એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૩-ડીસ્ટ્રીકની તિજોરી ટેક્સથી છલકાવા મંડી


ડીસ્ટ્રીકની તિજોરી ટેક્સથી છલકાવા મંડી

ટેક્સ કમિશ્નર તરીકેની મારી પહેલી કસોટી હતી ટેક્સ રિફન્ડની.  અમેરિકામાં નોકરી કરતા બધા લોકોનો ટેક્સ દર પે ચેકમાંથી કપાય.  દર બે અઠવાડિયે હાથમાં જે પગાર આવે તેમાંથી ટેક્સ લેવાઈ ગયો હોય.  એવી જ રીતે જે ધંધો કરતા હોય અને જેમને નિયમિત પગાર ન મળતો હોય તેમણે તેમની આવક અનુસાર નિયમિત એસ્ટીમેટેડ ટેક્સ આગળથી ભરવાનો.  અમેરિકામાં બધાએ દર એપ્રિલની પંદરમીએ ટેક્સ રીટર્ન ફાઈલ કરવાનું હોય છે. ટેક્સ “વિથાહોલડીન્ગ”ને કારણે એપ્રિલમાં રીટર્ન ફાઈલીન્ગ સમયે લોકોને ખબર પડે કે એમને  રીફન્ડ મળવાનું છે કે વધુ ટેક્સ ભરવાનો છે.  જે લોકોએ પોતાની જવાબદારી કરતાં વધુ ટેક્સ આપ્યો છે તેમને એમનું ટેક્સ રીફન્ડ ટાઈમસર મળશે કે નહીં એ એમની મોટી ચિંતા. ડીસ્ટ્રીક ટેક્સ ડીપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ એટલું રેઢિયાળ હતું અને કર્મચારીઓ એટલા બેદરકાર હતા કે ટેક્સ પેયર્સને રિફન્ડ મળતાં  મહિનાઓ નીકળી જાય.  એ બાબતની એમની ફરિયાદ કરતા ટેલિફોન પણ કોઈ ઉપાડે નહીં.  મેં જોયું કે મારે જો ટેક્સ પેયર્સનો વિશ્વાસ મેળવવો હોય તો આ પરિસ્થિતિ સુધારવી જ પડે. લોકોને રિફન્ડ ટાઇમસર મળવું જ જોઈએ.

મેં અગત્યના કર્મચારીઓની એક મીટીંગ બોલાવીને કીધું કે ડીસ્ટ્રીકમાં અને બીજે બધે ઠેકાણે લોકો આપણી હાંસી ઉડાડે છે. આપણે રીફન્ડ આપવાનું સાદું સીધું કામ પણ ટાઇમસર કરી શકતા નથી.  આઈ.આર.એસ. અને બીજે બધે ઠેકાણે લોકોને બે કે ત્રણ અઠવાડિયાંમાં રીફન્ડ મળી જાય, તો આપણે એમ શા માટે ન કરી શકીએ?  હું એ બધાને આઈ.આર.એસ.ના બસો માઈલ દૂર ફિલાડેલ્ફીયામાં આવેલા સર્વિસ સેન્ટરમાં લઈ ગયો. બતાડ્યું કે ત્યાંના કર્મચારીઓ કેવું વ્યવસ્થિત કામ કરે છે. જો એ લોકો કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ?  અને પછી બોમ્બશેલ અનાઉન્સમેન્ટ કર્યું કે ટીવી અને છાપાંવાળાઓને તો મેં ક્યારનુંય કહી દીધું છે કે આ વર્ષે ડીસ્ટ્રીકના ટેક્સ રીફન્ડ બેથી ત્રણ અઠવાડિયાંમાં ઇસ્યુ થશે!  કર્મચારીઓમાં હો હા થઈ ગઈ.  એ લોકો કહે આપણાથી એ ન બને.  મેં કહ્યું શા માટે નહીં?  આપણે ગોરા નથી એ માટે?  આપણા માટે આ સ્વાભિમાનનો પ્રશ્ન હોવો જોઈએ કે અમે પણ એ કરી શકીએ છીએ. ટીવી વાળા તો ફાયલીંગ સિઝનમાં કેમેરા સાથે આવીને ઊભા રહેશે. ટેક્સ પેયર્સને પૂછશે, તમને તમારું ડીસ્ટ્રીકનું રિફંડ મેળવતા કેટલો સમય થયો?  કોઈ તમારો ટેલિફોન ઉપાડતું હતું? વિનય અને વિવેકથી જવાબ આપતું હતું?

