એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૧-વોશીન્ગ્ટન ડી.સી.નું સ્પેશ્યલ સ્ટેટસ


વોશીન્ગ્ટન ડી.સી.નું સ્પેશ્યલ સ્ટેટસ

મુંબઈમાં મને અમેરિકા વિષે એવું કુતૂહલ હતું કે જે કોઈ અમેરિકાથી દેશમાં આવ્યું હોય–માત્ર ફરવા માટે કે હંમેશ સેટલ થવા માટે–તેને મળવા યેન કેન પ્રકારેણ હું  પહોંચી જતો.  એવી રીતે તાજા જ અમેરિકાથી ભણીને આવેલા એક ભાઈને હું મળવા ગયો.  એના ડેસ્ક ઉપરના આખાયે કાચના કવરને આવરી લેતો અમેરિકાનો મોટો મેપ મેં જોયો.  એમાં અમેરિકાના પચાસે પચાસે સ્ટેટ હતા.  મેપની  નોર્થ વેસ્ટ દિશામાં મેં વોશીન્ગ્ટન જોયું, અને મારાથી બોલાઈ ગયું:  આ કેવું?  દેશની રાજધાની એક ખૂણે કેમ? એમણે મને સમજાવ્યું કે એ વોશીન્ગ્ટન તો અમેરિકાના પચાસ રાજ્યમાંનું એક રાજ્ય છે. એની રાજધાનીવાળું વોશીન્ગ્ટન તો અહીં ઇસ્ટમાં છે, અને એ પછી મેપમાં બતાડ્યું. એમણે મને સમજાવ્યું કે દેશની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે મૂળમાં માત્ર 13 જ રાજ્યો હતાં અને રાજધાની લગભગ વચમાં હતી.  આ મારો રાજધાની વોશીન્ગ્ટનનો પહેલો પરિચય.  ત્યારે અમેરિકા જવું એ એક મધુરું શમણું હતું તો પછી એની રાજધાની વોશીન્ગ્ટનનો હું ભવિષ્યમાં એક દિવસ ટેક્ષ કમિશ્નર અને પછીથી ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર થઈશ એવી તો કલ્પના પણ કેમ થાય?

જેમ ઇન્ગ્લંડની રાજકીય, નાણાંકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એની રાજધાની લંડનમાં કેન્દ્રિત થઈ અને લંડન દુનિયા આખીનું એક મહાનગર થયું, તેવું અમેરિકામાં ન થાય એ માટે દેશના સંસ્થાપકોએ પહેલેથી નક્કી કરેલું.  રાજધાની તરીકે જ્યારે વોશીન્ગ્ટનની સ્થાપના થઈ ત્યારે એને મુખ્યત્વે પોલીટીકલ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવવાની ધારણા હતી. 1960 સુધી વોશીન્ગ્ટન એક સરકારી ગામ તરીકે ઓળખાતું. એક વિશ્વ સત્તાની રાજધાનીને અનુરૂપ વિખ્યાત રેસ્ટોરાં, નેશનલ થિયેટર, નેશનલ સિમ્ફની, નેશનલ બેલે, પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર વગેરે એન્ટરટેઈનમેન્ટનાં પ્રસાધનોના અભાવને લીધે વોશીન્ગ્ટન “sleepy southern town” તરીકે પણ વગોવાતું. વધુમાં એ એક નાનું શહેર જ રહે એવી પણ યોજના હતી.  તેથી ત્યાં મહાનગર ન્યૂ યોર્કમાં છે એવી ઊંચી ઊંચી આભે પહોંચતી ઈમારતો–સ્કાય સ્ક્રેપર્સ ન બંધાય એ માટે હાઈટ લીમિટેશન મુકાયું.  ઐતિહાસિક અને ભૌગોલિક કારણોસર પણ ન્યૂ યોર્ક જ દેશની નાણાંકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું.

