પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૪-ખાલીપો- એક રેસ

ખાલીપોએક રેસ

મેં ફોન મૂક્યો. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. ઋચા કે રવિને ફોન કરવા માટે મોડું થઈ ગયું હતું. એમને દિલીપની બિમારી અને એના આવવાના સમાચાર આપવા હતા અને મેં દિલીપને પ્રપોઝ કર્યું એ પણ કહેવું હતું. આ બધું જ સવારે એમના ઘરે જઈને કહેવું પડશે, નહીં તો મને સારું નહીં લાગે. મને દિલીપ સાથેના અપ્રતિમ સખ્ય અને સાયુજ્યની ખોટ તો સદૈવ લાગતી હતી, પણ જીવનના ઉત્તરાર્ધમાં દિલીપ અને હું આમ મળીશું એવી તો મને કોઈ કલ્પના જ ન હતી! મને હજુ સુધી એ કદી નહોતું સમજાયું કે સેમ માટે મને જે આકર્ષણ હતું તેવું ઈન્ટેસ આકર્ષણ મને દિલીપ માટે નહોતું થતું અને દિલીપ સાથે જે સહજતા અને સખ્ય હતું એવું સેમ સાથે નહોતું અનુભવાતું! આ વિભાજિત જિંદગી મારા હિસ્સામાં જ કેમ આવી એ મારા માટે, ખૂબ જ અકળાવનારો, મોટો કોયડો હતો. છતાં પણ, દિલીપને હું પ્રપોઝ કર્યા વિના રહી ન શકી. મને એનો સાથ હજી માત્ર મીસ જ નહોતો થતો પણ ઊંડેઊંડે જોઈતો પણ હતો. મને થયું મારે કોઈને તો આ વાત કરવી જોઈએ, પણ કોને? સીતા પણ સૂઈ ગઈ હતી. એક ક્ષણ તો થયું, સીતાને ઊઠાડીને એને ડંકાની ચોટ પરથી કહું, “આઈ એમ ગેટીંગ મેરીડ ટુ માય દિલીપ, ફાઈનલી!” મને દિલીપના છેલ્લા દિવસોમાં એની સાથે રહેવાનો અને એનું સંપૂર્ણ સાયુજ્ય હકથી માણવાનો મોકો મળી રહ્યો હતો એ પ્રભુની અસીમ કૃપા વિના આ જનમમાં તો શક્ય જ ન હતું. ઋચા અને રવિને કહીશ ત્યારે એ બંને જણાનો પહેલો તાત્કાલિક પ્રતિભાવ શું હશે એનો અંદાજ પણ મને હતો. હું થોડીક નર્વસ પણ હતી. હવે ઊંઘ તો આવવાની નહોતી. ૧૯૭૮ ચોવીસમી મે ને હજુ પાંચ દિવસની વાર હતી. લોકો શું કહેશે એની પરવા કરતાં પણ, હું આમ આટલો મોટો નિર્ણય કેવી રીતે કરી શકી અને દિલીપને ઓન ધ સ્પોટ કહી શકી, એનું અચરજ મને જ વધુ હતું. મારે હવે આવતી કાલની સવારનો અને પછી ૧૯૭૮ની સાલની ૨૪મી મે નો ઈંતજાર કરવાનો હતો. આ રાત આટલી ધીમી ગતિથી કેમ જાય છે? મને સાચે જ હજી પણ રાત નથી ગમતી..!

******

રાત તો આંખોમાં જૂની-નવી વાતો યાદ કરતાં અને પડખાં ઘસવામાં ગઈ. વહેલી સવારે માંડ આંખ લાગી હતી અને ત્યારે ભર નિદ્રામાંથી સીતાએ મને જગાડી. “બેન, સવારના સાડા સાત થઈ ગયા. આજે ઓફિસે નથી જવાના?” હું સફાળી ઊભી થઈ ગઈ. “કેટલા વાગ્યા છે?”

“સાડા સાત થયા છે. ચા-નાસ્તો તૈયાર છે.” અને સીતા જવા માંડી. મેં એને પાછી બોલાવી.

