એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૬-અમે વોશીન્ગ્ટન જવા ઊપડ્યા


અમે વોશીન્ગ્ટન જવા ઊપડ્યા

બીજાં ત્રણ વરસનો કોન્ટ્રેક મને મળવાનો છે, અને અહીં પીટ્સબર્ગમાં આવતાં ચાર વરસ તો સહીસલામત છું, એ બાબતથી જરૂર મને રાહત થઈ પણ ઊંડે ઊંડે મનમાં ભય હતો કે હું અહીં ઝાઝું ટકી નહીં શકું. પીએચ.ડી.ની  થીસિસમાંથી જે જર્નલ આર્ટીકલ તૈયાર કરીને જ્યાં જ્યાં પબ્લીશ કરવા મોકલ્યો હતો ત્યાં બધેથી પાછો આવવા મંડ્યો. બેટન રુજમાં મારા થીસિસ એડવાઈજરે મને જે ચેતવણી આપી હતી તે વારે વારે યાદ આવતી હતી.  એણે મને કહ્યું હતું કે હાયર કેલ્ક્યુલસ, સ્ટેટીસ્ટીક્સ અને ઈમ્પીરીકલ એનાલીસીસ વગરનું કાંઈ પણ પબ્લીશ કરવું મુશ્કેલ પડશે.  હવે પરિસ્થિતિ એવી થઈ હતી કે હું એકેડેમિક જર્નલ્સમાં મારું લખાણ જો પબ્લીશ નહીં કરી શકું તો પીટ્સબર્ગમાં મને ટેન્યર મળે તેમ ન હતું.  બિજનેસ સ્કુલના ડીને મને સ્પષ્ટ કહ્યું હતું કે હું ગમે તેટલો સારો ક્લાસ રૂમમાં ટીચર હોઉં અને વિદ્યાર્થીઓમાં પોપ્યુલર હોઉં છતાં મને એના આધારે ટેન્યર નહીં મળે.

વધુ મૂંઝવણની વાત એ હતી કે મોટા ભાગના ફેકલ્ટી મેમ્બર્સ–નવા કે જૂના–અહીંની  ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી લઈને આવેલા હતાં. એ બધા તો હાયર કેલ્ક્યુલસ, સ્ટેટીસ્ટીક્સ અને ઈમ્પીરીકલ એનાલીસીસની વ્યવસ્થિત ટ્રેનીંગ લઈને આવેલા હોય તેથી આવતા વેંત પબ્લીશીંગમાં લાગી જાય.  એ લોકોના પ્રોફેસરો મોટા ભાગના એકેડેમિક જર્નલ્સ ચલાવે અને નક્કી કરે કે ક્યા પ્રકારની રીસર્ચ થવી જોઈએ.  મુખ્યત્વે શિકાગો, યેલ, સ્ટેનફર્ડ, પેન જેવી યુનિવર્સિટીઓનું જ એકેડેમિક એકાઉન્ટિંગમાં રાજ ચાલે. લુઈઝીઆના યુનિવર્સીટી જેવી મધ્યમ કક્ષામાંની યુનિવર્સીટીમાંથી નીકળેલા મને આવા કલીગ્સની સાથે બોલતાં ચાલતાં થોડો સંકોચ પણ થતો.  મારા જેવાને પીટ્સબર્ગ જેવી યુનિવર્સિટીમાં નોકરી મળી એ જ મોટું આશ્ચર્ય હતું. એકાઉન્ટિંગમાં પીએચ.ડી. થયેલા લોકોની મોટી  તંગી હતી એટલે મને નોકરી મળી ગઈ.  વધુમાં હું જ્યારે ત્યાં ઈન્ટરવ્યૂ આપવા ગયેલો ત્યારે ત્યાં બધા બહુ પ્રભાવિત થયા હતા.   એવું ભાગ્યે જ બને છે કે જ્યાં જ્યાં મને ઈન્ટરવ્યૂમાં જવાની તક મળી છે ત્યાં નોકરી ન મળી હોય.

