પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૫-અનહોની હોની નહીં, હોની હો સો હોય!


અનહોની હોની નહીં, હોની હો સો હોય!

હું હજી બીજા ત્રણ મહિના ફેમિલી લીવ પર હતી. આ પાંચ દિવસોમાં, મેં મારા ભૂતકાળને વાગોળીને જાણે ફરી જીવ્યો હતો. દિલીપ સાથે સેટ થઈ ગયેલું મારું સવારનું રૂટિન જોબ પર પાછી જાઉં, ત્યાં સુધી ચાલુ રાખી શકું તેમ હતું અને મેં ચાલુ પણ રાખ્યું. હું ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૭૮ની સવારે, મારા સવારના નિત્યક્રમ પ્રમાણે, દરિયા કિનારે ચાલવા નીકળવાની તૈયારી કરતી હતી. સવારના સાત વાગ્યા હતા. ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઊંચક્યો. ઈંદિરાના માતા-પિતાનો ફોન હતો. દિલીપના ગયા પછી, એમને ઋચા અને રવિએ જણાવ્યું તો હતું કે, દિલીપનું અવસાન થયું છે પણ, મારી સાથે વાત નહોતી થઈ શકી. મને એમ જ લાગ્યું કે મારી જોડે વાત કરવા ફોન કર્યો હશે. જ્યારે ઈંદિરાના પિતાએ મને કહ્યું, “બેટા, મારે તારી સાથે ખાસ વાત કરવી છે. અમારી મૂંઝવણનો પાર નથી. દિલીપ અમને તમારો નંબર આપીને ગયા હતા અને કહ્યું હતું કે એમની આ બિમારી સાથે એ કેટલું જીવશે એની ખબર નથી, પણ, જો ક્યાંક અટકી પડાય તો તમારો સંપર્ક કરવો. આજે અમે અટકી જ નથી પડ્યાં પણ સાવ જ ભાંગી પડ્યાં છીએ! બેટા, અમે અમારી એકની એક દિકરીનું ઘર વસી શકે એટલે એની માનસિક બિમારીની વાત દિલીપ, ધાજી અને અદાથી છુપાવી રાખી. કારણ, એક જ્યોતિષીએ કહ્યું હતું કે લગ્ન પછી ઈંદિરા સાવ સાજી થઈ જશે…! આટલી મોટી ભૂલની જે સજા આ ઉંમરે અમે ભોગવી રહ્યાં છીએ, તે જરા પણ અજુગતું નથી. બેટા, ઈંદિરા જેની સાથે ભાગી ગઈ હતી, એ, દિલીપના બેશરમ દોસ્તે, ગઈ કાલે ફોન કરીને અમને નવા નર્સિંગહોમનું એડ્રેસ આપ્યું અને કહ્યું કે ઈંદિરાને, અહીં મૂકીને ચિકાગો છોડીને જઈ રહ્યો છે. એની બિમારી ખૂબ વધી ગઈ છે. ઈંદિરા મેન્ટલી એકદમ જ ડિસ્ટર્બ છે. મેં એને ડિવોર્સ આપી દીધા છે. આગળની વાત તમારી આન્ટી કહેશે. હું ફોન ઈંદિરાની મમ્મીને આપું છું.”

“આન્ટી, શું થયું છે? જરા પણ ગભરાયા વિના મને તમારી દિકરી ગણીને જ કહો.”

