એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૭-જીએઓમાં પરમેનન્ટ જોબ મળ્યો


જીએઓમાં પરમેનન્ટ જોબ મળ્યો

1957માં સાવરકુંડલા છોડ્યું પછી વોશીન્ગટન સિવાય ભાગ્યે જ કોઈ જગ્યાએ હું આટલાં બધાં વર્ષો રહ્યો હોઈશ.  મુંબઈ, એટલાન્ટા, ગ્રીન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ–આ બધાં શહેરોમાં તો કામ પતાવીને ભાગવાની જ વાત હતી.  પણ જ્યારે 1976માં વોશીન્ગટન આવ્યો ત્યારે થયું કે અહીં લાંબું રહેવા મળે તો કેવું સારું!  સદ્ભાગ્યે એવું જ બન્યું.  અને આ લખાય છે ત્યારે મને અહીં વોશીન્ગટનમાં ચાલીસ વર્ષ થશે.  લાગે છે કે હવે બાકીની જિંદગી હવે અહીં જ જશે.

મેં આગળ જણાવ્યું તેમ અમેરિકાનું મને પહેલેથી જ આકર્ષણ હતું.  હોલીવુડની મૂવીઓએ મને અમેરિકાનું ઘેલું લગાડ્યું હતું.  મુંબઈમાં દરરોજ ચર્ચગેટના સ્ટેશન પર ટ્રેનમાંથી  નીકળતાં જ સામે ઇરોઝ દેખાય. હોલીવુડની નવી નવી મૂવીઓ ત્યાં જોવા મળતી. સ્ટેશનથી થોડું ચાલો તો જમણી બાજુ અમેરિકન લાયબ્રેરી જોવા મળે.  મુંબઈની પરસેવે રેબઝેબ કરતી ગરમીમાં એનું એરકન્ડીશનીંગ તો ગમતું જ, પણ ત્યાં અમેરિકન મૅગેઝિન અને છાપાં જોવા મળતા. આગળ ઉપર જણાવ્યું તમે અમેરિકન સરકેરામા જોતાં થયેલું કે આવા દેશમાં રહેવા મળે તો કેવું!

અમેરિકામાં પણ  વોશીન્ગટનનું બહુ ઘેલું હતું. 1963માં મેટ્રો સિનેમામાં મેં પ્રેસિડેન્ટ કેનેડીના ફ્યુનરલની ન્યુજ રીલ જોયેલી.  તેમાં થોડું ઘણું વોશીન્ગટન જોવા મળેલું.  સામાન્ય રીતે મૂવી શરૂ થાય એ પહેલા ન્યુઝ રીલ બતાવવામાં આવે.  આ કેનેડી ન્યુઝ રીલથી લોકો એટલા પ્રભાવિત થયેલા કે મૂવીને બદલે ખાસ તો એ ન્યુઝ રીલ જોવા જતાં!  એમાં પણ કેનેડીનું કોફીન પસાર થતું હતું ત્યારે જેકવેલીન કેનેડીએ વાંકા વળી નાના દીકરા જ્હોનને સલામ ભરવાનું કહ્યું અને જ્હોનને સલામ ભરતો જોઈ આખા થીએટરમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયેલો તે મને હજી યાદ છે.  એક વારથી નહીં ધરાતા હું તો બીજી વાર ખાસ ન્યુજ રીલ જોવા માટે મૂવીમાં ગયેલો.  જો કે આજે યાદ પણ નથી કે એ કઈ મૂવી હતી!

અમેરિકામાં મેં જ્યારે કાર લીધી ત્યારે પહેલી ટ્રીપ મેં  વોશીન્ગટનની જ કરેલી.  કેપીટોલ બિલ્ડીંગ જ્યાં કોંગ્રેસ (અહીંની પાર્લામેન્ટ) બેસે છે ત્યાંથી માંડીને ઠેઠ લીંકન મેમોરિયલ સુધી એકાદ માઈલમાં પથરાયેલો એનો ભવ્ય મૉલ, વ્હાઇટ હાઉસ, વોશીન્ગટન, લીંકન, જેફરસન, જેવા મહાન પ્રમુખોના સ્મારકસમા મોન્યુમેન્ટ અને મેમોરિયલ, લાયબ્રેરી ઑફ કોંગ્રેસ, સ્મિથસોનિયન મ્યુઝિયમ વગેરે મારે જોવાં હતાં.  ત્યાં વસતા અને કામ કરતા જાણીતા સેનેટર અને કોંગ્રેસમેન અને વોલ્ટર લિપમેન જેવા વિખ્યાત કોલમનિસ્ટને મળવું હતું. કોંગ્રેશનલ હીયરીંગ્સમાં જઈને બેસવું હતું.

