મને હજી યાદ છે-૪૫ (બાબુ સુથાર)-ભણવા/ભણાવવાનું તાલસે શરૂ


ભણવા/ભણાવવાનું તાલસે શરૂ

હું હવે લગભગ ગોઠવાઈ ગયો હતો. કાર્ડોનાએ અને રીચ કોહને મને કહ્યું હતું કે અમેરિકામાં સેમેસ્ટર શરૂ થાય એ પહેલાં તમારે ગોઠવાઈ જવું પડે. એક વાર સેમેસ્ટર શરૂ થાય પછી તમારી પાસે કશું જ કરવાનો સમય ન રહે. એનો ચોખ્ખો અર્થ એ થતો હતો કે અહીં એક વાર ક્લાસ શરૂ થાય પછી આખું સેમેસ્ટર એક સિમ્ફનીની જેમ ચાલ્યા કરે. મારી TA તરીકેની તાલિમ હવે પૂરી થઈ ગયેલી. એ તાલિમમાં અમને વાંરવાર cultural shockની વાત કરવામાં આવેલી. એટલું જ નહીં, sexual harassment કોને કહેવાય એના પર લગભગ અરધા દિવસની તાલિમ આપવામાં આવેલી. હું તો એ બધું આભો બનીને સાંભળ્યા કરતો હતો. એ તાલિમ દરમિયાન મેં ‘આઈવી લીગ’ અને ‘વૉર્ટન સ્કુલ’ શબ્દો  સાંભળેલા. મને એ બે વિશે કશી જ ખબર ન હતી. ભારતથી અમેરિકા આવવા નીકળ્યો ત્યારે કોઈકે મને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ‘આઈ વી લીગ’ યુનિવર્સિટી છે એમ કહેલું. કાર્ડોના અને રીચે પણ એવું જ કંઈક કહ્યું હતું પણ મેં એમને પૂછ્યું ન હતું કે ‘આઈ વી લીગ’ એટલે શું? તાલિમ દરમિયાન અમને કહેવામાં આવેલું કે વૉર્ટન સ્કુલ એક બિઝનેસ સ્કુલ છે અને વિશ્વમાં એનો પ્રથમ નંબર છે.

       મારે Beginning Gujaratiના બે વર્ગ ભણાવવાના હતા. હું સત્તાવાર રીતે કાર્ડોનાનો Teaching Assistant હતો. એનો અર્થ એ થયો કે પાઠ્યપુસ્તક પસંદ કરવાથી બીજા તમામ પ્રકારના નિર્ણયો અંતિમે તો કાર્ડોનાએ જ લેવાના હતા. એના જ એક ભાગ રૂપે એમણે મને જગદીશ દવેનું Learn Gujarati પુસ્તક આપેલું. મારે એ પુસ્તકના આધારે ગુજરાતી ભણાવવાના પાઠ (lessons) તૈયાર કરવાના હતા. એ વખતે વિજય ગંભીર દક્ષિણ એશિયાની ભાષાઓનાં કોઓર્ડીનેટર હતાં. એમનું કામ ભાષાશિક્ષણની ગુણવત્તા જાળવવાનું અને એ માટે અમને જરૂરી તાલિમ આપવાનું હતું. ત્યારે communicative અભિગમથી ભાષાઓ ભણાવવામાં આવતી હતી. એમાં સીધા જ વ્યાકરણ ભણાવવા પર લગભગ પ્રતિબંધ હતો. એટલે મારે દરેક પાઠ communicative અભિગમથી તૈયાર કરવા એવું મને કહેવામાં આવેલું. એટલું જ નહીં, અમને એવું પણ કહેવામાં આવેલું કે ભાષાના ક્લાસમાં પહેલા દિવસથી જ target ભાષા વાપરવાની. અર્થાત્, મારે ગુજરાતી ભાષા જ વાપરવાની. Communicative અભિગમનો મારો અભ્યાસ એવું કહેતો હતો કે જ્યારે અંગ્રેજી શિક્ષકો આફ્રિકા અને એશિયાના દેશોમાં અંગ્રેજી ભાષા ભણાવવા માટે ગયા ત્યારે એમને એમના વિદ્યાર્થીઓની ભાષા ન’તી આવડતી. એટલે એમણે આ target ભાષા જ વાપરવાનો સિદ્ધાન્ત બનાવેલો. મારે જે વિદ્યાર્થીઓ આવતા હતા એમાંના કેટલાક તો ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી બોલતા હતા. જો હું પહેલા દિવસે જ પેલા અંગ્રેજી અધ્યાપકની જેમ છાતી પર હાથ પછાડી પછાડી, આંખો પહોળી કરીને “મારું નામ બાબુ છે” એમ કહું તો એ વિદ્યાર્થીઓ હસવા સિવાય બીજું કંઈ જ ન કરે. મેં કાર્ડોનાને કહ્યું કે આ communicative અભિગમ કોઈ ધર્મગ્રંથની જેમ સ્વીકારવાની જરૂર નથી. આપણી પરિસ્થિતિ જુદા પ્રકારની છે. કાર્ડોના મારી વાર સાથે સંમત થયેલા અને મને એમાં જરૂરી છૂટ લેવાની પરવાનગી આપેલી.

