પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૭-મુસાફિર હું યારો


(આવતા ગુરૂવારે કથાનો અંત વાંચવાનું ભૂલતા નહીં. ૨૮ અઠવાડિયાની ઈંતેજારીનો રોમાંચક અંત!!!-સંપાદક)

મુસાફિર હું યારો

શીના અને સેમના ઓચિંતા આગમને આખાયે વાતાવરણમાં નવી ઊર્જાનો સંચાર કરી દીધો. અમારી વચ્ચે આટલા વર્ષો વિતી ગયા છે, હું એ પણ ભૂલી ગઈ! પળવાર માટે ફિલાડેલ્ફિયાની યુનિવર્સીટીના કેમ્પસ પરની ૨૧-૨૨ વરસની થનગનતી યુવતી બની ગઈ! એ બેઉ અંદર આવે એ પહેલાં જ હું એમને ભેટી પડી! સેમ અને શીનાએ પણ સામે એટલા જ ભાવથી હગ કરી. બેચાર પળ પછી અમે સ્વસ્થ થયા અને એમને આવકાર આપતાં અંગ્રેજીમાં કહ્યું “કમ ઈન શીના એન્ડ સેમ. બી કમ્ફર્ટેબલ. કન્સીડર ધીસ એસ યોર હોમ ઓન્લી!” બેઉ સોફા પર બેઠાં.

“લેટ મી ઈન્ટ્રોડ્યુસ યુ ટુ માય ફેમિલી. તમારી ઓળખાણ કરાવું. આ છે મારા ખાસ ફ્રેન્ડસ, ફિલૉસૉફર અને ગાઈડ રવિ અને ઋચા. અને, આ છે સીતા, અમારા પાર્વતીમાસીની દીકરી. એ અહીં મારી અને આખા ઘરની સંભાળ લે છે.” મને આટલી ખુશખુશાલ જોઈને, રવિ અને ઋચાના મોઢા પર પણ ઉત્સાહ આવી ગયો હતો. સીતા પણ મરકમરક થતી એમની બેગ ઊંચકવા ગઈ તો સેમ તરત જ સોફા પરથી ઊભો થઈ ગયો અને કહે, “નો, ડોન્ટ વરી. આઈ વીલ કેરી ઈટ!” અને, પછી મને ઈંગ્લીશમાં પૂછ્યું, “ક્યાં મૂકવાની છે આ બેગ, ટેલ મી.” સીતા આટલા બધા સ્ત્રી દાક્ષિણ્યની આદી નહોતી! એ થોડી છોભીલી પડીને પાછી હટી ગઈ. હું હસીને બોલી, “સીતાને બેગ લઈ જવા દે સેમ. તું એને ગભરાવી રહ્યો છે. ઈટ ઈઝ ઓકે.”

“ઓહ, નો, નો, આઈ ડીડ નોટ મીન ટુ સ્કેર હર! સો સોરી.” અને સીતા તરફ ફરીને હાથ જોડ્યા. સીતા પણ સામે હાથ જોડીને, મરકમરક થતી બેગ ઊંચકીને અંદર, ગેસ્ટ રૂમમાં લઈ ગઈ. રવિ અને ઋચાએ સેમ અને શીના સાથે શેકહેન્ડ કરતાં પોતપોતાને ફરી ઈન્ટ્રોડ્યુસ કર્યા. સેમ અને શીનાએ પણ શેકહેન્ડ કરતાં કહ્યું, “સુલુ, સદાય તમારી વાત કરતી. બોથ ઓફ યુ આર ફિઝિશિયનસ, રાઈટ?” એ બેઉએ હા પાડી અને થોડી અનૌપચારિક ને થોડી ઔપચારિક વાતો કરીને રવિ અને ઋચાએ મારી રજા લીધી. ઋચા થોડુંક મલકતાં બોલી, “સુલુબેન, તમારા શામજી આવી ગયા છે. અમે હવે જઈએ!” કોઈ જોઈ ન શકે એમ મેં એને ધીમેથી ચૂંટી ખણતાં કહ્યું, “એકે અવાજ કર્યો છે તેં તો મરી ગઈ સમજજે!” અને, અમે છૂટાં પડ્યાં. સેમ અને શીનાને એમના રૂમમાં સેટલ કરાવતાં મેં કહ્યું, “થોડા ફ્રેશ થઈ જાઓ. હું બહાર લિવીંગ રૂમમાં છું.”

