“વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?” (કેપ્ટન નરેન્દ્ર ફણસે)


(૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધમાં ભારતની હાર થતાં દેશના યુવાનોમાં સૈન્યમાં જોડાઇ દુશ્મન સામે લડવાનો જુવાળ આવ્યો હતો. સરકારે આ ગાળા દરમ્યાન ઈમરજ્ન્સી કમીશન્ડ ઓફીસરોની ભરતી શરૂ કરી, જેમાં નરેન્દ્રભાઈની પસંદગી થઈ. છ મહિના પૂનામાં જેન્ટલમન કૅડેટની ટ્રેનિંગ પૂરી કરી નરેન્દ્રભાઈ સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે રેગ્યુલર આર્મીમાં જોડાઈ ગયા. ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુધ્ધમાં એમને મોખરાની હરોળમાં ઠેઠ સિયાલકોટ સુધી લડવાનો મોકો મળ્યો. ૧૯૬૭ના વર્ષમાં તેમની નિમણૂંક કૅપ્ટન તરીકે થઈ. ૧૯૭૧ ના પાકિસ્તાન સાથેના યુધ્ધમાં પંજાબમાં મોખરાના મોરચે લડવાનો મોકો એમને મળેલો, અને એમણે દાખવેલા શૌર્ય બદલ એમને  રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો. એમણે એમના આ બન્ને યુધ્ધના અનુભવો પોતાના પુસ્તક “જિપ્સીની ડાયરી” માં લખ્યા છે. – સંપાદક)

“વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?”

૧૯૬૫નું યુદ્ધ હાલમાં જ ખતમ થયું હતું. અમારી ફર્સ્ટ આર્મર્ડ  ડિવીઝન પાકિસ્તાનમાંથી પાછી ફરી હતી, પણ હજી બૉર્ડર પર જ હતી. શાંતીની સંધિ થઈ હોવાથી અફસરો ડિવીઝનમાંની અન્ય બટાલિયન કે રેજીમેન્ટની મુલાકાત લેવા અફસર મેસમાં જતા.

એક દિવસ બપોરના સમયે આર્મર્ડ બ્રિગેડના કમાંડર અને તેમના સ્ટાફ અફસરો અમારા મહેમાન થઈને આવ્યા. આમાંના બહુતાંશ અફસરો ૨૦૦-૩૦૦ વર્ષ જુના રિસાલા – જેમકે ગાર્ડનર્સ હૉર્સ, સિંધ હૉર્સ, પૂના હૉર્સના હતા. આવા સિસાલાઓમાં પસંદ થતા અફસરો ડૂન સ્કૂલ, બિશપ કૉટન, સનાવર કે રાજકુમાર કૉલેજ જેવી માતબર શાળાઓમાં ભણેલા ધનિક પરિવારના અથવા ‘કુંવર’ કે ‘કુમાર’થી શરૂ થતા નામનાં અફસર હોય. સ્વાભાવિક છે આ અફસરોની વાતો અંગ્રેજી સાહિત્ય, મિલિટરીની પરંપરાઓની આસપાસ ચાલતી હોય.

બ્રિગેડ કમાંડરે વાત ઉપાડી અંગ્રેજી સાહિત્યના ‘ડ્રાય ઈંગ્લીશ હ્યુમર’ની. વાત વાતમાં જિપ્સીએ પી.જી.વૂડહાઊસ અને ઑસ્કર વાઈલ્ડના વિનોદની વાત કરી તે સાંભળી કમાંડરે પૂછ્યું, “યંગમૅન, વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?”

જિપ્સીએ જવાબ આપ્યો, “હું અમદાવાદની વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં ભણ્યો છું.”

“ઓહ! મેં આ શાળાનું નામ સાંભળ્યું નથી, પણ એટલું કહી શકું કે તે ઉચ્ચ કક્ષાની શાળા હોવી જોઈએ.”

બ્રિગેડ કમાંડરની વાત સાચી હતી. ભારતમાં ભાગ્યેજ કોઈએ અમદાવાદના ત્રણ દરવાજાની બહાર ફૂટપાથ પરનાં ફેરિયાઓનાં ઝૂંડની પાછળ સંતાયેલી – અને હવે વર્ષોથી બંધ પડેલી, એક જમાનામાં ડચ વ્યાપારીઓની ‘બૅલેન્ટાઈનની વખાર’નામે ઓળખાતી આ શાળા વિશે સાંભળ્યું હશે. પરંતુ શાળાની નામના તો તેમાં ભણેલા વિદ્યાર્થીનાં મુખમાંથી તેમની શાળા વિશેનાં ગૌરવ અને કૃતકૃત્યતાની ભાવનાનાં શબ્દોમાં વ્યક્ત થતી હોય છે.

