જ્યોતિ ભટ્ટની ધરોહર-૭ (અંતરછબિ-લેખક શ્રી જ્યોતિ ભટ્ટ) (પરિશિષ્ટ-લેખક શ્રી બાબુ સુથાર)


ભાગ્યે જ કોઈ ચિત્રકાર તથા તસ્વીરકાર એવા હશે કે જેમણે ક્યારેય નીજી-છબિ (self-portrait) બનાવી ન હોય. જો કે, તેવી કૃતિઓમાં જોવાં મળતાં સ્વરૂપો કલાકારના હેતુ પ્રમાણે બદલાતાં રહ્યાં છે. ફોટોગ્રાફીની શોધ પહેલા નીજી-છબિ બનાવનારા ચિત્રકારો પોતાના દેહના, મુખ્યત્વે તો ચહેરાના બાહ્ય, દૃશ્ય સ્વરૂપનું ચિત્રણ કરતા હતા. પરંતુ કેમેરા દ્વારા તે કરવાનું શક્ય, સરળ તથા પહેલી નજરે સચોટ પણ લાગે તેવું થઇ ગયું. આને પરિણામે ઘણા કળાકારોએ પતાના દેહને પોતાની આંખે દેખ્યાં- તાદૃશ્ય   સ્વરૂપે આલેખવાનું નિરર્થક માન્યું. તેથી, બાહ્યચક્ષુને સ્થાને અંતર્ચક્ષુંથી જોયેલી તથા આંખોથી જે જોઈ શકાતી નથી તેવી, નીજીવ્યક્તિત્વ અંગેની પોતાની વિભાવનાઓને દૃશ્ય સ્વરૂપે આલેખવાનું કે મૂર્તિમંત કરવાનું આરંભ્યુ. પરંતુ તેવી કૃતિઓ પણ self-portrait જ કહેવાતી હોય છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ  સાહિત્યક્ષેત્રે કરેલા મહત્વના પ્રદાનો તો જાણીતાં છે. પરંતુ તેમણે આપેલા બે શબ્દો- sketch-book માટે ટાંચણપોથી અને self-portrait માટે અંતરછબિ કળાક્ષેત્રે પણ અપનાવવા જેવાં છે.

   

અંતરછબિ કહી શકાય તેવાં ચિત્રો કે રેખાંકનોમાં ક્યારેક આંખે દેખ્યા સ્વરૂપનો અણસાર આવે છે તો ખરો પરંતુ કૃતિનાં દૃશ્ય-સ્વરૂપને તેમજ તે માટે ઉપયોગમાં લેવાયેલ રંગ, રેખા વગેરેને તેમ જ શાહી, પેન્સિલ, જળ, એક્રીલીક કે તૈલરંગ ઈ. માધ્યમોની ભૌતિક તથા રાસાયણિક લાક્ષાણિકતાઓને પણ મહત્વ અપાયું હોય છે.

            

­કાવ્ય તથા વાર્તાનાં શીર્ષક અનિવાર્ય બની ગયા છે. એક રીતે જોતાં એ કૃતિને અપાયેલ નામ –titles- જ કહેવાય. તેમ છતાં સૌથી પ્રથમ અને તે પણ સૌથી ઉપર તેને સ્થાન અપાતું હોઈ તે શીર્ષક પણ બની રહે છે. પરંતુ ચિત્ર જેવી કૃતિ માટે    ‘શીર્ષક’ ઉપયોગી તો થાય પણ તે આવશ્યક નથી હોતું. વળી મુખ્યત્વે ઓળખ માટે અપાયેલ નામ કૃતિની પાછળ લખવાની પ્રથા છે. અને, પુસ્તક કે સામાયિકમાં છાપ્યું હોય તો મોટા ભાગે તો તેને છાપની નીચે સ્થાન અપાતું હોય છે. મૌલિક છાપ (print) માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્રથા પ્રચલિત છે. તે પ્રમાણે છાપમાં આકૃતિની નીચે ડાબી બાજુ છાપ તથા આવૃત્તિનાં ક્રમાંક, વચ્ચે ‘શીર્ષક’ અને જમણી બાજુ કળાકારની સહી કરાતી હોય છે.

