દૄષ્ટિકોણ-૧૦ (પરભુભાઈ મિસ્ત્રી)-ન જાને કિસ ભેષમેં નારાયણ મિલ જાય


ન જાને કિસ ભેષમેં નારાયણ મિલ જાય

વક્તા તરીકે પધારેલા મહેમાને શ્રોતાજનો સમક્ષ ભાવપૂર્ણ નજરે જોતાં, બંને હાથ જોડેલા રાખી, અંતર્મુખ થઈ માઈક પરથી રામચરિત માનસની એક ચોપાઈ લલકારી. ‘ સીયારામમય સબ જગ જાનિ, કરઉં પ્રનામ જોરિ જુગ પાની‘ થોડીક ક્ષણો નજર સ્થિર રાખ્યા પછી તેણે સભાને સંબોધન કર્યું, ‘આદરણીય વડીલો, મુરબ્બીઓ અને મિત્રો, મારા વક્તવ્યની શરુઆતમાં મેં જે ચોપાઈ રજૂ કરી તેનો ભાવાર્થ એ છે કે. આખું જગત સીતા રામમય છે એમ સમજીને હું આપ સૌને તથા આપના હૃદયમાં બીરાજમાન પરમાત્માને ભાવપૂર્વક પ્રણામ કરું છું.

અહીં ઉપસ્થિત આપ સૌ પૈકી ઘણા મહાનુભાવો જુદા જુદા ક્ષેત્રમાં ટોચના પદ શોભાવીને નિવૃત્ત થયેલા છો. સુદીર્ઘ સફળ કારકિર્દી એ આપનો ભૂતકાળ છે. આપે આપનું શ્રેષ્ઠત્વ સમાજને પ્રદાન કરેલું છે. આપ સૌના દર્શન કરીને હું કૃતાર્થ થયો છું. મારા આપને નમસ્કાર. નમ્રતાથી કબૂલ કરું છું કે મારામાં આપના જેટલી વિદ્વત્તા નથી, આપના જેટલો અનુભવ નથી કે જેથી આપ સૌની સમક્ષ કોઈ નવો વિચાર કહી શકું, હું કુશળ વકતા નથી કે આપનું મનોરંજન કરી શકું. આપ જેવા સમર્થોને કંઈક નવું આપવા નહિ, પણ આપનું માર્ગદર્શન મેળવવા અહીં ઉપસ્થિત થયો છું. મારા મનની કેટલીક મૂંઝવણો વ્યક્ત કરતા પહેલાં બે- ત્રણ દૃષ્ટાંતો રજૂ કરીશ. મને ખાત્રી છે કે એ દૃષ્ટાંતો આપને ખબર હોવા છતાં એનું અહીં પુનરાવર્તન આપને ખટકશે નહિ.

ઈન્ગ્લેન્ડની રાજધાની લંડનમાં, પ્રવાસ દરમિયાન એક સાંજે, મહારાજા જયસિંહજી સાદા કપડામાં. બૉન્ડ સ્ટ્રીટમાં લટાર મારવા નીકળ્યા. ત્યાં તેમણે રૉલ્સ રોયસ કંપનીનો ભવ્ય શો રૂમ જોયો. એટલે મોટરકારનો ભાવ જાણવા અંદર દાખલ થયા. શો રૂમના અંગ્રેજ મેનેજરે તેમને કંગાળ ભારતના સામાન્ય નાગરિક સમજીને પાછા કાઢ્યા. શો રૂમના સેલ્સ મેનેજરે પણ તેમનું ખૂબ અપમાન કર્યું. ‘ગેટ આઉટ‘ કરવાનું જ બાકી રાખ્યું. અપમાનિત મહારાજા ફરીથી હોટેલ પર આવ્યા અને રોલ્સ રોયસના તે જ શો રૂમ પર ફોન કરાવ્યો. સંદેશો મોકલાવ્યો કે અલવરના મહારાજા કેટલીક મોટરકાર ખરીદવા માંગે છે.