મેં સ્વાભિમાનની વાત કરી અને આપણું એક પ્રજા તરીકેનું ગૌરવ ઘવાશે એમ સમજાવ્યું ત્યારે ટેક્સના કર્મચારીઓને જાણે કે ચીમકી લાગી ગઈ.  આખી એજન્સી જાગૃત થઈ  ગઈ. એપ્રિલની પંદરમી આવી. લોકોએ પોતાના ટેક્સ રીટર્ન્સ કાયદેસર ભર્યા.  અમારા કર્મચારીઓ મારી ચેલેન્જનો જાણે કે જવાબ આપતા હોય તેમ સવાયું કામ કરીને બે જ અઠવાડિયાંમાં રિફન્ડ ઇસ્યુ કરવા માંડ્યા. ટીવી-છાપાંવાળા આવી પહોંચ્યા.  વોશીન્ગ્ટન પોસ્ટના બિજનેસ સેક્શનના પહેલા પાને ફોટા સાથે સમાચાર આવ્યા. વર્ષો પછી પહેલી જ વાર ડીસ્ટ્રીકના ટેક્સ ડીપાર્ટમેન્ટ માટે કંઈક સારું કહેવાયું.  વિલિયમ્સ ખુશ, ખુશ! અમારા બધા માટે લડાઈની આ પહેલી જીત હતી. ડીસ્ટ્રીકના લોકો માટે આ ન માનવા જેવી વાત હતી. સાબિત થયું કે ટેક્સ ડીપાર્ટમેન્ટમાં સુધારાવધારા થઇ રહ્યા છે.  મારા જીવમાં જીવ આવ્યો! જો કે જંગ જીતવાનો હજી બાકી હતો.

ટાઈમસર રિફન્ડ મોકલવા જેટલી જ અગત્યની વાત હતી “ક્લિન ઓડીટ”ની.  ડીસ્ટ્રીકના સીએફઓની જવાબદારી હતી કે એણે દર વરસે નફાતોટાનો હિસાબ કરતો, જેને પ્રાઈવેટ સેક્ટરમાં ઇન્કમ સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ કહે, તેવો એન્યુઅલ રીપોર્ટ પછીના વરસની ફેબ્રુઆરીની પહેલી તારીખે પબ્લીશ કરવો.  એટલું જ નહીં, પણ બહારના ઓડીટર પાસેથી એ રીપોર્ટ પર “ક્લિન ઓડીટ”નો ઓપિનિયન  મેળવવો.  એનો અર્થ એ કે અમારા એકાઉનટ્સ બધા સાચા અને ચોખ્ખા છે, એમાં કોઈ ગડબડ નથી, અને અમે કશું છુપાવતા નથી.  1996ના ઓડીટમાં  ડીસ્ટ્રીકને એના ટેક્સ ડીપાર્ટમેન્ટની અંધાધૂંધીને કારણે  આવો “ક્લિન ઓડીટ” ઓપિનિયન નહોતો મળ્યો.  આ ઓપિનિયન ન હોય તો વોલ સ્ટ્રીટમાં બોન્ડ વેચવા બહુ મુશ્કેલ. વિલિયમ્સે જાહેર કર્યું હતું કે ડીસ્ટ્રીકને આવતા વરસે “ક્લિન ઓડીટ” નહીં મળે તો પોતે રાજીનામું આપશે! અમારા બધાના છક્કા છૂટી ગયા! મને ખબર હતી કે ટેક્સ ડીપાર્ટમેન્ટની કેવી દશા હતી. માત્ર ટેક્સ રીટર્ન્સનો ખડકલો જોઈને કોઈ પણ ઓડીટર અમને “ક્લિન ઓપિનિયન” આપવાની ના પાડે.