           

બહુ મોટા ગજાનાં ભારતીય ચિત્રકાર સ્વ. ભૂપેન ખખર લાંબા, કાવ્ય પંક્તિ જેવાં નામ પણ આપતા હતા. તેમની કારકિર્દીમાં એક મહત્વનો સીમાસ્થંભ બની રહેલ ચિત્રનું નામ-title –હતું: તમે ક્યારેય બધાંને બધો સમય રીઝવી શકો નહીં. એવા જ એક બીજા ચિત્રકાર સ્વ. જેરામ પટેલ પોતાની કૃતિઓને જેરામ-૧, જેરામ-૨…….જેરામ ૭, ૮, ૯ જેવાં ‘નામ’ આપતા હતા. કદાચ, કળાકૃતિને શીર્ષક આપવાની પ્રથા અર્થહીન છે તેવું કહેવાના ઈરાદાથી તેમ કર્યું હશે. અથવા એમ કહેવા પણ તે ઇચ્છતા હોય કે પોતાની કૃતિ કોઈને કોઈ રીતે પોતાની અંતરછબિ જ હોય છે.

મારી કૃતિ જોનારાઓ જ્યારે મેં વિચારેલ અર્થઘટન કરે છે ત્યારે મારા પ્રયત્નનો હેતુ સફળ થયો એવો સંતોષ તથા આનંદ પણ અનુભવતો રહ્યો છું. કદાચ જોનારને દિશાસૂચન મળે તે હેતુથી કૃતિઓને નામ –શીર્ષક- પણ આપતો રહ્યો છું. ‘બોલકી’ બની જાય તે હદે તેમાં વિગતો સમાવવા પ્રયત્ન પણ કરું છું. વળી જે બાબત વ્યક્ત કરવા મારી પીંછી તથા દૃશ્ય ભાષા અસમર્થ લાગે ત્યારે શબ્દોની ભાષાને આશરે જઇ તેને લિપિબદ્ધ પણ કરું છું. જો કે, આ વિચાર મારો મૌલિક નથી. પ્રાચીન કાળથી જ કળાકારો તેમનાં સર્જનોને શબ્દો દ્વારા સચોટ બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે.

       

પ્રાદેશિક ભાષા સાથે સંકળાયેલી લિપિઓ આગવું સૌન્દર્ય સ્વરૂપ ધરાવે છે. તેનો લાભ લેવા ક્યારેક મારી કૃતિઓમાં તેનો ઉપયોગ કર્યો છે. પરંતુ ‘રોમન’ લિપિમાં લખાતી વિશ્વભાષા બનેલી અંગ્રેજી ઉકેલી શકનારાઓની સંખ્યા ઘણી મોટી છે. આથી અન્ય ભારતીય કળાકારો જેમ હું પણ તેનો વધુ ઉપયોગ કરું છું. તેમજ જયારે પણ કૃતિ માટે યોગ્ય નવું  નામ ધ્યાનમાં ન આવ્યું ત્યારે self-portrait જેવું હાથવગું શીર્ષક આપી દીધું છે. આ લખાણને પણ આવાં કારણોસર જ અંતરછબિ શીર્ષક અપાયું હશે?

જ્યોતિ ભટ્ટ, જુલાઈ, ૨૦૧૮.

પરિશિષ્ટ (બાબુ સુથાર)

ફ્રેંચ ફિલસૂફ Jean Luc Nancy એમના Portrait નામના પુસ્તકમાં Portraitને બે અંતિમોની વચ્ચે મૂકીને જોવાની વાત કરે છે. એ બે અંતિમો તે likeness અને strangeness. કોઈ પણ portrait હોય, આપણે એના સંદર્ભમાં બે પ્રશ્નો પૂછી શકીએ: (૧) એ શાનું representation છે; અને (૨) એ જેનું પણ representation છે એ accurate છે કે નહીં. જો હોય તો likenessની વધારે નજીક છે અને જો ન હોય તો એ strangenessની વધારે નજીક છે. આ બે પ્રશ્નોના જવાબ મળી જાય પછી ત્રીજો પ્રશ્ન એ પૂછી શકીએ કે ચિત્રકારે જે તે likeness અથવા તો strangeness કઈ રીતે સિદ્ધ કરી છે?