*******

સેમ અને શીના તૈયાર થઈને બહાર આવ્યાં. સીતાએ બટેટાપૌંઆ, વઘારેલો ભાત, દહીં, બટાટાની કાચરી, બ્રેડ-બટર, ટામેટાં, કાકડી અને લેટસ (સમારીને) મૂક્યાં હતાં. અમે બધાં ડાયનીંગ ટેબલ પર ગોઠવાયાં. હું તો લંચ લઈ ચૂકી હતી તોયે ખાલી એમેને કંપની આપવા જ ડાયનીંગ ટેબલ પર બેઠી. શીનાએ મારા હાથ પર એનો હાથ મૂકીને કહ્યું, “લીસન, આઈ એમ સો સોરી ઓન લોસ ઓફ યોર હસબન્ડ. સેમ ટોલ્ડ મી વોટ હેપન્ડ” મારી આંખો ભીની થઈ પણ મેં આંસુને રોકી રાખ્યાં. મેં પણ એના હાથને કઈં પણ બોલ્યાં વિના જ, થોડી ક્ષણો સુધી પકડી રાખ્યો. સેમ કહે, “સુલુ, યુ આર વન બ્રેવ વુમન!” અને મને હગ આપી. અમે સ્વસ્થ થઈને બેઠાં. એ બેઉએ નાસ્તાને ન્યાય આપવાનું ચાલુ કર્યું. મેં પૂછ્યું, “સો, એકદમ જ અહીં ક્યાંથી?”

સેમે શીના સામે જોયું, “તું કહે શીના. તારો પ્રોજેક્ટ છે. શીનાએ મને અચાનક જ કોન્ટેક્ટ કર્યો કે એ ઈન્ડિયા આવી રહી છે એના પ્રોજેક્ટ માટે. હું તો એની સાથે, સુલુ, તને ખાસ મળવા આવ્યો છું.”

શીના બોલી, “સુલુ, હું ગ્લોબલ ઈકોનોમીક્સ એન્ડ માર્કેટિંગ કન્સલટન્ટસ ના નામે કંપની શરૂ કરી રહી છું. એના માર્કેટ સર્વે માટે એશિયા અને યુરોપના અનેક કન્ટ્રીસમાં ગવર્નમેન્ટ સાથે વાતચીત કરી રહી છું. અમે દિલ્હી જઈને મિટિંગ પતાવીને જ આવ્યા છીએ. તું પણ આ જ ફિલ્ડમાં કામ કરી રહી છે. અમને તારા જેવા સ્કીલસેટ અને અનુભવી એમ્પ્લોયીની જરૂર છે. વુડ યુ લાઈક ટુ જોઈન મી? આઈ નો, ધીસ ઇઝ નોટ ધ રાઈટ ટાઈમ ફોર યુ ટુ થીંક એબાઉટ ઓલ ધીસ થિન્ગ્સ. પણ, અમે આજે રાતના જ પાછા ચિકાગો જઈ રહ્યા છીએ. હું પણ હવે ચિકાગો મુવ થઈ ગઈ છું. માય બેટર હાફ ઈઝ ધેર!” એટલે મેં પ્રશ્નાર્થ નજરે સેમ સામે જોયું,

“અરે, હું એનો બેટર હાફ નથી! શીનાને પોતાને પણ પાછળથી ખબર પડી કે એને તો પુરુષો નથી ગમતા!” સેમ જલદીથી બોલી ગયો. હું થોડુંક આછું હસી. તો, સેમ કહે, “સિરિયસલી, હું ફક્ત એનો બિઝનેસ પાર્ટનર છું!”