1965ના ગાળામાં સેનેટર ફુલબ્રાઈટે ફોરેન રિલેશન્સ કમિટીમાં વિએટનામની વોર વિષે જે હિયરીન્ગ્સ કર્યા હતા તે મેં ટીવી ઉપર જોયેલા. કલાકો સુધી સેક્રેટરી ઓફ સ્ટેટ ડીન રસ્ક કેન્ટ સિગરેટ ફૂંક્યે જાય અને સેનેટરોને પોતાના મોનોટોનસ ટોનમાં જરા પણ ઉશ્કેરાયા વગર જવાબ આપ્યે જાય.  ત્યારે એમ પણ થયેલું કે મને કોઈ દિવસ આવા હિયરીંગમાં ટેસ્ટીફાય કરવા મળશે ખરું? પછી જ્યારે જ્યારે હું કોંગ્રેસમાં ટેસ્ટીફાય કરતો ત્યારે સેક્રેટરી રસ્કના વિએટનામ હિયરીન્ગ્સ યાદ કરતો.  એવી જ રીતે વોશીન્ગ્ટનની પ્રેસ કોન્ફરન્સ ટીવી પર જોતો ત્યારે મને થતું કે મને પ્રેસ કોન્ફરન્સ ભરવાનો મોકો મળશે?  વોશીન્ગ્ટન, ત્યાં પહોંચું તે પહેલાં આમ મારી રગે રગમાં વસી ગયું હતું.

આજે ચાલીસ વરસના વસવાટ પછી પણ મને વોશીન્ગ્ટનનું ઘેલું ગયું નથી. વોશીન્ગ્ટનના સી.એફ.ઓ. થયા પછી મારી ઑફીસ પેન્સિલ્વેનિયા એવન્યૂ પર હતી. એ એવન્યૂના એક ખૂણે કેપિટોલ હિલ જ્યાં હાઉસ અને સેનેટ બેસે. અને બીજે ખૂણે વ્હાઈટ હાઉસ.  દર ચાર વર્ષે ચુંટાતા પ્રમુખનું કેપિટોલ સ્ટેપ્સ પર ઇનોગ્યુરેશન થયા પછી આ જ એવન્યૂ ઉપર ભવ્ય પરેડ નીકળે જે વ્હાઈટ હાઉસ સુધી પહોંચે. લંચ ટાઈમે ઘણી વાર હું એવન્યૂ પર આંટા મારવા નીકળતો.

9/11ના હત્યાકાંડ પછી વોશીન્ગ્ટનમાં સિક્યુરીટી ખૂબ વધી ગઈ. પણ એ પહેલાં તો તમે કેપિટોલ બિલ્ડીંગમાં ઠેઠ ઉપર સુધી જઈ શકો.  ત્યાં ઉપરથી પશ્ચિમ બાજુ નજર નાખો તમને આખોય મોલ દેખાય. મોલની જમણી બાજુ વ્હાઈટ હાઉસ, વચમાં અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ વોશીન્ગ્ટનના સ્મારકનો ઊંચો સ્થંભ, એની પાછળ વળી પાછો મોલ અને રીફ્લેકટીંગ પૂલ અને છેવટે લિંકનનું ભવ્ય મેમોરિયલ. એ મેમોરિયલના પગથિયાં પરથી સિવિલ રાઈટ્સ મુવમેન્ટના અગ્રણી નેતા માર્ટીન લ્યુથર કિંગે એમનું યાદગાર “I have a dream” પ્રવચન આપેલું.  કેપિટોલ ઉપરથી બીજું શું દેખાય?  પ્રેસિડેન્ટ જેફરસન અને રૂજવેલ્ટના તેમ જ બીજા વિશ્વયુદ્ધ અને વિએટનામના યુદ્ધનાં સ્મારકો, વિશ્વવિખ્યાત સ્મિથસોનિયન મ્યુઝિયમનાં અનેક બિલ્ડીંગો, અને વચમાં વહેતી પટોમક નદી –આ બધાયનો પેનોરેમિક વ્યૂ મળે. કેપિટોલની પૂર્વમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને લાયબ્રેરી ઑફ કોંગ્રેસ જોવા મળે.