શાળા એટલે શાળાના શિક્ષકો, આપણા ગુરૂવર્યો. બાળકમાં સંસ્કારનાં મૂળ તો તેના માતા પિતા સિંચતા હોય છે. આ મૂળને દૃઢ કરવાનું, તેમાં આદર્શોનું ખાતર પૂરવાનું, તેના જીવનને સાહિત્ય, કલા, વિજ્ઞાન, સદ્ભાવના જેવા સપ્તરંગી સૂર્યકિરણોનો જીવનાવશ્યક પ્રકાશ આપવાનું દિવ્ય કાર્ય તો કેવળ આપણાં ગુરુવર્યો કરતા હોય છે. તેમની કૃપાથી નહાઈને બહાર પડતા વિદ્યાર્થીઓનાં મનમાં ગુરૂજનો પ્રત્યે ઋણની ભાવના જન્માવે, જે શાળાનું નામ લેતાં માણસ નતમસ્તક થાય, તે સાચી શાળા હોય છે. અમારી ‘વીએસટી ત્રણ દરવાજા ટ્યુટોરીયલ હાઈસ્કૂલ’ આવી શાળા હતી!

***

ત્રણ દરવાજાથી ફૂવારા તરફ જતાં રસ્તામાં આવતી કેમિસ્ટોની દુકાન વચ્ચે ધારી ધારીને જોઈએ તો જ અમારી શાળાનો દરવાજો દેખાય. શાળામાં પ્રવેશ કરીએ તો ડાબી બાજુએ ઑફિસ, શિક્ષકોનો ‘કૉમન રૂમ’, હેડમાસ્તર શ્રી. એન. ડી શુક્લ’ (જેમને અમે સૌ  ‘એનડી’ સાહેબ કહેતા) તથા શાળાનાં માલિક/પ્રિન્સીપલ શ્રી. વિનાયકરાવ ત્રિવેદીની કચેરી. નજીકમાં પાણીની ઓરડી, જેની બહાર છ ફીટ ઉંચા, સફેદ પૂણી જેવી ભરાવદાર મૂછો વાળા મહાદેવ ભૈયાજી હસતે મુખે બાળકોને પાણી પાતા દેખાય. ભૈયાજીનો પરિવાર  ઉત્તર પ્રદેશમાં. તેઓ એકલા શાળાના મકાનમાં જ રહેતા. દિવસે અમને પાણી પાવાનું અને રાત્રે શાળાના ચોકીદારનું કામ કરે. અમને પાણી પાતી વખતે તેમની આંખમાં એવો આનંદ જણાતો, કરચલીઓવાળા ચહેરા પર એવું પ્રેમ સભર હાસ્ય દેખાતું, જાણે તેઓ તેમનાં પૌત્ર-પૌત્રીઓને સ્નેહનાં જળ પીવડાવતા હોય! શાળામાં અમે સાત વર્ષ કાઢ્યા, અને ભૈયાજીના ચહેરા પર સ્નેહપૂર્ણ ભાવ જોતાં રહ્યા.

પાણીની કોટડીની જમણી બાજુએથી શરૂ થાય ‘U’-આકારનું ત્રણ માળનું મકાન. Uની વચ્ચે નાનકડું ચોગાન, જેમાં રોજ સવારે અરવિંદરાય સાહેબ હાર્મોનિયમ પર તેમના સુમધુર અવાજમાં પ્રાર્થના ગવડાવે: ‘હે જગત્રાતા, વિશ્વવિધાત..’ અને ‘રચા પ્રભુ તુને સંસાર સારા’ જેવી બે પ્રાર્થનાઓ ગાયા બાદ અમારા વયોવૃદ્ધ પ્રિન્સીપલ વિનાયકરાવ આશ્રમ ભજનાવલીમાંથી સર્વધર્મની પ્રાર્થનાઓ વાંચે અને વિદ્યાર્થીઓ તેમના વર્ગમાં જાય.