હવે એ બધું વ્યવસ્થિત કરવાનું મારે માથે આવ્યું.  હું ટેક્સ ડીપાર્ટમેન્ટનો વડો હતો. આ બાબતમાં પણ ડીપાર્ટમેન્ટના કર્મચારીઓને મેં ચેલેન્જ આપી.  કહ્યું કે આપણી આજુબાજુની બધી સ્ટેટ ગવર્નમેન્ટને દર વરસે “ક્લિન ઓડીટ” ઓપિનિયન મળે છે તો આપણને કેમ નહીં? આપણે એવા બોઘા અને ગમાર છીએ?  વધુમાં જો ડીસ્ટ્રીકને “ક્લિન ઓડીટ” ઓપિનિયન નહીં મળે અને વિલિયમ્સ રાજીનામું આપશે તો આપણે  બધાએ ચાલતી પકડવી પડશે!  વળી પાછા અમે બધા “કરેંગે યા મરેંગે”ના હિસાબે કામે લાગી ગયા.  ટેક્સ રીટર્ન્સનો ખડકલો હતો ત્યાં અમે એક “વોર રૂમ” ગોઠવ્યો.  બધા રિટર્ન્સ ઉઘાડ્યા, તેમને બરાબર ફાઈલ કર્યા,  જ્યાં ટેક્સ ઓડીટ કરવાની જરૂર હતી ત્યાં ઓડીટ કર્યું.  એન્યુઅલ રિપોર્ટનું ઓડીટ પૂરું થયું.  કેપીએમજી નામની ઇન્ટરનેશનલ એકાઉન્ટીન્ગ ફર્મે અમને “ક્લિન ઓડીટ” સર્ટીફીકેટ આપ્યું. અમે બધા રાજી રાજી.  મારી શ્રદ્ધા વધી. થયું કે હું અહીં ટકી જઈશ.

ટાઈમસર રીફન્ડ અને “ક્લિન ઓડીટ” ઓપિનિયન–આ બે વાતે ડીસ્ટ્રીકમાં મારી ટેક્સ કમિશ્નર તરીકેની પ્રતિષ્ઠા સાબૂત કરી.  છાપાં અને ટીવી પર મારું નામ ચમક્યું. આ નવી પ્રતિષ્ઠાનો લાભ લઈ મેં જાહેર કર્યું કે ડીસ્ટ્રીક ગવર્નમેન્ટ હવે જે ટેક્સ પેયર્સ ટેક્સ ભરતા નથી તેમની પાછળ પડશે.  એમને કોર્ટમાં લઈ જશે. જેલમાં મોકલશે. જે લોકો આઈ.આર.એસ.નો ટેક્સ ભરતા હતા, પણ ડીસ્ટ્રીકનો નહીં તેમનાં નામ અમે આઈ.આર.એસ.માંથી મેળવ્યાં. એમને પકડ્યા, અને એમની પાસેથી પેનલ્ટી સાથે ટેક્સ ઉઘરાવ્યો.  “There is a new sheriff in town!” એવી એક આબોહવા ઊભી કરી.

સ્પેશ્યલ ક્રિમીનલ એન્ફોર્સમેન્ટની જાહેરાત કરી.  સ્પેશ્યલ ટેક્સ ડીટેક્ટીવ રિક્રુટ કર્યા. જે લોકોએ ટેક્સ ભર્યા નથી. તેમને માટે ટેક્સ એમનેસ્ટી જાહેર કરી.  કહ્યું કે જો એ પોતાની મેળે આવીને હજી સુધી નહીં ભરેલો ટેક્સ ભરી જશે તો એમની પેનલ્ટી માફ.   જો એ લોકો એક સાથે બધો ટેક્સ ભરી શકે એમ ન હોય તો એમને માટે અમે ઇન્સ્ટોલમેન્ટ પ્લાનમાં ટેક્સ ભરવાની વ્યવસ્થા કરીશું. અમારી બોટમ લાઇન એ હતી કે જો લોકો એમ માનતા હોય કે ડીસ્ટ્રીકનો ટેક્સ ન ભરીએ તો ચાલે, એ દિવસો ગયા. આ અગ્રેસીવ ટેક્સ કલેક્શનની વાતો મેં જ્યાં જ્યાં તક મળી ત્યાં કરી–રેડિયો, ટીવી, છાપાં, કમ્યુનીટી મીટીંગ્સ, નેબરહૂડ અસોશિએશન્સમાં.  જ્યાં જ્યાં શક્ય હતું ત્યાં હું પોતે હાજર રહ્યો.  લોકોની ફરિયાદો સાંભળી, એમનો ઉકેલ કેમ આવશે તેની વાત કરી, પણ આખરે ટેક્સ તો કલેક્ટ થશે એ સ્પષ્ટતા કરી. ટેક્સ ડીપાર્ટમેન્ટના કર્મચારીઓને પણ હવે ખબર પડી કે એમણે એમનું કામ ધગશથી કરવું પડશે.  લાંચ રુશ્વત, ટેક્સ પેયર્સની અવગણના વગેરે નહીં ચલાવી લેવાય.  એમાં જે પકડાશે તેમને અમે સીધી પકડાવશું. જે થોડા પકડાય તેમને તરત જ રજા આપવામાં આવી.

