પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૮-પડછાયાના માણસ


(“પડછાયાના માણસ” – સર્જકની કેફિયતઃ

આજ સુધી આપ સહુ સહ્રદયી મિત્રો અને વાચકોએ, મેં ખૂબ લાડ લડાવીને ઉછેરેલાં સહુ પાત્રો અને એમની જીવનક્થાને ઉમળકાથી વધાવી છે. આ માટે આપ સહુનો અંતરથી આભાર માનું છું. અનેકોએ પોતાનો કિમતી સમય, વિશેષ ટિપ્પણી લખીને કે ઈમેલ લખીને આ નવલકથાને આપ્યો છે એ બદલ એ સહુ વાચકોની હું ઋણી છું. તમારા સહુના પ્રેમ થકી જ આ નવલકથા ઉજળી બની છે.

આજે મારી એ મિત્રની યાદ આવી રહી છે, જે ચાલીસ વરસની યુવાન વયે બ્રેસ્ટ કેન્સરમાં મૃત્યુ પામી હતી. આ નવલકથામાં સહુને ખૂબ ગમી ગયેલી સુલુ અને એની માની રિલેશનશીપ મારી એ મિત્રને અર્પણ કરું છું. મારી એ મિત્ર કાયમ મને કહેતી, “મેં મારી માને હું ત્રણ વરસની હતી ત્યારે ગુમાવી હતી. મારી સાવકી મા મને કોઈ દુઃખ નથી આપતી. મારી જરૂરિયાતનો ખ્યાલ પણ રાખે છે, છતાંયે મારી સાથે કોઈ કનેક્શન જ નથી. મારી સગી મા હોત તો એ મને દિકરી તરીકે લાડ લડાવત પણ હું તો એની સાથે મારી ખાસ સખી જેમ જ વાતો કરત.’ આ નવલકથામાં, સુલુ અને એની માના પાત્રો આલેખતી વખતે, મેં પળેપળ, મારી એ મિત્રને અંતરથી યાદ કરી છે.

બસ, ૨૮ અઠવાડિયાનો આપ સહુનો સાથ છૂટી રહ્યો છે એનો રંજ છે પણ, જે પ્રેમ આપ્યો છે એની બેહદ ખુશી પણ છે. ધન્યવાદ, અને ફરી મળીશું.-જયશ્રી વિનુ મરચંટ)

(આંગણાંના વાંચકોને સુલુ અને બીજા પાત્રોની ગેરહાજરી ખલશે. લેખિકા પણ આ અંત લખીને ખૂબ ઉદાસ છે-સંપાદક)

પડછાયાના માણસ

ઋચા અને રવિ સાથે નક્કી કર્યા પ્રમાણે તે દિવસે રાતે જ ઈંદિરાના માતા-પિતા સાથે ફોન પર વાત કરીને, હું અત્યંત વિચલિત થઈ ગઈ. મને એમના પ્રત્યે અત્યંત કરૂણા થઈ. હું સમજી શકતી હતી કે સાવ અજાણ્યા દેશમાં, ભાષાની તકલીફ, ખાવા-પીવાની તકલીફ અને બહાર આવવા જવા માટેની તકલીફ અને એમાંયે, માનસિક રીતે બિમાર અને સગર્ભા એકનીએક દિકરીના ઈલાજની ચિંતા. ન છોડીને જઈ શકાય કે ન કોઈનેય કહી શકાય! જેમ જેમ ઈંદિરાની પ્રેગનન્સી આગળ વધી રહી હતી તેમ તેમ એના મા-બાપની મૂંઝવણ વધતી જતી હતી. ઈંદિરાના ગર્ભમાં મોટા થઈ રહેલા બે બાળકો હવે સળવળી રહ્યા હતા. ઈંદિરાની માનસિક પરિસ્થિતિ અને શારિરીક ચેન્જીસ વચ્ચેનું ડિસકનેક્ટ ખૂબ વધી ગયું હતું. આ હાલતમાં એને મેન્ટલહોમમાંથી પાછી ઘરે લઈ આવવાનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. તે સમયના હેલ્થકેર ઈન્શ્યોરન્સ અને મેડીકેરના નિયમો પ્રમાણે ઈંદિરાની બધી ટ્રીટમેન્ટ તો સારી રીતે કવર થતી હતી પણ ઈંદિરાના માતા-પિતા હવે વધુ ગભરાઈ ગયા હતાં કારણ કે ગાયનેકોલોજીસ્ટે છેલ્લા ચેક અપ સમયે કહ્યું કે બેઉ બાળકોનો વિકાસ તો બરાબર છે પણ કદાચ સાતમા કે આઠમા મહિને ડિલીવરી થઈ જશે. હવે ફક્ત બે જ મહિનામાં જો ડિલીવરી થવાની હોય તો આવનારા બે બાળકો અને શારિરીક ને માનસિક રીતે નબળી ઈંદિરાનું ધ્યાન એ બેઉ કઈ રીતે રાખશે, એ વિચાર માત્રથી બેઉ જણા ખૂબ ગભરાયા અને ફોન પર ધ્રુસકે ધ્રુસકે રડીને મારી માફી માગતા રહ્યાં! મેં એમને કહ્યું કે કોઈ ફિકર ન કરે. હું જેટલી જલદી અહીંથી નીકળી શકું એટલે જલદી નીકળીને અમેરિકા આવી જઈશ. હવે મારે વહેલી તકે અમેરિકા જવાની વ્યવસ્થા કરવાની હતી. સીતાનો પણ પાસપોર્ટ ને વિઝા કરવા માટેની પ્રોસેસ શરૂ કરવાની હતી.

