જ્યોતિ ભટ્ટની ધરોહર-૮ (પ્રિન્ટ-મેકિંગ-લેખક શ્રી જ્યોતિ ભટ્ટ)


 (પ્રિન્ટ-મેકિંગ વિષય ઉપર આંતરરાષ્ટ્રીય માન્યતા પામેલા નિષ્ણાત દ્વારા લખાયલા આ લેખને આંગણાંમાં પ્રસિધ્ધ કરવાનું સદભાગ્ય મને મળ્યું છે એનો મને ગર્વ છે-પી. કે. દાવડા-સંપાદક)

પ્રિન્ટ-મેકિંગ

આ લખાણ ‘છાપ’ નામે જાણીતી કળાકૃતિ બનાવવા માટે ઉપયોગી થાય -Mannual બની રહે તેવી માહિતી આપવા માટે નથી. બલ્કે ‘છાપ’ નામના કળાપ્રકાર અંગે લોકોનાં મનમાં રહેલી અવઢવ કે ભૂલ ભરેલી છાપ દૂર કરી તેનાં પોતીકાં સૌન્દર્યનો પરિચય કરાવવાનો માત્ર એક પ્રયત્ન છે. છાપ માટે છાપકળા, મુદ્રણક્ષમકળા ઈ. નામો પણ પ્રયોજાયાં છે. મોહનજો ડેરો કાળનાં પકવેલી માટીનાં ‘સીલ’ તથા મૌર્ય રાજાઓના સમયથી બનવા લાગેલા સિક્કાઓને પણ છાપ કહી શકાય. પરંતુ એક આગવા, કળાભિવ્યક્તિનાં માધ્યમ તરીકે ભારતમાં તેનો સ્વીકાર લગભગ સો વર્ષથી થયો છે.

  

Clay Seal from Mohen jo daro    &    A coin depicting Chandragupta and Kumaradevi

Bronze sculpture of Natraj

ધાતુની મૂર્તિને આરસ કે લાકડાની જેમ કોતરીને બનાવી શકાતી નથી. તે બનાવવા,  પહેલા માટી કે મીણમાં ઘાટ ઘડી, તેનું પોલું બિબું બનાવવું પડે. પછી ધાતુને ઓગાળી, રસ બનાવી તે બિબાનાં પોલાણમાં ઢાળવી પડે. તે ઠર્યા પછી કાપકૂપ જેવી જરૂરી મરમ્મત  કરવી પડે. આવી મૂર્તિને પણ એક અર્થમાં ‘૩-D’ છાપ કહી શકાય. Original Print – ‘મૌલિક છાપ’ તરીકે ઓળખાતા આ કળાપ્રકાર માટે પણ કળાકાર જાતે એક ચપટું બિબું –metrix- તૈયાર કરે છે. પછી તેની ઉપર શાહી લગાડી કાગળ પર તેની છાપ લેવામાં આવે છે. એકથી વધુ રંગો હોય તો દરેક રંગ દીઠ જુદાં જુદાં બિબાં (metrix) કોતરવા પડે છે. જો કે, એ તૈયાર કરવાની વિવિધ રીતો અજમાવાતી હોઈ દરેક માટે ‘કોતરવું’  ક્રિયાપદ વાપરી શકાય નહીં. પણ અત્રે એવી વિગત સમાવવી જરૂરી નથી માન્યું.  ચિત્ર -painting- એ સીધી આગળ વધતી પ્રક્રિયા છે જેમાં ચિત્રકાર અંત સુધી સુધારા, વધારા કરી શકે છે. જ્યારે, છાપ બે તબક્કે બનતું કળા સ્વરૂપ છે. લાકડું, ધાતુ કે તેવા અન્ય પદાર્થની સપાટી પર બિબું બનાવ્યા પછી બીજી સપાટી –મોટા ભાગે કાગળ- પર તેની છાપ લેવાય છે. કળાકાર આ બન્ને તબક્કે તેમાં જરૂરી સુધારા –improvisation- પણ કરે છે. Metrix સ્વરૂપે તૈયાર કરલી આકૃતિમાં છાપતી વેળાં ફેરફાર કરાતા નથી. આને કારણે તેની બધી છાપોમાં સમાનતાં જળવાય છે.