       શરૂઆતમાં હું વર્ગમાં જતો ત્યારે કાર્ડોના અચૂક મારા વર્ગમાં બેસતા. હું કઈ રીતે ભણાવું છું એનું નિરીક્ષણ કરતા. ક્યાંક હું ભૂલ કરતો’તો એ મને પ્રેમથી ટકોરતા પણ ખરા. પહેલા દિવસે જ એક વિદ્યાર્થીએ મને ગુજરાતીમાં પૂછેલું, “તારું નામ બાબુ છે?” મેં હા પાડેલી અને પછી મેં એને ‘તારું’/’તમારું’ ક્યારે વાપરવું એ સમજાવેલું. એ વિદ્યાર્થી હકીકતમાં તો એક જમાનામાં હું વડોદરામાં જ્યાં રહેલો એ કેન્યાકુંજના કુટુંબમાંથી આવતો હતો. એ કેન્યાકુંજવાળા દાદાદાદીનો પૌત્ર હતો. ઋષિ એનું નામ. આજે તો એ અહીં અમેરિકામાં આંખનો દાક્તર છે. વર્ગ પૂરો થયા પછી એણે મને એનો પરિચય આપેલો. પણ, પહેલા દિવસે મને એક બીજા કારણથી ક્લાસ અઘરો પડેલો. બધા જ છોકરાઓ અમેરિકન અંગ્રેજી બોલતા હતા. મેં ભારતીયોને, અને એમાં પણ ખાસ કરીને, ગુજરાતીઓને, આ રીતે અંગ્રેજી બોલતાં સાંભળ્યા ન હતા. આ સાચે જ એક cultural shock હતો. કેમ કે આપણે જાણ્યેઅજાણ્યે અંગ્રેજી ભાષાને શ્વેત ત્વચા સાથે સાંકળેલી છે. અહીં, મારા વર્ગમાં જે વિદ્યાર્થીઓ હતા, એ બધા તો મારા જેવા જ હતા! એ દિવસે મેં નક્કી કર્યું કે મારે ગુજરાતી સમૂદાયના મેં નક્કી કરેલા એવા stereotypesમાંથી બહાર નીકળવું પડશે. હું સતત મારા વિદ્યાર્થીઓ પાસેથી શીખવાનો પ્રયાસ કરતો. બેત્રણ અઠવાડિયાં પછી કાર્ડોનાને મારા પર વિશ્વાસ બેસી ગયેલો. પછી ધીમે ધીમે એમણે મને એકલો છોડી દીધેલો. પન્ના નાયક ત્યારે Intermediate Gujrati ભણાવતાં. પણ અમારે મળવાનું ભાગ્યે જ થતું. એ એમના કામમાં, હું મારા કામમાં. જો કે, એ ક્યારેક મળી જતાં ને હલો કરતાં. પણ એમાં ઔપચારિકતા વધારે હતી. બન્ને પક્ષે. મને એમ હતું કે એમની પાસે Beginning Gujarati ભણાવવાની સામગ્રી હશે અને એ મારી સાથે share કરશે. પણ એવું કશું શક્ય ન બન્યું.