પ્રસ્તાવમાં અગાઉ કહ્યું છે તેમ અમેરિકાની રાજધાની વોશીન્ગ્ટન એ એક સ્પેશિયલ ડીસ્ટ્રીક છે.  એનું બજેટ (13 બિલીયન ડોલર જેટલું) અને વસતી (700,000) અમેરિકાનાં  કેટલાંક રાજ્યો (જેવાં કે વાયોમીંગ અને વરમોન્ટ) કરતાં વધુ, છતાં એની ગણતરી દેશનાં  પચાસ રાજ્યોમાં ન થાય.  એ એક રાજ્ય નથી, પણ સ્પેશિયલ  ડીસ્ટ્રીક છે એને કારણે અમેરિકાના બંધારણ મુજબ રાજ્ય તરીકેના કોઈ પણ હક, ફાયદાઓ કે લાભ એને ન મળે.  જેમ કે એના નાગરિકોને અમેરિકાની ધારાસભા એટલે કે કોંગ્રેસ–હાઉસ ઓફ રેપ્રેજેન્ટેટીવ્સ અને સેનેટમાં, પોતાના આગવા પ્રતિનિધિ મોકલવાનો હક્ક નહીં, જ્યારે પચાસે પચાસ રાજ્ય બે સેનેટર અને એની વસતી મુજબ કોંગ્રેસમેન મોકલે. ડીસ્ટ્રીકના નાગરિકો અમેરિકાના બધા ટેક્સ ભરે, છતાં એમને મતદાન આપવાનો અધિકાર નહીં!

આ રીતે જે સિદ્ધાંત અમેરિકાના પાયામાં છે–No taxation without representation–તેનો જ ભંગ એની રાજધાનીમાં થાય છે.  બાવીસ રાજ્યો કરતાં  ડીસ્ટ્રીક વધુ ફેડરલ ટેક્સ ભલે ભરે, પણ એના નાગરિકોનું સાવકી મા સંતાનોની અવગણના કરે એવું થયું.  એના નાગરિકો દેશના બધા કાયદાઓનું પાલન કરે અને દેશ પ્રત્યેની  બધી ફરજ બજાવે જેમ કે એના જુવાનો લશ્કરમાં જોડાઈને લડાઈમાં જાતનું બલિદાન આપે, છતાં દેશના કાયદા ઘડવામાં ડીસ્ટ્રીકનો કોઈ હાથ નહીં.  ઘા પર મીઠું ભભરાવાતું હોય એમ કોંગ્રેસ ડીસ્ટ્રીક પર રાજ કરે. ડીસ્ટ્રીકનો કેમ વ્યવહાર કરવો, એના કાયદાઓ કેમ ઘડવા, ક્યાં ક્યાં અને કયા કયા ટેક્સ લાદવા, એના ઉચ્ચ અધિકારીઓ તરીકે કોને નીમવા એ બધું એ કોન્ગ્રેશનલ કમિટી નક્કી કરે.  મૂળમાં અમેરિકાના બીજા નાગરિકોને સ્વરાજ્યના જે મૂળભૂત અધિકારો છે તે વોશીન્ગ્ટનમાં વસતા લોકોને નહીં.