અમેરિકાના જાહેર જીવનમાં આ મોલ એક વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે.  દર ચાર વર્ષે જાન્યુઆરીની વીસમી તારીખે કેપિટોલ સ્ટેપ્સ પર જે ઇનોગ્યુરેશન થાય તે જોવા હાડકાં ભાંગી નાખતી ઠંડીમાં પણ લોકો લાખોની સંખ્યામાં મોલ પર આવે. દર વર્ષની ચોથી જુલાઈએ પણ એવી જ મોટી સંખ્યામાં લોકો મોલ પર સ્વતંત્ર દિનની ઉજવણી કરે. અને તે દિવસે રાત્રે આખાયે આકાશને ઝળહળ અજવાળી દેતું ફટાકડાંઓનું ફાયર વર્કસ જુએ.  સિવિલ રાઈટ્સ, ગે રાઈટ્સ, બ્લેક લોકોની “મીલીયન મેન માર્ચ” જેવી અનેક મુવમેન્ટસ માટે પણ લોકો અહીં ભેગા થાય અને પોતાની વાત અમેરિકન પ્રજા અને તેના પ્રતિનિધિ કોંગ્રેસમેન, સેનેટર, પ્રમુખ વગેરે સામે રજૂ કરે.

દેશમાંથી અને બહારગામથી આવતા મુલાકાતીઓને આ બધું હું હોંશે હોંશે બતાડતો.  બને તો વ્હાઈટ હાઉસ અને કેપિટોલની ટૂર પણ ગોઠવતો. એમને લિંકન મેમોરિયલ તો અચૂક લઇ જતો.  મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને ઉમાશંકર જોશી બન્ને ત્યાં જઈ લાગણીવશ થઈ ગયેલા તે યાદ છે.  દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ જેલ ભોગવી આવેલા ગાંધીયુગના આ અગ્રણી સાહિત્યકારો માટે ગુલામોના મુક્તિદાતા લિંકનનું વિશેષ મહત્ત્વ હોય તે સમજી શકાય.  દર્શકે તો અમેરિકાની સિવિલ વોર અને લિંકન વિષે નવલકથા લખી છે.   ઉમાશંકર જોશીએ એ જ સિવિલ વોરમાં જાતને હોમી દેનાર આ મહાન પ્રમુખને “મહામના લિંકન” નામના એક સૉનેટમાં અંજલિ આપી છે.  લિંકન મોન્યુમેન્ટ જોયા પછી ત્યાં પટોમક નદીને કિનારે હરિયાળા ઘાસ પર અમે ઉમાશંકર જોશી સાથે બેઠા હતા ત્યારે મેં એમને સહજ કહ્યું કે થોડાં વરસ પહેલા અમે સુરેશ દલાલ સાથે અહીં જ આવીને બેઠેલાં.  કવિ કહે તો હવે સુરેશ જોષીને લઇ આવો તો એમાં અમે બે ફરી આવી જશું!

  જીએઓની મારી ફેલોશીપ તો માત્ર એક જ વરસની હતી.  અહીં આવતાં જ મેં વિચાર કર્યો કે અહીં હંમેશ કેમ રહી શકાય?  અને ધારો કે જીએઓમાં જો ન રહી શકાય તો બીજે ક્યાંય સગવડ થાય?  વોશીન્ગ્ટનમાં ઘણી કૉલેજ અને યુનિવર્સિટીઓ હતી. એક તો કાળા લોકોની વિખ્યાત હાવડ યુનીવર્સીટી હતી.  અહીં ક્યાય પીટ્સબર્ગ જેવું રીસર્ચનું તીવ્ર ‘પબ્લીશ ઓર પેરીશ’નું વાતાવરણ ન હતું.  એમાં કંઈક આપણું થઈ શકે?

