દૄષ્ટિકોણ-૧૧ (પરભુભાઈ મિસ્ત્રી)-પરમાનંદ માધવમ્

પરમાનંદ માધવમ્

રોજ ચાલવા જતી વખતે મારા હાથમાં મોબાઈલ હોય છે. મોબાઈલમાં સેવ કરી રાખેલ શ્રીનાથજી સત્સંગના ગીતો અને સ્વાધ્યાય પરિવારના ભાવગીતો સાંભળવાનું મને ગમે છે. કૌમુદી મુનશીના કંઠે ગવાયેલું પ્રચલિત ભજન ‘ હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી‘ વારંવાર સંભળાયા કરે છે. આમ તો આ ભજન સાંભળી સાંભળીને લોકોના કાન થાકી ગયા હશે અને ગવાઈ ગવાઈને શબ્દો ચૂંથાઈ ગયા હશે, પણ કૌમુદીના કંઠમાં વારંવાર સાંભળ્યા પછી પણ એને રિપ્લેસ કરવાનું મન થતું નથી. ગીત વાગતું રહે છે, પગ ચાલતા રહે છે અને સાથે સાથે વિચારયાત્રા પણ ચાલતી રહે છે. મન ક્યારેક એક શબ્દ પકડી લે છે અને વિચાર પ્રક્રિયા એ શબ્દની આસપાસ રાસ લેતી રહે છે. શા માટે હજાર જ નામનો ઉલ્લેખ કર્યો હશે? હરિને તો ગમે તે નામે બોલાવી શકાય! હરિને હજાર નામમાં સીમિત રાખવાનો શો અર્થ? હરિને તો લાખો. કરોડો કે એથીય વધુ નામો આપી શકાય. શું વિષ્ણુસહસ્રનામ સ્તોત્રને ધ્યાનમાં રાખીને ભાણા નાથે આ ભજનની રચના કરી હશે?

વિષ્ણુસહસ્રનામ યાદ કરતાંની સાથે આધ્યાત્મિક ચિંતક કાંતિલાલ કાલાણી યાદ આવે. એક સમયે ગુજરાતમિત્રમાં એમની કોલમ નિયમિત છપાતી હતી. એમના લેખો વાંચીને ઘણાંને સમાધાન મળતું. આ કાંતિલાલ કાલાણી અને મકરંદ દવે લિખિત ‘વિષ્ણુસહસ્રનામ- આંતરપ્રવેશ‘ નામનું એક પુસ્તક પ્રસિધ્ધ થયેલું છે. એમાં એકેએક નામનો અર્થ વિસ્તૃત રીતે સમજાવ્યો છે. ડો ગુણવંત શાહે આ પુસ્તક વાંચવાનો નાસ્તિકોને પણ અનુરોધ કર્યો હતો. નાસ્તિકો તો ઠીક, પણ આસ્તિકો પૈકી પણ કેટલાયે આ ગ્રંથ વાંચ્યો હશે એ કહેવું મુશ્કેલ છે. નિયમિત પારાયણ કરનારા ભાવિકો એકવાર આ નામોનો અર્થ સમજી લે તો એ પારાયણ વધારે સાર્થક લેખાય.

ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે કે સગુણ સાકાર છે એ ચર્ચાનો કે વિવાદનો વિષય નથી. એ નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. નિરાકાર છે તેમ સાકાર છે. આકાર માટેય કોઈ આગ્રહ નથી, જડતા નથી.. જેને જે સ્વરૂપ ગમે તે રૂપે તે ભજે અને રૂપ આવે એટલે નામ પણ આવે; ‘નમસ્ત્વન્તાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશરોરુબાહવે….ભગવાનને અનંત માથા, અનંત ચરણો અને અનંત બાહુઓ છે. અનેક રૂપો અને અનેક નામો છે; જેને જે રૂપ અને નામ પસંદ આવે તેનું સ્મરણ કરી શકે.