       એ જમાનામાં દક્ષિણ એશિયા વિભાગનું બહુ મોટું નામ હતું. ત્યાં અને ધુરંધરો ભણાવતા હતા. ગાય વેલબોન ત્યારે અમારા વિભાગના વડા હતા. એ બૌદ્ધ ધર્મના નિષ્ણ઼ાત હતા. મારી પાડોશમાં જ વિલિયમ હાલ્ફબાસ બેસતા. હિન્દુ ધર્મના નિષ્ણાત. ઓરિએન્ટલ અભ્યાસમાં એમનું નામ ઘણું મોટું. માઈકલ માઈસ્ટર દક્ષિણ એશિયાની કળાના નિષ્ણાત. એ જ રીતે લુડો રોશર અને એમનાં પત્નિ. લુડો હિન્દુ ધર્મશાસ્ત્રના તથા પુરાણના નિષ્ણાત. પાલિ, પ્રાકૃત, અપભ્રંશ સરસ જાણતા. એમનું પુરાણના ઇતિહાસ પરનું અને ધર્મશાસ્ત્ર પરનું પુસ્તક જગવિખ્યાત છે. કાર્ડોના ભાષાવિજ્ઞાન વિભાગના હેડ હતા અને દક્ષિણ એશિયા વિભાગમાં પણ પ્રોફેસર હતા. એ ઈન્ડો યુરોપિયન ભાષાવિજ્ઞાન, ઐતિહાસિક ભાષાવિજ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના વિદ્વાન. ઘણા લોકો આજે પણ એમને આધુનિક પાણિની તરીકે ઓળખે છે. પ્રો. સાઉથવર્થ ભારતીય-આર્ય ભાષાકુળના નિષ્ણાત. એમણે મરાઠી ભાષા પર પણ કામ કરેલું. શરૂઆતમાં એ મને બહુ ‘કડક’ પ્રોફેસર લાગતા. પણ પછી વડીલ મિત્ર બની ગયેલા. હું એમની પાસેથી પણ ઘણું શીખ્યો છું. આ ઉપરાંત, એક પ્રો. શિફમૅન પણ હતા. એ દ્રવીડીયન ભાષાકુળના અને ભાષાનીતિના મોટા વિદ્વાન. ત્યારે એમનો ભાષાનીતિ પરનો કોર્સ ખૂબ જ લોકપ્રિય હતો. તદ્ઉપરાંત, સુરેન્દ્ર ગંભીર અને વિજય ગંભીર. પતિપત્ની. બન્ને હિન્દી ભાષા ભણાવતાં. બન્ને ભાષાશાસ્ત્રમાં પીએચડી. સુરેન્દ્ર ગંભીરે ભાષા આયોજન પર કામ કરેલું. વિજય ગંભીરે હિન્દી વાક્યરચના પર. એ જમાનામાં મહિને એક વાર દક્ષિણ એશિયા વિભાગનો સેમિનાર થતો. એ સેમિનારની ખૂબ જાહેરાત થતી ને ઘણી વાર તો સો સો માણસો એ સેમિનારના મુખ્ય વક્તાને સાંભળવા આવતા. વ્યાખ્યાનને અંતે પ્રશ્નોત્તરી થતી. એવું કહેવાતું કે એ પ્રશ્નોત્તરીમાંથી હેમખેમ પાર ઉતરે એ માટે કેટલાક વિદ્વાનો બાધા પણ રાખતા કે પ્રાર્થના પણ કરતા. મેં કેટલાય વિદ્વાનોને ઘેરાતાં જોયા છે. એવા પહેલા સેમિનાર વખતે વેલબોને બધાંને મારો પરિચય આપેલો. એમણે કહેલું, “બાબુભાઈ સત્તાવાર રીતે આપણા વિદ્યાર્થી છે. એ અત્યારે કાર્ડોનાના TA છે. પણ આપણે એમને એક શિક્ષક તરીકે માન આપીશું. એ વડોદરાની વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના પ્રોફેસર હતા. આપણે એમને અહીં ભાષાવિજ્ઞાનમાં પીએચડી કરવા તથા ગુજરાતી ભણાવવા બોલાવ્યા છે.” બધા જ પ્રોફેસરો મને ખૂબ માનથી જોતા. જો કોઈ રસ્તામાં મળતા તો ઊભા રહેતા અને મારા સંશોધન વિશે, મારા અભ્યાસ વિશે અને મારા કુટુંબ વિશે પણ પૂછતા.

