જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૧-છબિકાર (શ્રી બાબુ સુથાર)


જ્યોતિ ભટ્ટ-છબિકાર

જ્યોતિભાઈ ચિત્રકાર છે, પ્રિન્ટ મેકર પણ છે અને વિખ્યાત છબિકાર પણ છે. સરેરાશ વાચકોને કદાચ ખ્યાલ નહીં હોય પણ છબિકળા પણ એક પ્રકારની કળા છે. એના પણ કેટલાક સિદ્ધાન્તો છે. હવે તો છબિકળા ફિલસૂફીનો પણ વિષય બની ગઈ છે. જગતના ઘણા ટોચના ફિલસૂફોએ છબિકળાની ફિલસૂફી પર લખ્યું છે. મારો રસનો વિષય પણ, યોગાનુયોગ, છબિકળાની ફિલસૂફી છે.

          ભારતીય છબિકળાને કળા સ્તર પર લઈ જવા માટે જે મહાનુભાવોએ પ્રયત્નો કર્યા છે એમાં જ્યોતિભાઈનું નામ મોખરે છે. એમણે વડોદરામાં જ Center of Photography શરૂ કરેલું અને એના એક ભાગ રૂપે એમણે હજારો ફોટોગ્રાફ લીધા છે. એમાંના ઘણા બધા ફોટોગ્રાફ જાહેર પ્રદર્શનોમાં મૂકાયા છે. એમના અભ્યાસ પણ થયા છે. કળાની જેમ જ ફોટોગ્રાફી પણ ખૂબ જ અઘરો અને સંકુલ વિષય છે. છબિ માત્ર એક બાજુ દસ્તાવેજ પણ હોઈ શકે અને બીજી બાજુ કશાકની archive પણ હોઈ શકે.

જ્યોતિભાઈએ ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં ફરીને ખાસ કરીને ગ્રામિણ જીવનની છબિઓ લીધી છે. આધુનિકતાના દબાણ અને હવે તો મુક્તઅર્થતંત્રના દબાણના કારણે ગ્રામિણ જીવનનાં visual સ્વરૂપો ઝડપથી બદલાઈ રહ્યાં છે અને બદલાઈ ગયાં છે. જ્યોતિભાઈએ એમાંના ઘણાં visual સ્વરૂપોને હજારો છબિઓમાં ઝડપ્યાં છે. એ છબિઓ, મેં કહ્યું એમ, એક બાજુ દસ્તાવેજ પણ બને છે તો બીજી બાજુ જે તે સંસ્કૃતિની archive પણ બને છે. મને લાગે છે કે કોઈકે આ બધી છબિઓનો અભ્યાસ કરી જ્યોતિભાઈએ ભારતીય છબિકળામાં કરેલા મહત્ત્વના પ્રદાનને આપણી સમક્ષ મૂકવું જોઈએ.

