સહનશીલતા (ડો. પ્રતાપભાઈ પંડ્યા)


(ગુજરાતભરમાં અને અમેરિકાના કેટલાક શહેરોમાં પુસ્તક પરબના પ્રણેતા, સમાજ સેવક અને શિક્ષણવિદ ડો. પ્રતાપભાઈ પંડ્યાનો એક મનનીય લેખ)

સહનશીલતા

જગતમાં જાતજાતના લોકો વસે છે. આપણને આપણા વ્યાવસાય કે નોકરી અંગે અનેકના પરિચયમાં આવવાનું બને છે. ભિન્ન ભિન્ન પ્રકારના, ભિન્ન ભિન્ન સવભાવના માનવીઓ સાથે કામ પાડવાના પ્રસંગે, તેમજ આપણા કૌઉંબિક જીવનમાં એકરાગથી રહેવા માટે અન્ય ગુણોની સાથે સહનશીલ બનવાનો ગુણ ખીલવવો ખૂબ જરૂરી છે.

સહનશીલ માનવીની વ્યાખ્યા કરવાની હોય તો તે મુજબ કરી શકાય. સુખદુખ, માનઅપમાન, લાભનુકશાન, અને પ્રસંશાનિંદાના સમયે જે માનવી એક સરખી સ્થિતિમાં રહે, એટલું નહીં પણ આપત્તિના વિકટ સમયમાં પણ આનંદમાં રહે માણસ સહનશીલ છે. સુખમાં છકે નહીં, દુખમાં રડે નહીં એની સાદી વ્યાખ્યા છે.

આજે સમાજમાં દુઃખ નથી વધ્યાં, પ્રશ્નો નથી વધ્યા પરંતુ સહનશક્તિ ઘટી છે. પરિણામે દુઃખ અને પ્રશ્નો વધુ લાગે છે. આપણો અભિમાની સ્વભાવ, સહનશીલતા કેળવવા દેતો નથી. આપણું ગમતું, રસ-રુચિ, આપણું કૂંડાળું વગેરે છોડવા નથી. કોઈ આપણું અપમાન કરે અથવા આપણા દોષોને દેખાડે તો તે સહન કરવું નથી. વિપરીત વિચારવાળાને સ્વીકારવા નથી, અને ગમ ખાતા શીખવું નથી. આ ચાર વાત સહનશીલતાના અભાવ માટે કારણભૂત છે.

સુખમાં સૌ કોઈ એવું સમજતા હોય કે આપણે આપણી સંપત્તિ અને સંતાનો સાથે આનંદ માણીએ છીએ એમાં સહન કરવાનું શું હોય? મારો અનુભવ એવો છે કે સુખમાં છકી જવા માટે સંયમ રાખવો પણ સહનશીલતાનો એક ભાગ છે. અહંકાર માણસ માત્રનો જન્મજાત સ્વભાવ છે. એને કાબુમાં રાખવા, દરેક વખતે વિવેક અને નમ્રતા જાળવી રાખવા અને સ્થિતપ્રજ્ઞ રહેવા સહનશીલતાનો ગુણ ખૂબ ઉપયોગી થાય છે. અનેક પ્રકારની સમસ્યાઓમાં ભાંગી પડીએ, હિંમત હારી જઈયે માટે સહનશીલતા કેળવવી સૌથી સારો ઉપાય છે. મનને મજબૂત રાખવામાં સહનશીલતા કામ આવે છે. અડગ મન સહનશક્તિનું બીજું સ્વરૂપ છે, જે માનવીના આચરણમાં થતા અનિચ્છનીય ફેરફારને રોકે છે.

સહનશીલતા કેળવવી હશે તો કંઇક ભૂલવાની, કંઇક છોડવાની, કંઇક ખમવાની, કંઇક હશે જવા દો ની ભાવના તો કેળવવી પડશે. ‘Let go’ કરવું એટલે કે જતું કરતાં શીખવું પડશે.  કોઇનાથી કંઇક ભૂલ થઇ, કોઇકે આપણને બે શબ્દો કહ્યા, કોઇકે આપણને આપેલું વચન પાળ્યું નહી, ત્યારે હશે, ભૂલ થઇ જાય, એમાં શું ?” બે શબ્દો “એમાં શું?” માં ગજબનો જાદુ છે.

સહનશીલતા ઉદારતા અને ક્ષમાની સગી બહેન છે. માણસને માણસની જેમ જીવવા માટે ક્ષમા અને ઉદારતાની સાથે સહન કરી લેવાની વૃત્તિ હોવી પણ જરૂરી છે. પરિવાર, સગા અને મિત્રો અલગ અલગ વિચાર અને પ્રકૃતિવાળા હોય છે. દરેકના સારાનરસાના માપદંડ જૂદા જૂદા હોય છે. સૌને પોતાના કરીને પ્રસન્નતા મેળવવી હોય તો કોઈ સરખામણી કર્યા વિના, બધાનો જેવા છે એવા સ્વરૂપમાં સ્વીકાર કરી લેવા જરૂરી છે. સાચા માણસને પ્રોત્સાહન આપી, આપણ અહંમને કાબુમાં રાખી જો બધા સાથે વાતો અને વ્યહવારમાં હળવા થઈને રહીએ તો આપણું જીવન સાર્થક કરવામાં વધારે સફળ થઈ શકીયે.