આ વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર મહાભારતના શાંતિપર્વમાં આવેલું છે. રણાંગણમાં પરાસ્ત થયેલા ભીષ્મદાદા બાણશૈયા પર સૂતા સૂતા સૂર્યના ઉત્તરાયન થવાની રાહ જોઈ રહ્યા છે. યુધિષ્ઠિર શ્રીકૃષ્ણને મળવા જાય છે ત્યારે કૃષ્ણ ધ્યાનાવસ્થામાં હોય છે. યુધિષ્ઠિરને નવાઈ લાગે છે એટલે પૂછે છે કે આપ કોનું ધ્યાન ધરો છો? કૃષ્ણે કહ્યું કે હું ધર્મજ્ઞાતા ગંગાપુત્ર ભીષ્મનું ધ્યાન ધરતો હતો. ભીષ્મદાદા જ્ઞાનનો સ્રૂરજ હતા. એ સૂર્ય હવે અસ્તાચળે જઈ રહ્યો હતો. એમના દેહવિલય થાય તે પહેલાં એમના જ્ઞાનનો લાભ લેવા માટે ધર્મરાજ યુધિષ્ઠરને તેઓ તૈયાર કરે છે. યુધિષ્ઠર ભીષ્મદાદા પાસે જાય છે. નતમસ્તકે તેમને પ્રણામ કરે છે અને પછી પિતામહ જોડે એમનો સંવાદ થાય છે. યુધિષ્ઠિરની નમ્રતાથી પ્રસન્ન થયેલા પિતામહ અંતરના ઉમળકાથી બધા રહસ્યો છતા કરે છે. જેનો સંચય શાંતિપર્વમા થયો છે. આ દિવ્ય સંવાદ પર વિદ્વાનોના પ્રવચનો થાય તો એ અમૂલ્ય વિચાર ખજાનાનો લાભ આપણને પ્રાપ્ત થાય. પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનોમાં થોડુંક આચમન કરવાનો અવસર કેટલાક લોકોને મળ્યો હતો.

ગઈ પેઢી સુધી આપણે ત્યાં ચોમાસામાં મહાભારત વાંચવાની પ્રથા હતી. મોક્ષમાર્ગ સંપ્રદાયના સ્થાપક વલ્લભરામ સૂરજરામ વ્યાસજી રચિત રાગ રાગિણીમાં ગવાતું મહાભારત અતિ લોકપ્રિય હતું. ‘વૈશમપાયે એણી પેર બોલ્યા સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર્વ મહિમાય…. ‘ આવી ચોપાઈ બચપણમાં સાંભળેલી તે આજના વૃદ્ધોને આજે પણ યાદ હશે. આ મહાભારત અતિ રોચક શૈલીમાં લખાયેલું હોવાથી લોકભોગ્ય અને લોકપ્રિય બન્યું હતું. એક હજાર બત્રીસ પાનાના આ ગ્રંથમાં અઢારે પર્વનો સાર આવરી લેવાયો હતો. જો કે, શાંતિપર્વ માટે એ ગ્રંથમાં માત્ર વીસ જ પાના ફાળવવામાં આવ્યા છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે શાંતિપર્વ માટે નવસો સાડત્રીસ પાનાનો ગ્રંથ પ્રગટ કરેલો છે તે જિજ્ઞાસુઓ માટે વધારે ઉપયોગી છે. વિચાર કરીએ કે એક એક પર્વ માટે આશરે હજાર પાનાની જરૂર પડે તો આખા મહાભારતના અઢારે અઢાર પર્વો માટે કેટલા પાના જોઈએ? પ્રસિદ્ધ ચિંતક ડૉ. ગુણવંત શાહે રામાયણ અને મહાભારતને વિશ્વવિદ્યાલયની ઉપમા આપી તે એકદમ સાર્થક છે.

