મને હજી યાદ છે-૫૧ (બાબુ સુથાર)-મૂરખાઓની કથાઓ: ૧


                                       

                                                               (સંપાદક)

મૂરખાઓની કથાઓ: ૧

જેમ જેમ નજીકના ભૂતકાળ વિશે લખતો જાઉં છું એમ એમ મને સમયની અને સ્મૃતિની પણ વિચિત્ર લાગણી થતી હોય છે. મને લાગતું હોય છે કે મારો નજીકનો ભૂતકાળ કોઈ એક જ સ્તરનો બનેલો નથી. અનેક સ્તરનો બનેલો છે અને એ બધાં સ્તરો ક્યારેક, મારી પણ જાણ બહાર, એકબીજામાં ગુંચવાઈ જતાં હોય છે. એનો પ્રભાવ મારી સ્મૃતિવ્યવસ્થા પર પણ પડતો હોય છે. મને મારું શૈશવ જેટલું ચોખ્ખું દેખાય છે એટલું મારું નજીકનું જીવન ચોખ્ખું દેખાતું નથી. મને લાગે છે કે મારી સ્મૃતિવ્યવસ્થા પર હતાશાનો, નિરાશાનો એક વિશાળ પડછાયો પથરાયેલો છે. હું એને ખસેડવાના પ્રયાસો કર્યા કરું છું. પણ ખસેડી શકતો નથી. કેમ કે, એ એક પડછાયો છે. એ પડછાયાને ખસેડવા માટે મારે એ જે વસ્તુનો પડછાયો છે એ વસ્તુને ખસેડવી પડે. પણ, એ શક્ય નથી. એ વસ્તુ સતત અદૃશ્ય રહ્યા કરે છે. આંખો એને જોઈ શકતી નથી. ત્વચા એને સ્પર્શી શકતી નથી. કાન એને સાંભળી શકતા નથી. નાક એને સૂંઘી શકતું નથી. એ ઈશ્વર નથી પણ એનું સમોવડિયું બનીને મારા પર રાજ્ય કરવાનો પ્રયાસ કર્યા કરે છે.

       હવે મારું પીએચ.ડીનું કોર્સ વર્ક પૂરું થઈ ગયું હતું. મારો GPA હું પીએચ.ડી. કરી શકું એટલો હતો. આમ જુઓ તો મારે પીએચ.ડી. માટે વીસ કોર્સિસ લેવા પડે. પણ મેં ભારતમાં બે એમ.એ. કરેલાં. એની સામે મારા ડીપાર્ટમેન્ટે મારા આઠ કોર્સિસ સ્વીકારેલા. મને લાગે છે કે ડીપાર્ટમેન્ટ મને મદદ કરવા માગતું હતું. કેમ કે, મારી સાથે જ ભણતા એક બીજા વિદ્યાર્થીએ, ભારતમાં પીએચડી કરેલું અને અહીં આવીને એક અમેરિકન યુનિવર્સિટીમાં એમ.એ. કરેલું તો પણ એના ચાર જ કોર્સિસ સ્વીકારેલા.

મને સતત એવું લાગ્યા કરતું હતું કે હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં વિદ્યાર્થી બનવાને લાયક નથી પણ હું અધ્યાપક છું એટલે મારા પ્રોફેસરો મને સારા ગુણથી પાસ કરે છે. આ રોગ કદાચ મને નાનપણથી જ થયેલો હતો. મેં આગળ એક પ્રકરણમાં લખ્યું છે એમ મને સતત એમ કહેવામાં આવતું કે ભણવાનું, ઊંચો ગ્રેડ મેળવાનું કે એવાં બીજાં કામ તો સમાજની ઉપલી કોમના છોકરાઓ જ કરી શકે. એને કારણે સખત પરિશ્રમના અન્તે મને કશુંક, ઉપલી વર્ણના લોકોને મળે એવું મળતું, તો પણ એમ લાગતું કે હું એને લાયક ન હતો. મને કોઈકે એ મારા પર દયા કરીને આપ્યું છે.