તે શનિવારે ઈંદિરાના પેરેન્ટ્સ સાથે વાત કર્યા પછી મેં સૌ પ્રથમ વકીલ સાહેબને ફોન કર્યો કે એમને સમય હોય તો સાંજના ઘરે આવે એટલે અમેરિકા જતાં પહેલાં મારી સ્થાવર જંગમ મિલકતની હું વ્યવસ્થા કરી શકું.. મારો પાવર ઓફ એટર્ની રવિ અને ઋચા પાસે તો હતો જ પણ, મારું વસિયતનામું અને દિલીપની બધી જ મિલકત કાયદેસર રીતે એના આવનારા સંતાનોને નામે કરવાની મારી ઈચ્છા પણ એમને લખીને આપી જવાનું નક્કી કર્યું.  મારા અમેરિકા જવા પછી, પાછળ કોઈ કન્ફ્યુઝન ન રહે, એટલું જ હું ઈચ્છતી હતી. સાંજના વકીલસાહેબ ઘરે આવ્યા. ન કરે નારાયણ અને કાલે ઓચિંતું જ મને જો કશું થઈ જાય અને હું ન રહું તો શું? મેં ખૂબ વિચાર કરીને મારું ઘર ઋચાના સંતાનોને આપવાનું નક્કી કર્યું. આ જ બિલ્ડિંગમાં એક બીજો એક બેડરૂમનો ફ્લેટ હતો તે સીતાને આપવાનું નક્કી કર્યું. મેં કેશ મિલકતમાંથી પાંચ લાખ રૂપિયા સીતાના નામે અને પાંચ લાખ પાર્વતીમાસીને નામે કરવાનું નક્કી કર્યુ. બાકીની બધી જ મિલકત, (ઘરેણાં સમેત) મેં “વનિતા વિશ્રામ” સંસ્થાને ચેરીટીમાં આપી જવાનું નક્કી કર્યું. મારી લાઈફ ઈન્શ્યોરન્સની રકમ પણ ખાસ્સી હતી અને તે મારા પછી, મેં એક અનાથાશ્રમમાં આપવાનું નક્કી કર્યુ. બીજે દિવસે રવિવાર હતો અને ઋચા-રવિ એમના બેઉ બાળકો સાથે મારે ત્યાં આવવાના હતાં અને અમેરિકા જતાં પહેલાં અમે ક્વૉલિટી ટાઈમ સાથે ગુજારવાના હતાં

મારે મારા જોબ પરથી પણ રીઝાઈન કરવાનું હતું. હું શીનાની જોબ ઓફર સ્વીકારવાની હતી. તે દિવસે સાંજના વકીલસાહેબ ગયા પછી મેં સૌ પ્રથમ કામ શીનાને ફોન કરવાનું કર્યું. એને જણાવ્યું કે, “હું તને જોઈન કરવાની છું. જેવી અહીંથી અમેરિકા આવવાની ટિકીટ બુક થાય એટલે તને જણાવીશ.” શીના કહે, “સુલુ, આઈ એમ સો સો એક્સાઈટેડ! કમ, એઝ ફાસ્ટ એઝ યુ કેન!” બીજો ફોન સેમને કર્યો કે હું શીનાને અને એને જોઈન કરીશ. સેમ ફ્લર્ટ કરવાની એક પણ તક છોડતો નહોતો. એ તરત જ બોલ્યો, “મને તું ક્યારે જોઈન કરીશ, સુલુ? આઇ એમ સ્ટીલ વેઈટીંગ!” મેં પણ એ જ ઘડીએ, તાત્કાલિક એક નિર્ણય કરી લીધો અને જે કહ્યું તે સાંભળીને હવે સેમને એક શોક લાગવાનો હતો. “યસ, સેમ, આઈ એમ કમીંગ ટુ જોઈન યુ ટુ! આઈ એમ સેઈંગ યસ!”

“વોટ? આર યુ સિરિયસ? સાચે જ? મને માનવામાં નથી આવતું કે તું આમ આટલે જલદી “હા” પાડી દઈશ…! ઓ માય ગોડ..! સુલુ, મને લાગે છે કે હું સાચે જ ગાંડો થઈ જઈશ. મને હજી એમ જ લાગે છે કે હું સપનામાં છું. હવે તું તારો વિચાર બદલે એ પહેલાં હું ફોન મૂકું છું. મારે મારી જાતને સંભાળવાની છે! મારા માટે ધીસ ઈઝ ધ બેસ્ટ ડે ઓફ માય લાઈફ! હું તને પાછો ફોન કરીશ!” સેમના અવાજમાં એટલી બધી ખુશી છલકાતી હતી કે એની છાલક ઠેઠ મુંબઈ શહેરમાં મારા પર ઊડી!

******

અંતે, બે અઠવાડિયામાં, રવિની સહાયથી, મારી અને સીતાની, પ્રોપર પેપરવર્ક અને વિઝા સાથે અમેરિકા જવાની બધી જ વિધી બે અઠવાડિયામાં પૂરી થઈ ગઈ. શીનાએ એની કંપની દ્વારા ગ્રીન કાર્ડ માટેની બધી જ વ્યવસ્થા મારે માટે અને સીતા માટે કરી આપી હતી. તે સમયના કાયદા કાનૂન પ્રમાણે અમને ગ્રીન કાર્ડ એરપોર્ટ પર જ મળી જવાનું હતું. એ દિવસ પણ આવી ગયો કે જ્યારે હું અને સીતા, મુંબઈને છેલ્લા જુહાર કહીને, અમેરિકા જવા નીકળવાના હતાં. પાર્વતીમાસી ગામથી આવી ગયાં હતાં. એમનો આનંદ તો સમાતો નહોતો કે એમની દિકરી ઠેઠ અમેરિકા જવાની હતી! ઋચા-રવિ સવારથી મારી સાથે જ હતાં. અમારી ફ્લાઈટ રાતના એક વાગ્યાની હતી. ઋચાના બાળકો પણ આવ્યાં હતાં એમની સુલુમાસીને “બાય” કહેવા! અમે રાતના સાડા નવે એરપોર્ટ જવા નીકળ્યાં. રવિ અને ઋચા અને થોડાં અંગત મિત્રો પણ અમને એરપોર્ટ મૂકવા આવ્યાં. અંદર સિક્યોરીટી ક્લીયરન્સ માટે જવા પહેલાં હું ઋચા અને રવિને ભેટીને ખૂબ રડી. પછી ઋચાએ મારા આંસુ લૂછતાં કહ્યું, “તું તારા શામજી સાથે લગ્ન કરે તો અમને બોલાવવાનું ભૂલતી નહીં. અમે આવીશું! મને ખાતરી જ છે કે એ તારી રાહ એક પગે ઊભો રહીને જોતો હશે!” હું હસીને બોલી, “આટલે જલદી આમ બધું થઈ રહ્યું છે એ મારા માનવામાં પણ નથી આવતું! મને હજુ પણ આશ્ચર્ય થાય છે કે મેં કઈ રીતે સેમને હા પાડી! ઋચા, આજે મને મમ્મી ખાસ યાદ આવી રહી છે. એ હંમેશાં જ કહેતી કે આપણે જેને પ્રેમ કરીએ એની સાથે નહીં, પણ જે આપણને છાતીફાટ પ્રેમ કરે એની જોડે રહેવાની મજા જ કઈંક ઓર છે! બસ, આ જ વાક્ય મને યાદ આવ્યું અને મેં સેમને હા પાડી દીધી! તું અને મમ્મી મારા રગરગમાં કાયમ વસો છો!” અને એને હગ આપીને છૂટી પડી! પાર્વતીમાસી પણ એરપોર્ટ પર આવ્યાં હતાં. સીતા માસીને વળગીને ખૂબ રડી. હું માસીને પગે લાગી અને અંતે, મુંબઈની ધરતીને “અલવિદા” કહીને અમે અમેરિકા જવા પ્લેનમાં ઊપડી ગયાં!