પાંચમીના અમારા વર્ગમાં ચાર બહેનો હતી. નીલમ મહેતા, કુલસુમ, આથીકા અને રેહાના. છેલ્લી ત્રણ બહેનો વહોરા પરિવારની અને માથા પર ચાંદલિયાવાળી ટોપી પહેરીને આવે. શિક્ષકો તેમને આદરથી ‘મિસ કુલસુમ, મિસ નીલમ’ કહીને પ્રશ્ન પૂછે. બહેનોને સંકોચાવું ન પડે તેથી તેમને કદી અઘરા સવાલ ન પૂછે! એ અમારા જેવા તોફાની વિદ્યાર્થીઓ માટે ખાસ ‘રિઝર્વ’ રખાતા. રિસેસ પછીનો પિરિયડ હોય ડ્રૉઈંગનો. અમારા ચિત્રકલાના ગુરૂ હતા ભટ્ટ સાહેબ. ઉંચું ખડતલ શરીર, બદામી રંગનો લૉંગ કોટ, ધોતિયું અને માથા પર કાળી ટોપીમાં સજ્જ ભટ્ટ સાહેબના ચહેરા પર એક પ્રકારનું કરૂણ ગાંભિર્ય રહેતું. જો કે દરેક વિદ્યાર્થી પર તેઓ સ્નેહપૂર્ણ ધ્યાન આપતા. તેમનું મનપસંદ વાક્ય હતું, “The more you see, more you learn’. ચિત્રકામમાં નિરીક્ષણ અને ચિત્રકામ માટે નક્કી કરેલ પાત્ર કે દૃશ્યનો અભ્યાસ કેટલો અગત્યનો હોય છે તે સમજાવતા. જિપ્સીને તેમનો ગુરૂ મંત્ર મિલિટરીમાં ઘણો ઊપયોગી થયો! દૂરથી દુશ્મનની હિલચાલ, તેમણે છોડેલાં પદચિહ્ન જેવાં નિશાન શોધવામાં આ કામ આવ્યા! તેમના ચહેરા પરનું કારૂણ્ય અમે ઘણા સમય બાદ જાણ્યું. તેમના યુવાન પુત્રનું કેટલાક વર્ષો પહેલાં અવસાન થયું હતું, પણ વિદ્યાર્થીઓ પ્રત્યેના સ્નેહમાં કદી ઓછપ અમે ભાળી નહિ. ભટ્ટ સાહેબના પ્રિય શિષ્ય હતા શ્રી. પીરાજી સાગરા – જે આગળ જતાં ભારતના જાણીતા ચિત્રકાર થયા અને અમદાવાદની સ્કૂલ ઑફ આર્કીટેક્ચરમાં કલા વિભાગના પ્રૉફેસર તરીકે નીમાયા હતા.

અમારા ગુરૂવર્યો માટે જેટલું લખીએ, અધુરૂં જ ગણાશે. ખાસ ઉલ્લેખ કરવો હોય તો અમારા હેડમાસ્તર ‘એન્ડી’ સાહેબ, ઈતિહાસ શીખવનારા (તે સમયે ઈતિહાસકાર તરીકે જાણીતા નહોતા થયા તે) ગૌરીશંકર ભવાનીશંકર ઓઝા. તેમણે ભારત અને ઈંગ્લંડના ઇતિહાસ શીખવતી વખતે ઐતિહાસીક પાત્રોના સંવાદો સાથે પ્રસંગોનું જે વર્ણન કરતા તે અમે હજી ભુલ્યા નથી. ‘Every man has his price” કહેનાર બ્રિટનના વ્હીગ વડા પ્રધાન વૉલપોલને આ તત્વનો ઉપયોગ કરી ‘Whig Oligarchy’ ચલાવી હતી  તેનું વર્ણન અમને હજી યાદ છે! ભારતના પ્રાચિન ઈતિહાસમાં વિષ્ણુદત્તે પોતાની ચોટલી ખોલીને જે શપથ લીધી હતી તે વક્તવ્ય રૂપે તેમણે શીખવ્યું હતું. આ કેમ કરીને ભુલી શકાય?

અમને કેમીસ્ટ્રી શીખવતા હતા શ્રી. બી.એસ.શાહ સાહેબ. પદાર્થની રાસાયણીક પ્રક્રિયા એક સુંદર કાવ્યના alliteration જેવી હોય છે, તેનો ‘છંદ’ સમજાય તો બે પદાર્થો વચ્ચેની આ પ્રક્રિયાનું શું પરિણામ આવે તે તેમણે એવી રીતે સમજાવ્યું, જાણે તે પ્રકૃતિનું સુંદર કાવ્ય ન હોય!