સામે છેડેથી ઈંદિરાની મમ્મીનો રડવાનો અવાજ આવ્યો. “બેટા, અમે અમારા પાપની સજા જીવતેજીવ ભોગવી રહ્યા છીએ!” અને એમણે જે મને કહ્યું, એ સાંભળ્યા બાદ, હું, સદંતર નિઃશબ્દ બની ગઈ! દિલીપના મિત્રને તે સમયના કાયદા-કાનૂન પ્રમાણે ત્રણ મહિનામાં ગ્રીન કાર્ડ મળી ગયા પછી, બિમાર ઈંદિરાનો એને કોઈ ખપ નહોતો કે એની સારવારમાં રસ નહોતો. આ ત્રણ મહિનામાં ઈંદિરાને એટેક આવ્યો ત્યારે, એણે, નવા મેન્ટલહોમમાં દાખલ કરી હતી જેથી એના ગ્રીન કાર્ડની પ્રોસેસની તપાસ ન થાય! ડિવોર્સ આપતી વખતે એણે એ કારણ આપ્યું કે ઈંદિરાની આ મેન્ટલ બિમારી એનાથી છુપાવવામાં આવી હતી, એટલું જ નહીં, પણ, એણે જ્યારે લગ્ન કર્યાં ત્યારે, ઈંદિરા બે મહિના ગર્ભવતી હતી એ વાત પણ એને નહોતી કહેવામાં આવી. બિમાર ઈંદિરાએ એણે જ્યાં કહ્યું ત્યાં સહી કરી આપી હતી! એને તો એ પણ ખબર નહોતી કે એ ડિવોર્સ પેપર્સ પર સહી કરી રહી હતી! હવે, પરિસ્થિતિ દિલીપના સાસુ સસરાની સમજ અને આપાની બહાર નીકળી ગઈ હતી. એ લોકો મને પૂછી રહ્યાં હતાં કે હવે આગળ શું કરવું? હાલમાં, ઈંદિરાને એના જૂના મેન્ટલહોમમાં દાખલ કરી હતી. એટલું જ નહીં પણ, હવે પાંચ મહિના ગર્ભવતી ઈંદિરાને ટ્વીન- જોડિયા બાળકો આવવાના હતા, એટલું જ નહીં, પણ, એની મેડિકલ તપાસ કરતાં ખબર પડી કે બેઉ દિકરાઓ છે. હું હજી મારી સ્થિતિ પર જ કાબૂ નહોતી પામી એમાં આ નવી પરિસ્થિતિથી ઝઝૂમવાની ચેલેન્જ …! ના, આ ચેલેન્જ જ નથી, પણ એક પડકાર છે! મેં ઈંદિરાના માતા-પિતાને સાંત્વના આપીને કહ્યું કે, મને થોડો વિચાર કરવા દો અને પાછો ફોન કરવાના આશ્વાસન સાથે મેં ફોન મૂક્યો.

       મારા મનમાંથી, પાંચ મહિના ગર્ભવતી બિમાર ઈંદિરા, મારા ત્રણ મહિનાના પતિ, દિલીપ અને એની પ્રથમ પત્નીને અવતરનારા જોડિયા બાળકો ખસતાં નહોતાં! મારા દિલીપના બાળકો…! મારે ચિકાગો જવું જ રહ્યું. ઇંદિરાના માતા-પિતા કેવી રીતે આ બધા સંજોગો સામે ઝઝૂમશે? એક બીજો ઉપાય હતો કે ઈંદિરાને લઈને એના માતા-પિતા એકાદ મહિનામાં જ પાછા વતનમાં આવી જાય…! પણ એની માનસિક બિમારીનો ઈલાજ અહીં વતનમાં થશે કે નહીં, એ એક મોટો સવાલ હતો! આ બધામાંથી રસ્તો હું કેવી રીતે કાઢીશ, એના વિચારોમાં, હું મારા રૂટિન પ્રમાણે દરિયા કિનારે ચાલવા નીકળી ગઈ. ચાલતાં ચાલતાં, મારા વિચારોની ઘટમાળ ચાલુ જ હતી. શું કરવું જોઈએ મારે? અમારા લગ્ન પછી, હું અને દિલીપ રોજ અડધો કલાક ચાલતાં. આજે અસંમજસમાં, આમ ચાલતાં અને પાછા ઘરે પહોંચતાં લગભગ એક કલાક મને થઈ ગયો હતો. મેં ઘરના દરવાજાની એક ઘંટડી મારી કે તરત જ સીતાએ દરવાજો ખોલ્યો અને કહે, “બેન, આજે મોડું થયું તો મને ખૂબ ફિકર થઈ. તમે ઠીક છો? કાલથી તમે “હા” કહેતા હો તો હું પણ તમારી સાથે ચાલવા આવીશ.” જવાબમાં મેં સીતાને એક હગ આપીને કહ્યું, “મારી આટલી ફિકર નહીં કર, દિકરા! મારે તો ઠીક રહેવાનું જ છે. ચાલ હું નાહીને ફ્રેશ થઈ આવું!” સીતા ઉત્સાહથી બોલી, “બેન, આજે નાસ્તો કરવાની ના ન પાડતાં, નહીં તો હું પણ નઈ ખાઉં!”