અહીં આપેલાં પહેલાં ચાર portraits આપણને likeness તરફ વધારે ઢળેલાં લાગશે. એને કારણે એને કારણે ઘણાને એ portraits સરળ પણ લાગશે. પણ, એ સરળતા ભારે છેતરામણી છે. દાખલા તરીકે, બીજા portraitમાં તો એમણે કેવળ માથું જ ચિતર્યું છે. બીજાં અવયવો છે જ નહીં. પણ આપણને એમની ખોટ સાલતી નથી. એ જ રીતે, એ પહેલા અને બીજા portraitsની આંખો તમે જુઓ. બન્નેમાં આંખો ફ્રેમની બહાર જોઈ રહી છે પણ એ આપણી તરફ તકાયેલી નથી. એને કારણે આપણને પણ એક પ્રકારની agonyની લાગણી થાય છે.

ત્યાર પછીના ત્રીજા portraitમાં છબિકાર જ્યોતિભાઈ છે જ્યારે ચોથામાં ચિત્રકાર જ્યોતિભાઈ છે. છબિકાર જ્યોતિભાઈ દોરતાં પહેલાં ચિત્રકારે દોરેલું એમનું રેખાચિત્ર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એમનો એક હાથ કેમેરા પર છે, બીજો હાથ જેનો ફોટો લેવામાં આવી રહ્યો છે એને કોઈક સૂચના આપવા માટે ઊંચકાયેલો છે. એ જ રીતે કેમેરાનું શટર ઉઘડેલું છે અને છબિકાર જ્યોતિભાઈની એ કેમરામાં ઝિલાતી પેલી વ્યક્તિની છબિને ધ્યાનથી જોઈ રહ્યા છે. અહીં ચિત્રકારે છબિ પાડવાની ક્ષણમાં ‘પૂરાયેલા’ જ્યોતિભાઈને બરાબર વ્યક્ત કર્યા છે. એની સામે છેડે, ચોથા portraitમાં પેલા પેન્ટ-શર્ટમાં તૈયાર એવા જ્યોતિભાઈને બદલે આપણને જુદા જ જ્યોતિભાઈ જોવા મળે છે. એમણે શર્ટ નથી પહેર્યું. ચિત્ર એમની પાછળ છે. અહીં એમણે કોઈ ક્ષણ પકડી નથી. એને બદલે પરિસ્થિતિ પકડી હોય એવું લાગે છે. છબિકાર જ્યોતિ ભટ્ટની રેખાઓ ઘણે અંશે વાસ્તવવાદી છે. એની સામે છેડે ચિત્રકાર જ્યોતિ ભટ્ટની રેખાઓ આપણને અવાસ્તવિક લાગે. છબિકારમાં અમૂર્તનું પ્રમાણ ઓછું છે, જ્યારે ચિત્રકાર જ્યોતિભાઈમાં અમૂર્તનું પ્રમાણ વધારે જોવા મળે. અલબત્ત, બન્નેમાં હજી likenessનું પ્રાધાન્ય વધારે છે.

પાંચમું portrait જોતાં જ આપણને આપણી આધ્યાત્મિક પરંપરા યાદ આવી જાય. અહીં જ્યોતિભાઈ છે. પણ એમની image સંકેતવિજ્ઞાનની ભાષામાં કહીએ તો iconic નથી. અર્થાત્, એમાં જે રેખાઓ છે એ રેખાઓ અને એમનું composition વાસ્તવવાદી નથી. આ portrait એને કારણે likenessથી દૂર અને strangenessની વધારે નજીક જાય છે. અહીં જ્યોતિભાઈએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓનાં નામ પણ ચીતર્યાં છે. આ portrait જોતાં જ કોઈકને symmetry સ્પર્શી જાય. પણ ધ્યાનથી જોઇશું તો આપણને સમજાશે કે જ્યોતિભાઈએ અહીં mirror-image જેવી symmetryની મદદ લીધી નથી. આ portraitની ટોચ પરનાં બે ચિત્રો જુઓ. એક ચિત્ર મયૂરનું છે તો બીજું પોપટનું. અહીં એમણે લોકકળાનો પણ વિનિયોગ કર્યો છે.

ત્યાર પછીનું છઠ્ઠું portrait મને સમજાયું નથી. ચિત્ર સમજાય છે પણ એને portrait તરીકે કઈ રીતે મૂલવવું એ મારા માટે એક મુંઝવણ છે. એટલે એ વિશે કંઈ પણ લખવાનું હું જોખમ નહીં લઉં. જો કે, અહીં આપણે પેલાં likeness અને strangenessનાં માપદંડો પ્રમાણે જઈએ તો આપણે એમ જ કહેવું પડે કે આ ચિત્ર strangeness તરફ વધારે ઢળેલું છે.