એ વિચારે મેં અહીંની અમેરિકન યુનિવર્સિટીમાં સાંજના પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે અપ્લાય કર્યું.  એ લોકોની તરત હા આવી.  એ બલિહારી પણ એકાંઉન્ટીંગ પીએચ. ડી.ની તંગીની હતી.  મારા જેવો આવો અનુભવી અને એકાંઉન્ટીંગમાં પીએચ. ડી. થયેલો પ્રોફેસર તેમને ક્યાંથી મળવાનો હતો? વધુમાં જેમ હું પીટ્સબર્ગમાં વિદ્યાર્થીઓમાં કલાસ રૂમ ટીચર તરીકે પોપ્યુલર હતો, તેમ અહીં અમેરિકન યુનિવર્સિટીમાં પણ થોડા સમયમાં પોપ્યુલર થઇ ગયો.  મારી ક્લાસ રૂમની પોપ્યુલારીટીની વાત ફેલાવા લાગી.  વિદ્યાર્થીઓ મારા ક્લાસ આતુરતાથી ભરવા લાગ્યા.  બિજનેસ સ્કૂલના ડીને મને મળવા બોલાવ્યો અને કહ્યું કે વરસ પછી  જ્યારે તમારી જીએઓની ફેલોશીપ પૂરી થાય અને તમારે જો પીટ્સબર્ગ પાછું ન જવું હોય, અને વોશીન્ગ્ટનમાં રહી જવું હોય તો તમને ફુલ ટાઈમ જોબ આપવા અમે તૈયાર છીએ!

મને તો ભાવતું’તું અને વૈદ્યે કીધું. મેં એમનો આભાર માન્યો અને કહ્યું કે એ વાતનો હું જરૂર વિચાર કરીશ.  હજી તો હું હમણાં જ વોશીન્ગ્ટન આવ્યો છું. અને ફેલોશીપનું કામ કરવા આતુર છું. પણ આ બારી ઊઘડી એ મને ગમ્યું, જો પીટ્સબર્ગમાંથી છૂટવા માટે અને વોશીન્ગ્ટનના મોહે હું અમેરિકન યુનિવર્સિટીમાં જોબ લઉં તો પણ આખરે તો યુનિવર્સિટીનું જ વાતાવરણ તો ખરું ને?  મારી નજર તો જીએઓના જોબ ઉપર હતી.  જો જીએઓમાં યેન કેન પ્રકારેણ જોબ મળી જાય તો યુનિવર્સીટીના રેકેટમાંથી મારો જાન છૂટે. આ આશયે જીએઓની ફેલોશીપના કામમાં લાગી ગયો.

આગળ જણાવ્યું એ મુજબ જીએઓ કોન્ગ્રેશનલ એજન્સી છે.  એનું મુખ્ય કામ કોંગ્રેસને એના કાયદા ઘડવાના કામમાં મદદ કરવાનું. કોંગ્રેસની જુદી જુદી કમિટીઓ જીએઓને એમના હાથ નીચેની એજન્સીનું ઑડીટ કરવાનું સોંપે.  નવા કાયદાઓ ઘડે એ પહેલાં જીએઓને એ વિષે અભ્યાસ કરવા કહે, અને માર્ગદર્શન માગે.  હું જ્યારે જીએઓમાં હતો ત્યારે કોંગ્રેસની જોઈન્ટ કમિટી ઑન ટેક્સેશન જેનું કામ કંપનીઓના ટેક્સેશનને  લગતા કાયદાઓનો અભ્યાસ કરીને કોંગ્રેસની ટેક્સ પોલીસી ઘડવાનું હતું, તેણે જીએઓને વિનંતી કરી કે ઇન્સ્યુરન્સ કંપનીઓના ટેક્સેશન વિષે એ રીપોર્ટ તૈયાર કરે અને સલાહ આપે કે એ કાયદાઓમાં શું ફેરફાર કરવા જોઈએ. ઇન્સ્યુરન્સ કંપનીઓના ટેક્સેશનને લાગુ પડતો ટેક્સ કોડ બહુ અટપટો અને અનેક પ્રકારની ગૂંચવણો ભરેલો હતો.  ઇન્સ્યુરન્સ કંપનીઓ એ ગૂંચવણોનો લાભ લઈ મોટા ભાગે કરવેરા ભરવાનું ટાળતી.  કમિટીનું કહેવું હતું કે એ કોડને સરળ બનાવી શકાય ખરો? એ કંપનીઓને એમના ભાગનો ટેક્સ ભરતી કેમ કરી શકાય?  આ બાબતનો રીપોર્ટ તૈયાર કરવાનું જે પ્રોફેશનલ ટીમને સોંપાયું તેની જવાબદારી મને સોંપવામાં આવી.