આ બધી પ્રવૃત્તિઓનું મુખ્ય પરિણામ એ આવ્યું કે લોકો ડીસ્ટ્રીકનો ટેક્સ ભરવા મંડ્યા.  ડીસ્ટ્રીકની તિજોરી ટેક્સથી છલકાવા મંડી.  વ્યક્તિગત ટેક્સ પેયર્સ ઉપરાંત વોશીન્ગ્ટનમાં જે અનેક ટેક્સ એક્જ્મ્પટ એસોશિએશન હતાં તેમની પર પણ ડીસ્ટ્રીકના ટેક્સ ભરવાનું દબાણ મેં શરૂ કર્યું.  આના પરિણામે અહીંનું મોટા નેશનલ એજ્યુકેશન એસોશિએશને સામેથી કહ્યું કે અમે અમારા વાર્ષિક ટેક્સના $1.1 મીલીયન ડોલરનો ચેક મોકલીએ છીએ.

વર્ષો પછી પહેલી જ વાર ડીસ્ટ્રીકના બજેટમાં ડેફીસીટ નહીં, પણ સરપ્લસ દેખાયું! આ સરપ્લસમાં જેટલું અગ્રેસીવ ટેક્સ કલેક્શન જવાબદાર હતું, તેટલું જ મહત્ત્વ હતું બજેટ કટ્સનું.  વિલિયમ્સે આગળથી જ સ્પષ્ટ કરેલું કે જેટલી આવક તેટલો જ ખરચો.  અને જો આવક ધાર્યા કરતાં વધુ થઈ તો એ વધારો સરપ્લસમાં ઉમેરાય. આમ ઉપરા ઉપરી દર વરસે બજેટમાં સરપ્લસ થતા ગયા.  અને ડીસ્ટ્રીકની બેલેન્સ શીટમાં જ્યાં 1995માં 535 મિલિયન ડોલરની વર્ષોથી ભેગી થયેલી ખાધ હતી ત્યાં હવે નેટ સરપ્લસ થયું.  વોલ સ્ટ્રીટમાં અમારું બોન્ડ રેટિંગ જે તળિયે જઈને બેઠેલું તે ઉપર ચડશે એવી શક્યતા ઊભી થઈ.

વિલિયમ્સની વાહ, વાહ થઇ ગઈ.  વોશીન્ગ્ટન પોસ્ટના પહેલે પાને વિલિયમ્સે વોશીન્ગ્ટનને કેવી રીતે નાણાકીય ખાધમાંથી ઉગાર્યું તેવી હેડ લાઈન સાથે ન્યૂજ રીપોર્ટ આવ્યો.  એ ન્યૂજ રીપોર્ટની શરૂઆત ડીસ્ટ્રીકના ટેક્સ ડીપાર્ટમેન્ટમાં મેં જે સુધારાવધારા કર્યા તેનાથી થઈ. મારા કામની ખાસ નોંધ લેવાઈ.  દેશમાં પણ આની નોંધ લેવાવાની શરૂઆત થઈ. એ ઉપરાંત અમેરિકાનાં ભારતીય છાપાંઓમાં પણ ડીસ્ટ્રીકના નાણાંકીય ઉદ્ધારમાં મેં જે ભાગ ભજવ્યો તેના વિષે લખાવા માંડ્યું.

1998માં બેરીની મેયર તરીકેની ચોથી ટર્મ પૂરી થઇ.  વોશીન્ગ્ટનના સ્થાનિક રાજકારણમાં ત્યારે એક જ વાત ચર્ચાતી હતી.  બેરી વળી પાછો પાંચમી વાર મેયર તરીકે ઊભો રહેશે કે નહીં? એ જો વળી પાછો ચૂંટણીમાં ઊભો રહે તો ચુંટાશે કે નહીં?  શહેરના કાળા અને ગોરા ભદ્ર સમાજમાં, બિજનેસ કમ્યુનીટીમાં, અને કોંગ્રેસમાં એવી ઈચ્છા ખરી કે બેરી ફરી વાર મેયરની ચૂંટણીમાં ન ઊભો રહે. અને નવી પેઢીને શહેરનું નેતૃત્વ લેવાની તક આપે.  એ બધા લોકોએ “ડ્રાફ્ટ વિલિયમ્સ”ની ઝુંબેશ શરૂ કરી.  વિલિયમ્સને ચારે બાજુથી વિનંતિ કરવામાં આવી કે તમારે મેયરની ચૂંટણી લડવી. ચૂંટણી લડવા માટે જે પૈસા અને સ્વયંસેવકોની જરૂર પડશે તે અમે સંભાળશું. વધુમાં જો બેરી વળી પાછો મેયર થયો તો સીએફઓ તરીકે તમે ડીસ્ટ્રીકની જે નાણાંકીય પરિસ્થિતિ સુધારી, જે સરપ્લસ બનાવ્યું અને બોન્ડ રેટિંગ વધાર્યું તે બધું રોળાઈ જશે. છેલ્લાં થોડાં વર્ષોમાં ડીસ્ટ્રીકની જે પ્રગતિ થઈ છે તે થંભી જશે.  શહેર વળી પાછું આડે રસ્તે ચડી જશે, ખાધમાં પડશે. વિલિયમ્સ માની ગયા. એમણે રાજીનામું આપ્યું. સીએફઓની પોજીશન છોડીને મેયરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી.