સ્વરાજ્યના અભાવની આ કડવી વાત કાળા ધોળાના ભેદભાવથી વધુ ગૂંચવાઈ ગઈ.  1960 અને 1970 ના દાયકાઓમાં વોશીન્ગ્ટનની વસ્તી 70 ટકા જેટલી કાળી પ્રજાની હતી.  વોશીન્ગ્ટન “chocolate city” તરીકે ઓળખાતું.  કાળી પ્રજાનું કહેવું એ હતું કે આ સ્વરાજ્યના અભાવનો અન્યાય એ કારણે જ શક્ય બન્યો છે.  ધારો કે વોશીન્ગ્ટનની આવડી બહુમતિ જો ધોળા લોકોની હોત તો એમનો મતદાનનો અધિકાર, કે સ્વરાજ ચલાવવાનો અધિકાર ઝૂંટવી ન લેવાત.  જેમ જેમ આ ઊહાપોહ વધવા માંડ્યો તેમ તેમ કોંગ્રેસે વોશીન્ગ્ટના નાગરિકોને મર્યાદિત સ્વરાજ્ય (limited home-rule) કટકે કટકે આપવાનું શરૂ કર્યું.  1965 પછી વોશીન્ગ્ટનના નાગરિકોને મર્યાદિત મતદાનના અધિકાર મળ્યા.  આ મર્યાદિત મતદાન દ્વારા શહેરનો વ્યવહાર કરવા માટે સ્કુલ બોર્ડ અને પછી મેયર અને લેજીસ્લેટીવ કાઉન્સિલના 13 મેમ્બર્સ ચૂંટવાનું શક્ય બન્યું.  છતાં રાજધાનીનો આખરી કબજો તો કોંગ્રેસે પોતાના હાથમાં જ રાખ્યો. કોંગ્રેસમાં જે પ્રતિનિધિત્વ મળ્યું તે નામનું જ, ડીસ્ટ્રીકનો પ્રતિનિધિ ભલે કોંગ્રેસમાં બેસે પણ એને ત્યાં મતદાન કરવાનો અધિકાર નહીં!

કાળાઓની મોટી બહુમતિ હોવાને કારણે વોશીન્ગ્ટનના અત્યાર સુધીના બધા જ મેયર કાળા રહ્યા છે.   આમાં મેરિયન બેરી (1936-2014) નામનો એક મેયર તો ચાર વાર (1979, 1983, 1987, 1995) ચુંટાયો, અને છેલ્લી વાર તો જેલમાં જઈ આવ્યા પછી પણ!  વોશીન્ગ્ટનની કાઉન્સિલ (1975-79,1993-95, 2006-14) માં ત્રણ વાર ચુંટાયો.   બેરીએ અમેરિકાની 1960 પછીની જે સિવિલ રાઈટ્સ મુવમેન્ટ થયેલી તેમાં એક સ્ટુડન્ટ ઓર્ગેનાઈજર તરીકે ભાગ ભજવેલો.

બેરી ગરીબીમાં ઉછર્યો, પણ ઠેઠ પીએચ.ડી. સુધી ભણ્યો. જો કે ડીગ્રી લેવાને બદલે એ સિવિલ રાઈટ્સ મુવમેન્ટમાં જોડાયો.  ભારે ગઠિયો, કંઈકને ઊંઠા ભણાવે, કોઈથી ગભરાય નહીં. દારૂ, ડ્રગ્સ, લાંચ રુશ્વત, એવું કરવામાં કાંઈ બાકી ન રાખે.  પોલિસને થાપ આપે, પકડાય નહીં.  અનેક લફરાં કરે, ચાર ચાર વાર પરણ્યો,  ઉપરથી સાઈડમાં કંઈક અફેર્સ ચાલુ હોય. આવી જ એક અફેર્સને કારણે વોશીન્ગ્ટનની જાણીતી હોટેલમાં એફ.બી.આઇ.એ એની ગર્લ ફ્રેન્ડની મદદ લઈને જે જાળ પાથરેલી–સ્ટીંગ–તેમાં એ ફસાયો.  ગેરકાયદેસરના ડ્રગ પજેશન અને યુજના ચાર્જ હેઠળ એના પર મોટો કેસ થયો. જેલમાં ગયો, પણ જેવો નીકળ્યો કે વળી પાછો કાઉન્સિલની ચૂંટણી લડ્યો, જીત્યો, એટલું જ નહીં મેયર તરીકે પણ ચૂંટાયો!