શીનાએ સેમ સામે જોયું, “શુસ..! લેટ મી ફિનીશ માય થોટસ. સુલુ, જ્યારે તું તૈયાર હોય ત્યારે અમને કોન્ટેક્ટ કરજે. વી વીલ ટેક કેર ઓફ યોર વિઝા એન્ડ ગ્રીન કાર્ડ. નાઉ, એઝ યુ નો, સેમ ઈઝ જોઈનીંગ મી એઝ વેલ. હમણાં અમારી પાસે ચાર મેજર કન્ટ્રીના કોન્ટ્રેક્ટ છે, અને, આગળ ખૂબ સારો ગ્રોથ છે. પ્લીઝ ડુ થીંક એબાઉટ માય ઓફર..!”

પછી તો, અમે ત્રણેય મિત્રોએ અલકમલકની વાતો કરી અને સાંજ પડતાં, દરિયા કિનારે વોક પણ લઈ આવ્યાં. રાતનું ડિનર લઈને, સેમ અને શીના એરપોર્ટ જવા નીકળ્યાં. નીકળતાં પહેલાં સેમે મને કહ્યું, “આઈ લવ યુ અ લોટ એન્ડ વીલ ઓલવેઝ લવ યુ! મને તને ખુશ જોવાનું ખૂબ ગમે છે. તેં જે ખોયું છે અને તેની સાથે તું કેવી રીતે કોપ કરી રહી છે, એની મને કલ્પના પણ નથી આવી શકતી! બસ, ડુ રીમેમ્બર, આઈ વીલ બી ઓલવેઝ બી વીથ યુ!” હું પણ ગળાની ખરાશ ખંખેરીને એટલું જ બોલી, “સેમ, મને અંદાજ છે. આઈ એમ સો લકી કે સો મચ લવ કેઈમ ઈન માય શેર! પાછા અમેરિકા પહોંચીને મને એક ફોન કરજે.” અને, એમને હગ આપીને અમે છૂટાં પડ્યાં.

******

સેમ અને શીના બેઉએ, ક્ષેમકુશળ પાછા અમેરિકા પહોંચી ગયા એનો જુદો જુદો ફોન કર્યો. રાજીખુશીની વાતો કરીને મેં ફોન મૂકી દીધો. સેમ અને શીના તો ગયાં પણ મારા મનમાં એક ગડમથલ મૂકીને ગયાં. શું ઈશ્વર મને કોઈ દિશામાં જવાનો સંકેત આપી રહ્યો છે? મને સમજણ નહોતી પડતી. હું મારા રૂટિનમાં પાછી પરોવાઈ ગઈ. થોડાક દિવસો વિતી ગયા. મારા મનમાં ઈંદિરાના માતા-પિતાને શું કહેવું એની અસંમજસ પણ સતત ચાલતી હતી. તે દિવસે શનિવાર હતો. ઋચાનો સવારમાં ફોન આવ્યો, “મેમસાબ શું કરી રહ્યા છો? આવ આજે અહીં. છોકરાઓ પણ તને ખૂબ યાદ કરે છે. સ્પેન્ડ ધ ડે વીથ અસ.”

