અરીસો (યામિની વ્યાસ, શામળ ભટ્ટ અને અનિલ ચાવડા)


(સુરતના સાંસ્કૃતિક જગતમાં ખૂબ જ જાણીતા કવિયત્રી યામિની વ્યાસની “અરીસો” શીર્ષક ધરાવતી સંવેદના જગાડતી આ કવિતા મને બહુ ગમી ગઈ એટલે આંગણાંના મુલાકાતીઓ સાથે share કરૂં છું.)

અરીસો

બાનો શૉક ઉતારતાં

તેરમે દિવસે શુભનાં ચાંદલાં થયાં,

હું ઘરની મોટી વહુ,

મારા કપાળ પર પણ થયો, સ્હેજ મોટો,

બાના કપાળ પર શોભતો એવો જ,

ગમ્યો, રહેવા દીધો.

આરતી પ્રગટાવી, ઉજાસ ફેલાયો,

આવો ઉજાસ તો બાના ચહેરા પર છેલ્લે સુધી હતો.

હાથ દુપટ્ટા પર ગયો,

હળવેકથી માથે ઓઢ્યો,

બા સાડલો ઓઢતાં, એ યાદ આવ્યું.

મારા મુખ પર પ્રસન્નતા આવી,

બાના મુખ પર તો કાયમ રહેતી.

આરતી પૂરી કરી દેવસ્થાનમાં આશ્કા આપી,

બાજુમાં જ બાનો ફોટો હતો ત્યાં આપવા ગઈ,

પણ..

ફોટો ક્યાં?

આ તો અરીસો….

(યામિની વ્યાસ)

(આજે જ અચાનક મને એમ મિત્રે ઈ-મેઈલથી શામળ ભટ્ટની એક ઉખાણા જેવી કવિતા અને જાણીતા કવિ શ્રી અનિલ ચાવડાએ કરેલો ઉખાણાનો ઉકેલ મોકલ્યા. આનો વિષય પણ “અરીસો” જ હોવાથી એ પણ તમારી સાથે share  કરૂં છું)

ઉખાણાંમાં અરીસો

સરસ સરોવર એક, ભર્યું છે નિર્મળ નીરે,

પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે.

તે સર સમીપ જાય, બૂડે જન જોતાં ઝાઝા,

દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા.

કવિ શામળ કહે કારમું, હોંશીજનને હિત હશે,

સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.

– શામળ ભટ્ટ

કવિતા ઉખાણાં સ્વરૂપે છે. આપણે મગજ કસીને નક્કી કરાવનું છે કે એ ઉખાણું શેનું છે? કવિએ તો વાત કરી દીધી કે એક સરસ સરોવર છે, તેમાં નિર્મળ નીર ભર્યું છે, પણ એ નીર કોઈ પી શકતું નથી. એ સરોવરને આરે આવીને કોઈ હંસ પણ બેસતા નથી. કોઈ પંખી પણ આવતાં નથી એવું કહીને કવિએ જિજ્ઞાસા જગાવી છે. વળી આ સરોવરમાં અનેક લોકો ડૂબી ગયા છે એવું કહીને રહસ્ય પણ ઊભું કર્યું છે.

