જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૪-છબિકાર જ્યોતિભાઈ-૪ (શ્રી બાબુ સુથાર)

છબીકલા ક્યારેક વાસ્તવિકતાનું પરિમાણ જ બદલી નાખે. અહીં ચિત્રમાં આમ જુઓ તો કંઈ જ નથી. એક વચોવચ, બીજો ડાબે. છેક બાજુમાં. વચોવચ ઊભેલો છોકરો સાયકલ સાથે ઊભો છે. સાયકલ પર સ્ટેન્ડ પર ઊભી રાખેલી. એનાં પઠાણી કપડાં. ડાબી બાજુએ ઊભેલો છોકરો જોતાં એવું લાગે કે એ અકસ્માતે જ અહીં ફ્રેમમાં આવી ગયો છે. બન્ને છોકરાઓની પાછળ ભીંત અને ભીંત પર લોકકળા, મુસ્લિમ સમૂદાયની. પ્રથમ નજરે એવું લાગે કે ત્યાં ભીંત નથી પણ કોઈક ઇસ્લામિક સ્થાપત્ય છે. પણ ચિત્રમાંની બે પાટડીઓ જોતાં જ આપણને ખ્યાલ આવે કે એ એક ભ્રમ છે. છબીકારે સહેજ lower angleથી આ છબી લીધી છે. એને કારણે આપણને પણ એવું લાગે કે આપણે ત્યાં ઊભા છીએ અને આપણે ભીંત પરનાં ચિત્રોને જોઈ રહ્યા છીએ અને સાયકલ લઈને ઊભેલો છોકરો આપણને જોઈ રહ્યો છે. જ્યોતિભાઈ એમના કેમેરા વડે લોકકળાનું કેવળ દસ્તાવેજી રેકોર્ડીંગ નથી કરતા, એ લોકકળા સાથે માનવજીવનને પણ સાંકળતા હોય છે. એ પણ જુદી જુદી રીતે. આપણે અત્યાર સુધીમાં જે છબીઓ જોઈ એમાં પણ કેટલી બધી વિવિધતા હતી! રંગોળીની રક્ષા કરતી વૃદ્ધા, દુર્ગાનું ચિત્ર દોરતી વૃદ્ધા અને આ છબી પણ એના પૂરાવા બને છે. અહીં કોઈને એક બાજુ પરંપરાગત કળા અને બીજી બાજુ આધુનિક યંત્ર – સાયકલ – વચ્ચેનો વિરોધાભાસ પણ દેખાય. કોઈને કદાચ એ બન્ને વચ્ચેની સહઅસ્તિત્ત્વ પણ દેખાય. છબીકળામાં પણ, કવિતા અને ચિત્રની જેમ, એક કરતાં વધારે અર્થઘટનો શક્ય બનતાં હોય છે.

Three Girls જ્યોતિભાઈની જાણીતી છબીઓમાંની એક છે. દિવાલને અઢેલીને ઊભેલી ત્રણેય બાળકીઓનાં વસ્ત્રો અને ઘરેણાં આપણું તરત જ ધ્યાન ખેંચે. એમાં એકવિધતા પણ છે અને વિવિેધતા પણ. એકવિધતા એ ત્રણેય બાળકીઓને એક જાતિસમૂદાયમાં બાંધી રાખે છે અને વિવિધતા ત્રણેય બાળકીઓને પોતપોતાની અલગ ઓળખ બતાવે છે. જ્યોતિભાઈએ આ છબીમાં એક અદ્‌ભૂત પળ પકડી છે. ત્રણેય બાળકીઓનાં હાથપગની મુદ્રાઓ એકબીજાથી કેટલી બધી જુદી પડે છે! એટલું જ નહીં, ત્રણેયની નજર પણ નથી તો કેમેરા સામે કે નથી તો કેમેરામેન સામે. બાળસહજ નિર્દોષતાની પણ આપણે તરજ નોંધ લઈએ. ઉપર ભીંતમાંના પાંચ કાણાં ના હોત તો કદાચ આ છબી આપણને જરાક મૂંગી લાગત. ત્રણેય બાળકીઓની કમરની સમાન્તરે પડેલી તિરાડ બાહોશ viewersની નજર તરત જ નોંધી લેશે. આ છબીમાં પણ જ્યોતિભાઈએ વાસ્તવવાદી અભિગમ અપનાવ્યો છે. પણ એ કોઈ વ્યક્તિ વિશેષની વાસ્તવિકતા નથી. એ એક જાતિસમૂદાયનાં બાળકોની વાસ્તવિકતા છે. જો કે, હવે આ પ્રકારનું શૈશવ ધીમે ધીમે અદૃશ્ય થતું જાય છે.

૧૯૭૩માં લેવાયેલી ‘વાઘ અને વાછરડું’ છબી સાચે જ અદ્‌ભૂત છે. વાછરડું સજીવ, વાઘ નિર્જીવ. એક શાન્ત બીજું હિંસક. વાછડું એક ખૂણામાં ઊભું છે. વાઘ એ ખૂણો રચતી એક ભીંત પર. વાઘ જાણે કે હમણાં જ વાછરડા પર તૂટી પડશે. પણ પછી આપણને ખ્યાલ આવી જાય છે કે ઓહ્, વાઘ તો ચિતરેલો છે. વાઘના માથા પરનો ગોખલો છબીને એક જુદું જ પરિમાણ આપે છે.