મારી મૂંઝવણ મેં એક અનુભવી ટેન્યર્ડ પ્રોફેસર આગળ મૂકી.  એમણે મને સ્પષ્ટ કહ્યું કે પીટ્સબર્ગ યુનિવર્સિટી તો “પબ્લીશ ઓર પેરીશ” સ્કૂલ છે.  અહીંયા મહત્ત્વ છે પબ્લીશીન્ગનું, ટીચિંગનું નહીં.  આવી સ્કૂલોનું નેશનલ રેન્કિંગ એની ફેકલ્ટીના પબ્લીશીંગ રેકર્ડ ઉપર થાય છે.  જે ફેકલ્ટી મેમ્બર્સ ટેન્યર લઈને બેઠા છે તેના ઉપર પબ્લીશ કરવાનું ઝાઝું દબાણ યુનિવર્સિટી ન કરી શકે, પણ મારા જેવા નવા ફેકલ્ટી મેમ્બરને ટેન્યરની લટકતી તલવાર બતાડે અને કહે કે પબ્લીશ કરો અથવા ચાલતી પકડો.  હું ત્યાં આવ્યો ત્યારે મારી સાથે આવેલા બે ફેકલ્ટી મેમ્બર્સને એમના પબ્લિકેશનના અભાવે ટેન્યર ન મળ્યું.  તેમણે તો યેલ અને પેન જેવી ઉત્તમ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ડિગ્રી મેળવી હતી.  ક્લાસ રૂમમાં પણ સારું ભણાવતા.  વધુમાં એ પીટ્સબર્ગમાં ઘરબાર લઈ, સ્થાયી થઈને બેઠેલા, એમની પત્નીઓને સારા એવા જોબ મળેલા હતા, એમના સંતાનો લોકલ સ્કૂલમાં સારી રીતે ગોઠવાઈ ગયા હતા. છતાં તેમને કહેવામાં આવ્યું કે બીજે નોકરી શોધો!

મારે જો  આવી કફોડી દશામાંથી બચવું હોય તો બે જ રસ્તા હતાં.  એક તો હું પાછો ગ્રેજ્યુએટ સ્કૂલમાં જાઉં અને હાયર કેલ્ક્યુલસ, સ્ટેટીસ્ટીક્સ અને ઈમ્પીરીકલ એનાલીસીસનો ઊંડો અભ્યાસ કરું અને પછી એ બધાંનો ઉપયોગ કરી એકેડેમિક આર્ટીકલ્સ લખું અને પબ્લીશ કરું.  પણ એ બધું કરું તો ક્યારે મારો પત્તો ખાય?  મનમાં એમ પણ થયું કે શું મારે આખી જિંદગી ભણ્યા જ કરવાનું?  અને તે પણ જે વિષયોની મને તીવ્ર સૂગ છે તેમાં?  હા, મારે મારો અભ્યાસ વધારવો હતો, અને એક્સપર્ટ તરીકે ખ્યાતિ મેળવવી હતી, પણ એ તો બૃહદ્દ સામાજિક પ્રવાહો વિષે અને તેની બિજનેસ ઉપર શું અસર પડે તે બાબતમાં.  મારા સ્કોલરશીપના આદર્શ હતા મેક્સ વેબર જેવા સોસીઓલોજીસ્ટ. એમના જેવું વિશાળ ફોકસ રાખી મારે સરળ ભાષામાં પુસ્તકો લખવાં હતાં. પરંતુ એ પ્રકારનું લેખનકામ અત્યારની એકેડેમિક વ્યવસ્થામાં ન ચાલે એ તો સ્પષ્ટ હતું. તો પછી મારે શું કરવું?

ફરી એક વાર સાપે છછુંદર ગળ્યા જેવી મારી દશા થઈ.  હવે હું તો બે સંતાનોનો બાપ થયો હતો. મારે માથે જવાબદારી વધી હતી. નવું ઘર વસાવ્યું હતું. મોર્ગેજના હપ્તા ભરવાનું શરૂ થઇ ગયું હતું.  વધુમાં દેશમાંથી કુટુંબીજનોને બોલાવવાના હતાં, દેશમાં પૈસા મોકલવાની જરૂર હતી.  એક વિચાર એ આવ્યો કે પીટ્સબર્ગ જેવી ‘પબ્લીશ ઓર પેરીશ’ યુનિવર્સિટીમાં હું જો ફીટ ન થાઉં તો અમેરિકામાં એવી પણ યુનિવર્સિટીઓ છે કે જેમાં ટીચિંગનું મહત્ત્વ વધારે હોય અને એના આધારે ટેન્યર મળે. હા, એવી યુનિવર્સિટીમાં મારે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવા પડે.  એવી યુનિવર્સિટીની પ્રેસ્ટીજ ઓછી.  પણ હવે હું પ્રેસ્ટીજ કરતા સિક્યુરીટીનો વિચાર કરતો થઈ ગયો.

