Monthly Archives: ઓક્ટોબર 2018

હરખ હવે તું હિંદુસ્તાન ( પી. કે. દાવડા )

હરખ હવે તું હિંદુસ્તાન

 

બ્લોગમા પોતાની રચના મુકનારા મોટાભાગના લોકો પાતાની રચનાના લોકોને ગમી કે નહિ તે જાણવા લોકોના પ્રતિભાવની વાટ જોતા હોય છે. ઘણાં બ્લોગ્સમાં મોટાભાગની કૄતિઓની નીચે Comments  0  Like  0 જોવા મળે છે. લખનારા નિરાશ થાય છે. મેં આ બાબતમા ઊંડો વિચાર કર્યો ત્યારે મને સમજ પડી કે આવું કેમ થાય છે. હકિકત એવી છે કે આપણે ગુજરાતીઓ સારી વસ્તુઓના આદિ છીએ. સારી વસ્તુ મળવી એ આપણા માટે સહેજ છે. આપણો એ હક્ક છે. એટલે સારી વસ્તુ મળે ત્યારે આપણે કાંઈ બોલતા નથી. જ્યારે પણ કોઈ હલકી વસ્તુ મળે ત્યારે જ આપણે અવાજ ઊઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, ટીકા કરીએ છીએ.

ઉદાહરણ તરીકે ગુજરાતીઓ સિનેમા જોઈને થિયેટરમાંથી બહાર નીકળે ત્યારે જો પિક્ચર ગમ્યું હોય તો હસીખુસીથી ચુપચાપ ઘરે જતા રહે છે. જો પિક્ચર ન ગમ્યું હોય તો બહાર નીકળીને બડબડે છે, તદ્દન બેકાર હતું, પૈસા પડી ગયા. એટલે કે કંઈ ન બોલે તો સારૂં હતું.

હવે Silent Majority શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. સારી વસ્તુ માટે ગુજરાતીઓ Silent Majority છે. એટલે બ્લોગના પચીસ હજાર મેમ્બરોમાંથી જો કોઈ પણ ન લખે કે આ બ્લોગ-પોસ્ટ બેકાર છે, મને તો જરા ય ન ગમી, તો સમજવું કે તમારી કૃતિ બધાને ગમી છે. જેણે પણ તમારી કવિતા કે તમારો લેખ વાંચ્યો એ એનાથી ખૂશ છે. એ રચનાની વિરૂધ્ધમા એમને કંઈપણ કહેવું નથી.

બસ થઈ ગયું ને સમાધાન? એક સાથે પચીસ હજાર પ્રતિભાવ મળી ગયા કે અમને તમારી રચના ગમી છે. બસ લેખકોને અને કવિઓને મારે આ જ્ઞાન કરાવવાની જ જરૂર હતી. તો હવેઃ

કવિ-લેખકોને થઈ ગયું જ્ઞાન,

હરખ  હવે   તું    હિંદુસ્તાન.

-પી. કે. દાવડા

(૬ જાન્યુઆરી ૨૦૧૧)

મેં આ લેખ ૨૦૧૧ માં બીજા એક બ્લોગ માટે લખ્યો હતો. આજે જ્યારે મારા આંગણાંમાં ૩૦૦૦ થી વધારે કોમેન્ટસ અને ૬૦૦૦ થી વધારે લાઈક આટલા ટુંકા સમયમાં આવી ગયા છે, ત્યારે હું વિચારૂં છું કે મારે આ લેખ મારા સંગ્રહમાંથી Delete કરવો જોઈએ કે નહીં? આટલા ટુંકા સમયમાં આંગણાંમાં ૫૦,૦૦૦ થી વધારે મુલાકાતીઓ આવી ગયા છે, અને હવે રોજના મુલાકાતીઓની સંખ્યા Steadily વધી રહી છે.

 

 

 

 

Advertisements

શિલ્પ (Sculpture)-૩-(નરેન્દ્ર પટેલ-૨)

શ્રી નરેન્દ્ર પટેલનું શિલ્પ એક Abstract શિલ્પ છે. ધાતુના પતરાંમાંથી બનાવેલા ત્રણ ત્રિકોણનું બનેલું છે. સામાન્ય રીતે ત્રિકોણ એના પાય ઉપર ઊભું રાખવામાં આવે છે કારણ કે એની કુદરતી સમતુલ મુદ્રા છે (Stable Equilibrium). પણ અહીં ત્રણે ત્રિકોણને ઊંધા, એટલે કે એના ટોચના બિંદુ (Vertex) ઉપર ઊભા કરવામાં આવ્યા છે. Free Standing દશામાં ત્રિકોણ રીતે ઊભા રહી શકે, એટલા માટે જમીનમાં કોંક્રીટના મજબૂત પાયા બનાવી, એની સાથે નટબોલ્ટની મદદથી પડકી રાખવામાં આવ્યા છે. ચોથા પતરાને કદાચ આ ત્રણ ત્રિકોણ સાથે વેલ્ડીંગ કરી અધ્ધર મૂકવામાં આવ્યું છે.

ત્રિકોણો માટે લાલ અને કાળા રંગનો  ઉપયોગ કરવામાં આવ્યો છે. શિલ્પ એટલું મોટું છે કે બાળકો એની ફરતે નહીં, એની અંદરથી પણ પસાર થઈ શકે છે. શિલ્પની નજીક એક તક્તી ઉપર “ Celebrating the Arts/ Created by Narendra Patel/ as a tribute to/ Linda Nice/ Beloved Music teacher/ Roosevelt Middle School of the Arts/ Dedicated on October 12, 1989.” લખેલું છે. શરૂઆતમાં તો રાતે એને રોશનીથી ચમકાવવામાં આવતું, પણ કોઈએ તોડફોડ કર્યા પછી રોશની બંધ કરવામાં આવી છે.

શિલ્પમાંથી કોઈ સંદેશનો અંદાઝ આવવો મુશ્કેલ છે. ત્રિકોણોને એની ટોચ પર ઊભાં રાખીને એમણે આપણી કોઠાસૂઝને પડકારી છે. દરેક જોનાર પોત પોતાના વિચારો અનુસાર અંદાઝ લગાવી શકે. મારા મનમાં જે વિચાર આવ્યો છે અનુસાર શિલ્પનો સંદેશો છે કે જીવનની અસ્થિરતા ટાળવા, પગ મજબૂત રીતે જમીનમાં રાખો, અને એક્બીજાનો સહારો લ્યો તો તમારા જીવનના રંગોમાં પણ નિખાર આવશે.

૧૯૮૯ માં તૈયાર કરેલું શિલ્પ ૨૦ ફુટ ઊંચું, ૧૪ ફૂટ પહોળું અને ૬ફૂટ ઊંડું છે. તૈયાર કરવા માટે બે ટન લોખંડના પતરાં વપરાયાં છે અને એને જોડવા માટે વેલ્ડીંગ કરવામાં આવ્યું છે.

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ (પી. કે. દાવડા)

(મારો આ લેખ ૫ મી મે ૨૦૧૪ માં સૌ પ્રથમ અક્ષરનાદમાં પ્રગટ થયો. ત્યાર બાદ વખતો વખત બ્લોગ્સમાં અને પ્રિન્ટ મિડીયામાં પ્રગટ થતો રહ્યો છે. આજે સરદારની જન્મ જયંતિ અને એમના ભવ્ય સ્મારકને અનુલક્ષીને આંગણાંના મુલાકાતીઓ માટે ફરી રજૂ કરૂં છું-પી. કે. દાવડા)

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ                                            

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાંમોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંધ પણ બનાવી શકો છો.

આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી.

એમણે એક તરફ આ રજવાડાંઓની પ્રજામા દેશપ્રેમની ભાવના જગાડી તૈયાર કર્યાં અને બીજી બાજુ રાજાઓને ભારતમા જોડાઈ જવામાં જ તેમનું હિત છે તે સમજાવવાનું શરૂ કર્યું. રાજાઓને એમણે સમજાવ્યા કે ભારતમાં તમારા રાજ્યના વિલય બાદ પણ તમારો માન–મરતબો જાળવી રખાશે. તમારાં સંબોધનો અકબંધ રહેશે. તમારી રહેણીકરણી ટકાવી રાખવા તમને સાલિયાણું આપવામા આવશે. તમારી આવગી સંપત્તિ અને તમારા રાજમહેલ તમારી માલિકીના જ રહેશે. પ્રજા ભારતમા જોડાવા માગતી હોય અને તમે આમાં સહકાર આપશો તો પ્રજામાં તમારો આદરભાવ વધશે.

મોટા ભાગનાં રજવાડાં તો તરત તૈયાર થઈ ગયાં. જે આનાકાની કરતાં હતાં તેમને સરદારે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સખત ભાષામા ચેતવણી આપી. ત્રણ રાજ્યો, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાયનાં બધાં માની ગયાં.

જો સરદારે કુનેહ અને પોતાની લોહપુરુષ તરીકેની છબીનો ઉપયોગ ન કર્યો હોત તો દેશ અનેક ટુકડામાં વહેંચાઈ જાત.

આઝાદી પહેલાં પણ સરદારના સંબંધો આ રાજાઓ સાથે સારા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યોમાં. સરદાર કાઠિયાવાડ રાજકીય પરિષદ, ભાવનગર પ્રજા પરિષદ અને વડોદરાના પ્રજામંડળના પ્રમુખ હતા. અનેક રાજ્યોની પ્રજાનાં મંડળોના તેઓ સંપર્કમા રહેતા.