“તને જ યાદ કરતી હતી. ચાલ, આવું છું.” દિલીપના ગયા પછી કેટલા દિવસો પછી હું આમ બહાર નીકળી રહી હતી! ઋચા-રવિના બાળકોને જ્યારે પણ મળતી ત્યારે મને થતું કે મારા જીવનમાં હરિયાળી છવાયેલી છે.  હું સાચે જ ખૂબ જ ઉત્સાહમાં આવીને તૈયાર થતી હતી. મેં સીતાને પણ કહ્યું, “સીતા, ચાલ, આજે આપણે, ઋચાને ઘરે જઈએ. તૈયાર થઈ જા. હું પણ કેવી માસી છું કે મારા જ દુઃખમાં એ ભૂલકાંઓને વિસારે પાડી દીધાં! ચાલ, આપણે આજે બસ, બાળકો સાથે રમીશું!” અમે ઋચાને ઘરે પહોંચી ગયાં. બેઉ દીકરાઓ તો ગેલમાં આવી ગયા. “માસી, મમ્મીને કહો, અમને તમારે ત્યાં આવવા જ નહોતી દેતી. અમારે તમારી અને માસા સાથે રમવું હતું! માસા ક્યાં છે?” ઋચાએ બેઉને કહ્યું, “તમને ના પાડી હતી તોયે પૂછો છો?” હું મ્લાન હસીને બોલી, “ઈટ ઈઝ ઓકે, ઋચા.” મેં બેઉને મારા ખોળામાં બેસાડ્યાં. “તમારા માસા તો ભગવાનજી પાસે જતા રહ્યા છે બેટા. પણ માસી છેને? ચાલ, સાપ-સીડીની રમત કાઢ અને પછી આપણે સંતાકુકડી રમીશું અને એ પણ, સીતાદીદી પર જ દાવ આવ્યા કરે એમ રમીશું.” અમે ત્રણ ચાર કલાક ખૂબ ધમાચકડી કરી. ઠેઠ સાડાનવ થી એક વાગ્યા સુધી, એક પછી એક ગેઈમ રમતા રહ્યાં, મીઠા ઝઘડા કરતાં રહ્યાં અને હસતાં રહ્યાં. અંતે લંચટાઈમે, થાકીને ડાયનીંગ ટેબલ પર ગોઠવાયાં.

ત્યાં સુધીમાં તો રવિ પણ સવારની હોસ્પિટલની વિઝિટ પતાવીને આવી ગયો હતો. મને અને સીતાને જોઈને બોલ્યો, “અરે વાહ, આજે તો માસીબા અને દીદી બેઉ આવ્યાં છે! હું જસ્ટ ફ્રેશ થઈને આવું છું.” અને, એ પાછો આવીને ડાયનીંગ ટેબલ પર ગોઠવાયો. સીતા અંદર મહારાજને મદદ કરાવવા ગઈ. ઋચા બેઉ તોફાની દીકરાઓની વચ્ચે, બેઠી જેથી એમને બરબર જમાડી શકે.

જમતાં જમતાં મેં ઋચા અને રવિને વધુ વિગતે શીનાની ઓફરની વાત કરી. “ઋચા અને રવિ, મેં ખૂબ જ વિચાર કરીને નક્કી કર્યું છે કે ઈંદિરાની ડિલીવરી ડેઈટ નજીક આવે તે સમયે હું ચિકાગો જઈશ અને શું હાલત છે ત્યાં, એ પ્રમાણે નક્કી કરીશ કે ક્યારે ઈંદિરા અને એના સંતાનોને અહીં, ઈન્ડિયા પાછી લઈ અવાશે. ઈન કેઈસ, જો નહીં લાવી શકીશ તો, શીનાની ઓફર એક્સેપ્ટ કરીને ત્યાં જ રહીશ.”

ઋચાનું રીએક્શન જેમ મેં વિચાર્યું હતું એવું જ હતું.

એ જોરથી બોલી, “આર યુ મેડ? નહીં લવાય તો ત્યાં જ રહીશ એનો શું અર્થ? તને સમજાય છે કે તું શેને માટે અને શું સાઇન અપ કરી રહી છે?”

“તો તું જ કહે, શું કરું? જાણીને પણ અજાણ બનીને ઈંદિરાના અસહાય મા-બાપને, જે, મારી મદદ હાથ જોડીને માગી રહ્યા છે, એને તરછોડીને અહીં, કઈં જાણે બન્યું જ નથી એમ જીવું? શું કરું, તું અને રવિ જ કહો મને! હું જો આમ જ એમને ઈગ્નોર કરીને અહીં જીવીશ તો ઋચા, મારી જ નજરમાં નીચી પડી જઈશ.”

રવિ અને ઋચા બેઉ કહે, ”એક કામ કર. સીતાને સાથે લઈ જા જેથી તારી સાથે તારું પોતાનું કોઈ હોય! આટલું કરી શકશે જેથી અમને અહીં શાંતિ રહે?”