       આ બાજુ ભાષાવિજ્ઞાનનો અભ્યાસ પણ શરૂ થઈ ગયેલો. મેં અગાઉ નોંધ્યું છે એમ મેં વાક્યતંત્ર, ધ્વનિતંત્ર અને ઐતિહાસિક ભાષાવિજ્ઞાનના કોર્સિસ લીધેલા. વાક્યતંત્રનો કોર્સ Beatrice Santorini ભણાવતાં, ધ્વનિતંત્રનો કોર્સ Eugene Buckley અને ઐતિહાસિક ભાષાવિજ્ઞાનનો કોર્સ કાર્ડોના ભણાવતા. Buckleyનો એકેએક ક્લાસ ક્લાસિકલ સંગીતના કાર્યક્રમ જેવો રહેતો. એ ક્લાસના આરંભે એક handout આપતા અને ક્લાસ પૂરો થાય એ ક્ષણે જ એ handout પૂરો થતો. કાર્ડોના ઐતિહાસિક ભાષાવિજ્ઞાન ભણાવતા ત્યારે વિશાળ કાળા પાટિયાની (આમ તો લીલું પાટિયું હતું) એક બાજુથી બીજી બાજુ, ડાબેજમણે, restless બનીને ચાલ્યા કરતા. પાટિયા પર એટલું સરસ રીતે લખતા કે ક્લાસને અંતે એ પાટિયું ઐતિહાસિક ભાષાવિજ્ઞાનના શિલાલેખ જેવું લાગતું. વાક્યતંત્રના પ્રોફેસર નવા નવા હતા. એ જાણતાં ઘણું પણ એમના ભણાવવામાં જ્ઞાનની, શાણપણની, ઉણપ લાગ્યા કરતી. એ વાતવાતમાં અગ્રેજી ભાષાનાં ઉદાહરણો આપતાં. મને અંગ્રેજી ભાષા આવડતી હતી પણ દેખીતી રીતે જ મારી intuition અંગ્રેજી ભાષાના ભાષક જેવી તો ન જ હોય. એને કારણે મને મુશ્કેલી પડતી હતી.

       આ ત્રણેય ક્લાસમાં દર અઠવાડિયે હોમવર્ક આપવામાં આવતું. તદઉપરાંત, દર અઠવાડિયે દરેક કોર્સમાં લગભગ દોઢસોથી બસો પાનાં વાંચવાનાં આવતાં. મને એ ખૂબ અઘરું પડતું હતું. મારો જીવ અરધો ભારતમાં રહેતો. મને મારા કુટુંબની, મારાં માબાપની ચિન્તા થયા કરતી. વળી મારી પાસે કૉમ્પ્યુટર પણ ન હતું. એટલે હું ઘેર હોમવર્ક કરી, સવારે છ વાગે મારા ડીપાર્ટમેન્ટ પર આવતો અને બધાં હોમવર્ક ટાઈપ કરતો. સમાન્તરે મારે ગુજરાતી handout પણ તૈયાર કરવાના રહેતા. એ માટે કાર્ડોનાએ મને જરૂરી સોફ્ટવેર ઇન્ટોલ કરી આપેલું. ત્યારે એપલ કૉમ્પ્યુટર પર ગુજરાતી ટાઈપ કરી શકાતું હતું.