******

ચિકાગો આવ્યે હવે ત્રણ અઠવાડિયા થઈ ગયા હતા. મેં શીનાને દિલીપના ઘરની બાજુમાં જ ફર્નીશ્ડ એપાર્ટમેન્ટ લેવાનું કહ્યું હતું તેમ એણે લઈને તૈયાર રાખ્યું હતું. સેમ રોજ મને મળવા મારે ઘરે આવતો હતો. એણે એક દિવસ મને મારા જ ઘરે, સગાઈ માટેની સુંદર ડાયમન્ડ રીંગ લાવીને પ્રપોઝ કર્યું. મેં હા પાડી પણ સાથે એને એ પણ કહ્યું કે દિલીપના બાળકોને મોટા કરવાની જવાબદારી જો મારા પર આવશે તો એણે સ્વીકારવી પડશે, જેને માટે એણે અંગ્રેજીમાં કહ્યું, “અરે, તારો સાથ મળે તો બધું જ કબૂલ છે!” હું માની નહોતી શકતી કે સેમ સાથે મારી સગાઈ થઈ છે! ત્યારે થયું, કે, આ બહુ જલદી થઈ રહ્યું છે પણ મારે, મમ્મીએ કહ્યું હતું તેમ, પાછળ જોવાનું નહોતું, બસ, આગળ સતત ચાલતાં રહેવાનું હતું. મેં સેમને પણ કહ્યું, “મને મારી મમ્મી બહુ જ મીસ થાય છે, આઈ વીશ, એ આજે અહીં હોત!” સામે જવાબમાં એણે પણ એટલું જ કહ્યું, “મી ટુ!” મેં ફોન કરીને ઋચાને સેમ સાથેની સગાઈ વિષે જણાવ્યું તો ઋચા તો ખુશીની મારી ઉછળી જ પડી! સીતા તો સેમને “સામજીભાઈ” કહીને જ બોલાવતી! નવો જોબ, ઘર, ગાડી, નવા લોકો અને એમાં સીતાના “સામજીભાઈ”નો ઉમેરો થયો હતો! ઈંદિરાના માતા-પિતાને, મારા ત્યાં હોવાથી હવે હિંમત આવી ગઈ હતી. હું રોજ ઈંદિરા પાસે જતી. એની માનસિક સ્થિતિ ખૂબ વણસતી જતી હતી. હવે તે ભાગ્યે જ કોઈને ઓળખી શકતી. ક્યારેક તો એને એનાં માબાપ પણ અજાણ્યા લાગતાં હતાં. આ રોગ ખૂબ જ વણસી ગયો હતો, એમાં પાછી પ્રેગન્સીને કારણે, બધી દવાઓ પણ આપી શકાતી નહોતી. ઈંદિરાને તો હવે દિલીપ કોણ એ પણ યાદ નહોતું પણ દિલીપનો મિત્ર, જેણે એને ધોકો આપ્યો હતો, એની વાત કઈંક અસંબધિત રીતે એ ક્યારેક કરતાં, રડી પડતી કે એ માણસ ખોવાઈ ગયો છે! દિલીપના માતાપિતાએ મને જણાવ્યું કે રોગની સારવારની શરૂઆતમાં તો બે-ત્રણ મહિના મેન્ટલહોમમાં રહીને ઈંદિરા ઘરે આવતી તો થોડાંક મહિના નોર્મલ અને સારાં પણ જતાં. દિલીપ પણ ઈંદિરાને ખૂબ સારી રીતે રાખતો. ધીરેધીરે, ઈંદિરાના ચિત્તભ્રમ વધવા માંડ્યાં હતાં. એમાં અદા અને ધાજીના અકસ્માતને લીધે દિલીપને ઈન્ડિયા આવવું પડ્યું. દિલીપ ઈન્ડિયાથી આવેલા એના મિત્રને ભલામણ કરીને ઈન્ડિયા આવ્યો અને પછી તો વાત હાથની બહાર નીકળી ગઈ હતી! હું ક્યારેક વિચાર કરતી કે જો દિલીપને ખબર હોત કે એ પિતા બનવાનો છે તો ઈંદિરાને એણે હાથમાં ને હાથમાં રાખી હોત! હું ચિકાગોમાં સેટલ થતી જતી હતી. સેમ અને શીનાની મદદથી ટ્રાન્સીશન સરળ બન્યું હતું. સીતાને મેં નાઈટ સ્કૂલમાં ભણવા મૂકી પણ એને હજુ સેટલ થવામાં વાર લાગવાની હતી. હું મારા જોબ પરથી આવતાં, રોજ સાંજના મેન્ટલહોમ અને દિલીપના ઘરે, ઈંદિરાના માતાપિતાને ત્યાં રોજ એક આંટો મારવા જરૂર જતી. ઈંદિરાને હવે મારા રોજ ત્યાં જવાથી મારામાં વિશ્વાસ આવતો જતો હતો. એક દિવસ, ઓચિંતું જ ઈંદિરાએ મને પૂછ્યું, “મારું પેટ કેટલું મોટું થયું છે? અહીંની નર્સીસ મને કહે છે કે હું મા બનવાની છું. તું મારી ફ્રેન્ડ છે ને, તો, મને સાચું કહે, હું શું સાચે જ મા બનવાની છું?” હું સ્નેહથી એના માથા પર હાથ ફેરવીને કહેતી, “હા, માય ફ્રેન્ડ.” એણે મારો હાથ પકડી લીધો અને કહે, “મને બહુ બીક લાગે છે! તું મારી મદદ કરીશને?” મેં મહાપરાણે અશ્રુઓને રોકી રાખી, માથું ધુણાવીને હા પાડી. સમય સરતો જતો હતો. હું, ઈંદિરાના માતા-પિતા અને સીતા, આવનારા બાળકોની રાહ જોતાં હતાં. એમાં હવે શીના અને સેમ નું નામ પણ ઉમેરાયું હતું. અંતે એ દિવસ પણ આવી ગયો!

*******

ચિકાગોના કપરા વિન્ટરટાઈમમાં, ૧૯૭૯ જાન્યુઆરીની ૧૯મીએ, ચાર અને સાડાચાર પાઉન્ડના બે સુંદર અને હેલ્ધી બાળકોને ઈંદિરાએ જન્મ આપ્યો. ઈશ્વર પણ કોઈનેય એની સહનશીલતાથી વિશેષ નથી આપતો. ઈંદિરાનું પેઈન મેનેજ કરીને નોર્મલ ડિલીવરી કરાવવી સહેલી નહોતી પણ સાચે જ બહુ મુશ્કેલી ન પડી. ઈંદિરાને સીડેશનમાં રાખી હતી. ડિલીવરી પછી મને અને ઈંદિરાના પેરેન્ટ્સને ડોક્ટરોએ એમની ઓફિસમાં બોલાવી, અમને અંગ્રેજીમાં કહ્યું,

“ઈંદિરા કોઈ પણ રીતે એના બાળકોને સંભાળી શકે એમ નથી. એના પેરેન્ટસ ભાષાની તકલીફને કારણે અને એમના પોતાના હેલ્થના લીમીટેશનને કારણે બાળકોની સંભાળ લઈ શકે એમ નથી, તો, અમારે અહીંના રુલ પ્રમાણે ચાઈલ્ડ પ્રોટેક્શન એજન્સીને આ બચ્ચાઓ સોંપવા પડશે! એ માટે તમારી વીટનેસ તરીકે અને ગ્રાન્ડ પેરેન્ટ્સની ગાર્ડિયન તરીકે આ પેપર પર સહી જોઈએ છે.”