“સીતા, પાછી આવ. મારે તને સમાચાર આપવા છે?”

સીતા પાછી વળી. એના મોઢા પર ગભરાટ હતો. એ બોલી, “બેન, બધું બરાબર છે ને? મારી બાના કઈં ખબર આવ્યા છે?”

“અરે, ના, પાર્વતીમાસી તો બરાબર છે. સીતા, અહીં આવ અને બેસ.” સીતા ગભરાતાં ગભરાતાં મારા પલંગ પર બેઠી. મેં એને કહ્યું, “સીતા, માસીને પાછાં જલદી બોલાવવા પડશે! હું પંદરેક દિવસોમાં લગ્ન કરવાની છું. આપણા આ જ ઘરમાં. કેટલું બધું કામ હશે અને ઘરમાં કોઈ વડીલ તો જોઈશે ને?”

સીતા તો ઉછળી જ પડી. “સાચે જ બેન? લ્યો, આ ખબર સાંભળી હું તો ખૂબ રાજી અને બા તો આ સાંભળી, ખુશીથી રડી જ પડશે! કોની ભેગા પરણવાના બેન?”

“તું ઓળખે છે. દિલીપ સાથે…!”

અચાનક જ સીતાનો ઉત્સાહ ઓસરી ગયો. “પણ, બેન, ઈ તો પરણેલા છે ને? એમની ઘરવાળી નથી રહી હવે?”

મેં સીતાને એટલું જ કહ્યું, “એની ઘરવાળીએ એને છૂટો કરી દીધો.”

એને ખૂબ નવાઈ લાગી. “આટલા સારા છે ભઈ અને એને એમની ઘરવાળીએ છોડી દીધા? કેવા કેવા બનાવો બને છે? પણ હું તો રાજી છું. બેન, સાચું કે’જો, તમને એ પે’લેથી જ ગમતાં’તાં ને?”

હું હસી અને એટલું જ બોલી, ‘હા સીતા. એ મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે. મારે એને ખુશ જોવો છે. ચાલ, હું તૈયાર થઈને ચા-નાસ્તા માટે આવું છું.” સીતા બહાર જતાં બોલી, “ડોક્ટર સાહેબ અને ડોક્ટર મેમસા’બને કીધું?”

“ના, હજી કાલે રાતનાં જ નક્કી કર્યું. એક કામ કર. આજે બુધવાર છે અને ઋચાને રજા છે. એ ઘરે જ હશે. એને ફોન કરીને કહી દે કે ઓફિસ જતાં પહેલાં હું એને ત્યાં આવવાની છું, મારે ખાસ વાત કરવી છે તો એ બહાર ન નીકળી જાય.”

સીતા હસી અને કહે, “બેન, આટલા સરસ સમાચાર આપવા જાઓ છો તો ખાલી હાથે ન જતાં. આ થોડોક શીરો બનાવી આપું છું. મોઢું મીઠ્ઠું કરાવજો. તમે તૈયાર થાવ ત્યાં તો શીરો પણ થઈ જશે.”

હજુ હું તૈયાર થઈને બહાર આવી ત્યાં તો દિલીપનો ફોન આવ્યો. “તું તો સૂઈને ઊઠી ગઈ પણ હવે મારી ઊંઘ હરામ થઈ ગઈ છે તો હું શું કરું?”

મને એને હેરાન કરવાની હંમેશા મજા આવતી. “સાહેબ, મેં તારી નિદ્રાનો ઠેકો નથી લીધો! અને હવે હું મારી પ્રપોઝલ પર ફરી વિચારું છું તો થાય છે કે, મેં થોડીક જલદી કરી નાખી! જે પોતાની ઊંઘની ઓનરશીપ નથી લઈ શકતો તે મારી ઓનરશીપ કેવી રીતે લેશે? મને લાગે છે કે મેં પ્રપોઝ કરવામાં જલદી જ નહીં, પણ, મૂર્ખામી કરી છે!”

