના હંસો મોતી શોધે, બગલાઓ માછલી શોધે, કાગડા વિષ્ટા શોધે, કૂતરા હાડકું શોધે. તેમને તે વસ્તુ મળી પણ જાય. તેમને થયેલા દર્શનથી તેમની યોગ્યતાનો પણ જગતને ખ્યાલ આવે છે.

શ્રીમદ ભગવદ ગીતા વાંચીને મેનેજમેન્ટના અભ્યાસી બી.એન. દસ્તુર સાહેબને- સૂત્રે મણિગણા ઈવ શ્લોકમાં નેટવર્ક માર્કેટિંગનો સિદ્ધાંત દેખાયો, મહાત્મા ગાંધીજીને અહિંસાનો સિદ્ધાંત દેખાયો, મનોચિકિત્સકોને અર્જુનવિષાદયોગમાં ડિપ્રેશનના દર્દીના લક્ષણો દેખાયા અને ગીતામાં તેનો ઉપચાર પણ દેખાયો. જગતભરના તત્વચિંતકોને ગીતા ગ્રંથે આકર્ષ્યા અને તેમણે જગતને ઉપયોગી સિદ્ધાંતો તારવી બતાવ્યા. અમે આશા રાખી હતી કે આપણા રેશનાલિસ્ટો અને સત્યશોધક સજ્જનો વિવેકબુદ્ધિવાદ, બુદ્ધિપ્રામાણ્યવાદ અને જીવનના સત્યોનું દર્શન ગીતાને આધારે સમાજ સમક્ષ મૂકશે, પણ અફસોસ સાથે કહેવું પડે કે  ‘વિવેકપંથી‘ દ્વિમાસિકમાં અને ‘સત્યાન્વેષણ‘માં કરેલી ગીતા મીમાંસામાં રેશનાલિસ્ટ વિદ્વાનોએ માત્ર છિદ્રાન્વેષણ જ કર્યું. એ જ તેમનો ઉદ્દેશ હોય તો તેમને સફળતા મળી ગણાય. વિવેકબુદ્ધિવાદ પ્રચારવાને બદલે તેમને તો ગીતામાં કપટ, હિંસા અને વર્ણવ્યવસ્થાનું કાવતરું જ દેખાયું. રેશનલ વિચારધારા સમાજ માટે અતિ ઉપયોગી છે અને તેના પ્રચારક વિદ્વાનો આદરના અધિકારી છે; તેમની વિચારધારા કે ચિંતનની ટીકા કરવાનો આશય લેશમાત્ર નથી, પણ તેમની વિચારસરણીના ચશ્માથી તેમણે જે જોવાનું હતું તે ન જોતાં અણગમતું શોધવાનો પરિશ્રમ કર્યો પરિણામે સમાજોપયોગી કોઈ સૂત્ર રજુ કરી ન શક્યા.

Advertisements

4 thoughts on “દૄષ્ટિકોણ-૯ (પરભુભાઈ મિસ્ત્રી)-જેવા ચશ્મા તેવું દર્શન

 1. અંજતા ઈલોરાની ગુફાઓ આમ તો પહાડ કે પત્થરને હથોડી ટાંકણાથી કોતરી બનાવેલ છે. 

  બે હજાર વરસ અગાઉના ખમીસ કે ચોલીના રંગ આબેહુબ આજના જમાના જેવા છે. 

  આ કામ કોઈ મજુર વર્ગે કરેલ છે? એ જમાનાના સાધુઓની આવડત અને મહેનત દેખાઈ આવે છે.

  Liked by 1 person

 2. .દર્શન શાસ્ત્રના સિધ્ધાંતો માનો એક સિધ્ધાંત દ્રુષ્ટિ સૃષ્ટિ સિધ્ધાંત.આમા જીવ જે જુએ છે
  તેજ સૂષ્ટિ છે – अस्यार्थस्य प्रतिपादनं दृष्टिसृष्टिवाद इति अजातवाद इति च कथ्यते ।
  આ માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે-
  ‘यया यया भवेत् पुंसां व्युत्पत्तिः प्रत्यगात्मनि।
  सा सैव प्रक्रिया साध्वी विपरीता ततोऽन्यथा ॥
  … તેઓ આ અધર્મનુ આચરણ કરવા કેમ તૈયાર થયા છે, તે બધુ ચારે બાજુ નો વિચાર કરતુ ચીંતન કર, અને તૈયાર થઈ, તેમની સાથે વાદ વિવાદ કરવા, વાકબાણની વર્ષા કરવા શક્તિ એકઠી કર અને …અને
  હવે હુ તને દિવ્ય દ્રુષ્ટી જ્ઞાન દ્રુષ્ટી આત્મદ્રુષ્ટી આપુ છુ.
  ત્યારે અર્જુનને દિવ્ય દ્રુષ્ટીથી સૃષ્ટિ અંગે સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે
  મા પરભુભાઈ મિસ્ત્રી- જેવા ચશ્મા તેવું દર્શન મા ગૂઢ ચિંતન સરળ દ્રુષ્ટાંતો આપી સમજાવવા પ્રયત્ન કર્યો છે
  ધન્યવાદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s