તે કોઈની શરમ કે શેહ ન રાખે.  પોલિસ સ્ટીંગમાં ગર્લ ફ્રેન્ડ સાથે ડ્રગ લેતાં એ પકડાયો તે એફ.બી.આઇ.ના છૂપા કેમેરામાં ઝડપાયું. એ બધું તુરત જ નેશનલ અને ઇન્ટરનેશનલ ટીવી ઉપર ન્યુજમાં આવ્યું.  એના દારૂ, ડ્રગ્સ, લાંચ રુશ્વત, અફેર્સ, જેલના ધમપછાડા વગેરે અનેક આડાઅવળાં લફરાં રોજ છાપે ચડે.  ટીવી ઉપર આવે. પણ એના પેટનું પાણી ન હલે.  એ બાબતની એના પર જાણે કોઈ અસર ન હોય એમ એ વર્તે.  પોતે જે કરતો હોય તે કર્યા કરે.  કાઉન્સિલની ટેક્સ કમિટીનો મેમ્બર હોય તો પણ પોતે ટેક્સ ન ભરે!  કેસ થાય તો પણ એની એના પર કોઈ અસર ન દેખાય. અનેક લફરાંઓથી છલકાતા એના જીવનની એક ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી હતી.  બીજું કોઈ માણસ હોય તો પોતાની આવી જિંદગીની ડોક્યુમેન્ટ્રી જોઈને શરમમાં ડૂબી જાય. પણ આ મર્દ માણસ તો એના વિમોચન સમયે હાજર! એને કોઈ શરમ જ નહી. એવી જ રીતે પોતે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી (sense of guilt) પણ ન અનુભવે.  એ જ્યારે જ્યારે કંઇક ખોટું કરતા પકડાય ત્યારે, એનો ધ્રુવ મંત્ર એક જ હોય:  આ બધું ગોરા લોકોનું કાવતરું છે.  કોઈ એક કાળો માણસ દેશની રાજધાનીનો મેયર થઈને બેઠો છે તે તેમને ગમતું નથી.  યેન કેન પ્રકારેણ મને કાઢવા માંગે છે.

દેશની રાજધાની અને અનેક આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓના કેન્દ્ર સમા વોશીન્ગ્ટનમાં બેરી જેવો ચારિત્ર્યહીન, લુચ્ચો અને ધુતારો માણસ મેયર થઈને બેઠો છે એ ગોરા લોકો માટે એક મોટું એમ્બરેસમેન્ટ હતું. એટલા માટે તો એફ.બી.આઇ.એ સ્ટીંગ વાપરી એને પકડ્યો, અને જેલમાં નાખ્યો.  પણ જો જેલમાંથી નીકળી ને વળી પાછો ચૂંટાઈ આવે તો શું કરો?  ગોરા લોકો તો ઠીક, પણ ભણેલા અને અગ્રગણ્ય કાળા લોકો માટે પણ બેરી એક સંકોચ અને શરમનો વિષય હતો.  એમનું કહેવું એમ હતું કે અમને બેરીની સાથે નહીં સરખાવો. પોતાનાં આડાઅવળાં અનેક પરાક્રમોથી બેરીએ કાળી પ્રજાની આબરૂ બગાડી.  પણ ગરીબ કાળી પ્રજામાં બેરીની લોકપ્રિયતા ખુબ.  એમને મત બેરી એક જ એવો કાળો પોલીટીશિયન છે કે જે ગોરા લોકોથી ગભરાતો નથી.  એટલું જ નહીં પણ ભલભલા ગોરાઓની સાથે શીંગડા ભરાવે છે.

બેરીએ ડીસ્ટ્રીકના રાજકારણને લાંચ રુશ્વતથી કલુષિત કર્યું. વધુમાં સીટીની બ્યુરોક્રસી તેમ જ કાઉન્સિલમાં પણ બેરીએ પોતાના જ માણસોને ઘુસાડ્યા. મારા સિટીના ટેન્યર દરમિયાન કેટલાક કાઉન્સિલ મેમ્બર્સ કાળાંધોળાં કરતાં પકડાયા. કેટલાકને તો જેલમાં જવું પડ્યું.  આમાંનો એક તો કાઉન્સિલ ચેરમેન હતો!  બેરીનાં વર્ષો દરમિયાન  સરકારી વ્યવહારમાં ગેરવ્યવસ્થા અને અંધાધૂધી ફેલાઈ. એક જમાનામાં લોકોને શહેર પાસેથી જે સર્વિસ અને રિસ્પોન્સ મળતા હતા ત્યાં હવે સરકારી કર્મચારીઓ તરફથી બેદરકારીભર્યું વર્તન દેખાતું હતું.  સામાન્ય પરમીટ કે લાયસન્સ લેવા માટે અથવા તો ટેક્સ રીફંડ મેળવવા માટે લાગવગ લગાડવી પડે.  મહિનાઓ સુધી રાહ જોવી પડે.  ગોરા લોકો માટે આ અસહ્ય થઈ પડ્યું.  એ મોટી સંખ્યામાં શહેર છોડી પરાઓમાં રહેવા ચાલી ગયા.  શહેરની વસ્તી 70 ટકા કાળી થઇ ગઈ.  ગોરા લોકો શહેરમાં માત્ર નોકરી ધંધા માટે આવે પણ રહે પરાઓમાં.