થોડીવાર પછી મહારાજા જ્યારે રજવાડી પોષાકમાં પોતાના દબદબા સાથે શો રૂમ પર પહોંચ્યા ત્યાં સુધીમાં એમના સ્વાગતમાં લાલ જાજમ બિછાવાઈ ચૂકી હતી. તે જ અંગ્રેજ મેનેજર અને સેલ્સમેન માથું નમાવીને તેમની સામે ઊભા હતા. મહારાજાએ એ સમયે શો રૂમમાં હાજર હતી તે તમામ છ કાર ખરીદીને કારની કીંમત સહિત ભારત પહોંચાડવાનો ખર્ચ પણ ચૂકવી દીધો.

ભારત પહોંચ્યા પછી મહારાજા જયસિંહજીએ છ કાર અલવરની નગરપાલિકાને આપી દીધી અને હુકમ કર્યો કે આ તમામ કારનો ઉપયોગ અલવર રાજ્યનો કચરો ઉઠાવવામાં કરવામાં આવે.

દુનિયાની નંબર વન ગણાતી સુપર ક્લાસ રોલ્સ એન્ડ રોયસ કારનો ઉપયોગ નગરપાલિકાની કચરાગાડી તરીકે થતો હોવાના સમાચાર વાયુવેગે સમસ્ત વિશ્વમાં ફેલાઈ ગયા. અને કંપનીની ઈજ્જત પર પાણી ફરી વળ્યું. યુરોપ અમેરિકામાં કોઈ અમીર વ્યક્તિ જો એમ કહે કે ‘મારી પાસે રોલ્સ રોયસ કાર છે,‘ તો સામેવાળો પૂછતો કે ‘કઈ કાર? જે કારનો ઉપયોગ ભારતમાં કચરાગાડી તરીકે થાય છે તે કાર?‘ કાર ખરીદનાર છોભીલો પડી જતો.

બદનામીના કારણે કારના વેચાણમાં ઘટાડો થવાથી કંપનીને અપાર નુકસાન થવા લાગ્યું. મહારાજા જયસિંહજીની ક્ષમા માંગતો ટેલિગ્રામ કંપનીએ મોકલ્યો અને વિનંતી કરી કે રોલ્સ રોયસ ગાડીનો કચરાગાડી તરીકે થતો ઉપયોગ બંધ કરાવે. માફીપત્ર સાથે બીજી છ કાર વિના મૂલ્યે આપવાની પણ ઓફર મૂકી.

મહારાજાને જ્યારે પાક્કો ભરોસો બેઠો કે હવે અંગ્રેજોની શાન ઠેકાણે આવી છે ત્યાર બાદ તે કાર દ્વારા કચરો ઉઠાવવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો.

દૃષ્ટાંત પૂરું થયા  પછી એક દીર્ઘ શ્વાસ લઈને વક્તાએ સભા તરફ નજર કરી. જેમને આ દૃષ્ટાંતની ખબર હતી તેમની આંખોમાં ચમક દેખાતી હતી. અંગ્રેજોની ગેરસમજ દૂર કરનાર મહારાજાની બુદ્ધિ પ્રત્યે માન પ્રગટ કરનારું સ્મિત તેમના હોઠો પર રમી રહ્યું હતું. આ કિસ્સો મને વોટ્સએપ પર વાંચવા મળેલો, આપે પણ વાંચ્યો હશે.

વક્તાએ શ્રોતાઓને પૂછ્યું, મહારાજાની અવગણના કરનારાઓમાં આપણે હોત તો મહારાજાના અસલ પરિચય થયા પછી આપણી મનોસ્થિતિ કેવી હોત? આવી ક્ષોભજનક પરિસ્થિતિમાં ફરીથી મૂકાવું ન પડે તે માટે આપણે શું વિચાર્યું હોત?…..

બીજો એક કિસ્સો આ જ શહેરના એક શ્રેષ્ઠી સાથે સંકળાયેલો છે અને અહીંના અખબારોમાં પ્રગટ થઈ ચૂકેલો હોવાથી સર્વવિદિત છે. અબજોપતિ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંસને જિંદગીના પાઠ ભણવા એક મહિના માટે અજાણ્યા શહેરમાં, પોતાની સાચી ઓળખ છૂપાવીને સામાન્ય માણસની જેમ જીવવાની તાલીમ લેવા મોકલ્યો.