ઈંદિરાના પિતા મારી તરફ ફરીને કહે, “ઓ બેન, આ શું કહી રહ્યા છે?  મને સમજાવ તો ખરી! આપણે છોકરાઓ આ લોકોને આપી દેવાના?”

હું એમના તરફ ફરી અને બોલી, “એક મિનિટ, મને જરા વાત કરી લેવા દો.” પછી ડોક્ટર તરફ ફરીને કહ્યું, “અમારે બાળકો ચાઈલ્ડ પ્રોટેક્શન એજન્સીને ન આપવા હોય તો?”

“તો તમારામાંથી કોઈએ બાળકોને ઓફિશ્યલી એડોપ્ટ કરવા પડશે!”

મેં દ્રઢતાથી કહ્યું. “હું એ બાળકોને એડોપ્ટ કરીશ. તમે પેપર તૈયાર કરાવો”

“તમે બધી જ રિક્વાયર્ડ વિગત અમારી ઓફિસના એડ્મિનિસ્ટ્રેટરને આપી દો. બધું એપ્રુવ થઈ જશે પછી તમે બાળકોને લઈ જઈ શકશો. એક બીજી વાત, હાલના બધા રિપોર્ટ જોતાં, અમારી મેડિકલ ટીમે નક્કી કર્યું છે કે આ બાળકોની મા, એમને બ્રેસ્ટ ફિડિંગ કરી શકે એવી સ્થિતિમાં નથી. અમારે એ નિર્ણય અમલમાં મૂકવા આ કાગળ પર તમારી સહી જોઈશે જેથી માના દૂધને દવાઓથી સૂકવી શકાય.” મેં એ પેપર ઈંદિરાના માતાપિતાને આપીને સમજાવ્યું કે શાને માટે એમની સહી જોઈએ છે. ઈંદિરાની મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. મને કહે, “પ્રભુ આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે? મારી દિકરીને મા બનાવવાનું પરમ સુખ તો આપ્યું પણ પોતાના સંતાનને માના દૂધથી વંચિત રાખ્યા અને એને મા બની છે એની સમજણથી વંચિત રાખી!  આ બધી જ અમારા પાપની સજા આ નિર્દોષ બાળકો કેમ ભોગવે?” મારું હ્રદય ઈંદિરાની માનું આ કલ્પાંત સાંભળીને દ્રવી ગયું!

હોસ્પિટલમાંથી બેઉ બાળકોને ઘરે લાવતા પહેલાં અમારે એમનાં નામ મૂકવાના હતાં અને એમના ઘરે આવવાની બીજી બધી તૈયારી પણ કરવાની હતી.

સેમે મને કહ્યું, કે, “ચાલ, આપણે ઈંદિરાને પૂછી આવીએ. એને પણ કંઈક મનમાં હોય તો” સેમ હંમેશાં “થોટફુલ”- સદૈવ બીજાનો વિચાર કરનાર હતો. મને પણ આનો વિચાર નહોતો આવ્યો પણ સેમ જેનું નામ. એ કાયમ જ બીજા માટે પહેલા વિચારતો અને છેલ્લે પોતા માટે. અમે ઈંદિરાને પૂછવા માટે હોસ્પિટલમાં એના રૂમમાં ગયાં. હું જ્યારે ઈંદિરાની પ્રેગનન્સી વખતે મળવા આવતી હતી ત્યારે સેમ ઘણીવાર મારી સાથે આવતો હતો આથી એ સેમને મારી સાથે અનેકવાર મળી ચૂકી હતી. એને નહીં તો કોઈ પણ અજાણ્યા પુરુષનો બહુ ભય લાગતો હતો. હું એના બેડ પર બેઠી. સેમ બાજુમાં જ ઊભો હતો. એણે અને મેં બેઉએ ઈંદિરાને પૂછ્યું, “કેમ છે તબિયત?”

ઈંદિરા ડિલીવરી પછી થોડી ફિક્કી પડી ગઈ હતી અને થાકેલી પણ લાગતી હતી. મને જોઈને, સેમ સામે આંગળી ચીંધીને કહે, “આ તારો બોય ફ્રેન્ડ છે?”

મેં સેમ સામે જોયું ગૂંચવણમાં કે શું જવાબ આપું પણ સેમે જ કહ્યું, “યસ, આઈ એમ હર બોયફ્રેન્ડ.” ઈંદિરા મારા પર ભરોસો રાખતી થઈ ગઈ હતી. મને કહે, “એની જોડે નર્સિંગહોમ ન જતી. મારો એક બોયફ્રેન્ડ હતો કે કોણ હતો નથી ખબર પણ મને નર્સિંગહોમમાં મૂકીને ક્યાંક તો ખોવાઈ ગયો, બોલ! અને પછી મારું પેટ કેવું મોટું થઈ ગયું હતું! તેં તો જોયું હતું. હું એને શોધવા કેવી રીતે જાત! એ ખોવાઈ જ ગયો” પછી એના પેટ પર હાથ ફેરવીને કહે, “હવે નાનું થઈ ગયું. મને પેલી નર્સ કહે છે કે બે બચ્ચા મારા પેટમાંથી નીકળ્યા, પણ મને તો ખબર જ નથી! તેં જોયા એમને?”

મેં આ તક ઝડપી લીધી. મેં કહ્યું, ”હા, મેં જોયાં છે. તારે જોવા છે? હું લઈ આવું?”

“ના રે, મારે નથી જોવા. મારો બોયફ્રેન્ડ મને છોડીને ખોવાઈ ગયો. હું એમને જોઈશ તો એ પણ ખોવાઈ જશે!”

મારે ગળે ડૂમો ભરાયો પણ માંડ માંડ મારી જાતને સ્વસ્થ રાખીને મેં એને પૂછ્યું, “ઈંદિરા, તને કોઈ નામ ગમે છે તો આપણે એ બેઉ બેબીનું તું કહે તે નામ રાખીએ.”