૫મી જુલાઈ, ૧૯૪૭ના દિવસે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સરદારને સોંપવામાં આવ્યું. સરદારે વી. પી. મેનન અને લૉર્ડ માઉંટબેટનની મદદથી રાજાઓ સાથે વાટાઘાટ શરૂ કરી દીધી. એમણે રાજાઓને કહ્યું કે રક્ષાખાતું, વિદેશખાતું અને સંચાર વ્યવસ્થા (ટપાલ અને રેલવે) આ ત્રણ ખાતાં ભારત સરકારને સોંપી દ્યો અને બાકીનાં ખાતાંઓનો વહિવટ તમે જ ચલાવો.

આઝાદીની શરૂઆતમાં જ સરદારની ઇચ્છા રાજાઓ સાથે અથડામણમાં આવવાની ન હતી. રાજાઓમાં પણ સરદારે દેશપ્રેમની ભાવના જગાડી અને એમના હિતોનું પોતે ધ્યાન રાખશે એવી ખાતરી આપી.

ત્રણ રાજ્યોને છોડી બાકીનાં રાજ્યો સરદારની વાત માની ગયાં. સરદારે જરા પણ સમય ગુમાવ્યા વગર બધાં સાથે કરાર કરી લીધા. આટલું મોટું કામ સરદારે ૫મી જુલાઈ,૧૯૪૭ અને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના ગાળામાં કરી લીધું. જયારે જ્યારે કંઈ અડચણ આવી ત્યારે સરદારે ત્વરિત નિર્ણયો લીધા, જરૂર પડી ત્યાં નેહરુને વિશ્વાસમા લીધા. નેહરુ નહિ માને એવું લાગ્યું ત્યાં ત્યાં સીધા ગાંધીજી પાસેથી મંજૂરી લઈ લીધી. ક્યારેક લૉર્ડ માઉંટબેટનને વચ્ચે રાખી નેહરુને મનાવી લીધા.

૧૬મી ડીસેંબર, ૧૯૪૭ના રોજ સરદારે એક નિવેદન દ્વારા રજવાડાંઓનો આભાર માન્યો. ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ની એક પ્રેસ કોન્ફરંસમાં કહ્યું કે જાગૃત પ્રજા અને રાજાઓના સહકારથી આ બધું શક્ય થયું.

 સરદારની આ સફળતા પાછળ એક કારણ એ હતું કે રાજાઓને વિશ્વાસ હતો કે સરદાર વચનના પાકા છે. બીજા રાજદ્વારી લોકોની જેમ વચન આપી ફરી જાય એમાંના સરદાર ન હતા. એમણે એમનાં સાલિયાણાંનો હક્ક બંધારણ દ્વારા આપ્યો એટલું જ નહિ પણ યોગ્ય રાજાઓને રાજપ્રમુખ, ગવર્નર, એલચી, વગેરે સ્થાને નિમ્યા. રાજ્ય સોંપી દીધા પછી પસ્તાવાનો વારો ન આવે એ બાબત પ્રત્યે સરદારે ખાસ ધ્યાન આપ્યું.

વી.પી.મેનનની સલાહથી સરદારે પહેલાં માત્ર ત્રણ બાબતો કેન્દ્રને સોંપવાની વાત કરી, કારણ કે સરદાર જાણતા હતા કે એક વાર આ ત્રણ વિષયમાં ભારત એક રાષ્ટ્ર બની જાય, ત્યાર બાદ બધું આપોઆપ થાળે પડશે.

 કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બધાં રજવાડાં તો ભારતમાં જોડાઈ ગયાં પણ જૂનાગઢે મુસીબત ઊભી કરી. જૂનાગઢની ૮૫ ટકા વસ્તી હિન્દુ હતી પણ નવાબ મુસ્લિમ હતા. જૂનાગઢ ચારે તરફથી તો ભારત સાથે ભળેલાં રાજ્યોથી ઘેરાયેલું હતું, માત્ર વેરાવળ બંદર દ્વારા પાકિસ્તાન સાથે સંપર્કમા રહી શકે એમ હતું. શાહ નવાબ ભુટ્ટો નામના પ્રધાનની ચડામણીથી નવાબે ઝીણા સાથે પાકિસ્તાનમાં જોડાવા માટેના કરાર કરી લીધા.

પ્રજામાં ખળભાટ મચી ગયો. સરદારે ભારતીય સેનાને જૂનાગઢને ચારબાજુથી ઘેરી લઈ નાકાબંધી કરવાનો હુકમ આપી દીધો. સરદારે વી.પી. મેનનને મોકલી, નવાબને સખત ચેતવણી આપી. નવાબ પોતાના કુટુંબ અને લઈ જવાય એવી મિલકત લઈ પાકિસ્તાન નાસી ગયા. સરદારની મંજૂરી લઈ શામળદાસ ગાંધી અને અન્ય નેતાઓએ આરજી હકુમતના નામે સરકારની સ્થાપના કરી જૂનાગઢ પર ચડાઈ કરી. દીવાન ભુટ્ટોએ પાકિસ્તાનની મદદ માંગી, પણ પાકિસ્તાને કોઈ મદદ મોકલી નહિ. આખરે ૨૭મી ઓકટોબરે ભુટ્ટોએ ભારત સરકારને જૂનાગઢનો કબજો લેવાનો સંદેશો મોકલ્યો અને પોતે પાકિસ્તાન નાસી ગયા. સરદારે ત્યાંની પ્રજાનો મત લઈ, જૂનાગઢનો વિલય ભારતમા કરી દીધો.

 જૂનાગઢના પ્રશ્નનો નિકાલ લાવી સરદારે હૈદરાબાદ ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું. અહીં પણ ૮૬ ટકા પ્રજા હિન્દુ હતી પણ નિઝામ મુસ્લિમ હતા. નિઝામની ઇચ્છા ભારત અને પાકિસ્તાનની જેમ ત્રીજું સ્વતંત્ર રાજ્ય રચવાની હતી. હૈદરાબાદ પણ ચારે તરફથી ભારતીય પ્રદેશોથી ઘેરાયલું હતું અને એનું કોઈ બંદર પણ ન હતું. સરદારની સંમતિથી નિઝામ સાથે વાટાઘાટ કરવાનું કામ લૉર્ડ માઉંટબેટનને સોંપાયું. સરદાર સંમતા હતા કે માઉંટબેટન વચ્ચે હશે તો આંતરાષ્ટ્રીય દબાણ નિવારી શકાશે. તે સિવાય નિઝામના મુખ્ય સલાહકાર વોલ્ટર મોંક્ટન માઉંટબેટનના મિત્ર હતા. 

જુલાઈ, ૧૯૪૭માં નિઝામ સાથે વાટાઘાટો શરૂ થઈ, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ શકી નહિ. ૨૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદારે માઉંટબેટનને એક પત્ર દ્વારા જણાવ્યું કે નિઝામને જણાવી દો કે અન્ય રાજ્યો જે શરતે ભારતમાં જોડાયાં છે તે જ શરતે હૈદરાબાદે ભારતમા જોડાવું પડશે. માઉંટબેટન સાથેની વાટાઘાટ નિષ્ફળ ગઈ.

છેવટની વાટાઘાટો સરદારે પોતાના હાથમા લીધી. નિઝામના નજ્દીકી ગણાતા રજાકાર કાસિમ રિઝવી સરદારને મળવા આવ્યા. રિઝવીએ ધમકી આપી કે જો ભારત સરકાર દબાણ કરશે તો હૈદરાબાદ છેલ્લા શ્વાસ સુધી લડી લેશે. સરદારે સણસણતો જવાબ આપતાં કહ્યું, જો તમારે આપઘાત કરવો હોય તો તમને કોણ રોકી શકે? 

થોડા સમય બાદ, સરદારે નેહરુને જણાવ્યું કે નિઝામે વિના શરતે ભારતમાં વિલય થવાનું કબૂલ કરવું જોઈએ. સરદારે ભારતની સેનાને તૈયાર રહેવા જણાવ્યું. નેહરુ આનાકાની કરતા હતા પણ સરદાર મક્કમ હતા. ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ ભારતની સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો. ત્યારના ગવર્નર જનરલ

સી. રાજગોપાલાચારીએ સરદારના હુકમને કાયદેસર કરવા કેબિનેટની મિટિંગ બોલાવી અને મંજૂરીની મહોર મારી દીધી.

એક અઠવાડિયામાં હૈદરાબાદ કબજે કરી લેવામાં આવ્યું.