હું એમ પણ વિચારતો હતો કે મારા વિચારોમાં અને લેખનમાં નાવીન્ય અને શક્તિ હશે તો મારો ડંકો વાગશે જ.  મારી સામે જોહ્ન કેનેથ ગાલ્બ્રેથ અને રોબર્ટ હાઈલબ્રોનર જેવા લેખકોના દાખલાઓ હતા.  એમના લખાણમાં કોઈ જાર્ગન કે મેથેમેટિક્સ જોવા ન મળે.  સરળ અને સુબોધ ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો લાખોની સંખ્યામાં વેચાય અને  વંચાય છે.  હા, એકેડેમિક ઈકોનોમિસ્ટ સર્કલમાં એમનો ઝાઝો ભાવ ન પુછાય.  પણ મને હવે એકેડેમિક સર્કલની બહુ પડી નહોતી.  કોઈ નાની યુનિવર્સિટીમાં જોબ લઈને મારા વખણાયેલા ક્લાસ રૂમ ટીચિંગને આધારે ટેન્યર લઈ લેવું અને  પછી જે કરવું હોય તે કરવું.

આવા વિચાર કરીને નક્કી કર્યું કે આવતા વરસ બે વરસમાં પીટ્સબર્ગ છોડવું.  અને બીજી કોઈ જગ્યાએ જ્યાં ‘પબ્લીશ ઓર પેરીશ’નો જુલમ ન હોય ત્યાં જોબ લઈને ઠરીઠામ થવું.  વળી પાછી એવી યુનિવર્સિટીઓ શોધી, લીસ્ટ બનાવ્યું અને અપ્લાય કરવાનું શરૂ કર્યું.  જોબ એપ્લીકેશન કરવામાં તો આપણે હોશિયાર હતા જ.  મારા સદભાગ્યે  એકાઉન્ટિંગ પીએચ.ડી.ની તંગી હતી.  મને તુરત એક નાની યુનિવર્સિટીમાંથી જોબ ઓફર પણ આવી ગઈ!  મને કૈંક રાહત થઈ.  હા, એ વાત ખરી કે આ યુનિવર્સિટી પીટ્સબર્ગ યુનિવર્સિટીજેવી રાષ્ટ્રીય કક્ષાની ન ગણાય. આ આવેલી જોબ ઓફર લઈને પીટ્સબર્ગના ડીનને મળવા ગયો અને કહ્યું કે મારે પીટ્સબર્ગ છોડવું છે.  એ તો નારાજ થઈ ગયા.  કહે કે તું તો હજી હમણાં જ આવ્યો છે અને જવાની વાત કરે છે?

મેં એમને મારી દ્વિધા સમજાવી.  કહ્યું કે મને પીટ્સબર્ગમાં ટેન્યર મળે એવી શક્યતા બહુ દેખાતી નથી.  અને મને ટેન્યરની ના આવે એ પહેલાં જ હું જવા માગું છું.  મને કહે તારે ઉતાવળ કરવાની જરૂર નથી.  તારા થીસિસમાંથી થયેલો આર્ટીકલ ક્યાંક તો પબ્લીશ થશે જ. એ ઉપરાંત બીજા સીનીયર ફેકલ્ટી મેમ્બર સાથે કોલાબરેશન કરીને જોડિયા આર્ટીકલ્સ તૈયાર કર અને પબ્લીશ કર.  તારે આવી પીટ્સબર્ગ જેવી નેશનલ પ્રેસ્ટીજ વાળી યુનિવર્સીટી ન છોડવી જોઈએ.  તારું ટીચિંગ તો બહુ સારું છે જ. અમારી ઈચ્છા છે કે તું હજી વરસ બે વરસ અહીં ટકી જા.  મને વધુ લાલચ આપવા માટે એમણે મારો થોડો પગાર વધારો કરી આપ્યો!  હું માની ગયો, પણ મનમાં શંકા તો હતી કે અહીંના વાતાવરણમાં મારાથી ઝાઝું ટકી શકાશે નહીં.