અચાનક, ઈંદિરાને સદંતર જ રસ જતો રહ્યો. “મારે સૂઈ જવું છે. તારા બોયફ્રેન્ડને પૂછ કે શું નામ રાખવું. મને નથી ખબર. તું જા હવે.” અને પડખું ફરીને સૂઈ ગઈ. મારી આંખો ત્યાં જ છલકાઈ પડી. સેમ મારી પીઠ પર હાથ ફેરવતો રહ્યો. હું ધીરેથી બોલી, “બિચારા, બેઉ બચ્ચાઓનો શું વાંક? કેમ આવી સજા એ નવજાત શિશુઓને કે બાપ તો જતો રહ્યો અને મા હોવા છતાં નથી!?” ઈંદિરા સૂઈ ગઈ હતી. એની ઈચ્છાને માન આપીને મેં સેમને પૂછ્યું, “તારા મનમાં કોઈ નામ છે? ઈન્ડિયન હોવા જરૂરી નથી.” સેમ વિચારીને બોલ્યો, “હા, હાઉ અબાઉટ નીલ અને શીલ? નીલ દિલીપ સીંઘાનીયા એન્ડ…” મેં એના મોઢા પર હાથ મૂકીને કહ્યું, “ના, નીલ સેમ એન્ડરસન અને શીલ સેમ એન્ડરસન. વોટ યુ સે?”

સેમે મને ઊંચકી લીધી અને રૂમમાં જ ગોળ ફર્યો અને કહે, “યસ, યસ..! થેંક્યુ, માય ડાર્લિંગ…!”

******

વખત વિતતો ગયો. હું અને સેમ, અમારા બે દત્તક લીધેલા સંતાનો સાથે અનહદ ખુશ હતાં. સેમના કુટુંબે પણ નીલ અને શીલને અપનાવી લીધા હતાં. દિલીપની યાદો, એનું સખ્ય તો મારી કિમતી મૂડી હતી, જેને મેં મારા આત્માની તિજોરીમાં બંધ કરીને રાખી હતી. મારું દિલ તો હવે સેમ પાસે હતું. ક્યારેક સેમને હું પૂછતી, “સેમ, દિલીપના બાળકોને દત્તક લેવાના મારા નિર્ણયને તેં હસીને કેમ અપનાવ્યો? જો કે તે બદલ તારો આભાર માનું એટલો ઓછો છે!” મારી આંખોમાં આજકાલ પાણી ખૂબ જલદી આવી જતાં.

સેમે મને ચુંબન કરતાં કહ્યું, “આ બેઉ હવે આપણા દિકરાઓ છે. મારી વાઈફ ટુ બી, મારા બે દિકરાઓ અને હું. વી આર અ પરફેક્ટ ફેમિલી. મને મારા પોતાના બાળકો-એટલે કે તારા અને મારા બાળકોને આ જગમાં લાવીને મારા આજના આ ફેમિલીમાં વધારો પણ નથી કરવો. પણ એક વાત છે, આજ પછી સુલુ, પ્લીઝ, ક્યારેય આ બેઉ એડોપ્ટેડ છે એવું મને ન કહેતી!” હું ત્યારે ખૂબ જ ઉમળકાથી સેમને ભેટી પડી હતી. મને પહેલીવાર ભારતીય પરંપરા પ્રમાણે એને પગે લાગવાનું મન થયું અને હું પગે પણ પડી. સારું હતું કે ઈંદિરાના માતા-પિતાને એણે મને પગે પડતાં જોઈ હતી અને આપણા રિવાજથી વાકિફ હતો! એણે હસીને મને ઊભી કરી અને ફરી એક વ્હાલભર્યું ચુંબન આપ્યું, અને કહે, “લુક, આઈ જસ્ટ વોન્ટ ટુ સી યુ હેપ્પી! બટ ટેલ મી વન થીંગ, જો રોજ હું આ બે વાક્યો બોલીશ તો શું તું રોજ જ મારા પગે પડીશ?” જવાબમાં મેં એના વાંસા પર એક ધબ્બો માર્યો અને કહ્યું, “હાય હોપ્સ!” પણ પછી કોને ખબર કેમ, પણ કેમ, હું ખૂબ ઈમોશનલ થઈ ગઈ અને અનાયસે જ બોલી ઊઠી, “સેમ, તારા જેવું સેલ્ફલેસલી, આટલું ચાહનારો મારો પતિ બનવાનો છે, એને માટે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું!” સેમે મને એની બાહોંમાં સમાવી લીધી હતી.

********

સમય ક્યાં કોઈ માટેય રોકાય છે? અમારા બેઉ બાળકો મોટા થતા ગયા. સેમે અને મેં એમના જન્મ પછી કોઈ સેલીબ્રેશન નહોતું કર્યું. ઈંદિરા હવે તો વધુ ને વધુ પોતાની જ દુનિયામાં રહેવા માંડી હતી. ઈંદિરાના માતા-પિતા નીલ અને શીલને જોઈને ખૂબ રાજી થતાં. મેં એમને બેઉ બાળકોના નામ કેવી રીતે નક્કી કર્યા એની વિગત કહી તો એ બેઉ વૃદ્ધ ગળગળા સ્વરે બોલ્યા, “બેન, કૃષ્ણને જનમ ભલે દેવકીએ આપ્યો પણ કહેવાયા તો નંદકિશોર અને યશોદાનંદન અને એમ જ હોય ને? જનમ આપનાર કરતાં પાળનાર અને પોષનાર મોટો હોય છે!” અને મારા માથા પર હેતથી હાથ ફેરવ્યો. ‘બેન, અમે હવે પાછા અમારે ઘરે જવા માગીએ છીએ. તેં અને સેમે અમારી જવાબદારી જ ઉપાડી લીધી. ભગવાન તમને બેઉને ખૂબ સુખ આપે.”

મેં અને સેમે એ લોકો પાછા જાય એ પહેલાં બેઉ બાળકોના જન્મ નું સેલીબ્રેશન કરવાનું નક્કી કર્યું અને એ જ દિવસે સવાર એક મોટું સરપ્રાઈઝ એ રાખ્યું કે પાદરીને ઘરે બોલાવીને અમે ક્રિસચ્યન વિધીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. સેમે મને પૂછ્યું કે મારે હિંદુ વિધી કરવી હોય તો એ પણ કરી શકાય. મેં ના પાડી અને કહ્યું, “જો ઋચા અને રવિ આવશે તો ઋચા મારા માટે સપ્તપદી લખવાની હતી એવું અમે નક્કી કર્યું હતું તો એ દસેક મિનીટની સપ્તપદી સિવાય બીજી કોઈ વિધી નથી કરવી. તારો આટલો પ્રેમ અને ભરોસો એ જ મારે માટે હિંદુ શાસ્ત્રનું વિધાન છે.” આ વખતે ઈમોશનલ થવાનો વારો સેમ નો હતો!