કાશ્મીરનો પ્રશ્ન જરા અલગ હતો. અહીં મુસ્લીમોની સંખ્યા વધારે હતી પણ રાજા હિંદુ હતા. કશ્મીરની સીમાઓ ભારત અને પાકિસ્તાનને સરખી લાગતી હતી. જે આધાર ઉપર ભાગલા પાડવામા આવ્યા હતા, એ આધાર પ્રમાણે કશ્મીરના મહારાજા જો પાકિસ્તાનમાં જોડાવાનું પસંદ કરે તો ભારત વાંધો ન લેત. પણ નિઝામની જેમ મહારાજા પણ સ્વતંત્ર રાજ્યનાં સપનાં સેવતા હતા. તક જોઈને પાકિસ્તાને કબાલીઓ સાથે મળી કાશ્મીર પર હુમલો કર્યો. મહારાજા ડરીને નાસી જવાની તૈયારીમાં હતા. સરદારે તરત વી.પી. મેનનને મોકલી પરિસ્થિતિ સંભાળવા કહ્યું. મેનને મહારાજાને કુટુંબ સાથે જમ્મુ ચાલ્યા જવાનું કહ્યું, અને દિલ્હી જઈ સરદારને પરિસ્થિતિની જાણ કરી. સરદારે નેહરુ અને માઉંટબેટનને ભારતીય સેના મોકલવા સલાહ આપી. માઉંટબેટને કહ્યું કે મહારાજા ભારતમા વિલયના દસ્તાવેજ પર સહી ન કરે ત્યાં સુધી આમ કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ જશે. સરદારે તરત વી.પી.મેનનને મોકલી મહારાજાના દસ્તખત મેળવી લીધા. તેમ છતાં નેહરુ પૂરી રીતે તૈયાર નહોતા. સરદારે કહ્યું કે હવે કાશ્મીરનું રક્ષણ કોઈ પણ ભોગે ભારતે કરવું જ જોઈએ, નહિ તો બીજા પ્રદેશોનો ભારત પરથી વિશ્વાસ ઊઠી જશે. ભારતીય સેનાની અજોડ કારવાઈથી હુમલાખોરો પીછેહઠ કરવા લાગ્યા. સરદાર કાશ્મીરનું ભૌગોલિક મહત્ત્વ સમજ્તા હતા એટલે કાશ્મીરનો મુદ્દો પોતે જ ઉકેલવા માગતા હતા પણ નેહરુએ ઇચ્છા વ્યક્ત કરી કે આ પ્રશ્નનો ઉકેલ મને કરવા દો. સરદાર સંમત થયા. પરિણામ શું આવ્યું તે આપણે બધા જાણીએ છીએ.

ભારતના ઇતિહાસમાં સરદારનું નામ ભારતના ટુકડા થતાં બચાવનાર તરીકે અને અખંડ ભારતનું નિર્માણ કરનાર તરીકે અમર રહેશે.

-પી. કે. દાવડા

  શબ્દોનું ધોવાતું મૂલ્ય (પરભુભાઈ મિસ્ત્રી)

  શબ્દોનું ધોવાતું મૂલ્ય

સાક્ષાત્કાર, સત્સંગ, પ્રભાવ, યાત્રા, પ્રવાસ, મુસાફરી વગેરે  અનેક શબ્દોનો જીવનમા પહેલીવાર પરિચય થયો અને જે અર્થ સમજેલા તેના અર્થો આજે સમૂળગા બદલઈ ગયેલા લાગે છે. સાક્ષાત્કાર એટલે મહાન ભક્તોને ભગવાન રૂબરૂ, સદેહે આવીને દર્શન આપે તે. પ્રભાવશાળી એટલે સામેની વ્યક્તિને આંજી નાંખે, ચકિત – મોહિત કરી નાખે તેવું વ્યક્તિત્વ એવો સામાન્ય ખ્યાલ વર્ષો સુધી માનસપટ પર રહ્યો. યાત્રા એટલે જાત્રા. એમાં તો ધાર્મિક સ્થળો જ આવે. પ્રવાસ એટલે એટલે અઠવાડિયા-દસ દિવસનો ઐતિહસિક કે પ્રાકૃતિક જોવા લાયક સ્થળોની મુલાકાત લેવાનો કાર્યક્રમ. મુસાફરી લાંબી હોય; દૂર દૂરના સ્થળે પહોંચવાની. ચીનના શ્યેન ચાંગ અને મેગેસ્થનિસ જેવા જિજ્ઞાસુ મુસાફરો હિંદુસ્તાનમાં આવેલા અને અનેક વિટંબણા વેઠીને નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠોની મુલાકાત લઈ જ્ઞાન સંપાદન કરીને ગયેલા. દેશમાં પણ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતી વખતે અનેક નદી, નાળાં, ડુંગરા, રણપ્રદેશ કે કેડી વગરના બિહામણાં જંગલોમાંથી પસાર થવાનું રહેતું. મુસાફરી ભારે કષ્ટદાયક.  વિદ્યાપીઠની જગ્યાએ હવે વિશ્વવિદ્યાલય (યુનિવર્સીટી) શબ્દ વધારે છૂટથી વપરાતો થયો છે. ક્યારેક એવો પણ પ્રશ્ન મનમાં જાગે કે અમુક તમુક વિદ્યાસંસ્થાને વિશ્વ સાથે કે યુનિવર્સ જોડે શો સંબંધ? તે સંસ્થા માણસને યુનિવર્સ સાથે જોડવાનું કામ કામ ખરેખર કરે છે ખરી? જો તે વિશ્વ- યુનિવર્સ જોડે સંબંધ જોડતી ન હોય કે યુનિવર્સ સાથેનો સંબંધ સમજાવવાનું કામ કરતી ન હોય તો આટલું મોટું નામ શા માટે ધારણ કરતી હશે?

નિરાકાર ભગવાન સૃષ્ટિના નિયમો બદલીને દેહ ધારણ કરીને ભક્તને દર્શન આપે, જે લગભગ અશક્ય જ છે છતાં, એવો દાવો કરનારા દુનિયામાં હોય જ છે કે અમારા ગુરુ મહારાજને ભગવાને સાક્ષાત્ દર્શન આપેલાં! જીવ અને શિવનું મિલન એટલે પતિ પત્નીનું સ્નેહમિલન, એની તે વળી જાહેરાત કરવાની હોય? કોણ જોવા ગયું એ ગુપ્ત ક્ષણ? ખેર, એ વિવાદાસ્પદ વાતો જવા દઈએ, પણ આજે સાક્ષાત્કાર શબ્દ ઈન્ટર્વ્યુ માટે વપરાય છે! નેતાઓ પત્રકારોને સાક્ષાત્કાર માટે સંમતિ આપે છે, ઉદ્યોગગૃહો નોકરીવાંચ્છુઓને સાક્ષાત્કાર માટે બોલાવે છે! સાક્ષાત્કાર શબ્દનું અવમૂલ્યન થયું છે કે પછી એનો વાસ્તવિક અર્થ જ આટલો સીમિત  હશે?

સત્સંગ એટલે એવી સભા કે જ્યાં સત્ એટલે કે ઈશ્વરના જીવ પરના અગણિત ઉપકારો બદલ કૃતજ્ઞભાવે સ્તુતિગાન થતું હોય, દૈવી ગુણોના વર્ણન શ્રવણ દ્વારા એ ગુણો યત્કિંચિત્ જીવનમાં આત્મસાત કરવાના નમ્ર પ્રયાસો થતા હોય તેને સત્સંગ કહેવાય, પણ બજારમાં નીકળ્યા હોઈએ અને કોઈ મિત્ર રસ્તે મળી જાય અને અડધો કલાક ગપાટે ચડી જવાય તેને પણ લોકો સત્સંગ કર્યો એમ કહે ત્યારે કેવું લાગે? હદ તો ત્યારે થઈ કહેવાય કે કોઈ બદચલન પુરુષ રાત્રે ઘરે મોડો આવે કોની જોડે સત્સંગ કરવા ગયો હતો એમ પૂછવામાં આવે! બધા જ સંગને સત્સંગ થોડા કહેવાય? ખરો શબ્દ કયો, સત્સંગ કે સંત સંગ?

નદીઓમાં પૂર આવે અને અનેક ગામો તારાજ થઈ જાય, અખબારોમાં અહેવાલ આવે કે પૂરના કારણે પ્રભાવિત ગામો માટે રાહત કાર્યો શરૂ કરાયાં છે. અહીં પ્રભાવિત એટલે ખરાબ રીતે અસરગ્રસ્ત. અટલબિહારી વાજપેયીની વાક્છટા સંસદને પ્રભાવિત કરતી એમ કહેવાય ત્યારે એવું સમજાય કે એમની વાણી આકર્ષક, સંમોહિત કરનારી અને દિલ- દિમાગ પર છવાઈ જનારી રહેતી. ત્યારના વડાપ્રધાન ઈંદિરા ગાંધી પણ એમની વક્તૃત્વ શૈલીના વખાણ કરતા. સંવેદનશીલ અને જ્વલનશીલ શબ્દો વચ્ચે અર્થભેદ છે. હુલ્લડ થવાની શક્યતા હોય તેવા વિસ્તારોને સંવેદના સાથે શું લાગે વળગે? એવા વિસ્તારોને કે એવી વસતિને સ્ફોટક કે હાઈલી ઇંફ્લેબલ કહેવા વધારે ઉચિત ન ગણાય?

શું હાર હંમેશાં કારમી જ હોય? સન્માનજનક હાર હોઈ જ ન શકે? છેલ્લી ઘડી સુધી, છેલ્લી ઓવર અને છેલ્લા બોલ સુધી લડાયક સામનો કીધા પછી કોઈ ટીમ એક રનથી મેચ ગુમાવી દે તોય તે કારમો પરાજય પામી કહેવાય, અને માત્ર એક જ રનથી જીતી જનારી (હારતાં હારતાં માંડ બચી જનારી) ટીમે ભવ્ય વિજય મેળવ્યો એમ કેવી રીતે કહી શકાશે? ભવ્ય વિજય અને કારમા પરાજય વચ્ચે માત્ર એક જ રનનું અંતર!

