પ્રાર્થનાને પત્ર-૨ (શ્રી ભાગ્યેશ જહા)


27-5-2012

પ્રિય પ્રાર્થના, પ્રિય અનીશ અને પ્રિય લજ્જા.

લજ્જાના પગલાં થયા તેનાથી ન્યૂયોર્કને કે લજ્જાને શું રોમાંચ થયો હશે તેની અમને ખબર નથી પરંતુ અમને કેવો રોમાંચ થયો તેની વાતથી આજના પત્રની શરુઆત કરવી છે. મઝા આવી ! પહેલાં તો અનીશનો આભાર કે આ ફ્લાઈટ ટ્રેકીંગ સાઈટ સાથે અમારી ઓળખણ કરાવી. આ અગાઊ મેં અનેકવાર કહ્યું છે કે ટેકનોલોજીએ આપણા શબ્દકોષના ‘વિરહ’ શબ્દના અર્થોને ફેરવી નાખ્યા છે. હવે કોઇ દુર છે તે અનુભવવું મુશ્કેલ છે. તો બીજી તરફ ‘વિરહી’ હોવા માટે દુર હોવું જરૂરી નથી એવી ઘટનાઓ પણ બનતી જ રહે છે. આપણે બહુ મઝાથી નવા ‘કોમ્પ્લીકેટેડ’ શબ્દકોષ   સાથે  ગોઠવાઈ  ગયા છીએ.

આજે  વિરહની,   વિયોગની  એક વાત કરવી છે. આપણા શીર્ષસ્થ સાહિત્યકાર ભોળાભાઇ દિવંગત થયા. ભોળાભાઇ એટલે ઉત્તર ગુજરાતના વતની અને આજીવન શિક્ષક. આપણા સરઢવની બાજુમાં સોજા ગામના. અમારું  GJ2 પાસીંગ. ભોળાભાઇના વ્યક્તિત્વમાં દાદા જેવા જુની પેઢીના શિક્ષકોની સુવાસ ભળેલી અનુભવાય. ભોળાભાઇ અનેક ભાષાના માણસ અને તેને કારણે તેમની સર્જકચેતનામાં તમને એક પ્રકારનું તાજું, પુલકિત પર્યાવરણ જોવા મળે. સંસ્કૃત અને બંગાળી પર અદભુત પ્રભુત્વ. બોલતા હોયા ત્યારે સહજ રીતે જ કાલિદાસ કે રવીંદ્રનાથ આવ્યા કરે. ભોળાભાઇના પ્રવાસનિબંધો એક જુદી પરિપાટી પર સર્જાયા છે. જુઓ, સાંભળો, ગ્રાંડ કેન્યન જોઇને ભોળાભાઇ લખે છે;

ગ્રાંડ કેન્યનનો કોણ સ્થપતિ છે ? એક પ્રસ્તરીય ભૂમિખંડને કોલોરાડો કોતરતી ગઈ છે,કોતરતી   જાય  છે. પવન અને પાણીએ સાથ આપ્યો છે, ગરમીએ અને ઠંડીએ સહાય કરી છે. સંવૃતિવિવૃતિની યુગવ્યાપી લયલીલામાં રચાતી ગઈ છે આ કેન્યન. પણ આપણી નજરે તો એવું લાગે; બધું પાતાળલોકમાંથી સ્વયંભૂ પ્રકટ થયું છે. અહીં સાચે જ છે; વિષ્ણુ, બ્રહ્મા, શિવ, જરથુષ્ટ્ર, જ્યુપિટર. ” 

ભોળાભાઈ ગુજરાતી સાહિત્યની એવી બારી હતા જેના થકી બીજી ભાષાઓનું અજવાળું આપણી ભાષામાં લાવી આપતા હતા. આ દ્રષ્ટિએ ભોળાભાઇ ગ્લોબલાઈઝેશનના પ્રતિનિધિ હતા. સુરેશ જોશી કે એ પછી હતી તેના કરતાં ‘સાહિત્યિક વૈશ્વિકરણ’ની જરુરિયાત ઉભી થઈ છે. મિત્રો મધુ રાય તથા બાબુ સુથાર આ દિશામાં ભારે જહેમત કરી રહ્યા છે. પણ નાના તાલુકામથકોએ પણ ડેન બ્રાઉન કે ફિલિપ રોથ કે વ્હીટમેનની ચર્ચા અને પરિશીલનો થતા રહેશે તો નવું એકવીસમી સદીને શોભે તેવું વાતાવરણ ઉભું કરી શકાશે. પ્રાર્થના, મને લાગે છે આપણે ગુજરાતી ભાષાની આટલી લાંબી યાત્રામાં એક ભારે ઉત્તેજનાભર્યા વાતાવરણમાં મુકાયા છીએ. ભોળાભાઇને શ્રધ્ધાંજલિ આપવાની નવી રીત આપણે જ ખોળવી પડશે.