મને ખબર છે કે કહેવું સહેલું છે પણ આચરણમાં મૂકવું ખૂબ અઘરૂં છે. પણ ધીરે ધીરે સહનશીલતાની વૃત્તિ ખીલવતા રહીએ તો સારૂં પરિણામ આવે છે.

વાતવાતમાં ક્રોધ કરવો, બીજાને ઉતારી પાડવા, પોતાનો કક્કો ખરો સાબિત કરવાની મિથ્યા પ્રવૃત્તિથી દૂર રહી, ટીકાખોર સ્વભાવને નાથીને સહનશીલતા કેળવી જીવન જીવવાની શરૂઆત કરી દઈએ, તો લાંબા ગાળે પ્રસન્નતાભર્યું જીવન જીવવાની તક અવશ્ય મળે છે. માણસ તરીકે જન્મ લીધા પછી જો આપણે માણસ તરીકે મરવું હોય તો સહનશીલતા એક ઉત્તમ ઔષધ છે. સહનશીલતા એ જીવનઘડતરનો અમૂલ્ય ગુણ છે.

4 thoughts on “સહનશીલતા (ડો. પ્રતાપભાઈ પંડ્યા)

 1. સરસ લેખ. ઉત્તરાધ્યાન સૂત્રમાં મહાવીર સ્વામીએ સહનશીલતા વિશે ખૂબ ઉંડાણપૂર્વક કીધું છે.

  તેઓએ દુનિયાના ઇતિહાસમાં જાતે વૈરાગ્ય ધારણ કરીને સતત બાર વરસ સુધી ભૂખ, તરસથી લઇને ક્ષણે ક્ષણ આવી પડતી બધી જ પરિસ્થિતિમાં સહનશીલ થઇને પોતાના

  અંતરંગ શત્રુ (ક્રોધ, માન, માયા, લોભ) પર વિજય પ્રાપ્ત કરેલો અને ત્યાર પછી જે સ્ફૂર્યું તેને કેવળજ્ઞાન કહે છે અને તેમણે શિષ્યોને ઉપદેશ કરેલો તે ઉત્તરાધ્યાનસૂત્રમાં આલેખાયેલું છે.
  ભગવાન મહાવીર સ્વામીએ સહનશીલતાનો ગુણ કેળવવા છ અભ્યંતર અને છ બાહ્ય એમ બાર પ્રકારના તપનો અનુરોધ કરેલો. કમનસીબે છ બાહ્ય તપની જૈનોમાં એટલી બધી બોલબાલા વધી ગઇ કે છ અભ્યંતર તપ વિશે ઘણું ઓછું વંચાય, ચર્ચાય છે.આપનો લેખ વાંચીને ફરીથી ઉત્તરાધ્યાન સૂત્ર વાંચવાને મન લલચાય છે. ઘણી યાદો તાજી થઇ ગઇ. આપનો ખૂબ ખૂબ આભાર.

  Liked by 1 person

 2. મા ડો. પ્રતાપભાઈ પંડ્યાનો મનનીય લેખ
  ‘આપણું ગમતું, રસ-રુચિ, આપણું કૂંડાળું વગેરે છોડવા નથી. ….આ ચાર વાત સહનશીલતાના અભાવ માટે કારણભૂત છે.’ સુંદર વાત
  ત્યારે બીજી તરફ સહનશીલતાને નામે કાયરતાને નભાવે છે, અરાજકતાને પોષે છે. ક્ષમા અને સહનશીલતા, ગુણને બદલે નબળાઈ બની જાય છે.આમાં ‘ક્ષમા’ અને ‘બદલો’, એ બન્ને કરતાં યોગ્ય ન્યાય થવો વધારે અગત્યનું અને જરુરી છે.તેવું સાચા અર્થમાં ક્ષમા માંગવી અને આપવી બન્ને કામ અઘરાં છે. ક્ષમા માંગવામાં અહમ્ આડો આવે છે, જ્યારે ક્ષમા આપવામાં ન્યાય ન થયાનો અફસોસ રહે છે. સાચી ક્ષમા માંગવી હોય તો પોતાના સાચાપણાનો આગ્રહને જતો કરવો પડે છે. સાચી ક્ષમા આપવામાં માંગનારની શરણાગતી નહીં; પણ નમ્રતા જોવાની છે.

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s