ત્યાર પછીનાં બે portraits આપણે જોઈ શકીએ છીએ એમ strangeness તરફ વધારે ઢળેલાં છે. એમાંના પહેલા portraitમાં આધ્યાત્મિક ચિત્રોની પરંપરા ચાલુ રહે છે. આ portraitમાં જ એમણે એક ઠેકાણે કહ્યું છે: This is pseudo tantric modern Indian art. જ્યોતિભાઈનાં ઘણાં ચિત્રોમાં text/imageનું composition હોય છે. એમાં આવતી textનાં બે પાસાં મને ઘણાં ગમી ગયાં છે: textual/pictorial. Text ચિત્ર પણ બને ને ભાષા પણ. અહીં એમણે ગુજરાતી, દેવનાગરી અને રોમન લિપિમાં text આપી છે. અહીં પણ લોકસંસ્કૃતિના ઉલ્લેખો છે. ચિત્રમાં નીચે મંદિર, એના પરની ધજાઓ. એ બધું જ લોકસંસ્કૃતિનો ઉલ્લેખ કરે છે. આ portraitમાં પુષ્કળ વિગતો છે. એ વિગતો કેવળ ‘યાદી’ નથી. હું સમજું છું ત્યાં સુધી અહીં આપેલી દરેકે દરેક text અને imagesનું સાંસ્કૃતિક (indexical) મૂલ્ય છે. “મોરલા તું આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો” અને “આ મોરલો મરત લોકમાં ક્યાંથી આવ્યો” જેવી લોકગીતની પંક્તિઓ જેને ગુજરાતી ભાષા આવડે છે એના માટે text બને છે, જેને નતી આવડતી એના માટે image બને છે.

Serigraphyની ટેકનીકથી બનાવેલા ત્યાર પછીના portraitમાં ચશ્માને બાદ કરતાં બીજું બધું textથી બનાવેલું છે. જ્યોતિભાઈ કહે છે કે “પ્રાદેશિક ભાષા સાથે સંકળાયેલી લિપિઓ આગવું સૌંદર્ય ધરાવે છે. તેનો લાભ લેવા ક્યારેક મારી કૃતિઓમાં તેનો ઉપયોગ કર્યો છે.” Likeness કરતાં strangeness તરફ વધારે ઢળેલા આ portraitમાં strangeness ઊભી કરવા માટે ચિત્રકારે હસ્તલેખિત textનો વિનિયોગ કર્યો છે. મેં આગળ નિર્દેશ કર્યો છે એમ અહીં text એક પ્રકારની image બની જાય છે. ખૂબ નજીકથી આપણે આ portraitને જોઈએ તો જ એમાંની text વાંચી શકાય. દૂરથી જોતાં એ text એકબીજામાં ભળી જઈને એક imageની રચના કરે છે.

ત્યાર પછીનું અને છેલ્લું portrait પણ strangeness તરફ વધારે ઢળેલું છે. એમાં પણ જ્યોતિભાઈએ textનો વિનિયોગ કર્યો છે. અહીં બે લિપિમાં text છે. એક તે બાળબોધ લિપિ અને બીજી તે દેવનાગરી લિપિ. બન્ને textsનાં સ્વરૂપ અને સ્થાન અલગ છે. બાળબોધ text હસ્તાક્ષરની જ્યારે દેવનાગરી text યંત્રાક્ષરની બનેલી છે. બન્ને textsનાં સંકેતિત (signified) એક જ છે. પણ, બન્નેનાં કાર્ય જુદાં છે. બાળબોધ text ચિત્રકારનું portrait (પણ) બનાવે છે જ્યારે દેવનાગરી text એક યાદી બને છે. આ યાદી જોતાં જ/વાંચતાં જ મને ઇટાલિયન ચિન્તક ઉમ્બેરતો ઇકોનું એક વિધાન યાદ આવી ગયેલું: We like lists because we don’t want to die. એમણે યાદીને સંસ્કૃતના મૂળ તરીકે જોઈ છે. એ કહે છે કે યાદી કળા અને સાહિત્યના ઇતિહાસનો એક અંશ હોય છે. આ portrait પણ બીજાં, ખાસ કરીને text-કેન્દ્રી portraitsની જેમ ખૂબ સંકુલ છે.