પહેલી નજરે સાવ સરળ લાગતી આ છબીમાં છબિકારે એક અદ્‌ભૂત વાસ્તવવાદી ક્ષણ પકડી છે. અહીં એક જ કુટુંબના લાગતા ત્રણ સભ્યો ગુજરીમાં કશુંક ખરીદવા ઊભા છે. ડાબે બાળક છે, વચ્ચે સ્ત્રી અને જમણે પુરુષ. છબિકારે અહીં એક પણ વ્યક્તિનો ચહેરો બતાવ્યો નથી. બધાંની પીઠ બતાવી છે. એને કારણે આ છબિ કોઈ એક કુટુંબની કે કોઈક ત્રણ સભ્યોની છબિ બનતાં રહી જાય છે. છબિકળામાં આ પ્રકારનું સામાન્યીકરણ સાધવાનું કામ જરા મુશ્કેલ હોય છે. છબિકારે એમનો કેમેરા થોડો હાઈ એંગલ પર રાખ્યો છે. યાદ રાખો કે આ છબિ સ્ટુડીયોમાં પાડવામાં નથી આવી. જો સ્ટુડીઓમાં પાડવામાં આવે તો છબિના વિષય પર છબિકાર થોડોક અંકુશ રાખી શકે. અહીં જ્યોતિભાઈએ એક જ ક્ષણમાં એક સામટા અનેક નિર્ણયો લેવા પડ્યા હશે. છબિ પાડવાનો નિર્ણય, કેમેરા એના વિષયથી કેટલો દૂર રાખવો, કયા એંગલ પર રાખવો એનો નિર્ણય અને કેમેરા ક્લિક કરવાનો નિર્ણય. આ છબિ સ્થળ અને કાળને પણ અતિક્રમે છે. કેમ કે છબિની અંદર એવું કશું નથી જે આપણને છબિ લીધાનો સમય બતાવે. એ જ રીતે, છબિની અંદર એવું પણ કશું નથી કે જે સ્થળ વિશેષનો નિર્દેશ કરે. અહીં ગુજરી છે. પણ જેણે ગુજરી જોઈ હોઈ એ જ માણસ અહીં ગુજરી જોઈ શકશે. નહીં તો એ આ સ્થળને બજાર તરીકે જ જોશે. જો કે, ગુજરી પણ આમ જુઓ તો એક બજાર જ હોય છે. મને વેપારી અને ગ્રાહકોને કાપની આડી લાઈન ખૂબ ગમી ગઈ છે. એ લાઈન આ છબિને બે પરસ્પર વિરોધી એવા જગતમાં વહેંચી નાખે છે: વેપારી વિરુદ્ધ ગ્રાહક. ફૂટપાથ વિરુદ્ધ જાહેર માર્ગ. વગેરે. ફૂટપાથ પર નબા દાણાના ઢગલા અને હાથા વગરની કુહાડીઓ પર પણ આપણી નજર જાય જ. ત્રણેય સભ્યોના પગ ઉઘાડા છે. ત્રણેય relaxed ઊભાં છે. એક પણ પગમાં જૂતાં નથી. ત્રણેયનાં વસ્ત્રો ફાટેલાં. આ વસ્ત્રોનું સંકેતવિજ્ઞાન સમજવા જેવું છે. એ આ ત્રણેય સભ્યોના ડીલને ઢાંકવાનું કામ કરે છે પણ એની સાથોસાથ એ એમની સામાજિક, આર્થિક પરિસ્થિતિને ઊઘાડી પાડવાનું પણ કામ કરે છે. છબિકાર માટે દરેક પરિસ્થિતિ અનેક states of affairની બનેલી હોય છે. એમાંની કોઈ એક affairને આ રીતે પ્રગટ કરવાનું કામ સાચે જ મુશ્કેલ હોય છે. જ્યોતિભાઈ અહીં કોઈ પણ પ્રકારના લાગણીવેડામાં તણાયા નથી. અહીં ગરીબાઈનું દસ્તાવેજીકરણ નથી. એ પણ આ છબિનું એક જમા પાસું છે.

આ સ્ટુડીઓમાં લીધેલી છબિ છે. પણ ફોટોસ્ટુડીઓમાં નહીં, આર્ટ સ્ટુડીયોમાં. ચિત્રકાર એમ. એફ. હુસેન એમના એક ચિત્ર પાસે ઊભા છે અને જેમ પરંપરાગત છબિમાં બને છે એમ અહીં એ પણ કેમેરાની સામે, અર્થાત્ જ્યોતિ ભટ્ટની સામે, ઊભા છે. એ જાણે કે કેમેરાની ચાંપ દબાય એની રાહ ન જોતા હોય. હુસેન બિલકુલ relaxed મૂડમાં ઊભા છે. કોઈને કદાચ over reading લાગશે પણ હુસેન જે ચિત્રની આગળ ઊભા રહેલા છે એ ચિત્રમાં પણ બે images છે. બન્ને સ્ત્રીઓની. બન્ને ચિત્રની ફ્રેમની બહાર જોઈ રહી છે. જ્યોતિભાઈને હુસેન સાથે ગાઢ મિત્રતા હતી. આ પ્રકારની છબિઓ એ મૈત્રીનું પ્રતિબિંબ પણ બની રહેતી હોય છે. કેમરા અહીં કેવળ છબિ પાડવાનું યંત્ર નથી બનતો. મૈત્રીના અનુભવનું એક માધ્યમ બની રહે છે.

1 thought on “જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૧-છબિકાર (શ્રી બાબુ સુથાર)

  1. જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૧-છબિકાર ની ખૂબી મા શ્રી બાબુ સુથારની દ્રુષ્ટિથી માણી
    સાચુ કહ્યું છે-‘જ્યોતિભાઈ અહીં કોઈ પણ પ્રકારના લાગણીવેડામાં તણાયા નથી. અહીં ગરીબાઈનું દસ્તાવેજીકરણ નથી. એ પણ આ છબિનું એક જમા પાસું છે.’ અને ‘છબિ પાડવાનું યંત્ર નથી બનતો. મૈત્રીના અનુભવનું એક માધ્યમ બની રહે છે.’ આનંદની અનુભૂતિ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s