બેરી હવે મુંઝાયો. પહેલાં જેટલી એની પોપ્યુલારીટી નહોતી રહી, છતાં શહેરના ખાસ કરીને ગરીબ કાળા વિસ્તારમાં એ હજી પોપ્યુલર હતો.  રેસ કાર્ડનો ઉપયોગ કરીને કદાચ એ બાજી જીતી પણ જાય એવો ભય હતો.  પણ બેરીને પોતાને જ ગંધ આવી ગઈ હતી કે પોતે ફરી વાર ચૂંટણી લડશે તો જીતશે જ એવી ખાત્રી ન હતી.  ઊલટાનું હારવાની શક્યતા હતી.  એ જોઈ શકતો હતો કે શહેરની બહુમતિ કાળી અને ગોરી પ્રજા નવી પેઢીના નેતૃત્વ માટે તૈયાર હતી.  ડીસ્ટ્રીકના નાણાંકીય ઉદ્ધારક તરીકે વિલિયમ્સની પ્રતિષ્ઠા બંધાઈ ચૂકી હતી. એની  પોપ્યુલારીટી પણ ઘણી હતી.  વિલિયમ્સને બિજનેસ કમ્યુનીટીનો ટેકો હતો.  આ બધું જોતાં બેરીએ નક્કી કર્યું કે પોતે મેયરની ચૂંટણી નહીં લડે.

જેવી આ ખબર છાપે ચડી કે તુરત જ ત્રણ કાઉન્સિલ મેમ્બર્સે પોતાની ઉમેદવારી નોંધાવી  અને મેયર થવા માટે જોરદાર ઝુંબેશ શરૂ કરી.  એમનું કહેવું એમ હતું કે છેલ્લાં થોડાં  વર્ષોમાં શહેરની જે પ્રગતિ થઈ છે તે એમને કારણે થઈ છે! વિલિયમ્સ તો માત્ર મહેતાજી–સીએફઓ–હતા. એમને તો જે કહેવામાં આવ્યું તે એક એકાઉન્ટન્ટની ફરજ પ્રમાણે કર્યું.  એ કાંઈ પોલીટીશીયન થોડા છે?  એ ડીસ્ટ્રીકનું કોમ્પ્લેક્સ રાજકારણ નહીં ચલાવી શકે.  લોકો શહેરના પોલીટીશીયનોથી એવા તો કંટાળી ગયા હતા કે આવી કોઈ દલીલબાજી ચાલી નહીં. વિલિયમ્સ ભારે બહુમતિથી ચુંટાયા, અને ડીસ્ટ્રીકનો બેરી યુગ પૂરો થયો.

2 thoughts on “એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૪૩-ડીસ્ટ્રીકની તિજોરી ટેક્સથી છલકાવા મંડી

  1. કૉઇ સ્ત્રીને એકથીયે વધારે ડૉક્ટરો કહે કે એને કોઈ પણ સંજોગોમાં બાળક નહીં થાય, અને પછી IVF કે Test Tube Baby ની સારવાર લ્યે અને પછી તે સ્ત્રી ૧-૨ કે ૩ બાળકોને જન્મ આપે એ એક ચમત્કાર ગણી શકાય, તેમ ડેફીસીટ બજેટની જગ્યાએ તોતીંગ નફો કર્યો એતો શુન્યમાંથી સર્જન કર્યું કહેવાય..!! બહુ સરસ…. ચમત્કારજ કહેવાય…!! એક ભારતીયે અમેરીકાની રાજધાનીમાં નામ ઉજ્જવળ કર્યું..

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s