એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૦-આખરે જીએઓ છોડ્યું


આખરે જીએઓ છોડ્યું  

 અત્યાર સુધી અમેરિકામાં મેં મોટે ભાગે યુનિવર્સિટીના એકેડેમિક વાતાવરણમાં કામ કર્યું હતું.  હા, જોન્સ લાક્લીન સ્ટીલ અને આઈબીએમ જેવી કંપનીઓમાં કામ કર્યું હતું, પણ એ તો ત્રણ ત્રણ મહિનાના સમર જોબ હતાં. લાંબો સમય કામ તો યુનિવર્સિટીઓમાં જ કર્યું હતું.  જીએઓની ફેલોશીપ દ્વારા હવે પહેલી વાર ગવર્નમેન્ટ સેટિંગ, અને તે પણ ફેડરલ ગવર્નમેન્ટ અને વોશીન્ગ્ટનમાં કામ કરવાની મને તક મળી.  પેન્ટાગોન જેવી તોતિંગ એજન્સી જ્યાં લાખોની સંખ્યામાં લોકો કામ કરે તેની સરખામણીમાં પાંચેક હજારની જીએઓ એક નાની એજન્સી ગણાય.  છતાં આગળ જણાવ્યા મુજબ એ કોન્ગ્રેશનલ ઓડીટ એજન્સી હોવાને કારણે તેનું મહત્ત્વ ઘણું.  કોઈ પણ એજન્સી વિષે એનો ટીકા કરતો રીપોર્ટ જો લખાયો તો એ એજન્સીએ એ બાબતમાં કોંગ્રેસમેનોને અને સેનેટરોને ઓપન હીઅરીંગમાં જવાબ આપવા પડે. એમાં એમનું બજેટ કપાવાની શક્યતા પણ ખરી. આ કારણે કોઈ પણ એજન્સીમાં જઈને કહો કે તમે જીએઓમાંથી ઓડીટ કરવા આવ્યા છો તો એમના અધિકારીઓને જરૂર ચિંતા થાય.  ઓડીટ કોને ગમે?

હું જીએઓમાં 1977માં ફેલોશીપના એક વરસ માટે જોડાયો.  આગળ જણાવ્યા મુજબ ફેલોશીપ પૂરી થતાં મને એક વરસનું એક્સ્ટેન્શન મળ્યું, અને આખરે એ પરમેનન્ટ જોબમાં કન્વર્ટ થઈ.  મેં જીએઓનો જોબ 1997માં છોડ્યો. એ વીસ વરસ દરમિયાન મારું કામ મુખ્યત્વે ટેક્સ એરિયામાં હતું.  કાં તો અમેરિકાની ટેક્સ એજન્સી ઇન્ટર્નલ રેવન્યુ એજન્સી (આઈ.આર.એસ.) નું ઓડીટ કરવાનું હોય અથવા જુદા જુદા ઉદ્યોગોના અર્થશાસ્ત્ર અને ટેક્સેશનનો કોંગ્રેસની કમિટીઓ માટે અભ્યાસ કરવાનો હોય.  આ ઓડીટ અને અભ્યાસ પછી એ બાબતમાં કોંગ્રેસની ટેક્સ કમિટીઓને કાયદાઓ ઘડવા માટે સલાહસૂચના કરવાની.  આપણી લોકસભાની જેમ અહીંનું હાઉસ ઓફ રેપ્રેજેન્ટીવીજ કોંગ્રેસનું લોઅર હાઉસ કહેવાય છે.  તેની ટેક્સ કમિટી વેજ ઍન્ડ મીન્સનું મહત્ત્વ ઘણું. અમેરિકાનું 60 ટકા બજેટ એ એક જ કમિટીના હાથમાં. આપણી રાજ્યસભા જેમ કોંગ્રેસનું અપર હાઉસ સેનેટ છે.  એની ફાઈનાન્સ કમિટી એ વેજ ઍન્ડ મીન્સની કાઉન્ટરપાર્ટ કમિટી ગણાય. એટલી જ પાવરફુલ.