આપણે કોઈ પણ વ્યક્તિના નામની આગળ ખૂબ સ્વાભાવિકતાથી  ‘શ્રી‘ લખીએ છીએ, પણ દૂરદર્શન પર રામાયણ સિરિઅલ જેમણે જોઈ હશે તેમને યાદ હશે કે, જ્યારે જ્યારે રાવણનો કોઈ દૂત પ્રભુ રામચંદ્રજીનો ઉલ્લેખ કરતી વેળા ‘શ્રી રામ‘ બોલવા જાય કે તરત જ રાવણના પગ પર સળગતો અંગારો પડ્યો હોય કે પછી એકાએક વિંછીએ ડંખ માર્યો હોય તેમ ચિલ્લાઈને ગુસ્સામાં બોલી ઊઠે છે કે,” શત્રુકો  ‘શ્રી‘ મત કહો!” – આખરે એ શ્રી શબ્દમાં એવાં તે કયાં ગુણવાચક વિશેષણો છૂપાયેલાં છે કે રાવણથી પ્રભુ રામચંદ્રને અપાયેલું ‘શ્રી‘ કહીને અપાયેલું સન્માન સહન થઈ શકતું નથી? હકીકતમાં, આપણે જેમને અવતારી પુરુષ તરીકે પૂજીએ છીએ એ ઐતિહાસિક મહામાનવો રામ અને કૃષ્ણના નામની  આગળ ‘શ્રી‘ જેટલું શોભે છે તેટલું અન્ય કોઈના નામ આગળ નથી શોભતું. શ્રીસૂક્તનો પાઠ કરનારા ભાવિકજનોને તો ખબર હશે જ કે શ્રી એટલે માત્ર ધનલક્ષ્મી જ નહિં, પણ તમામ ઐશ્વર્ય, સૌંદર્ય, પરાક્રમ, કીર્તિ અને ગુણોનો ખજાનો. આપણે તો કોઈ પણ છગનલાલ, અમથાલાલ કે ફોગટલાલના નામ આગળ પણ ઉદારતાથી શ્રી વિશેષણ લગાડતા આવ્યા છીએ.

જગદ્ ગુરુ શબ્દને બહુ મોટી કીંમત છે. જીવનના દરેક તબક્કામાં, સંસારની તમામ બાબતોમાં આપણું માર્ગદર્શન કરવાની જેનામાં યોગ્યતા હોય તેને જગદ્ ગુરુની પદવી આપી શકાય. માત્ર અધ્યાત્મમાં માર્ગદર્શન કરનારને જગદ્ ગુરુ કહેવામાં ઉતાવળ કરેલી ગણાય. સંતાન તરીકે, મિત્ર તરીકે, વિદ્યાર્થી તરીકે, શિક્ષક તરીકે, માતા-પિતા તરીકે, જીવનસાથી તરીકે, ભાઈ તરીકે, શત્રુ તરીકે, પ્રેમી તરીકે, શાસક તરીકે, મુત્સદ્દી તરીકે, સલાહકાર તરીકે, અનુભવી માર્ગદર્શક તરીકે, સમાજચિંતક તરીકે, કુશળ અર્થશાસ્ત્રી તરીકે… ટૂંકમાં, જીવનના પ્રત્યેક ઓરડા અજવાળીને જેણે ઉચ્ચતમ આદર્શ ઊભા કરી સમસ્ત વિશ્વની પ્રજાને ઈહલોક અને પરલોકનું કલ્યાણ ચીંધનારો રસ્તો દેખાડયો હોય તેને જગદ્ ગુરુની પદવી આપી શકાય. વિશ્વની અબજોની વસતિ પૈકી  અમુક હજાર જીવોના આધ્યાત્મિક ગુરુને જગદ્ ગુરુ કેવી રીતે કહી શકાય?

યાત્રા એટલે તીર્થયાત્રા. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં તીર્યાત્રાએ મોટો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું એ જબરદસ્ત હથિયાર છે. અસલના વખતમાં સંસારના વળગણોથી મુક્ત થઈ, ભૌતિક જીવન વહેવારમાંથી નિર્માણ થતી વાસના અને વિકારોની મલીનતાને ધોવા માટે મનને શુદ્ધ અને પવિત્ર કરવાના આશયથી તીર્થયાત્રાઓ યોજાતી. ભગવાનનું નામ સંકીર્તન કરતો કરતો આખો સંઘ યાત્રાએ નીકળતો. સાંજ પડે એટલે જે ગામ કે વસતિ સમુદાય આવે ત્યાં રાતવાસો કરતો. રાત્રે લોકો તીર્થયાત્રીઓને મળવા જતા. સત્સંગ તો થતો જ, સાથે સાથે જીવનલક્ષી સમસ્યાઓના સમાધાનની જે કુંચી હાથ લાગી હોય તેની આપ- લે થતી. જુદા જુદા પ્રદેશના લોકોના રીત રિવાજ, રહેણી કરણી પરથી નવા અપનાવવા જેવા લાગે તેવા તત્વોનું આદાન પ્રદાન થતું અને જ્ઞાન અને સમજણનો વિસ્તાર થતો જતો. મહીનાઓ પછી જે તે તીર્થસ્થળે દેવ દર્શન કે સ્નાનનો લાભ લઈ જીવન કૃતાર્થ કરતા. પાછા આવે ત્યારે જીવનમાં કંઈક પામીને આવ્યાનો અને વિધાયક જીવનદૃષ્ટિ પ્રાપ્ત કર્યાનો આત્મસંતોષ ચહેરા પર છલકાતો.  દર બાર વર્ષે ભરાતા કુંભ મેળાની યાત્રા કરવાનું માહાત્મ્ય પણ એટલા માટે જ છે કે સંપૂર્ણ ભારતવર્ષમાંથી  લોકો યાત્રા માટે ઉમટતા, જુદા જુદા ક્ષેત્રોમાં થયેલા નવતર પ્રયોગો અને તેમાં મળેલી સિદ્ધિઓની ચકાસણી થતી. અવનવાં સંશોધનો રજૂ થતાં. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, રાજનૈતિક વગેરે બાબતોને લઈને જે વિધાયક પરિણામો જે તે ક્ષેત્રના વિદ્વાનોને પ્રાપ્ત થયાં હોય તેના પર વિશદ ચર્ચા મહીનાઓ સુધી એ પવિત્ર સ્થળો પર ચાલતી. સામાન્ય માણસો એ બધું ઊંડાણથી તો ન સમજી શકે, પણ એ શિબિરોમાં ચાલતી ચર્ચામાંના કેટલાક શબ્દો સાંભળે તો પણ તેનું જીવન ધન્ય થઈ જતું. લોકો એવા જીવન ઉપયોગી શિબિરોનો નિરાંતે  લાભ લઈ શકે એ માટે સંતાનોના વિવાહ કે ગૃહનિર્માણ જેવા તમામ  માંગલિક કાર્યો મુલતવી રાખવામાં આવતા.  જે વર્ષે સિંહ રાશિમાં ગુરુનું ભ્રમણ ચાલતું હોય તે ગોદાવરીના વરસમાં લગ્ન ન કરવાનો રિવાજ આ જ કારણે પડ્યો હતો એમ ‘તત્વમસિ‘ નવલકથામાં ધ્રુવ ભટ્ટે પણ નોંધ્યું છે. બાકી, ગોદાવરીના વરસમાં કોઈ શુભ કાર્ય ન થઈ શકે એ વાતમાં કોઈ માલ નથી. વધારે દક્ષિણા માંગીને બીજી કોઈ ફાલતુ વિધિથી નિવારણ કરેલું બતાવીને ગોર મહારાજો લગ્ન ન કરાવે તો બિચારા આખું વરસ ભૂખે મરે! મૂળ વાત, યાત્રા શબ્દ પાછળનું ગાંભીર્ય ચાલી ગયું. રેલવેના કંપાર્ટમેન્ટમાં લખ્યું હોય છે કે ‘યદિ દૂસરે યાત્રી ન ચાહેં તો કૃપયા રેડિયો બંદ કીજિએ!‘ નોકરી ધંધાર્થે રેલવેમાં રોજ મુસાફરી કરનારા પણ યાત્રીનું સન્માન પામે! મહાત્મા ગાંધીજીએ નમક સત્યાગ્રહ માટે ૧૯૩૦માં ‘ દાંડીકૂચ‘ કરી હતી, આપણે દાંડીયાત્રા કરવા નીકળ્યા છીએ!