હું પાછી ફરી અને સીતાને માથે હાથ ફેરવીને એટલું જ બોલી, “આજે નાસ્તાની ના નહીં પાડું! હું નહાવા જાઉં અને વકીલસાહેબ આવે તો બેસાડજે. આજે મોડું થઈ ગયું છે. અને, હા, ઋચા ને રવિ પણ આવવા જ જોઈએ. એમને પણ બેસાડજે.” આજે અદાના વકીલ આવવાના હતાં. દિલીપે અદા અને ધાજીની વારસાગત મિલકતમાંથી અડધી મિલકત ઈંદિરાને નામ અને બાકીની બધી મિલકત મારે નામ કરી હતી. અમેરિકાની બધી જ મિલકત ઈંદિરાને નામ કરી હતી. અહીં પણ, દિલીપનો જીવન વીમાની રકમ મારે નામ હતી અને અમેરિકાની જીવન વીમાની રકમ ઈંદિરાને નામ કરી હતી. અમેરિકાથી અહીં આવતા પહેલાં, કાયદેસર રીતે, દિલીપની બધી જ સ્થાવર જંગમ મિલકતની વ્યવસ્થાનો પાવર ઈંદિરાના પિતાને અને એમને કશું થઈ જાય તો એ પાવર મને અને રવિને સરખે હિસ્સે આપ્યો હતો. હવે આમાં ઈંદિરાના આવનારા બાળકોનો ઉમેરો થતાં, હવે, મારે આ બધી જ વ્યવસ્થા ખૂબ જ બારીકીથી અને સમજદારીથી કરવાની હતી. ઋચા અને રવિ ન હોત તો મારું શું થાત, એવો ખ્યાલ આવતાં જ મને બીક લાગી કે ઈંદિરા અને એના પેરેન્ટસની સાથે થયેલી વાત કરતાં જ, ઋચાનો મગજનો પારો સાતમા આસમાને પહોંચશે! હું મનોમન મારી જાતને તૈયાર કરી રહી હતી કે કઈ રીતે મારી વાત ઋચા અને રવિની સામે મૂકવી! આમ, ખ્યાલોમાં ખોવાયેલી હું, તૈયાર થવા ગઈ. પાછી આવી ત્યારે, રવિ અને ઋચા આવી ગયાં હતાં. બેઉ ડાયનીંગ ટેબલ પર ચા નાસ્તા માટે મારી રાહ જોતાં હતાં. હું આવી અને કોણ જાણે કેમ, એ બેઉને જોઈને મારી આંખો છલકાઈ પડી અને હું ડૂસકાં ભરીને રડી પડી. ઋચા અને રવિ ઊભ થયા અને કઈં પણ કહ્યા વિના મારા વાંસા પર હાથ પસવારતાં રહ્યાં. ઋચા માત્ર આટલું જ બોલી, “તારા જેવી બહાદૂર મારી મિત્ર છે એનો મને કેટલો ગર્વ છે, સુલુ? મૃત્યુના સંકાજામાં જકડાઈ ચૂકેલાને, કોણ જાણી જોઈને અપનાવે, એટલું જ નહીં, આટલો નિર્વ્યાજ સ્નેહ પણ આપે?”

હું સ્વસ્થ થઈ અને અમે બધાં જ ડાયનીંગ ટેબલ પર ગોઠવાયાં. સીતા ઉત્સાહથી સહુને પીરસતી હતી.

વકીલસાહેબ હજી આવ્યા નહોતાં.

ચા-નાસ્તો કરતાં મેં ઈંદિરાના માતા-પિતાના ફોન કોલની અને સાથે દિલીપ-ઈંદિરાના આવનારા ટ્વીન- જોડિયા બાળકોની

વાત કરી. મને જેની બીક હતી એ જ થયું. ઋચા એની ખુરશી પાછી હડસેલીને, ગુસ્સામાં ઊભી થઈ ગઈ, ”સુલુ, વોટ ઈઝ

રોંગ વીથ યુ? નો, ઈનફ ઓફ સીંઘાનીયા ફેમિલી સાથેનો બોજો…! બસ, એક સહ્રદયી અને સારા માણસ તરીકે એમને

ભારત બોલાવી, એમની મિલકત અને પૈસા સહિત બધી જ વ્યવસ્થા કરી આપ અને એ લોકોને ઈંદિરા અને એના સંતાનોની

સંભાળ પોતાના જોધપુરના ઘરમાં લેવા દે. તારી જવાબદારી અહીં પૂરી અને ધીસ ટાઈમ, આઈ એમ ડેમ સિરિયસ! રવિ

પણ કઈં નહીં બોલે અને તારું તો હું સાંભળવાની જ નથી! બસ, બહુ થયું! આ કેવું અને કયું ઋણ, ક્યાં સુધી તું ચૂકવતી

રહીશ? ઈનફ ઈઝ ઈનફ!”