આ રીપોર્ટ તૈયાર કરવા માટે અમેરિકના ઇન્સ્યુરન્સના ધંધાની અને એની મુખ્ય કંપનીઓનોની દેશની ઈકોનોમી ઉપર શું અસર છે તેનો મેં અભ્યાસ કર્યો.  એ કંપનીઓના ટેકસેશનમાં જે કાંઈ સુધારાવધારા થાય તેની લાઈફ, પ્રોપર્ટી, ઓટોમોબાઈલ વગેરેના ઇન્સ્યુરન્સનો ધંધો કરતી કંપનીઓ અને ગ્રાહકો પર શું અસર થાય તે અમારે ખાસ જાણવું હતું.  એ રીપોર્ટ તૈયાર કરવા મારે ઇન્સ્યુરન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને અને એના લોબીઇસ્ટ, અર્થશાસ્ત્રીઓ અને ધંધાના એકેડેમિક નિષ્ણાતો વગેરેને વારંવાર મળવાનું થતું.  મારી ટીમ સાથે આ બધો અભ્યાસ કરતાં એક વરસ તો ક્યાંય નીકળી ગયું, અને રીપોર્ટ પૂરો કરતા બીજા છસાત મહિના નીકળી જાય એવું લાગ્યું.

જીએઓના ઉપરીઓએ મને વિનંતી કરી કે હું આ રીપોર્ટ પૂરો થાય ત્યાં સુધી મારી ફેલોશીપ લંબાવીને જીએઓમાં રહી શકું ખરો કે?  મેં કહ્યું કે મારે પીટ્સબર્ગ જઈને ડીનને મળવું જોઈએ.  એ જો મને એક વરસ વધુ રહેવાની છૂટ આપે તો હું જરૂર જીએઓમાં રહીને આ કામ પૂરું કરીશ.  હું પીટ્સબર્ગ ગયો.  ડીનને મળ્યો અને મારી મૂંઝવણની વાત કરી.  વધુમાં કહ્યું કે આ રીપોર્ટ દ્વારા ઇન્સ્યુરન્સ જેવા અગત્યના ધંધાના ટેક્સેશનને બદલાવી સરળ કરવાની આ મોટી તક છે.  જો એમની રજા હોય તો જીએઓમાં એક વરસ વધુ રહું.  એમ પણ કહ્યું કે આપણી યુનિવર્સિટીનો એક ફેકલ્ટી મેમ્બર જો આવું અગત્યનું કામ કરે તેમાં યુનિવર્સિટીની પણ ખ્યાતિ વધશે.

હાર્વર્ડ જેવી ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીના પ્રોફેસરો છાશવારે વોશીન્ગ્ટન જાય અને ફેડરલ ગવર્નમેન્ટમાં વરસ બે વરસની અપોઈન્ટમેન્ટ લે અને પાછા યુનિવર્સિટીમાં આવી જાય.  પ્રેસિડેન્ટ કેનેડીએ પ્રોફેસર જ્હોન કેનેથ ગાલ્બ્રેથને અમેરિકન એમ્બેસેડર થઈને ઇન્ડિયા જવાનું કહ્યું ત્યારે આ રીતે હાર્વર્ડમાંથી એ બે વરસની રજા લઈને ઇન્ડિયા આવ્યા હતા.  દરેક અમેરિકન પ્રેસિડેન્ટના ઇકોનોમિક એડવાઈજર્સ સામાન્ય રીતે યુનિવર્સિટી પ્રોફેસરો જ હોય છે.  એ બધા મોટે ભાગે વરસ બે વરસની રજા લઈને વોશીન્ગ્ટન જાય અને પાછા આવી જાય.  આવા બધા દાખલા દલીલ લઈને હું ડીનને મળવા ગયો હતો.  પણ એવું કૈં કહેવાની જરૂર ન પડી.  ડીન મારી વાત તરત સમજ્યા. મને હા પાડી, પણ મને ચેતવણી પણ આપી કે આનાથી  વધુ એક્સ્ટેંશન નહીં મળે.  જો હું આ પછી એક વરસમાં પાછો નહીં આવું તો મારો પીટ્સબર્ગનો જોબ જશે.  મેં હા પાડી અને કહ્યું કે હું એમની વાત સમજુ છું.  એમ પણ કહ્યું કે મારી ઈચ્છા તો અહીં પાછા આવવાની જ છે.  જુઓ, હજી પીટ્સબર્ગમાં મારું ઘર છે જ!