યાત્રા શબ્દને પણ કેટકેટલાં વિશેષણો લાગવા માંડ્યાં?  પદયાત્રા પછી રથયાત્રા, સાઈકલયાત્રા, રેલયાત્રા, હવાઈયાત્રા, દરિયાઈયાત્રા, વિદેશયાત્રા, અવકાશયાત્રા …વગેરે. પણ, જીવનયાત્રા શબ્દ ધ્યાનાકર્ષક છે. જે લોકો બીજા માટે જાત ઘસીને ઉત્કૃષ્ટ, પ્રેરણાદાયી જીવન જીવી ગયા તેમની જિંદગીને ‘જીવનયાત્રા‘નું નામ આપવામાં આવે છે. એમ કંઈ મફતમાં બધાને યાત્રિક હોવાનો દરજ્જો ન મળે. વાત જ જ્યારે યાત્રા શબ્દની નીકળી છે ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં છેલ્લા દસેક વરસથી ‘યાત્રા‘ શબ્દનો જાણે વરઘોડો નીકળી રહ્યો હોય એમ કહેવાનું મન થાય છે. વારંવારના અનુચિત ઉપયોગથી શબ્દો લિસ્સા બની જાય છે. એની ધાર બુઠ્ઠી થઈ જાય છે, એનો અર્થ ઝંખવાય છે. શબ્દ લજવાય છે. વિકાસયાત્રા, પ્રવેશયાત્રા, સદ્ ભાવનાયાત્રા, વિવેકાનંદયાત્રા, વિચારયાત્રા , વાચનયાત્રા, ચૂંટણીયાત્રા…. લાગે છે કે જીવનની તમામ ક્રિયા જોડે ‘યાત્રા‘ શબ્દ જોડાઈ જશે કે શું? ગૌરવભરેલા, અર્થપૂર્ણ શબ્દોનો કેવળ શૃંગાર તરીકે અથવા પ્રાસ બેસાડીને દુરૂપયોગ કરવાથી અંતે તો શબ્દોની શોભાયાત્રાને બદલે સ્મશાનયાત્રા જ નીકળે કે બીજું કાંઈ? શબ્દ એ બ્રહ્મ છે. બ્રહ્મશક્તિનો અનુચિત ઉપયોગ કરવાની લાલસા ટાળવી જોઈએ.

પેડ વુમન ઓફ ઈન્ડિયા-માયા વિશ્વકર્મા

પેડ વુમન ઓફ ઈન્ડિયામાયા વિશ્વકર્મા

 

મધ્યપ્રદેશના નરસિંહપુર તાલુકાના એક નાના ગામની માયા નામની મહિલાની વાત છે. ૨૬ વરસની વય સુધી, માસિક શ્રાવ દરમ્યાન એણે નકામા થઈ ગયેલા જૂના વસ્ત્રોનો ઉપયોગ કરેલો. એને લીધે એને પણ અનેક બિમારીઓ વેઠવી પડેલી. આજે ૩૬ વર્ષની વયે, હજારો કન્યાઓ અને સ્ત્રીઓને આવી બિમારીઓ વેઠવી પડે એટલા માટે અમેરિકાના સાનફ્રાન્સીસ્કો જેવા શહેરમાં, શોધવિજ્ઞાનિક તરીકેની મોટા પગારની નોકરીને ઠોકર મારી સમાજ સેવામાં જંપલાવ્યું, અને જોતજોતાંમાં પેડ વુમન ઓફ ઇન્ડિયા બની ગઈ.

લ્યો માંડીને વાત કરૂં. માયાના માતાપિતા ખેત મજદૂર હતા. ગરીબીને ગણકારાતાં માયાએ અભ્યાસ જારી રાખ્યો, અને આખરે જાદવપુર યુનિવર્સિટીમાંથી  બાયોકેમિસ્ત્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવી. થોડા સમય માટે All India Institute of Medical Science માં રીસર્ચનું કામ કર્યું અને ત્યાર બાદ ૨૦૦૯માં અમેરિકામાં લ્યુકેમિયા નામના કેન્સર ઉપર શોધખોળ કરવા વૈજ્ઞાનિક તરીકે કામ મળતાં અમેરિકા આવી ગઈ.

બધા સમય દરમ્યાન એના મનમાંથી એક વાત ખસતી હતી. એના ગામની અને આજુબાજુના ગામની સ્ત્રીઓને ખૂબ નાની ઉમ્મરે ગર્ભાશયની તકલીફને લીધે ગર્ભાશય કઢાવી નાખવું પડતું. એને એનું એક માત્ર કારણ માસિક દરમ્યાન વપરાતા નકામા થયેલા વસ્ત્રોના ઉપયોગમાં દેખાયું.

જાન્યુઆરી ૨૦૧૪ માં પોતાની નોકરી છોડીને અમેરિકાથી પાછી પોતાના ગામમાં આવી, અને સુકર્મ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી. અમેરિકા અને ભારતમાંથી દાનની રકમ એકઠી કરી, સ્થાનિક લોકોને ટ્રેઈંનીંગ આપી, સેનિટરી પેડસ બનાવવાનું શરૂ કર્યું, અને ખૂબ સસ્તા ભાવે લોકોને આપવાનું શરૂ કર્યું. સાથે સાથે ઘરે ઘરે ફરી સ્ત્રીઓને સમજ આપી અને પેડ વાપરતી કરી. શાળાઓમાં જઈ, છોકરીઓને માસિક વિષે સમજ આપી અને શરૂઆતથી પેડ વાપરતી કરી. માસિક ક્રીયાની સમજ આપતાં ચિત્રો સાથે કેલેન્ડર છપાવીને શાળાના વર્ગોમાં ટીંગાળ્યા. લોકો જે વિષય વિશે વાત કરતા શરમાતા હતા, એમને વિષયની ખુલીને ચર્ચા કરતા કર્યા.

કામ શરૂ કર્યાના બે વર્ષમાં એમણે ૨૦૦૦ સ્ત્રીઓને પેડ વાપરતી કરી દીધી, અને પોતે પેડ વુમન ઓફ ઈન્ડિયા બની ગઈ. એનું કામ જોઈ અને મિત્રો, અને દાનવીરો સુકર્મ ફાઉન્ડેશનને આર્થિક મદદ કરવા લાગ્યા.

મારી માયા સાથે પહેલીવાર મુલાકાત એક મિત્ર કિરીટ શાહના લગ્નની વર્ષગાંઠની ઉજવણી દરમ્યાન થઈ. સંજોગો વશાત હું અને માયા જમવાના એક ટેબલ ઉપર હતા. અચાનક કિરીટભાઈએ જાહેરાત કરી કે હું તમને બધાને પેડવુમન ઓફ ઈન્ડિયાનો પરિચય કરાવું, અને માયાને ઊભા થવાનું કહ્યું. મેં માયાને મારી ઓળખાણ આપી. ત્યાર બાદ મને એક બે વાર બીજા સામાજીક કાર્યક્રમોમાં મળેલી. ૨૦ મી ઓક્ટોબર ૨૦૧૮ ના કેલિફોર્નિયાના સાન્ટાક્લારાના કનવેન્શન સેંટરમાં ઈન્ડિયન્સ ફોર કલેક્ટીવ એકશનની સુવર્ણ જયંતિ દરમ્યાન માયા સેમીનારની એક અગત્યની વક્તા હતી. ત્યારે એના કાર્યક્ષેત્રનો મને અંદાઝ આવ્યો.

મને જેટલી વાર મળી એટલી વાર મારા પ્રત્યેનું સન્માન અને પ્રેમ દર્શાવવા એણે અમેરિકાના રીવાજ મુજબ Hug આપ્યું.

-પી. કે. દાવડા

“એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૮ (અંતીમ)”-અને અંતે

(આંગણાની સમસ્ત ટીમ વતી હું શ્રી નટવરભાઈ ગાંધીનો હ્રદયપૂર્વક આભાર માનું છુ. એમણે “દાવડાનું આંગણું”માં એમની આત્મકથા “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” સતત ૪૮ અઠવાડિયા સુધી આપીને “આંગણું”ને શોભાવ્યું છે. એમની આ પ્રેરણાદાયી આત્મકથા દેશ-વિદેશના વાચકોનું આકર્ષણ બની રહી છે. આશા છે કે શ્રી નટવરભાઈની લેખણીનો આંગણાંને ફરી લાભ મળશેશ્રી નટવરભાઈની આત્મકથાને ઉત્સાહભર્યો આવકાર આપવા માટે આંગણાંના સર્વ વાચકોનો પણ આભાર માનું છું. – જયશ્રી વિનુ મરચંટ (આંગણાંના સલાહકાર) )

અને અંતે

 

આજે નિવૃત્ત થયા પછી મારી સીએફઓ તરીકેની તેરેક વર્ષની કારકિર્દીનો હું વિચાર કરું છું ત્યારે થોડીક વસ્તુઓ સ્પષ્ટ થાય છે. પહેલી વાત તો એ કે વિશ્વની મહાસત્તા સમા અમેરિકાની રાજધાની વોશીન્ગ્ટનના સીએફઓ થવું એ મારે માટે ન માન્યામાં આવે એવી મોટી વાત હતી.  એક તો હું પહેલી પેઢીનો એશિયન ઈમિગ્રન્ટ, બોલું ત્યારે મારી ભાષામાં ઇન્ડિયન ઉચ્ચારોની છાંટ હજી પણ સ્પષ્ટ તરી આવે.  ભલે હું અમેરિકન સીટીઝન થયો, પણ દેખાવમાં પ્રેક્ટીકલી ફોરેનર જ જોઈ લો. અહીં કાળાઓની બહુમતિ. વોશીન્ગ્ટન એક જમાનામાં ચોકલેટ સીટી તરીકે ઓળખાતું. એનું આખું રાજકારણ કાળાગોરાના ભેદભાવથી રંગાયેલું. દાયકાઓથી ગોરા કોંગ્રેસમેન અને તેમના ખાંધિયાઓ અહીં રાજ કરતા હતા.  ડીસ્ટ્રીકની બહુધા બધી ઉચ્ચ કક્ષાની પોઝિશન એ લોકો પચાવીને બેઠા હતા. હોમરુલ મળ્યા પછી કાળા લોકો અને તેમના પોલીટીશીયનોને  થયું કે આ તો આપણું શહેર છે, એ બધી પોઝિશન હવે કાળા લોકોને મળવી જોઈએ. આ કારણે વિલિયમ્સ મેયર થયા એ પહેલાં આવી કોઈ પોઝિશનમાં કોઈ ગોરો માણસ મળે તો એ અપવાદ રૂપે જ.