“હા. હું લઈ જઈશ સીતાને સાથે. અહીં મારું જે કઈં પણ છે એમાં તમારી સહી છે. અને મને કઈં પણ થઈ જાય તો મારું બધું જ આ બેઉ ભૂલકાઓનું!”

ઋચા ગુસ્સો કરતાં બોલી, “એક તો અહીંથી જવાની વાત કરે છે અને પાછું કહે છે કે મને કઈં થઈ જશે તો….! કઈં નથી થવાનું તને! તને ખબર છે ને કે સારા માણસો જ જલદી ઉપર પહોંચે છે!”

રવિને ચાન્સ મળી ગયો, “આ હિસાબે તો આપણે ત્રણેય આ દુનિયામાં બહુ લાંબો સમય જીવશું!”

અમે હસી પડ્યાં. જમવાનું પૂરું થયું. હું પણ થાકી ગઈ હતી. ઋચા બેઉ બાળકોને બપોરના થોડો સમય સૂવડાવવા લઈ જતી હતી. મેં બેઉ દીકરાઓને વ્હાલ કર્યું અને કહ્યું, “કાલે રવિવાર છે તો તમે બધાં જ માસીને ઘરે આવજો.” ઋચા અને રવિને જતાંજતાં મેં કહ્યું, “આપણે જેમ નક્કી કર્યું છે તેમ, ઈંદિરાના પેરેન્ટ્સને ફોન કરી દઈશ. ઠીક છે?”

ઋચા મને હગ આપીને બોલી, “જેમણે પણ તારી મદદ માગી હોય, એને મદદ કર્યા વિના, તું તારી જાત સાથે નથી જીવી શકવાની એની મને ખબર છે, એટલે જ રીલક્ટ્ન્ટલી હા પાડું છું, ઓકે?” રવિએ પણ સંમતિ આપી. હું અને સીતા, સાંજના સાડા ચારે ઘરે પહોંચ્યાં. ઘરનો દરવાજો ખોલ્યો તો ફોનની ઘંટડી વાગી રહી હતી. મેં ફોન ઊંચક્યો.

“બેટા, સુલુ, હું ઈંદિરાનો ફાધર બોલું છું! બહુ અગત્યની વાત કરવી છે.”

(વધુ આવતા અંકે, આવતા ગુરુવારે!)

3 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૭-મુસાફિર હું યારો

 1. સુલુનું જીવન તો જાણે ચક્રવ્યૂહનો કોઠો. અભિમન્યુની જેમ એક પછી એક કોઠા વીંધતી અંદર તો જઈ રહી છે .પણ
  કોણ જાણે બહાર આવશે કે અભિમન્યુની જેમ જ ?
  ૨૮માં હપ્તા પછી સુલુ વગર આ આગણું અને વાચકો પણ સૂના પડી જશે .

  Like

 2. પરિચય’ ફિલ્મ મુસાફિર હું યારો,ના ઘર હે નાં ઠિકાના…આ લાગણીશીલ દુનિયામાંથી બહાર નીકળીએ અને પાછા ફર ‘શીનાની ઓફર એક્સેપ્ટ …’ ફાયદાની વાત કરીએ.
  મન ગમે ત્યારે ભટકી જાય છે. રાહુલદેવે ‘મુસાફિર હું યારો’ ગીતની તર્જ બનાવી અને આશા ભોસલે સાથે લગ્ન કર્યા. અનેક સફળ ગીતો સાથે સર્જ્યા અને જગતભરમાં અનેક જીવંત શો પણ કર્યા. ત્યારે આ કથાનો અંત આવી રહ્યો છે અને હવે તેના કર્ટન ડાઉન કરી દેવાનો નિર્ણય કર્યો છે.ત્યારે યાદ આવે
  પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
  ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
  ત્યાં
  સુલુ, હું જવાહરલાલ ઈંદિરાનો ફાધર બોલું છું!

  કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
  છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
  સાથે અંત નથી આ પ્રેમ કથા નો પ્રીત વિસામો લેવા!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s