ઊંચી ગુણવત્તા ધરાવતું ન હોય તો પણ એક અર્થમાં ચિત્ર અદ્વિતીય- unique કૃતિ ગણાય છે. જ્યારે છાપ લેવા માટે બનાવેલ સ્વરૂપની એકથી વધુ પ્રતો થઇ શકે છે. આ કારણે પ્રતો એ છાપનું એક મહત્વનું લક્ષણ બની રહ્યું છે. અને, અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે કળા-બજારમાં ચિત્રની તુલનામાં છાપની પ્રત દીઠ કિંમત ઓછી હોય છે. કળાજગતમાં છાપને “ Art for people with less money but higher taste”  એવું સન્માન પણ અપાયું છે.

હવામાનમાં ફેલાતાં રહેલાં પ્રદુષણોથી મુક્ત રહેવું જેમ લગભગ અશક્ય છે તેમ કળા-બજારની પકડથી મુક્ત કે દૂર રહેવું કળા તથા કળાકાર બંને માટે જરૂરી હોવા છતાં અસંભવ બની ગયું છે. આઈ-ફોન, મોંઘા કેમેરા, આભૂષણો તથા મોટરકાર જેવાં ઉપકરણો વસાવેલ લોકો એવી માનસિકતા નથી ધરાવતા કે અન્ય લોકો પાસે પણ તેવાં સર-સાધનો હોય છે તેથી “અમને તે ન ખપે”.  પરંતુ છાપ માટે “મારી પાસે છે તેવી કળાકૃતિ અન્ય કોઈ પાસે પણ હોઈ શકે” તે પરિસ્થિતિ ઘણા કળારસિક ભારતીયોને છાપથી દૂર રાખે છે. આવાં કારણે કળાકારો છાપની પ્રતસંખ્યા બહુ સીમિત રાખે છે અને પરિણામે કિંમત જરા ઊંચી રાખવા મજબૂર બને છે. (આ   વિષચક્રનો ઉપાય મળતો ન હોવાથી કેટલાક ઉત્તમ ભારતીય છાપ-કળાકારો ચિત્રો કરવા લાગી ગયા છે.) છાપ નીચે પેન્સિલથી આવૃત્તિનો ક્રમાંક લખવાની પ્રથા પણ અમલમાં આવી છે. દા.ત: ૫/૨૦ લખ્યું હોય તેનો અર્થ એવો થાય કે આ છાપની  વીસ પ્રતોમાંથી આનો નંબર પાંચમો છે. પુસ્તકની જેટલી વધારે આવૃતિઓ છપાય તેટલી તેની અને તેના લેખકની પ્રતિષ્ઠા અને કૃતિની માંગ વધે. પણ કોઈ કળાકાર છાપની બધી પ્રતો વેચવા ભાગ્યશાળી નીવડે તો પછી ફરીથી એને ન છાપી શકે તે માટે તેનું બિબું વિકૃત કરાવી દેવાની પ્રથા ઘણા કળાવિતરકોએ અપનાવી છે. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો !!! આવું શા માટે?

છાપની પ્રત માટે વપરાતો શબ્દ ‘નકલ’ -copy- ગેરસમજ પેદા કરે છે. imitation એ અર્થમાં છાપ કોઈ અન્ય કળાકૃતિની નકલ નથી. સામાન્ય રીતે છાપ કાગળ ઉપર લેવાતી હોય છે અને, તેનું માપ નાનું હોય છે. અરીસાનાં પ્રતિબિંબ જેમ તે અવળી બની જતી હોય છે. આથી તેવું ન થાય તે માટે  કળાકારે બિબું જ અવળું બનાવવું પડે છે. ભારતમાં લાકડાનાં બિબા વડે કાપડ ઉપર વેલ બુટ્ટા છાપવાની પ્રથા બહુ પુરાણી છે. છાપ માટે બનાવેલ લાકડાના બિબાં માટે ‘બ્લોક’ નામ વપરાય છે.

                       