હું ટેક્સ એરિયામાં કામ કરતો હતો એટલે આ બન્ને કમિટીઓ, તેના મેમ્બર્સ અને ચેરમેન અને સ્ટાફ સાથે નિયમિત સંપર્કમાં આવતો, ખાસ કરીને જ્યારે અમારી ટીમના રીપોર્ટ પછી કમિટીના ઓપન હીઅરીંગ હોય ત્યારે. રિપોર્ટનું કામ ચાલતું હોય ત્યારે કમિટીઓમાં જઈને સ્ટાફને નિયમિત પ્રોગ્રેસ રીપોર્ટ આપવાના હોય.  તે ઉપરાંત જે જે ધંધા વિષે અભ્યાસ કરતા હો તે બધાને અને આઈ.આર.એસ.ને પણ જાણવું હોય કે અમારું કામ ક્યાં સુધી આવ્યું, એ રીપોર્ટને કારણે કોંગ્રેસ એમને લાગતા વળગતા  કાયદાઓમાં શું ફેરફાર કરશે, અને ખાસ તો કંપનીઓને વધુ ટેક્સ આપવો પડશે કે નહીં.

જીએઓ કોઈ પણ ધંધાના ટેકસનો અભ્યાસ અને ઓડીટ શરૂ કરે છે એવું જાહેર થાય ત્યારે કંપનીઓ અમે શું કહેવાના છીએ એનું અનુમાન કરીને એમનો પોતાના રીપોર્ટ તૈયાર કરવાનો શરૂ કરે.  એ બાબતમાં મોટા મોટા અર્થશાસ્ત્રીઓ અને પ્રોફેસરોને કામે લગાડે. જેવો અમારો રીપોર્ટ બહાર પડે કે ધડ દઈને સામે એમનો રીપોર્ટ રજૂ થાય. અમારા રીપોર્ટની સામે લોબિંગ શરૂ થાય. અમારી ભૂલો અને ગેરસમજો બહેલાવીને અમને બદનામ કરવાના પ્રયત્ન થાય.  અમારા રીપોર્ટનાં સલાહસૂચનો મુજબ જો કોંગ્રેસ કાયદાઓ બદલાવે એ એમને માટે મોટી વાત. એમનું ટેક્સ બીલ જે બીલીયન્સ ઑફ ડોલર્સનું હોય અને તેમાં વધારો થાય.

આખા અમેરિકામાંથી કંપનીઓના મોટા અધિકારીઓ અમને મળવા આવે, લંચ, ડીનર, રીસીશીપ્ન્સમાં બોલાવે.  કંપનીઓના હેડ ક્વાટર્સમાં જ્યાં હોય ત્યાં જુદાં જુદાં શહેરોમાં જવું પડે.  જે ધંધાના અર્થશાસ્ત્ર અને ટેક્સશનનો અભ્યાસ કરતા હો તેને લગતી કોન્ફરન્સમાં જઈને જીએઓના રીપોર્ટની રજૂઆત કરવી પડે. રીપોર્ટનાં સલાહસૂચનોનો બચાવ કરવો પડે.  આ બધાને કારણે મને અમેરિકાના ઘણાં નાનાં મોટાં શહેરોમાં અને યુનિવર્સિટીઓમાં જવાની તક મળી.

કંપનીઓના ઑફિસરોને મળીએ ત્યારે અમારે જીએઓની સ્ટ્રીક્ટ ગાઈડ લાઈન મુજબ જ વર્તવાનું.  જ્યારે જ્યારે કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને વોશીન્ગ્ટન કે બીજે ક્યાંય મળ્યા હો ત્યારે એ બાબતનો ઉપરીઓને રીપોર્ટ આપવાનો.  જીએઓની  ગાઈડ લાઈન જો તમે ક્યાંય ચૂક્યા તો તમારું આવી બને. સખ્ત ડીસીપ્લીનરી પગલાં લેવાય. જોબ જાય.  મારા જીએઓના વીસ વરસમાં એવું ક્યારે ય યાદ નથી કે કોઈ એજન્સીના માણસે લાંચ લીધી હોય કે કંપનીઓ સાથેના વર્તનમાં કોઈએ અયોગ્ય પગલું ભર્યું હોય. જીએઓ એની ઓબજ્કેટીવીટી અને નીતિમત્તા માટે  પ્રખ્યાત છે.  તેથી જ તો જીએઓના રીપોર્ટ ધ્યાનથી વંચાય અને એનાં સલાહસૂચનોને અનુસરીને કોંગ્રેસ ઘણી વાર કાયદાઓમાં ફેરફાર કરે.