       પહેલી વાર મારે વાક્યરચનાના અઠવાડિક હોમવર્કમાં એંશી માર્ક્સ આવ્યા ત્યારે હું ખુશ થઈ ગયેલો. પછી, Santoriniએ મને બોલાવીને કહ્યું કે વાક્યરચનામાં મારો દેખાવ ખૂબ નબળો છે ત્યારે મને આઘાત લાગેલો. કેમ કે મને એમ હતું કે સિત્તેરથી વધારે માર્કસ આવે એ તો distinction કહેવાય. પછી Santoriniએ મને સમજાવેલું કે મારે ઓછામાં ઓછા ૮૫ માર્ક લાવવા પડે. નહીં તો પહેલા વરસના અંતે ડીપાર્ટમેન્ટ મારા દેખાવની સમીક્ષા કરશે અને જો મારા ગુણ ઓછા હશે તો એ લોકો મને કાઢી મુકશે. હું સાચે જ ગભરાઈ ગયેલો. બીજા દિવસે મેં કાર્ડોનાને વાત કરી. કાર્ડોનાએ પણ મને એમ જ કહ્યું. જો કે, એમણે ઉમેર્યું પણ ખરું કે ભાષાવિજ્ઞાન વિભાગના ઘણા પ્રોફેસરો મારી તરફેણમાં નથી. એ કદાચ મારા વિદ્યાર્થીઓને હેરાન પણ કરે. કંઈ કહેવાય નહીં. તમે ચેતતા રહેજો.

       એ જ સમય દરમિયાન એક બીજો બનાવ પણ બન્યો. કાર્ડોનાએ અમને ઐતિહાસિક ભાષાવિજ્ઞાનનું હોમવર્ક આપ્યું. મને એમણે કહ્યું કે હું જૂની ગુજરાતી ભાષાના ધ્વનિપરિવર્તન પર કોઈક પેપર લખી શકું. મને લાગ્યું કે આ કામ તો સહેલું છે. એટલે હું પુસ્તકાલયમાંથી હરિવલ્લભ ભાયાણી તથા બીજા કેટલાક યુરોપિયન અને અમેરિકન ભાષાવિજ્ઞાનીનાં પુસ્તકો લઈ આવ્યો. મેં ભાયાણીનાં પુસ્તકોમાંથી data લઈને એક પેપર લખ્યું. કાર્ડોનાએ પેપરમાંનો લગભગ એંશી ટકા data નકારી કાઢ્યો. એમણે કહ્યું કે ભાયાણીનો આ data સ્વીકારી શકાય એમ નથી. એમણે એનાં કારણો પણ આપ્યાં. હું તો મુંઝાઈ ગયો. ભાયાણીનો data સાચો ન હોય એવી તો મેં કદી કલ્પના જ કરી ન હતી.