આ ઉખાણું અરીસા વિશેનું છે. અરીસો નિર્મળ અને સ્વચ્છ સરોવર જેવો હોય છે. તે સરોવરનો આભાસ ઊભો કરે છે. આપણે ત્યાં કવિતામાં અરીસાને સરોવર જેવો કે સરોવરને અરીસા જેવું ઘણી વાર કહેવામાં પણ આવ્યું છે, પણ અરીસારૂપી સરોવરનું પાણી કોઈ પી થોડું શકે? તેના કિનારે કોઈ પંખી ઓછાં બેસવાં આવે? વળી અરીસામાં જોઈને પોતાના રૂપની પાછળ ઘેલા થનારા આપણે ત્યાં ક્યાં ઓછા છે! સરોવરમાં ડૂબવાની વાત અરીસામાં જોઈને પોતાની જ પાછળ ઘેલા થવાની છે. પોતાના જ પ્રેમમાં પડવાની વાત તો ઘણી જૂની છે. હજારો વર્ષ પહેલાં નાર્સિયસ નામનો એક માણસ હતો. તે ખૂબ જ રૂપાળો હતો. પણ તે વખતે અરીસાની શોધ નહોતી થઈ. તેણે પોતાને ક્યારેય જોયો નહોતો. તેને જોઈને ઇકો નામની એક સુંદર યુવતી તેના પ્રેમમાં પડી હતી. પણ નાર્સિયસે તેને ઠુકરાવી દીધી, ધીરે ધીરે તે દુબળી પડતી ગઈ, એ હદે દુબળી પડી ગઈ કે તેનું શરીર સાવ જતું રહ્યું, માત્ર તેનો અવાજ જ બચ્યો. કદાચ આજે અવાજ માટે ઇકોસાઉન્ડ શબ્દ વપરાય છે, તે ત્યાંથી આવ્યો હોય તો નવાઈ નહીં! આ નાર્સિયસ એક દિવસ એક શાંત સરોવરમાં પાણી પીવા માટે ઉતર્યો. સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પોતાના જ પ્રેમમાં પડી ગયો. તે ચુંબન કરવા ગયો, ત્યાં તેનું પાણીમાં રહેલું પ્રતિબિંબ વમળોમાં વિખરાઈ ગયું. આવું વારંવાર થયું. તે ન પાણી પી શક્યો કે ન પોતાના પ્રતિબિંબને ચૂમી શક્યો. આખરે તરસને લીધે તેનું મૃત્યુ થયું. અરીસો પણ આપણને આપણા પ્રેમમાં પાડે છે, તેના આ ભેદી જાદુથી બચવા જેવું ખરું. પરંતુ આ ઉખાણાને અંતે કવિ ‘સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.’ એવું કહી પતિ પાસે અરીસો મગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળે છે તેવો પણ સંકેત કરે છે.

(અનિલ ચાવડા)

6 thoughts on “અરીસો (યામિની વ્યાસ, શામળ ભટ્ટ અને અનિલ ચાવડા)

 1. યામિનીબેનની કવિતા સુન્દરમ ની જાણીતી કવિતા ” બા નો ફોટોગ્રાફ ” ની યાદ અપાવી ગઈ .
  આ રહી એ સુન્દરમ ની સુંદર કવિતા …

  બાનો ફોટોગ્રાફ
  અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
  ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા

  ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરશી પરે
  બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી

  ‘જરા આ પગ લંબાવો ડોક આમ ટટાર બા’
  કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે

  સાળુને કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
  ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં

  ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
  પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા

  શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી
  લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી

  ઢાંકણું ખોલતાં પહેલાં સૂચના આમ આપતો
  અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો

  ‘જોજો બા સ્થિર હ્યાં સામું ક્ષોભ ને શોક વિસ્મરી
  ઘરમાં જેમ બેઠાં હો હસતાં સુખડાં સ્મરી

  આછેરું હસજો ને બા પાંપણો પલકે નહિ
  રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં’

  અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો
  જૂઠડાં વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો

  હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું
  જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બા તણી

  યૌવને વિધવા પેટે બાળકે કંઈ સાસરે
  સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી

  વૈંતરું ઘર આખાનું કરીને દિન ગાળતી
  પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી

  બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી
  એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં

  ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યાં
  સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું

  અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં
  એહના મનને રાજી રાખવા મથતાં બધાં

  આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી
  પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા

  બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા બાગ મ્હેલ કૈં
  સિનેમા નાટકો કૈં કૈં ગાડીઘોડે ઘુમાવી ને

  અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે
  અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા

  અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં
  અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા

  પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે બધા
  વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા

  પડા’વા બેઠી ત્યાં ફોટો ફોટોગ્રાફર ત્યાં ઊભો
  અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો

  અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં
  બોર શું આંસુ એકેક બાને નેત્રે ઠર્યું તહીં

  ચિડાયો ચિત્ર લેનારો ‘બગડી પ્લેટ માહરી’
  પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ હરિ!
  -સુન્દરમ્