ગોરા લોકોના પરાઓમાં જવાને કારણે શહેરનો મિડલ ક્લાસ લગભગ ખલાસ થઇ ગયો. મિડલ ક્લાસના જવાથી શહેરનો ટેક્સ બેજ ઓછો થઈ ગયો.  જે લોકો શહેરમાં ટેક્સ ભરતા હતા તે હવે પરાઓમાં ટેક્સ ભરવા લાગ્યા. શહેરમાં બાકી રહ્યા મોટે ભાગે કાળા ગરીબ લોકો.  શહેરમાં એમની બહુમતિ ભલે, પણ એમની આવક નહિવત્. ટેક્સ ભરવાનું નામ નહીં. ઊલટાનું એમનું ભરણપોષણ કરવાની જવાબદારી શહેરની.  એમની બહુમતિથી બેરી અને બીજા કાળા પોલીટીશયન ચુંટાતા. એટલે એમના વેલ્ફેર બેનીફીટ્સમાં કાપ તો મુકાય નહીં.  વધુમાં બેરીએ આડેધડ લોકોને સરકારી નોકરી આપી સરકારનો ખર્ચ વધારી દીધો.  આ બધું પૂરું પાડવા ટેક્સ ડોલર્સની વધુ ને વધુ જરૂર પાડવા લાગી.  શહેરમાં બાકી રહેલા પૈસાદાર વર્ગ ઉપર ટેક્સ રેટ વધવા મંડ્યો. પરાંઓની સરખામણીમાં શહેરનો ટેક્સ રેટ વધુ થયો.  કંપનીઓના ટેક્સ પણ વધારી દેવાયા. હવે તો પૈસાદાર ટેક્સ પેયર્સ અને કંપનીઓ પણ શહેર છોડવાનો વિચાર કરવા મંડી.

જેમ જેમ ડીસ્ટ્રીકની ગરીબી વધતી ગઈ અને મિડલ ક્લાસ અને પૈસાદાર ટેક્સ પેયર્સ શહેર છોડવા મંડ્યા તેમ એના બજેટ ઉપરા ઉપરી ખાધ બતાડવા મંડયા. 1997માં હું જયારે ડીસ્ટ્રીકના ટેક્સ કમિશ્નર તરીકે જોડાણો ત્યારે તે પાંચસોએક મીલીયન ડોલરની ખાધમાં હતું. સિટીનો પે રોલ કેમ ચૂકવવો કે ગરીબોને વેલ્ફર પેમેન્ટ કેમ કરવું તેનો મોટો પ્રશ્ન થઈ ગયો.  આવી કથળેલી આર્થિક પરિસ્થિતિ જોઇને વોલ સ્ટ્રીટની રેટિંગ એજન્સીઓએ ડીસ્ટ્રીકનું રેટિંગ ઘટાડવા માંડ્યું.  છેવટે એનું બોન્ડ રેટિંગ “જન્ક” થયું.  હવે ડીસ્ટ્રીકને વોલ સ્ટ્રીટમાં બોન્ડ વેચવા હોય તો વ્યાજના દર બહુ આપવા પડે.  છેવટે તો મોંઘા વ્યાજ ભરવા તૈયાર થવા છતાં ડીસ્ટ્રીકના બોન્ડ વહેંચવાનું મુશ્કેલ થઈ પડ્યું.