જ્યોતિભાઈએ મેઘાણીના ‘ટાંચણ પોથી’ અને ‘આંતરછબી’ બે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે એ પણ portraitની કળાના સંદર્ભમાં જોઈએ તો અકસ્માત નથી. Portraitsના એક ઇતિહાસવિદે કહ્યું છે એમ portraits “have the allure of a private diary.” આ portraits એક અર્થમાં ચિત્રકારની અંગત ડાયરી પણ બની જાય છે. એટલું જ નહીં, આ portraits જ્યોતિભાઈની આંતરછબિ પણ બની જાય છે.

જ્યારે દાવડાસાહેબે મને કહ્યું કે જ્યોતિભાઈએ એમનાં કેટલાંક portraits મોકલ્યાં છે ત્યારે હું યોગાયોગ Jean Luc Nancyનું હમણાં બે ત્રણ મહિના પહેલાં જ પ્રગટ થયેલું Portrait પુસ્તક વાંચી રહ્યો હતો. ત્યારે હું મારી ટેવ કે કુટેવ પ્રમાણે જરા વધારે પડતો મહત્વાકાંક્ષી બની ગયેલો. મને થયેલું: લાવ, Nancyએ જેમ કર્યું છે એમ હું પણ આ portraitsનું દાર્શનિક વિશ્લેષણ કરું. પણ જેમ જેમ Nancyનું પુસ્તક વાંચતો ગયો અને જ્યોતિભાઈનાં portraits જોતો ગયો એમ એમ મારી મહત્વાકાંક્ષા ઓગળતી ગઈ. Nancyએ માંડ સવાસો પાનાંની પુસ્તિકામાં ખૂબ જ ગહન વાતો કરી છે. તો એની સમાન્તરે જ્યોતિભાઈએ પણ આ નવ portraitsમાં ઘણી બધી લીલાઓ કરી છે. હું નથી માનતો એમાંની ચોથા ભાગની લીલાઓ પણ હું બરાબર સમજી શક્યો હોઉં.

બાબુ સુથાર -૭ ઓગસ્ટ ૨૦૧૮

 

 

 

 

 

3 thoughts on “જ્યોતિ ભટ્ટની ધરોહર-૭ (અંતરછબિ-લેખક શ્રી જ્યોતિ ભટ્ટ) (પરિશિષ્ટ-લેખક શ્રી બાબુ સુથાર)

 1. નવી દ્રુષ્ટિ મળી…ધન્યવાદ મા જ્યોતિભાઇ અને મા બાબુભાઇ
  likeness , strangeness અને સિધ્ધી અને જુદા જુદા જ્યોતિભાઈ જોવાની અને આધ્યાત્મિક પરંપરા અને અકળ વાત સાથે pseudo tantric modern Indian art.ની વાત
  પહેલા વાંચને ગુંચવાડો થાય પણ વારંવાર વાંચી માણતા કોઇ અદભૂત અનુભિતી થાય
  Jean Luc Nancyનું Portrait અને બીજા પુસ્તક અંગે માહિતી જોઇ પણ ઝાઝી ચાંચ ડુબી નહીં
  મા બાબુભાઇ કહે છે-‘જ્યોતિભાઈએ પણ આ નવ portraitsમાં ઘણી બધી લીલાઓ કરી છે. હું નથી માનતો એમાંની ચોથા ભાગની લીલાઓ પણ હું બરાબર સમજી શક્યો હોઉં.’તો અમારા જેવા અનેકોને તો જેવું સમજ્યા તેનો આનંદ
  ફરી ફરી વાંચી કળા માણવી પડશે

  Like

 2. મુ. દાવડા સાહેબે શબ્દોથી વિખ્યાત શ્રી.જ્યોતિભાઇ ભટ્ટનો પરિચય કરાવ્યો હતો. એમની ચિત્રકળાની તસ્વીરો જોઇ જે આનંદ,અને આદર મારી ત આંખોમાં દોરાયા અને અંતરમાં કોતરાયા, તેનું વર્ણન કરવામાં મારી કલમની શાહીમાં રંગ નથી. ઘણું શિખવા મળ્યું. શ્રી બાબુભાઇ સુથારની વિવેચના વગર અમુક રચના સમઝી પણ ના શકી હોત. સહુને ધન્યવાદ.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s