ચમત્કારો (પી. કે. દાવડા)


ચમત્કારો

ધર્મગ્રંથોમાં વર્ણવેલા ચમત્કારો સાચા હશે? આ પ્રશ્ન વૈજ્ઞાનિક માનસ ધરાવતી વ્યક્તિ સ્વભાવિક રીતે પૂછે. ધર્મમાં અખુટ શ્રધ્ધા ધરાવનારી વ્યક્તિ એને પ્રભુની લીલા સમજીને સ્વીકારી લેશે. એટલે જે લોકો બુધ્ધિથી વિચારે છે, એમને શંકા ઊભી થાય છે, પણ જે લોકો મનથી વિચારે છે તે લોકો શંકા કરતા નથી. આમ પણ હિન્દુ ધર્મ ખૂબ ઉદાર છે. હિન્દુઓ અન્ય ધર્મના દેવ-દેવીઓનો પણ સહેલાઈથી સ્વીકાર કરી લે છે. ઠેક ઠેકાણે પીરને પૂજતા હિન્દુઓ તમને મળી આવશે.

એક ત્રીજો વર્ગ પણ અસ્તિત્વમાં છે, જે વચલો માર્ગ કાઢે છે. આવા લોકો કહે છે કે ધર્મગ્રંથોમાં વર્ણવેલા બનાવો સાચા છે, પણ લોકવાયકામાં એને ચમત્કારોનો સ્વરૂપ આપી દેવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, નરસિંહ મહેતાનો ભક્તિભાવ અને એના નિર્દોશ સ્વભાવથી પ્રભાવિત થઈ, કોઈ દાનવીરે કુંવરબાઈનું મામેરૂં કર્યું હોય, અને નરસિંહ મહેતાએ એને પ્રભુની કૃપા તરીકે વર્ણવ્યું હોય. મીરાંબાઈને એના દિયરે ઝેર જેવા કડવા સંદેશ મોકલ્યા હોય, પણ મીરાંબાઈએ એને સહેજતાથી લીધું હોય. સમય જતાં રૂપકના સ્વરૂપે આ વાતો આગળ ચાલી હોય.

ધર્મના પ્રચારકો ઘણીવાર સામાન્ય બનાવને ચમત્કારનું સ્વરૂપ આપીને લોકો પાસે રજૂ કરતા હોય છે. બુધ્ધિશાળી લોકો એમની બધી વાતો માની લેતા નથી, પણ માત્ર શ્રધ્ધા અને લાગણીથી વિચારનારા લોકો એમની વાતો માની લઈ, એ વાત ફેલાવવામાં મદદગાર થાય છે. આગળ જતાં શ્રધ્ધા પરંપરામાં બદલાઈ જાય છે, લોકો એના વિશે દલીલ કરવાને બદલે અનુસરણ કરે છે.

આજકાલ આવી અંધશ્રધ્ધા અને ચમત્કારોની વાતો ફેલાવવામાં ટી.વી. ની સિરિયલો, જ્યોતિષોની અને વાસ્તુશાસ્ત્રની જાહેરખબરો અને ધાર્મિક ચેનલો મોટો ભાગ ભજવે છે. આવું માત્ર ભારતમાં જ છે એવું પણ નથી. અન્ય ધર્મોમાં પણ આવી ચમત્કારોની વાતો વણી લેવામાં આવી છે. ખ્રીસ્તિ ધર્મમાં ચમત્કારો કર્યા વગર સંતનો દરજ્જો આપવામાં આવતો નથી.

શાંતિ માટે સારો રસ્તો એ છે કે જે શ્રધ્ધા રાખે છે એમના મનને એનાથી શાંતિ મળતી હોય, તો એવા લોકોને વખોડવા નહીં. આપણને એનાથી દૂર રહેવું હોય તો દૂર રહેવું, પણ નાહકની ચર્ચા ઉપાડી ઝગડા ઊભા કરવામાં મજા નથી. હા, જો એ લોકો લોકોને છેતરીને પોતાનું હીત સાધતા હોય તો એનો વિરોધ કરવો એ સામાજીક સુધારા માટે યોગ્ય છે.

4 thoughts on “ચમત્કારો (પી. કે. દાવડા)

 1. સામાન્ય માણસો ચમત્કાર કરવાની શક્તિને ઈશ્વર-દર્શનનું આવાશ્યક લક્ષણ લેખે છે. ધનલોભી ઓ કરામત ન કરી બતાવે તેવા સંતોને ઢોંગી કહી પીડતા .ચમત્કારોની વાતો કેવળ ખોટી જ છે એમ માનવું એ અશ્રદ્ધાનો છેડો છે. દરેક ચમત્કારિક વાત ગળે ઉતારી લેવી એ અંધશ્રદ્ધાનો છેડો છે. કેટલાક ચમત્કારો સંતોના સત્ય, અહિંસા વગેરે યમોના પાલન તથા અપરિમિત મૈત્રી અને કરુણાના સહજ પરિણામ-રૂપે થઈ જાય છે; કેટલાક યોગાભ્યાસની સિદ્ધિરૂપે હોય છે; કેટલાક ભાવિક લોકોની શ્રદ્ધાને લીધે જ બની આવે છે; બહુ જાણીતી ચમત્કારની સત્ય ઘટના…
  અમેરિકામાં બહારથી આવીને વસેલાં પુખ્ત વયનો યુવક અને યુવતી એકબીજાને અવારનવાર મળતાં હતાં. આ પરિચય પરિણયમાં પલટાવાની શક્યતા હતી. એક દિવસે સ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, ‘તમે યુદ્ધ વખતે ક્યાં હતા ?’
  ‘હું જર્મનીમાં કોન્સન્ટ્રેશન કૅમ્પમાં હતો.’ પુરુષ બોલ્યો.
  ‘મને યાદ છે કે હું કાંટાળી વાડની પેલે પાર કોન્સન્ટ્રેશન કૅમ્પના બંદી છોકરાની તરફ રોજ સફરજન ફેંકતી.’ એ સ્ત્રીએ યાદોમાં ખોવાતાં કહ્યું.અદમ્ય આશ્ચાર્યાઘાતની લાગણી સાથે પુરુષ બોલ્યો : ‘તમને એ છોકરાએ એક દિવસ કહેલું કે હવે તું સફરજન નહિ લાવતી, કારણકે હવે મને બીજા કૅમ્પમાં મોકલવાના છે ?’
  ‘હા કેમ ?’ એ બોલી, ‘પણ તમને એ વાતની કેવી રીતે ખબર ?’
  એણે એની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘હું જ એ છોકરો છું.’ થોડી વારના મૌન પછી એણે વાત ચાલુ રાખી. ‘હું ત્યારે તારાથી અલગ પડી ગયો પણ હવે પછી હું તારાથી ક્યારેય અલગ નહીં થાઉં. શું તું મને પરણીશ ?’ યુવતીએ મૌન સંમતિ આપી અને બન્ને પ્રેમભર્યા આલિંગનમાં જકડાઈ ગયાં.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s