મને મારી બુદ્ધિ, શક્તિ અને વર્તમાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોની બૃહદ્દ સમજ માટે કોઈ શંકા ન હતી. પણ યુનિવર્સિટીમાં ટેન્યર મેળવવા માટે જેની જરૂર હતી તે મારે પાસે ન હતું.  મારો જે પ્રશ્ન હતો તે આ મિસમેચનો હતો.  મૂળમાં મારે એવી જગ્યાએ નોકરી કરવી જોઈએ કે જ્યાં મારી આગવી શક્તિઓનો ઉપયોગ થઈ શકે.  પીટ્સબર્ગના  મારા અનુભવે મને એક વાત સમજાઈ.  મને ભલે ટીચિંગ કરવું ગમતું હોય, અને એમાં હું ભલે બહુ હોશિયાર અને લોકપ્રિય હોઉં, છતાં વર્તમાન એકેડેમિક પ્રવાહો અને ફેશનમાં હું ફીટ ન જ થઇ શકું.   મારું ભવિષ્ય યુનિવર્સિટીમાં નથી એ મને સ્પષ્ટ થયું. પણ કરવું શું?

અમેરિકામાં જો તમે પીએચ.ડી.કર્યું હોય તો બીજું શું કરી શકો?  બીજા દેશી ભાઈઓ કરે છે એવી ગ્રોસરીની દુકાન કે મોટેલ થોડા ચલાવવાના છો?  કે બેંક કે ઇન્સ્યુરન્સ કંપનીમાં ક્લર્ક થોડા થવાના છો?  વધુમાં એવી કંપનીઓ પીએચ.ડી.વાળાને નોકરી પણ ન આપે. આવી પરિસ્થિતિને અહીં ટ્રેઈન્ડ ઇન્કપાસીટી  (trained incapacity) કહે છે.  આવા બહુ વધુ ભણેલા લોકો અહીં overqualified ગણાય. ભણતર હોય, લાયકાત હોય છતાં નોકરી ન મળે.  આ વાત તો હું અમેરિકામાં આવીને સમજ્યો. શરૂ શરૂમાં આવ્યો ત્યારે બેંકમાં કે બીજે કોઈ પણ ઠેકાણે સામાન્ય ક્લર્ક તરીકે નોકરી કરવા તૈયાર હતો.  પણ ત્યારે મારી પાસે દેશની બે ડિગ્રીઓ–બી.કોમ. અને એલ.એલ.બી.–તો ઓલરેડી હતી જ.  વધુમાં એમ.બી.એ. કર્યું.  નોકરી શોધવાની શરૂ કરી ત્યારે મેં મારા રેજ્યુમેને આ ડિગ્રીઓથી શણગાર્યું.  ઉપરથી એમ.બી.એ.નું  લટકણું લગાડ્યું.  આવું ઇમ્પ્રેસિવ રેજ્યુમે હોવા છતાં ક્યાંય નોકરી નહોતી મળતી.  થોડી પૂછપરછ કરતાં ખબર પડી કે આ ડિગ્રીઓને કારણે હું “overqualified” છું. કલર્ક જેવા જોબ માટે તો એ લોકો હાઈસ્કૂલ ભણેલાને નોકરી આપે, કોલેજિયનોને નહીં. અને હું તો મારી એલ.એલ.બી.ને કારણે લોયર પણ હતો!  મને આ ડિગ્રીઓ વગરનું નવું રેજયુમે બનાવવાની સલાહ અપાઈ!