       આ બધા સંઘર્ષોની સમાન્તરે હજી બીજા સંઘર્ષો તો ચાલતા જ હતા. હજી અમેરિકન સંસ્કૃતિ બરાબર સમજાતી ન હતી. એક દિવસ રીચ કહે, “બાબુ, નજીકમાં ટ્રક ઉપર જ ફ્રુટ સલાડ મળે છે. તું ત્યાં ખાઈ શકે.” હું ત્યાં ગયો. બધે જ ફર્યો. પણ મને ન તો ટ્રક દેખાઈ ન તો ફ્રુટ સલાડ. મેં રીચને કહ્યું કે ત્યાં તો કશું નથી. પછી રીચ મારી સાથે આવ્યો. ત્યાં ટ્રકને બદલે લારીવાળા હતા અને ફ્રુડસલાડને બદલે પાકાં ફળની લારીઓ હતી. મને શું ખબર કે આ લોકો એ લારીઓને ટ્રક કહેતા હશે અને કાપેલાં ફળને ફ્રુટ સલાડ કહેતા હશે! એ જ રીતે, રીચે મને કહેલું કે તને યુનિવર્સિટી માર્કેટમાં આવેલી એક સબ વેમાંથી સેન્ડવીચ પણ મળી રહેશે. હું એ માર્કેટમાં ગયો. એક ગુજરાતી જૈન બાઈ ત્યાં સબ વે ચલાવતી હતી. એ બાઈએ મને ઈંચમાં સેન્ડવીચની વાત કરી ત્યારે હું સાચેસાચ મુંઝાઈ ગયેલો. ખાવાનું પણ ઈંચ પ્રમાણે! કેવો દેશ છે આ! એ દરમિયાન મારી કાંડા ઘડિયાળ બગડી ગઈ. હું અમેરિકા આવેલો ત્યારે મારી કાંડા ઘડિયાળને સર્વિસ કરાવીને આવેલો જેથી એ બગડી ન જાય. પણ બગડી ગઈ. હું યુનિવર્સિટીની નજીક આવેલી એક ઘડિયાળીની દુકાને ગયો. એણે પંચોતર ડૉલર કહ્યા. એટલામાં તો બીજી ચાર ઘડિયાળો આવે. એણે હસતાં હસતાં કહેલું: “જો તમે emotionally એ ઘડિયાળ સાથે જોડાયેલા ન હો તો એને કચરાપેટીમાં ફેંકી દો. બીજી ખરીદો.” પણ મારા માટે પ્રશ્ન એ હતો કે ઘડિયાળ મળે ક્યાં? એ વખતે મને અકસ્માતે જ પન્ના નાયક મળી ગયાં. મેં એમને પૂછ્યું કે કાંડા ઘડિયાળ ક્યાં મળે? એમણે મને કોઈક દુકાનનું નામ કહ્યું પણ એ દુકાન ક્યાં છે એવું મારાથી એમને પૂછી ન શકાયું. મને એમ કે એ કદાચ મને એવી કોઈક દુકાને લઈ જશે. આખરે ભાષાવિજ્ઞાનમાં ભણતો એક મધ્ય-પૂર્વના દેશોનો વિદ્યાર્થી મને કોઈક દુકાને લઈ ગયેલો. મેં ત્યાંથી વીસેક ડૉલરની એક કાંડા ઘડિયાળ ખરીદેલી.

હું ત્યારે અઠવાડિયાના વીસ ડૉલર વાપરતો. એ વીસ ડૉલર પણ હું ચેકથી લેતો. મેં આગલા પ્રકરણમાં કહ્યું છે એમ મને ATM વાપરતાં બીક લાગતી હતી. હું બસમાં ન’તો બેસતો. ટ્રોલીમાં પણ ન’તો બેસતો. જ્યાં જવું હોય ત્યાં ચાલીને જતો. ચાલીને ન જઈ શકાય એવી એક પણ જગ્યાએ હું ન’તો જતો. કેમ કે મારે કોઈ પણ સંજોગોમાં સાત હજાર ડૉલર બચાવવાના હતા. એ વગર હું મારા કુટુંબને અહીં, અમેરિકામાં, બોલાવી શકું એમ ન હતો. વરસે અગિયાર હજારના સ્ટાઈફંડમાંથી સાત હજાર તો કઈ રીતે બચે? તો પણ હું કરકસર કરતો.

એ દરમિયાન બનેલો એક પ્રસંગ હું કદી નહીં ભૂલું.