આમ ઋચા અને રવિને પણ એમનાં સંતાનો સાથે આ સેલીબ્રેશન માટે અને અમેરિકા ફરવા માટે બોલાવ્યાં. ઋચાના કુટુંબ સાથે પાર્વતીમાસી પણ આવ્યાં હતાં. અમારા લગ્ન થયાં અને ઋચાએ સપ્તપદી લખી. એ સાત પગલાં સાથે લીધાં એમાંના એક વચન પર હું અને સેમ બેઉ પળવાર માટે થંભી ગયા હતાં. મને હજી એ વચન યાદ છે, “મારા અને તારા માતા-પિતા બેઉ હોય કે ન હોય, એમણે આપેલા સંસ્કાર અને વિવેકબુદ્ધિ આપણે કદી નહીં ભૂલીએ અને આપણા સંતાનોને પણ એવી જ વેલ્યુ સિસ્ટમ આપવાની કોશિશ કરીશું જેથી તેઓ આપણાથી પણ વધુ સારા માણસ બને.” અમારા બેઉના પેરેન્ટસ નહોતા હાજર પણ મારા હાથમાં નીલ હતો અને સેમના હાથમાં શીલ. આ વચને અમને ચારેયને બાંધી લીધા હતા, સાત સાત જનમ માટે…! લગ્ન વિધી પતાવીને હું પાર્વતીમાસીને પગે લાગી અને ઋચાને ભેટીને છાનાં ડૂસકાં પણ ભરી લીધાં હતાં.

નીલ અને શીલ હવે ત્રણ મહિનાના થઈ ગયા હતા. એમના સેલીબ્રેશનની પાર્ટી પણ તે સાંજના ખૂબ સરસ રહી. પાર્ટી પછી ચારેક દિવસ અમારી સાથે રહીને ઋચા અને રવિ, એમનાં સંતાનો અને પાર્વતીમાસીની સાથે અમેરિકા ફરવા નીકળી ગયાં. એ લોકો એક મહિનો ફરીને પછી ન્યુ યોર્કથી પાછા વતન જવા નીકળી ગયાં. ઈંદિરાના માતાપિતા પણ પાછા જોધપુર જતાં રહ્યાં હતાં અને ફોન પર સતત સંપર્કમાં રહેતાં. એમની પણ હવે ઉમર થઈ હતી અને જોધપુરમાં તેઓ પોતાની રીતે જીવનની ઘરેડમાં ગોઠવાઈ ગયા હતાં.

વરસોનો માંજાની ફિરકી ખુલતી જતી હતી અને પાછો એ માંજો હાથમાં કદી પકડાવાનો નહોતો. સમયના વહેણમાં વહે જ છૂટકો હતો. બેઉ બાળકો હવે ચાર વરસના થયાં હતાં. નીલ અને શીલને લઈને મેન્ટલહોમમાં ઈંદિરાને મળવા જવાનો ક્રમ તો મેં ચાલુ રાખ્યો હતો. સેમ પણ બાળકો બહુ કહેતા કે ડેડ, કમ વીથ અસ તો અમારી સાથે આવતો.  ઈંદિરા હવે આ દુનિયાની રહી જ ન હતી. એને કંઈ વધુ સમજાતું નહોતું પણ મને હજુ થોડું થોડું ઓળખતી અને બાળકોને જોઈને હસી લેતી. પણ દરેક વખતે પૂછતી કે આ મારાં અને મારા બોયફ્રેન્ડનાં બાળકો છે અને હું હસીને, એના કપાળે હાથ ફેરવીને ડોકું હલાવતી. નીલ અને શીલ બોલતા અને સમજણા થવા માંડ્યા હતા. ક્યારેક એ લોકો દર શનિવારે ત્યાં જવાનો વિરોધ પણ કરતા પણ એ એક બાબતમાં અમે કોઈ કોમ્પ્રોમાઈઝ નહોતા કરતા. એકાદવાર તો એમણે કહ્યું પણ ખરું, “મોમ, ધેટ લેડી ડઝ નોટ કેર ટુ પ્લે વીથ અસ ઓર ટોક ટુ અસ. વાય આર યુ ટેકીંગ અસ ધેર?”  હું કહેતી, “એ બિમાર છે અને જેમ આપણે ચર્ચ અને મંદિર દર રવિવારે જઈએ છીએ તેમ શનિવારે બિમાર ફ્રેન્ડને મળવા જવાનું હોય છે.” અને વાત પતી જતી.

આમ દર શનિવારની સવારના રૂટિન પ્રમાણે, તે શનિવારે પણ હું, અમારા બેઉ બાળકોને ઈંદિરાને મળવા માટે લઈ જતી હતી. ત્યાંના પાર્કિંગ લોટમાં ગાડી ઊભી રાખીને ઈંદિરાના રૂમ સુધી ચાલીને જતાં હતાં. ત્યારે નીલે અંગ્રેજીમાં મને ફરી પૂછ્યું ‘મોમ, શા માટે આપણે અહીં એવ્રી સેટર ડે આવીએ છીએ? કેમ?” તે દિવસે, સેમ પણ અમારી સાથે હતો. મેં એની સામે જોયું અને એણે સંમતિમાં ડોકું ધૂણાવ્યું. મેં ત્યારે એમને સાચું જ કહેવાનું નક્કી કર્યું અને કહ્યું, “એ તમારી રિયલ મધર છે, પણ સીક છે, એટલે એમને મળવા આવીએ છીએ!” તો શીલ બોલ્યો, “તો તમે અને ડેડ અમારા મમ્મી-ડેડી નથી? અમને આજ સુધી કહ્યું કેમ નહીં?” નીલ અને શીલ પળવાર માટે ઊભા રહી ગયા. અમે ચારેય એકમેકને જોતાં રહ્યાં અને પછી નીલને સેમે અને શીલને મેં ઊંચકી લીધો અને અમે ચારેય પાર્કીંગ લોટમાં જ ગૃપ હગમાં લોક થઈ ગયા અને બેચાર ક્ષણ એમ જ ઊભા રહ્યાં પછી મેં અને સેમ બેઉએ એમને વ્હાલથી કહ્યું,

“છીએ, બેટા અને કાયમ જ રહીશું. વી બોથ લવ યુ અ લોટ માય બેબીસ. પણ હંમણાં અમારી વાત માની લો દિકરા. પછી થોડાંક મોટા થશો ત્યારે તમને બધું જ કહીશું!” ને, બેઉએ નીચે ઊતરીને, નીલે મારી અને શીલે સેમની આંગળી પકડી લીધી. અમે મેન્ટલહોમ તરફ ચાલતાં રહ્યાં. એ ઉનાળાનો સમય હતો. સવારના દસ વાગ્યા હતા. અમારો પડછાયો અમારી પાછળ ચાલી રહ્યો હતો. સેમે નીલ અને શીલને પડછાયો બતાવ્યો, “લુક, માય શેડો ઈઝ વોકિંગ વીથ મી.” નીલ પણ મારી આંગળી છોડીને સેમ અને શીલની સાથે થઈ ગયો હતો અને એ ત્રણેય પોતાના પડછાયા સાથે રમત રમતા અને હસતા હસતા ચાલી રહ્યા હતા. હું એ ત્રણેયના પડછાયાને જોતાં જોતાં, મારા પોતાના પડછાયાની સાથે ચાલી રહી હતી. મારા મનમાં આ કવિતા અનાયસે ઊગી.