Wood cut by Antonio frasconi               Wood cut by Edward Munch

                                                         Wood Cut by M.C.Escher

૧૮૩૯માં ફોટોગ્રાફીની શોધ થયા પછી ગણત્રીના મહિનાઓમાં છાપકામના દરેક પ્રકારમાં પણ તેનો ઉપયોગ વધતો ચાલ્યો. પણ તે પહેલા બૌધ તથા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ બુદ્ધના સ્વરૂપોની કે ઈશુ તથા મેરીની છબી જેવી છાપ ઘરમાં અને યાત્રા, પ્રવાસ દરમ્યાન સાથે રાખતા હતા. આવી છાપો લાકડા પર કોતરેલી આકૃતિઓ પરથી લેવાતી હતી. મુખ્ય હેતુ ભક્તિભાવના સતેજ રાખવાનો હોઈ મોટાભાગે તેનાં સ્વરૂપોમાં સાદગી જોવાં મળતી હતી . નવજાગરણ કાળ પછી  યુરોપના મધ્યમ વર્ગના લોકોમાં અક્ષરજ્ઞાન, કળાભિરુચિ તથા ધન-સંપત્તિ વધ્યાં. રાજમહેલો તથા મ્યુઝીયમોમાં સંગ્રહાયેલી –મોનાલીઝા જેવી- વિખ્યાત કૃતિઓ વસાવીને સામાન્ય લોકો હંમેશ માણી શકે તે માટે કળાવિતરકો તેવી વિખ્યાત કૃતિઓની છાપ બનાવરાવી વેચતાં હતા. મૂળ કૃતિની, (રંગો સિવાયની) બધી જ વિગતો જળવાઈ રહે તેનો પૂરો ખ્યાલ રખાતો. આવી છાપ પ્રતિકૃતિ –reproduction- કહેવાતી. હસ્તકૌશલ્ય પર પ્રભુત્વ ધરાવતા કારીગરો આ માટે ધાતુના પતરાં ઉપર બારીક  કોતરણી કરતા. લાકડાનાં બ્લોક કાપવાની રીતથી જુદી આ પ્રક્રિયા ‘engraving’ નામે જાણીતી છે. ખાસ પ્રકારના લાકડા ઉપર પણ બારીક કોતરણી કરી છાપ લેવાતી હતી. આવી છાપોમાં બારીક વિગતો પણ લાવી શકાતી હોઈ તેને મહત્વ અપાતું હોય છે. લાકડાનાં બ્લોકની સપાટી પર (રબર સ્ટેંપ જેમ) શાહી લગાડીને છાપ લેવાતી. પરંતુ ધાતુના પતરા પર કોતરેલ આકૃતિની છાપ લેવા માટે કોતરણીની અંદર શાહી ભરી દઈ, ઉપરની સપાટી સાફ કર્યા પછી ખૂબ દબાણ આપતા એક સંચા -press- વડે, ભીના, પોચા કાગળ પર ઉઠાવી લેવાય છે. કરન્સી નોટ, દસ્તાવેજ માટેના સરકારી કાગળો તથા કેટલીક ટપાલ ટિકીટો intaglio નામે ઓળખાતી આ પ્રકારની છાપના સામાન્ય અને જાણીતા નમૂના છે. આ માટે બનાવેલ બિબું, પ્લેઈટ –plate- કહેવાય છે. પહેલા તો પ્લેઈટને ઓજારો વડે કોતરવી પડતી હતી પણ પછી તેને તેજાબ -એસીડ- વડે કોતરવાની રીતો વિકસી. મુખ્યત્વે એચિંગ –etching- કહેવાતી આ રીતમાં જુદી જુદી દશ્ય ખાસિયતો ધરાવતા પેટાવિભાગો પણ વિકસ્યા છે.

                                

Wood engraving by Albert Durer                               Etching by Jyoti     Bhatt

સમય જતા લિથોગ્રાફીની શોધ થઇ. પૂર્વોક્ત બે પ્રકારોથી જુદા અને અમુક અંશે સરળ આ પ્રકારમાં બીબાંની ભૌતિક નહીં પરંતુ રાસાયણિક લાક્ષણિકતાનું મહત્વ છે. લાકડા કે ધાતુને સ્થાને ખાસ પ્રકારના પત્થર (litho) ઉપયોગમાં લેવાતો હોય છે. તેમાં પત્થરની સપાટી પર આકૃતિ કોતરાતી નથી પણ તેની સપાટી પર તૈલી -greesy- શાહી વડે આકૃતિ દોરવામાં આવે છે. આ શાહી સપાટીમાં ચૂસાઈ જાય છે. તેની છાપ લેવા માટે તેલ અને પાણીની દુશ્મનાવટ જેવી ખાસિયત નો લાભ લેવાય છે. છાપતી સમયે સપાટી પર પાણી લગાડાય છે પણ જ્યાં ‘ગ્રીઝ’ હોય ત્યાં પાણી લાગતું નથી. તે પછી ભીની સપાટી પર શાહી લગાડે ત્યારે પાણી હોય ત્યાં તેલ ધરાવતી શાહી ન લાગે. આમ આકૃતિની, માત્ર તેના શાહી લાગેલ ભાગ છાપ રૂપે મળે છે. ગુજરાતીમાં એને ‘શીલાછાપ’ નામ અપાયું છે. પેન્સિલ, પેન કે ક્રેયોનથી દોરેલા જણાતાં રેખાંકનો તેવાંને તેવાં, બદલાયાં વિનાનાં સ્વરૂપે છાપી શકાતા હોઈ આ પ્રકાર ઘણો લોકપ્રિય બની ગયેલો. લીથોગ્રાફીમાં પણ છાપ અવળી તો થઇ જતી હોય છે. (જો કે, તેનું પણ નિવારણ શોધી કઢાયું છે.) રાજા રવિવર્માના મોટાં તૈલચિત્રો પરથી બનાવાયેલી શિલાછાપો લાખો ભારતીયોના ઘરોમાં આજે પણ જોવાં મળે છે. તે સમયે ખૂબ સસ્તી તે છાપો આજે મોંઘા ‘એન્ટીક’ ગણાય છે. ટેકનોલોજીમાં સતત થતાં રહેલા વિકાસને સમાવીને આજે આ પ્રકાર અખબારો, સામાયિકો, પુસ્તકો તથા કાગળ પર છપાયેલાં અનેક સ્વરૂપો માટે વપરાય છે. રોજબરોજના ઉપયોગમાં વપરાતાં છાપકામ માટે ઔદ્યોગિક સ્તરે હવે ફોટોગ્રાફી તથા ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ પણ વધ્યો છે. આની સાથે મૂળ નામ –લીથો- જોડાયેલ રહ્યું છે પરંતુ પત્થર ને સ્થાને ધાતુ , પ્લાસ્ટિક ઈ, વપરાવા લાગ્યા છે.