   બુટ ચંપલની દુકાનમાં કામ ન આપનાર અબ્દુલચાચા, હોટેલની ડોરમેટરી રૂમમાં રહેનાર અને ચોરીનો આરોપ મૂકીને પીટાઈ કરનારા સાથીદારો, એનસાઈક્લોપિડિયા અને સાયન્સ ફેક્ટની બુક વેચવા ઘરે ઘરે ફરનાર શ્રેયાંસને હડધૂત કરનારા બંગલાવાસીઓ, ચપરાશી તરીકે નોકરી આપનાર બુટિક માલિક- એ તમામને જ્યારે શ્રેયાંસની અસલી ઓળખ થઈ પછી એમને પોતાના માટે કોઈ અપરાધભાવ નહિ જાગ્યો હોય?

ત્રીજું એક ઐતિહાસિક દૃષ્ટાંત, વરસો પૂર્વે મેં પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીના મુખેથી સાંભળેલું તે હું રજૂ કરવા માંગું છુ.

  બ્રિટનનો રાજા એક ખેડૂતનો વેષ લઈને મિલિટરીની છાવણી પાસેથી પસાર થતો હતો. તંબુની બહાર મિલિટરીનો કેપ્ટન ખુરસી નાખીને લાંબા પગ કરીને બેઠો હતો. ખેડૂતના વેષમાં આવેલા રાજાએ તેને પિટ્સબર્ગ જવાનો રસ્તો પૂછ્યો. કેપ્ટને તેને લાત મારીને પાડી નાખ્યો અને ત્યાંથી નીકળી જવાની તાકીદ કરી. ધૂળવાળું મોઢું અને કપડાં સાફ કરીને ખેડૂત ઊભો થયો. તેણે કેપ્ટનની સામે ઊભા રહીને પૂછ્યું સાહેબ. ‘તમે મોટા માણસ લાગો છો, તમે મને લાત મારી! સાહેબ તમે કોણ છો?‘

કેપ્ટનને મજાક સૂઝી, તેણે કહ્યું, ‘તું જ કહે ને હું કોણ હોઈશ?‘ ખેડૂતે કહ્યું, ‘વેષ જોઈને લાગે છે કે તમે મિલિટરીમાં છો‘. કેપ્ટન કહે કે ‘મિલિટરીમાં હું કયા હોદ્દા પર હોઈશ તે તું ઓળખી બતાવ.‘ ખેડૂત કહે ‘મારા જેવા સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે? તમે જમાદાર છો?‘ કેપ્ટન કહે ‘તેના કરતાં ઉપર‘ ખેડૂત કહે, ‘તો તમે લેફ્ટેનન્ટ હશો‘. કેપ્ટન કહે, ‘તેનાથી ઉપર‘. ખેડૂત કહે ‘એટલે તમે કેપ્ટન છો?‘ કેપ્ટન કહે, ‘ઓળખ્યો ખરો. હા, હું કેપ્ટન છું.‘

ખેડૂતે ગળગળા થઈને, સલામ ભરીને માફી માંગીને કહ્યું કે ‘સાહેબ મારી ભૂલ થઈ ગઈ. તમારા જેવા કેપ્ટનને મેં પિટ્સબર્ગ જવાનો રસ્તો પૂછ્યો.‘