Continue reading “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૮ (અંતીમ)”-અને અંતે

D. N. A. + (જિગીષા દિલીપ પટેલ)

(ગઈકાલે “માનવતાની મિસાલ” લેખમાં જે વ્યક્તિનો ઉલ્લેક છે, એ વ્યક્તિ અને એના કુટુંબ વિષે આંગણાંના મુલાકાતીઓ વધારે જાણી શકે, એટલા માટે એમની દિકરીએ લખેલો આ લેખ આજે રજૂ કરૂં છું. મનુષ્યના જીવનમાં માત્ર D.N.A. જ નહીં પણ વાતાવરણ પણ ભાગ ભજવે છે, એનું આ એક ઉદાહરણ છે. એટલે જ મેં આ લેખને D.N.A. + શીર્ષક આપ્યું છે.-સંપાદક)

D. N. A. +

મારો જન્મ ૧૭ મી જુલાઈ ૧૯૫૪ માં અમદાવાદમાં ગાંધીવિચાર શરણી ધરાવતાં કુંટુંબમાં થયો હતો. મારા પિતા માણેકલાલભાઈએ બાળપણમાંજ તેમના માતાપિતાની છત્રછાયા ગુમાવેલી છતાં આપબળે જ સામાજિક, ધંધાકિય, ધાર્મિક અને રાજકિય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી હતી. પપ્પા ગુજરાત  કોલેજમાં બીજા વર્ષમાં હતાં ત્યારેજ ગાંધી રંગે રંગાઈ ભણવાનું છોડી “જેલભરો આંદોલન” હેઠળ જેલમાં ગયા હતા. આ દરમ્યાન રાષ્ટ્રિય સ્વયંમસેવક સંધ ના પ્રચારક શ્રી દેશમુખજી ના પરિચયમાં આવ્યા, ને આજીવન સંઘસેવક બની નિ:સ્વાર્થ દેશસેવા કરતા રહ્યા.

સંઘના ગુજરાતનામંત્રી હોવાને નાતે અમારે ધેરશ્રી  શૈષાદ્રીજી, શ્રી સિકંદર બખ્તજી, શ્રી અટલબિહારી બાજપાઈજી, શ્રી  મુરલી મનોહર જોષીજી, શ્રીઅડવાણીજી, શ્રી નરેન્દ્ મોદીજી જેવા અનેક સંઘના મહાનૂભાવો ની અવરજવર રહેતી.

મારી માતા સૂર્યકાન્તાબેને મોન્ટેસરી કરેલ અને શારદામંદિર જેવી એક અમદાવાદની પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષિકા હતા. મારું બાલમંદિર થી મેટ્રિક સૂધીનું ભણતર શારદામંદિરમાંજ થયું હતું . મારા માતા પિતાનાલગ્ન ખૂબ સાદાઈ થી સૂતરની આંટી પહેરાવી શ્રી રવિશંકર મહારાજ ની હાજરીમાં થયેલ।. શ્રી રવિશંકર મહારાજ પણ અમારે ત્યાં જમવા આવતા, અને હું સાતેક વર્ષની ઉંમરે તેમને રોટલી પીરસતી તેવું આજે પણ મને યાદ છે. મારા કાકા ધીરુભાઈ પટેલ પણ વિનોબાજી સાથે ભૂદાન યજ્ઞમાં જોડાએલ અને દાંડીકૂચમાં પણ ગયેલ।. કાકા ગાંધી સ્મારકનિધિના મંત્રી હતા ને તે ગાંધીઆશ્રમમાંજ રહેતા. ગાંધી આશ્રમમાં નહેરુજી, મોરારજીભાઈ જેવા અનેક નેતાઓ આવતા તો તેમને ગુલાબના ફૂલ અને સૂતરની આંટી પહેરાવવાના અનેક મોકા મને મળ્યા છે.

પપ્પાએ ધંધાની શરુઆત એક નાના પ્રેસથી કરેલ પણ તેમની આગવી સૂઝબૂઝ ને વિશાળ દૃષ્ટિકોણથી અમદાવાદ પ્રિટિંગ એસોસિયેશન અને ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક એસોસિયેશનના વર્ષો સુધી પ્રમુખ રહ્યા હતા. આમ પિતાજીને પ્રેસ હોવાને લીધે પોતાની ચોપડી છપાવવા અને તેમાંથી થયેલ અંગત સંબંધો ને લીધે શ્રી ઊમાશંકર જોષી, પિતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર, ભોળાભાઈ પટેલ,પન્નાલાલ પટેલ, રમણભાઈ સોની, નગીનદાસ પારેખ જેવા અનેક લેખકો અને કવિઓની રોજની અવરજવર અમારે ત્યાં રહેતી. આમ ઘરમાં જ લાઈબ્રેરી અને સાહિત્યનો ખોળો ખુંદીને ઉછરવાનો મોકો મળ્યો છે.

મારા પિતા સમાજ સુધારક હોવાને લીધે પટેલોમાં ચાલતી ગોળપ્રથા, દહેજપ્રથા, અને બાળલગ્ન જેવી પ્રથા નાબુદ કરી, સમૂહલગ્નો કરાવતા હતા. મદયમવર્ગની બહેનોને રોજગારી મળે તે માટે ધરતી વિકાસ મંડળની સ્થાપના કરી અને ધરતી માસિક પણ ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે. ધરતી માસિક અમારે ત્યાં છપાતું એટલે પ્રેસ નું નામ પણ ધરતી મુદ્રણાલય હતું. કુમાર માસિક ચલાવતા બચુભાઈ રાવત પણ પપ્પા ના ખાસ અંગત મિત્ર હતા. તબીબી સુવિધા પૂરી પાડતું કરુણા ટ્રસ્ટ, સદવિચાર પરિવાર, સાધના, ઊઝાં ઊમિયા માતા ટ્રસ્ટ જેવી અનેક સંસ્થા ના પપ્પા  ટ્રસ્ટી  હોવાથી આ સામાજિક સંસ્થાઓની દરેક પ્રવૃત્તિમાં અમને ભાગ લેવા પ્રોતસાહિત કરતા. અમને સમજાવતા કે પોતાનું પેટ ભરીને તો કૂતરાં બિલાડાં પણ જીવે છે, બીજા ને માટે કોઈ અપેક્ષા વગર કંઈક કરીને જીવો તો જીવેલું સાર્થક બન્યું કહેવાય.

આમ બચપણથી જ સેવા, સાદગી, નિષ્કામકર્મ અને દરેક માનવમાં પ્રેમભાવ અને ઈશ્વરદર્શનના સંસ્કારના સૂચન સાથે હું મોટી થઈ. મારી માતા ખૂબ સારૂ સંસ્કૃત જાણતી. પંદર વર્ષની ઉંમરે તેને ગીતાના જાણવા લાયક બધાજ અધ્યાયના બધા શ્ર્લોક અર્થ સહિત કંઠસ્થ હતા. મારા માતાપિતા હું સમજણી થઈ ત્યારથી દરરોજ સવારે આઠથી નવ એક કલાક સ્વાધ્યાય કરતા. વિદ્વાન સંતો  પાસેથી વેદો, ઉપનિષદો, પુરાણો, બ્રહ્મસૂત્ર, નારદભક્તિસ્તોત્ર જેવા અનેક ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા. આના ફળસ્વરુપે મને પણ સંસ્કૃત પ્રત્યે વિશેષ રુચી રહી છે. મારી માતા જે પણ સંતો પાસેથી જાણતી તેની રોજબરોજ ચર્ચા અમારી સાથે કરતી. મોટા થયા પછી તદરુપાનંદજી, સત્યમિત્રાનંદજી, ડોંગરેજી, મોરારીબાપુ , સચ્ચીદાનંદજી જેવા અનેક વિદ્વાન સંતોની કથા, સદવિચાર પરિવાર ના ટ્રસ્ટી હોવાથી પપ્પા જ સંચાલન કરતા, અને અમે તે અચુક સાંભળીએ તેવો આગ્રહ રાખતા. આ બધા મહાત્માઓ સાથે તેમના નીકટના સંબધ રહેતો. ડોંગરેજીના રામાયણ અને ભાગવત અમારા પ્રેસમાં છપાતા. પપ્પા નજીકના મિત્રો ને સગા સંબંધીઓને તે ભેટ આપતા. આ બધા જ સંતોને નજીકથી જાણવા, મળવા અને અનેક વખત સાંભળવાનો લાભ મને મળ્યો છે. આમ કોલેજમાં પહોંચતા સુધીમાં સાહિત્ય, શાસ્ત્રો અને વેદાંતનું સામાન્ય જ્ઞાન મળી ગયું હતું.