અંગત રીતે કહેવાનું થાય તો મારા આદર્શ ગુરૂ હતા અમારા ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષક શ્રી. અરૂણકાંત દિવેટિયા. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા દિવેટિયા સાહેબ માનવેન્દ્રનાથ રૉયની રૅડીકલ હ્યુમૅનિસ્ટ પાર્ટીના અનુયાયી હતા. ‘રોજીંદા જીવનમાં પ્રામાણીકતા જાળવવા માટે કોઈ વાર નુકસાન ભોગવવું પડે છે, પણ મન, વચન અને કર્મથી પ્રામાણીક રહેવાથી તમારા મનનો અરીસો એટલો સ્વચ્છ રહેશે કે તેમાં ઝાંખીને જોવામાં તમને કદી શરમ કે ક્ષોભ નહિ અનુભવવો પડે’, એવું તેમનું વાક્ય કદી ન ભુલાયું.

અમારા વર્ગમાં એક ગરીબ ઘરનો પણ હોંશિયાર વિદ્યાર્થી હતો. હંમેશા પહેલી બેંચ પર બેસે. દિવેટિયા સાહેબનો માનીતો. સાહેબ તેમના પ્રિય શિષ્યોને ‘મહાપુરુષ’ કહીને સંબોધે. એક દિવસ આ છોકરાને પહેલી બેંચ પર ન જોતાં તેમણે પૂછ્યું, “અરે, આ મહાપુરુષ ક્યાં ગયો?”

તે દિવસે આ વિદ્યાર્થી છેલ્લી બેંચ પર બેઠો હતો. તે ઉભો થયો. સાહેબનું ધ્યાન તેના ફાટેલા ખમીસ તરફ ગયું અને તેઓ જાણી ગયા. “તમારા ફાટેલા કપડાંમાંથી સદ્ગુણ ડોકિયું કરતાં હોય તો તમારે જીવનમાં કદી શરમાવાની જરૂર નથી,” કહી તેને તેની મૂળ જગ્યાએ બેસવાનું કહ્યું.

ભૂલ્યા ન ભૂલાય તેવા અમારા સંસ્કૃતના શિક્ષક હતા શાસ્ત્રી સાહેબ. સૌરાષ્ટ્રના નાનકડા ગામનાં, પણ કાશીમાં સંસ્કૃતનો અભ્યાસ કરી આવેલા. તેમના પહેલા દિવસે અમારા વર્ગને સંબોધ્યો, “ભાયું ને બેનું, આજે આપણે સુભાષિતો ભણશું…” પણ તેમની શીખવવાની શૈલી એવી તો સરસ કે સંસ્કૃત અમારી ‘second language’ને બદલે ‘first language’ થવા લાગી. બીજા યાદગાર શિક્ષક હતા ભૌતિક વિજ્ઞાનના શિક્ષક કમળાશંકર દવે સાહેબ. ચરોતરી ભાષામાં અમને હંમેશા યાદ કરાવતા રહેતા, “ગરમીથી પદાર્થનું દળ વધઅઅઅ અને ઠંડીથી…” અને આખો વર્ગ બોલી ઉઠતો “ઘટઅઅઅ!”

અને સૌથી છેલ્લે વાત કરીશ ‘એન્ડી સાહેબ’ની.

એન્ડી સાહેબ હંમેશા સફેદ પૅન્ટ, આછું ભૂરૂં ખમીસ, ઘેરા રંગનું જૅકેટ, ટાય અને માથા પર કાળી ટોપી પરિધાન કરીને આવે. ઉંચાઈમાં નેપોલિયન જેવા – પાંચ ફીટ બે કે ત્રણ ઈંચ, પણ વ્યક્તિત્વ ધારદાર બરછી જેવું. વિદ્યાર્થીઓ તેમની સામે જતાં થરથરે. તેમણે અમારો ગુજરાતીનો વર્ગ અમારા છેલ્લા, એટલે SSCના વર્ષમાં લેવાની શરૂઆત કરી. અમે બધાં વિવંચનામાં હતા કે કવિતા જેવું સાહિત્યનું મૃદુ અંગ આ કટારી જેવા માણસ કેવી રીતે પારખી શક્યા હશે, અને અમને તે કેવી રીતે શીખવશે. જ્યારે તેમણે પ્રત્યક્ષ વર્ગ લીધો, અને આંતરક્રિયાત્મક -interactvie પદ્ધતિથી સુંદરમ્ અને સ્નેહરશ્મીનાં કાવ્યોનું હાર્દ સમજાવ્યું અને રસાસ્વાદ કરાવ્યો ત્યારે અમને જણાયું કે આ અણીદાર વ્યક્તિત્વમાં એક વિદ્વાન શિક્ષક પણ સમાઈ શકે છે!  તે વર્ષ અમારા માટે અનેક દૃષ્ટિએ યાદગાર રહ્યું.