રવિ બોલ્યો, “ઋચા, આપણે હમણાં તો વન થીંગ એટ અ ટાઈમ. સહુ પ્રથમ, વકીલ સાહેબ સાથે વાત કરીને દિલીપની

મિલકત કાયદેસર રીતે સુલુને નામે અહીં ફેરવી પડશે અને પછી, આપણે અમેરિકાની મિલકત વિષે વાત કરીશું.”

મેં કહ્યું, “મારા નામે કેમ આ બધી જ મિલકત ફેરવી છે? શું ડિરેક્ટલી એ ઈંદિરાને નામે ન થઈ શકે? મારી પાસે તો ઘણું છે.

ઇંદિરાના આવનારા સંતાનો નો દિલીપની મિલકત પર હક બને છે. ઈંદિરા સાથે દિલીપના દોસ્તે જ્યારે લગ્ન કર્યા ત્યારે જ

એ દોઢ-બે મહિના પ્રેગનન્ટ હતી. જો હું ઈંદિરા અને એના બાળકોને દિલીપની મિલકત નહીં આપું તો મને બહુ ગીલ્ટી

લાગશે કે દિલીપના સંતાનોનો હક એમને ન મળ્યો!”

“બોલી રહી તું? બધું એમને આપી દે પણ, ઈંદિરા, એના સંતાનો અને એના માતા-પિતા તારી જવાબદારી નથી, એ તું તારા

મગજમાં ઠસાવી લે. તને તારી જિંદગી, સીંઘાનીયા પરિવારની તકલીફોથી પરે રહીને જીવવાનો પૂરો હક છે! આટલી વાત તું

ક્યારે સમજીશ, સુલુ? તને શું લાગે છે કે, હું પૈસા અને મિલકતને નામે તને એમનાથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છું?

સુલુ, હું તને તારા કરતાં પણ વધુ સારી રીતે ઓળખું છું! પોતાની ખુશી બાજુ મૂકીને પણ અદા અને ધાજીનું ઋણ ચૂકવવા તું

તારી પોતાની જિંદગીને અભરાઈ પર ચડાવી દઈશ, એનો જ ડર છે મને! એક તો વડલા જેવી પર્સનાલીટી છે તારી કે સહુને

તારો સહારો લેવાનું મન થાય અને તું પોતાનો જીવ કાઢીને પણ બધાનો સહારો બનીશ! ટેલ મી ઈફ આઈ એમ રોંગ!”

હું હજી કઈં બોલું, એ પહેલાં રવિ બોલ્યો, “ઋચા, વન થીંગ એટ અ ટાઈમ. આપણે વકીલસાહેબ સાથે વાત કરીને હમણાં તો

દિલીપના વીલ પ્રમાણે જ બધું કરીએ. ઈંદિરાના બાળકોનો જન્મ થાય અને એમનું રહેવાનું ક્યાં અને કેવી રીતે નક્કી થાય

છે, એના પછી બીજું વિચારીશું!”

હું ઋચાનો અને રવિનો હાથ પકડીને, ગળગળી થઈ ગઈ “તમે બેઉ મારા છેલ્લા શ્વાસ સુધી સાથે રહેજો, નહીં તો હું જીવીશ

કેમ?”

આ વખતે, ઋચા રડી અને કહે, ‘સ્ટુપીડ છે તું!” રવિ નીચે નમી અમારી બેઉની સામે જોઈને કહે, “હવે તમારા બેઉનો રડવાનો

પ્રોગ્રામ પતી ગયો હોય તો, વકીલ સાહેબ આવે એ પહેલાં બધા પેપર્સ કાઢીને તૈયાર રાખીએ? ના, આ તો એક રીક્વેસ્ટ છે,

ઓન્લી ઈફ તમારા બેઉનો આંસુનો ક્વોટા ખતમ થઈ ગયો હોય તો!” હું અને ઋચા હસી પડ્યાં

અને ડાયનીંગ ટેબલ પરથી ઊભા થઈને હું બધા પેપર્સ લેવા મારા રૂમમાં ગઈ.