ભોળાભાઇની બહુઆયામી પ્રતિભાનો પરિચય એક જ પત્રમાં આપવો મુશ્કેલ છે. એમના નિબંધોનો એક સંચય તેમને જા સંપાદિત કર્યો છે. તેનું નામ આપ્યું છે; ‘તેષાં દિક્ષુ’ ….. આ શબ્દ છે તો મેઘદૂતનો. કાલિદાસ વિદિશા નગરીનો પરિચય આપતાં જણાવે છે;  तेषां दिक्षु प्रथितविदिशालक्षणां राजधानीं……અહીં વિદિશાના વર્ણનની વાત કરવાની મારી ઇચ્છા નથી. મને તો ભોળાભાઇના શીર્ષકની અર્થછાયાઓની મઝા આવી. મૂળ તો કાલિદાસે જ કમાલ કરી હતી. મેઘ સાથે વારતા માંડીને, મનુષ્ય અને નિસર્ગનો આ ઘરોબો તો એક કાવ્યને અદ્વિતીયતા આપે છે જ, પણ ભોળાભાઇ આ દિશાઓને શોધીને આપણને આપણી વિદિશા સાથે મુકી આપે છે, આપણને આપણી વિરહી પ્રિયા-કવિતાને, ભાષાને, એ લયલીલાને આપણી સમક્ષ મૂર્તિમંત કરી આપે છે.

મારી ઇચ્છા રહેશે કે ભોળાભાઇની આ યાત્રા અને યાત્રાનિબંધો અનેક વળાંકો સાથે આ સુંદર પૃથ્વી સાથે પોતાનો રાગ છેડે. હમણાં ભોળાભાઇની શોકસભામાં શ્રી રઘુવીરભાઇએ એક સરસ મુદ્દો ઉભો કર્યો હતો કે ધર્મને કદાચ માત્ર નીતિની વાતોથી, ઉપદેશ અને આચરણથી ચાલશે પણ સાહિત્યનું એ દાયિત્વ છે કે સત્ય અને શિવ ઉપરાંત સુંદરની પણ એ જ તીવ્રતા અને નાજુકાઇથી ઉપાસના કરવામાં આવે.

મને લાગે છે આ વાત પણ એક નવી દિશા ઉઘાડશે.

એ જ,

ભાગ્યેશના શુભાશિષ.

1 thought on “પ્રાર્થનાને પત્ર-૨ (શ્રી ભાગ્યેશ જહા)

 1. પત્રો માણવાની મઝા..
  ‘આ કેન્યન. પણ આપણી નજરે તો એવું લાગે; આ બધું પાતાળલોકમાંથી સ્વયંભૂ પ્રકટ થયું છે. અહીં સાચે જ છે; વિષ્ણુ, બ્રહ્મા, શિવ, જરથુષ્ટ્ર, જ્યુપિટર. ” શબ્દો જ્યારે ભાવ જગતને ઝંકૃત કરી જાય તો, કલ્પનાઓના ગગનોમાં પણ એક ભાવના સમન્વિત હોવાથી સૌંદર્યાનુભૂતિ સાકાર થઇને અનુભૂત થઇ શકે.. ! એ માટે તો ભોળાભાઇ ને વાંચીને, અવલોકીને, વાગોળીને માણવું પડે.
  ભોળાભાઇ પટેલ પ્રવાસનું આવલંબન લઇ સૌન્‍દર્યભ્રમણ કરે અને પ્રવાસનિબંધો થકી ભાવકોને પણ સૌન્‍દર્યભ્રમણ કરાવે છે. તેમના પ્રવાસનિબંધોમાં ઐતિહાસિક-ધાર્મિક-સાંસ્‍કૃતિક સંદર્ભો પ્રવાસસ્‍થળને જીવંત રૂપે પ્રત્‍યક્ષ કરાવે છે. સમયને સરળતાથી અવળસવળ કરી જે પ્રવાસસ્‍થળો સાથે લાક્ષણિક અનુબોધ ઊભો કરે છે. તેથી પ્રવાસસ્‍થળનો એક નવો જ ચહેરો આપણી સામે તરી આવે છે.
  રઘુવીરભાઇની સચોટ વાત’ સત્ય અને શિવ ઉપરાંત સુંદરની પણ એ જ તીવ્રતા અને નાજુકાઇથી ઉપાસના કરવામાં આવે.’
  ‘આપણા શીર્ષસ્થ સાહિત્યકાર ભોળાભાઇ દિવંગત થયા. ‘ શ્રધ્ધાંજલીમા ઉમેરવું પડે કે આપણા હ્રુદયમા અમર થયા

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s