સંસ્કૃતનાં યાદગાર વાક્યોમાં શીખેલું એક હતું यथा राजा तथा प्रजा. અમારી શાળાને આ બરાબર લાગુ પડતું હતું. જેવા ગુરૂજનો એવા તેમના શિષ્યો – એ જિપ્સી સિવાય બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓ!

અમે શાળામાં દાખલ થયા તેના વર્ષો પહેલાં ‘ત્રણ દરવાજા ટિટોરિયલ’માં ભણી ગયેલા મિયાંભાઈ નોમાન આગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા. એક પારસી વિદ્યાર્થીને તેમનાં પિતાજી દહેરાદૂન કે પંચગનીની મોંઘી શાળામાં મોકલી શકતા હતા, પણ તેમણે તેને અમારી નિશાળમાં મોકલ્યા. “મોંઘી નિશાળ કરતાં સારી નિશાળમાં પોઈરો જાય તે અમને ગમશે,” એવું તેમણે કહ્યું. આજે ઘરડો ‘પોઈરો’ ખાનપુરમાં રિવર ફ્રન્ટને અડીને આવેલી વિશ્વવિખ્યાત હૉટેલનો માલિક છે.

અમારા વર્ગમાં દિનકર શાહ નામનો તેજસ્વી વિદ્યાર્થી હતો. વૈષ્ણવી તિલકથી શોભતું ભવ્ય કપાળ અને વર્ગમાં હંમેશા પહેલો કે બીજો આવે. આગળ જતાં એન્જીનિયર થયો. જિપ્સી મિલિટરીમાં ગયો તે સમયે દિનકર તેને ભદ્રકાળીના મંદિર પાસે અચાનક મળી ગયો. ખબર અંતર બાદ તેણે કહ્યું, “આ દેશમાં પ્રામાણીક પબ્લીક સર્વન્ટને સ્થાન નથી. મેં આપણા શિક્ષકોએ શીખવેલાં અને આપણે કેળવેલા મૂલ્યો પ્રમાણે મેં મારા ખાતામાં કામ કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ એક સ્થળે ટકીને રહી ન શક્યો. છેલ્લે જ્યારે મારી બદલી સરહદ પર આવેલા ખારા પાટની નજીક થઈ, મેં નોકરી છોડી. નેક્સ્ટ વીક હું શિકાગો જઊં છું, કાયમ માટે. કોઈ વાર અમેરિકા આવે તો મળજે. આપણા વર્ગનો ધીરૂ માલી પણ ત્યાં જ છે. એ પણ ત્યાં સ્ટ્રક્ચરલ એન્જીનિયર છે. ચાલ ત્યારે મળીશું, કો’ક દિ,” કહી તેણે રજા લીધી. મારી બેન્ચ પર બેસતો ઝુલ્ફિકાર અહેમદ બુખારી, મારો ખાસ દોસ્ત હતો. છેલ્લે મેં સાંભળ્યું ત્યારે તે લંડનમાં આવેલી હબીબ બૅંકના મુખ્યાલયમાં જનરલ મૅનેજર હતો.