       આખરે એક દિવસે મને થયું કે મારે મને કોઈ ઓળખતું જ ન હોય એવા વિભાગમાં એક કોર્સ લેવો જોઈએ અને જોવું જોઈએ કે મને સાચેસાચ કેવો ગ્રેડ મળે છે. મારે શોધી કાઢવું જોઈએ કે શું હું સાચેસાચ હોંશિયાર છું કે આ લોકોએ મને ખોટેખોટો હોંશિયાર બનાવી દીધો છે? મેં મારા ચેરમેનને વાત કરી કે મારે અંગ્રેજી વિભાગમાં શોધનિબંધ પર એક કોર્સ લેવો છે. મને ખબર હતી કે આવા કોર્સિસ મને શોધનિબંધ લખતી વખતે ખૂબ ઉપયોગી થશે. ચેરમેને હા પાડી અને એ માટે જે ફી આપવી પડે એ પણ આપવા એ સંમત થયા. અમેરિકન યુનિવર્સિટીઓમાં દરેક વિભાગનું પોતાનું આગવું અંદાજપત્ર હોય છે. એને કારણે એક વિભાગનો Teaching Assistant જો બીજા વિભાગમાં કોર્સ લે તો પહેલા વિભાગે એની ફી બીજા વિભાગને આપવી પડે.

       એના એક ભાગ રૂપે મેં અંગ્રેજી વિભાગમાં Writing from sources પરનો એક કોર્સ લીધો. એ કોર્સ સંશોધનકાર્યને લગતો હતો. એ કોર્સ એક અમેરિકન પ્રોફેસર ભણાવતાં હતાં જે મને ઓળખતાં ન હતાં. મેં પણ જ્યારે એ કોર્સના પહેલા ક્લાસમાં મારો પરિચય આપ્યો ત્યારે જાણી જોઈને હું ગુજરાતી ભાષા ભણાવું છું એમ ન’તું કહ્યું. મેં એટલું જ કહેલું કે હું પીએચ.ડી.નો વિદ્યાર્થી છું.

એ પ્રોફેસરે સાચે જ મારી આંખો ખોલી નાખી. જીંદગીમાં પહેલી વાર મને એવું લાગ્યું કે સંશોધન માટે વાંચવું એ એક જુદા જ પ્રકારની પ્રવૃત્તિ છે. એ કામ નવલકથા કે કવિતા વાંચવા જેવું નથી. પ્રોફેસરે એ ક્લાસ માટે એક પુસ્તક Writing from Sources સૂચવેલું. એ પુસ્તક મને એટલું બધું ગમી ગયેલું કે આજે પણ જ્યારે એની નવી આવૃત્તિ થાય છે ત્યારે હું ખરીદી લેતો હોઉં છું. એ પણ કિમતની પરવા કર્યા વિના જ. જોતજોતામાં મારો એ કોર્સ પૂરો થયો. ફાઈનલ પરિક્ષામાં મારે એક સંશોધન પેપર લખીને આપવાનું હતું અને એમાં મારે વર્ગમાં જે ભણાવ્યું હતું એનો વિનિયોગ કરવાનો હતો. પ્રોફેસરે કહેલું કે મેં જે કંઈ ભણાવ્યું છે એનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડવું જોઈએ. તમે સર્જનાત્મક ન બનતા. મારે એ જાણવું છે કે મેં જે ભણાવ્યું છે એ તમે બરાબર સમજ્યા છો કે કેમ. મેં એ પ્રમાણે એક પેપર લખીને આપ્યું. પ્રોફેસરે મને એમાં A+ ગ્રેડ આપ્યો. એ જોઈને મને થયેલું કે ના, મારા વિભાગના પ્રોફેસરો મને ખુશ કરવા માટે ઊંચો ગ્રેડ નથી આપતા. મને સાચે જ કંઈક આવડે છે. જો કે, એ બધા જ પ્રોફસરો મારી પૂરી અમેરિકન નહીં એવી અંગ્રેજી ભાષાને ચલાવી લેતા હતા. પણ એવું તો એ બીજા પરદેશી વિદ્યાર્થીઓની બાબતમાં પણ એ લોકો કરતા હતા.