પછી તો બ્લેક કૉલેજમાં ટીચિંગ કરવાનો રસ્તો મળ્યો. ભણાવવાનું ગમ્યું એટલે ટીચિંગ કરવા માટે જે યુનિયન કાર્ડ જોઈતું હતું તે મેળવવા માટે હું પીએચ.ડી. થયો. ભલે હું પીએચ.ડી. થયો, પણ સાચા અર્થમાં હું સ્કોલર ન હતો.  વધુમાં હું સ્કોલર થઈ શકું એવી કોઈ શક્યતા પણ નહોતી. એક જગ્યાએ પલાંઠી વાળીને બેસીને અભ્યાસ કરવા માટે જે ધીરજ અને ખંત જોઈએ એ મારી પાસે નથી.  મારો અટેન્શન સ્પેન બહુ મર્યાદિત છે.  હું ભલે મેક્સ વેબરની મોટી વાતો કરું, પણ એના જેવા થવા માટે જે અસાધારણ પરિશ્રમપરાયણતા જોઈએ, જે ધીરજ જોઈએ એનો મારામાં સર્વથા અભાવ છે. આ મારી નબળાઈ પહેલેથી જ છે, છતાં એનું સ્પષ્ટ ભાન મને પીટ્સબર્ગમાં થયું. પીટ્સબર્ગના  મારા અનુભવે મને આ આકરો પાઠ ભણાવ્યો.  થયું કે પુસ્તક લખવાની વાત તો બાજુમાં મૂકો, પણ કોઈ પુસ્તક આખું ને આખું વાંચવા જેટલી પણ મારામાં ધીરજ નથી.  આ કારણે મારું વાંચન ખૂબ જ મર્યાદિત રહ્યું છે.  ગુજરાતી કે અંગ્રેજી સાહિત્યના અગત્યના ગ્રંથો મેં વાંચ્યા નથી.  સ્કૂલ કે કૉલેજમાં  જે વાંચવું પડ્યું એ વાંચ્યું, પછી રામ રામ!  ટૂંકમાં વર્તમાન અમેરિકન યુનિવર્સીટીના એકેડેમિક વાતાવરણમાં હું જો મિસફિટ હતો, અને સ્કોલર થવા જે ખંત અને ધીરજની જરૂર હતી તે પણ મારી પાસે નહોતી, તો હવે શું કરવું?

આવી દ્વિધામાં મેં મારું પીટ્સબર્ગનું ભણાવવાનું ચાલુ રાખ્યું. જો મારા આર્ટીકલ્સ કોઈ ઉચ્ચ કક્ષાના એકેડેમિક જર્નલ્સમાં પબ્લીશ ન થાય તો મધ્યમ કક્ષાના જર્નલ્સમાં પબ્લીશ થઈ શકે?  અને અમેરિકાના જર્નલ્સમાં ન થાય તો યુરોપના જર્નલ્સમાં પબ્લીશ થાય?  સદ્ભાગ્યે એવા બે જર્નલ્સમાં મારા થીસિસમાંથી તૈયાર કરેલો એક આર્ટીકલ પબ્લીશ થયો. ડીનની સલાહ મુજબ એક સીનીયર ફેકલ્ટી સાથે કોલાબરેશનમાં બે આર્ટીકલ્સ તૈયાર કર્યા.  હું મૂળ આર્ટીકલ લખું, અને એ રંદો ફેરવે. એ બન્ને પબ્લીશ થયા.  થોડી હિંમત આવી.  છતાં હું મારી એકેડેમિક મર્યાદા સમજતો હતો. પીટ્સબર્ગમાંથી, અને ખાસ કરીને યુનિવર્સિટીના એકેડેમિક ચોકઠાંમાંથી કેમ છટકવું એનો સતત વિચાર કર્યા કરતો.

 

એવામાં એક દિવસ ટપાલમાં ફેડરલ ગવર્ન્મેન્ટમાં એક વરસ કામ કરવાની ફેલોશીપમાં અપ્લાય કરવાનું નિમંત્રણ આવ્યુ.  બિજનેસ સ્કુલના પ્રોફેસરોને ગવર્નમેન્ટનો અનુભવ મળે એ માટે આ ફેલોશીપ યોજાઈ હતી.  પ્રોફેસરોને ફેડરલ ગવર્નમેન્ટ કેમ ચાલે છે તેની ખબર પડે, અને ગવર્નમેન્ટને એકેડેમિક એક્સપર્ટનો લાભ મળે, એવા બેવડા આશયથી આ ફેલોશીપનો પ્રોજેક્ટ યોજાયો હતો.  જો આવી કોઈ ફેલોશીપ મળી જાય તો વોશીન્ગ્ટન જવાની અને ત્યાં કામ કરવાની તક મળે એ આશય મેં અપ્લાય કર્યું હતું.  ઓછામાં ઓછું પીટ્સબર્ગમાંથી એક વરસ તો છુટાય.  જો આપણા ભાગ્યનું પાંદડું ફરે તો કદાચ ત્યાં પરમેનન્ટ જોબ મળી જાય અને આ એકેડેમિક જંજાળમાંથી છૂટાય. જો પરમેનન્ટ જોબનું કાંઈ ન થાય તો વરસ પછી પાછા આવશું.  અહીં પીટ્સબર્ગમાં જોબ તો છે જ.