વર્ષો પહેલાંની વાત છે. એક દિવસ AMTSની બસમાં પ્રવાસ કરતો હતો ત્યારે કંડક્ટરના ચહેરા તરફ જોયા વગર (આ આપણી સૌની ટેવ છે, એવું કહી શકાય!) સામે નોટ ધરી અને મણીનગરની ટિકીટ માગી. કંડક્ટરે ટિકીટ આપી પણ પૈસા ન લીધા. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. તે મારા વર્ગમાં ભણતો મોહમ્મદ મનસુરી હતો. કૌટુમ્બિક કારણોસર તેને શાળા આઠમા ધોરણમાં મૂકવી પડી હતી. મારા તરફ હસીને બોલ્યો, “નાટકો, તુ મેરેકુ નઈ પિછાનેગા, બડા આદમી બનેલા હૈ ને? સૂન, ડ્યૂટી પે હું વર્ના ચાય પિલાને લે જાતા. અબકી બાર બસકા ભાડા મેરી તરફસે!” નિશાળમાં આ મારૂં હુલામણું નામ થયું હતું. નાટક શબ્દનું બહુવચન મેં એવી રીતે ઉચ્ચાર્યું હતું કે આખો વર્ગ હસી પડ્યો હતો, ત્યારથી મારૂં નામ ‘નાટકો’ થઈ ગયું  હતું. (આવા ઉપનામ અમે એકબીજાને આપતા. બીજો એક સહાધ્યાયી શફી મનસુરી ‘બધાં’ ને બદલે ‘ભદા’ ઉચ્ચારતો. તેનું નામ ‘ભદો’ થયું હતું!)

આવી હતી અમારી શાળા, અને આવા હતા અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ. આજે ગુરૂવંદના દિવસે અમારા ગુરુજનોને નમસ્કાર. આપના આશિર્વાદની વર્ષા અમારા મસ્તકપર સતત પડતી રહે એવી પ્રાર્થના.

નોંધ: આ લેખ લંબાણમાં ઘણાં વર્ષો પહેલાં ‘અખંડ આનંદ’માં પ્રસિદ્ધ થયો હતો. લેખ છપાયા બાદ જિપ્સીને અમારી શાળાના ભૂતપૂર્વ એવા ઘણા અજાણ્યા વિદ્યાર્થીઓનાં પત્રો અને ઈમેઈલથી સંદેશા મળ્યા. સૌથી મહત્વની વાત તો મારા ગુરૂ અરૂણકાંત દિવેટિયાનો પત્ર મળ્યો તે હતી. તેમણે અંખડ આનંદમાંથી મારૂં સરનામું મેળવ્યું અને મને ગાંધીનગરથી મારા લંડનના સરનામે પત્ર લખ્યો હતો!

9 thoughts on ““વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?” (કેપ્ટન નરેન્દ્ર ફણસે)

 1. દાવડાભાઈનું આંગણું નસીબદાર છે કે નરેનભાઈ જેવા મોંઘેરા મહેમાન નસીબ થયા. ખરે જ નરેનભાઈ, આપે તો અમને પણ અમારા ભૂતકાલીન વિદ્યાર્થી જીવન તરફ ધકેલી દીધા. ‘ધકેલી દીધા’ એટલા માટે કહું છું કે સાચે જ એ ધક્કો સુખદાયી નીવડ્યો. કાશ, આપણને આપણું એ વિદ્યાર્થી જીવન પુન: પ્રાપ્ત થાય; પરંતુ અસંભવ, કેમ કે સમય કદીય થોભતો નથી અને આપણે પણ તેની સાથે ગતિ કરતા જ રહેતા હોઈએ છીએ, થોભતા નથી હોતા. નરેનભાઈ અને દાવડાભાઈને આ લેખ બદલ અભિનંદન.

  Liked by 2 people

 2. વાહ ! સલામ ! સમયના બે જુદા જુદા ચક્રોને સંયોજીને ભારતની આજની પરિસ્થિતિને વાચક સમક્ષ મુકીને પોતાના મન અને હૃદયને ઠાલવી દીઘું. નરેન્દ્ર નામથી શરુ થતાં લેખના નરેન્દ્રને આજના વડાપ્રઘાન નરેન્દ્ર ગણી લેવાની ભૂલ કોઇ ના કરે તેવી વિનંતિ. આ લેખ આજની દરેક શાળાઓના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને શીક્ષકોને વંચાવવો જોઇઅે. રીયાલીટી સમજી તો જશે પરંતું કબુલ નહિ કરે. આજના પોલીટીકલ જમાનામાં આ બઘું શક્ય નથી…જેમ પેલા ઓનેસ્ટ ઇન્જીનીયરની હાલાકી થઇ…પોલીટીક્સ હેઝ રુઇન્ડ ઇન્ડીયા અેન્ડ ઇન્ડીયન અેજ્યુકેશનલ સીસ્ટીમ….અેક્સેપ્ટ ફ્યુ ઇન્સ્ટીટયશન્સ.. ગુજરાત ઇઝ ઝીરો…..સું શા પૈસા ચાર…આજે કોડીની કિંમત પણ નહિ હોય…..
  ખૂબ સુંદર લેખ…આભાર
  ઇચ્છા છે કે ગુજરાત આવા દિવસો જૂઅે….ગુજરાતના વિદ્યાર્થીઓ આવા દિવસો માણે…..
  થેંક્યુ દાવડા સાહેબ.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. ” ભારતના પ્રાચિન ઈતિહાસમાં વિષ્ણુદત્તે પોતાની ચોટલી ખોલીને જે શપથ લીધી હતી તે વક્તવ્ય રૂપે તેમણે શીખવ્યું હતું. ” દાવડાભાઈ , આ પ્રસંગ વિષે આપને વધુ માહિતી હોય તો જરૂર થોડું લખશો. આભાર .