બેરી અને સિટીના અન્ય પોલીટીશ્યનો માટે હવે મુદ્દાનો પ્રશ્ન એ થયો કે સીટી ચલાવવા માટે પૂરતી આવક ક્યાંથી લાવવી? સિટીને દર મહિને લગભગ પાંચસો મીલીયન ડોલરની ટેક્સની આવક જરૂરી હતી.  એટલી આવક જો ન હોય તો સીટી કેમ ચલાવવું?  પોલિસમેન, ફાયરમેન, ટીચર્સ અને અન્ય કર્મચારીઓને દર બે અઠવાડિયે પગાર કેમ ચૂકવવો?  વેલ્ફેર પેમેન્ટ કેમ કરવા?  નવા રસ્તાઓ કેમ બાંધવા? અને જુના રસ્તાઓમાં જે મોટાં ગાબડાંઓ પડ્યાં છે તેને કેમ પુરવા?  પૂરતા બજેટના અભાવે કથળી ગયેલા  પોલિસ તંત્રને કેમ એફીસીયન્ટ બનાવવું?  લોહિયાળ ગુનાખોરી એટલી વધી ગયેલી કે શહેરના અમુક વિસ્તારોમાં ધોળે દિવસે જવામાં જોખમ થઈ ગયું. વોશીન્ગ્ટનનો વાર્ષિક મર્ડરનો આંકડો 500 સુધી પહોંચ્યો અને એ “મર્ડર કેપિટલ” તરીકે ઓળખાવા લાગ્યું.  ડીસ્ટ્રીકની આર્થિક પરિસ્થિતિ અને અર્થતંત્ર એટલા તો બગડેલા હતા બેરીએ જાહેર કર્યું કે  જો કોંગ્રેસ અને ફેડરલ ગવર્ન્મેન્ટ નાણાંકીય મદદ નહીં કરે તો  સિટીએ દેવાળું કાઢવું પડશે.

બીજા મોટા શહેરોની પણ આ જ દશા હતી.  1970ના દાયકામાં સ્ટેટની મદદ હોવા છતાં ન્યૂ યોર્ક શહેરની પણ આવી જ દશા થઈ હતી. એનો રસ્તો કાઢવા માટે ન્યૂ યોર્ક સ્ટેટે કંટ્રોલ બોર્ડની સ્થાપના કરેલી. શહેરની નાણાંકીય બાબતો–ટેક્સ, બજેટ, વગેરેનો કબજો સ્ટેટે આ બોર્ડ દ્વારા લીધો.  ફિલાડેલ્ફીયા શહેરની પણ આ જ દશા થયેલ.  એને માટે પણ એના સ્ટેટ પેન્સીલ્વેનીયાએ એક કંટ્રોલ બોર્ડની રચના કરી ને શહેરની નાણાંકીય બાબતોનો કન્ટ્રોલ લીધો.  વોશીન્ગ્ટનની કથળેલી પરિસ્થિતિનો ઉકેલ કરવા માટે કોંગ્રેસ સામે આ બે દાખલા મોજૂદ હતા. કોંગ્રેસે તરત એક કન્ટ્રોલ બોર્ડ નિમ્યું. કોંગ્રેસને બેરી અને સીટી પોલીટીશીયનો પ્રત્યે એટલો બધો અવિશ્વાસ હતો કે માત્ર નાણાંકીય જ નહીં, પણ બીજી બધી અગત્યની જવાબદારી એમની પાસેથી ખૂંચવી લીધી.  હવે બેરી માત્ર નામનો જ મેયર રહ્યો. એની અને કાઉન્સિલની બધી જ સત્તા કન્ટ્રોલ બોર્ડના હાથમાં આવી ગઈ.

2 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૧-વોશીન્ગ્ટન ડી.સી.નું સ્પેશ્યલ સ્ટેટસ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s