એ પણ ગાંજ્યો જાય એમ ક્યાં હતો? એણે સામે જ કહ્યું, “હવે તેં તો મુર્ખામી કરી દીધી પણ મેં એને માની લઈને ડબલ મૂર્ખામી કરી! આવી અનશ્યોર વ્યક્તિ સાથે હું લગ્ન કરી રહ્યો છું તો મારા માટે તો રીસ્ક બમણું થઈ ગયું છે. સે વોટ?”

“ફોન મૂક, મારે જોબ પર પણ જવાનું છે, ચાલ, બાય!” અને, હસુંહસું થતાં, મેં ફોન મૂકી દીધો…!

ચા-નાસ્તો કરીને, સીતાએ બનાવેલો શીરો લઈને હું ઋચાને ત્યાં જવા નીકળી.

******

“આઈ ડુ નોટ નો, મારે શું કહેવું જોઈએ અને શું કરવું જોઈએ, સુલુ? જો રવિ હાજર હોત તો આવું જ કહેત!” ઋચાએ મારો હાથ પકડીને કહ્યું. ‘તને ખબર પણ છે કે તું શું કરી રહી છે? સ્ટમકનું કેન્સર એટલે વાઈલ્ડ ફાયર સાથે જીવવાનું! તું શું કરી રહી છે, તને ખબર પણ છે? આ સીંઘાનીયા ફેમિલી સાથેના અણ-કહેલા બંધનમાંથી ક્યાંક તો તારે તારી જાતને રિલીવ કરવાની છે. મને ખબર નથી, કઈ રીતે અને ક્યારે? આ તું શું કરી રહી છે? આના કરતાં તો તારા ગોરા “શામજી”- સેમ સાથે લગ્ન કરીને તું અમેરિકા રહે એ સારું છે. સુલુ, હું તો તારી સાથે દરેક નિર્ણયોમાં ઊભી રહીશ અને છું જ. પણ, મારી ફરજ છે કે તને સત્ય જેમ છે તેમ જ કહું!”

“ઋચા, કોને ખબર, દિલીપના સખ્યમાં મને એવું મહેસૂસ થાય છે કે જાણે અનરાધાર વરસાદમાં, જનમ આખો છાપરા વિનાના ઘરમાં હું રહેતી હોઉં, ને, અચાનક જ મારા માથા પર એક છત આવી ગઈ હો! કદાચ, આવું હું સેમ સાથે અદમ્ય આકર્ષણ હોવા છતાં નથી અનુભવી શકતી! જ્યારે એણે મને કહ્યું કે એની પાસે માંડ વધુમાં વધુ છ મહિના છે તો, બસ, મેં ત્યારે જ નક્કી કરી લીધું કે મારે એની સાથે સતત રહીને જેટલો પણ સમય મળે, આ છતની સુરક્ષિતતા માણવી છે. એના ગયા પછી મને ખબર છે કે આ સિક્યૉરિટી મારા માટે સપનું જ બની જશે! બસ, આટલી જ વાત છે અને મેં એને કઈં પણ વધુ વિચાર્યા વિના એને પ્રપોઝ કરી દીધું! મને ખબર છે કે આ એટલું “મેસ્ડ અપ” લોજીક છે, પણ, હવે જો તું મારી સાથે નહીં હોય તો હું એને લગ્ન માટે “ના’ પાડી દઈશ. પણ, એના છેલ્લા શ્વાસ સુધી, એને મારા ઘરમાં રાખીશ અને જેટલું બને એટલું એના માટે કરી છૂટીશ. કદાચ આ જ રીતે સીંઘાનીયા પરિવાર સાથે છેડો ફાડવાનો હશે. હું તને ઈમોશનલી બ્લેકમેલ નથી કરતી અને લાગણીવેડામાં સરી પણ નથી ગઈ! અબ તુમ જો કહો વો સર આંખો પર! બોલ શું કહે છે?”