ભાવિકજનો વિષ્ણુસહસ્રનામનું પારાયણ કરતા આવ્યા છે તેની પાછળ બહુ ઓછા લોકોનો આશય જ્ઞાનપ્રાપ્તિનો છે. સુગરકોટેડ દવાની જેમ આપણા પુરાણકારોએ દરેક મૂલ્યવાન ગ્રંથો કે સ્તોત્ર તરફ લોકોને ખેંચવા માટે તેની ફળશ્રૂતિ લખી છે. લાલો લાભ વગર લોટે નહિ- એવી આપણી માનસિકતાનો તેમને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. ‘આ ગ્રંથને જે ગાય, શીખે કે સાંભળે, તેને સ્વર્ગપ્રાપ્તિ થશે, સઘળા મનોરથો સાકાર થશે, પુત્રપ્રાપ્તિ થશે, વિજયી થશે, ધન વૈભવ પ્રાપ્ત થશે‘ એવી લાલચથી પ્રેરાઈને ભાવિકો વિવિધ વ્રતો, કથા-પારાયણો વગેરે કરતા રહેલા છે. ભગવદ ગીતા તો ફળની આશા છોડીને કર્તવ્ય કર્મો કરવાનું કહે છે, પણ આપણા લોકોની સીધી નજર ફળપ્રાપ્તિ પર જ હોય છે. તેમણે લખ્યું કે ગ્રંથ વાંચશે પણ માહાત્મ્યનો પાઠ નહિ કરશે તેની બધી મહેનત વ્યર્થ જશે! બસ, થઈ રહ્યું. બહાનું મળી ગયું! ખરું જોતાં આ ગ્રંથો કે સ્તોત્રોના ચિંતનમાં ડૂબકી માર્યા પછી એ તમામ ફળશ્રૂતિ સાવ ક્ષુલ્લક લાગે છે. તથાકથિત ફળશ્રૂતિને લાત મારવાનું મન થાય એવી મૂલ્યવાન ચીજ પ્રાપ્ત થાય છે.

‘હરિના હજાર નામ‘ની ચર્ચા આપણી વિચારયાત્રાને ક્યાંથી ક્યાં સુધી લઈ ગઈ! વિષ્ણુસહસ્રનામ  સ્તોત્રમાં એક શ્લોક આવે છે, ‘ અજો મહાર્હ: સ્વાભાવ્યો જિતામિત્ર: પ્રમોદન: । આનન્દો નન્દનો નન્દ: સત્યધર્મા ત્રિવિક્રમ: ।।‘ વિષ્ણુનું એક નામ ‘આનંદ‘ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરતા રહેલા છીએ કે “પ્રભુ, આનંદરૂપે આપ મારા ઘર વિષે વસજો‘ માણસ આનંદિત હોય, એનો પરિવાર આનંદિત હોય તો ભગવાનને શોધવા અન્યત્ર જવાનું કોઈ કામ નથી. જ્યાં આનંદ છે ત્યાં ભગવાનના અસ્તિત્વનો, એની કરુણાનો પ્રેમાળ સ્પર્શ અનુભવવા મળે છે. આનંદ અને સુખ બંનેના અર્થ જુદા છે. સુખ હંમેશાં ઇન્દ્રિયજન્ય છે. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી સુખ પેદા થાય છે. જ્યારે આનંદ શબ્દ વિષયોનો ઓશિયાળો નથી. વિષયોના અભાવ હોવા છતાં આત્મા જે પરમ સુખ અનુભવે છે તેને કહેવાય આનંદ.