“મારામાં તું છે પડછાયો કે તારામાં હું છું પડછાયો?

આપણે તો એકમેકના ભેરુ,

તારા વિણ હું નહીં અને મારા વિણ તું નહીં,

પણ, દરેક રાતે તું સિફતથી મારાથી અલગ થઈને ક્યાંક તો છુપાઈ જાય છે

અને બીજી સવારે સૂરજ ઊગ્યા પછી જ મળે છે.

ક્યારેક મને થાય છે કે લાવ હું તને પૂછું કે રોજ તું મારાથી વિખૂટો પડીને ક્યાં જાય છે?

પણ, તું જવાબ કેવી રીતે આપીશ?

તું તો પડછાયાનો માણસ છે!

હા, તું તો પડછાયાનો માણસ છે,

પડછાયાનો માણસ..!”

(સમાપ્ત!)

(સમાપ્ત!)

10 thoughts on “પડછાયાના માણસ ……..! (જયશ્રી વિનુ મરચંટ)-પ્રકરણ-૨૮-પડછાયાના માણસ

 1. ભાવવાહી નવલકથા પૂરી થાય તે ના ગમે ,ટેબ. હાથમાં પકડતાં જેને વાંચવાનો નશો હતો તે છોડવા હવે કોઇ રીહેબીલીટેશનમા જવું પડે. એ કમી પૂરી કરવા અમારા જેવા નિવૃત્તિ ના ખોરાક સમ નવી નવલકથા શરુ કરો એવી વિનંતી. બહુ મજા આવી વાંચવાની.આભાર જયશ્રીબેન.

  Liked by 2 people

 2. જયશ્રી આ નવલમાં છેલ્લે સુધી રસ જળવાઈ રહ્યો। અમે પાત્રોમા ઓતપ્રોત થતાં ગયાં। અંતમાં સેમ જોડે લગ્ન મારા માટે થોડું શોકિંગ હતું। મને હતું સુલુ દિલીપની યાદ સાથે જિંદગી કાઢી નાખશે પણ અંત વાંચી હું ખુશ થઇ કે માં ની સલાહ માની ” જે તમને છાતીફાટ પ્રેમ કરે એની સાથે જિંદગી કાઢો સેમ એવો જ લાગ્યો સરસ નવલ અને હવે ગુરુવારે કોના પડછાયાની રાહ જોઈએ?

  Liked by 2 people

 3. પ્રિય જયશ્રીબેન ,
  ખુબ સુંદર નવલકથા આપે આપી. વાર્તા નો અંત આનંદદાયક આપી મારા જેવા વાચક ને ખરેખર ખુબ શાંતિ આપી. તમારા છેલ્લાં પ્રકરણે તો ઘણાય ને ‘વીલ ‘ જેવાં મુંઝાતા પ્રશ્નો નું માર્ગદર્શન આપ્યું હશે. ફરીવાર આ જ રીતે મળતાં રહેજો. આભાર.
  ફુલવતી શાહ

  Liked by 2 people

 4. જયશ્રીબેન ,
  સુલુ,દિલીપ,મમ્મી,રવિ,રુચા બધાં સાથે પ્રેમ થઈ ગયો.વાંચતાં વાંચતા બધું આંખ સામે જ બની રહ્યું હોય તેવું સરળ,વાસ્તવિક,ભાવવાહી વર્ણન.સુલુના સેમ સાથે લગ્ન ,મમ્મી ની સલાહ પ્રમાણે -જીવન સદાય આગળ ચાલતા રહેવાનું છે પાછળ જોયા વગર
  બહુ પ્રેકટીકલ લાગ્યું.અને છેલ્લે ‘મારામાં તું છે પડછાયો’ એ તો વાહ વાહ કયા બાત હૈ!!!!
  ગુરુવાર ની સવારે ????? મજા પડી ગઈ

  Liked by 2 people

 5. પડછાયામાંથી ભારેખમ ફિલસૂફી, વૈરાગ્યબોધ આપણા વેદાન્તીઓએ આપણને આપ્યાં છે. તેમ છતાં વસ્તુઓના પડછાયા, અનેક વસ્તુના પડછાયા ભેગા થતાં એમાંથી સર્જાતાં નવાં રૂપ આજેય જોવાં ગમે છે.
  ભારતીય પરંપરા મુજબ પ્રેમ એટલે પતિ પત્નીના મજબૂત રિલેશન પર સ્ટોરીનો અંત થાય ત્યારે આ ભાવવાહી નવલકથા અહીંથી શરૂ થાય…’ સેમ જોડે લગ્ન-‘ અણધાર્યો અંત ! દરેક પતિ પત્નીની વિચારવા રીત જુદી હોઇ શકે. બંનેના બાળપણ તેમજ પારિવારિક અને યુવાનીના મૂલ્યો અને સમજદારી અલગ હોય છે. જરૂરી નથી કે લગ્ન હમેશા આદર્શ પરિસ્થિતિમાં જ ટકતું હોય. કોઇના પણ જીવનમાં નવી વ્યક્તિ આવી શકે છે. બદલાતા સમયને સમજવો જરૂરી છે. દુઃખીયારા જીવનની બહાર તમારી પ્રેરણા કદાચ રાહ જોતી હોય આ યાત્રા છે….માત્ર યાત્રાળુ અને માયાળુ બની રહેવું. સમયે સમયે યાત્રીઓ બદલાતા રહેશે.યાદ આવે Smith
  Beautiful shadow, cool, fastidious,
  that follows substance like a wife or child,
  You push the world a stage away from us
  And you are all that from the huge and wild
  અન્તે તો ‘સોઅહં, સોઅહં’ – ‘એ જ હું, એ જ હું’નો ધ્વનિ નીકળે છે. અમને લાગે છે કે આટલી નાની નવલમાં પડછાયાથી તે સોઅહં સુધી પહોંચવાનો વિક્રમ સિદ્ધ કર્યો છે.

