છબિકાર જ્યોતિભાઈ-૩
છબિકળાનું એક કામ તે વાસ્તવિકતાને રેકોર્ડ કરવાનું. આ કામ સાચે જ ખૂબ અઘરું હોય છે. એ માટે છબિકારે યોગ્ય વિષય શોધવો પડે. પછી યોગ્ય ક્ષણે કેમેરાની ચાંપ દબાવવી પડે. એ ચાંપ દબાવાની ક્ષણ ખૂબ મહત્ત્વની હોય છે. કેમ કે એ ક્ષણે જ બહારના જગતની વાસ્તવિકતા કેમેરામાં કેદ થઈ જતી હોય છે. આજે આપણે એવી ચાર છબિઓ જોઈશું.
પ્રસ્તુત છબિ ગુજરાતના એક મંદિરના ઓટલા પર જુવાર વેચતા એક છોકરાની છે. Top angle પરથી લેવાયેલી આ છબિમાંનો છોકરો ઊપર, કદાચ કેમેરાની સામે, જોઈ રહ્યો છે. પણ, છબિ લેવાઈ ગયા પછી કેમેરાની હાજરી આપમેળે ભૂંસાઈ જતી હોય છે. અહીં કેમેરાનું સ્થાન હવે આપણે લઈ લીધું છે. છોકરાએ ચડ્ડી અને સેંડો પહેરેલાં છે. એ આગળ ઢીંચણ પર પગ મૂકીને શાન્તિથી બેઠો છે. એના ચહેરા પર કોઈ સંતાપ નથી દેખાતો. એની પાસે જ પાથરણા પર જુવારના દાણા અને એ દાણા માપવાની વાડકીઓ છે. જરાક ધ્યાનથી જોશો તો તમને એ વાકડીઓનું કદ નજરે ચડશે. એ પણ જમણેથી ડાબે ઊતરતી ભાંજણીમાં ગોઠવાયેલી છે. સૌ પહેલાં સૌથી મોટી વાડકી. પછી નાની. પછી એનાથી પણ નાની. અને પછી એનાથી પણ નાની. છોકરાની પાછળ પક્ષીઓ છે. મોટા ભાગનાં કબૂતર. એ ચણ ચણી રહ્યાં છે. ભાવિક ભક્તોએ આ છોકરા પાસેથી એ ચણ ખરીદીને નાખ્યા હશે એવું આપણે માની લઈએ. એ પક્ષીઓ આપણને છેક સુધી પથરાયેલાં જોવા મળે છે. પહેલી મોટી ઇમેજ, પછી ક્રમશ: નાની થતી ઇમેજ આપણને વિસ્તરતા જતા અવકાશનો (spaceનો) અનુભવ કરાવે છે. ધારી ધારીને જોતાં આપણે છોકરાના વાળનો કાળો રંગ અને જુવાદના સફેદ દાણા વચ્ચેનો વિરોધ અને છોકરાના સેંડા અને જુવારના દાણા વચ્ચેનું રંગનું સામ્ય નોંધવા લાગીએ છીએ. અને હા, છોકરા અને પેલાં પક્ષીઓની વચ્ચે પડેલી પેલી પાતળી લાકડી છોકરા અને પક્ષીઓ વચ્ચેની એક દિવાલની અનુભૂતિ કરાવતી હોય છે.
સ્નાન કરતી સ્ત્રી કળાનો એક માનીતો વિષય રહ્યો છે. Cezanne, Seurat, Pierre-Auguste Renoir, Henri Matisse સહિત પશ્ચિમના અનેક કળાકારોએ એ વિષય પર ચિત્રો બનાવ્યાં છે. પણ, છબિકળામાં એ કામ સાચે જ અઘરું છે. એ પણ આપણા દેશના સંદર્ભમાં તો ખાસ. આપણા ત્યાં કોઈક સ્નાન કરતી સ્ત્રીનો ફોટો પાડતાં પહેલાં હજાર વખત વિચારવું પડે. ૧૯૭૦માં મધ્યપ્રદેશમાં લેવાયેલી આ છબિમાં એક બાજુ નદી અને નદીકાંઠો છે તો બીજી બાજુ નદીકાંઠા પર બેસીને સ્નાન કરતી સ્ત્રી અને લોટો છે. આ છબિ જોતાં જ આપણે સ્ત્રી વિષે કે એની ગરીબાઈ વિશે કશું વિચારતા નથી. એ જ રીતે, આપણે કશું erotic પણ અનુભવતા નથી. મને તો આ છબિ એક સ્ત્રીની લાગવા કરતાં ચૂપકીદીની વધારે લાગે છે. સ્ત્રીના હાથની મુદ્રા, બેસવાની રીત. આપણે પ્રેક્ષક તરીકે ત્યાં છીએ પણ નથી જેવા. આ છબિ એને જોનારની ઉપસ્થિતિને સરળતાથી કેન્સલ કરી શકે છે. સહેજ પણ નગ્નતા કે eroticismની લાગણી ન કરાવે એવી સ્નાન કરતી સ્ત્રીની છબિઓ ખૂબ જ દુર્લભ હોય. આ એમાંની એક છે.