એક વાર જ્યારે અમારી ટીમ ઇન્સ્યુરન્સ કંપનીઓના ટેક્સેશનનો અભ્યાસ કરતી હતી ત્યારે ઠેઠ લંડનથી લોયડ્સની આંતરરાષ્ટ્રીય ઇન્સ્યુરન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓ એમના વોશીન્ગ્ટનના લોયર લોબીઈસ્ટ લઈને મને મળવા આવેલા.  લંડન આવીને જો અમારે એમની કંપનીનો અભ્યાસ કરવો હોય તો તેની વ્યવસ્થા કરવા તૈયારી બતાવી. અમેરિકાની વિશ્વવ્યાપી ઇન્સ્યુરન્સ કંપનીઓના ટેક્સેશનનો અભ્યાસ હજુ દેશી ઉચ્ચારો વાળા મારા જેવા એક ઇન્ડિયન અને એની ટીમના હાથમાં હતો તે આ લોયડ્સના ગોરા બ્રિટીશ ઑફિસરો માટે આશ્ચર્યની વાત હતી.  એ લોકો જીએઓના કોઈ ગોરા અમેરિકનને મળવાની અપેક્ષા કરતા હતા.  જો કે એમના અમેરિકન લોયર લોબીઈસ્ટ માટે મારી ઉપસ્થિતિ સહજ હતી. બ્રિટીશ ઑફિસરોનો પ્રાથમિક સંકોચ ઓછો થયા પછી અમારી મીટીંગ બરાબર ગઈ.

જો લોયડ્સના અધિકારીઓ માટે જીએઓ જેવી અગત્યની એજન્સીને હું રેપ્રજેન્ટ કરતો હતો એ આશ્ચર્યની વાત હતી તો મારે માટે એ અમેરિકાની વિશિષ્ટતા હતી.  આ વિશિષ્ટતાને કારણે જ મારા જેવા અસંખ્ય ઈમીગ્રંટ્સ યેન કેન પ્રકારેણ રસ્તો કાઢીને આ દેશ આવી પહોંચે છે.  એનો અર્થ એ નથી કે અહીં કાળા ધોળાનો રંગભેદ અને ભેદભાવ સાવ ભુંસાઈ ગયો છે, કે ડીસ્ક્રીમીનેશન નથી. છે જ.  એ તો માનવ સહજ છે, અને થોડા ઘણા પ્રમાણમાં બધે છે.  ખુદ આપણે ત્યાં અસ્પૃશ્યતાનું કલંક હજારો વરસથી હિંદુ સમાજનું એક અવિભાજ્ય અંગ રહેલું છે.  ભલે ને એની વિરુદ્ધ અનેક કાયદાઓ ઘડાયા   કે ગાંધીજીએ એને નાબૂદ કરવા જીવન ઘસી નાખ્યું.  સાવરકુંડલામાં અમારી સ્કૂલમાં જે અછૂત છોકરાઓ હતા તે બધાથી દૂર છેલ્લા બેંચ ઉપર બેસતા. એમની સાથે અમારે લેવા દેવાનો કે બોલવા ચાલવાનો કોઈ સંબંઘ ન હતો. અને એ વાત અમને ત્યારે જરાય કઠતી નહોતી!

અમેરિકનોની ખૂબી એ છે કે કાળા ધોળાના ભેદભાવને ભૂંસવા માટે એ કૈંક ને કૈંક રીતે મથ્યા રહેતા હોય છે.  ઘણી વાર બે પગલાં આગળ અને એક પાછળ એમ પણ થતું હોય છે.  કોઈ પણ સમાજમાં પ્રગતિ હરણફાળથી નહીં, પણ ઘસડાતા ઘસડાતા થાય છે. હું જ્યારે 1965માં અમેરિકામાં આવ્યો ત્યારે કોઈ કાળો માણસ એક દિવસે અમેરિકાનો પ્રમુખ થશે એવી કલ્પના પણ કરવી મુશ્કેલ હતી, અને આજે બરાક ઓબામા બે વાર પ્રમુખ તરીકે ચુંટાયા. આ ભેદભાવ મનુષ્ય સહજ છે અને અમેરિકામાં એને દૂર કરવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે એમ અમેરિકાનો બચાવ કરતો એક લેખ મેં વોલ સ્ટ્રીટ જર્નલમાં લખેલ.  તે લેખમાં હિંદુ સમાજની યુગો જૂની અસ્પૃશ્યતાનો દાખલો આપેલો.  જે દિવસે તે છાપામાં આવ્યો તે જ દિવસે અહીંની ઇન્ડીયન એમ્બેસીમાંથી સંદેશો આવ્યો કે આપણા દેશની અસ્પૃશ્યતાની વાત તમે શા માટે કરી?  એમાં આપણા દેશનું ખરાબ દેખાય છે!