અહીં ‘આનંદ‘ શબ્દ પર આવીને મગજની પિન અટકી જાય છે કારણ કે, એ શબ્દ જોડે વિદ્યાર્થી અવસ્થાની એક અવિસ્મરણીય ઘટના સંકળાયેલી છે. નવમા ધોરણમાં એક નવો વિષય શીખવાનો આવતો હતો એ વિષયનું નામ છે સંસ્કૃત! દેવોની ભાષા શીખવાનો રોમાંચ હતો. નવો વિષય અને નવા શિક્ષક! ‘મૂકં કરોતિ વાચાલમ્ પંગુમ્ લંઘયતે ગિરિમ્. દેવકી પરમાનન્દં કૃષ્ણં વન્દે જગત્ગુરુમ્..- શ્લોકનો અનુવાદ તો સાહેબે અમને સમજાવ્યો, પણ સાહેબ ભારે ઉત્સાહી! સાહેબની ઉંમર હશે પચ્ચીસેક વરસની. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાડવાના ઉદ્દેશથી એમણે માહિતી આપતાં કહ્યું કે ‘અહીં ‘પરમ્‘ અને ‘આનન્દમ્‘ શબ્દની સંધિ થયેલી છે. બીજો કોઈ શબ્દ ન મૂકતાં ‘આનન્દ‘ શબ્દ જ કેમ મૂક્યો તેની પાછળ વિશેષ અર્થ રહેલો છે.‘ આખો વર્ગ સ્તબ્ધ થઈ ગયો! ‘આનંદ‘ શબ્દમાં એવું કયું રહસ્ય ભર્યું હશે કે એને ખાસ અને સહેતૂક પસંદ કરાયો? સૌ વિદ્યાર્થીઓના ચહેરા પર એકી સાથે પ્રશ્નાર્થ ચિહ્ન ઉપસી આવ્યા. તમામના આંખ અને કાન સાહેબ તરફ મંડાયા. રહસ્યોદ્ઘાટન કરતાં સાહેબે જણાવ્યું કે ‘આનંદ‘ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. આખો વર્ગ અવાક રહી ગયો. શું વાત છે? આ સંસારમાં ભગવાને દ્વન્દ્વો સર્જ્યા છે. દરેક શબ્દના જેમ પર્યાય હોય તેમ વિરોધી શબ્દો પણ હોય જ; એવી અમારી માન્યતા વચ્ચે સાહેબે નવી વાત રજુ કરી એ વાતે અમારી મર્યાદિત બુદ્ધિમાં વમળો સર્જ્યા. એક વિચારબીજ ઊગી નીકળ્યું કે, ‘આનંદ‘ કદી અજાતશત્રુ હોઈ શકે જ નહિ! પિરિયડ તો પૂરો થયો પણ ચિત્ત અસ્વસ્થ ! આવું તો કદી હોય? અમારું મિત્રમંડળ ‘આનંદ‘ શબ્દનો વિરોધી શબ્દ શોધવા કામે લાગી ગયું. જે મળે તેને પૂછીએ, જુદા જુદા ચોપડા ફંફોસીએ! એક મોટી ચેલેન્જ હતી અમારી સામે.

બીજો પિરિયડ આવ્યો અને બીજો પાઠ ચાલુ થયો, પણ બાળકોનો સળવળાટ જોઈને સાહેબે પૂછ્યું, કંઈ તકલીફ છે? એક છોકરાએ ઊભા થઈને કહ્યું સાહેબ, તમે કહેલું કે ‘આનંદ‘ શબ્દનો વિરોધી કોઈ શબ્દ નથી, પણ ‘દુ:ખ‘ એ આનંદનો વિરોધી શબ્દ છે! સાહેબે તરત પૂછ્યું કે તો પછી સુખનો વિરોધી શબ્દ કયો? અમે સલવાઈ ગયા.અમારું બાણ ખાલી ગયું! ત્રીજી વખતના પિરિયડમાં અમારા પૈકીના એકે ઊભા થઈને જણાવ્યું કે સાહેબ. ‘શોક‘ એ આનંદનો વિરોધી છે! સાહેબે એટલી જ ત્વરાથી સામો પ્રશ્ન પૂછ્યો કે તો પછી હર્ષનો વિરોધી શબ્દ કયો? અમે થોડાક હતાશ થયા,પણ હાર માની નહિ અને આનંદના વિરોધી તરીકે ઉદ્વેગ, ખેદ જેવા શબ્દો રજુ કર્યા. છેવટે, સાહેબે આખા વર્ગને બે હાથ જોડીને કહ્યું કે, હું તમને સૌને નમસ્કાર કરું છું. મને જે મહાપુરુષે આ વાત કરેલી તેમની જોડે મેં તમારા જેટલી માથાકૂટ નહોતી કરી! પ્રકરણ ત્યાં જ પૂરું થઈ ગયું એમ તો ન કહેવાય, પણ તત્કાલ દબાઈ ગયું. એ દબાઈ ગયેલા મુદ્દાએ માથું ઊંચક્યું જ્યારે અમારા સંતાનો સ્કૂલમાં ભણવા ગયા અને ટિચરે કહ્યું કે આનંદનો વિરોધી શબ્દ ‘દુ:ખ‘ થાય! અલબત્ત, ચક્ર રિવર્સ ગિયરમાં ચાલ્યું. જે દલીલ વર્ષો પહેલાં ટિચરે કરી હતી તે હવે વિદ્યાર્થીએ કરી.