દુર્ગા છબિ જોતાં જ એક પ્રશ્ન થયો: આ બે મહિલાઓમાંની કઈ મહિલા દુર્ગા? જે માતા દુર્ગાને ચિતરે છે એ કે જે ચિતરાઈ રહી છે એ? જ્યોતિભાઈએ અહીં એક અદ્ભૂત પળ રજૂ કરી છે. આ છબિ એક બાજુ લોકકળાનો દસ્તાવેજ, અલબત્ત જરા જુદી રીતે, બની રહે છે તો બીજી બાજુ, એ સ્ત્રીશક્તિનું એક રૂપક પણ બની રહે છે. આ છબિ જોતાં જ મને Escherનું Drawing Hands ચિત્ર યાદ આવી ગયેલું. જો કે, એ ચિત્ર અને આ છબિના ભાવ આમ જુઓ તો જુદા છે. ચિત્રકાર મહિલાએ દુર્ગા ચિત્રનો એક ભાગ પૂરો કર્યો છે. બીજા પર કામ ચાલી રહ્યું છે. મારા જેવા, ખાસ કરીને કથનશાસ્ત્રના જીવને, અહીં ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક જ બિંદુ પર ઊભાં હોય એવી લાગણી થતી હોય છે. ભીંત પરનાં ચિત્રો મૈથિલી લોકકળાનાં ઘણાં બધાં લક્ષણો – જેવાં કે પાતળી રેખાઓ – પ્રગટ કરે છે.
રાજસ્થાની મા અને બાળક. અહીં બે images છે. એક માની, બીજી બાળકની. બાળક માની કેડમાં. અહીં ચહેરા પણ બે છે. એક માનો, એક બાળકનો. માનો ચહેરો ઢાંકેલો, બાળકનો ઉઘાડો. પણ તદ્દન ઉઘાડો તો નહીં જ. આ એક વિરોધ. Backgroundમાં ઘરની દિવાલ અને ભોંય પરની રંગોળી. એના રંગ અને મા-બાળકની imageના રંગ. આ બીજો વિરોધ. હું અનાયાસે માનો એક ખુલ્લો હાથ અને બાળકનો થોડોક ખુલ્લો ચહેરો એકબીજા સાથે જોડતો હોઉં છું. એ જ રીતે, માના સાડલાની ભાત અને રંગોળીની ભાતને પણ. છબિઓ પરસ્પર વિરોધી એવાં અનેક તત્ત્વોને અખિલ સ્વરૂપે રજુ કરતી હોય છે. આ શ્યામશ્વેત છબિમાં શ્યામ અને શ્વેત વચ્ચેનો વિરોધ પણ આપણને ગમી જાય એવો છે.
કલાત્મક ફોટાઓનું મા શ્રી બાબુભાઇ દ્વારા સુંદર દર્શન…
૧ ‘ પેલી પાતળી લાકડી છોકરા અને પક્ષીઓ વચ્ચેની એક દિવાલની અનુભૂતિ…’
પક્ષી કે બાળકને સ્વયં ખબર પડે છે . ભલે પાતળી દિવાલ વચ્ચે છે પણ એ પાતળી દિવાલ તફાવત સર્જી શકે છે.બન્નેના ભૂખની સ્નુભૂતિ..
૨ ‘સહેજ … સ્નાન કરતી સ્ત્રીની છબિઓ…’ યાદ આવે
ઇંદુલાલ ગાંધી રચિત ‘ભાદર કાંઠે ધુએ લુગડાં ભાણી’ આ કવિતા ખૂબ જાણીતી છે. ભાણી એટલી દ્રરિદ્ર છે કે એની પાસે દેહ ઢાંકવા એક મેલીઘાણ જર્જરિત સાડી છે. એને ધોવા માટે નિર્જન નદીકાંઠે ઉંડી ઉંડી ભાદર એાઝત જેવી નદીઓના કોતરો , દીપડાઝર, વેજલ કાંઠો, ભાણગાળો, રાવણો ડુંગર, નાદીવેલોલ ડુંગર, પોલો પાણો, બોરીઓ ગાળો તેમા વસતી ગરીબ સ્નાન કરતી સ્ત્રીઓ ભેખડો વચ્ચે ઊભી રહીને એ નિરાવરણ અવસ્થામાં સાડી ધુએ છે. કવિ આ દૃશ્યથી કમકમીને પ્રકૃતિ સામે હાથ લાંબા કરીને કહે છે-
‘વસ્તર વિનાની અસ્તરી જાતને સાટુ
પડી જતી નથી કેમ મોલાતું?’
૩ ફૉટો માણ્યા બાદ આંખ બંધ કરી ધ્યાન કરશો તો નીરવરવ સંભળાશે
अयि मयि दीन दयालुतया कृपयैव त्वया भवितव्यमुमे
अयि जगतो जननी कृपयासि यथासि तथानुमितासिरते ।
यदुचितमत्र भवत्युररीकुरुतादुरुतापमपाकुरुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥
૪ નંદ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં…
નટવર નાનો રે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
LikeLiked by 1 person