       કોર્સ વર્ક પૂરું થયા પછી મારે બે કામ કરવાનાં હતાં. એક તો મારે કોઈ એક યુરોપિયન ભાષામાં વાંચનકૌશલ્ય કેળવવાનું હતું અને બીજું મારે હું પીએચ.ડી. કરવાને લાયક છું એ સાબિત કરવા માટે ચાર પરીક્ષાઓ આપવાની હતી.

અહીં દરેક યુનિવર્સિટીની એક ભાષાનીતિ હોય છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં, જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે, માનવવિદ્યાઓ અને સમાજશાસ્ત્રોમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓએ કોઈ પણ બે યુરોપિયન languages of scholarshipમાં એવું કૌશલ્ય મેળવવું પડતું. જો કે, પ્રાદેશિક વિસ્તારોના અભ્યાસ સાથે સંકળાયેલા વિભાગોને એમાં એક છૂટ આપવામાં આવેલી. એ પ્રમાણે એ વિભાગના વિદ્યાર્થીઓએ એક યુરોપિયન ભાષા અને એક જે તે પ્રાદેશિક વિસ્તારની ભાષામાં વાંચન કૌશલ્ય સિદ્ધ કરવું પડતું. દક્ષિણ એશિયા વિભાગે એવી ભાષાઓમાં સંસ્કૃત, હિન્દી, તમિળ અને બંગાળીનો સમાવેશ કરેલો. એમના માટે ગુજરાતી language of scholarship ન હતી. મને સંસ્કૃત ભાષા ફાવતી હતી. તો પણ મેં હિન્દી ભાષા પસંદ કરેલી. એમાં મારે કોઈ પરીક્ષા લેવાની ન હતી. મારે બી.એ.માં હિન્દી ગૌણ ભાષા હતી. એની માર્કશીટના આધારે હિન્દીના પ્રોફેસરે હિન્દી ભાષામાં મારું કૌશલ્ય છે એવો અહેવાલ યુનિવર્સિટીને આપેલો. આ એક common practice હતી. જો તમે ઉચ્ચતર સ્તરે કોઈ ભાષા ભણ્યા છો એવું સાબિત કરો તો યુનિવર્સિટી તમને એ ભાષા ફરીથી ભણવા પર દબાણ ન કરે.

       ફ્રેંચ ભાષા મારે કેવળ વાંચનકૌશલ્ય માટે જ લેવાની હતી. એનો અર્થ એ થયો કે મારે એ ભાષા બોલતાં, સાંભળતાં શીખવાની ન હતી. એનું એક પાઠ્યપુસ્તક પણ હતું. નામ એનું French for reading. અમે ક્લાસમાં ફ્રેંચ ભાષાનો શબ્દકોશ અને વ્યાકરણ લઈને બેસતા. આ પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠ વાંચતા અને એના અનુવાદ કરતા. આ પાઠ્યપુસ્તકની સમાન્તરે અમને ફ્રેંચ આર્કિટેક Le Corbusierની પણ એક પુસ્તિકા અનુવાદ કરવા આપેલી. એ અનુવાદોના આધારે મને ફ્રેંચ ભાષા થોડી સમજાવા લાગેલી. અમારા ફ્રેંચ શિક્ષકે કહેલું કે એ અમને કોઈ પરિક્ષા નહીં આપે. અમારા પીએચ.ડી. સુપરવાઈઝર અમને પરિક્ષા આપશે અને અમારે એમાં પાસ થવાનું રહેશે. મારા પીએચડીના સુપરવાઈઝર પ્રો. શિફમેન હતા. એ આમ તો દ્વવિડિયન ભાષાઓના નિષ્ણાત. પણ એ ફ્રેંચ જાણતા હતા.