  Liked by 1 person

 2. ધન્યવાદ મા દાવડાજી
  ૮ માર્ચ , ૨૦૧૮ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતી સાહિત્ય જગતના આંગણામાં ડૉક્ટર ઉષાબહેન ઉપાધ્યાયે જૂઇનો માંડવો રોપ્યો અને અસંખ્ય જૂઈ મહેકી ઊઠી.આ ‘જૂઈ મેળો’ની સુગંધ ધીરે ધીરે વિસ્તરતી રહી છે.
  ‌જૂઈ મેળાની કેટલીક કળીઓ કવિતાને શ્વાસમાં ભરી કુદરતની સફરે નીકળી. જેમાં સૌથી પહેલાં નંદિગ્રામમાં પ્રિય અને આદરણીય કુન્દનિકા કાપડિયા-ઈશામા ના સાનિધ્યમાં કવિતાના શ્રી ગણેશ કર્યા.ત્યાં આ રચના પ્રગટી…
  ત્યાર બાદ કાવ્યમય બીજ વેરતાં વેરતાં સપ્તર્પણી જૂઈનું ઝૂમખું સાપુતારા પહોંચ્યું.ત્યાં ભારતીય કવિતા,વિશ્વ કવિતા અને સાહિત્ય વિશે ઉષાબહેને વિસ્તૃત સમજ આપી.
  ‌કાવ્યની રચનાપ્રક્રિયા અને કાવ્ય પ્રયુક્તિઓ વિશે ઉષાબહેન સાથે જે સંવાદ થયો એનાથી અમને સૌને એમ થયું કે આવું કોઈએ અત્યાર સુધી સમજાવ્યું ન હતું. આ સમજણની ફલશ્રુતિ રૂપે સર્જાયેલી એક કવિતા ‘જૂઈ મેળા’ને અર્પણ
  Aa. Dr. Usha Upadhyay
  Laxmi Dobariya
  Parul Barot
  Gopali Buch
  Bhargavi Pandya
  Parul Khakhar

  સાપુતારામાં

  સહેલી ચાલ જઈએ જૂઈમેળે સાપુતારામાં,
  તું જો, સૌંદર્ય કેવું એ વિખેરે સાપુતારામાં.

  સતત આકાશથી વરસે છે ખુલ્લે આમ પંક્તિઓ,
  કવિતાઓ જડે છે આપમેળે સાપુતારામાં.

  પલાંઠી વાળ ના, છુટ્ટી મૂકી દે જાતને અળગી,
  સમાધિ લાગશે પહેલા જ ફેરે સાપુતારામાં.

  ઉદય કે અસ્તનો ના ફર્ક કંઈ દેખાય ધૂમ્મસમાં,
  સફર તેં આદરી ના જાય એળે સાપુતારામાં.

  કલમ,કાગળ લઈને સાત સહિયર શોધમાં નીકળી,
  પછી તો ધોધ ડગલે પગલે ભેટે સાપુતારામાં.

  ઘણે ઊંચે ગયા ‘તા ડુંગરાની ટોચ પર તો પણ,
  શબદ આ સ્થળની સીમાઓ ઠેકે સાપુતારામાં.

  તને તો એમ છે કે તું અહીં આવી લખે છે,પણ,
  સમજ સાધીને મન અણગમતું છેકે સાપુતારામાં.

  વહેવું એટલે શું? એમ પૂછી જોયું ઝરણાને,
  કહ્યું ઉત્તરમાં ‘તારી આંખ’ એણે સાપુતારામાં.

  યામિની વ્યાસ જૂઈ મેળો કાર્યશાળા.. 1

  Liked by 1 person

 3. Rajul Kaushik
  3:34 PM (2 hours ago)
  to me
  ગુજરાતી સાહિત્ય જગતના આંગણામાં ડૉક્ટર ઉષાબહેન ઉપાધ્યાયે જે જૂઇનો માંડવો રોપ્યો છે અને અસંખ્ય જૂઈ મહેકી ઊઠી.આ ‘જૂઈ મેળો’ની સુગંધ ધીરે ધીરે વિસ્તરતી રહી છે અને વિસ્તરતી રહેશે એવી શુભકામના.

  ખરેખર આ ખુબ સરાહનીય શરૂઆત કહેવાય. આ માટે ઉષાબેનને અભિનંદન.
  ફલશ્રુતિરૂપે મુકાયેલી કાવ્ય રચના ખુબ સુંદર છે. સર્જકને પણ અભિનંદન.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s