વોશીન્ગ્ટન પાછો આવી ઇન્સ્યુરન્સ ટેક્સેશનનો રીપોર્ટ તૈયાર કરવામાં લાગી ગયો.  બીજા છએક મહિના પછી રીપોર્ટ તૈયાર થયો.  કોંગ્રેસના સ્ટાફ અને મેમ્બર્સને આ રીપોર્ટ વિષે બ્રીફ કર્યા.  અમારા રિપોર્ટે જે સુધારાવધારા સૂચવ્યા હતાં તે જો કાયદામાં મૂકવામાં આવે તો સાતેક બિલીયન ડોલરનો વધુ ટેક્ષ ઇન્સ્યુરન્સ કંપનીઓએ આપવો પડે.  એ વાત એમને ગમી. એ બાબતના હિઅરિન્ગ્સ નક્કી થયા.  જીએઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મેં આ કોન્ગ્રેશનલ હિઅરિન્ગ્સમાં જઈને જુબાની આપી.  ઇન્શ્યુરન્સ કંપનીઓમાં મારી ખ્યાતિ પ્રસરી ગઈ કે ગાંધીથી ચેતતા રહેવું.  એણે તૈયાર કરેલા રિપોર્ટથી આપણે  હવે વધુ ટેક્સ આપવો પડશે. કોંગ્રેસમાં પણ કમિટી સ્ટાફના લોકોએ મને કહ્યું કે જે કામ તમે ઇન્સ્યુરન્સ કંપનીઓના ટેક્શેશન કર્યું એવું જ કામ ડીફેન્સ કોન્ટ્રેકટર્સ માટે કરો.  એ કંપનીઓ પણ પૂરતો ટેક્સ ભરતી નથી.  જીએઓના ઉચ્ચ અધિકારીઓ મારા કામનું મહત્ત્વ સમજ્યા. મને કહે કે તમને અમે અહીં ઊંચી કક્ષાનો જોબ આપવા માગીએ છીએ.  મને તો ભાવતું’તું ને વૈદ્યે કીધું.

જેવો જીએઓનો પરમેનન્ટ જોબ નક્કી થયો કે હું દોડીને પીટ્સબર્ગ ગયો. ડીનને મળ્યો, અને રાજીનામું આપ્યું.  કહ્યું કે વોશીન્ગ્ટનમાં ટેક્સેશનના ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ આવું અગત્યનું કામ કરવાની તક મને મળે છે તે મારાથી ન જવા દેવાય.  એમણે મારે માટે પીટ્સબર્ગમાં જે સગવડ કરી આપી હતી, એમની મારે માટે જે ભલમનસાઈ હતી તે માટે મેં એમનો આભાર માન્યો. હું પીટ્સબર્ગ યુનીવર્સીટી છોડતો હતો તે એમને ગમ્યું નહીં, પણ એ મારી વાત સમજી શક્યા. મારું રાજીનામું સ્વીકાર્યું. એમ પણ કહ્યું કે ભવિષ્યમાં વોશીન્ગ્ટન ન ફાવ્યું અને એકેડેમિક દુનિયામાં પાછું આવવું હોય તો મને જણાવવું!

સીનિયર  ફેકલ્ટી મેમ્બર્સ જે નાકનું ટેરવું ઉપર ચડાવીને ફરતા અને મારા જેવા નવા સવાની સામે જોતા પણ નહીં, તે એકાએક મારી સાથે વિવેકથી વાતો કરવા મંડ્યા, મારા ખબરઅંતર પૂછતા થઇ ગયાં!  એમ પણ મને કહ્યું કે વોશીન્ગ્ટનના મારા  કામકાજમાં એમની જો મદદ પડી તો જરૂર જણાવવું! એ લોકો તો માની જ ન શક્યા કે હું વોશીન્ગ્ટનમાં જઈને આવું અગત્યનું કામ કરી શક્યો અને જીએઓમાં ઉચ્ચ કક્ષાનો જોબ મેળવી શક્યો. નવા ફેકલ્ટી મેમ્બર્સ જે મારી સાથે યુનિવર્સિટીમાં જોડાયેલા તેમાંથી ઘણાએ મને ખાનગીમાં કહ્યું પણ ખરું કે એમને માટે પણ જો વોશીન્ગ્ટનમાં કોઈ વ્યવસ્થા થઈ શકે તો જરૂર કરવી!