                                       

Wood Engraving from Ravi Varma’s painting      Lithograph from Ravi Varma’s                                                                                                          painting

serigraphy અથવા screen-printing નામે ઓળખાતો ચોથો પ્રકાર પણ છાપકામ ક્ષેત્રે ખૂબ પ્રચલિત થયો છે. ભરત કામ માટે જાતે વેલ બુટ્ટા દોરી ન શકતી મહિલાઓ બટર પેપર પર ટ્રેસ કરેલા રેખાંકનપર સોય વડે નાનાં છિદ્રો કરી સ્ટેન્સિલ બનાવે છે. તેને કપડાં ઉપર મૂકી તેની પર રંગ ઘસવાથી છિદ્રોમાંથી પસાર થઇ તેની છાપ કાપડ પર અંકાઈ જાય છે. રંગોળી માટે, ખાસ કરીને વૈષ્ણવ મંદિરોમાં ‘સાંઝી’ નામે જાણીતા પ્રકારમાં આવાં કાગળ કાપીને બનાવેલાં ‘સ્ટેન્સિલ’ વપરાય છે. અન્ય બધા પ્રકારોમાં થાય છે તેમ આમાં છાપ અવળી થતી નથી પરંતુ સવળી જ મળે છે. કાચના બરણી જેવાં વાસણો તથા ‘ક્રોકરી’ જેવી વર્તુલાકાર વસ્તુઓ ઉપર છાપ માટે પણ આ પ્રકાર ઉપયોગમાં લેવાય છે. અન્ય પ્રકારોમાં વપરાતી શાહીની તુલનામાં સ્ક્રીનપ્રિન્ટમાં  શાહીનું વૈવિધ્ય તેમજ તેની મોજુદી ધ્યાન-આકર્ષક બની રહે છે. સુતરાવ, રેશમી અને નાઈલોનનાં કાપડમાં પોત –texture- નું જે સ્થાન અને મહત્વ છે તે પ્રમાણે છાપ માટે ઉપયોગમાં લેવાતા રંગો તથા શાહીનું પણ સ્થાન છે.

                      

Stencil for Rangoli                                          Screen Print  by  Jyoti Bhatt