મારી એપ્લીકેશનના તરત બે ફેડરલ એજન્સીઓ તરફથી ઈન્ટરવ્યૂ માટે આમંત્રણના જવાબ આવ્યા.  એક એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટમાંથી, બીજો જનરલ અકાઉન્ટીન્ગ ઑફિસ (જીએઓ)માંથી. હું ઇન્ટરવ્યૂ આપવામાં તો હોશિયાર હતો જ.  બંને જગ્યાએ સારી છાપ પડી અને બંને તરફથી ઓફર આવી. મેં જીએઓનો જોબ પસંદ કર્યો.  ઓગણીસમી અને વીસમી સદીની શરૂઆતમાં જ્યારે અમેરિકાની ઈકોનોમી હજી એગ્રેરિયન હતી ત્યારે એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટની બોલબાલા હતી.  પણ જેમ જેમ અમેરિકન ઈકોનોમી મેન્યુફેક્ચરિંગ તરફ વળવા મંડી અને નવાં નવાં મશીનોથી એગ્રીકલ્ચર સેક્ટરની પ્રોડક્ટવીટી વધવા માંડી તેમ તેમ એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટનું મહત્ત્વ ઘટવા માંડ્યું. અત્યારે માત્ર ત્રણ જ ટકા અમેરિકનો એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ કરે છે, અને છતાં અસાધારણ પ્રોડકટીવીટી કારણે ખેતીવાડીની એટલી તો પેદાશ થાય છે કે અમેરિકા પોતાની જરૂરિયાત તો પૂરી પાડે, પણ વધુમાં એક્સપોર્ટ કરે છે.

એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટની સરખામણીમાં મને જીએઓનું વધુ મહત્ત્વ દેખાયું.  અમેરિકન ફેડરલ ગવર્નમેન્ટમાં જીએઓ એક ખૂબ અગત્યની એજન્સી ગણાય. એક તો એ કોંગ્રેશનલ એજન્સી હતી. આપણા દેશના કમ્પટ્રોલર જનરલ જેવી એજન્સી. વોશીન્ગ્ટનમાં એની ધાક મોટી. આખીયે ફેડરલ ગવર્ન્મેન્ટ એનાથી ગભરાય.  એના કોઈ રીપોર્ટમાં તમારી એજન્સીની જો ટીકા થઈ તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જાઓ.  કોંગ્રેસમાં જઈને એ બાબતની જુબાની આપવી પડે.  ધારાસભ્યો એ બાબતમાં ઓપન હિઅરિન્ગ્સમાં જવાબ માંગે.  છાપાંવાળાઓ પણ એ રીપોર્ટને આધારે એજન્સીનાં  છોતરાં ફાડી નાખે.  વધુમાં જીએઓમાં એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટ કરતાં મારી એકાઉન્ટીન્ગની જાણકારીની વધુ ગણતરી થશે એમ માનીને મેં જીએઓને હા પાડી.