શાંતિપર્વ, વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર અને ‘પરમાનંદ માધવમ્‘ ની આ સત્ય કહાણી એકબીજા સાથે ગુંથાઈને મગજના ખૂણે સંતાઈ પડેલી તે ચાલતાં ચાલતાં,  ‘હરિ! તારાં નામ છે હજાર..‘ સાંભળતાં સાંભળતાં સળવળાટ કરતી બહાર નીકળી આવી. નિષ્ઠાવાન શિક્ષકો અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓનો તે જમાનો હતો. બાળમાનસમાં એવી જિદ હતી કે બુદ્ધિમાં ન ઉતરે તેવી વાત સ્વીકારવી નહિ અને હજાર ખણખોદ કરીને સ્વીકાર્યા પછી તેને જડબેસલાક મજબૂતીથી પકડી રાખવી. આનંદ એ ભગવાનનો પર્યાય છે અને સુખ શબ્દ કરતાં એનું સ્થાન ઘણું ઊંચું છે. આપણે સદૈવ આનંદમાં રહીએ અને ભગવાનનું સાંન્નિધ્ય માણતા રહીએ.

Advertisements

9 thoughts on “દૄષ્ટિકોણ-૧૧ (પરભુભાઈ મિસ્ત્રી)-પરમાનંદ માધવમ્

 1. આનંદ વિશે નું વાંચન નવી સ્ફૂર્તિ આપી ગયું .. કદાચ ‘આનંદ’ નો વિરોધી ભાવ ‘શોક’ શબ્દ થી વ્યક્ત કરી શકાય.
  જેમ ‘ભાગવત’ ની શરૂવાત ‘સત્યં પરં ધીમાહી’ થી થાય છે તેમ જીવન નો અંત ‘પરમ-આનંદ’/’મોક્ષ’ હોઈ શકે.
  જીવન માટે એમ કહેવાય છે કે જીવન ગમે તેટલું સંઘર્ષ-મય કેમ ન હોય, આનંદ-મય હોવું અત્યંત જરૂરી છે.. જે જીવન ની હરેક પળે મુક્તિ પ્રદાન કરે છે.
  ‘સસ્તું સાહિત્ય’ દ્વારા પ્રકાશિત ‘શાંતિ પર્વ’ ના વાંચન નું સુભાગ્ય મને સાંપડેલું … પ્રાચીન થી લઈને અર્વાચીન વહીવટ ના દરેક પાસા ની શિખ તેમાં થી મળી રહે છે.. ( MBA કરવાની જરૂર રહેતી નથી) તેવુંજ ‘મનુસ્મૃતિ’ નું છે.. કે દરેક પ્રકાર ની સામાજિક વ્યવસ્થા શા-માટે અને કેવી રીતે કરવી તેનો નીચોડ તેમાં આવી જાય છે. દાદા શ્રી પાંડુરંગ શાસ્ત્રી ના વિચારો ની પ્રેરણા થી આવા સાહિત્ય જોડે નું અનુસંધાન થયેલું.. અને સમૃદ્ધ જીવન માણવાનો અવસર પ્રાપ્ત થયો છે જે સ્વયં આનદ છે.
  અસ્તુ
  શૈલેષ મહેતા