જીએઓના પ્રતિનિધિ તરીકે એના અધિકારીઓએ નિસંકોચ મને અનેક ઠેકાણે મોકલ્યો છે. એ લોકોને ટેક્સેશન વિશેને મારી સૂઝ અને સમજ અને એ સમજાવવાની મારી આવડતમાં વિશ્વાસ બેઠો. જીએઓના પ્રતિનિધિ તરીકે મેં અનેક વાર કોંગ્રેસની કમિટીઓના ઓપન હિઅરિન્ગ્સમાં જુબાની આપી છે.  સેનેટ ફાઈનાન્સ કમિટીના તેમ જ હાઉસ વેજ ઍન્ડ મીન્સ કમિટીના ચેરમેનને ટેક્સેશનની બાબતમાં ઘણી વાર બ્રીફ કર્યા છે.  દેશ પરદેશ કોન્ફરન્સોમાં જઈને પ્રેજટેન્શન કર્યા છે.  અમેરિકન યુનિવર્સિટીઓ, ઓક્સફર્ડની મેનેજમેન્ટ સ્કુલ, લંડન બિજનેસ સ્કૂલ અને બાથ યુનિવર્સિટીથી માંડીને ઇન્ડીયન સિવિલ સર્વિસ આઇ.એ.એસ.ની ટ્રેનીંગ સ્કૂલમાં જઈને મેં પ્રવચનો આપ્યાં છે.  વધુમાં ન્યુ જર્સીના ગવર્નર જેમ્સ ફ્લોરીઓને બજેટની બાબતમાં એક્સપર્ટની જરૂર હતી ત્યારે જીએઓએ મને ત્રણ મહિના ત્યાં મોકલ્યો હતો.

1913 થી 1965 સુધી જીએઓનો રોલ માત્ર ફાઇનાન્સિયલ ઓડીટ સુધી મર્યાદિત હતો.  સરકારી એજન્સીઓને જે બજેટ મળ્યું હોય તેમાં કંઈ ગોલમાલ તો નથી થઈ એ ચેક કરવાનું એ જીએઓના ઓડીટનું લક્ષ્ય હતું.  આ કારણે જીએઓમાં કામ કરતા લોકો મોટે ભાગે અકાઉન્ટીન્ગ અને કાયદાઓનું ભણેલા હોય, અને તે પણ બેચલરની ડીગ્રી સુધીનું.  1966માં આલમર સ્ટાટ્સ (1966-1981) જીએઓના સર્વોચ્ચ અધિકારી–કમ્પ્ટ્રોલર જનરલ બન્યા.  એ પહેલાં સ્ટાટ્સ ફેડરલ ગવર્નમેન્ટના બજેટ ડાયરેક્ટર હતા.  કોઈ પોલીટીકલ પ્રેશરમાંથી કમ્પ્ટ્રોલર જનરલને દૂર રાખવા માટે અને એ ઑફિસની નિષ્પક્ષતા જાળવી રાખવા માટે એની ટર્મ 15 વરસની રખાઈ છે.  જે એક વાર કમ્પ્ટ્રોલર જનરલ થયા હોય તે ફરી વાર ન થઈ શકે.  ફેડરલ ન્યાયાધીશો સિવાય કોઈની આવી લાંબી ટર્મ હોતી નથી.