જીએઓનો અપોઈન્ટમેન્ટ કાગળ લઈને હું અમારા ડીનને મળવા ગયો.  કહ્યું કે મને વોશીન્ગ્ટનમાં જીએઓમાં એક વરસની ફેલોશીપ મળી છે અને મારો ત્યાં જવાનો વિચાર છે.  ડીન તો વાત સાંભળીને છક્ક થઈ ગયા.  એમણે મને તરત રજા આપી.  આવી રીતે વોશીન્ગ્ટનમાંથી જીએઓ જેવી ખ્યાતનામ એજન્સી જો આપણા ફેકલ્ટી મેમ્બરને બોલાવે તો એમાં યુનિવર્સિટીની પ્રેસ્ટીજ વધે એમ કહીને એમણે જાહેર કર્યું કે ગાંધી જીએઓને મદદ કરવા એક વરસ વોશીન્ગ્ટન જશે.  બીજા ફેકલ્ટી મેમ્બર્સ પણ આશ્ચર્ય પામ્યા કે હું આવી રીતે વોશીન્ગ્ટન જઈ શકું છું.  જો કે ડીને મને ચેતવ્યો કે મારું વોશીન્ગ્ટન  જવાનું એક વરસથી વધુ ન હોવું જોઈએ. નહીં તો ટેન્યર મેળવવામાં મુશ્કેલી પડશે.  મેં કહ્યું કે હું તો વરસ માટે જ જાઉં છું.  મેં તો હજી હમણાં જ નવું નવું ઘર લીધું છે. એ ઘરને ખાલી ભાડે જ આપવાનો છું, વેચવાનો  નથી.

એ વાત સાવ સાચી હતી.  જો કે ઊંડે ઊંડે એવી ઈચ્છા ખરી કે જો વોશીન્ગ્ટનમાં કાયમી  જોબ મળે તો લઇ લેવો, પણ એની ખાતરી શી?  એવો જોબ ન મળે ત્યાં સુધી પીટ્સબર્ગનો જે જોબ હાથમાં છે તે કેમ છોડાય?  એ તો સાચવી રાખવો જોઈએ. વરસ પછી જોઈશું.  એમ વિચારીને હજી હમણાં જ લીધેલું ઘર એક વરસ માટે ભાડે આપ્યું. વોશીન્ગ્ટનના એક પરામાં એક વરસ માટે અપાર્ટમેન્ટ ભાડે લીધો.  મુંબઈના મારા જૂના મિત્ર દોશી જોગાનુજોગે ત્યાંની હાવડ યુનિવર્સિટીમાં ટીચિંગ કરતા હતા. એ જે વિસ્તારમાં રહેતા હતા તે જ વિસ્તારમાં અમે અપાર્ટમેન્ટ લીધો.

વળી પાછા લબાચા ઉપાડ્યા અને અમે વોશીન્ગ્ટન જવા ઊપડ્યા.  હવે તો અમારે બે સંતાનો હતાં, અને પીટ્સબર્ગના ઘરનો સામાન પણ હતો.  યુ હોલની મોટી ટ્રક લેવી પડી.  હાઈવે ઉપર મેં ટ્રક ચલાવી અને મારી પાછળ નલિનીએ અમારી કાર ચલાવી.  છએક કલાકે અમારો કાફલો હેમખેમ વોશીન્ગ્ટન પહોંચ્યો ત્યારે અમને ધરપત થઈ. નલિનીએ પહેલી જ વાર આમ હાઈવે ઉપર ગાડી ચલાવી હતી.  સામાન કરતાં મને ચિંતા હતી અમારાં સંતાનોની. દીકરો મારી સાથે, અને દીકરી નલિની સાથે.  વોશીન્ગ્ટન પહોંચ્યા પછી જ મને ખ્યાલ આવ્યો કે આવી રીતે નલિની પાસે હાઈવે ઉપર ડ્રાઈવિંગ કરાવવામાં મેં કેવું મોટું જોખમ ખેડ્યું હતું.

2 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૬-અમે વોશીન્ગ્ટન જવા ઊપડ્યા

  1. ગાંધી સાહેબે પ્રેમથી મોકલેલી જીવન કથા વાંચી હતી છતાંયે આંગણાં મા વાંચવાની ગમે છે. ઘણી રીતે અમે સમકાલીન છીએ. એમણે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપના આંગણાંમાં બે જુદા પ્રકારના પુરુષાર્થીઓની આત્મકથા ચાલે છે. બન્ને અલગ વ્યક્તિત્વના વિદ્વાનો છે. વાંચવાનું ગમે છે.

    Like

  2. Natavar bhai,
    learnt a lot of academic education over there- i am also from teaching line so enjoyed it more.
    and specially you cargo to washington- and courage to give car to Nalini bhabhi with daughter…i also remember some time back such adventure – How we have done–makes us thinking..- Best luck ahead.!!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s