  Like

 2. વિષ્ણુ સહત્રનામ તેમાં ‘સહસ્ત્ર’ સંખ્યાની મર્યાદા સૂચક થી વિશેષ ‘અસંખ્ય’ એવો ભાવ સૂચવે છે.. તેવું મારું માનવું છે..

  Like

 3. પરમાનંદ માધવમ્ અંગે સુંદર સંકલન
  કૃષ્ણની પરમ શક્તિ આહ્લાદિની એટલે પરમ આનંદ
  ‘મૂકં કરોતિ વાચાલમ્ પંગુમ્ લંઘયતે ગિરિમ્.’ અમારા શિક્ષક કહેતા કે સંસ્કૃતમા વાચાલમ કરોતિ મૂકમ પ્રમાણે વાચાળને મૂંગો કરે તે પણ સાચું કહેવાય!
  શંકરાચાર્યને ભોળા રબારીઓએ કહ્યું અમે મૂઢ મતિ છીએ અમેને એક જ ષ્લોકમા કહો અમારે શું કરવું? ત્યારે કહ્યું
  गेयं गीता नाम सहस्रं,
  ध्येयं श्रीपति रूपमजस्रम्।
  नेयं सज्जन सङ्गे चित्तं,
  देयं दीनजनाय च वित्तम्॥२७॥
  પ્રેમનો વિરોધી શબ્દ નફરત નહીં, ઉપેક્ષા છે … પર્સિયન શબ્દ ‘દુ:શ્મન’ જેના પરથી આવ્યો છે તે સંસ્કૃત ‘દોષ’નો મતલબ જ જે બરાબર નથી, અયોગ્ય છે, અસ્વીકાર્ય છે તેને … રાવણ રામને નફરત કરે છે અને એમાં જ એનું ચેન, સુખ અને આનંદ છે.દુ}ખનો વિરોધી સુખ માટે મહેનત કરવી પડે છે, પરંતુ આનંદ માટે સાધના ..

  Like

 4. આ.પ્રજ્ઞાબેને ‘મૂકં કરોતિ વાચાલં’ નો વિપરીત અર્થ કાઢી બતાવ્યો તે સંસ્કૃત ભાષાની કમાલ છે. પૂ. પાંડુરંગ દાદા ક્યારેક મજાકમાં ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ માટે આવો વિપરીત અર્થ રજૂ કરતા.

  Like

 5. Parbhubhai Mistry
  to me

  સૌનો પ્રતિભાવ વાંચીને આનંદની લાગણી અનુભવું છું. ટેનિકલ નોલેજના અભાવે મારાથી કોઈ પ્રકારનો વિવેક ચૂકી જવાતો હોય તો ક્ષમા પ્રાર્થું છું વડીલ શ્રી દાવડા સાહેબનો ખૂબ ખૂબ આભાર; મારા જેવા સાવ નાના અને મામૂલી માણસને તેમના આંગણાંમાં બેસાડીને ઈન્ટરનેટના આકાશે ચડાવ્યો.
  પ્રજ્ઞાબેનના પ્રતિભાવ ‘વાચાલં કરોતિ મૂકં‘ સંદર્ભે બીજું એવું જ વાક્ય દર્શાવું, ‘શ્રી કૃષ્ણ: શરણં મમ!‘ સંસ્કૃત ભાષાની આ ખૂબીનો દુરૂપયોગ કરીને ગ્રંથોના અવળાં અર્થઘટનો પણ થયાં છે, એટલું જાણ ખાતર.
  (ઇ-મેઈલ દ્વારા)

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s