આલમર સ્ટાટસે પોતાની પંદર વરસની લાંબી ટર્મનો લાભ લઈ જીએઓનું મિશન વિસ્તાર્યું.  માત્ર ફાઇનાન્સિયલ ઓડીટથી અટકી ન જતા, એજન્સીઓને જે હેતુ માટે બજેટ અપાયું હતું તે સિદ્ધ થયો કે નહીં, અને જો ન થયો તો શા માટે ન થયો એ બાબતની તપાસ કરવાનું જીએઓનું મિશન હોવું જોઈએ એવું એમનું માનવું હતું.  ફેડરલ ગવર્નમેન્ટના બજેટ ડાયરેક્ટર તરીકે સ્ટાટસે ઘણા બધા પ્રોગ્રામમાં બગાડ અને ઓવર સ્પેન્ડીંગ જોયું હતું.  આ બગાડ અને ઓવર સ્પેન્ડીંગ ઓછું કરવા તરફ જીએઓએ ધ્યાન આપવું ઘટે એ માટે એમણે પ્રોગ્રામ ઇવેલ્યુએશનની હિમાયત કરી.  આ પ્રકારનું ઇવેલ્યુએશન કરવા માટે માત્ર અકાઉન્ટીન્ગ કે કાયદાઓ ભણેલાઓ ઉપરાંત ઇકોનોમિકસ, સોસીઓલોજી, સ્ટેટીસ્ટીક્સ, સાયકોલોજી વગેરે સોશિયલ સાયન્સીજમાં જે પારંગત હોય એવા પ્રોફેશનલ લોકોની જરૂર હતી.  આ હિસાબે જીએઓમાં આવા સ્પેશીયાલિસ્ટોનું–ખાસ કરીને પીએચ.ડી. ડીગ્રી જેવી એડવાન્સ ટ્રેનીંગ લીધેલાનું–રીક્રુટીંગ મોટે પાયે શરૂ કર્યું.

જીએઓએ જે નવા લોકોને રિક્રુટ કરવા માંડ્યા એમાં ઘણા મારા જેવા કૉલેજ પ્રોફેસરો પણ હતા.  દાયકાઓથી જીએઓમાં ઠરીઠામ બેઠેલા ઓડીટરોને આ ન ગમ્યું. એમની દૃષ્ટિએ એજન્સીનું મિશન બદલાતું હતું તે અયોગ્ય હતું.  તેમાં એમને પોતાનું મહત્ત્વ અને વર્ચસ્વ પણ ઓછું થતું દેખાયું. એમને માટે જીએઓમાં કામ કરવું એ કંઈ સ્પેશ્યલ ન હતું.  બીજી કોઈ ફેડરલ એજન્સીમાં કામ કરવા જેવું હતું.  તેમને માટે અગત્યની વાત માત્ર પોતાની પોજીશન અને હોદ્દાની હતી.  નિશાળેથી નિસરીને જવું પાંસરું ઘેર એવી રીતે આ ઓડીટરો મોટે ભાગે કારપુલમાં સવારે ઑફિસે આવે અને સાંજે નિયત સમયે કારપુલમાં ઘરે જાય.  એમને પબ્લિક અફેર્સમાં, વોશીન્ગ્ટનના રાજકારણમાં કાંઈ ઝાઝો રસ હોય એવું મને દેખાયું નહીં. મારા જીએઓના વીસ વરસના ટેન્યરમાં ભાગ્યે જ કોઈ એવો ઓડીટર મળ્યો હોય કે જેની બુદ્ધિ કે જનરલ નોલેજની જાણકારીથી હું અંજાયો હોઉં.  એમને માટે વોશીન્ગ્ટન પોસ્ટ જેવું છાપું વાંચવું એટલે સ્પોર્ટ્સ, કોમિક્સ, અને હેડલાઈન્સ જોવી એટલું જ.  ઑફિસમાં એમની વાતચીત પણ સાવ સામાન્ય અને રોજબરોજની અને સ્પોર્ટ્સની. કઈ ટીમ હારી અને કઈ ટીમ જીતી એ એમનો રસનો વિષય.  એમની પાસેથી ભાગ્યે જ પબ્લિક અફેર્સના કોઈ વર્તમાન વિષયની ચર્ચા સાંભળવા મળે.

જ્યારે ચાર્લ્સ બાઉષર (1966-1981) કમ્પ્ટ્રોલર જનરલ થયા ત્યારે એમણે જીએઓના મિશનને વધુ બ્રોડ બનાવ્યું. પોતે પેન્ટાગોનના નેવી ડીપાર્ટમેન્ટમાં આસીસ્ટંટ સેક્રેટરી તરીકે એક વાર કામ કરેલું હોવાથી એમને વોશીન્ગ્ટનની બ્યુરોક્ર્સીનો પૂરેપૂરો અનુભવ. શિકાગો યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થયેલા.  વધુમાં આર્થર એન્ડરસન કન્સલ્ટીન્ગ કંપનીમાં પણ લાંબો સમય કામ કર્યાને કારણે એમને દેશવિદેશના મોટા કોર્પોરેશન કેમ ચાલે છે તેની સમજણ ઘણી.  એમણે આવીને જીએઓમાં ધરખમ ફેરફાર કરવા માંડ્યા.