ઋચા બોલી, “નૌટંકી કર્યા વિના નહીં રહે તું! હા, હું તારી સાથે છું, એટલું જ નહીં, રવિ પણ તારી સાથે જ છે! જો સાથે નહીં પણ હોય તો મારીને કરાવીશું! નાઉ, ગીવ મી અ હગ! કોંગ્રેચ્યુલેશનસ!” અને મને ભેટી પડી. તે ક્ષણે, અમે બંને એક સાથે બોલી ઊઠ્યાં હતાં, ‘મમ્મી આજે હોત તો…!”

******

દિલીપ આવ્યો ૨૪મી મે, ૧૯૭૮ને દિવસે અને આઠમી જૂન, ૧૯૭૮ની સવારે, મારા ઘરમાં જ થોડાં નજીકના ૧૫-૨૦ સ્વજનો-મિત્રોની હાજરીમાં અમે લગ્ન કર્યાં. પાર્વતીમાસી ખાસ ગામથી લગ્ન માટે આવ્યાં અને લગ્નના બીજે દિવસે સવારે કહે, “સુલુ, દિકરા, તેં લગ્ન કર્યાં એની મને ખૂબ ખુશી થઈ છે. સીતા તો તમારી સાથે છે જ. હું હજી બે ચાર મહિના ગામ રે’વા જાઉં તો તમને વાંધો તો નથી ને? તમે હા પાડો તો આજે જ બપોરની ગાડીની ટિકિટ મળે તો જતાં રે’વું છે!” દિલીપ અને હું, બેઉ એમને પગે લાગ્યાં અને બોલ્યાં, “માસી, તમે આનંદથી જાઓ.”

ઋચા અને રવિ લગ્નના બીજે દિવસે સાંજના આવ્યાં અને કહે, “અમે નવ-દંપતિને ડિસ્ટર્બ તો નથી કરતાંને?”

મેં હસીને કહ્યું, “જો હા પાડીએ તો તમે અમને એકલાં છોડી દેશો?”

ઋચાએ એક ધબ્બો મારીને, મને ચીટિયો ભર્યો, “તું બેશર્મીથી ના કહેશે તો અમારી પાસે પણ બેશર્મીથી બેસવા સિવાય રસ્તો શું છે? સો, ડુ નોટ ઈવન ટ્રાય!”

રવિ કહે, “મજાક પછી, પણ આજે એક સિરિયસ વાત કરવા આવ્યાં છીએ.” પછી, દિલીપ સામે ફરીને કહે, “તારા બધાં જ રિપોર્ટ અહીંની ટાટા કેન્સર ઈન્સ્ટીટ્યુટના સ્ટમક કેન્સરના ચીફ ડોક્ટરને બતાવ્યા છે. આપણે કાલે સવારે એમને મળવા જઈશું. મેં એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે.”

દિલીપ શાંતિથી બોલ્યો, “કઈં જ ફાયદો નથી પણ તેં જો એપોઈન્ટમેન્ટ લઈ જ લીધી છે તો મળી આવીશું.” મેં મારા જોબ પરથી છ મહિનાની લીવ ઓફ એબસન્સ લીધી હતી. મેં દિલીપને કહ્યું, “એવ્રી થીંગ વીલ બી ફાઈન!” દિલીપ હસીને ઋચા સામે જોઈને બોલ્યો, “તારા “શામજીભાઈ”- સેમ- આ લગ્નથી ફાઈન હોવાનો છે?”

મેં પણ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું, “તમને બેયને કેમ એ જ બિચારો યાદ આવે છે? એને મૂકોને બાજુ!”

ઋચાએ તો પાછું કઈંક કહેવું જ જોઈએ! “દિલીપ, કેટલું મેમસા’બને ખરાબ લાગે છે એના “શામજી” માટે કઈં પણ કહીએ તો?” હંસી-મજાકમાં એ સાંજ વિતી ગઈ. એના પછીની અનેક સાંજ આટલી જ મસ્તીમાં વિતી હતી.