  Liked by 1 person

 6. Jayshreeben,
  You wrote a fantastic novel. First off, Your gratitude filled beginning note for your readers is commendable.
  For the novel itself, all characters have very specifc, convincing, important and special role, a place of their own. They stand out with their good values, messages and distinct down to earth personalities and feel very real!!! All incidents and dialogues became live and started to play in realtime in front of my eyes, while I was reading every chapter.. All characters were covered very well in the story, and they all had good closure in the end. That shows your excellent writing skiset in my opinion. The novel has very nice title and interesting message and good ending as well.
  I am sad that today’s episode is the last one!
  I am going to miss your Navalkatha chapters from next Thursday morning, they have been my morning tea companion for last 28 weeks.
  I truly enjoyed reading your Navalkatha.
  Sandhya

  Liked by 1 person

 7. જયશ્રીબેન
  સૌ પ્રથમ તો એક ખુબસુરત વાતને અત્યંત રસપ્રદ અને ભાવવાહી લયમાં મુકવા માટે અઢળક અભિનંદન .

  શિલ્પી જે બારિકીથી એક શિલ્પને કોતરે અને સુરેખ શિલ્પ આપણી સમક્ષ મુકાય એવી રીતે સુલુના પાત્રને તમે કંડાર્યું છે. એના માટે તો એક જ શબ્દ -વાહ

  ગુરુવાર એટલે સુલુનો વાર…સુલુની રાહ જોવાની પણ એક મઝા હતી. સુલુની છબી મનમાં હમેશા રહેશે અને એકલી સુલુ જ નહીં ઋચા રવિ દિલીપ સુલુની મમ્મી સેમ દરેક પાત્ર એની ખૂબીઓ સાથે યાદ રહેશે

  સુલુ તો દરેક એપિસોડમાં જાણે આભની ઊંચાઈને આંબતી રહી. કોઈ આટલું ઉદાર કેવી રીતે હોઈ શકે ! પણ સેમ સાથેના લગ્ન સુખદ આંચકો આપી ગયા.

  આખી વાર્તાને એક ઊંચાઈ સુધી પહોંચાડીને સર્વે ભવન્તુ સુખીન જેવો શોભનીય અંત આણવાનું ય સરળ ક્યાં હતું ? કારણકે ઈંદિરા અને એના માતા પિતા માટે મનમાં એક અણગમતો ભાવ જાગ્યો એમાંથી સહાનુભૂતિ જાગે એવી પરિસ્થિતિ કુશળતાથી સર્જી .

  સુલુની મમ્મી,અદા ધાજી, દિલીપની અણધારી વિદાયથી માંડીને અને એ પછીની ઝડપથી બદલાતા સંજોગોએ તો વાચકોની આતુરતા અત્યંત વધારી. એ આતુરતાનો અંત પણ ખૂબસુરતીથી આણ્યો .

  કેટલાય પાત્ર એવા હોય કે જેમના છુટયાની વેળા વસમી જ હોય પણ એને એક ખુબસુરત મોડપે અંજામ દેના હી અચ્છા .

  અનેક પડછાયા અનેક આકારોને પોતાનામાં જીવતી સુલુની કાવ્યમય વિદાય ચિરંજીવ રહેશે .

  Liked by 1 person

 8. “અમારો પડછાયો અમારી પાછળ ચાલી રહ્યો” હા અમે પડછાયામાં ઓટ પ્રોત જાણે થઇ ગયા.પડછાયા ને જીવંત કરતી આ નવલકથા અમારી સાથે જાણતા અજાણતા ચાલી. હવે અમે શોધશું દર ગુરુવારે પડછાયા ના માણસને…
  જિંદગીની કથા લોકો માને છે એટલી સરળ હોતી નથી, જિંદગીની વાત કહેતી અને જિંદગીના નાના મોટા રહસ્યોને પામવા માટે કોશિશ કરતા પાત્રો અને પાત્રો થકી સર્જાતી નવલકથા.સુખ કોને ન ગમે ?મોટા ભાગના માણસો જીવનના રહસ્યોનું ચિંતનકરવાને બદલે જિંદગીનું સુખ શોધવાનો પ્રયાસ કરે છે.પણ અહી જિંદગી વિશેની ફિલોસોફી આ નવલકથામાં દરેક પાત્રએ ઉપસાવી, જયશ્રીબેન અભિનંદન….વાર્તાને ખુબ સુંદર રીતે વણી,અને અહેસાસ પણ ન થવા દીધો કારણ વાર્તા લખવાનો પ્રયત્ન નહોતો પણ સહજતા હતી ઇન્દિરાના પાત્ર માટે નિયતિનો નિર્ણય ,અને સેમનો સ્વીકાર અને દિલીપની યાદો અને સીતા તો સેમને “સામજીભાઈ” કહીને જ બોલાવતી”બધા પાત્રો પોતાની એક identity છોડતા ગયા. માંનો સાથ તો મિત્રની મજાકમાં મિત્રતાનો ભાવ, બધા જ જાણે જીવંત રહ્યા.નવલકથામાં કોઈ ઉપદેશ આપ્યો ન હતો છતાં પાત્રો જ ચિંતનની સામગ્રી શોધી લાવ્યા. .એમના વિચારોઓં જ અમને વિચારતા કર્યા (સેમનો પ્રેમ અને બાળકોનો સ્વીકાર )..(સુલુનો પ્રેમ બાળકો બની આવ્યો ) .નવલકથાના અમુક અંક અને પાત્રો હાઈવે પર એક મહત્વનો માઈલસ્ટોન બની રહ્યા…manse અને .અમે સતત દરેક પાત્રને સાક્ષી ભાવે નિહાળતા રહ્યા…પાત્રો તમે ઉપસાવ્યા પણ અમે આસપાસના વાતાવરણની કલ્પના કરી અને અમે અજાણતા જ તમારી સાથે ચાલ્યા નવલકથામાં ગતિનું મહત્વ ખુબ જળવાયું.અંતે તો પ્રેમની ધારા ચાલુ રહી….
  પડછાયો જીવંત હોય એવું શી રીતે બને ?…વાર્તામાં પડછાયાના માણસે જાતે જીવી જીવીને સત્ય પ્રગટ કર્યું ..પોતાની ભીતર પડેલા મનુષ્ય તત્વ -(પ્રેમ )નો નોખી રીતે જગાડ્યો. પાત્ર એક જન્મમાં બે જન્મોનું જીવ્યો….આજના માણસે આખું જીવન નવેસરથી જાણવું પડશે એ વાત અહી સલાહ આપ્યા વગર રજુ થઇ …. હજી મન કહે છે હવે શું ?. જમ્યા પછી પાનનું બીડું પીરસવામાં આવશે એવી આશા સાથે સુલુ ને અમે આવજો નહિ કહીએ..

  (આ ની ફિલ્મ બનવી જોઈએ. અને બીજી ભાષામાં રૂપાંતર થાય તો.. મજા પડી જાય …
  જયશ્રીબેન “બેઠક” આપને માટે ગૌરવ લેશે .)

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s