મને જ્યારે જીએઓની સીનીયર સિવિલ સર્વિસમાં પ્રમોશન મળ્યું ત્યારે ચાર મહિના સુધી કમ્પ્ટ્રોલર જનરલ બાઉશરના સ્પેશિયલ આસીસ્ટંટ થવાની તક મળી.  એ કારણે એમની બધી ઓફિસિયલ મીટીંગમાં મારી હાજરી હોય.  આને લીધે જુદી જુદી ફેડરલ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ, કોંગ્રેસમેન, સેનેટરો, અમેરિકાની કેટલીક ટોપ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ, અગત્યના વિદેશી મુલાકાતીઓ વગેરેને મારું મળવાનું બન્યું. આમ સર્વોચ્ચ કક્ષાએ અમેરિકાના પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટરનું સંચાલન કેમ થાય છે તે નજીકથી જોવા જાણવાની તક મળી.

બાઉશર સાથે જે સંબંધ બંધાયો તે અમારા બન્નેની નિવૃત્તિમાં પણ ચાલુ રહ્યો.  જો કે એમની ટ્રેનીંગ એકાઉન્ટીન્ગમાં, છતાં એમનું વાંચન વિશાળ હતું, ખાસ કરીને હિસ્ટરી અને અમેરિકન પોલીટીક્સનું.  હું જ્યારે એમનો સ્પેશીયલ આસીસ્ટંટ હતો ત્યારે લગભગ દરરોજ સાંજે એમની સાથે અનેક વિષયો ઉપર વાતચીત થતી.  બાઉશર જ્યારે નિવૃત્ત થયા ત્યારે અહીંની વિખ્યાત મેટ્રોપોલીટન ક્લબ, જ્યાં હું મેમ્બર હતો, ત્યાં એ પ્રેસિડેન્ટ થયા.  ક્લબની પ્રવૃત્તિઓને કારણે પણ અમારો સંબંધ વિકસ્યો. હજી પણ મહિને બે મહિને અમારી બ્રેકફાસ્ટ કે લંચ મિટિંગ થાય અને વર્તમાન પોલીટીક્સના બનાવો વિષે વાતચીતો થાય.

કમ્પ્ટ્રોલર જનરલ આવે ને જાય અને જીએઓનું મિશન ભલે બદલાય, પણ જીએઓમાં ઓડીટરોનું રાજ્ય ચાલે. એમની ત્યાં બહુમતિ હતી. વરસોથી પોતાની જમાત જમાવીને એ બેસી ગયેલા.  ઉચ્ચ કક્ષાની પોજીશનો એ લોકોના કબજામાં. એ જ બધા નક્કી કરતા કે કોને પ્રમોશન આપવું અને કોને નહીં. આ બાબતમાં એમણે મને એમનો પરચો બતાડ્યો. કોંગ્રેસમાં અને બીજે બધે મારા કામની પ્રશંસા થતી હોવા છતાં એ લોકો મને વધુ પ્રમોશન આપવા રાજી ન હતા.  એમને મતે  હું હજી હમણા જ યુનિવર્સિટીમાંથી આવ્યો હતો, અને ભલે મારી પાસે એકાઉન્ટીન્ગ અને ટેક્સેશનની એક્સપર્ટીસ હોય, પણ શું હું ત્યાંના મોટા સ્ટાફને મેનેજ કરી શકવાનો હતો?  ખાસ તો જીએઓના ઓડીટરોને મેનેજ અને સુપરવાઈઝ કરી શકું ખરો કે? વધુમાં પ્રોફેસરોને એ લોકો વેદિયા ગણતા.  ભલે પ્રોફેસરો એમની ઓફિસમાં બેસીને રીપોર્ટ લખે, પણ મેનેજમેન્ટ અને સુપરવિઝનમાં એમને શું ખબર પડે?  મારા જેવા જે હજી હમણાં જ જીએઓમાં દાખલ થયા તે આગળ વધે એ વરસોથી ત્યાં બેઠેલા લોકોને કેમ ગમે? આ કારણે મને જીએઓમાં જોઈતું હતું તેવું ઉચ્ચ કક્ષાનું પ્રમોશન ન જ મળ્યું.