મારી માતા એટલે હાલતુંચાલતું લગ્નબ્યુરો. મમ્મી દર અઠવાડિએ એક લગ્ન અચૂક ગોઠવતી. તે ખાલી પટેલ જ હોય તેવું નહી. માતાના વારસા સ્વરૂપે મેં પણ ઘણા લોકોના લગ્ન કરાવ્યા છે. માતાપિતાની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ ને લીધે વિશાળજન સમુદાય ને જાણવાનો લાભ મળ્યો છે.

શાળામાં હું હમેશાં વકતૃત્વ સ્પર્ધા, ગરબા ને ફોકડાન્સમાં ભાગ લેતી, જે કોલેજકાળ દરમ્યાન પણ ચાલુ રહ્યું. મેટ્રિક ૭૦ ટકા સાથે ૧૯૭૦માં પાસ કરેલ અને મારી ઈચ્છા તો એન.આઈ.ડી કે બરોડા ફાઈનઆર્ટસમાં જવાની હતી. જયંતિ પટેલ “રંગલો” પપ્પાના ખાસ મિત્ર. તેઓ મને તેમની દીકરી જ ગણે. તે મુંબઈ રહેતા, અને દર મહિને અમદાવાદ આવતા. તે મને હંમેશ કહેતા કે “મને તારા માં આર્ટીસ્ટના લક્ષણ દેખાય છે, એટલે તારે કોઈ ક્રિએટીવ લાઇનમાં આગળ ભણવું જોઈએ. પપ્પા ને એન.આઈ.ડી અને બરોડા ફાઈન આર્ટસ નું વાતાવરણ ગમતું નહીં, તેથી મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું, અને સાઈકોલોજી અને ગુજરાતી સાથે બી.એ.કર્યું. કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે જ લગ્ન થઈ ગયા. છેલ્લા વર્ષની પરિક્ષા સાસરેથી આપી. મારી આગળ એમ.એ કરવાની ખૂબ ઇચ્છા હતી પરંતુ સંયુક્ત, ગર્ભશ્રીમંત અન  રુઢીચુસ્ત પરિવારમાં મારા લગ્ન થયા હતા તેથી તે બિલકુલ શક્ય નહોતુ.

  મારા પતિ દિલીપ મારા લગ્ન થયા ત્યારે કાપડનો હોલસેલ નો  ધંધો કરતા. અમદાવાદ ભારતનું માંચેસ્ટર, અને દિલીપના બા અને મોટા કાકી બન્ને લશ્કરી સ્વભાવના. બન્ને મુંબઈ જય ફેબ મિલના માલિક ની દીકરીઓ, મફતલાલ અને ભારતવિજય મિલના માલિકો પણ નજીકના સગા, એટલે છ-સાત મિલોની એજન્સી હોવાથી કુટુંબ ધમધોકાર ધંધો કરતું. મુંબઈ ની બરોડા રેયોન, નેશનલ રેયોનની પણ યાર્નની એજન્સી. સંયુક્ત કુટુંબ હોવાથી મહેમાનો ની અવરજવર પણ ખૂબ રહેતી. ધરમાં સાહિત્ય ને કોઈ સમજતું નહીં.

મધ્યમવર્ગીય, સેવાભાવી, સાહિત્યિક, વેદાંતી વિચાર સરણી ધરાવતા કુટુંબમાંથી આવીને તદ્દન જુદા વાતાવરણમાં ગોઠવાતાં ખૂબ અઘરું પડેલું. આ પરિસ્થિતિમાં પણ પપ્પા સમજાવતા કે સરળ પ્રવાહમાં તો બધા તરે, તોફાની દરિયામાં તરે તે ખરો તરવૈયો કહેવાય. દિલીપના ખૂબ સાલસ સ્વભાવ અને મારી દરેક પ્રવૃત્તિમાં તેના સપોર્ટથી જીવન રસસભર રહ્યું. સંયુકત પરિવારમાંથી સત્તર વર્ષ બાદ જેવા છૂટા પડયા કે  તરત પોતાની આગવી પ્રતિભા વિકસાવવાની તક મળી ગઈ. પચ્ચીસ વર્ષ પંજાબી ડ્રેસ અને ડીઝાઈનર સાડીનું  ‘Nikki’s ‘નામે બુટિક ચલાવ્યું, અને તેની સાથે સાથે બુટિકમાં નવરાશના સમયે રોજ સાહિત્યની ગોષ્ઠી શરુ થઈ ગઈ.

દીકરો નિકેન ઈલેક્ટ્રોનિક એન્જીનીઅરીંગ અને એમ.બી.એ. ની ડીગ્રીઓ ધરાવે છે. મુંબઈમાં ભણીને પહેલું પ્લેસમેન્ટ અમેરિકામાં થયું, તેથી વીસ વર્ષથી અમેરિકામાં જ છે. અત્યારે તેની પોતાની આઈ.ટી કંપની છે. પુત્રવધુ પણ G.E. Digital માં ઊંચી પોસ્ટ પર જોબ કરે છે. દીકરી ધ્વનિએ M.Sc.  આઈ.ટી માં કરી ન્યુયાોર્ક થી M.B.A કર્યું છે. તે ન્યુયોર્કમાં જ જોબ કરે છે. જમાઈ Abi  verghese  ફિલ્મ ડિરેક્ટર છે, જે ઇંગ્લિશ, હીન્દી ને મલયાલમ ટી.વી સિરીયલ અને ફિલ્મ બનાવે છે. આમ બાળકો અહીં સેટલ થયા હોવાથી દસ વર્ષથી અમે બન્ને પણ અમેરિકામાં રહીએ છીએ . સાહિત્યમાં ઊંડો રસ છે. જીવન અનેક જાતના વળાંકોમાંથી પસાર થયું છે. હાલમાં લખવાની શરુઆત કરી છે, આ સફર હવે અટકવાની નથી. અંદર તો દરિયો ઉમટેલો છે, એને ઉલેચવાનો છે. ધરમાં નાના મોટા પ્રસંગો નિમિત્તે ,પપ્પા ના પ્રેસની ષષ્ઠીપૂર્તિ, માતપિતા ના મૃત્યુ પછી બહાર પડેલ ધરતી, સાધના જેવા અંકોમાં લેખ લખવાનું બન્યું છે, પણ ખરી શરુઆત તો અમેરિકા આવ્યા બાદ જ થઈ છે.

ભગવાન ની કૃપા થી જીવનમાં માંગતા પહેલા ઘણું મળી ગયું છે, પરતું એક વાત નું દુ:ખ હમેશાં રહેશે કે પપ્પા ની ઇચ્છા હતી કે નિવૃતિ દરમ્યાન એમની ઊભી કરેલ સંસ્થાઓમાં, કે બીજે ક્યાં પણ નિ:સ્વાર્થ સેવા કરીએ, પરંતુ દેશ છોડીને આવવાથી તે શક્ય ન બન્યું.

જીવન માં કોઈપણ પરિસ્થિતિ હોય તેમાં હસતા રહો, દરેક વ્યક્તિ  ભગવાન નું જ સર્જન છે, તેથી  નાતજાત, દેશ-પ્રાંત કે ધર્મના ભેદ વગર બધા ને પ્રેમ કરો. કુટુંબ, મિત્રો અને સમાજમાંની દરેક વ્યક્તિ જેવી છે તેવી તેને સ્વીકારી લો, સામેની વ્યક્તિ ને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે પોતે બદલાવા કોશિશ કરો. નિ:સ્વાર્થ સેવાથી જીવનમાં  અનોખો આનંદ ને આત્મ સંતોષ મળે છે.

-જિગીષા દિલીપ પટેલ

પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૫ -“ડાયાબેટિક પ્રસાદ.”

(૫) ડાયાબેટિક પ્રસાદ.

 

ઊર્મિનો ઊચાટ અને બબડાટ ફફડાટ પરાકાષ્ટા એ પહોંચ્યો હતો. એના બા એટલે કે સાસુજી ભગવાનની રૂમમાં માળા ફેરવતા હતા. જેઠ એટલેકે જીજાજી ટીવી પર ન્યુઝ જોતા હતા. જેઠાણી એટલેકે એની પોતાની મોટી બહેન રસોઈ કરતી હતી. એનો વ્હાલમિયો ઉત્પલ ઘરમાં આવ્યો જ ન હતો. ભાણેજ કહો કે ભત્રીજો કહો નિખિલ, એના ફેસબુક સંપર્કમાં મસ્ત હતો. દસ વર્ષની  દીકરી આર્ષા, કાનમાં ઈયરફોન નાંખીને  મોટા બરાડા પાડી કંઈક ગાતી હતી.  

Continue reading પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૫ -“ડાયાબેટિક પ્રસાદ.”