પ્રો. કાર્ડોનાનું સ્થાન પ્રો. શિફમેને કેમ લીધેલું એની પણ એક અલગ કથા છે. એ કથા હું હવે પછીના પ્રકરણમાં કહીશ. શેક્સપિયરના મૅકબેથ નાટકમાં મૅકબેથ કહે છે: It (life) is a tale/Told by an idiot, full of sound and fury/Signifying nothing.” મારા જીવનમાં પણ એવું જ બન્યું છે. એ પણ ડગલેને પગલે. પણ, આ બાબતમાં હું મૅકબેથ કરતાં વધારે કમનસીબ છું. હું માનું છું કે કમનસીબ હોવાની ઘટના ટ્રેજડીમાં નાયક હોવાની ઘટના કરતાં વધારે ટ્રેજીક  હોય છે. મારા જીવનની કથાઓ કોઈ એક idiotએ નથી કહી; અનેક idiotsએ કહેલી છે. અને એ મોટા ભાગના idiotsને મારા માટે કો સહાનુભૂતિ ન હતી.

શિફમેને મને ફ્રેંચ પણ ભારતીય-આર્ય ભાષાકૂળના નિષ્ણાત Jules Blochના Indo-Aryan: From the Vedas to Modern Times પુસ્તકના કેટલાક પરિચ્છેદ અનુવાદ માટે આપેલા. એ બધા જ પરિચ્છેદ ભાષાવિજ્ઞાનના હતા અને એ પણ ભારતીય-આર્ય ભાષાઓ પરના. એટલે મને એમના અનુવાદમાં કોઈ તકલીફ ન’તી પડી અને હું એમાં પાસ થઈ ગયેલો.

       હવે પીએચ.ડી. કરવાની લાયકાત સાબિત કરવાની વાત. એ માટે દરેક વિભાગની અલગ અલગ નીતિ હતી. હું જ્યારે ભણતો હતો ત્યારે મારા વિભાગની નીતિ કંઈક આવી હતી. એમાં વિદ્યાર્થીઓએ પોતે જ છએક વિષય નક્કી કરવાના. એ દરેક વિષયની વાંચન સામગ્રીની એક યાદી બનાવવાની. એમાં ઓછામાં ઓછાં ચાલીસ પુસ્તકો તો જોઈએ જ. લેખો જુદા. મેં એવા છ વિષયોની યાદી, પુસ્તકો અને લેખોની સૂચિ સાથે, મારા સુપરવાઈઝને આપેલી. એમાંથી એમણે મને ચાર વિષય આપેલા. બે ભાષાવિજ્ઞાનના અને એક સમાજવિદ્યાનો અને એક માનવવિદ્યાનો. ભાષાવિજ્ઞાનમાં ગુજરાતી જોડણીચર્ચા અને ગુજરાતી ભાષાના સમાજભાષાવૈજ્ઞાનિક પ્રશ્નોના વિષય હતા; સમાજવિદ્યામાં હિન્દુ રાષ્ટ્રિયતાવાદનો વિષય હતો અને માનવવિદ્યાઓમાં ગુજરાતી ભક્તિસાહિત્યનો વિષય હતો. એ સુપરવાઈઝરે એ માટે ચાર પ્રોફેસરોને પણ નીમેલા.

આ પ્રકારની પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓએ સૌ પહેલાં નક્કી કરેલી સમય મર્યાદામાં બધી સામગ્રી વાંચીને એની નોંધો તૈયાર કરવી પડે. મેં એ કામ શરૂ કરી દીધેલું. પછી જે તે પ્રોફેસર આપણને જે તે વિષયના બે કે ચાર વિષય આપે. આપણે એ વિષયમાંથી કોઈ એક વિષય પર ચાલીસથી પચાસ પાનાંનો, લગભગ પ્રગટ કરી શકાય એવો, લેખ લખવાનો. એ પણ ચોવીસ કલાકમાં જ. શરત એટલી કે લખાણમાં આપણે જે પુસ્તકોની યાદ આપી હોય એ બધ્ધાના ઉલ્લેખ આવવા જોઈએ. એ પણ ચર્ચાના સ્વરૂપમાં. અવતરણો બને એટલાં ઓછાં હોવાં જોઈએ. જેટલાં અવતરણો વધારે એટલા ગુણ ઓછા.