ટાટા ઈન્સ્ટીટ્યુટના કેન્સર સ્પેશ્યાલિસ્ટે પેઈન મેનેજ કરવા માટે દવાઓ આપી હતી. દિલીપને કીમો નહોતી લેવી કારણ કે કીમોની સાઈડ ઈફેક્ટ્સ સહન કર્યા પછી પણ કેન્સર મટવાના કે એની ઉગ્રતા ઓછી થવાના કોઈ જ આસાર નહોતા. દિલીપ અને મેં, ૧૯૭૮ના જૂન આઠથી, ૧૯૭૮ના સપ્ટેમ્બર ૧૫ સુધીની ક્ષણે ક્ષણ સાથે રહીને ભરપૂર માણી હતી…! એક અદભૂત સખ્ય અને સાથથી અમારી બેઉની જિંદગીની પળેપળ ઉભરાતી હતી. ક્યાંય એક ક્ષણ પણ ખાલી નહોતી…! બાલ્કનીમાં ઊભા રહીને સૂર્યોદય જોયા પછી, અમે દરિયા કિનારે ચાલવા જતાં. બપોરે ટીવી, અને સાથે મુવી અને નાટકો પણ સમય અને તબિયત પ્રમાણે ચાલુ રહેતાં. દિલીપના કોઈ દિવસો ખૂબ પેઈનમાં જતાં અને એ સમયે અમે એકમેકના સાંનિધ્યને માણતાં બસ બેસી રહેતાં. અમારો વાંચવાનો શોખ પણ પૂરો કરતાં. રાતના સૂતાં પહેલાં કવિતા અને ગમતા લેખકોની વાર્તાઓ પણ વાંચતાં. આટલી સમૃદ્ધ જિંદગી અમે સાથે જીવી શકીશું, એવું કદી ધાર્યું નહોતું. અમારી વચ્ચે ક્યાંય ખાલી જગ્યા નહોતી પણ…! સપ્ટેમ્બર ૧૫, ૧૯૭૮, અને એક ભર્યોભર્યો ખાલીપો પાછળ છોડીને દિલીપ જતો રહ્યો…!

******

આજે, ૧૯૭૮, સપ્ટેમ્બરની ૨૦ તારીખની સવારે, હું એકલી ઊગતા સૂર્યને જોઈ રહી છું. દિલીપના ગયા પછીના આ પાંચ દિવસોમાં, આ ખાલીપામાં, મેં મારા આખા ને આખા અતીતને રેડી દીધો! આગળ…ભવિષ્ય અને ખાલીપાની રેસમાં હવે ફરી ઝંપલાવવાનું છે… અને, મને ભાસ થયો કે, જાણે મમ્મી મારા ખભે હાથ મૂકીને કહી રહી છે, “બસ, અટકી નહીં જતી!” જોઈએ, ભવિષ્યનો ખાલીપો હવે નવી કઈ કહાનીઓ લઈને આવે છે…!

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

6 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૪-ખાલીપો- એક રેસ

 1. Very touching chapter.
  Sulu taking a bold and quick decision, living every moment to the fullest with love of her life and best friend Dilip, who had very limited time on this earth..
  True love and happy moments of togetherness described very well, how will Sulu handle the emptiness/loneliness left behind with Dilip’s passing??
  Very eagerly looking forward to next (chapter)Thursday….
  Excellent writing…
  Sandhya

  Liked by 1 person

 2. કિતાબોં સે કભી ગુજરોં, તો યૂં કિરદાર મિલતે હૈ…
  ગયે વક્ત કી ડયૌઢી પર ખડે કુછ યાર મિલતે હૈ ..
  યેહી આગાઝ થા મેરા , યેહી અંજામ હોના થા ,
  મુજે બરબાદ હોના થા , મુજે નાકામ હોના …
  વ્યથાની કથા અનુભવી..
  અનુભિતી .વિગલીત થઇ
  ઇફ યુ આર ઇન લવ , ધેન યુ કેન સી યોર લવ એવરીવ્હેર !
  અંજામ ખુદના હાથમાં છે. કિતાબ તો એક સિમ્બોલ છે,
  કળા-સાહિત્યની ….. મુજબ કલાસિકલ ‘ત્રિભંગ’ જ છે!…,