માનવતાની મિસાલ (જિગીષા પટેલ)

( ૨૬ મી જુલાઈ, ૨૦૦૫ માં મુંબઈમાં વરસાદે કાળો કેર વર્તાવેલો ઘણાંને યાદ હશે. ૨૪ કલાકમાં ૯૪૪ મીલીમીટર વરસાદે સમગ્ર શહેરને સમુદ્રમાં બદલી નાખ્યું હતું. આસરે ૧૦૦૦ માણસોનું મૃત્યુ થયું હતું, અને આસરે ૧૪૦૦૦ ઘરો નાશ પામ્યા હતા. ૧૨ મી ઓગસ્ટ, ૧૯૭૯ માં આવી હોનારત મોરબીમાં થઈ હતી. કેલિફોર્નિયાના Bay Area માં રહેલા શ્રીમતિ જિગીષા પટેલે ઘટનાનો હ્રદયને હચમચાવી તેવો ચિતાર અહીં આપ્યો છે.-સંપાદક)

 

માનવતાની મિસાલ

વાત મોરબી ગામની છે.૧૯૭૯ ના ઑગસ્ટની બારમીના એ ગોઝારા દિવસે બારે મેઘ ખાંગા થયા. મોરબીમાં ચોવીસ કલાકમાં લગભગ પચ્ચીસ ઈંચ વરસાદ પડ્યો. મચ્છુડેમના પાણીનું સ્તર ડેમની ક્ષમતા કરતાં ખૂબ વધારે વધી જવાથી, નવાગામ ને જોધપુરના માટીના પાડા તૂટી ગયા. ત્રીસ ફૂટ ઊંચા પાણીના મોજાંએ મોરબીને પોતાના ભરડામાં લઈ તહસનહસ કરી નાંખ્યું. સંદેશા વ્યવહાર ઠપ્પ થઈ ગયો. સૌ કોઈ પોતાની જાન બચાવવાની વેતરણમાં લાગી ગયા. આસરે તેર હજાર અબોલ પશુઓ અને અસંખ્ય માનવોની જાનહાની થઈ. મોરબી આખેઆખુ કબરસ્તાન બની ગયું! મોરબીની હાલતની જાણ થતાં ગુજરાતભરના લોકોએ પૈસા, ઘરવખરી, અનાજ અને ફૂડપેકેટસ મોકલવાનું શરુ કર્યું.

કાદવકીચડ અને ધ્વસ્ત ઘરોના કાટમાળની સફાઈ કરાવવાનું કામ તો યુદ્ધના ધોરણે ચાલુ થયું. પણ વીજળીના થાંભલા લટકતી ને ઘરોની અંદર ને બહાર રઝળતી બેધણીયાત લાશોને કોણ ઠેકાણે પાડે? “જનસેવા એજ પ્રભુસેવા” ના મંત્ર સાથે જીવનાર અને યુવાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને દેશસેવાના જેણે શપથ લીધા હતા તેવા માણેકલાલે બધીજ લાશોને ઠેકાણે પાડવાની જવાબદારી ઉપાડી લીધી. સંઘના અનેક કાર્યકરો પણ તેમની સાથે જોડાયા.આ કામ નાનું સૂનું નહોતુ.

બાર દિવસ થયા પણ માણેકલાલના આપ્તજનોને તેમના કોઈ સમાચાર ન મળતાં તેમના કુટુંબીઓ ગાડી લઈ મોરબી પહોંચ્યા.તેમના મુખેથી મોરબીની કરુણ દાસ્તાન સાંભળી બધાના હ્રદય રડી ઊઠ્યા ને આંખો ભીની થઈ ગઈ.

ખાદીનો સદરો ,ખાદીની ચડ્ડી, માથે આર.એસ.એસ ની ટોપી,પગમાં ઢીંચણ સુધીના ગમબુટ ને હાથમાં કોણી સુધીના હેન્ડગ્લોવ્ઝ પહેરીને સહન ન કરી શકાય તેવી દૂર્ગંધથી બચવા નાક અને મોં પર ખાદીનો રુમાલ બાંધી, માણેકલાલ લાશોને કાદવ કીચડમાંથી બહાર કાઢી એક જગ્યાએ નજીકમાં જ ભેગી કરતાં…..આંખમાં ટપકતા આંસુ અને મુખમાંથી સતત ગીતાના શ્ર્લોક સાથે અગ્નિદાહ આપતા……

નૈનમ્ છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનમ્ દહતિ પાવક:

ન ચ એનમ્ ક્લેદયન્તિ આપ:, ન શોષયતિ મારુત: ।

આમ ગીતાનું પઠન કરતા કરતા એક એક શબને હાથલારીમાં, બીજા કાર્યકરની મદદથી, ઊંચકીને મૂકતા જતા હતા અને દસ થી પંદર લાશ એક જગ્યાએ ભેગી થાય એટલે ઘરની બહાર જ તેના પર ખૂબ ઘાસલેટ કે પેટ્રોલ છાંટી તેને અગ્નિદાહ આપતા. દરેક જીવ ઈશ્વરનો જ અંશ છે એ વાત તેમણે આત્મસાત્ કરેલ હોવાથી પોતાનો જ લાડકવાયો પુત્ર-પુત્રી, ભાઈ-બહેન કે માતા-પિતા હોય તેમ શબના કાનમાં ભગવાનનું નામ ફૂંકી, પાંચ ફેરા પ્રદક્ષિણાના ફરી તેને અગ્નિદાહ આપતા હતા. બાર દિવસમાં છસ્સો થી સાતસો લાશ ને તેમણે અગ્નિદાહ આપ્યો.

બ્રાહ્મણવાડા,વાઘપરામંદિર, શાળાઓ ને ભોજનશાળામાં નીચાણવાળા જે વિસ્તારના લોકોને આશરો આપેલ ત્યાં તો એકસાથે સાંઇઠ સિત્તેર લોકોની લાશો હતી. જાન બચાવવા પોતાના ઘરબાર છોડીને અહીં આવેલ લોકોએ પાણી વધતા હોલના બારણા બંધ કરી દીધેલ, પણ પાણીના ત્રીસ ફૂટ ઊંચા મોજાએ તેમને હોલની અંદર જ એકસાથે ધરબી દીધા. બહાર નીકળવા ફાંફાં મારતી તેમની હથેળીઓની છાપો હોલની ચારેબાજુ મોતના થાપા પાડી ગઈ હતી. કેટલાક આખા કુટુંબો નાશ પામ્યા હતા. બચેલાભ્યો પોતાના આપ્તજન ને શોધી રહ્યા હતા. ”વસુધૈવ કુટુમ્બકમ્” ના ભાવ જેની રગરગમાં વહેતી હતી તેવા માણેકલાલ, આવા અતિ હ્રદયદ્રાવક દ્રશ્યો જોયા પછી બાર દિવસ સુધી જમ્યા નહોતા. તે બોલ્યા હતા તે શબ્દો હજી પણ કંપાવી જાય છે!!!. “તમારા કુટુંબી ને વળાવી ને તમે જમી શકો છો?” અને આતો અતિ વસમાં વળામણા છે. પાણીમાં રહીને વિકરાળ બની ગયેલી લાશોને ફંફોસીને પોતાના સ્વજન ને શોધતા ને કરુણ રુદન કરતા કુટુંબીને જોઈ ને તેમની ભૂખ મરી પરવારી હતી. રાતે સૂતા પહેલા મુઠ્ઠી ખારી શીંગ ખાઈ પાણી પી ને તે સૂઈ જતા. આવા કારમાં દ્રશ્યો જોઈ તેમની રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી….અગ્નિની પાસે સતત ઘાસલેટના ધુમાડાથી તેમનેા ગોરોવાન શ્યામ થઈ ગયો હતો, ને દસ બાર પાંઉન્ડ વજન પણ ઉતરી ગયું હતું.

કામની સાથે સાથે, જે કુટુંબોમાં એકાદ બાળક કે વડીલ કે પત્નિ એકલા બચી ગયા હોય એવા અનેક લોકો ને સાંત્વના આપવાનું બહુ મોટું કામ પણ તેમણે એક લાગણીસભર વડીલ તરીકે સંભાળી લીધું હતું. પોતાના ધંધાપાણી ,ઘરપરિવાર છોડી મોરબી ને તેના લોકોની મદદ કરવા એક અદના દેશસેવક તરીકેની ફરજ તેમણે નિભાવી હતી. તે પોતાને ઘેર પહોંચ્યા પછી જે ગંદકીમાં તેમણે આટલો લાંબો સમય વિતાવ્યો હતો એની અસરથી એક મહિના સુધી તાવમાં પટકાયા હતા.

આત્મકલ્યાણ કરવા અને લોકોને ધર્મ સમજાવતા અનેક સંત કરતા પણ માનવસેવા કરનાર આ સંત શું મુઠ્ઠી ઉંચેરો નથી???

જિગીષા પટેલ

(સત્યઘટના પર આધારિત)

( સત્યકથાના માણેકલાલ, લેખિકા જિગીષાબહેનના પિતા હતા).

વિયોગ-૧૨ (રાહુલ શુકલ)-સફેદ લેંઘો-દિવાળી પાર્ટીનું “To Do ” લીસ્ટ

 

ચૌદમું પ્રકરણ: સફેદ લેંઘો

ઓકટોબર ૨પ, ૨૦૧૩: મે મહિનામાં ભાઈની શ્રદ્ધાંજલિ પતાવીને ન્યૂ જર્સી પાછો આવ્‍યો ત્‍યારે જ નક્કી કરી નાખેલું કે ભાઈના મૃત્‍યુ અંગે પુસ્‍તક લખવું છે. સુશીબેન ગુજરી ગયાં તે પછી એમનાં પર પુસ્‍તક અંગેની નોંઘ લખવી શરુ કરી ત્‍યારે સ્વપ્નેય ખ્‍યાલ નહોતો કે માત્ર આઠ મહિનામાં બીજા પુસ્‍તકની નોંઘ લખવાનું શરુ કરવું પડશે.

Continue reading વિયોગ-૧૨ (રાહુલ શુકલ)-સફેદ લેંઘો-દિવાળી પાર્ટીનું “To Do ” લીસ્ટ