વોશીન્ગ્ટનમાં પરમેનન્ટ જોબ મળ્યો એનો અર્થ એ થયો કે મારે હવે પીટ્સબર્ગનું ઘર જે ભાડે આપ્યું હતું તે વેચીને વોશીન્ગ્ટનમાં ઘર લેવું જોઈએ.  છેલ્લાં બે વરસથી વોશીન્ગ્ટનમાં અમે ભાડાના અપાર્ટમેન્ટમાં રહેતા હતાં.  પીટ્સબર્ગના ઘરમાં જે રહ્યો સહ્યો સામાન હતો તે વળી પાછો યુ હોલના મોટા વેગનમાં ભર્યો. ઘર વેચવા મૂક્યું. પીટ્સબર્ગને બાય બાય કરી, અમે વોશીન્ગ્ટન ભણી વેગન ચલાવ્યું.

4 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૭-જીએઓમાં પરમેનન્ટ જોબ મળ્યો

 1. આ બધું વાંચીને મને પુજ્ય નટવરભાઇ માટે અનહદ માન અને શ્રદ્ધા જન્મ્યા. આ માણસે જે ઉંચાઇઓ સર્જી અને ખરેખર ભારતમાતાનું નામ રોશન કર્યું છે. આજના નેતાઓ અને કહેવાતા સ્કોલરો કેટલા વામણા લાગે છે આ મહામાનવ સામે !
  કાશ ! નટવરભાઈ ક્યારેક હ્યુસ્ટન આવે અને હું તેમના ચરણને સ્પર્શ કરી શકું !
  આપણે તો જિન્દગી વેડફી જ નાંખી છે.
  – નવીન બેન્કર-

  Like

 2. આ બધું વાંચીને મને પુજ્ય નટવરભાઇ માટે અનહદ માન અને શ્રદ્ધા જન્મ્યા. આ માણસે જે ઉંચાઇઓ સર્જી અને ખરેખર ભારતમાતાનું નામ રોશન કર્યું છે. આજના નેતાઓ અને કહેવાતા સ્કોલરો કેટલા વામણા લાગે છે આ મહામાનવ સામે !

  મને તો આ વાક્ય ગમ્યું ‘ઇન્શ્યુરન્સ કંપનીઓમાં મારી ખ્યાતિ પ્રસરી ગઈ કે ગાંધીથી ચેતતા રહેવું. ‘ અને ખરેખર છે કે તમારા થકી જે વોશિંગ્ટન Bankrupt થવા જેવું હતું તે surplus થઈ ગયું..

  કાશ.. તમારા જેવા ૮- ૧૦ વ્યક્તિઓ જો ભારતને મળે તો ભારતનું ભલું થઈ જાય, પણ એવું ન થાય કારણકે આજના રાજકારણીઓ બધાયને પુંઠે લાત મારીને તગેડી મુકે…

  Like

 3. PUJAY SHRI NATVAR BHAI NE DHANYVAD, WRITE CLEAR PICTURE OF THEIR LIFE, NEW COMER FROM INDIA SHOULD BE MUST READ, HOW ,DIFICULTY SUFFER IN STARTING, THAN LIVE LIKE A LION. AT PRESENT NEW COMER WANT MILLIONER ON NEXT WEEK, AND APPLY ILIEGLE STEP, LIKE THEY LIVE IN INDIA. SHRI DAVDA ,SAHEB ABEHUB AND LEARNING ARTICLE APO CHO, ABHAR, VACHVANI AND JANVANI MAJA AVECHE, BABU SUTHAR NA ARTICLE IS EXCELLENT SHRI NATVAR GANDHI 1-38 CHAPTOR READ . EXCELLENT.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s