આ ચાર પરિક્ષાઓએ મને અનેક રીતે તૈયાર કરેલો. જોડણીની ચર્ચાના એક ભાગ રૂપે મેં ગુજરાતી ભાષામાં થયેલી મોટા ભાગની જોડણી ચર્ચા વાંચેલી પણ તદ્ઉપરાંત, જોડણી અને લેખનવ્યવસ્થાની સમજૂતિ આપતાં વીસેક સૈદ્ધાન્તિક પુસ્તકોનો પણ અભ્યાસ કરેલો. સમાજભાષાવિજ્ઞાનના કારણે મને ગુજરાતી ભાષાનાં અલગ અલગ variations અને એના સમાજ સાથેના સબંધોની વાત કરવાની તક મળેલી. એ જ રીતે હિન્દુ રાષ્ટ્રિયતાવાદે મને પહેલી વાર સાવરકર વગેરેનાં લખાણો સાથે સંવાદ કરવાની તક આપેલી. એ પરિક્ષા દરમિયાન બનેલો એક બનાવ મને હજી પણ યાદ છે. મેં ઉજાગરો વેઠીને એ વિષય પર એક પેપર તો લખી નાખ્યું હતું. પણ, એના editing માટે મારે હજી બીજા બેચાર કલાકની જરૂર હતી. મેં મારા પ્રોફેસરને એક ઇમેઈલ કર્યો. લખ્યું કે તમને વાંધો ન હોય તો મને બેત્રણ કલાક વધારે આપશો? હું ખૂબ થાકી ગયો છું અને મારે હજી મારી ભાષા સુધારવાની બાકી છે. એ પ્રોફેસર દક્ષિણ એશિયાના અર્થશાસ્ત્રના નિષ્ણાત હતા. હું એમનું નામ ભૂલી ગયો છું. થોડી જ વારમાં એમનો જવાબ આવેલો: બાબુ, હું તને એક દિવસ વધારે આપું છું. પણ, એક વાત યાદ રાખજે. Do not make the best an enemy of good. મારે good પેપર જોઈએ છે, best નથી જોઈતું. આજે પણ હું કોઈ લેખ લખવા બેસું છું ત્યારે એ પ્રોફેસરની સલાહને અનુસરતો હોઉં છું. હું હમેશાં સારું પેપર લખવાનો પ્રયાસ કરતો હોઉં છું. સૌથી સારું તો કદી નહીં. મારો સંશોધન નિબંધ લખતી વખતે પણ હું એમની એ સલાહ અનુસરેલો. ક્યારેક ગ્રંથોના ગ્રંથો જીવન ન બદલી શકે. પણ, આવાં, સાવ સરળ લાગતાં વાક્યો આપણા જીવનને નવી દિશા આપી દે.

આ ચાર પરિક્ષાઓ લેતી વખતે એક બીજી પણ ઘટના બનેલી.