  Like

 4. નમસ્તે દાવડા સાહેબ, આપના આંગણે ઉતરીએ ને અનેક મહાનુભાવોની મૂલાકાત થાય છે .
  એમની વાતોથી યાદો તો તાજી થાય જ છે સાથે અનુભવ જ્ઞાનનું ભાથું પણ મળે છે.
  ખૂબ ખૂબ આભાર.

  Liked by 1 person

 5. શિક્ષકોનો માર પણ પ્રેમથી યાદ આવે તેવો એ સંબંધ ગુરુશિષ્યનો હતો !
  ધન્ય શાળા, એ ગુરુજનો, એ શિષ્યો!
  તમારા ખુબ સુંદર વર્ણન અમારી શાળાઓને મળતા આવે છે !
  અમારા ગુરુ ઇતિહાસ ભણાવતી વખતે કાવ્યમય પધ્ધતિમા પંક્તીઓ કોતરાઇ ગઇ !
  BORN OF A BUTCHER
  BREAD BY A BISHOP
  HOW HIGH HIS HIGHNESS
  HEAVES HIS HAUGHTY HEAD
  अतिपरिचयात् अवज्ञा संततगमनात् अनादरः भवति .
  मलये भिल्लपुरंध्री चंदनतरुकाष्ठम् इंधनं कुरुते ..
  संस्कृत ગુરુની મહાનતા હવે સમજાય છે નથી ભુલાતું…
  संस्कृत મા राम શબ્દના ૨૫ રુપ! यथा:- रम् મૂળ ધાતુ राम: रामौ रामा: रामं रामौ रामान् रामेण रामाभ्यां रामै: रामाय रामाभ्यां रामेभ्य: रामत् रामाभ्यां रामेभ्य: रामस्य रामयो: रामाणां रामे रामयो: रामेषु हे राम! हेरामौ! हे रामा:! આ ૨૫ રુપ સાંખ્ય દર્શનના ૨૫ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ૨૫ રુપ ના પ્રયોગથી આત્મ સાક્ષાતકાર થાય.અને આત્મા. ૧,અંતઃકરણ ૪,ज्ञाનેન્દ્રિત ૫,કર્મેન્દ્રિય ૫,તન્માત્રા ૫, મહાભૂત ૫….હવે અનુભવાય !
  તમારી વાતો માણતા અમારી વાત યાદ આવતા લખી
  ફરી માણતા પણ આનંદ થાય તેવા લેખ બદલ અમારા ચહીતા અને માનિતા ચિંતક શ્રી કેપ્ટન નરેન્દ્ર ફણસેને ધન્યવાદ સાથે મા દાવડાજીને ધન્યવાદ સાથે જણાવવાનું કે સાંપ્રત સમયમા ખૂબ જરુરી દેશભક્તિની પ્રેરણા આપતો આવો લેખ આટલો મોડો કેમ પ્રગટ કર્યો ?

  Liked by 1 person

 6. આજે આટલા વર્ષે પણ જે ગુરુની છબી મનમાં સ્થિત હોય એ ગુરુને વંદન.
  અમારા સદનસીબે શ્રી પીરાજી સાગરાના અમદાવાદના નિવાસની મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો.

  Liked by 1 person

 7. narendra bhai,
  very happy to read all detailed description of your 7 years school life.What a wonderful memories and reunion with Guru Arunkant Divetia. yes it has pushed us all back to our Bachpan Sweet Memories of friends and Gurues of that time-who were really devoted to give Jeevan Ghadtar.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s