ઔદ્યોગિક તથા યાંત્રિક સ્તરે થયેલ વિકાસના કારણે કલાકારના હસ્ત-કૌશલ્યની હવે રોજબરોજના વ્યવહારિક ઉપયોગ સાથે સંકળાયેલ છાપકામ માટે જરૂરિયાત રહી નથી. એક સમયે ધનુષ્ય બાણ, તલવાર તથા ભાલા જેવાં હથીયારો સ્વરક્ષણ તથા યુદ્ધો માટે અત્યંત ઉપયોગી હતા. આજે તેનું મહત્વ રહ્યું નથી. છતાં, ઓલમ્પિક રમતો અને સ્પર્ધાઓમાં તે બધું તેમજ લાંબો અને ઊંચો કૂદકો જેવી અનેક બાબતોને પ્રતિષ્ઠાભર્યું સ્થાન અપાતું રહ્યું છે. માત્ર ખેલાડીઓ જ નહિ, પ્રેક્ષકો પણ તેનો ભરપૂર આનંદ માણે છે. સંગીતનું ઉત્તમ ટેકનોલોજી વડે રેકોર્ડીંગ થાય છે અને તેવાં જ ‘હાઈ-ફાય’ સાધનો દ્વારા તે ઘેર બેઠાં સાંભળી શકાય છે. પરંતુ સંગીતનાં જાણકાર રસિયાઓ ‘લાઈવ કોન્સર્ટ’માં જઈ તેના શ્રવણનો આનંદ મેળવવાની તક ચૂકતા નથી. આવું જ છાપ અંગે પણ કહી શકાય. પ્રતિકૃતિ માટે હવે એ કળા લગભગ અર્થહીન બની ચૂકી હોઈ તેના આગવા સૌન્દર્યને મહત્વ આપી નીજી અભિવ્યક્તિ માટે તેનો ઉપયોગ કરવાનો અવસર અને સમય કળાકારોને મળ્યા છે. તે ઝડપી લઇ, તેને ફરજ માનીને બજાવી રહ્યા છે. અંગ્રેજી, sms તથા ઈમોજી હવે નવી, વિશ્વભાષા બની હોવા છતાં કવિઓ અને સાહિત્યકારો શબ્દો અને લિપિથી થતી અભિવ્યક્તિને વળગી રહ્યા છે. એવું જ સાહસ અને કાર્ય છાપ બનાવતા છાપગર કળાકારો પણ કરી રહ્યા છે.

છાપ એ મૌલિક original કળા સ્વરૂપ છે. અન્ય કળાકારે કે પોતે જ બનાવેલી કોઈ કૃતિની નકલ કે પ્રતિ કૃતિ નથી. છાપ માટે બિબું બનાવવાથી માડીં આખરી તબક્કા દરમ્યાન ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી તથા પ્રક્રિયાઓની ખૂબીઓ તથા તેના અનોખાં દશ્યસૌન્દર્યને નીખારીને છાપ સ્વરૂપે નવી કૃતિનું સર્જન કરે છે.

છાપ બનાવવા માટે સામાન્ય રીતે એક બીજાથી જુદી આગવી ખાસિયતો ધરાવતા પૂર્વોક્ત ચાર માધ્યમો ઉપયોગમાં લેવાય છે. અને, એ ખાસ ધ્યાનમાં રખાય છે કે છાપના આખરી સ્વરૂપમાં તેના માધ્યમની ખૂબીઓ જળવાઈ રહે. તાંબુ, પિત્તળ, રૂપું તથા સોનું આ ચારેય ધાતુ તો છે જ પરંતુ અન્ય તેમજ એકબીજાથી જુદી લાક્ષણિકતાઓ ધરાવે છે. આપણે તે પારખી પણ શકીએ છીએ. છાપ બનાવનાર, રેખા, આકાર, શાહી કે રંગોના પ્રકારો જેવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને પોતાની કૃતિનું સર્જન કરે છે. કોઈ પુસ્તક કે સામાયિકમાં તેમજ કમ્પ્યુટરનાં મોનીટર પર જોવાથી તેની અમૂક ખાસિયતો જ જોઈ શકાય પણ ઘણી દૂર રહી જાય. પોતાની  પ્રિય બંગાળી મીઠાઈ સંદેશ’અંગે રવીન્દ્રનાથની સલાહ યાદ રાખવી જરૂરી છે. તેમણે કહેલું કે સંદેશનો ખરો સ્વાદ તેને ખાઈને જ માણી શકાય.

જ્યોતિ ભટ્ટ   ( જુલાઈ,૨૦૧૮)

                                           Etching by Pablo Picaso                                  Lithograph  by  M.C.Escher

                                                 Monalisa –  Screen print                                 Monalisa – Lithograph

Monalisa – Wood cut

Monalisa – Metal Engraving

 

 

 

 

1 thought on “જ્યોતિ ભટ્ટની ધરોહર-૮ (પ્રિન્ટ-મેકિંગ-લેખક શ્રી જ્યોતિ ભટ્ટ)

  1. પ્રિન્ટ-મેકિંગ વિષય ઉપર આંતરરાષ્ટ્રીય માન્યતા પામેલા નિષ્ણાત દ્વારા લખાયલા અદ ભૂત લેખ
    વારંવાર માણી આનંદ
    ધન્યવાદ મા દાવડાજી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s