મને ઘણી વાર થાય છે કે મેં ગુજરાતી ભાષાના મારા પ્રેમના કારણે ઘણા બધા ખોટા નિર્ણયો લીધા છે. જ્યારે એમસ્ટર્ડમમાં નૃવંશવિજ્ઞાનમાં કામ કરવાની તક મળે એમ હતી ત્યારે મેં એ તક જતી કરેલી. કેમ કે મારે ગુજરાતી ભાષા પર કામ કરવું હતું. એ જ રીતે, એ પહેલાં, મને ગુજરાત રાજ્યના ભાષા નિયામક બનવાની તક મળેલી ત્યારે પણ મેં તક જતી કરેલી. કેમ કે મારે ગુજરાતી ભાષામાં સંશોધન કરવું હતું અને મને ખબર હતી કે તમે ભણાવો નહીં ત્યાં સુધી તમારાં સંશોધનો નબળાં જ રહે. હવે એક ત્રીજી તક ઊભી થઈ. મારા ભક્તિ સાહિત્યના પ્રોફેસર Religion Departmentના ચેરમેન હતા. એ બુદ્ધધર્મના નિષ્ણાત હતા. એમને મને કહ્યું, “બાબુ, ગુજરાતી ભક્તિ સાહિત્ય વિશે ખૂબ ઓછું જાણવા મળે છે. તું એક કામ કર. મને ભક્તિ સાહિત્યનો એક સર્વે લખી આપ.” આ સર્વે આપણે ત્યાં હોય છે એવા, અર્થાત્ યાદી પ્રધાન નથી હોતા. આ સર્વે મોટે ભાગે critical હોય છે. મેં એ સૂચનાને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભક્તિ કવિતાનો એક સર્વે લખી આપ્યો. મેં એમાં ગ્રંથકેન્દ્રી અને નૉન-ગ્રંથકેન્દ્રી એવી બે પરંપરાઓની વાત કરેલી. એ વાંચ્યા પછી પ્રોફેસર કહે, “બાબુ, ભાષાવિજ્ઞાન છોડી દે. ધર્મ પર પીએચડી કર. મારો વિભાગ તને સ્વીકારવા માટે તૈયાર છે. તારે બીજા બેચાર કોર્સિસ બીજા લેવા પડશે. હું એ બધી જવાબદારી લઉં છું.” મેં ના પાડી. હું જાણતો હતો કે ગુજરાતી એક ડૂબી રહેલી ભાષા છે. વરસો પહેલાં મેં એક લેખમાં લખ્યું હતું કે ગુજરાતી ભાષાનું મોટા પાયા પર ધોવાણ થઈ રહ્યું છે ને જો આમ ને આમ ચાલશે તો ગુજરાતમાં જ ગુજરાતી ભાષા પર માતૃભાષા જેવું નિયંત્રણ ધરાવતા માણસો મળશે નહીં. આજે એ વાત સાચી પડી રહી છે. જ્યારે એ પ્રોફેસરે મને એ વાત કરી ત્યારે મને હરિવલ્લભ ભાયાણી સંભળાયા. “ગુજરાતી ભાષા પર કોણ કામ કરશે? આમેય બહુ ઓછા માણસો છે.” ભારતી મોદી સંભળાયાં, “ગુજરાતી ભાષા પર બહુ ઓછું કામ થયું છે.” સુરેશ જોષી સંભળાયા. મેં ના પાડી. મેં કહ્યું કે મારે તો ગુજરાતી ભાષા પર જ કામ કરવું છે.

જો એ વખતે મેં ભક્તિ સાહિત્યમાં પીએચડી કરવાનું સ્વીકાર્યું હોત તો કદાચ આજે પરિસ્થિતિ ખૂબ જ જુદી હોત. તો હું આજે ક્યાંક, છેવટે કોઈક નાની યુનિવર્સિટીમાં, હિન્દુ ધર્મ કે ભારતીય સાહિત્ય ભણાવતો હોત. પણ જે થયું તે ખરું. મેં એક કવિતામાં લખ્યું છે એમ: આ પૃથ્વી પરનો આ મારો છેલ્લો ફેરો છે. હું તો બીજા કોઈક ગ્રહ પર જવા નીકળેલો. પણ અકસ્માતે અહીં આવી ચડ્યો છું.