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

4 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૫-અનહોની હોની નહીં, હોની હો સો હોય!

 1. ગયા ગુરુવારના ‘ખાલીપો’ના વિચારમા- ખાલીપો એ એક ખરી લાગણી છે. તે કોઈ બિમારી નથી. તે ફક્ત એકાકીપણું, દુઃખી હોવું, અસમંજસ હોવી કે બધાથી વિયોજન થઇ જવાંની વાત માત્ર નથી, પરંતુ આ બધાની એક મિશ્ર લાગણી છે. કોઈ એક સમયે, આપણામાંનું દરેકજણ એક પીડાદાયક ખાલીપાની લાગણી અનુભવતું હોય છે.ત્યાં આજે પડછાયાના માણસ ……..!-અનહોની હોની નહીં, હોની હો સો હોય! વાંચતા જીવનની ખુશીઓ પણ પડછાયા સમાન હોય છે. હું એમ નથી કહી રહી કે તે અર્થહીન છે કે તેની પાછળ દોટ મુકવી તે નકામું છે. તેની પાછળ પડવું, જો કે, એક રમત રમવા જેવું છે, પોતાનાં પડછાયા સાથે કરાતી એક ગપશપ સમાન છે. જ્યાં સુધી તેની સાથે રમતાં રહીએ ત્યાં સુધી બધું બરાબર છે, તેની ક્ષણિકતામાં આનંદ માણવા જેવું છે. જે ક્ષણે આપણે તેને પકડવાં માંગીશું, તેનાં માલિક બનવાં માંગીશું કે સંઘર્ષ શરુ થઇ જશે. પોતાની જાતને પકડવી એ જ એક સમજભર્યો માર્ગ છે.જીવનની ખુશીઓ પણ પડછાયા સમાન હોય છે. હું એમ નથી કહી રહ્યો કે તે અર્થહીન છે કે તેની પાછળ દોટ મુકવી તે નકામું છે. તેની પાછળ પડવું, જો કે, એક રમત રમવા જેવું છે, પોતાનાં પડછાયા સાથે કરાતી એક ગપશપ સમાન છે. જ્યાં સુધી તેની સાથે રમતાં રહીએ ત્યાં સુધી બધું બરાબર છે, તેની ક્ષણિકતામાં આનંદ માણવા જેવું છે. જે ક્ષણે આપણે તેને પકડવાં માંગીશું, તેનાં માલિક બનવાં માંગીશું કે સંઘર્ષ શરુ થઇ જશે. પોતાની જાતને પકડવી એ જ એક સમજભર્યો માર્ગ છે.ત્યાં’ દિલીપની મિલકત કાયદેસર રીતે સુલુને નામે અહીં ફેરવી પડશે ‘જરુરી વાત.આપણા સમાજમા ખોટી લાગણીમા આ બાબતે બેકાળજી ભારે પડતી જોઇ છે
  સ્ટોઈક રવિ બોલ્યો,”ઓન્લી ઈફ તમારા બેઉનો આંસુનો ક્વોટા ખતમ થઈ ગયો હોય તો ! આંસુનો કોયડો કેટલો ઉકેલે અગ્નિજ્વાળાના એ પાવક ઊર્ધ્વારોહણ સાથે ઈષોપનિષદના મંત્ર
  वायुरनिलममृतम अथेदम भस्मान्त शरीरम ।
  ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर ।।
  ગુંજે ‘સૈફ’
  ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
  શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.
  અમરપ્રેમનો રાજેશ ખન્નાનો પેલો ડાઈલોગ ‘આઈ હેટ ટીઅર્સ પુષ્પા!’ રોજર ફેડરરની એક ખાસિયત છે. તેઓ કોઈ મેચ જીતે કે હારે, પરંતુ તેમની આંખમાં આંસુ દરેક વખતે આવતાં હોય છે
  આવતા હપ્તે ત્યા ઈંદિરાના જોડીઆ પુત્રો જન્મ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જશે એમ લાગે છે

  Like

 2. સંબંધોના તાણાવાણા જીન્દગીને કેવી ગૂચવી નાખે છે તેનો ઉત્તમ નમૂનો આ પ્રકરણમાં આબેહૂબ જોવા મલ્યો.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s