  Like

 3. જીવનમાં પરિસ્થિતિને સ્વીકારી તેને સુંદર વળાંક આપવો તે જ સુખ અને સંતોષ લાવે છે. સુંદર રજુઆત.
  સરયૂ પરીખ

  Like

 4. સુલુએ પ્રેમ ને નિભાવ્યો જિંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ ચાહે થોડી ભી હો યહ ઉંમર બડી હોતી હૈ

  Like

 5. we can realize all these eventful time..we have also seen our cousin last year coming from usa with this deadly cancer of colon and spread in liver and last in lungs- and seen last month of her departure in India with similar best time till last breath. your narration is very touchy…

  Like

 6. 2018-08-03 18:32 GMT-07:00 Rajul Kaushik :
  પ્રિય જયશ્રીબેન,
  કુશળ-મંગળ?
  બીઝી હશો. જો કે મનગમતી પ્રવૃત્તિમાં બીઝી હોઇએ એને તો હું આશીર્વાદ કહીશ.
  છેલ્લા બે સપ્તાહની સુલુની વાત આજે એક શ્વાસે વાંચી …. એક પળ પણ વિચાર્યા વગર દિલીપની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકવો એ સુલુનો દિલીપ પ્રત્યેનો પ્રગાઢ પ્રેમ જ દર્શાવે છે. સુલુની વાત વાંચીને વિચાર આવ્યો કે આટલા અને આવા નાટ્યાત્મક વળાંકોવાળી જીંદગી કોઇ કેવી રીતે જીવી ગયું હશે?
  સાવ ત્રણ મહીના માટે મળેલી અને માણેલી સુખદ પળોના જ માત્ર સથવારે બાકીના ભવિષ્ય અને ખાલીપાની રેસમાં ઝંપલાવાનું કેટલું દુષ્કર હોઇ શકે એની તો કલ્પના માત્ર કપરી છે. સુલુનું માનસિક બળ એની મમ્મીની યાદો અને એનો દિલીપ પરનો પ્રગાઢ પ્રેમ બની જ રહેશે એ નિશંક છે.
  સુલુને આપણે આત્મનસુહાગી કહીશું?
  જયશ્રીબેન સુલુને અને સુલુની સાથે સાથે ઋચા- રવિ-દિલીપને પણ તમે ખૂબ સુંદર રીતે આલેખ્યા છે. દિલીપની ઈંદિરા પ્રત્યેની કાળજી, ઈંદિરાના માતા-પિતાની ખેવના થકી તો દિલીપને પણ એક ઊંચાઇએ ઉભેલો જોઈ શકાય છે.
  ( જો કે દિલીપ-ઈંદિરાની વાત, ઈંદિરાની મનોરુગ્ણતા અને ઈંદિરાના ચાલ્યા ગયા પછીની એના માતા-પિતા માટે દિલીપે લીધેલી કાળજી—આ બધુ જ મારી એકદમ નજીકની વ્યક્તિના પરિવારમાં બની ગયેલી ઘટના છે-જેની વાત ફરી ક્યારેક.)
  સુલુની આખી વાત ક્યારે ક્યાંથી કયા વળાંક પર આવીને ઉભી રહેશે એ વિચારવું ય અઘરુ છે એવા રોલરકોસ્ટર પર એ જીવી રહી છે. આ નવલકથા પરથી કેવી સંવેદનશીલ ફિલ્મ બની શકે ? વિચારી જો જો અને શક્ય હોય તો એ વિચારને જરૂરથી અમલમાં મુકવા આગળ વધજો…
  સૌથી વધુ આનંદ મને થશે જયશ્રીબેન…
  નવલકથાના પ્રતિભાવમાં આ બધું કહેવું શક્ય નથી એટલે જ જરા અલગથી કહું છું.
  ન્યૂજર્સી કાવ્ય પઠનના કાર્યક્રમ માટે આગોતરા અભિનંદન. ન્યૂજર્સી આવો જ છો તો બોસ્ટન ઝાઝુ દૂર નથી.
  જરૂર આવો… ચોક્કસ મળીએ..
  રાજુલની સ્નેહયાદ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s