 

 

 

 

 

 

 

3 thoughts on “મને હજી યાદ છે-૫૧ (બાબુ સુથાર)-મૂરખાઓની કથાઓ: ૧

 1. એક શ્વાસે વાંચી ગઈ!”બાબુભાઈ, આપની આત્મકથાના આ લેખને એના એક પછી એક આવરણ ઊતારીને વાંચવા માટે વાચકને કઈં પણ મહેનત કરવી નથી પડતી!” જેમજેમ વાંચતાં જઈએ તેમ તેમ ભાષાની પ્રવાહિતા અને શબ્દોની સચ્ચાઈ જ એના આવરણ ખસેડીને વાચકને લેખના સત્યનો આત્મસાત કરાવે છે. આવો લેખ એક સિદ્ધહસ્ત લેખકની કલમ જ આપી શકે. Reading this write up of yours was truly very humbling experience and I truly learned a lot. Thank you Babubhai for rendering such an amazing Autobiography in Gujarati. Because of your non pretentious writing, Gujarati language has enriched.

  Sent from my iPhone

  >

  Liked by 2 people

 2. સુ શ્રી જયુબેને મારા મનની વાત કરી !
  થોડી શબ્દ ગંમ્મત
  ‘મૂરખાઓની કથાઓ…’ અમારા સ્નેહી વારંવાર કહેતા-‘સહિનકે બનમેં બસીએ . જલમેં ઘૂસિએ , કરમેં બિચ્છુ લિજે .કાનખજુરેકો કાનમેં ડાર કર .સાપન મુખ અંગુર દીજે , ભૂત પિશાચન મેં બસિયે, ઔર ઝહર હલાહલ ઘોલ કે પીજે, જો જગ ચાહે જીતે રધુનંદન, મૂરખ મિત્ર કબૂ ન કીજે’
  ‘એ પડછાયાને ખસેડવા માટે મારે એ જે વસ્તુનો પડછાયો છે એ વસ્તુને ખસેડવી પડે…’વાતે યાદ
  “Song of the Barren Orange Tree”
  Woodcutter.
  Cut out my shadow.
  Free me from the torture
  of seeing myself fruitless.
  Why was I born among mirrors?
  The daylight revolves around me.
  And the night herself repeats me
  in all her constellations.
  I want to live not seeing self.
  I shall dream the husks and insects
  change inside my dreaming
  into my birds and foliage.
  ‘હું એને લાયક ન હતો…’ ફરી થી આજે એજ કશ્મકશ ?
  ‘Writing from Sources …To get your feet wet in the digital book market ?
  C’est une histoire racontée par un idiot, plein de sons et de fureur / signifiant rien…?
  જોડણીની ચર્ચા ? કરતા તોડણી થાય છે
  ‘Do not make the best an enemy of good. એકદમ સાચી સલાહ
  ‘સર્વે મોટે ભાગે critical નાજુક , જટિલ , બારીક , આખરી . નિર્ણાયક , સ્ટીક , ટીકાત્મક કે અવસ્થાન્તરનું સૂચક ?

  Liked by 2 people

 3. very interesting episode for phd and their rules with all detail–from શેક્સપિયરના મૅકબેથ –your courage to: “મને સાચેસાચ કેવો ગ્રેડ મળે છે. મારે શોધી કાઢવું જોઈએ કે શું હું સાચેસાચ હોંશિયાર છું”—Do not make the best an enemy of good.–ક્યારેક ગ્રંથોના ગ્રંથો જીવન ન બદલી શકે. પણ, આવાં, સાવ સરળ લાગતાં વાક્યો આપણા જીવનને નવી દિશા આપી દે.—“બાબુ, ગુજરાતી ભક્તિ સાહિત્ય વિશે ખૂબ ઓછું જાણવા મળે છે. તું એક કામ કર. મને ભક્તિ સાહિત્યનો એક સર્વે લખી આપ.”—હરિવલ્લભ ભાયાણી–ભારતી મોદી સંભળાયાં, “ગુજરાતી ભાષા પર બહુ ઓછું કામ થયું છે.” સુરેશ જોષી સંભળાયા. મેં ના પાડી.—–આ પૃથ્વી પરનો આ મારો છેલ્લો ફેરો છે. હું તો બીજા કોઈક ગ્રહ પર જવા નીકળેલો. પણ અકસ્માતે અહીં આવી ચડ્યો છું.
  exactly like osho last saying

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s