મેં જીએઓમાં વીસ વરસ (1977-1997) કામ કર્યું. જીએઓનાં આ વીસ વરસ કશા ઘર્ષણ વગર સરળ રીતે ગયાં એમ તો કેમ કહેવાય?  પ્રમોશનની બાબતમાં મને જે અન્યાય થઈ રહ્યો હતો તે મારાથી સહન નહોતું થતું. અને આખરે મેં જીએઓ છોડવાનું નક્કી કર્યું.  છતાં જીએઓમાં મને રાષ્ટ્રીય કક્ષાનું અગત્યનું કામ કરવાની જે તક મળી હતી તે માટે એ એજન્સીનો હું બહુ ઋણી છું.  મારી પ્રોફેશનલ કારકિર્દીમાં આ અગત્યનો સમય હતો.  આ વરસોમાં મેં આ દેશના મોટા ધંધાઓના અર્થશાસ્ત્ર અને ટેક્સેશનનો અભ્યાસ કર્યો, એને માટે માત્ર કોંગ્રેસમાં જ નહીં, પણ ન્યૂ જર્સી અને હવાઈ જેવા કેટલાંક રાજ્યોની લેજીસ્લેટીવ અસેમ્બ્લીમાં જઈને ટેસ્ટીમની આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સિઝમાં પ્રેજન્ટેશન કર્યા, અગત્યના કોંગ્રેસમેન અને સેનેટરો અને સ્ટેટ લેજીસ્લેટરોને બ્રીફ કર્યા, એમને મળવાનું થયું.

આ વરસો દરમિયાન અહીંની વિખ્યાત ટેક્સ એજન્સી અઈઆરેસની કાર્યવાહીનાં અમુક પાસાંનું ઓડીટ કરવાનું પણ થયું.  જીએઓનું કામ હમ્મેશ ટીમ વર્ક દ્વારા થાય છે.  શરૂઆતથી જ હું મારી પીએચ.ડી.ની ડીગ્રીને કારણે ઊંચા ગ્રેડમાં જોડાયેલો એટલે મને હંમેશ ટીમ લીડર બનાવાતો.  આમ મને જતાંવેંત જ પાંચથી દસ જેટલા એક્સપર્ટસની ટીમનું નેતૃત્વ કરવા મળ્યું.  અમેરિકનોને મેનેજ કરવાનો મારો આ પહેલો અનુભવ હતો.  એ કરતાં મારો આત્મવિશ્વાસ વધ્યો.  આ અનુભવ મને ભવિષ્યમાં ખુબ ઉપયોગી નીવડ્યો.  સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે વોશીન્ગ્ટનના ટેક્સ સર્કલમાં મારું નામ જાણીતું થયું. આ કારણે જયારે વોશીન્ગ્ટન ડી.સી. (ડીસ્ટ્રીક ઓફ કોલમ્બિયા)માં ટેક્ષ કમિશ્નરની જરૂર પડી ત્યારે મને એ હોદ્દો સંભાળવાનું આમંત્રણ મળ્યું.

 

1 thought on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૦-આખરે જીએઓ છોડ્યું

  1. મેં ભારતમાં, કોમ્પ્ટ્રોલર ઓફ એકાઉન્ટ્સ એન્ડ ઓડીટર જનરલની , ગુજરાત સ્ટેટ માટેને એકાઉન્ટન્ટ જનરલની અમદાવાદ ઓફીસમાં ઓડીટર તરીકે ૨૬ વર્ષ કામ કર્યું છે. કોમર્શિયલ સાઈડમાં મોટાભાગે વિવિધ કંપની/કોર્પોરેશન્સના હિસાબો ઓડીટ કર્યા છે. ગુજરાત ઇલેક્ટ્રીસીટી બોર્ડ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત મિનરલ ડેવેલોપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત ફર્ટીલાઈઝર, ગુજરાત ફાઇનાન્સ કોર્પોરેશન, ગુજરાત ્સ્ટેટ ટેક્ષ્ટાઇલ કોર્પોરેશન જેવી સંસ્થાઓના હિસાબો ઓડીટ કર્યા છે.
    કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મારા આ બેકગ્રાઉન્ડને કારણે મને શ્રી. નટવરભાઇના આ લેખો કેટલા બધા ગમે !
    એક નવી જ દુનિયા જોવા મળી.
    નવીન બેન્કર ( હ્યુસ્ટોનિયન)

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s