હું દુકાને દુકાને ફરીને પૂછતો કે તમે કર્ડ રાખો છો. અને બધા જ લોકો મને જોઈ રહેતા. આખરે એક દિવસ મને કોઈકે કહ્યું કે તમારે ‘કર્ડ’ નહીં, ‘યોગર્ટ’ કહેવાનું. એમનું ‘યોગર્ટ’ એ આપણું ‘કર્ડ’ અર્થાત્ એ આપણું દહી. મેં એક મહિના સુધી કેવળ ભાત અને અથાણું કે દૂધ ખાધેલું. કેમ કે મને ‘કર્ડ’ ક્યાંય મળતું ન હતું!

       પણ હું અકળાતો નહીં. મને ભણવાનું ગમતું હતું. વાંચવાનું ગમતું હતું. હું ત્યારે નહીં નહીં તો દિવસના પંદરથી સોળ કલાક વાંચવાલખવાનું કામ કરતો. હજી પણ મને થાય છે કે એવા દિવસો ક્યારે પાછા આવશે જ્યારે મારે વાંચવાલખવા સિવાય બીજું કશુંજ કરવાનું ન હોય!

4 thoughts on “મને હજી યાદ છે-૪૫ (બાબુ સુથાર)-ભણવા/ભણાવવાનું તાલસે શરૂ

 1. ‘…તાલસે શરૂ’ વાંચતા યાદ આવી અમારી ગ્રામરક્ષક દળની કેળવણી વખતે વારંવાર બોલાતો શબ્દ-‘શસ્ત્ર-કન્ધેસે ઔર તાલસે.
  ‘sexual harassment હંમણા બહુ ચર્ચિત શબ્દ છે.,’ડોશી મરી ગઇ પોર અને આંસુ આવ્યા ઓણ! ‘જેમ કેસ ચાલે અને ભારે સજા થાય!
  target ભાષા અંગે છૂટ લેવાની પરવાનગી બાદ વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવ્યું હશે ? ‘તારું’/’તમારું’, અમેરિકન અંગ્રેજી , ટ્રક ઉપર જ ફ્રુટ સલાડ, કર્ડ,ગ્રેડ અંગે રમુજ મરક મરક કરાવી ગઇ. કોલેજના અભ્યાસક્રમમા સાધારણ રીતે પોતાનું લખેલું પુસ્તક ખરીદે તેને ગ્રેડ A+ સહેલાઇથી મળે તેવું લાગે છે.
  વાક્યતંત્ર, ધ્વનિતંત્ર અને ઐતિહાસિક ભાષાવિજ્ઞાન અને ભાષાના મોટા વિદ્વાન વિષે વિસ્તારપૂર્વક પરિચય આપતો લેખ જરુર લખશો
  દરવખતની જેમ નિખાલસતાથી લખેલ લેખ બે વાર માણવાની મઝા આવી.

  Liked by 1 person

 2. ભાઈ શ્રી બાબુભાઇ,
  આપના આર્ટિકલસ વાંચી ઘણો આનંદ થાય છે. ઉપરનાં આર્ટિકલનાં પાંચમાં પૅરેગ્રાફ વાંચી કંઈક સમજવાં ની ઉત્સુકતા જાગી છે.
  ” ભાષાવિજ્ઞાન ” માં ભાષાનું વિજ્ઞાન એટલે શેનો અભ્યાસ ? અને એમાં વાક્યતંત્ર , ધ્વનિ તંત્ર અને ઐતિહાસિક ભાષાવિજ્ઞાન
  વિભાગો વિગેરે પેટા વિભાગો. આ વિષે વધુ છણાવટ કરશો તો આનંદ થશે. હું સાયન્સ ની વિદ્યાર્થિની હતી. ભાષાનું જ્ઞાન બહુ મળ્યું
  નથી તેથી આ વાંચતાં જાણવાની જિજ્ઞાસા થઇ છે તો અનુકૂળતાએ એનાં વિષે થોડી વાતો કરશો તો આનંદ થશે.
  આભાર સહ ,
  ફૂલવતી શાહ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s