કેપ્ટને કહ્યું ઠીક છે, ‘અલ્યા પણ તું કોણ છે?‘ ખેડૂતે કહ્યું, ‘તમે જ કહોને!‘ કેપ્ટને પૂછ્યું, ‘તું સિવિલ છે કે મિલિટરીમાં?‘ ખેડૂત કહે, ‘મિલિટરીમાં.‘ કેપ્ટન કહે, ‘તો તું જમાદાર હોઈશ‘. ‘ના તેનાથી ઉપર.‘ કેપ્ટન કહે, ‘તો લેફ્ટેનન્ટ છે?‘ ખેડૂત કહે, ‘તેનાથી ઉપર.‘ કેપ્ટને પૂછ્યું, ‘તો કેપ્ટન છો?‘ ખેડૂતે કહ્યું, ‘એનાથી ઉપર.‘ કેપ્ટને પગ ટૂંકા કરી લીધા. સરખો ઊભો રહ્યો. ‘ તમે મેજર હતા?‘ ખેડૂત કહે, ‘તેના કરતાં ઉપર.‘ કેપ્ટન કહે, ‘તો શું તમે ફિલ્ડ માર્શલ છો?‘ ખેડૂત કહે, ‘તેના કરતાં ઉપર‘. કેપ્ટન કહે, ‘તો તો તમે ઈંગ્લેન્ડના બાદશાહ છો‘. ખેડૂત કહે,‘ હા ,હું ઈંગ્લેંડનો બાદશાહ છું.‘ કેપ્ટન ધ્રૂજી ઊઠ્યો એને પરસેવો થઈ ગયો. અતિ નમ્રતાથી કહ્યું, ‘મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારા બાદશાહને કોઈ ગાળ આપે તો અમે તેનું માથું ઉડાવી દઈએ અને મેં તો તમને લાત મારી દીધી. આ પિસ્તોલ હાથમાં લો અને મારું માથું ઉડાવી દો. મને શૂટ કરો.‘

રાજાએ કહ્યું તારા જેવા સ્વદેશપ્રેમી, સ્વાભિમાની, શિસ્તપ્રેમી શૂરવીર કેપ્ટનને રોળી નાંખું એટલો હું મૂરખ નથી. પણ તને સજા અવશ્ય કરીશ.

સુજ્ઞ શ્રોતાજનો, રાજાએ કેપ્ટનને સજા કરતાં કહ્યું, ‘ હું તને જ્યારે સામાન્ય ખેડૂત લાગતો હતો ત્યારે તારું વર્તન કેવું હતું? ઉદ્ધત, તોછડાઈભરેલું અને અવિવેકી વર્તન હતું, પણ રાજા તરીકે ઓળખ્યા પછી કેવું બદલાઈ ગયું? તું નમ્ર, શિષ્ટ અને વિવેકી થઈ ગયો. હું તો એ જ છું. કપડાં પણ એ જ છે. તારી સમજમાં ફરક થયો અને તારું વર્તન બદલાઈ ગયું. હવે ચોવીસે કલાક ઈંગ્લેન્ડનો બાદશાહ મારી જોડે જ છે એવું સમજીને તારે વર્તવાનું. તને આ સજા છે.

 મિત્રો, વડીલો! રહીમજીનો એક દૂહો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ,

रहिमन यहि संसार में, सब सो मिलिये धाइ
ना जानैं केहि रूप में, नारायण मिलि जाइ।।

આપણી દુકાને આવનાર ગ્રાહક, ક્લાયન્ટ, કે પેશન્ટ, આંગણે આવતો ભિક્ષુક, આપણા હાથ નીચે ભણતા બાળકો, આપણી સાથે કામ કરતા કર્મચારીઓ કોણ કેટલું મહાન છે તેની આપણને પૂરી ખબર નથી. દેખાવ, પહેરવેશથી આપણને જરાયે ખ્યાલ નથી આવતો કે આગંતુક કોણ છે. કોઈ કહે કે આંખ પરથી, ચહેરા પરથી, વાણી પરથી, બોડી લેન્ગ્વેજ પરથી માણસ પરખાઈ જાય છે. સાહેબ! આપણી ઈન્દ્રિયો ઘણીવાર આપણને દગો દેતી હોય છે. આપણે ઉંઘતા ઝડપાઈએ છીએ. મહાન માણસો આપણી વચ્ચે ઉપસ્થિત હોય છે પણ આપણને તેની જાણ નથી. આપણે તેમની જોડે ઉદ્ધતાઈ, તોછડાઈ અને અપમાનજનક વ્યવહાર કરી બેસીએ છીએ. આપણને સાંભળનાર શ્રોતાઓ, આપણને વાંચનાર વાચકો આપણી રમત કે કલાને માણી રહેલા પ્રેક્ષકોના રૂપમાં આપણો પરમેશ્વર આવીને બેઠો છે અને આપણે તેમને અન્ડર એસ્ટિમેટ કરીએ છીએ. પાછળથી ખબર પડે કે તે વ્યક્તિ કેટલી મહાન છે ત્યારે આપણે ક્ષોભ અનુભવીએ છીએ. પેલી નાગણોની જેમ હાથ જોડીને આપણે પણ બોલી ઉઠીએ કે ‘અમે અપરાધી કંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને!‘ આ ક્ષોભજનક પરિસ્થિતિ જીવનમાં અવારનવાર આવતી હોય છે, એમાંથી બચવાનો રસ્તો કયો?