આ છબી જોતાં જ મને હોળીના દિવસો યાદ આવી ગયા. અમારે ત્યાં પણ હોળીના એક મહિના પહેલાં જાહેરમાં ઢોલ મૂકવામાં આવતા. ગામમાં જે કોઈ નવરું હોય એ ત્યાં જઈને હોળીનો ઢોલ વગાડતું અને લોકો ઘરની બહાર નીકળતા ત્યારે સાથે પાવો (અમે ‘પીહો’ કહેતા) લઈને નીકળતા. ગામમાં, સીમમાં સતત પાવા વાગતા. ઢોલ વાગતા. અહીં પણ એક જુવાન પાવો વગાડી રહ્યો છે. ક્લોઝ અપના કારણે આપણે ઘણી બધી વિગતો જોઈ શકીએ છીએ. પાવા પરની દોરીઓ (પટ્ટીઓ), પાવો વગાડનારની આંગળીઓ, એની મૂંછો, આંખો, આંગળી પરના વેઢ. એની નજર ફ્રેમની બહાર. પણ કોઈની સામે નહીં. બસ, અપની ધૂનમેં. પાછળ ભીંતને અઢેલીને બેઠેલાં બે બાળકો અને એક સ્ત્રી. કદાચ મા અને એનાં સંતાનો. બધાં જ આરામના modeમાં. આ પણ ભારતીય સંસ્કૃતિનું એક ચિત્ર. આધુનિકીકરણ અને હવે ગ્લોબલાઈઝેશનના કારણે આવી ક્ષણો હવે દુર્લભ બનતી જાય છે. કેટલીક છબીઓ જેમ જેમ જુની થતી જાય એમ એમ viewerના સમય સાથે વધિને વધુ વિરોધાભાસ ઊભો કરે. આ છબી એમાંની એક.

 

Advertisements

1 thought on “જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૪-છબિકાર જ્યોતિભાઈ-૪ (શ્રી બાબુ સુથાર)

 1. મા બાબુભાઇના રસદર્શન સાથે ધૂળધોયા મા શ્રી છબિકાર જ્યોતિભાઈની લોકકળા સાથે માનવજીવનનું અદભૂત દર્શન થયું.
  ૧ પઠાણી વસ્ત્રમા સાયકલ સાથે આપણી તરફ જોતા છોકરાઓની પાછળ ભીંત અને ભીંત પર લોકકળા, મુસ્લિમ સમૂદાયની… આ વિષયમાં તેને લગતી તમામ બાબતોમાં તેમનું જીવન ઓતપ્રોત હોવાથી તેની બારીક બાબતોને તેઓ ખૂબીપૂર્વક પકડી શકયા છે
  આને આપણી સમક્ષ મુકી શકયા છે.
  ૨ બાળસહજ નિર્દોષ. ત્રણેય બાળકીઓની કમરની સમાન્તરે પડેલી તિરાડ એક જાતિસમૂદાયનાં બાળકોની વાસ્તવિકતાની એવી બાબતો કે વિગતો કે જે કંઠો-પ-કંઠ કહેવાતી હતી તે છબીસ્થ થતાં ભાવી પેઢીઓ સુધી તેનો લાભ વિસ્‍તરતો રહેશે.
  ૩ ‘વાઘ અને વાછરડું’ છબી … માનવ પણ સૃષ્‍ટી તથા પ્રાણી સૃષ્‍ટીના પરસ્‍પરના સંબંધો તથા એકબીજા તરફનું અવલંબન સ્‍પષ્‍ટ છે તેમ જોઇ શકાય છે.અશ્વ હોય, સિંહ હોય કે માનવજીવનમાં અમી સિંચન કરતા ગાય-ભેંસ-બળદ જેવા ધરેલું પ્રાણીઓ હોય તે તમામનું સ્‍થાન અને માન લોક છબીમા ભરપૂર રીતે સચવાયા છે. આપણી ભાષાના ખૂબ મોટા ગજાના કવિ શ્રી ઉમાશંકર જોશીએ માનવીનો સમગ્ર સૃષ્‍ટીના પર્યાવરણ સાથે નો સંબંધ આલેખતા સુંદર શબ્દો લખ્‍યા છેઃ
  વિશાળ આ જગ વિસ્‍તારે નથી એકજ માનવી
  પશુ છે પંખી છે પુષ્‍પો, વનોની છે વનસ્‍પતિ !
  ૪ ‘…આધુનિકીકરણ અને હવે ગ્લોબલાઈઝેશનના કારણે આવી ક્ષણો હવે દુર્લભ બનતી જાય છે.’
  તેવી ક્ષણ સાંપ્રતસમયે જોવા મળી !
  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવા બનેલા મહિસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસીઓએ ભેટ ધરેલો પાવો(પીહો) વગાડીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અહીંના આદિવાસી લોકોના સૂર સાથે સૂર મેળવીને વગાડેલા પાવાને સાંભળીને જનમેદની પણ મોદીના સૂરથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
  કોઇપણ વિષયની તલસ્‍પર્શી છણાવટ આવા અભ્‍યાસપૂર્ણ લેખોથી થાય તો તે ખરા અર્થમાં સરસ્‍વતીની ઉપાસના છે. સમાજજીવન તેનાથી હરિયાળુ બને છે.

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s