       સભાસંચાલકના ટેબલ પરથી ઘંટડી વાગતી સાંભળીને વક્તાએ કહ્યું કે ‘મને આપવામાં આવેલી વીસ મિનિટ અહીં પૂરી થાય છે એટલે ઉપરોક્ત સવાલ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું.‘  આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ હાર્દિક આભાર. જય સીયારામ !

4 thoughts on “દૄષ્ટિકોણ-૧૦ (પરભુભાઈ મિસ્ત્રી)-ન જાને કિસ ભેષમેં નારાયણ મિલ જાય

 1. જે વ્યક્તિ હોદ્દા પ્રમાણે સામી વ્યક્તિને સન્માન આપે છે તે નીચલી કક્ષાનો માનવી છે.
  ખાનદાન વ્યક્તિ દરેક સાથે સરખા વ્યહાવારથી વર્તે.
  સરયૂ

  Liked by 1 person

 2. સુ શ્રી સરયુબેનની વાત સાથે ૧૦૦% સંમત
  ‘મહાન માણસો આપણી વચ્ચે ઉપસ્થિત હોય છે પણ આપણને તેની જાણ નથી. આપણે તેમની જોડે ઉદ્ધતાઈ, તોછડાઈ અને અપમાનજનક વ્યવહાર કરી બેસીએ છીએ. ‘કોઇની સાથે પણ આવો વ્યહવાર ન કરવો જોઇએ તે સાથે કહેવાતા મહાન માણસે પણ તેમને શોભે તેવો વ્યહવાર કરવો જોઇએ, મહારાજા જયસિંહજીની વાતમા પ્રજાના પોતાના અહંમા પ્રજાના પૈસા વેડફવા ,કચરાગાડી
  જેમ મોંઘી ગાડી વાપરવી તે મુર્ખામીનું પ્રદર્શન છે.’શ્રેયાંસની અસલી ઓળખ થઈ પછી એમને પોતાના માટે કોઈ અપરાધભાવ નહિ જાગ્યો હોય?’ નાજી ઉલટું અજાણ્યાને પોષ્યો તે માટે ગર્વ અનુભવ્યો હોય.કોઇ સંત કુતરા વેષે ન્યાતનું જમણે ખાય તો તેને લાકડી મારે તેમા રસોઇઆનો શું વાંક? ટુંકમા દરેક વ્યક્તિએ સભ્યતાથી વર્તવું…

  Like

 3. “‘ હું તને જ્યારે સામાન્ય ખેડૂત લાગતો હતો ત્યારે તારું વર્તન કેવું હતું? ઉદ્ધત, તોછડાઈભરેલું અને અવિવેકી વર્તન હતું, પણ રાજા તરીકે ઓળખ્યા પછી કેવું બદલાઈ ગયું? તું નમ્ર, શિષ્ટ અને વિવેકી થઈ ગયો. હું તો એ જ છું. કપડાં પણ એ જ છે. તારી સમજમાં ફરક થયો અને તારું વર્તન બદલાઈ ગયું. હવે ચોવીસે કલાક ઈંગ્લેન્ડનો બાદશાહ મારી જોડે જ છે એવું સમજીને તારે વર્તવાનું. તને આ સજા છે.”
  great lesson – which gita teaches very well- DO kartavya karma- With Ishavar Arapan Bhavna and take its fruit as Prasad after sharing with all. Remember that Avinashi and see in one and all.
  Like very much- thx.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s